ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ફાગુસાહિત્ય

ફાગુસાહિત્ય : જૈન અને જૈનેતર

કાન્તિલાલ વ્યાસ

૧. ‘ફાગુ’–સ્વરૂપનો ઉદ્ગમ

સમસ્ત સાહિત્યનો ઊગમ જીવનમાંથી છે – માનવજીવન, એના આનંદઉલ્લાસ, આકાંક્ષા અભિલાષાઓ, એની આશાનિરાશાઓ એ સાહિત્યનું પ્રભવસ્થાન છે. કેટલીકવાર માનવજીવનના આ વિવિધ ભાવો પ્રથમ લોકસાહિત્યમાં ઝિલાય છે, અને પછી એ લોકસાહિત્યનું સ્વરૂપ કલા-સંસ્કાર પામીને કાલક્રમે શિષ્ટ સાહિત્યમાં સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રાચીન ગુજરાતી ફાગુસ્વરૂપ એનું ઉદાહરણ છે. એનો ઉદ્ગમ પ્રચલિત લોકનૃત્યગીતના સ્વરૂપમાંથી થયો છે. સંસ્કૃતપ્રાકૃતથી માંડીને અપભ્રંશના સમય સુધીના પ્રાચીન સાહિત્યમાં ‘ફાગુ’ સ્વરૂપની રચનાઓ ક્યાંયે મળતી નથી. વસ્તુતઃ તો ‘ફગ્ગુ’ (ફાગુ)’[1] શબ્દ દેશ્ય મૂળનો છે, અને પ્રાચીન ગુજરાતીના સમયથી જ એ પ્રચલિત થયો છે; એની પૂર્વે એ મળતો નથી. સંસ્કૃત કોશોમાં નિર્દેશાયેલો फल्गु (વસંતોત્સવ) શબ્દ પ્રાચીન કોશોમાં મળતો નથી; એ કેવળ દેશ્ય फग्गु શબ્દનું જ સંસ્કૃત રૂપાન્તર છે. પ્રાચીન ગુજરાતમાં વસન્ત અવતરતાં વસન્તનાં લોકગીતો ગાવાની પ્રથાના અનેક ઉલ્લેખો મળે છે.[2] એ લોકગીતો સ્ત્રીઓ અને પુરુષો દાંડિયારાસ સાથે ગાતાં. મારવાડમાં હજીયે એ પ્રથા ચાલુ છે. ફાગણનો આરંભ થતાં જ રાજસ્થાનના નગરનગરમાં અને ગામગામમાં ચોકમાં આ લોકગીતનૃત્યો (‘ધિન્નડ’) હજીયે મુક્તપણે ગવાય છે.[3] એને લોકવાણીમાં ‘ફાગ’ કહેવામાં આવે છે. એમાં ફાગણ માસમાં–વસન્તમાં–સ્ત્રીપુરુષોનો વિહાર વર્ણવેલો હોય છે. ઘણીવાર એનાં શૃંગારપ્રચુર વર્ણનો ભદ્રસમાજની શિષ્ટતાની મર્યાદા અતિક્રમી જતાં હોય છે. લોકવાણીના આ ફાગને સંસ્કારીને પ્રાચીન ગુજરાતી કવિઓએ ‘ફાગુ’ કાવ્યનું એક વિશિષ્ટ, મનોરમ સાહિત્યસ્વરૂપ સરજાવ્યું. એ યુગમાં પ્રચલિત રાસ, ઘઉલ, વિવાહલઉ, ચર્ચરી જેવાં કાવ્યસ્વરૂપોમાં ફાગુનું સ્વરૂપ એના વર્ણ્ય વિષયને કારણે, તેમ એની સુવિશિષ્ટ, ચારુ સંઘટનાને કારણે અનેરી સુંદરતા ધારે છે.

૨. ‘ફાગુ’ કાવ્યનું વસ્તુ

– બ્રાહ્મણ ફાગુઓમાં : વસન્તવર્ણન અને શૃંગારરસની નિષ્પત્તિ એ ફાગુ સ્વરૂપનું પ્રધાન લક્ષ્ય છે. વસન્તાવતાર સમયે વનની ઉન્માદક શોભા અને એમાં વિહરતાં પ્રણયીજનોની પ્રણયલીલા – પ્રસંગાનુસાર એમના સંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગાર – સામાન્ય રીતે એનો વિષય રહ્યો છે. જ્યાં વનશ્રીની કમનીય શોભા વ્યાપી રહી છે એવી ઉન્માદિની પશ્ચાદ્ભૂમિમાં રતિ સમી રમણીય રમણીઓ અને કામદેવની કાન્તિ ધારતા કામી પુરુષોના વિલાસનું બહુધા ફાગુઓ વર્ણન કરે છે. સર્વ પ્રાચીન ગુજરાતી ફાગુઓના શિરમોર સમો અજ્ઞાતકર્તૃક ‘વસન્તવિલાસ’ આ પ્રકારનો છે. કોઈ વાર સામાન્ય પ્રણયીજનોને સ્થાને કૃષ્ણ-ગોપીઓનું કે કૃષ્ણ-રુક્મિણીનું નાયક-નાયિકારૂપે આલેખન કર્યું હોય છે. બ્રાહ્મણ (=જૈનેતર) પ્રણાલિકાના ફાગુઓ બહુધા આ સ્વરૂપના હોય છે. ઉ.ત. ‘નારાયણ-ફાગુ’માં કૃષ્ણનો એમની પટરાણીઓ સાથેનો વિહાર વર્ણવ્યો છે. તો ‘હરિવિલાસફાગુ’માં કૃષ્ણની ગોપીઓ સાથેની દાણલીલા અને રાસલીલાનું વર્ણન છે. કૃષ્ણના વેણુનાદે ઘેલી થયેલી, મન્મથાકુલ, એમના વિના વિરહાનલે સંતપ્ત થતી, અને હરિ પ્રાપ્ત થતાં પાછી આનંદવિભોર બનેલી ગોપાંગનાઓના અંગલાવણ્યનું, એમની રાસલીલાનું મનોરમ વર્ણન છે. સોની રામના ‘વસંતવિલાસ’માં કૃષ્ણ-રુક્મિણી નાયક-નાયિકાને સ્થાને છે. પ્રોષિતભર્તૃકા રુક્મિણીનું પ્રથમ વર્ણન કરી પછી કૃષ્ણ સાથે રુક્મિણીનું મધુર મિલન થતું દર્શાવ્યું છે. કાયસ્થ કેશવદાસના ‘વસંતવિલાસ’ ફાગુમાં કૃષ્ણ અને ગોપીઓના વિલાસનું વર્ણન છે. – જૈન ફાગુઓમાં : જૈન કવિઓએ ફાગુના આ કાવ્યસ્વરૂપને એક વિશિષ્ટ વળાંક આપીને શૃંગારના વાહનરૂપ આ કાવ્યરચનાને તીર્થંકરો, ગણધરો અને સૂરીશ્વરોના વૈરાગ્ય અને ઉપશમને બિરદાવવાનું એક સાધન બનાવ્યું. સ્થૂલિભદ્રવિષયક ફાગુઓમાં કોશા જેવી સામાન્યાના અસામાન્ય સૌન્દર્ય અને શૃંગારપ્રસાધનનું વર્ણન આવે, કે નેમિનાથ-વિષયક ફાગુઓમાં વિવાહમંડિતા, મંગલભૂષણા, વધૂવેશા, રાજિમતીના અપરંપાર સૌંદર્યનું વર્ણન કર્યું હોય, તો ગુરુ વિષેના ફાગુઓમાં સૂરીશ્વરોની વંદના કરવાને આવતા નારીવૃંદની દેહસંપત્તિનું વર્ણન કર્યું હોય – એટલો જ શૃંગારઅંશ માત્ર ‘ફાગુ’ સ્વરૂપનો અવશિષ્ટ રહ્યો. નરનારીની પ્રણયકેલીને તો એમાં કોઈ સ્થાન રહ્યું જ નહીં; તેમ વસન્તની વનશ્રીનું વર્ણન પણ સદૈવ આવે જ એવું પણ ન રહ્યું. ઉદાહરણ તરીકે ‘સ્થૂલિભદ્રફાગુ’માં વર્ષાઋતુનું વર્ણન આવે છે, તેમ ‘નેમિનાથ ફાગુ’માં શ્રાવણ માસમાં નેમિનાથ વિવાહ માટે રથે ચડ્યા એવો ઉલ્લેખ છે.[4] આ રીતે જૈન રચનાઓમાં એક શૃંગારપ્રધાન, મધુર, નાજુક કાવ્યસ્વરૂપને ઉપશમ, સંયમ અને કઠોર તપશ્ચર્યાની કંથા પહેરાવવામાં આવી. ‘ફાગુ’–સ્વરૂપની આ બંને–બ્રાહ્મણ અને જૈન-પ્રણાલિકાઓ લગભગ એક સાથે અસ્તિત્વમાં આવી હોય એમ લાગે છે. વિક્રમ સંવતના ચૌદમા શતકથી છેક સત્તરમાં શતક સુધીમાં અનેક ફાગુરચનાઓ થઈ છે, જેમાં જૈન રચનાઓ વિશેષ છે, જ્યારે બ્રાહ્મણ કે જૈનેતર રચનાઓ ગણીગાંઠી જ છે. જૈન ભંડારોમાં જીવની માફક સાહિત્યકૃતિઓનું જતન થયું એથી જૈન કૃતિઓ સચવાઈ રહી, જ્યારે મધ્યયુગમાં ઇસ્લામના વારંવારના ધસારાઓની સામે બ્રાહ્મણ કે જૈનેતર સાહિત્ય ટક્કર ઝીલી શક્યું નહિ અને એમાંની ઘણી રચનાઓ નાશ પામી.

૩. બ્રાહ્મણ કે જૈનેતર ફાગુઓ

આજ સુધીમાં પ્રાપ્ત થયેલી ફાગુ કૃતિઓમાં બ્રાહ્મણ કે જૈનેતર રચનાઓ નીચે પ્રમાણે છે : સર્વ ફાગુઓમાં અનન્ય સુન્દરતા ધારતો, હજી સુધી અજ્ઞાતકર્તૃક રહેલ, ‘વસંતવિલાસ’ (ઈ.સ. ૧૩૪૪; વિ.સં. ૧૪૦૦ આસપાસ), ‘નારાયણ ફાગુ’ (ઈ.સ. ૧૩૮૯; વિ.સં. ૧૪૪૫ આસપાસ), ‘હરિવિલાસફાગુ’ (વિક્રમનું ૧૬મું શતક), ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતાફાગ’ (ઈ.સ. ૧૫૨૦; સં. ૧૫૭૬), અજ્ઞાતકવિ કૃત ‘વિરહદેસાઉરી ફાગ’ (વિ.સં.નું ૧૬મું શતક), સોનીરામનો ‘વસંતવિલાસ’ (વિ.સં.નું ૧૭મું શતક) અને કાયસ્થ કેશવદાસના ‘કૃષ્ણલીલા’ કાવ્યમાં અંતર્ગત ‘વસંતવિલાસ’ એ ફાગુસ્વરૂપનો કાવ્યખંડ, આ ઉપરાંત ભોગીલાલ સાંડેસરાએ એમના ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’માં કોઈ અજ્ઞાત કવિરચિત ‘કામીજનવિશ્રામતરંગગીત’ (વિ.સં.નું ૧૬મું શતક) અને ‘ચુપઈ ફાગુ’નો (વિ.સં.નું. ૧૬મું શતક) સમાવેશ કર્યો છે. પણ પ્રગટ રીતે જ એમનું સ્વરૂપ ફાગુનું નથી, જોકે એમનો વર્ણ્ય વિષય વસન્તના વર્ણનનો છે. એથી એમની અહીં આલોચના કરી નથી.

પ્રશિષ્ટ આદિમ ફાગુકૃતિ – સર્વ ફાગુકાવ્યોમાં અદ્યાપિ અજ્ઞાતકર્તૃક ‘વસન્તવિલાસ’નું મહત્ત્વ અસાધારણ છે. બ્રાહ્મણ ફાગુકાવ્યોમાં એ નિઃશંકપણે સૌથી પ્રાચીન રચના છે; પણ પ્રાચીન સાહિત્ય અને પ્રાચ્યવિદ્યાના ધુરંધર વિદ્વાનોને મતે એ સમસ્ત ફાગુકાવ્યોમાં સૌથી પ્રાચીન રચના છે.[5] એને કારણે એનું ભાષાસ્વરૂપ અનન્ય મહત્ત્વનું છે; તો કાવ્યતત્ત્વમાં કદાચ સર્વ પ્રાચીન ગુજરાતી રચનાઓમાં એ અગ્રસ્થાને આવે. [પ્રથમ ગ્રંથમાં (જુઓ પૃ. ૧૮૪-૮૭) આ કૃતિનો પરિચય આપણે કરી ગયા છીએ. તેમ છતાં ઉત્તરકાલીન ફાગુકાવ્યોની ભૂમિકા માટે અહીં આ કૃતિનો તથા અન્ય ફાગુનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.] કે. હ. ધ્રુવને એની પ્રથમ ભાળ લાગી હતી. એમણે એનું સંપાદન બે વાર – એક વખત ‘હાજી મહમ્મદ સ્મારક ગ્રંથ’માં, અને બીજી વખત ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’માં − કર્યું હતું. એનું મૂલ્યાંકન કરતાં તેઓ કહે છે : ‘વસંતવિલાસ’ ચમક ચમક થતી ચાંદરણીના જેવું કાવ્ય છે... કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉજ્જ્વલ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પોષણ કરે છે. શૈલી સંસ્કારી છે... આ સુંદર કાવ્યમાં નવયૌવન સ્ત્રીપુરુષ આલંબન છે. તેમની સ્થાયી રતિ ઋતુરાજના ઉદ્દીપનથી ભભૂકી ઊઠે છે. ફાલ્ગુન માસનો વિહાર એમાં વર્ણવાય છે, તેથી પ્રાચીન ગુજરાતીમાં એ ‘ફાગુ’ એવે નામે ઓળખાય છે... ‘વસંતવિલાસ’નો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કંઈ મનોહર છે...’ ‘વસંતવિલાસ’માં કડીએ કડીએ જીવનનો ઉલ્લાસ ઊભરાઈ જાય છે.’[6] ‘વસંતવિલાસ’માં ૮૪ કડીઓ છે. એક ખેળવાળા સુંવાળા કપડાં ઉપર ૮૪ તકતીઓમાં પ્રત્યેકમાં આરંભે એક ગુજરાતી દુહો આપીને તે પછી એની સાથે અનુબંધવાળો એક સંસ્કૃત કે પ્રાકૃત શ્લોક ઉતારીને તેની નીચે પ્રસંગને લગતું પ્રાચીન ગુજરાતી કે અપભ્રંશ શૈલીનું ચિત્ર આલેખેલું છે. આ સુન્દર ચિત્રોએ આ કાવ્યને જગતભરમાં પ્રસિદ્ધિ આપી છે. કાવ્યનો બંધ અંતર્યમકવાળા દુહાનો છે. એમાં પૂર્વાર્ધમાં ૧૩ અને ઉત્તરાર્ધમાં ૧૧ માત્રા આવે છે. ઉત્તરાર્ધ સામાન્ય રીતે ગાલાન્ત છે. અંતર્યમકને કારણે કાવ્યની શૈલીમાં અપૂર્વ માધુર્યનું સિંચન થયું છે. આ છંદોબંધ ઉત્તરકાલીન રચનાઓમાં ‘ફાગુબંધ’ને નામે ઓળખાયો છે. ‘વસન્તવિલાસ’ની સુન્દરતાની ગંગોત્રી છે સંસ્કૃત સુભાષિત-સાહિત્ય, જેમાંથી કવિએ ભરપૂર ઉતારા આપ્યા છે... કવિની પોતાની મનોભૂમિકામાં સંસ્કૃત સાહિત્યના જે ઊંડા સંસ્કારો પડ્યા છે એમાંથી આ અવતરણોનો ઉદ્ગમ છે... આ સુભાષિતોમાંથી કેટલાકના વિચારભાવનું પ્રાચીન ગુજરાતી દુહાઓમાં સંપૂર્ણ પ્રતિફ્લન થયું છે; તો કેટલાકમાં એનો અંશમાત્ર જ કવિએ પ્રાચીન ગુજરાતી કાવ્યમાં ઉતાર્યો છે... આ પ્રકારનું સંસ્કૃત સુભાષિતોનું અનુબંધન ‘વસંતવિલાસ’ની એક આગવી લાક્ષણિક શોભા છે.[7] કેટકેટલાં સંસ્કૃત કાવ્યોનું કવિને પરિશીલન છે! અમરુશતક, કર્પૂરમંજરી, શાકુન્તલ, કુમારસંભવ, શિશુપાલવધ, નૈષધીયચરિત, અને કેટલીયે ઉત્તરકાલીન કાવ્યરચનાઓથી આ કવિની સ્મૃતિ મંડિત થઈ છે! જીવનના ઉલ્લાસ અને વસંતવિલાસની સામગ્રીથી ઊભરાતા આ કાવ્યની એક એક પંક્તિ ‘રસઘન’ અને ‘ઘૂંટાયેલી’ છે. એક એક શ્લોક મુક્તક જેવો સ્વયંપૂર્ણ છે. બહુ જ ઓછી પંક્તિઓ વડે કવિએ એક સ્થાપત્યસુંદર નિતાન્તરમણીય કાવ્યસૃષ્ટિ નિર્માણ કરી છે. ‘વસન્તવિલાસ’ની મોહિનીથી મુગ્ધ બનેલા અનેક ઉત્તરકાલીન ફાગુકવિઓની રચનાઓમાં ‘વસંતવિલાસ’ની કમનીય પદાવલીના, એની ચારુ કલ્પનાસમૃદ્ધિના અને મનોહર અલંકારોના પુનઃ પુનઃ પડઘા સંભળાયાં કરે છે એમાં કશું આશ્ચર્ય નથી. ‘વસન્તવિલાસ’નો પ્રધાન રસ છે શૃંગાર. આરંભમાં વસન્તના ઉદ્દીપક ઉપસ્કરનું વર્ણન કરતાં સંભોગશૃંગારનું અછડતું આલેખન કરી પછી કવિ વિરહિણીની મનોવ્યથાનું વર્ણન કરતાં વિપ્રલંભનું હૃદયભેદક નિરૂપણ કરે છે. કાવ્યના અંતે વિયોગિની નારીને પ્રિયતમનું મિલન થતાં, કાવ્ય પાછું સંભોગશૃંગારની છોળોથી છલકાઈ રહે છે... કાવ્યમાં રસની નિષ્પત્તિમાં ઉદ્દીપનવિભાવના નિરૂપણ ઉપર સવિશેષ ભાર આવ્યો છે. એથી કાવ્યરસમાં એક વિશિષ્ટ આસ્વાદનો અનુભવ થાય છે. એમાં શૃંગારની મધુરતા છે, ગૌરવ છે, લાલિત્ય છે, છતાં ‘અમરુશતક’ના જેવી ઉત્કટ માદકતા નથી. વસન્તવર્ણનની શોભા કવિએ પ્રધાનપણે ગાઈ છે એ ખરું; પણ એમાં કવિનો ઉદ્દેશ વસન્તવર્ણનને રસરાજ શૃંગારની પશ્ચાદ્ભૂમિ બનાવવાનો સવિશેષ છે.’[8] વસન્તની વનશ્રીનું કવિનું વર્ણન ક્યારેક વાસ્તવિક હોય છે :

‘… ... ... ... વસંતિ લયઉ અવતાર,
અલિ મકરંદિહિ મુહરિયા કુહરિયા સવિ સહકાર..
વસંત તણા ગુણ ગહગહ્યા મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકારવ કરઇં અપાર.
પદમિની પરિમલ બહકઇં લહકઇં મલયસમીર’. કડી ૩૫.

તો ક્યારેક એ કવિપરંપરા અનુસારનું હોય છે. ઉ. ત.

‘ઘૂમઇં મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઇ રતિપતિ સૂરઇં પૂરઇં સુભટ કિ શંખ.
ચાંપુલા તરૂઅરની કલી નીકલી સોવ્રન વાનિ,
મારમારગઊદીપક દીપક કલીય સમાન.
બાંધઇ કામુ કિ કરકસુ તરકસુ પાડલફૂલ,
માંહિ રચ્યાં કિરિ કેસર તે સરનિકર અમૂલ.’ કડી ૨૯, ૩૧, ૩૨.

સુંદરીઓના અંગસૌન્દર્યનું વર્ણન કવિએ કેવી છટાથી કર્યું છે તે જુઓ :

‘કાન કિ ઝલકઇં વીજ નઉ બીજનઉ ચંદ કિ ભાલિ,
ગલ્લ હસઇં સકલંક મયંકહ બિંબુ વિશાલ.
મણિમય કુંડલકાનિ રે વાનિ હસઇં હરિયાલ,
પંચમુ આઈવઇ કંઠિ રે કંઠિ મુતાહલમાલ.
વીણિ ભણઉં કે ભુજંગમુ જંગમુ મદનકૃપાણ,
કિ રિ વિષમાયુધિ પ્રકટીય ભૃકુટીય ધણુહ સમાણ.
ભમહિ કિ મનમથ ધણુહીય ગુણ હીય વરતણુ હાર,
બાણ કિ નયણ રે મોહઇં સોહઇં સયલ સંસાર.’ - કડી ૫૫, ૫૭, ૫૮, ૬૧

છેલ્લી બારેક કડીઓમાં ભ્રમરની અન્યોક્તિરૂપે કામી પ્રિયતમને નાયિકા ઉપાલંભ આપે છે, એમાં ‘ભાગવત’ના ભ્રમરગીતની પ્રેરણા કારણભૂત હોઈ શકે. આ શૃંગારી કાવ્યના કર્તા વિષે કે. હ. ધ્રુવે એ બ્રાહ્મણ હોવાની સંભાવના કરી છે એ સર્વથા સત્ય છે. તેઓ માને છે કે ‘વસન્તવિલાસ’માં કડીએકડીએ જે જીવનનો ઉલ્લાસ ઊભરાઈ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે એનો કવિ સંસારથી કંટાળેલો વિરાગી નહીં, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરુષ હશે... સમગ્ર કાવ્યમાં કોઈ પણ સ્થળે જૈન ધર્મનો સુવાસ સ્ફુરતો જોવામાં આવતો નથી, તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હોય.’[9]

‘નારાયણ ફાગુ’ – ‘વસંતવિલાસ’ પછી લગભગ અર્ધા શતકે ‘નારાયણ ફાગુ’ની રચના થઈ છે. એના કર્તા વિષે કશી શ્રદ્ધેય માહિતી ઉપલબ્ધ થતી નથી. ક. મા. મુનશીએ એના કવિનું નામ નતર્ષિ હોવાની સંભાવના રજૂ કરી હતી, પણ એ શબ્દ ત્યાં કવિના અભિધાનનો સૂચક નથી. અન્ય વિદ્વાનોએ કીર્તિમેરુને એનો કવિ જણાવ્યો છે, એ પણ કેવળ તર્ક જ છે. ‘નારાયણ ફાગુ’ની ૬૭ કડી છે, જેમાંની છેલ્લી ત્રણ સંસ્કૃત શ્લોકરૂપ છે. ‘વસન્ત વિલાસ’ માત્ર ‘દૂહા’ના ફાગુબંધમાં રચાયો છે, ત્યારે ‘નારાયણ ફાગુ’માં એ ઉપરાંત ‘રાસઉ’, ‘આંદોલ’, અને ‘અઢૈઉ’, એ માત્રા બંધો આવે છે. પ્રારંભ ‘દુહા’થી થાય છે, તે પછી ‘અઢૈઉ’ ‘રાસક’ અથવા ‘રાસઉ’ અને ‘આંદોલ’ યોજાયો છે, જેમાં વચ્ચેવચ્ચે ફાગુબંધ ગૂંથાયો છે. ઉત્તરકાલીન અનેક જૈન અને જૈનેતર ફાગુઓની માફક આ ‘નારાયણ ફાગુ’ ઉપર પણ ‘વસંતવિલાસ’નો પુષ્કળ પ્રભાવ પડ્યો છે. ઉ. ત. ‘નારાયણ ફાગુ’ની નીચેની પંક્તિઓ–

‘પહિલઉં પણમિસું સરસતી, સરસ તિ કવિતવિલાસ. ૧

મલયાનિલ મહિ વાયઉ, આયઉ કામાગ્ગિદાહ. ૧૭

પંથિય-જણ-મણ કંપએ, ચંપએ અંગ અનંગ,
વિરહિણી હિઇ હિવ ધૂજએ, કૂજએ મુજ પિય અંગ. ૧૮

કણયર કલી અતિ વાંકુડી, આંકુડી મયણચી જાણિ.’ ૨૦

એ ‘વસન્તવિલાસ’ની નીચેની પંક્તિઓ સાથે ઉત્કટ સામ્ય ધારે છે :

‘પહિલઉં સરસતિ અરચિસુ રચિસુ વસંતવિલાસુ. ૧
પદમિની પરિમલ બહકંઇ લહકઇં મલયસમીર,

મયણુ જિહાં પરિપંથીય પંથીય ધાઇં અધીર. ૫

વિધુર વિયોગિની ધૂજઇં કૂજઇ મયણકિશોર. ૨૬

કેસૂય કલી અતિ વાંકુડી આંકડી મયણચી જાણિ. ૩૪

કાવ્યમાં પ્રથમ સોરઠ અને દ્વારકાનું વર્ણન કરીને પછી કૃષ્ણનો એમની સહસ્ર પટરાણીઓ સાથેનો વનવિહાર વર્ણવ્યો છે. વનશ્રીનું વર્ણન, અને સ્ત્રીઓના શૃંગારનું નિરૂપણ કવિએ કૌશલથી કર્યું છે :

‘દિસિ દિસિ ફૂલિ વણરાઇ, જાઇ બઉલ સુગંધિ,
સૌખ્ય-પરાયણ રાયણ, રાયણ-ફૂલભર બંધિ, ૧૯

સોહઇ ફલિ સહકાર, કોઇલિ કરઇ ટહકાર,
પંચમ રાગૂ એ, જણ-સુહભાગૂ એ. ૨૧

સોહઇ સિરિ સિરિતાલ, ચંપકિ ચંપક માલ,
નવ નવ કેતકીએ, મયણહ કેતુ કિ એ? ૨૨

ચંદન નંદન ગંધ, ભોગિય ભોગિ સંબંધ, [10]

અલિકુલ રણઝણઇં એ, કામી કુણકુણઇ એ. ૧૦ ૨૪

કાવ્યના ઉત્તરાર્ધમાં કૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા ખેલી એનું વર્ણન છે :

‘નાચઇ ગોપિય વૃંદ, વાઇં મધુર મૃદંગ,
મોડઇ અંગ સુરંગ : સારંગધર વાઇન મહૂયરિ એ. ૪૨

ગાઇ અભિનવ ફાગ, સાચવઇં શ્રી-રાગ;
નવ ગતિ મૂંકઇ પાગઃ સારંગધર વાઇ ન મહૂયરિ એ. ૪૩

તારા માંહિ જિમ ચંદ, ગોપિય–માંહિ મુકુંદ;
પણમઇ સુરનર ઇંદ, સારંગધર વાઇ ન મહૂયરિ એ. [11] ૪૮

‘હરિવિલાસ ફાગુ’ – ‘હરિવિલાસ ફાગુ’ એ ‘વસંતવિલાસ’ પછી પ્રાપ્ત થયેલા જૈનેતર ફાગુઓમાં વિરલ મહત્ત્વ ધરાવે છે. એનો રચનાસમય નિશ્ચિતપણે જણાયો નથી, પણ એની ભાષા, અને સંયોજનપ્રણાલીના અનુલક્ષમાં એના સંપાદક, હરિવલ્લભ ભાયાણી એને વિક્રમના સોળમા શતકમાં મૂકે છે.[12] એનો વિષય કૃષ્ણની બાળલીલા અને રાસલીલાનો છે. ‘વિષ્ણુપુરાણ’ના પાંચમા અંશના અધ્યાય ૩ થી ૧૬માંના પ્રસંગોનો આધાર લઈને એની રચના કરી છે. એમાંથી કથયિતવ્યની પુષ્ટિ અને અનુમોદન માટે વીસેક શ્લોકો કાવ્યમાં ઉદ્ધૃત કરેલા છે. આ કાવ્યની એક જ પ્રતિ પ્રાપ્ત થઈ છે, જેમાં કાવ્ય અપૂર્ણ રહ્યું છે. કાવ્યમાં પ્રારંભની તેવીસ કડીમાં કૃષ્ણની બાળલીલાના પ્રસંગો – પૂતનાવધ, યમલાર્જુનભંજન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, ઇ. – આપીને, પછી આઠ કડીઓમાં (કડી ૨૪-૩૧) કવિએ દાણલીલાનું અને એ પછીની સો કડીઓમાં (કડી ૩૨-૧૩૨) કૃષ્ણની રાસલીલાનું વર્ણન કર્યું છે. એ પછી પ્રતિ ખંડિત છે – પછીનો અંશ લુપ્ત થયો છે. રાસલીલામાં નીચેનાં વર્ણનો અંતર્ગત છે – શરદવર્ણન, કૃષ્ણરૂપવર્ણન, વેણુવાદન, ગોપી-ઉત્કંઠા અને શૃંગારવર્ણન, કૃષ્ણની અંતર્ધાન લીલા, ગોપીવિરહવર્ણન (કડી ૬૦-૭૬), એમનું કૃષ્ણ સાથે પુનર્મિલન (૭૭-૮૨), વસંતવર્ણન (૮૩-૮૯), વિરહિણી વર્ણન અને ભ્રમરાન્યોક્તિ (૯૦-૧૦૦), રાસલીલાવર્ણન (૧૦૧-૧૧૧), અને ગોપીરૂપવર્ણન (૧૧૨-૧૩૨). આ વર્ણનો જ ‘હરિવિલાસ ફાગુ’નું ઉત્તમાંગ છે. જૈનેતર ફાગુઓમાં કૃષ્ણ અને ગોપીઓના ‘વસંતવિલાસ’ને વર્ણવતા અદ્યયાવત્ બે જ ફાગુઓ – ‘નારાયણ ફાગુ’ અને ‘હરિવિલાસ ફાગુ’ – પ્રાપ્ત થયા છે, એ દૃષ્ટિએ આ ફાગુનું ઘણું મહત્ત્વ છે. વિષ્ણુપુરાણના કથાંશ અનુસાર કૃષ્ણની બાળલીલા અને દાણલીલાને ફાગુસ્વરૂપમાં વિસ્તારથી નિરૂપતી રચના તરીકે ‘હરિવિલાસ ફાગુ’નું સ્થાન અનન્ય છે. ‘વસંતવિલાસ’ની માફક જ ‘હરિવિલાસ’માં સંસ્કૃત-બહુધા ‘વિષ્ણુપુરાણ’માંથી અને બે અન્ય કૃતિઓમાંથી – શ્લોક આપ્યા છે. આ સંમતિના શ્લોકોના આયોજનમાં ‘વસંતવિલાસ’ની અસર છે એમાં શંકા નથી. ‘વસંતવિલાસ’માં પ્રાચીન ગુજરાતી અને સંસ્કૃત શ્લોકોના ભાવ-વિચારનું નિરૂપણ સમાન્તર છે. જ્યારે ‘હરિવિલાસ’માં પ્રાચીન ગુજરાતી કવિતાએ પૌરાણિક શ્લોકોનું અવલંબન ઉત્કટપણે ગ્રહણ કર્યું છે. સોમસુન્દરસૂરિકૃત ‘રંગસાગરનેમિફાગ’ અને રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગ’માં પણ સંમતિના સંસ્કૃતના શ્લોક આપ્યા છે, ત્યાં પણ ‘વસંતવિલાસ’નું જ સ્પષ્ટપણે અનુકરણ છે. એ વિષે આગળ ચર્ચા કરીશું. કાવ્યનો છંદ ‘ફાગુ’ પ્રકારનો દુહો છે. ભાયાણીએ એના ચરણની ૧૨-૧૧ માત્રા ગણીને ‘છંદોનુશાસન’ જેવા પ્રાકૃત પિંગળગ્રંથો અનુસાર એને ‘ઉપદોહક’નું નામ આપ્યું છે. ‘હરિવિલાસ’નું કાવ્યત્વ ઊડીને આંખે વળગે એવું મનોહર છે. કાવ્યમાં છંદનો મુક્ત પ્રવાહ, સહજપણે અનાયાસ સધાતા યમક, શ્રીકૃષ્ણની દાણલીલા અને રાસલીલાનાં સુંદર, ભાવપૂર્ણ ચિત્રો, એ સર્વને કારણે ‘હરિવિલાસ’ એક અતીવ હૃદયંગમ કાવ્ય બન્યું છે. નીચેનાં થોડાંક ઉદાહરણોથી એની પ્રતીતિ થશે. કાવ્યનો આરંભ આ રીતે થાય છે :

‘પૂજીય ચંપકિ ભારતી, આરતી કરીય કપૂરિ,
ગોવિંદના ગુણ ગાઇસિઉં, થાઇસિઉં પાતક દૂરિ. ૧

પણમીય ગુણ-તણુ નાયક દાયક શ્રેય અનંત,
ગાઈસિઉં ચીતિ આરાહીય રાહીય -રૂપણિ-કંત.’[13]

હવે વ્રજકિશોર કૃષ્ણનું વર્ણન જુઓ :

‘સજલ કિ જલહર નીલઉ પીઅલુ પહિરણિ ચીર,
વર સિરિ સોહઇ અલસીય અલસીય વાનિ શરીર. ૩૪

ઝલકિ મરકત કુંડલ મંડલ રવિ-શશિ બેહ,[14]
ચિહું ભુજે ઝબકિય કેઉર નેઉર શ્રીવત્સ જેહ.’ ૩૫

વેણુનાદ સાંભળીને ધસતી ગોપીઓનું કવિ વર્ણન કરે છે :

‘મેલ્હીય માણિક મોતીય પ્રોતીય હાર અમૂલ,
ચાલીય શ્રીરંગ સાંભરી તાં ભરી વર સિરિ ફૂલ. ૪૩

પરતીય કરિ કસતૂરીય પૂરીય સીસ કપૂરિ,
ચાલીય પૂછતી માગ રે ભાગ ભરિયાં સિંદૂરિ. ૪૪

પહિરીય રણકતાં નૂપુર રૂપ રચી વર અંગિ,
ચાલી જગાવતી કાંમ રે કાંમ ધરીય શ્રીરંગિ. ૪૬

પહિરી અમૂલિક અંશુક કિંશુક-નિવા શરીર,
ચાલિ ગજ-ગતિ લહકતિ બહિકતી અગરિ આહિરિ.[15] ૪૭

ગોપીઓનું રાસલીલાનું વર્ણન જુઓઃ

‘નિશિ-ભરિ નાચઇ ગોપીય લોપીય લાજ-ની રેખ,
દહ દિસિ દિસવિ ભમરીય સમરીય માધવ વેખ. ૧૦૯

નાચઈ નિતુ નવૂં નારીય ચારીય શ્રીરંગ-સાથિ,
રાગ વસંત તે આલવિ ચાલવિ વલ્લકી હાથિ. ૧૧૦

માન ધરઈ એક તાલીય તાલીય કર-તલિ નારિ,
થાપિઉં જીણઇ દ્રુપદિ-દ્રુપદિ ગાઈં મુરારિ’.[16] ૧૧૧

એ પછી ગોપાંગનાઓના શૃંગારનું વર્ણન કર્યું છે; એમાં પદે પદે ‘વસંતવિલાસ’ની કાવ્યપંક્તિઓના પડઘા સંભળાય છે. પ્રાસાદિક, ઋજુતાભરી, મનોહારિણી કવિતાનું ‘હરિવિલાસ’ એક ઉત્તમ ઉદાહરણ છે.

ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતાફાગ’ – ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતાફાગ’ ઈ.સ. ૧૫૨૦ (સં. ૧૫૭૬)માં રચાયો છે. એની પુષ્પિકામાં એનું અપરનામ ‘શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ આપ્યું છે, જે એના ગોપીવિરહવર્ણનના વિષયને ચરિતાર્થ કરે છે. એની ૯૯ કડીઓ છે. એકાંતરે આવતા દુહા અને છંદ (–ઝૂલણાનો ઉત્તરાર્ધ, ૧૭ માત્રાનો, જેને હિંદી પિંગળગ્રંથોમાં ‘ચંદ્ર’ છંદનું નામ આપ્યું છે–) વડે એનો પદ્યબંધ ઘડાયો છે. દુહાનાં કેટલાંક ચરણોમાં આંતરયમક સધાયો છે, પણ સર્વત્ર એમ થયું નથી. ‘શ્રીમદ્ ભાગવત’ના દશમસ્કંધમાં આવતા ઉદ્ધવ-સંદેશમાં આ કાવ્યનું મૂળ છે. શ્રી કૃષ્ણ અક્રૂરની સાથે ગોકુળથી મથુરા જાય છે તે સમયે મુગ્ધ ગોપીઓનો અપરંપાર શોક કવિએ ખૂબ લાગણીવશ બનીને વર્ણવ્યો છે. મથુરામાં કંસનો વધ કર્યા પછી ગોપીઓના સાન્ત્વન માટે શ્રી કૃષ્ણ ઉદ્ધવને ગોકુળ મોકલાવે છે. ત્યારે ગોપીઓના મનમાં પૂર્વે કૃષ્ણ સાથે કરેલા વિહારોનાં સ્મરણો ઝબકી રહે છે, અને ઊંડા શોકમાં એ નિમગ્ન બને છે. કૃષ્ણને એ ઉપાલંભ પાઠવે છે. કવિનું ગોપીઓની વિરહવેદનાનું વર્ણન સચોટ છે, અને એની કરુણરસની નિષ્પત્તિ અસાધારણ માર્મિક છે. એ દૃષ્ટિએ આ અલ્પજ્ઞાત કવિની કાવ્યસિદ્ધિ અવશ્ય અનલ્પ છે. કાવ્યનો પ્રારંભ આમ થાય છે : [17]








‘ભારતી પ્રારથી પ્રણમુંય વર્ણવું અ મદનમુરારિ,
દેવ દ્વારામતી જઇ રહિયા, વિરહ હૂઉ વ્રજનારિ. ૧

ગોપકન્યા કરઇં વાતડી, રાતડી કિમ્હઈ ન વિહાઇ,
વાહલુ વિદેસિ જઇ રહિઉ, અમ્હે મેહલ્યાં ગોકલમાહિ.’ ૨

અક્રૂર કૃષ્ણને રથમાં બેસાડીને લઈ ગયા ત્યારે એમને વળાવીને આવતી ગોપીઓની સ્થિતિ આવી હતી :

‘વાલિંભ વુલાવી વલ્યાં, ગલી ગલી પડઇ રે શરીર,
પાછા પગ ચાલિ નહીં, વહિ વલી નયણે નીર.’ ૨૨

મથુરામાં ગયેલા, અનેક રાજકાર્યમાં વ્યસ્ત છતાં, કૃષ્ણ ગોપીઓને ભૂલ્યા નથીઃ

‘મધુપુરિ માધવ જઇ રહિયા, ઉધવસું કીધુ આલોચ,
વેગિ તુમ્હે જાઉ ગોકલિ, ગોપી કરસિ શોક.’ ૩૪

નંદયશોદાનાં ઉદ્ધવની પાસે કૃષ્ણનાં બાલ્યવયનાં પરાક્રમો વર્ણવતાં નયનો આંસુથી છલકાઈ જાય છેઃ

‘નંદ-યશોદા વાત કરિ, નીરનીઝરણી નયણાં ઝરઇ. ૪૧

કેતલા ક્રિષ્ણના ગુણ સંભારું, મોકલ્યા તે અભાગ્ય અમ્હારું;
રામ નિ ક્રિષ્ણની કરતાં વાત, ગુણ સંભારતાં થયું પ્રભાત.’ ૪૫

પણ ગોપીઓના શોકભારને તો કોઈ સીમા નથી. ઉદ્ધવને એ કૃષ્ણના સંદેશા માટે પૂછે છે :

‘મથુરાં થિકા તમ્હે આવીયા, લાવીયા કાંઈ સંદેસ?
કાં ન પધારયા શ્રીકૃષ્ણજી? હવિ રહિયા સિઇ લવલેશિ? ૫૪

તે ગાય, ગોકુલ, તે આહીર, તેહ જ વૃંદાવન, યમનાં તીર,
ચાંદરણી રાતિ નઇ કહી રે બાલી, સર્વ સૂનું એક ક્રિષ્ણ ટાલી.’ ૫૯

અને પછી કૃષ્ણને ‘ભ્રમર–કાવ્યો’ની પરંપરાને અનુસરતાં ઉપાલંભનાં વચનો કહેવરાવે છેઃ

‘હરિ હવિ શૂં કરિ અહીં આવી? નીરસ નારિ અમ્હો થઈ અભાવી,
ભ્રમરની પરિ ભલા ભાવ જોયા, નવ રસ નગરની નારિ મોહિયા. ૫૭

ભરૂઆડિ અમ્હો ભૂર, ચતુર નગરની નારિ,
નાથ ન જાંણુ રે વસિ કરી, પરિહરી ગિઉ રે મુરારિ. ૫૮

નાથ! અનેક નારી તમ્હારિ, પ્રાણજીવન તું એક અમ્હારિ.’

ગોવાળો ઉદ્ધવને કૃષ્ણની વિવિધ બાળલીલાનાં સ્થળો બતાવે છે. ઉદ્ધવે હરિ પાસે જઈને આ સર્વ સમાચાર–સંકેત જણાવ્યા. પછી કૃષ્ણ ગોપીઓને કુરુક્ષેત્રમાં મળ્યા અને ત્યાં એમના મનની આશાઓને પૂરી કરી એવા મંગલ સમાપનથી કાવ્ય પૂર્ણ થાય છે.

‘વિરહ દેસાઉરી ફાગુ’ – અજ્ઞાતકવિકૃત ‘વિરહ દેસાઉરી ફાગુ’ પણ એક વિરલ જૈનેતર ફાગુરચના છે. એનો સમય વિ. સં. નો સોળમો સૈકો લાગે છે. જૈન વિદ્વાન સંશોધક મોહનલાલ દલીચંદ દેસાઈએ કરેલી કોઈ પ્રાચીન હસ્તપ્રતની નકલ ઉપરથી ભોગીલાલ સાંડેસરાએ એમના ‘પ્રાચીન ફાગુ-સંગ્રહ’માં અનુપૂર્તિમાં આ ફાગુ પ્રસિદ્ધ કર્યો છે. એની રચના પાટણમાં થયેલી છે, પણ એના કર્તાનો નામોલ્લેખ કૃતિમાં ક્યાંયે મળતો નથી. ‘વસન્તવિલાસ’ની માફક આ ફાગુમાં પહેલાં વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કર્યું છે, અને પછી કાવ્યના ઉત્તરાર્ધમાં પ્રોષિતભર્તૃકા નાયિકાનું દેશાવરથી પાછા ફરેલા પતિ સાથે મિલન થતાં સંભોગશૃંગારનું નિરૂપણ આવે છે. કાવ્યનાં નાયક-નાયિકા લૌકિક સ્ત્રીપુરુષ છે, પણ ક્યારેક કવિના મનની પશ્ચાદ્ભૂમિમાં રહેલા સંસ્કારોને કારણે કૃષ્ણગોપીનો ઉલ્લેખ ઝબકી જાય છે. કાવ્યની શરૂઆતમાં એક અશુદ્ધપ્રાય સંસ્કૃત શ્લોક આવે છે, અને પછી લગભગ છેવટે એક અશ્લીલ શ્લોક આપ્યો છે. વચ્ચે વચ્ચે અક્ષરમેળ વૃત્તો યોજ્યાં છે, જેની પદ્યરચના શિથિલ છે. નીચે ઉદ્ધૃત કરેલી થોડીક કડીઓ આ રચનાના બલાબલનો ખ્યાલ આપશે :

‘અહે માસ વસંત રુલીઆમણઉં, કામિનીનું મન જાણિ,
પૂરિ હરષ ધરિ રહીનઇ બાલાપણ રસ માણિ. ૧૦

કોઇલિ કરઇ ટહૂકડા, બઇઠડી આંબલા ડાલિ,
ફાગુણિ ઘરિ પ્રીય મેલ્હએ, યૌવન પહિલઇ અગાલિ. ૧૧

મ લવિ કોઇલ જોઇલિ તાહરી, તાહરી ન રાષિ ન દાષિ તમ હરી,
અધર લઈ નખ દઇ મનની રલી, હિવ કિહાં વિરહ્યાં મિલિઉ વલી. ૧૨

ઇસઇ સમઇ પ્રીય આવિસિ, હૈયડલઇ જયજયકાર,
ગોરીય વચન સાંભલી કરી, કાંમિની કરઇં શૃંગાર. ૪૧

અગર કપૂરિહિ અરચિઉં રચિઉં દેહ શરીર,
કરીયલિ કંકણ ખલકઇં, ઝલકઇં પાઇ મંજીર. ૪૪

ચંદનિ ભરીય કચોલીય મુંકીય સેજ વિચ્છાહિ,
ઇસઇ પ્રીય આવીઉ, હીડલઇ હૂઅઉ ઉચ્છાહ.’ ૪૯

કોઈ કોઈ પંક્તિઓમાં ‘વસંતવિલાસ’નો સ્પષ્ટ પડઘો સંભળાય છે.

સોનીરામ રચિત વસંતવિલાસ’ – સોની રામના ‘વસંતવિલાસ’ની પ્રતિ આ લેખકને પૂનાની ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના હસ્તપ્રતસંગ્રહમાંથી મળી હતી. અજ્ઞાતકર્તૃક પ્રશિષ્ટ –‘વસંતવિલાસ’ની અંગ્રેજી આવૃત્તિમાં પરિશિષ્ટ રૂપે એ યથાવત્ છાપી છે.[18] એ વિક્રમ સંવતના સત્તરમા શતકની રચના જણાય છે. એનો પદ્યબંધ ‘ફાગુ’ કાવ્યોમાં સામાન્ય એવો દુહાનો, મુખ્યત્વે, અને ક્વચિત્, કાવ્યમાં આંતરે આવતા ૧૭ માત્રાના ઝૂલણાના ઉત્તરાર્ધના ઢાળનો, બનેલો છે. એનું વસ્તુ આ પ્રમાણે છે : પ્રથમ, આદિમાં સંસ્કૃત શ્લોકમાં અને પછી મધ્યકાલીન ગુજરાતીમાં ગણપતિનું સ્તવન કર્યું છે, અને એ પછી કાશ્મીરમુખમંડની, પુસ્તકપાણિ, બ્રહ્મસુતા સરસ્વતી પાસે વિનમ્રભાવે આ કાવ્યરચનામાં પોતાને સહાયતા કરવાને કવિ વિનંતિ કરે છે. એ પછી કથાપ્રસંગ શરૂ થાય છે. વસંતપ્રારંભે પ્રવાસે જતા પતિને આ ઋતુમાં પરદેશ ન જવાને નાયિકા પાયે લાગીને વિનંતી કરે છેઃ ‘પાએ હો લાગું વાલ્હા તાહરઇ ઇણિ રિતિ મેલ્હે મ જાઇ’.૬ પણ નાયક એને તરછોડીને ચાલ્યો જતાં એ ધરણીએ ઢળે છે. પછી વસંતઋતુ જામે છે – આંબા મ્હોર્યા છે, બધી વનરાઈ મ્હોરી છે, પાટલ, જાઈ, ચંપક, પારિજાતક ખીલ્યાં છે, સર્વત્ર મઘમઘાટ થઈ રહ્યો છે, ભ્રમરો ગુંજારવ કરે છે. વસન્તના વાયુઓ વાય છે તેમ તેમ મદનની વેદના નાયિકાને પીડી રહે છે.

આંબલડા સહુ મોરીયા મઉરી સહું વનરાઈ,
વનસપતિ વન લહલહી મહમહી પાડલ જાઈ;
ચંપલા ચિહું દિસિ ફુલીયા સદલ સરૂપ સૂગંધ,
પારિજાતિક પરિમલ કરઇ વેલસરી મુચકુંદ. ૧૨

વનસપતિ જોવન ચડી વનિ વનિ વનિ મહકાર,
ભમરલા ગુંજારવ કરઇ કેસૂયડે કુચ નારિ. ૧૪

એથી ભાનભૂલેલી ત્રસ્ત નાયિકા ભ્રમર સાથે પતિને સંદેશો મોકલવાની ચેષ્ટા કરે છે :

‘ભમરલા જાઉં બલિહારઇ કંત હોવઇ જિણ દેસિ,
એક સંદેસો રે હું કહું તુ મ્હારા પ્રીયનઇ કહેસિ;
હેમ ગમીયો મઇ એકલી તુ વિણિ મુરષ કંત,
નથીય ષમાતું રે પ્રીયડલા વલિય વિસેષે વસંત.’ ૧૬

દૈવે એને પંખિણી સરજી હોત તો તો એ પ્રિયતમ પાસે ઊડીને જાત :

‘દઇવ ન સીરજી રે પંખડી ઉડી ઉડી મિલતીરે જાંહિ,
વીસરીયા નવિ વિસરે જે વસિયા મનમાંહિ;
ચિત્ત રાખ્યું મન નવિ રહઇ રોઇ રોઇ સેજ ભરાહિ.’ ૨૨

પતિવિહોણી એકલવાઈ નારીનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. એમાં ઘણી વાર પ્રેમાનંદ આદિ મધ્યયુગીન મહાકવિઓના વિચારભાવની પૂર્વચ્છાયા નજરે પડે છેઃ

‘વેગિ રે વીઠલા કરિજો સારિ નર વિના નારી સૂનો સંસાર. ૧૭
ચંદલા વિણ કિસો ચંદ્રણો મોતી વિણ કિસુ જ હાર,
નગર કિસો વિણ નાયિકા પ્રીઉ વિણ સેજશૃંગાર.
હંસલડા વિણ સર કિસૌ કૌઇલ વિણ કિસુ જ વન,
વાલંભ વિણ કિસી ગોઠડી જાણજ્યો જગ ત્રજીવન.’ ૨૦

પૂર્વાર્ધમાં લૌકિક નાયિકારૂપે જેનું આલેખન કર્યું હતું તેને કાવ્યના ઉત્તરાર્ધમાં રુક્મિણી રૂપે કવિએ પ્રકટ કરી છે, જે કૃષ્ણમિલનની અધીરતાથી રાહ જોઈ રહી છે. જોષીને એ પ્રિયઆગમનની અવિધ પૂછે છે; જોષી સત્વરે પ્રિયઆગમનની આશા આપે છે. એમાં એને એક પછી એક શુભ શુકન થાય છે, એટલે એ સોળે શણગાર સજીને પ્રિયઆગમનને સત્કારવા તત્પર થઈ બેઠી છે :

‘સજ કરી સિણગાર સહેલી વાટ જોવઇ પ્રીયનઇ વહલી,
નયણ કુંજ કાજલ સારી સષીએ આજ મિલસ્યઇ મોરારી. ૪૧

સર્વ સિણિગાર મઇ પહિરીઆ ચંદન ચરચ્યઉ મઇ અંગિ
પહિરણ લાલ પટોલડી ઊઢણિ દક્ષિણ ચીરિ.
કંઠ નિગોદર કંઠલી રવિ તપઇ રાષડિયાઇ,
ભાવ કરઇ ભલા સેજડી નચાવઇ અંષડીયાંઈ. ૪૪

હરષવદની હરષી મૃગનયણી અધિરબંધ જસી ભોયંગ વેણી,
ચંદલાસું, મુષ હંસગયણી સીહબાલી જિસી લંક ઝીણી.’ ૪૫

એમ કરતાં પ્રિયતમ આવી રહ્યા. નાયિકાએ એને અંગની તળાઈ ઉપર ઉરના ઓશિકે સ્થાપ્યા, અને વેલી જેમ વૃક્ષને વીંટાય તેમ એ પ્રિયને કંઠે વળગી રહી:

‘બાહ ઊસેસઇ રે અપણી વાલંભનઇ સુષ દેઈ,
અંગતલાઇ પાથરી સાથરો કુંભ ભરેહ.
હાર તણી પરિ હાયડલઇ પ્રીયડલા કંઠ રહેસિ,
રયણ મણિ સાતઉ માગઉ લઉ રીતડી રંગ કરેસિ. ૪૮

હરષ અંગ મુઝ અંગિ અંગિ ચંદન વીંટીયો જાણે ભૂયંગ,
કૃષ્ણ તરૂઅર અમ વેલ વાધી વીઠલા વિલંબતાં જનમકોડિ સાંઘી.’ ૪૯

માધવે રુક્મિણીના મનોરથ પૂર્યા એમ સહુ નરનારીની મનઃકામનાઓ ફળો એવા આશીર્વચન સાથે કાવ્યનું સમાપન થાય છે.

કેશવદાસકૃત ‘વસંતવિલાસ’ – અત્યાર સુધીમાં મળેલા જૈનેતર ફાગુકાવ્યોમાં છેલ્લો નોંધપાત્ર ફાગુ એ કાયસ્થ કવિ કેશવદાસનો ‘વસંતવિલાસ’ છે.[19] એનો રચનાકાળ ઈ.સ. ૧૫૩૬ (સં. ૧૫૯૨) સંભવે છે. ભાગવતના દશમસ્કંધ ઉપરથી રચેલા ‘કૃષ્ણલીલા’ કાવ્યના ૧૫મા સર્ગમાં પ્રારંભે ‘વસંતવિલાસ’ નામનો આ ફાગુસ્વરૂપનો કાવ્યખંડ કવિએ આપ્યો છે. એમાં પ્રારંભે આવતું મંગળાચરણ અને અંતમાં આવતી ફલશ્રુતિ એ એક સ્વતન્ત્ર રચના છે એમ સૂચવે છે. એમાં બધા મળીને છવ્વીસ દુહા છે, જેમાંથી ઘણામાં અંતર્યમક સાધવામાં આવ્યો છે. ગોપાંગનાઓ કૃષ્ણ સાથે વસંત ખેલે છે એનું સુંદર વર્ણન કવિએ કર્યું છેઃ

‘લીધાં કનક-કચોઅલાં, ઘોલ્યાં ચંદન સાર;
મૃગમદ સુંદર કેસરે, છાંટે એક ઉદારઃ

ઊડે લાલ ગુલાબ વલી, માંહો માંહ વસંત;
એણિપરિ છક્કમ છોલ્યશૂં, રોલ્ય કરે બહુ સંત.

હરિ પાખલ્ય સવિ કામિની, યામિની ગઈ બે યામ;
જિમ ચાંદુણી માંહે નિશાકર, તે પરિ દીસે સ્વામ્યઃ

ગોલણી યૌવન મદમાતી, ગાતી ગુણ ગોપાલ;
વેણ-તાને શ્રીરંગ નાચે, રાચે દેવ દયાલ.’

કૃષ્ણ અંતર્ધાન થતાં ગોપીઓ મૂર્છાવશ થાય છે; પણ રાત્રિએ ગોપીઓ કૃષ્ણને પામે છે, અને એમની સાથે વસંતના વિલાસ ખેલે છે :

‘તે નારી પુણ્યવંતી રે, સતી શિરોમણી જાણ્ય;
રાતે રંગશૂં કામી રે, પાણિ સારંગ-પાણ્ય.

આજ ઉમાપતિ તૂઠા રે, વૂઠા અમીયે મેહ;
આજ કલ્પતરુઅર અમ તણે, આંગણે ઊગિયો જેહ.

નિશિ વશિ કીધો નારીએ, મુચિર સુંદર શ્યામ;
એણિ પરિ ફાગણ ખેલી રે, પૂરી હૈયાની હામ.’

ભોગીલાલ સાંડેસરાએ સોળમા સૈકાના અજ્ઞાત જૈનેતર કવિઓની બે ત્રણ રચનાઓ એમના ‘પ્રાચીન ફાગુ-સંગ્રહ’માં સંગૃહીત કરી છે. એમાં ‘કામીજન-વિશ્રામ તરંગગીત’માં એનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ફાગુ કરતાં ગીતનાં જ તત્ત્વો પ્રધાન છે, અને ‘ચુપઈ ફાગુ’માં વસંતશ્રીનું અને વસંતમાં થતી ક્રીડાઓનું વર્ણન છે એ ખરું, પણ એમાં ફાગુ કાવ્યનો ઘાટ નથી અને છેલ્લે ‘બારમાસી’ના કાવ્યસ્વરૂપમાં એની પરિણતિ છે. આ બંને કાવ્યોમાં વર્ણનસમૃદ્ધિ સુંદર હોવા છતાં એમનામાં ‘ફાગુ’નું વિશિષ્ટ સ્વરૂપ છતું થતું નથી, માટે અહીં એની આલોચના કરી નથી. અન્ય બેત્રણ ખંડિત રચનાઓમાં કાવ્યત્વ બહુ જ સામાન્ય પ્રકારનું હોવાથી એમની ચર્ચા પણ અહીં પ્રસ્તુત ગણી નથી.

૪. જૈન ફાગુઓ

આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે જૈન કવિઓએ પણ ફાગુસ્વરૂપ પ્રચુરપણે ખેડ્યું છે, પણ એમાં એમણે સ્વરૂપગત ફેરફારો પ્રકામપણે કર્યા છે. શૃંગારૈકલક્ષી આ મુલાયમ કાવ્યસ્વરૂપને એમણે વૈરાગ્ય અને ઉપશમના નિરૂપણ માટે ઉપયોગમાં લીધું. એથી વસન્તવર્ણન કે નારીસૌન્દર્યનું વર્ણન અપ્રધાન, ક્વચિત્ કેવળ અછડતું જ રહ્યું, અને કોઈ તીર્થંકર કે સૂરીશ્વરની તપશ્ચર્યાનું, કામવિજયનું નિરૂપણ એ જ એનું પ્રધાન લક્ષ્ય બન્યું. આમ સાંપ્રદાયિક તત્ત્વ પ્રવિષ્ટ થતાં જૈન ફાગુઓમાં આ સ્વરૂપની સહજ સુન્દરતામાં, એના અંતર્ગત કલાતત્ત્વમાં કેટલીક ઊણપ રહી ગઈ એમાં શંકા નથી. આ અપૂર્ણતા હેતુપુરઃસર, કાવ્યને વિશિષ્ટ વળાંક આપવાને, એને ઉપદેશાત્મક બનાવવાને કારણે પ્રવેશી હતી; કવિની કવિત્વશક્તિની અધૂરપને કારણે એ નીપજી નહોતી. અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયેલા પરિમિત સંખ્યાના બ્રાહ્મણ કે જૈનેતર ફાગુઓની સરખામણીમાં પ્રકાશમાં આવેલા જૈન ફાગુઓની સંખ્યા ઘણી છે. જિનપદ્મસૂરિનો સિરિથૂલિભદ્ ફાગુ’ ઈ.સ. ૧૩૩૪ (વિ.સં. ૧૩૯૦), મલધારી રાજેશખરસૂરિનો ‘નેમિનાથ ફાગુ’ ઈ. ૧૩૪૯ (સં. ૧૪૦૫), હલરાજનો ‘થૂલિભદ્દ ફાગુ’ ઈ. ૧૩૫૩ (સં. ૧૪૦૯), અજ્ઞાત કવિનો ‘જંબૂસ્વામી ફાગુ’ ઈ. ૧૩૭૪ (સં. ૧૪૩૦), મેરુનંદનનો ‘જિરાઉલા પાર્શ્વનાથ ફાગ’ ઈ. ૧૩૭૬ (સં. ૧૪૩૨), સમુધરરચિત ‘શ્રી નેમિનાથ ફાગુ’ આશરે ઈ.સ. ૧૩૯૪ (સં. ૧૪૫૦), જયશેખરસૂરિનો નેમિનાથફાગ’ આશરે ઈ. ૧૪૦૪ (સં. ૧૪૬૦), માણિક્યસુન્દરસૂરિનો ‘નેમીશ્વરચરિત ફાગબંધ’ ઈ. ૧૪૨૨ (સં. ૧૪૭૮), સોમસુંદરસૂરિનો ‘સ્થૂલિભદ્ર ફાગુ’ ઈ. ૧૪૨૫ (સં. ૧૪૮૧) અને તેમનો ‘નેમિનાથ નવરસ ફાગ’ (રંગસાગર નેમિફાગ) (વિ. સં. ૧૫મા શતકનો ઉત્તરાર્ધ), દેવરત્નસૂરિશિષ્યનો ‘દેવરત્નસૂરિ ફાગ’ ઈ. ૧૪૪૩ (સં. ૧૪૯૯), અજ્ઞાત કવિકૃત ‘પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ’ (વિ.સં. ૧૫ મો સૈકો), અજ્ઞાત કવિનો ‘ભરતેશ્વર ચક્રવર્તી ફાગ’ (વિ. સં. ૧૫મું શતક), અજ્ઞાતકર્તૃક ‘કીર્તિરત્નસૂરિ ફાગ’ (વિ. સં. ૧૫મું શતક), ધનદેવગણિનો ‘સુરંગાભિધાન નેમિફાગુ’ ઈ. ૧૪૪૬ (સં. ૧૫૦૨), ‘સુમતિસુંદરસૂરિ ફાગુ’ (રસસાગર ફાગ) આશરે ઈ. ૧૪૬૯ (સં. ૧૫૨૫), વિનયચૂલાગણિની પ્રેરિત ‘હેમરત્નસૂરિગુરુ ફાગુ’ આશરે ઈ. ૧૪૬૯ (સં. ૧૫૨૫) – આટલા તો કેવળ પંદરમા સૈકાના ગાળામાં રચાયેલા ફાગુઓ છે.[20] આ જ રીતે સોળમા સૈકામાં રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગ’ (વિ.સં.૧૬મા શતકનો પૂર્વાર્ધ), અને સત્તરમા સૈકામાં જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ’ ઈ.સ. ૧૫૫૮ (સં. ૧૬૧૪) આસપાસ, માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ (વિ.સં. ૧૭માં શતકનો પૂર્વાર્ધ), અને સુદીર્ઘ કથાકાવ્ય કે ચરિત્રકાવ્ય રૂપના વાચક કનકસોમકૃત ‘મંગલકલશ ફાગ’ ઈ. ૧૫૯૩ (સં. ૧૬૪૯) અને કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’, ઈ. ૧૬૪૦ (સં. ૧૬૯૬) ઈ. અનેક ફાગુઓ રચાયા છે. એમાંથી ગણતર ફાગુ પ્રસિદ્ધ થયા છે. એમાંથી થોડાક મહત્ત્વના ફાગુની અહીં આલોચના કરીએ. આ ફાગુઓમાંથી કેટલાક ફાગુઓ તીર્થંકરો વિષે રચાયા છે, જેમાં નેમિનાથવિષયક ફાગુઓની સંખ્યા ઘણી છે; થોડાક પ્રાચીન આચાર્યો અને કેવલજ્ઞાનીઓ વિષે છે; કેટલાક તીર્થસ્થાનોના મહિમાના, ત્યાંનાં મંદિરોની પ્રતિષ્ઠા-પ્રસંગની પ્રશસ્તિરૂપના, એમાં સ્થાપિત દેવની સ્તુતિના છે; તો થોડાક વિવિધ ગચ્છોના નામાંકિત આચાર્યો-સૂરીશ્વરોની તપશ્ચર્યા અને કામવિજયને વર્ણવતા છે. આ ફાગુઓમાં દીક્ષા ધારણ કર્યાં પછી પોતાની પૂર્વાશ્રમની પ્રેયસી કોશાને ત્યાં ગુરુના આદેશથી ચાતુર્માસ ગાળવાને આવેલા સાધુવર્ય સ્થૂલિભદ્ર વિષેના ઠીક ઠીક ફાગુઓ છે, અને વિવાહ માટે જઈ રહેલા નેમિનાથે પોતાના વિવાહોત્સવમાં ઉપસ્થિત સાજનને તૃપ્ત કરવાને વધેરવામાં આવનાર, વાડામાં પુરાયેલાં વધ્ય પ્રાણીઓનું આક્રંદ સાંભળીને ત્યાંથી જ પાછા વળીને ઊર્જયંતગિરિ ઉપર જઈને સાંવત્સરિક દાન આપીને દીક્ષા લીધાના પ્રસંગના અનેક ફાગુઓ છે. તીર્થસ્થળોમાં સ્થાપના કરેલા દેવની પ્રશસ્તિના થોડાક ફાગુઓ છે (ઉ. ત. મેરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ’ ઈ. ૧૩૭૬ (સં. ૧૪૩૨); પ્રસન્નચન્દ્રસૂરિકૃત ‘રાવણિ પાર્શ્વનાથ ફાગુ’ ઈ. ૧૩૬૬ (સં. ૧૪૨૨) આસપાસ; અજ્ઞાતકવિકૃત ‘રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ’ ઈ. ૧૫૦૧ (સં. ૧૫૫૭) પહેલાં, ઇ.; તેમ સૂરીશ્વર-ગુરુઓની તપશ્ચર્યા બિરદાવતા થોડાક ફાગુઓ છે. [ઉ.ત. આગમમાણિક્યકૃત ‘જિનહંસગુરુ નવરંગ ફાગ’, વિ.સં. ૧૬મું શતક; ‘હેમરત્નસૂરિફાગુ’, વિ.સં. ૧૬મું શતક; ‘સુમતિસુંદરસૂરિ ફાગુ’, ઈ. ૧૪૬૪ (સં. ૧૫૨૦) આસપાસ; ‘અમરરત્નસૂરિફાગુ’ ઈ. ૧૪૬૯ (સં. ૧૫૨૫) આસપાસ; ઇ. ]. ક્વચિત્ ભર્તૃહરિના ‘વૈરાગ્યશતક’ની માફક નારીસૌન્દર્યનું વર્ણન કરી એની અસારતા દર્શાવી અવહેલના કરતા રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગ’ જેવા ફાગુઓ પણ મળે છે. કેવળ સાંસારિક વિષયનું નિરૂપણ કરતા જૈન ફાગુઓ વિરલ છે. અહીં ક્રમશઃ, પ્રત્યેક પ્રકારના ફાગુઓ સાથે લઈને એમની આલોચના કરીએ.

સ્થૂલિભદ્રવિષયક ફાગુઓ

પ્રથમ સ્થૂલિભદ્રવિષયક ફાગુઓ લઈએ. સ્થૂલિભદ્ર જૈન ધર્મના ઇતિહાસમાં એક પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. પૂર્વાશ્રમમાં એ પાટલિપુત્રના નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર હતા. એમની અસાધારણ, કામદેવ જેવી સુંદર કાન્તિ હતી. પાટલિપુત્રની પ્રસિદ્ધ વારાંગના કોશાના પ્રેમમાં પડીને સતત બાર વર્ષ સુધી એના આવાસમાં રહ્યા હતા. શકટાલના મરણ પછી એમને પ્રધાનપદ આપવાને રાજા તત્પર થયો; પણ એમને હવે સંસારના રંગરાગ ઉપર તિરસ્કાર આવ્યો હતો અને મન વૈરાગ્યના રંગે પૂર્ણપણે રંગાયું હતું. એમણે સંભૂતિવિજય ગુરુ પાસે જઈને દીક્ષા લીધી. ગુરુના આદેશે તેઓ કોશાના જ આવાસમાં ચાતુર્માસ ગાળવાને આવ્યા. કોશા પ્રથમ તો સ્થૂલિભદ્રના આગમને હર્ષોન્મત્ત બની ગઈ. પણ હવે પ્રણયરાગી સ્થૂલિભદ્રને સ્થાને દૃઢ મનોબળવાળા ત્યાગી, વિરક્ત સાધુ સ્થૂલિભદ્ર એની સમક્ષ હતા. એની સર્વ ચેષ્ટાઓ આ કામવિજયી સાધુ પાસે વિફલ બની; ઊલટું, એમણે એને જ પ્રતિબોધ પમાડી. પોતાનો અભિગ્રહ પૂર્ણ કરીને સાધુ સ્થૂલિભદ્ર ગુરૂ પાસે આવ્યા ત્યારે ગુરૂએ એમને ‘દુષ્કરદુષ્કરકારક’ કહીને બિરદાવ્યા. આ શૃંગાર, વિપ્રલંભ અને પ્રશમમાં રચાયેલી કથાએ કવિજનમનને ખૂબ આકર્ષ્યું છે અને એને કેન્દ્રસ્થાને રાખીને અનેક રચનાઓ થઈ છે.

જિનપદ્મસૂરિરચિત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ – આ કથા-વિષયક પ્રાચીન ગુજરાતી ફાગુઓમાં જિનપદ્મ સૂરિનો ‘સ્થૂલિભદ્ર ફાગુ’ સૌથી જૂની કૃતિ છે. ઈ. ૧૩૩૪ (વિ.સં. ૧૩૯૦) આસપાસમાં એની રચના થઈ છે. એક દુહો અને એક કે વધારે રોળા આવે એવી ‘ભાસ’ (સં. भाषा) કે પદ્યખંડમાં એ રચાઈ છે. કાવ્યમાં કુલ સાત ‘ભાસ’ છે. કવિના વર્ણનોમાં અસાધારણ રવમાધુર્ય અને ચિત્રાત્મકતા છે. એનું વર્ષાનું વર્ણન જુઓ : [21]

‘ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મેહા વરિસંતિ,
ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ,
ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઇ,
થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઇ. ૬

કોશાના સૌન્દર્યનું વર્ણન કેવું અલંકારમંડિત છે તે જુઓ : [22]

‘લહલહ લહલહ લહલહ એ ઉર મોતિય હારો,
રણરણ રણરણ રણરણ એ પગિ નેઉરસારો,
ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ,
ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણહં મંડલ. ૧૧

મયણખગ્ગ જિમ લહલહંત જસુ વેણીદંડો,
સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો,
તુંગ પયોહર ઉલ્લસઇ સિંગારથવક્કા,
કુસુમબાણિ નિય અમિયકુંભ કિર થાપણિ મુક્કા. ૧૨

લવણિમરસભરકૂવડિય જસુ નાહિ ય રેહઇ,
મયણરાય કિર વિજયખંભ જસુ ઊરૂ સોહઇ. ૧૫

અહરબિંબ પરવાલખંડ વયણચંપાવન્ની,
નયણસલૂણીય હાવભાવબહુગુણસંપુન્ની.’ ૧૬

છેલ્લી કડીમાં આ ફાગુ રાસ કે ગરબાની માફક નૃત્યગીતરૂપે વસંતમાં ગવાતો એવો ઉલ્લેખ છે: [23]

‘ખરતરગચ્છિ જિણપદમસૂરિકિય ફાગુ રમેવઉ,
ખેલા નાચઇં ચૈત્રમાસિ રંગિહિ ગાવેવઉ.’ ૨૭

જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર–કોશા પ્રેમવિલાસ ફાગ’ – અદ્યયાવત્ ઉપલબ્ધ ફાગુઓમાં આ પછીની બીજી રચના તે શ્રી જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ’ છે. એ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ જયવંતસૂરિએ ઈ. ૧૫૫૮ (સં. ૧૬૧૪)ની આસપાસ રચ્યો છે. કુલ ૪૫ કડીની આ રચના છેક ૪૧મી કડી સુધી તો કોઈ વિરહિણીના વિપ્રલંભશૃંગારનું જ કાવ્ય બની રહે છે; છેલ્લી ચાર કડીઓમાં જ કોશા – સ્થૂલિભદ્રનો અછડતો ઉલ્લેખ આવે છે. કાવ્યનો પદ્યબંધ ‘ફાગની ઢાલ’ (ફાગની ચાલ) અને ‘કાવ્ય’ કે ‘છંદ’ માં બંધાયેલો છે. વિરહિણીનું વર્ણન પ્રાસાદિક પણ બહુધા પ્રણાલિકાગત છે, પરંતુ કેટલીક વાર કવિનું આલેખન અત્યંત ભાવાર્દ્ર બન્યું છે. ઉ. ત. [24]

હું સિઇં ન સરજી પંષિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ,
હું સિઇં ન સરજી ચંદન, કરતી પ્રિયાતનુ વાસ. ૩૧

હું સિઇં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ,
મુહિ સુરંગ જ શોભતાં, હું સિઇં ન સરજી પાન.’ ૩૨

કોઈ વાર સમધ્વનિવાળા વિભિન્નાર્થ શબ્દોનો અંત્ય પ્રાસ મેળવીને કવિએ કાવ્યચમત્કૃતિ સાધવાનો પ્રયત્ન કર્યો છે: [25]

‘ષિણિ અંગણિ ષિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઇ,
ઝૂરતાં જાઈ દિન રાતડી, આંષિ હૂઇ ઊજાગરઇ રાતડી.’ ૯

માલદેવનો ‘સ્થૂલિભદ્રફાગ’ – એ સત્તરમા શતકના પૂર્વાર્ધમાં રચાયેલી કૃતિ છે.૨૬ એના રચિયતા માલદેવ મુનિનો નિવાસ મુખ્યત્વે મારવાડના બિકાનેર નગરમાં હતો. એથી એમની કૃતિઓમાં મારવાડી ભાષાની પુષ્કળ અસર વરતાય છે. ‘સ્થૂલિભદ્ર-ફાગ’ એક જ દેશીમાં સળંગ રચાયો છે, જે અન્ય ફાગુઓની દેશીઓ કરતાં વિલક્ષણ છે. એમાં સ્થૂલિભદ્રના પૂર્વજીવનની કથા કવિએ પ્રમાણમાં વિસ્તારથી આપી છે. જિનપદ્મસૂરિના જેવું કવિત્વ આ કૃતિમાં નજરે પડતું નથી.

નેમિનાથવિષયક ફાગુકાવ્યો –

નેમિનાથવિષયક ફાગુકાવ્યો સંખ્યાબંધ છે. નેમિનાથના ચરિત્રે અનેક કવિઓને આકર્ષ્યા છે. શૃંગારનું શાન્તરસમાં પર્યવસાન કવિઓને કાવ્યરચના માટે આકર્ષક સામગ્રી પૂરી પાડે છે. નેમિનાથ ચોવીસ જૈન તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર થઈ ગયા. જૈનપરંપરા અનુસાર એ કૃષ્ણના કાકાના દીકરા થાય. યાદવ રાજા સમુદ્રવિજય અને એમનાં પત્ની શિવાદેવીના એ પુત્ર થાય. એ લગ્ન કરવાને ઇચ્છતા નહોતા, પણ શ્રીકૃષ્ણની પત્નીઓએ એમને વસંતક્રીડાને પ્રસંગે લગ્ન કરવાને મનાવ્યા હતા. યાદવ રાજા ઉગ્રસેનની દુહિતા રાજિમતી–રાજુલ સાથે એમનું સગપણ નક્કી કરવામાં આવ્યું. નેમિનાથની જાન ઉગ્રસેનને ત્યાં જતાં દ્વારકામાં થઈને પસાર થતી હતી ત્યારે જાનૈયાઓના સત્કારાર્થે ભોજન માટે વાડામાં પૂરી રાખેલાં વધ્ય પશુઓ એમણે જોયાં, અને એમનો આત્મા એમને નિમિત્તે થનાર આ હિંસા માટે કકળી ઊઠ્યો. પૂર્વસંસ્કારોને બળે એમના મનમાં અપાર વિરક્તિ જાગી ઊઠી અને લગ્ન કર્યા વિના એ ત્યાંથી જ પાછા વળી ગયા, અને લગ્નોત્સુકા રાજિમતી રાહ જોતી જ રહી. નેમિનાથે સાંવત્સરિક દાન દઈને ગિરનાર ઉપર જઈને દીક્ષા લીધી, જ્યાં એમને કેવળજ્ઞાન થયું. રાજિમતીએ પણ પોતાના મનના માનેલા પ્રિયતમને પગલે દીક્ષા ગ્રહણ કરી અને અંતે સિદ્ધિને પામ્યાં.

મલધારી રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’ – નેમિનાથવિષયક ફાગુકાવ્યોમાંથી સૌથી પ્રાચીન ધ્યાનાર્હ રચના મલધારી રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’ ઈ. ૧૩૪૯ (વિ.સં. ૧૪૦૫) આસપાસની છે. એમાં પણ જિનપદ્મસૂરિના ‘સ્થૂલિભદ્ર ફાગુ’ની માફક જ ૨૭ કડીઓ છે. પહેલાં એક દુહો અને પછી રોળાની બનેલી સાત ‘ભાસ’માં કૃતિ વહેંચાયેલી છે. એની ભાષાશૈલીની કોમલતા, લાલિત્ય, પ્રવાહિતા અને વેગ અનોખાં છે. એનું રાજિમતીનું વર્ણન જુઓ : [26]

‘અહ સામલ કોમલ કેશપાશ કિરિ મોરકલાઉ,
અદ્ધચંદ સમુ ભાલુ મયણુ પોસઇ ભડવાઉ;

વંકુડિયાલીય ભૂંહડિયહં ભરિ ભુવણુ ભમાડઈ,
લાડી લોયણલહકુડલઇ સુર સગ્ગહ પાડઈ.

કિરિ સિસિબિંબ કપોલ કન્નહિંડોલ ફરંતા,
નાસા વંસા ગરુડચંચુ દાડિમફલ દંતા;

અહર પવાલ તિ રેહ કંઠુ રાજલસર રૂડઉ,
જાણુ વીણુ રણરણઇં જાણુ કોઈલટહકડલઉ.

રુણુઝુણુ એ રુણુઝુણુ એ રુણુઝુણુ એ કડિ ઘઘરિયાલિ,
રિમિઝિમિ રિમિઝિમિ રિમિઝિમિ એ પયને ઉરજુયલી.’

કૃષ્ણર્ષીય જયસિંહસૂરિરચિત પ્રથમ અને દ્વિતીય ‘નેમિનાથફાગુ’ – આ પછી થોડે જ સમયે કૃષ્ણર્ષીય જયસિંહસૂરિએ બે ‘નેમિનાથ ફાગુ’ઓ રચ્યા છેઃ ઈ. ૧૩૬૬ (સં. ૧૪૨૨) આસપાસ. એકમાં એમણે જિનપદ્મસૂરિ અને રાજશેખરસૂરિએ યોજેલ દુહારોળાની ‘ભાસ’નો પદ્યબંધ અપનાવ્યો છે, તો બીજામાં એમણે આદિ ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’નો આંતરયમકવાળા દુહાનો ‘ફાગુ’ બંધ સ્વીકાર્યો છે. બંનેમાં કવિની બાનીનું માધુર્ય અને પ્રૌઢિ પ્રશસ્ય છે. પ્રથમ ફાગુનું વસન્તવર્ણન સુંદર છે.[27] એમાં પ્રશિષ્ટ જૈનેતર રચના ‘વસન્તવિલાસ’ના પડઘા સંભળાય છે.

ભમઇં ભમર મધુપાનમત્ત ઝંકારુ કરંતા,
રિતુરાયહ કિરિ ભટ્ટથટ્ટ વર કિત્તિ પઢંતા,

પસરિઉ પરિમલુ મલઈવાઉ, દસદિસિ પૂરંતો,
માણિણિ કામિણિ મનહ માહિ, તક્ખણિ ચૂરંતો.’ ૪

રાજિમતીના વર્ણનમાં ઋજુ સૌન્દર્ય છે :[28]

‘મયણ સુહડ કરિવાલ સરિખુ સિરિ વેણીયદંડો,
કંતિસમુજવલુ તાસુ વયણુ, સસિબિંબુ અખંડો,

ભાલથલુ અઠ્ઠમિય ચંદુ, કિરિ કંન હિંડોલા,
ભમુહ ધણુહ સમ વિપુલ, ચપલ લોયણ કંચોલા. ૯

અહિરુ પ્રવાલઉ, કંઠુ કરઇ કોઇલસઉ વાદો,
રાજલ વાણિય વેણુ વીણુ ઊતારઇ નાદો. ૧૦

તસુ ભુયવલ્લીય કરિ કમલ, પીણ પયોહર તુંગ,
પરિપૂરિય સિંગાર રસિ, કણય કલસ કિરિ ચંગ.’ ૧૧

જયસિંહસૂરિનો દ્વિતીય ‘નેમિનાથ ફાગુ’ આંતરયમકવાળા દુહામાં રચાયેલો છે. એમાં પણ પ્રારંભે આવતું વસન્તવર્ણન નોંધપાત્ર છે. યમકસાંકળીમાં પ્રાચીન પ્રશિષ્ટ ‘વસંતવિલાસ’નો રણકાર સ્થળે સ્થળે સંભળાય છે.

ધનદેવગણિકૃત ‘સુરંગાભિધ નેમિ ફાગ’ (ઈ.સ. ૧૪૪૬, સં. ૧૫૦૨) : આ ફાગુમાં કુલ ૮૪ કડીઓ છે.[29] એની છંદોરચના ઉપરના ફાગુઓ કરતાં વધારે સંકુલ છે. એમાં પ્રથમ ‘કાવ્ય’ નામથી નિર્દિષ્ટ થયેલો શાર્દૂલવિક્રીડિત, અને એ પછી રાસક, અઢૈયુ અને ફાગ (=આંતર યમકવાળા દુહા)ની કેટલીક કડીઓના બનેલા દસ એકમો કે ઘટકો છે. કાવ્યને પ્રારંભે તેમ અંતે એક એક સંસ્કૃત શ્લોક આપ્યો છે. પ્રારંભનો મંગળાચરણનો શ્લોક આ પ્રમાણે છે :

नत्वानंतगुणात्मकं सुरनतं संसारनिस्तारकं
विश्वानन्दविधायकं जिनपतिं श्रीआदिदेवं प्रभुम् ।
स्मृत्वा श्रीश्रुतदेवतां जननतां निःशेषजाड्यापहां
श्रीनेमेरतुलं करोमि सकलं फागं सुरंगाभिधम् ॥

નેમિવિષયક ફાગુકાવ્યોમાં નાયકનું વર્ણન ક્વચિત્ જ કર્યું હોય છે. આમાં નેમિકુમારનું આ પ્રમાણે વર્ણન આવે છે :

‘દંતા દાડિમ બીજડાં, અધર બે જાચાં પ્રવાલાં નવાં,
દીપઈ સું જલ આંષડી કમલની જેસી હુઇં પાંષડી,
નાસા સા શુક ચંચડી, ભમહડી દીસઇં બેઊ વાંકુડી,
બોલું કિં બહુના, કુમાર જમલું કાંઇ એ ઓપઇ નહીં.’ ૩૨

‘સુરંગાભિધ નેમિ ફાગ’માં ‘વસંતવિલાસ’ સાથે સામ્ય ધરાવતી પંક્તિઓ મળે છે. ઉ.ત. નીચેની કડીનું ‘વસંતવિલાસ’ની ૩૧મી કડી સાથે ઉત્કટ સામ્ય છે :

‘ચંપકની દીસઇ એ કલી નીકલી પીલી ય અંગિ,
કિરી એ રયણિ રણદીવીય જ, નવીય કરીય અનંગિ.’ ૪૫

સોમસુન્દરસૂરિકૃત ‘રંગસાગર નેમિફાગ’ – વિ. સં.ના પંદરમા શતકના ઉત્તરાર્ધમાં રચાયો છે.[30] એ ૧૧૯ કડીનું વિસ્તૃત કાવ્ય છે, જેને કવિએ ‘મહાફાગ’નું અભિધાન આપ્યું છે. એમાં કવિએ ઉજ્જ્વલ શબ્દાલંકારની શોભા આણવાની પ્રતિજ્ઞા કરી છે :

श्रीनेमेः परमेश्वरस्य यमकालंकारसारं मनः ।
स्मेरीकारक रंगसागरमहाफागं करिष्ये नवम् ॥

એની વર્ણનસમૃદ્ધિ અસાધારણ સુંદર છે. ‘એમાં નેમિનાથના જન્મ પ્રસંગથી માંડીને ચરિત્ર આપવામાં આવ્યું છે. નેમિનાથના જન્મ પૂર્વે માતા શિવાદેવીને શુભ સ્વપ્નો આવે છે ત્યાંથી કાવ્યનો આરંભ થાય છે. આ ફાગની શૈલી અત્યંત મનોરમ છે. સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ એની વિશેષતા છે. કાવ્યની ભાષા જૂની ગુજરાતી છે, પણ કાવ્યબંધ ઉપર સંસ્કૃત કવિતાની ઘણી અસર છે. સંસ્કૃત સાહિત્યની ઉપમાઓ અને અલંકારોથી કાવ્ય શોભે છે. એમાં વચ્ચે વચ્ચે ‘વસંતવિલાસ’ સાથેનું સામ્ય પણ વરતાય છે. એનું વસંતનું વર્ણન જુઓ :

આવી એ મધુમાધવી રતિ ભલી, ફૂલી સવે માધવી,
પીલી ચંપકની કલી મયણની, દીવી નવી નીકલી;
પામિ પાડલ કેવડી ભમરની પૂગી રુલી કેવડી,
ફૂટે દાડિમિ રાતડી વિરહિયાં દોલ્હી દૂઈ રાતડી.’[31]

માણિક્યસુંદરસૂરિકૃત ‘નેમીશ્વરચરિત ફાગબંધ’ – પ્રાચીન ગુજરાતી કાદંબરી કથા સમ ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’ (અપરનામ ‘વાગ્વિલાસ’)ની અસાધારણ અલંકૃત ગદ્યકથાના રચયિતા માણિક્યસુંદરસૂરિએ ‘નેમીશ્વરચરિત ફાગબંધ’ની રચના ઈ. ૧૪૨૨, (સં. ૧૪૭૮)ની આસપાસમાં કરી છે. કુલ ૯૧ કડીના એ કાવ્યમાં ૧૭ સંસ્કૃત શ્લોક છે અને ૭૪ પ્રાચીન ગુજરાતી છંદો છે. આરંભમાં ત્રણ સંસ્કૃત શ્લોક આપીને પછી ‘રાસ’ (સવૈયા બત્રીસાને મળતો ઢાળ), અઢૈયુ (૧લું ચરણ ચરણાકુલનું, બીજું દુહાના ઉત્તરાર્ધનું + ૨ માત્રાનો ગીતવર્ણ), અને ફાગુ, એ ત્રણ છંદોમાં રચના કરી છે. પ્રશિષ્ટ ‘વસંતવિલાસ’ની માફક આ કવિની બાની પ્રાસાદિક છે એની પ્રતીતિ અનેક પંક્તિઓ કરાવી જાય છે. ઉ. ત. વસંતવર્ણનની આ બે કડીઓ જુઓ :

‘ઇણિ વચનિ હરિ આણંદીઅલા, ઋતુ વસંત અવસર આઇયલા : –
વાઇલા દક્ષિણ વાયુ તુ, જિન જિન૰ – ધ્રુવપદ૰

કુસુમિ કુસુમિ ભમરા રણઝણીઆ, મયણરાય હયવર હણહણીઆ :

ખેલે માસ વસંત તુ, જિન જિન૰
જાઈ જૂઈ વર કિંશુક, કિ શુકવદન સુવૃક્ષ
ત્રિભુવન જન-આનંદન, ચંદન ચંપક વૃક્ષ.’[32]

જયશેખરસૂરિરચિત ‘નેમિનાથફાગુ’ – ‘પ્રબોધચિન્તામણિ’ અને ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ એ રૂપકગ્રન્થિના રચયિતા શ્રી જયશેખરસૂરિએ ઈ. ૧૪૦૪ (સં. ૧૪૬૦)ની આસપાસમાં બે નેમિનાથવિષયક ફાગુઓ રચ્યા છે : પહેલા ફાગુને એમણે ‘નેમિનાથફાગુ’ કહ્યો છે; અને બીજાને ‘શ્રીનેમિનાથસ્ય ફાગુબંધેન સ્તુતિઃ’ એવું અભિધાન આપ્યું છે. પ્રથમ ફાગુ ગાયકવાડ્ઝ ઓરિએન્ટ સીરીઝના ગ્રંથાંક ૧૧૮ ‘ગુર્જર રાસાવલિ’માં છપાયો છે; બીજો ભોગીલાલ સાંડેસરાએ એમના ‘પ્રાચીન ફાગુ-સંગ્રહ’ના અંતભાગે અનુપૂર્તિમાં મુદ્રિત કર્યો છે. સમગ્ર પ્રથમ ફાગુ આંતરયમકવાળા દુહામાં છે; અને બીજો લગભગ અર્ધે સુધી (૨૪ કડી સુધી) આંતરયમકવાળા દુહામાં છે, અને પછી રોળાની બનેલી ‘ભાસ’ આવે છે. ઉત્તરાર્ધમાં વચ્ચે વચ્ચે એ ખંડિત છે. જયશેખરસૂરિના પહેલા ‘નેમિનાથફાગુ’માં ઘણી પંક્તિઓમાં ‘વસન્તવિલાસ’ની પદાવલીનો રણકો સંભળાય છે, અને અલંકારોમાં સામ્ય વરતાય છે. ઉ. ત. વસંતવર્ણન પ્રસંગની આ પંક્તિઓ જુઓ : [33]

‘એકલી કરબકની કલી નીકલી ગિઉ અભિમાન,
દેખઉં કેવડી કેવડી જેવડી કરવત ધારિ.
ટાલઈં એ કેલીહર દીહર ખલ જિમ ખેમુ;
વિલવઈં વિરહકરાલિય બાલિય ઇમ એકંતિ.
વનિ વનિ વિકસઇં વેઉલ ખેઉ લગાડઇ ચીંતિ,
વર વિલસઇં અવલેસર કેસર હેઠિ સુવેસ.’

એ પછી કૃષ્ણની રાણીઓની અને કૃષ્ણનેમિની વસન્તક્રીડા અને જલક્રીડા વર્ણવી છે. રાજિમતીની દેહયષ્ટિનું અને અલંકારોનું વર્ણન પણ એવું જ સુભગ છે. આ કાવ્ય નેમિનાથવિષયક ફાગુકાવ્યોમાં અગ્રસ્થાનનું અધિકારી છે. જયશેખરસૂરિનો દ્વિતીય ‘નેમિનાથ ફાગુ’ એના સંવિધાન પરત્વે રાજશેખરસૂરિ અને જયસિંહસૂરિની રચનાનું સ્મરણ કરાવે છે; પણ એમાં પહેલા ‘નેમિનાથફાગુ’ જેવી વર્ણનસમૃદ્ધિ અને અલંકારશોભા નજરે પડતી નથી. સમુધરકૃત ‘શ્રીનેમિનાથફાગુ’ – એ પંદરમા શતકના અંતભાગ અને સોળમા શતકના પ્રારંભકાળે રચાયેલી કૃતિ છે. એનો બંધ જૂનાં, આરંભકાળનાં ફાગુકાવ્યોની માફક સાદો છે. એનો છંદ દુહો જ છે, માત્ર વિષમ ચરણની આગળ ત્રણ માત્રાનો ‘અહે’ શબ્દ ઉમેર્યો છે. ‘વસંતવિલાસ’ જેવી યમકસાંકળી એમાં નથી, એથી છંદોબંધ વધારે સાદો બન્યો છે, તો કાવ્યમાં વેગ અને પ્રવાહિતા ઘણાં વધ્યાં છે, જે વસંતમાં વિહાર કરતાં નરનારીઓની ગતિનું પ્રતિબિંબ ઝીલે છે. એનું વસન્તનું વર્ણન જુઓ : [34]

‘અહે વન રુયડઉં રલિયાવણઉ, અનુ વિહસિય વણરાએ,
અહે વાલઉ વેઉલુ વેઉલુસિરી, કેતકી તહિ જાએ.
અહે કોઇલિસાદુ સોહાવણઉ, મોરિ મધુર વાસંતિ,
અહે ભમરા રણઝણરુણુ કર, કિઇરિ કિન્નરિ ગાયંતિ.’

રથ ઉપર ચડીને વિવાહતોરણે આવતા ઇન્દ્ર કે ચન્દ્ર સમાન નેમિકુમારના રૂપનું વર્ણન કવિ કરે છે : [35]

‘અહે કુ ઇંદુ કે ચંદુ કે, હરિહરુ અરુ બંભાણ,
અહે સવિહિ રૂપવિસેસઉ, સિવિદિવિ તણા નંદાણ;
અહે જાલગવક્ ખે રાઇમઇ, જોયએ પ્રયુ આવંતુ.’

આ કાવ્યનો વ્યાપ ભલે મર્યાદિત હોય; પણ એની કવિત્વશક્તિ મર્યાદિત નથી. અન્ય નૈમિવિષયક ફાગુઓ – સમરની અને પદ્મ જેવા કવિઓની કૃતિ સામાન્ય પ્રકારની રચનાઓ હોઈ એ સમુધરની તોલે પણ આવી શકતી નથી.

કેવળી અને આચાર્યવિષયક ફાગુઓ

‘જંબુસ્વામી ફાગ’– અન્ય કેવળીઓ (= કેવળજ્ઞાનીઓ) અને આચાર્યો વિષેનાં કાવ્યોમાં અજ્ઞાત કવિ કૃત ‘જંબુસ્વામી ફાગ’ અત્યારસુધી પ્રાપ્ત રચનાઓમાં સૌથી જૂનો છે. ઈ. ૧૩૭૪ (સં. ૧૪૩૦)માં એ રચાયો હતો એવો કાવ્યને અંતે ઉલ્લેખ છે. આંતર યમક વાળા ૬૦ દુહામાં એ લખાયો છે. જૈન પરંપરામાં જંબુસ્વામીનું કથાનક સુપ્રસિદ્ધ છે. જૈન ધર્મના ઇતિહાસમાં તેઓ ચરમ-છેલ્લા કેવળી તરીકે સુજ્ઞાત છે. મગધમાં રાજગૃહ નગરના શ્રેષ્ઠી ઋષભદત્ત અને એની પત્ની ધારિણીના તેઓ એકના એક પુત્ર હતા. યુવાવસ્થામાં આવ્યા પછી તેઓ એક વાર વસંત ઋતુમાં વૈભારગિરિ ઉપર ક્રીડા કરવાને ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં ગણધર સુધર્મા સ્વામી સાથે એમનો સમાગમ થયો, અને પૂર્વના સંસ્કારોથી એમનું મન સંસારથી વિરક્ત થયું. આ પહેલાં એમનો વિવાહ શ્રેષ્ઠીઓની આઠ કન્યાઓ સાથે થયો હતો. લગ્ન પછી તરત જ દીક્ષા લેવાની અનુમતિની શરતે એમણે વિવાહ માટે અનુમતિ આપી. વિવાહની પ્રથમ રાત્રિએ ઘરમાં સૌ ઊંઘી ગયાં હતાં, પણ જંબુકુમાર જાગતા હતા. ત્યારે પ્રભવ નામનો ચોર એના પાંચસો સાથીઓ સાથે ચોરી કરવાને ઘરમાં દાખલ થયો. જંબુકુમારના બ્રહ્મચર્યને પ્રતાપે સ્તંભનવિદ્યાને બળે એના પગ ત્યાં જ જડાઈ ગયા. જંબુકુમારે પ્રભવ અને એના સાથીઓને પ્રતિબોધ પમાડ્યો. આઠ પત્નીઓ સાથે જંબુકુમારે સુધર્માંસ્વામી પાસે દીક્ષા લીધી. પ્રભવે પણ દીક્ષા લીધી, અને જંબુસ્વામીનો શિષ્ય બન્યો. છત્રીસમે વર્ષે જંબુસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રસ્તુત ‘જંબુસ્વામી ફાગ’માં આરંભે જંબુકુમારના સ્વરૂપનું વર્ણન કર્યું છે :

‘નિરુવમ રૂવિ પુરંદરુ, સુંદર સોહગ સારુ,
કદલીદલાવલિકોમલુ, નિમ્મલ જસ આધા.
સસિમંડલ ગંગાજલ ઉજ્જલ, ગુણિ સંજુત્તુ,
લાવનસિરિલીલાવન, જોવનવય સંપુત્તુ.’[36]

એ પછી વસંતનું વર્ણન આવે છે. કાવ્યના મધ્યભાગથી જંબુકુમાર સાથે વિવાહિતા કન્યાઓનું વર્ણન શરૂ થાય છે. એમાં સ્થળે સ્થળે ‘વસંતવિલાસ’ની છાયા પડી છે : [37]

‘અહરબિંબ પરવાલિય, લાલીય રાગ વિસેસુ,
વિમલકપોલ તે દીપઇ, જીપઇ દિણયરકંતિ.
અતિ સરલિય ભૂયજુયગલીય, કુંયલીય કમલ સમાણ.
કાનિહિં કંતિહિં મંડલ, કુંડલ લહલહકંતિ.’
આચાર્ય-વિષયક ફાગુઓની પરંપરા

આચાર્ય કે ગુરુને અનુલક્ષીને વિક્રમના પંદરમા અને સોળમા સૈકામાં ઘણા ફાગુઓ રચાયા છે. એમાં ઈ. ૧૨૮૫ (સં. ૧૩૧૪) આસપાસ રચાયેલો ‘જિનચંદસૂરિ ફાગુ’ સૌથી જૂનો છે. સોળમા શતકના અરસાના ‘દેવરત્નસૂરિ ફાગ’, ‘સુમતિસુન્દરસૂરિ ફાગુ’, ‘હેમરત્નસૂરિ ફાગ’ વગેરે આ પ્રકારના ફાગુઓ છે.[38] એમાં પ્રથમ ગુરુનું પૂર્વચરિત્ર આપીને પછી કોઈ નિમિત્તે વસંતવર્ણન કરીને, એ સાથે જ સ્ત્રીના સૌન્દર્યનું વર્ણન કર્યું હોય છે. વસ્તુતઃ આ ફાગુઓ ગુરુપ્રશસ્તિરૂપના છે; એમાં વસંતવર્ણનાદિક માત્ર ઔપચારિક છે. એથી સાહિત્યકૃતિ કરતાં એ સાંપ્રદાયિક પરંપરાનું આલેખન કરતી રચનાઓ બની રહે છે.

કથાકાવ્ય કે ચરિત્ર રૂપના ફાગુઓ

સત્તરમા શતકનાં બે ફાગુકાવ્યો – કનકસોમનો ‘મંગલકલશ ફાગ’ અને કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’ – ફાગુપરંપરામાં વિલક્ષણ રીતે જુદા તરી આવે છે.[39] બંને ફાગુઓ કથાકાવ્ય કે ચરિત્ર રૂપના છે.

કનકસોમનો ‘મંગલકલશ ફાગ’– મધ્યકાલની એક કૌતુકભરી વાર્તાનું કથન છે. એના કવિએ જો એને ‘ફાગુ’ નામ ન આપ્યું હોત તો આપણે એને શામળની સુપ્રસિદ્ધ વાર્તાઓની એક પુરોગામી કથા જ ગણી લેત. એનાં મૂળ ‘બૃહત્કથા’ કે ‘કથાસરિત્સાગર’ સમા પ્રાચીન ભારતીય લોકકથાસાહિત્યમાં સંભવે છે. એના પહેલા પદ્યખંડના શીર્ષકમાં ‘ઢાલ ફાગ’નો ઉલ્લેખ છે, અને અંતે પુષ્પિકામાં કાવ્યનો ‘ફાગ’ તરીકે નિર્દેશ છે. બાકી, આ તત્ત્વતઃ તો ‘પ્રબન્ધ’ કે ‘ચરિત’ સ્વરૂપનું કાવ્ય, અથવા કહો તો સુદીર્ઘ (૧૬૬ કડી જેટલું લાંબું) કથાકાવ્ય છે.

કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’ – આનાથીયે વધારે વિસ્તારવાળું, ૩૨૮ કડીનું કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’ કાવ્ય છે. એમાં બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યનું ચરિત્ર આલેખ્યું છે. કાવ્યના બે વિભાગ છે, જેમને ‘ઉલ્લાસ’ નામ આપ્યું છે. ૧૫૬ કડીએ પહેલો ઉલ્લાસ પૂરો થાય છે, તેમાં તીર્થંકરના પૂર્વજન્મોનો વૃત્તાન્ત છે; ૧૫૭મી કડીથી એમના તીર્થંકરભવની કથા આપી છે. ચંપાપુરીના વસુપૂજ્ય રાજાની જયા નામની રાણીને પેટે એમનો જન્મ થયો. એ સમયે માતાએ ચૌદ મંગલસ્વપ્નો જોયાં. એ યુવાવસ્થામાં આવ્યા ત્યારે પિતાએ એમને લગ્ન કરવાનો તથા રાજ્યાસન સ્વીકારવાનો આગ્રહ કર્યો; પણ એમણે ના પાડી અને સાંવત્સરિક દાન આપીને અનેક રાજાઓ સાથે દીક્ષા લીધી. એક માસ ગુપ્ત વેષે રહ્યા પછી એમને કેવળજ્ઞાન થયું. પ્રારંભિક શ્લોકમાં કર્તાએ ‘वक्ष्यें मनोरमं फागं’ એમ જણાવ્યું છે, અને આરંભની અન્ય કડીઓમાં એનો ‘ફાગ’ તરીકે કર્તાએ ઉલ્લેખ કર્યો છે, થોડુંક પ્રાસંગિક વસન્તવર્ણન પણ એમાં આવે છે, છતાં આ કાવ્યમાં ફાગનાં લક્ષણો કરતાં રાસ કે પ્રબન્ધનાં લક્ષણો જ પ્રધાન છે એ સ્મરણમાં રાખવું ઘટે છે. બંને ફાગોની ભાષાશૈલી પ્રાસાદિક અને મનોરમ છે, અને સંવિધાન સુંદર છે.

રત્નમંડનગણિરચિત ‘નારીનિરાસ ફાગ’ – પ્રાચીન પ્રશિષ્ટ જૈનેતર ફાગુરચના ‘વસંતવિલાસ’થી આપણે આ અધ્યયનનો આરંભ કર્યો, તો બરાબર જાણે એ પૂર્વરચનાના રસાલંકાર અને કથયિતવ્યનું નિરસન કરવાને જ રચાયો હોય એવા, રત્નમંડનગણિના ‘નારીનિરાસ ફાગ’થી એનું સમાપન કરીએ એમાં ઘણું ઔચિત્ય છે. તપાગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિના કે તેમના શિષ્ય સોમદેવસૂરિના શિષ્ય રત્નમંડનગણિએ સોળમા શતકના પૂર્વાર્ધમાં આ કાવ્યની રચના કરી જણાય છે. ‘નારીનિરાસ ફાગ’ની સમગ્ર કાવ્યધાટી ‘વસંતવિલાસ’ની છે. કેટલેય સ્થળે એમાં ‘વસંતવિલાસ’ની પંક્તિઓના પડઘા સંભળાય છે. ‘વસંતવિલાસ’ જેવા પ્રચુર શૃંગારિક કાવ્યની રચના થયા પછી એ શૃંગાર–ભાવનાનો નિરાસ કરવાના ખ્યાલથી આ ‘નારીનિરાસ ફાગ’ની રચના થઈ હોય એવું સ્વાભાવિક અનુમાન થઈ શકે છે.’ [40] ‘નારીનિરાસ ફાગ’માં એકંદરે ૫૩ શ્લોક કે કડીઓ છે. ‘વસંતવિલાસ’ની માફક પ્રત્યેક પ્રાચીન ગુજરાતી કડીની સાથે એક સમાનાર્થ સંસ્કૃત શ્લોક જોડેલો છે. ‘વસંતવિલાસ’માં આવતા સંસ્કૃત શ્લોક પ્રશિષ્ટ મહાકાવ્યો, નાટકો, ઇ. માંથી કવિએ સંકલિત કર્યાં છે; ‘નારીનિરાસ ફાગ’માં આ સંસ્કૃત શ્લોક કવિએ પોતે જ રચીને મૂક્યા છે. એની ભાષા પણ સર્વત્ર શુદ્ધ રહી નથી. એથી સંસ્કૃત કાવ્યકુસુમોના પરિમલે જેમ ‘વસંતવિલાસ’ મહેકી રહે છે, એમ અહીં બનતું નથી. ‘નારીનિરાસ’માં પ્રાચીન ગુજરાતી પદ્યો ઉપર ‘વસંતવિલાસ’ની કાવ્યશૈલીની ક્વચિત્ તદ્દન બિંબપ્રતિબિંબવત્ ભાસે એટલી બધી ભારોભાર છાયા પડી છે. ઉ. ત. ‘નારીનિરાસ’નાં નીચેનાં પ્રાચીન ગુજરાતી પદ્યો જુઓ : [41]

‘રતિ પહુતી મધુ માધવી, સાધવી શમરસ પૂરિ,
જિ જિમ મહમહઇ મહીતલ શીતલ સજસ કપૂર. ૨

કાસિણ કંચુક મિસિં આ ભલું આભલું કુચ ગિરિશૃંગિ,
ભીતરિ કરિસિ એ કાદમ કા દમ ધરિસિ ન અંગિ. ૩૦

આપણપૂં ગિણિ હાર તૂં, હાર તું જઇ નિરષેસિ,
માંડિ અ પાસ પયોધર, યોધ રહ્યા તુઝ રેસિ. ૩૨

વેણિ ગમઈ નહીં આજ મું આ જમનાજલ પૂર,
કાલિઅ નાગ નિરાગલુ, રાગલુ ડસઇ અતિક્રૂર.’ ૬

આનો સહવર્તી સંસ્કૃત શ્લોક જુઓ :

कुसुमावलि फेनिलाबलाकबरी कालतनुः कलिंदिजा ।
अजिनं जनमत मारयत्यनुरागः किल कालियोरुगः ॥ ૭

અન્ય સંસ્કૃત શ્લોકો આ ધાટીએ પૂર્વવર્તી પ્રાચીન ગુજરાતી પદ્યના વિચારસ્થાપન અને વિસ્તરણ કરવાને રચાયા છે. આ રીતે વસંતવિલાસ’ની પ્રતિજ્ઞાપૂર્વક પ્રતિરચના કરીને નારીનિરાસ’કારે અસંપ્રજ્ઞાતપણે ‘વસંતવિલાસ’ના અસાધારણ સૌન્દર્ય અને ગૌરવનો મહિમા કર્યો છે.

ઉપસંહાર : અહીં વસન્તશ્રીમંડિત કાવ્યસૃષ્ટિમાં લટાર મારીને આપણે જ્યાંથી નિસર્ગશ્રીમાં પ્રવેશ કર્યો હતો ત્યાં પાછા આવી રહ્યા. વચ્ચે ક્યાંક બકુલોનો પરિમલ આપણે માણ્યો, ક્યાંક પાટલપુષ્પોની સમૃદ્ધિ આપણે જોઈ, ક્યાંક કેતકી અને ચંપકની આકર્ષક સુવાસે આપણને રોકી રાખ્યા, કામીજનોના વિશ્રામસ્થાન સમા આ કાવ્યોપવનમાં કદંબડાળે બાંધેલા ઝૂલાઓ ઉપર હીંચતી પ્રણયીજનોની બેલડીઓ જોઈ; એમના જલવિહાર માટેની મનોહર વાપિકાઓ નિહાળી; યુગલોની વિશ્રમ્ભકેલી માટેનાં મધુમાલતીથી આચ્છાદિત રમણીય કદલીગૃહો ઉપર દૃષ્ટિ નાંખી, દૂર દૂર વસેલા મુનિજનોના આશ્રમોને આઘેથી નિહાળ્યા અને એમની આસપાસના સુંદર–પ્રશાન્ત વાતાવરણનો અનુભવ કર્યો. અને છેલ્લે એથી યે આઘે, પ્રાન્તસીમા ઉપર, આ કામ્યવનને છેક છેડે આવેલા મહાજનોના મહાલયો નીરખ્યા. આ સમગ્ર વિહારયાત્રાનાં સ્મરણો આપણા મનને પુનઃ પુનઃ વસન્તશ્રીથી સભર એ વનનિવાસ તરફ ખેંચ્યાં કરે તો તે એ સુન્દર સ્થળોના નિર્માતાઓને અભીષ્ટ જ હશે.

સંદર્ભનોંધ :

  1. સરખાવો : ‘फग्गू महुच्छणे’, આચાર્ય હેમચન્દ્રવિરચિત देशीनाममाला.
  2. સરખાવો : ‘...ફાગુ રમેવઉ. ખેલા નાચઇં ચૈત્રમાસિ રંગિહિ ગાવેવઉ.’ – જિનપદ્મસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’, કડી ૨૭ ‘મલહારિહિં રાયસિહરસૂરિકિઉ ફાગુ રમીજઈ’ – રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’, કડી ૨૭ ‘ભંભરભોલિય બાલ રંગિ નવ ફાગુ રમંતે’ – કૃષ્ણર્ષીય જયસિંહસૂરિકૃત પહેલો ‘નેમિનાથ ફાગુ’, કડી ૫. ‘લાજ વિલોપિય ગોપિય, રોપિય દૃઢ અનુરાગુ, રસભરિ પ્રિયતમુ રેલઇ, વેલઇ ખેલઇ ફાગુ.’ – કૃષ્ણર્ષીય જ્યસિંહસૂરિકૃત બીજો ‘નેમિનાથ ફાગુ’, કડી ૧૨. ‘અહે સમુધરૂ ભણઇ સોહાવણઉ, ફાગુ ખેલઉ સવિ વાર’. – સમુધર કૃત ‘શ્રી નેમિનાથ ફાગુ’, કડી ૧૪.
  3. સરખાવો : શ્રી અક્ષયચંદ્ર શર્મા, ‘સિરિ થૂલિભદ્ર ફાગુ – પર્યાલોચન’, નાગરીપ્રચારિણી પત્રિકા, સં. ૨૦૧૧, અંક ૧
  4. સરખાવો : ‘સાવણ છઠિ સુકિલ દિમસુ, સિરિ છત્તુ વહંતો, તુંગ તુરંગમ રહિ ચડેવિ રવિ જિમ દીપંતો, જાદવ કોડિ સહિતુ, નેમિ પરણેવા ચલ્લઇ’. – કૃષ્ણર્ષીય જ્યસિંહસૂરિકૃત પ્રથમ ‘નેમિનાથ ફાગુ’, કડી ૧૭.
  5. સરખાવો : Prof. Vyas has tried to show by sufficient linguistic evidence that ‘Vasanta Vilasa’ is likely to have been composed by about 1400 V.S.... As a matter of fact I would like to place the work in the Vastupala era (circa V.S. 1300), although there is no positive evidence bearing on this point." – Acharya Jinavijaya Muni, in the Foreword to ‘Vasant Vilasa’, ed. K. B. Vyas, 1942.
  6. ‘હાજી મહમ્મદ સ્મારક ગ્રંથ’, ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલો કે. હ. ધ્રુવનો ‘વસંતવિલાસ’ વિષેનો લેખ, તથા એ કાવ્યની વાચના, પૃ. ૧૮૭-૧૮૮; તેમજ કે. હ. ધ્રુવ સંપાદિત प्राचीन गुर्जर काव्य, પ્રસ્તાવના, પૃ. ૧૪-૧૫.
  7. ‘વસંત વિલાસ – પ્રાચીન ફાગુકાવ્ય’, સંપાદક કાન્તિલાલ બ. વ્યાસ, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૭, પ્રસ્તાવના, પૃ. ૧૫, ૧૬.
  8. એ જ, પૃ. ૧૫.
  9. કે. હ. ધ્રુવ સંપાદિત, प्राचीन गुर्जर काव्य, પ્રસ્તાવના, પૃ. ૧૪-૧૫.
  10. મંજુલાલ ર. મજમુદાર, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’, પદ્ય-વિભાગ; ૧૯૫૪, પૃ. ૨૩૯.
  11. એ જ, પૃ. ૨૪૦.
  12. હરિવલ્લભ ભાયાણી સંપાદિત, ‘હરિવિલાસ–એક મધ્યકાલીન જૈનેતર ફાગ-કાવ્ય’, ‘સ્વાધ્યાય’, પુસ્તક ૨, અંક ૩, અક્ષયતૃતીયા વિ. સં. ૨૦૨૧; પૃ. ૨૯૦.
  13. એ જ, પૃ. ૨૯૧.
  14. એ જ, પૃ. ૨૯૪.
  15. એ જ, પૃ. ૨૯૫.
  16. એ જ, પૃ. ૩૦૦-૩૦૧.
  17. ભોગીલાલ જ. સાંડેસરા સંપાદિત, ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૫; પૃ. ૯૨-૧૦૧. સરખાવો : મંજુલાલ ર. મજમુદાર, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’, પદ્ય-વિભાગ, ૧૯૫૪, પૃ. ૨૫૦-૨૫૨.
  18. ‘Vasant Vilasa’ An Old Gujarati Phagu’, ed. K.B.Vyas, 1942, Appendix III, pp. 66-72.
  19. અંબાલાલ બુલાખીરામ જાનીસંપાદિત, કેશવદાસરચિત ‘શ્રીકૃષ્ણ લીલાકાવ્ય’ (સચિત્ર), પ્રકાશક, ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૩; તેમજ મંજુલાલ ર. મજમુદાર, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’, પદ્ય-વિભાગ, પૃ. ૨૫૨-૨૫૪.
  20. સરખાવો : કાન્તિલાલ બ. વ્યાસસંપાદિત, ‘પંદરમા શતકનાં ચાર ફાગુ કાવ્યો’, પ્રકાશક ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૫, પૃ. ૪-૫.
  21. ભોગીલાલ જ. સાંડેસરાસંપાદિત, ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’ પૃ. ૩-૪.
  22. એ જ, પૃ. ૪-૫.
  23. એ જ, પૃ. ૭.
  24. એ જ, પૃ. ૧૩૦-૧૩૧.
  25. એ જ, પૃ. ૧૨૬.
  26. प्राचीन गुर्जर काव्य, ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સીરીઝ, નં. ૧૩, પૃ. ૮૩-૮૫; કડી ૮-૯, ૨૧.
  27. ભોગીલાલ સાંડેસરા, ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’, પૃ. ૧૨.
  28. એ જ, પૃ. ૧૩.
  29. એ જ, પૃ. ૫૭-૬૭.
  30. સરખાવો : મંજુલાલ ર. મજમુદાર, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’, પદ્ય-વિભાગ, પૃ. ૨૩૩-૨૩૫.
  31. કાન્તિલાલ બ. વ્યાસસંપાદિત, ‘પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો’, પ્રસ્તાવના, પૃ. ૧૩.
  32. મંજુલાલ ર. મજમુદાર, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’, પૃ. ૨૪૨-૨૪૩.
  33. ‘Gurjara Rasavali’, ed. by B. K. Thakore, M. D. Desai, and M.C. Modi, Gaekwad’s Oriental Series, No.118, 1956, pp. 66-67.
  34. કાન્તિલાલ બ. વ્યાસસંપાદિત, ‘પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો’, ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૫, પૃ. ૧૬.
  35. એ જ, પૃ. ૨૦.
  36. ભોગીલાલ સાંડેસરા સંપાદિત, ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’, પૃ. ૨૫.
  37. એ જ, પૃ. ૨૭-૨૯.
  38. ભોગીલાલ સાંડેસરા ‘પ્રાચીન ફાગુ-સંગ્રહ’માં ક્રમાંક ૧૬, ૧૭, ૨૭, ૩૫, ૩૭ના ફાગુઓ; તેમજ, કાન્તિલાલ વ્યાસ, ‘પંદરમા શતકનાં ફાગુ કાવ્યો’માં ક્રમાંક ૧, ૩, ૪ના ફાગુઓ; અને મંજુલાલ મજમુદાર, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’માં, ફાગુ–સ્વરૂપની ચર્ચામાં ક્રમાંક ૧૦, ૧૧ ના ફાગુઓ.
  39. ભોગીલાલ સાંડેસરા, ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’, ક્રમાંક ૨૯, ૩૦ ના ફાગુઓ.
  40. ભોગીલાલ સાંડેસરા, ‘પ્રાચીન ફાગુ–સંગ્રહ’, પ્રસ્તાવના પૃ. ૧૭.
  41. એ જ, પૃ. ૬૮-૬૯.