ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/કૃતિ-પરિચય
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’નો આ શોધિત-વર્ધિત બીજો ગ્રંથ (ખંડ-૨) ઈ. ૧૬૫૦થી ઈ. ૧૮૫૦ સુધીના મધ્યકાળના અંતિમ ચરણના સાહિત્યનું પ્રવાહદર્શન કરાવે છે. અહીં પ્રેમાનંદ, શામળ અને દયારામ એ પ્રમુખ કવિતાઓના કાર્ય-પ્રદાનની મૂલવણી ઉપરાંત એ સમયગાળાના જૈનસાહિત્યની, આખ્યાનકવિતા અને પદકવિતાની ચર્ચા છે. સમગ્ર મધ્યકાળને આવરી લેતા કથાપ્રવાહની, સંતકવિતાધારાની, ગદ્યસાહિત્ય અને લોકસાહિત્યની તેમજ પરિશિષ્ટરૂપે મધ્યકાલીન કથાસામગ્રીનાં કથાઘટકો અને કથાપ્રકૃતિની તેમજ પદ્યસાહિત્યના છંદોબંધની વાતને પણ આ ખંડ આવરી લે છે. આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ મળ્યો હોવાથી આ સંપાદન વિશદતા અને એકવાક્યતા વધારનારું બન્યું છે. આ ગ્રંથમાંની સામગ્રી પ્રમાણભૂત અને શાસ્ત્રીય છે ને એથી ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને એ ઉપકારક બની રહેશે.
– ચિમનલાલ ત્રિવેદી
પરામર્શક