ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૨
શિવલાલ જેસલપુરા
રાસ-સાહિત્ય
ઈ. સ. ૧૬૦૧થી ૧૭૫૦ના ગાળામાં જેમના સાહિત્યસર્જનનો આરંભ થયો એવા લગભગ ૧૫૦ જૈન કવિઓની ૩૦૦ જેટલી રાસકૃતિઓ મળી આવી છે. સંખ્યાની જેમ આ ગાળાની આ પ્રકારની રચનાઓમાં એકંદરે વિસ્તાર પણ વધ્યો છે. સમયસુંદરની ‘સીતારામ ચોપાઈ’ (કડી ૩૭૦૦), ઋષભદાસની ‘કુમારપાલ રાસ’ (કડી ૪૬૯૯), જિનહર્ષની ‘શત્રુંજયમાહાત્મ્ય રાસ’ (કડી ૮૫૦૦) અને ઉદયરત્નની ‘બાર વ્રત રાસ’ (૭૭ ઢાળ, કડી. ૨૫૦૦) – જેવી આ સમયની કેટલીયે રાસકૃતિઓ ૨૦૦૦ કડીઓ કરતાં પણ વધારે વિસ્તાર ધરાવે છે. અગાઉ કરતાં તેમાં ઢાળોનું વૈવિધ્ય પણ વધ્યું છે. અગાઉની જેમ આ સમયમાં પણ લોકકથાત્મક, પૌરાણિક અને ઐતિહાસિક એમ ત્રણે પ્રકારના વસ્તુને નિરૂપતી રાસકૃતિઓ રચાઈ છે. તેમાં કેટલીક કથાત્મક છે, તો કેટલીક ચરિત્રાત્મક છે. તો વળી કેટલીક રાસકૃતિઓમાં જૈન ધર્મના વિધિ-આચાર તેમજ તીર્થોનો મહિમા વર્ણવ્યો છે અને એ ધર્મના સિદ્ધાંતોનો સીધો ઉપદેશ આપ્યો છે. તે અનુસાર આ સમયની રાસકૃતિઓનું વર્ગીકરણ પરિશિષ્ટમાં કર્યું છે. પત્નીના ચારિત્ર્ય ઉપર વહેમ, પુરુષદ્વેષિણી સ્ત્રી, સતી સ્ત્રીને વેઠવી પડતી મુસીબતો, યુવાન પુત્ર વિરુદ્ધ ઓરમાન માતાની ભંભેરણી, પુત્રને દેશવટો, પર-સ્ત્રી પ્રાપ્ત કરવા માટે તેના પતિને સમુદ્રમાં ધકેલી દેવો, ભવિષ્યવાણી અને તે ખોટી પાડવાના પ્રયાસો, મંત્રતંત્રના વિવિધ ઉપયોગ, વિદ્યાના બળે સ્વરૂપપરિવર્તન, ચોરનું હૃદયપરિવર્તન, પુત્રીને રોગીની સાથે પરણાવવી, બાળકનો ત્યાગ, રાક્ષસનો ઘાત, મોહાસક્ત સ્ત્રીઓ–એવા અસંખ્ય કથાઘટકો (motifs) આ રાસાઓમાં આવેલા છે. દેશપરદેશની કથાઓ સાથે આ બાબતમાં રહેલું સામ્ય આપણી સંસ્કૃતિના તાણાવાણા ઉકેલવામાં ઉપયોગી થાય તેમ છે. સ્થળે સ્થળે તેમાં તત્કાલીન સામાજિક વિગતો પણ ગૂંથી લેવામાં આવી છે. આમાંના ઐતિહાસિક રાસાઓ ગુજરાતના ઇતિહાસની ઘણી વિગતો પૂરી પાડે છે. આ સંબંધમાં મુનિશ્રી જિનવિજયજીનું એ વિધાન નોંધવું યોગ્ય ગણાશે કે ‘બીજા કોઈ દેશમાં નહિ થયેલા એટલા બધા જૈન વિદ્વાનો ગૂર્જર ભૂમિમાં થયા છે, અને તેમણે ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોમાં રહીને હજારો ગ્રંથોની રચના કરી છે...તેમાં કેટલાક ગ્રંથો એવા પણ છે કે જેમાંથી પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે ગુજરાતની સમુચ્ચય સંસ્કૃતિ માટે અનેક ઉપયોગી બાબતો મળી આવે.’ (ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી : ૧૯૩૩-૩૪). આ સમયમાં લખાયેલા ‘કુમારપાલ રાસા’ અને ‘વસ્તુપાલ-તેજપાલ રાસા’માં એવી ઘણી બાબતો નજરે પડે છે કે જે બીજાં ચરિત્રોમાં નથી દેખાતી. મહમ્મદ બેગડાના વખતમાં ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે અમદાવાદ જિલ્લામાં આવેલા હડાળા ગામના ખેમા શેઠે એક વર્ષ સુધી અન્ન પૂરું પાડ્યાનો પ્રેરક પ્રસંગ લક્ષ્મીરત્નનો ‘ખેમા હડાલિયાનો રાસ’૧[1] રજૂ કરે છે. લબ્ધોદયની ‘પદ્મિનીચરિત્ર ચોપાઈ’માં ચિતોડની રાણી પદ્મિનીના શીલંના રક્ષણ માટે ગોરા અને બાદલે અલાઉદ્દીન ખીલજીનો સામનો કરી બલિદાન આપ્યું હતું, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘હીરવિજયસૂરિ રાસ’, ‘કોચર વ્યવહારી રાસ’, ‘વિજયતિલકસૂરિ રાસ’ ઇત્યાદિ રાસ તે સમયની ધાર્મિક પરિસ્થિતિ ઉપર સારો પ્રકાશ પાડે છે. આ સમગ્ર રાસસાહિત્યમાં કાન્હનો ‘માંકડ રાસ’, તેમાંના હાસ્યવિનોદને કારણે અને આપણા મધ્યકાલીન સાહિત્યમાં માત્ર વિનોદાત્મક કૃતિ દુર્લભ છે એ દૃષ્ટિએ, જુદો તરી આવે છે. તેમાં એના કવિએ માંકડના ત્રાસનું વિનોદાત્મક વર્ણન કર્યું છે. પતિપત્ની સૂતાં છે ત્યાં પત્નીને માંકડ ચટકો ભરે છે. તે સમજે છે કે પતિ ચૂંટી ખણે છે અને પોતાને ઊંઘવા નથી દેતો. પતિપત્ની વચ્ચે ઝઘડો થાય છે, એટલામાં માંકડને જોઈ તેઓ પકડવા પ્રયત્ન કરે છે, પણ માંકડ હાથ નથી આવતો. ઊલટાના વધારે માંકડ એકઠા થાય છે, અને બીજા બધાને હેરાન કરે છે. તેથી ત્રાસીને શેઠ દરબારને ફરિયાદ કરે છે. સિપાઈઓ હથિયાર સજીને માંકડને પકડવા આવે છે, પણ માંકડ તેમને પણ તોબા પોકરાવે છે. છેવટે માંકડને બધા પગે પડે છે અને માંકડ ચાલ્યા જાય છે. આ સમયના બધા રાસાઓ એક યા બીજી રીતે ધર્મનો ઉપદેશ આપવા રચાયેલા છે. અન્ય મધ્યકાલીન સાહિત્યની જેમ તેમાં શુદ્ધ કાવ્યત્વનું પ્રમાણ ઓછું છે. તેમ છતાં પોતાની રચનાને રસિક, આકર્ષક બનાવવા આ રાસકવિઓએ યથાશક્તિ પ્રયત્ન કર્યાં છે. તેમાંના કેટલાક સર્જક અંશો અત્યારે પણ આસ્વાદ્ય બની રહે તેવા છે. આવા પ્રતિભાશાળી રાસકવિઓમાં પાંચ કવિઓ ખાસ ધ્યાન ખેંચે છે. તેમાં સમયસુંદરનું નામ આગળ તરી આવે છે.
સમયસુંદર
સંસ્કૃતમાં પણ કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્ર વિષે નાની-મોટી અનેક કૃતિઓ રચનાર અને સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિંદી, અને સિંધી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવનાર સમયસુંદરનો જન્મ ઈ. ૧૫૫૪ લગભગ, રાજસ્થાનમાં આવેલા સાંચોર ગામમાં થયો હતો અને ઈ. ૧૬૪૭માં (સં. ૧૭૦૩ના ચૈત્ર સુદી ૧૩ના રોજ) અમદાવાદમાં તેઓ કાળધર્મ પામ્યાં હતા. ૯૩ વર્ષના આ દીર્ઘ આયુષ્યકાળ દરમિયાન તેમણે ૨૧ જેટલા રાસ અને બીજી સંખ્યાબંધ સ્તવન, સજ્ઝાય, ચોવીસી, છત્રીસી, હરિયાળી, સંવાદ, બારમાસી વગેરે પ્રકારની કાવ્યકૃતિઓની રચના કરી છે. તેમની મહત્ત્વની ઘણીખરી કૃતિઓ બિકાનેરની ‘સાદૂળ રાજસ્થાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ અને ‘અભય જૈન ગ્રંથમાળા’ તરફથી પ્રગટ થઈ છે. ‘રાજાનો દદતે સૌખ્યમ્’ એ આઠ અક્ષરોના આઠ લાખ અર્થ કરીને તેમણે ‘અષ્ટલક્ષી’૨[2] નામના ગ્રંથની રચના કરી હતી, જેનાથી મુગલ સમ્રાટ અકબર ખૂબ પ્રભાવિત થયો હતો. સમયસુંદરના ‘વસ્તુપાલ-તેજપાલ રાસ’ તેમજ ‘પૂંજા ઋષિનો રાસ’ સો-સવાસો પંક્તિના છે, તો કેટલાક ‘નલદવદંતી રાસ’, ‘ચંપકશેઠની ચોપાઈ’ જેવા રાસ મોટા છે.
‘સીતારામચોપાઈ’*
સમયસુંદરની રાસકૃતિઓમાં આ સૌથી દીર્ઘ અને એમની ઉત્તમ રાસકૃતિ છે. આ કૃતિ ૯ ખંડ, પ્રત્યેક ખંડની ૭ એમ ૬૩ ઢાલ અને દુહાઓ સાથે કુલ ૩૭૦૦ કડીઓનો વિસ્તાર ધરાવે છે. સમયસુંદરના અન્ય રાસમાં રચનાની સાલ અને સ્થળનો નિર્દેશ મળે છે પરંતુ આ રચનામાં એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. છતાં આરંભની પંક્તિઓ ‘સંબપૂજન કથા સરસ, પ્રત્યેક બુદ્ધ પ્રબંધ; / નલદવદંતી મૃગાવતી, ચઉપઇ રચાર સંબંધ’ને આધારે કહી શકાય કે ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘રયાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ’, ‘નલદવદંતી ચોપાઈ’ અને ‘મૃગાવતી ચોપાઈ’ જેવી મુખ્ય કૃતિઓ પછી ‘સીતારામ ચોપાઈ’ની રચના થઈ છે. એથી સિદ્ધહસ્ત કવિનું રચનાકૌશલ પણ એમાં જણાઈ આવે છે. આવી દીર્ઘકૃતિની રચના એક કરતાં વધુ સ્થળના વિહાર-ચાતુર્માસ વખતે કરી હતી તેવો ઉલ્લેખ કૃતિમાં મળે છે. આવાં આંતરિક અને અન્ય પ્રમાણોને આધારે કહી શકાય કે ઈ. ૧૬૨૧ થી ઈ. ૧૬૨૪ દરમ્યાન કવિએ કૃતિની રચના કરી હશે. ભારતમાં ને ભારત બહાર રામ-સીતા કથાની સાહિત્યિક અને લૌકિક, લિખિત અને મૌખિક પ્રાચીન પરંપરાઓ રહી છે. મધ્યકાળમાં પણ જૈન અને જૈનેતર તેમજ જૈન સાહિત્યમાં રામકથાની સમૃદ્ધ પરંપરા જોવા મળે છે. જૈન પરંપરામાં જૂની ગુજરાતી પૂર્વે, પ્રાકૃત-અપભ્રંશમાં ઘણા કવિઓએ રામકથાવિષયક રચનાઓ કરી છે. એમાં, સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’માંનું રામકથાનક, વિમલસૂરિકૃત ‘પઉમચરિય’ તથા ગુણભદ્રકૃત ‘ઉત્તરપુરાણ’ એ જૈનપરંપરાની રામકથાને લગતી પ્રાચીનતમ અને મહત્ત્વની કૃતિઓ છે. સમયસુંદરે એમની કૃતિમાં અઢી હજારથી વધુ ગાથામાં રચાયેલ ગદ્યપદ્યમય પ્રાકૃત ચંપૂકાવ્ય ‘સીયાચિરઉ’નો આધાર લીધો છે. એ કૃતિના કર્તા મહસેન/મહાસેન છે એવું અનુમાન કરવામાં આવે છે. ‘સીયાચરિઉ’ ઉપરાંત ‘પઉમચરિય’નો પણ કવિએ કંઈક અંશે આધાર લીધો છે. સ્વયં કવિએ આ સ્રોતોનો નિર્દેશ કર્યો છે. જૈન પરંપરાની રામકથા હિન્દુ-બ્રાહ્મણ પરંપરાની કથાથી ઘણી ભિન્નતા દેખાડે છે. એટલું જ નહીં જૈન પરંપરાની રામકથાઓમાં પણ પ્રાચીન કૃતિઓના સમયથી ઘણા પ્રસંગભેદ રહ્યા છે. સમયસુંદરે સીતાચરિત્રને વધુ મહત્ત્વ આપ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ શીલવતીની કથાઓ સાથે તે સમાનતા ધરાવે છે. આથી રામકથામાં ન હોય પરંતુ શીલવતીની કથાઓમાં હોય તેવા પ્રસંગો ને અન્ય કથાઓના પ્રચલિત કથાઘટકો ‘સીતારામ ચોપાઈ’માં જોવા મળે છે. ‘સીતારામ ચોપાઈ’ના આરંભમાં સીતાના પૂર્વજન્મ (વેગવતી)નું કથાનક સાધુનિંદાના પ્રયોજનને સિદ્ધ કરવા મુકાયું છે. આ રચનામાં સ્વયંવરનો પ્રસંગ નથી. ધનુષ્યભંગનું કથાનક પણ જુદી રીતે મળે છે. સીતા તરીકેના અવતારમાં તેની સગાઈ રામ સાથે નક્કી થાય છે. સગાઈ પછી એક વખત મિથિલામાં પધારેલા નારદમુનિનું સ્વાગત સીતા યોગ્ય રીતે કરતી નથી એટલે નારદ ક્રોધે ભરાઈ ભામંડલ પાસે જઈ તેને સીતા પ્રત્યે આકર્ષિત કરે છે. આ ભામંડલ સીતાનો ભાઈ હોય છે. જન્મ વખતે જ તેનું અપહરણ થાય છે. મધુપિંગલ નામનો દેવ તેને મારી નાખવા પ્રયત્ન કરે છે પરંતુ દયાથી પ્રેરાઈ તેને છોડી દે છે. ચંદ્રગતિ નામનો વિદ્યાધર અને તેની પત્ની અંશુમતી ભામંડલને ઉછેરે છે. આ ચંદ્રગતિ જનકરાજા પાસે, ભામંડલ માટે સીતાની માંગણી કરે છે. જનક, રામ સાથે સીતાની સગાઈ થઈ ગઈ હોવાનું જણાવે છે. આથી બીજા વિદ્યાધરો સાથે મળી ચંદ્રગતિ જનકરાજા સામે શરત મૂકે છે કે રામ જો દેવાધિષ્ઠિત ધનુષ્ય ઊંચકીને શરસંધાન કરશે તો જ સીતા સાથે લગ્ન કરી શકશે. લગ્નપ્રસંગે ઘણા રાજાઓ બાણને અડે છે ને દાઝી જાય છે. છેવટે રામ ધનુષ્ય પર શરસંધાન કરી સીતાને પ્રાપ્ત કરે છે. વિદ્યાધરો પણ રામની શક્તિ જોઈ પોતાના કુળની અઢાર કન્યાઓ રામને પરણાવે છે. ભામંડલને જાતિસ્મરણ થાય છે ત્યારે તે ખૂબ પશ્ચાત્તાપ અનુભવે છે. ચંદ્રગતિને પણ ખૂબ દુઃખ થાય છે. સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગવાથી તે દીક્ષા ગ્રહણ કરે છે. રામવનવાસનું કથાનક વાલ્મીકિ રામાયણ અને ‘પઉમચરિય’ બંને પરંપરામાં ઘણી સમાનતા ધરાવે છે. તેમ છતાં રામવિદાય-દશરથમૃત્યુ, શૂર્પણખાની કથા, સીતાહરણ, જટાયુનું કથાનક અને યુદ્ધકથા જેવા મુખ્ય કથાએકમો ‘સીતારામ ચોપાઈ’માં જુદી રીતે રજૂ થયા છે : વૃદ્ધાવસ્થાને લીધે દશરથ, રામને ગાદી સોંપી દીક્ષા લેવાનો વિચાર કરે છે. કૈકેયીના વરદાન પ્રમાણે વનમાં જતાં રામના દુઃખમાં દશરથ શોક-વિલાપ કરતા નથી; પરંતુ વૈરાગ્યભાવ અનુભવે છે. તેમની અંતિમ અવસ્થામાં કવિએ દશરથને સ્વસ્થ બતાવ્યા છે તે ફેરફાર ધ્યાનપાત્ર છે. વનવાસી રામ-લક્ષ્મણ અનેક પરાક્રમો કરે છે એ પરાક્રમકથાઓ રાજકુમારોની સાહસકથા-પરીકથાઓ જેવી છે. તેમાં લોકકથાઓના અનેક કથાઘટકો પ્રયોજાયા છે. સંસ્કૃત રામાયણ કરતાં તેમાં પાત્રો અને પ્રસંગોની ભિન્નતા જોવા મળે છે. ‘સીતારામ ચોપાઈ’ના પાંચમાં ખંડથી રાવણનો પ્રવેશ થાય છે. દક્ષિણદિશાના રાક્ષસનામક દ્વીપના ચિત્રકૂટગિરિમાં લંકાનગરી આવેલી છે. ત્યાં વંશાશ્રવ વિદ્યાધર રાજા રાજ્ય કરે. તેનો પુત્ર તે રાવણ. પિતાએ બાળપણથી રાવણને રત્નહાર પહેરાવ્યો હતો તેનાં નવ રત્નોમાં રાવણના મુખનું પ્રતિબિંબ પડતું એથી તે દશમુખ કહેવાતો. રાવણને ચંદ્રલેખા નામે બહેન હતી. તેનો પતિ ખરદૂષણ અને સમ્બ-સમ્બૂક બે પુત્ર. લક્ષ્મણના હાથે ભૂલથી સમ્બૂકવધ થયો. હત્યારાની શોધમાં ભટકતી ચંદ્રલેખા રામ પર મોહિત થઈ. એમાં અસફળ રહેવાથી પતિ ખરદૂષણ પાસે જઈ રામ પર આળ મૂક્યું. ખરદૂષણે રામ-લક્ષ્મણ સામેના યુદ્ધમાં રાવણની સહાય માગી. યુદ્ધમાં મુશ્કેલીના સમયે સિંહનાદ કરી તમને બોલાવીશ એમ રામને કહી એકલો લક્ષ્મણ યુદ્ધ કરવા ગયો. આ બાજુ ચંદ્રલેખાની મદદે આવેલો રાવણ સીતાને જોઈ તેના પર મોહિત થયો. પોતાની વિદ્યા વડે એણે જાણી લીધું ને લક્ષ્મણના જેવો સિંહનાદ કર્યો. રામ જટાયુને સીતાની જવાબદારી સોંપી યુદ્ધમાં ગયા. રાવણે જટાયુને ઘાયલ કરી સીતાનું હરણ કર્યું. યુદ્ધમાં રામ સાચી પરિસ્થિતિની જાણ થતાં પાછા ફર્યા. મરણાસન્ન જટાયુને નવકારમંત્ર સંભળાવીને મોક્ષ માર્ગ દેખાડ્યો. બીજી બાજુ અપહ્યત સીતાને રાવણે દેવરમણ ઉદ્યાનમાં રાખી. મંદોદરી ને વિભીષણે તેના કૃત્યનો વિરોધ કર્યો છે. રામ-લક્ષ્મણના સમાચાર ન મળે ત્યાં સુધી સીતાએ અન્નજળનો ત્યાગ કર્યો. ‘સીતારામ ચોપાઈ’માં સુગ્રીવ અને હનુમાનના કથાપ્રસંગો પણ ઘણા જુદા છે. સીતાની શોધ હનુમાન નહીં પરંતુ સુગ્રીવ કરે છે. અને સીતા વિશે માહિતી મળ્યા પછી રાવણને સમજાવવાનું કાર્ય હનુમાન કરે છે. હનુમાનને બે પત્નીઓ છે. ખરદૂષણપુત્રી અનંગકુસુમા અને સુગ્રીવપુત્રી કમલા. હનુમાન લંકા જઈ સીતાને રામ-લક્ષ્મણના કુશળ સમાચાર આપે છે ત્યારે સીતા ઉપવાસ છોડી હનુમાનના હાથે પારણાં કરે છે. રાવણ સામેના યુદ્ધમાં ઘાયલ લક્ષ્મણને બચાવવા રામ હનુમાન પાસે દિવ્યઔષધી મંગાવતા નથી પરંતુ અયોધ્યાથી દૈવી જળ લાવવા ભામંડલને મોકલે છે. રાવણ સીતાના બદલામાં લંકાનું અરધું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂકે છે જેનો રામ અસ્વીકાર કરે છે. યુદ્ધમાં રામના બાણથી નહીં પરંતુ લક્ષ્મણના ચક્રથી રાવણનું મૃત્યુ થાય છે. આ, પ્રકારના ફેરફારોને લીધે ‘સીતારામ ચોપાઈ’ એ રામાયણનું જૈન પરંપરાનું વિશિષ્ટ રૂપાંતર બની રહે છે. એનું સમર્થન રામના લંકાપ્રવેશના આલેખનમાં વિશેષ મળે છે. વિજયી રામના લંકાપ્રવેશ વખતે મોટો ઉત્સવ થાય છે. રામ લક્ષ્મણ સીતા હનુમાન શાંતિનાથ ભગવાનના દેરાસરમાં જઈ પૂજન-સ્તવન કરે છે. લંકામાં સોળ દિવસ રહી રામ પુષ્પક વિમાનમાં અયોધ્યા પહોંચે છે. રામ-ભરતના પુનર્મિલનનો પ્રસંગ કવિ રસિકતાથી વર્ણવે છે. દીક્ષા માટે ઉત્સુક ભરતને રામ ઘણું સમજાવે છે. દૃઢ ભરત આખરે કુલભૂષણ કેવલી પાસે દીક્ષા લે છે. દીક્ષા પ્રસંગે રામ મોટો ઉત્સવ ઊજવે છે. ‘સીતારામ ચોપાઈ’માં રામકથાનો ઉત્તરાર્ધ પણ કેટલાક ભિન્ન પ્રસંગોને લીધે નોંધપાત્ર બને છે. અયોધ્યામાં સુખના દિવસો દરમ્યાન, એક વખત સીતાની શોક્ય યુક્તિપૂર્વક સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી લે છે. એ દ્વારા સીતાના ચરિત્ર પર લાંછન લાગે છે. લોકલાજને કારણે રામે ગર્ભવતી સીતાનો ત્યાગ કરવો પડે છે. જંગલમાં સીતા નવકારમંત્રનું સ્મરણ કરતી રહે છે. વાલ્મીકિ નહીં પણ વજ્રજંઘ નામનો રાજા તેને આશરો આપે છે. સીતા વનમાં બે પુત્રોને જન્મ આપે છે. બન્ને પુત્રો મોટા થતાં પરાક્રમી બને છે. એક વખત નારદમુનિ અનંગલવણ અને મદનાંકુશ (લવકુશ)ને સાચી હકીકત કહી સંભળાવે છે. બન્ને ભાઈઓ અયોધ્યા પર આક્રમણ કરે છે. યુદ્ધમાં તેમનું પરાક્રમ જોઈ રામ આશ્ચર્ય પામે છે. અને પોતાના પુત્રો તરીકેનું અભિજ્ઞાન થાય છે ત્યારે શસ્ત્ર છોડી તેમની પાસે જાય છે. રામ, સીતા સમેત બન્ને પુત્રોને મહેલમાં નિમંત્રે છે. સીતા અગ્નિપરીક્ષાનો આગ્રહ રાખે છે. અગ્નિદિવ્યની કસોટીમાં સીતા શીલવતી હોવાનું પૂરવાર થાય છે. સીતાને રામ પટરાણી બનાવવા માંગે છે પણ સીતા દીક્ષાનો સંકલ્પ જાહેર કરે છે. સીતા બન્ને પુત્રો સાથે દીક્ષા લે છે. આ પછી, બધું મુખ્ય પાત્રોની દીક્ષા માટેની પૂર્વભૂમિકા રચવા માટે રામ લક્ષ્મણના ભાતૃપ્રેમનું કથાનક રજૂ થયું છે. ઇન્દ્ર માયા દ્વારા લક્ષ્મણને રામનું શબ બતાવે છે. એ જોતાં જ લક્ષ્મણના પ્રાણ ચાલ્યા જાય છે. લક્ષ્મણ માત્ર મૂર્છાવશ છે એમ માની છ-છ મહિના સુધી રામ તેની અંતેષ્ઠિ ક્રિયા કરતા નથી. અંતે જટાયુધ દેવની સમજાવટથી રામ લક્ષ્મણના દેહને અગ્નિદાહ આપે છે. આ પ્રસંગથી રામને સંસારની અસારતા સમજાય છે અને શત્રુઘ્નને રાજ્ય સોંપી દીક્ષા લેવા માંગે છે. શત્રુઘ્ન, સુગ્રીવ, વિભીષણ અને બીજા સોળ હજાર રાજાઓ સાથે સુવ્રત મુનિ પાસે દીક્ષા લે છે. અંતે રામને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે પછી અનેક જીવોનું કલ્યાણ કરી, આયુષ્ય પૂરું થતાં નિર્વાણ પામે છે. લગભગ સમગ્ર રામકથાને સમાવવાના કવિહેતુને લીધે ‘સીતારામ ચોપાઈ’ સમયસુંદરની રાસકૃતિઓમાં સૌથી મોટા કદની કૃતિ બની છે. ‘નવખંડ પૃથિવીના કહ્યાં, તિણ ચઉપઈના નવ ખંડો રે’ અને સીતારામ સંબંધના, નવખંડ કહિસી નિબંધ’ જેવી સમાપનની પંક્તિઓમાં એના વિસ્તાર-વ્યાપનો કવિએ નિર્દેશ કર્યો છે. પ્રત્યેક ખંડની પુષ્પિકામાં ‘ઇતિશ્રી સીતારામ પ્રબંધે...’ એવા શબ્દો પ્રયોજીને કવિએ દીર્ઘ ચરિતકાવ્ય કે પુરાણકાવ્ય માટે વપરાતી ‘પ્રબંધ’ સંજ્ઞાથી પણ તેને ઓળખાવી છે. ‘સીતારામ ચોપાઈ’માં આટલું વિસ્તૃત કથાનક છે છતાં ઘણા પ્રસંગોનું કવિએ સંક્ષેપથી વર્ણન કર્યું છે. આથી કેટલાંક કથાપ્રસંગોના આલેખનમાં કવિ ઉતાવળ કરતા જણાય છે. આ કારણે કેટલાંયે રસસ્થાનો વિકસાવવાની તક જતી કરવી પડી છે. આથી ‘નવ રસ પોષ્યા મઇ ઇહાં, તે સુઘડો સમજી લેજ્યો રે’ એવો સ્વીકાર કવિએ કરવો પડ્યો છે. કથનાત્મકતાને બદલે વર્ણનાત્મકતામાં કવિની શક્તિનો સારો પરિચય મળી રહે છે. ઘણા વર્ણનાત્મક ખંડો આ કૃતિના કાવ્યગુણ માટે મહત્ત્વના છે. કેટલાંક ઉદાહરણ જોઈએ. સીતાના દેહસૌન્દર્યનું વર્ણન કરતાં કવિ લખે છે:
ઘણ ઘણ કલસ વિસાલા, ઉપરિ હાર કુસુમની માલા હો;
કટિ લંક કેસરિ સરિખઉ, ભાવઇ કોઈ પંડિત પરિખઉ હો.
...
રોમ રહિત બે જંઘા હો, જાણે કેલિના થંભા હો.
આ પ્રકારના રૂપસૌન્દર્ય વર્ણનમાં કે નગરનાં ને યુદ્ધના વર્ણનોમાં કવિ પરંપરાપ્રાપ્ત ઉપાદનોને સ્વીકારીને ચાલે છે. પરંતુ ગર્ભવતી સીતાના લક્ષણ-વર્ણનમાં કવિની સૂક્ષ્મ અવલોકન શક્તિનો પરિચય મળી રહે છે :
વજ્રજંઘ રાજા ઘરે, રહની સીતા નારિ.
ગર્ભ લિંગ પરગટ થયો, પાંડુર ગાલ પ્રકારી.
થણમુખ શ્યામપણો થયો, ગુરુનિતંબ ગતિ મંદ,
નયન સનેહાલા થયા, મુખિ અમૃત રસબિંદ.
સૂનાનગરનું વર્ણન પણ એટલું જ આકર્ષક છે :
ગાઇ ભઇંસિ છૂટી ભમઇ, ધાન ચૂન ભર્યાં ઠામ,
ગોહની ગોરસ સું ભરો, ફલ ફૂલ ભર્યાં ઠામ;
મારિગ ભાગા ગાડલાં, છૂડ્યા પડ્યા બલદ,
ઠામિ ઠામિ દીસઇ ઘણા, પણિ નહિં મનુષ સબદ,
વૃદ્ધાવસ્થાની અસહાય સ્થિતિનું આલેખન કરતો વર્ણનખંડ પણ ઘણો રસપ્રદ છે. તત્કાલીન સમયમાં વૃદ્ધોની દશાસૂચક આ ખંડ સમાજચિત્રની દૃષ્ટિએ મહત્ત્વનો છે. ઉપમાદિ અર્થાલંકારોની યોજનાથી શોભતાં કાવ્યાત્મક વર્ણનોથી આ કૃતિ સભર છે. જૈન સાધુકવિએ આ રચનામાં પ્રસંગોપાત્ત ધર્મબોધને પણ વ્યક્ત કર્યો છે. એમાં તળપદાં પણ સચોટ દૃષ્ટાંતો દ્વારા વાતને અસરકારક બનાવવાની કવિની આવડત આગળ તરી આવે છે. એક ઉદાહરણ જુઓ:
સાધુ કહઇ ધ્રમ સાંભલઉ, એ સંસાર અસાર;
જનમ મરણ વેદન જરા, દુખ તણઉ ભંડાર.
કાચઉ ભાડઉ નીર કરિ, જિણ વેગઉ ગલિ જાય;
કાયા રોગ સમાકુલી, ખિણ મઇ ખેરૂં થાય.
બીજલિ નઉ ઝલકઉ જિસ્યઉ, જિસ્યઉ નદી નઉ વેગ;
જીવન વય જાણઉ, તિસ્યઉ, ઉલટ વહઇ ઉદેગ.
‘સીતારામ ચોપાઈ’માં, અન્ય મધ્યકાલીન કૃતિઓ જેમ, કવિએ અનેક પ્રચલિત કહેવતો-રૂઢિપ્રયોગો અને લોકોક્તિઓને યથાયોગ્ય સ્થાને સાંકળી લઈ કથયિતવ્યને અસરકારક અને બળકટ (સબળ) બનાવ્યું છે. ‘કીડી ઉપર કેહી કટકી’, ‘છકી રાત લીખ્યઉ તે ન મિટઇ’, ‘લિખ્યા મિટઇ નહિ લેખ’, ‘જીવતો જીવ કલ્યાણ દેખઇ’, ‘થૂકિ ગિલઇ નહિ કોઈ’, ‘પેટઇ કો ઘાલઇ નહીં અતિ વાલ્હી છુરી રે’, ‘સાઠી ચોખા સૂપડઇ છડતાં ઉજલા થાયઇ’ જેવી કહેવતો-લોકોક્તિઓ આજે પણ આપણી ભાષામાં શબ્દાન્તરે પ્રચલિત છે. આ રાસકૃતિ ગેયતાની બાબતમાં પણ ઘણી સમૃદ્ધ છે. સંગીતનિપુણ કવિ સમયસુંદરે તે કાળે પ્રચલિત અનેક (લગભગ પચાસેક) ગેય ઢાળો-દેશીઓ આ રાસમાં પ્રયોજ્યા છે. (જેમાં ‘કાજી મહમદના ગીતની ઢાલ’ એવો ઉલ્લેખ ધ્યાન ખેંચે છે. અન્ય ઢાલના ઉલ્લેખો દ્વારા પણ એ કાળે પ્રચલિત ગીતરચનાઓનો ખ્યાલ આવે છે.) કથનાત્મક કૃતિ માટે પ્રયોજાતી અનેક શાસ્ત્રીય રાગરાગિણીઓમાં નામનો નિર્દેશ પણ કવિએ કર્યો છે. એક વિશિષ્ટ ઉલ્લેખ :
જે દરભબારિ ગયો હુસ્યઇ, ઢૂંઢાડિ, મેવાડિ નઇ દિલ્લી રે;
ગુજરાતી મારુયાડિ મઇ તે કહિસ્યઇ ઢાલ એ ભલ્લી રે
આ પંક્તિઓમાં, રાજદરબારમાં તેમજ જે તે પ્રદેશોમાં પ્રચલિત શાસ્ત્રીય (માર્ગી) સંગીત અને દેશી (લોક) સંગીતના સંકેત જોવા મળે છે. (જે વિશિષ્ટ છે.) કવિ સમયસુંદરની સંગીત વિશેની જાણકારી સંદર્ભે તે નોંધપાત્ર છે. મધ્યકાળની જૈન પરંપરામાં રામસીતા વિષયક સજ્ઝાય, ભાસ, રાસ કે ચોપાઈ પ્રકારની ઘણી કૃતિઓ રચાઈ છે. તેમાં સમયસુંદરકૃત ‘સીતારામ ચોપાઈ’ તેના વિસ્તારી કથાનક-પ્રલંબ કદ અને કાવ્યગુણ ઉભયદૃષ્ટિએ ચઢિયાતી કૃતિ છે.
‘મૃગાવતીચરિત્રચોપાઈ’*[3]
‘મૃગાવતીચરિત્રચોપાઈ’(ર. ઈ. ૧૬૬૮)ને ‘મોહનવેલ’ એવા બીજા નામે પણ કવિએ ઓળખાવી છે. લગભગ ૭૪૫ જેટલી કડીઓવાળી આ રચનાના ત્રણ ખંડ છે. પ્રથમ બે ખંડમાં ૧૩ ઢાલ અને ત્રીજા અંતિમ ખંડમાં ૧૨ ઢાલ છે. રચનાનો પદ્યબંધ દુહા, ચોપાઈ ને દેશીઓથી બંધાયેલો છે. જૈન પરંપરામાં પ્રખ્યાત એવા મૃગાવતીના ઐતિહાસિક ચરિત્રને કેન્દ્રમાં રાખીને કવિએ કથાવર્ણન કર્યું છે. એટલે આ રચનાનું ચરિત્રપ્રધાન (ચરિત્રાત્મક) રાસકૃતિઓમાં સ્થાન નક્કી કરી શકાય. મૃગાવતી ચેટક રાજાની પુત્રી અને શતાતીક રાજાની રાણી હતી. લગ્ન પછી સગર્ભાવસ્થામાં વિચિત્ર દોહદને કારણે તેને વનવાસ વેઠવો પડે છે. વનમાં ઉદયકુમારનો જન્મ થાય છે. ચૌદ વર્ષો પછી રાજા સાથે મેળાપ થાય છે. આમ આ કથા સીતાની કથા સાથે કેટલુંક, કથાઘટકોનું, સામ્ય ધરાવે છે. મુખ્ય કથા સાથે અવાંતરકથાના બીજા કેટલાક કથાપ્રસંગો પણ આ કૃતિને રસિક બનાવે છે. સમગ્ર રીતે આ કૃતિ કામ પર શીલના વિજયની ધર્મબોધક કથા રજૂ કરે છે. મૃગાવતી ભગવાન મહાવીરના સમયમાં એક તેજસ્વી સતી તરીકે ગણના પામ્યા છે. જૈન સંપ્રદાયની ૧૬ પ્રાતઃસ્મરણીય શીલવંત સતીઓમાં મૃગાવતી વિશેષ આદરણીય છે. સ્વયં ભગવાન મહાવીરના હાથે દીક્ષા લઈ સાધ્વી થયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એમની જીવનકથા સુખદુઃખથી ભરેલી છે. દુઃખના દિવસોમાં અનેક કસોટીમાં ધર્મને ચૂકતા નથી. સંયમી બની, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણપદ પામે છે. મૃગાવતીની દીક્ષાનું, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણનું વર્ણન ત્રીજા ખંડમાં છે. જૈન કથાઓની પ્રણાલિકા મુજબ નાયક કે નાયિકાનાં નિર્વાણપ્રાપ્તિ સાથે કથા સમાપન પામે છે. એ પ્રણાલિકા અહીં જળવાઈ છે. આ પ્રકારના કથાનકને લીધે ‘મૃગાવતીચરિત્રચોપાઈ’ને શીલવતીની કથાઓના વર્તુળમાં મૂકી શકાય. કવિએ પણ મૃગાવતીના ચરિત્ર અને જીવનકથાનકનું એ રીતે જ આ કૃતિમાં નિભાવન કરેલું છે. એટલું જ નહીં, કૃતિમાંની એક ઢાલમાં સળંગ રીતે, એક એક કડીમાં સીતા, દ્રૌપદી, દમયંતી, મદનરેખા, પદ્માવતી, નર્મદાસુંદરી, કલાવતી, અંજનાસુંદરી, રતિસુંદરી, ઋષિદત્તા, કમલા, સુભદ્રા વગેરે સતીનારીઓના શીલપ્રભાવ અને મહિમાનું વર્ણન કર્યું છે. આમ, શીલોપદેશનું કવિપ્રયોજન આ રચનાના કેન્દ્રમાં રહ્યું છે. ઉપરાંત, પ્રસંગોપાત્ત ધર્મોપદેશ અને ધર્મકાર્યનું (ધાર્મિક આચારવિચારનું) પણ કવિએ આલેખન કર્યું છે. જેમ કે, મૃગાવતીના દીક્ષાપ્રસંગે ભગવાન મહાવીરનો ધર્મબોધ. તેમાં સાધુ-સાધ્વીના પંચ મહાવ્રત વગેરેનું આલેખન કવિએ કર્યું છે. શતાનીકના અંત પ્રસંગે મૃગાવતીનો બોધ તેમજ મૃગાવતીના પશ્ચાત્તાપ અને ક્ષમાપના વગેરેમાં ધર્મોપદેશ જોવા મળે છે. મૃગાવતીની કથાનો સંદર્ભ ૧૧-૧૨મી સદી જેટલો જૂનો છે. ઈ.સ.ની ૧૨મી સદીમાં આચાર્ય મલયગિરિએ ‘આવશ્યક સૂત્ર-વૃત્તિ’માં મૃગાવતીનું કથાનક વિસ્તારથી વર્ણવ્યું છે. ‘મૃગાવતીચરિત્રચોપાઈ’ની રચના માટે કવિ સમયસુંદરે તેનો આધાર લીધો છે. ‘મૃગાવતીચરિત્રચોપાઈ’ની પાત્રસૃષ્ટિમાં કવિની સર્જકતાનો સ્પર્શ અનુભવાય છે. ખાસ કરીને શતાનીક રાજા, મૃગાવતી રાણી, ઉદયનકુમાર, ચંડપ્રદ્યોત રાજા અને ભગવાન મહાવીરના ચરિત્રને કવિએ ખૂબીપૂર્વક આલેખ્યાં છે. આ કથનાત્મક રાસકૃતિ તેમાંનાં વર્ણનોને લીધે વધારે આકર્ષક બની છે. નાયક-નાયિકાના રૂપગુણસૌન્દર્યનું વર્ણન, નગરવર્ણન અને વનવર્ણન, ઉત્સવોનું વર્ણન જેવા વર્ણનાત્મક ખંડો વર્ણનની મધ્યકાલીન પરંપરા જાળવતા હોવા છતાં કવિની સર્જનશક્તિના ચમકારા પણ દેખાડે છે. શબ્દાલંકારો અને અર્થાલંકારોની યોજના પણ સાહજિક છે. જો કે એમાં કાવ્યરચનાની પ્રણાલિકા કે પરંપરાનું કવિજ્ઞાન જ વિશેષ પ્રતીત થાય છે. તે કાળે પ્રચલિત રૂઢિપ્રયોગો-કહેવતો અને લોકોક્તિઓને પણ કવિએ કુશળતાથી સ્થાને સ્થાને પ્રયોજ્યાં છે. ખાસ તો પ્રસંગાનુસારી કહેવતો અને લોકોક્તિઓને લીધે કૃતિ માર્મિક બની છે. સમયસુંદર પોતાના સમયના એક જાણીતા ગીત-પદકવિ છે. આથી પ્રસ્તુત કૃતિમાં પણ અસરકારક ગેય ઢાલોની રચના જોવા મળે છે. સમગ્ર કૃતિની ૩૮ ઢાલોમાં કવિએ ભૂપાલ, કેદારો, ગૌડી, આશાવરી, ધન્યાસી, મલ્હાર, રામગ્રી, મારુણી, સિંધૂડો, પરજિયો, સોરઠી જેવી રાગરાગિણીનો નિર્દેશ કર્યો છે. વળી, લોકપ્રચલિત દેશીઓના સુંદર ઢાળો પણ પ્રયોજ્યા છે. આ કારણે કૃતિ ગેયતાની બાબતમાં સમૃદ્ધ છે એમ કહી શકાય. આખ્યાનની જેમ આ પ્રકારની કૃતિ તેની ગાનપ્રસ્તુતિ વેળાએ જ વધારે આસ્વાદ્ય બની હશે તેવી ધારણા કરી શકાય. આ રાસકૃતિમાં સમકાલીન સમયસંદર્ભ લાક્ષણિક રીતે પ્રગટ થયો છે. તેનું એક દૃષ્ટાંત જોઈએ : શતાનીકના રાજમહેલમાં એક નિપુણ ચિત્રકાર વિવિધ આકૃતિઓ-પ્રસંગોનું ચિત્રણ કરે છે તેમાં ફિરંગી, હબસી, પઠાણ, મોગલો, કાબુલી જેવી જુદી જુદી જાતિની વ્યક્તિઓના પહેરવેશ અને શારીરિક દેખાવ આ પ્રમાણે વ્યક્ત થયા છે :
મુગલ કાબિલી સૂધા ચીતર્યા રે, મુખ રાતા ચૂચી આંખિ રે
માથંઇ મોટા પાઘડ ઢૂંમણા રે, તે જણઇ તીર નાંખિ રે
રૂપ ફિરંગી કીધાં ફૂટરાં રે, મોડઇ માથઇ ટોપ રે
ઢીલા પહિરઇ સૂથણ કોથલા રે, છેડ્યા કરઇ વહુ કોપ રે
હબસી ચીતર્યા કાલા અતિ ઘણું રે, પાંડુર વરણ પઠાણ રે
ગરઠા કાજી ચીતર્યા રે, બાંચતા કતેબ કુરાણ રે.
આ રચનાની કાવ્યભાષા પણ મધ્યકાલીન ગુજરાતી અને વ્યાકરણના અભ્યાસની દૃષ્ટિએ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સમયસુંદરની જન્મભાષા રાજસ્થાની છે. જૈન સાધુ તરીકે તેમણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા પ્રદેશોમાં દીર્ઘકાળ સુધી વિહાર કર્યો છે એટલે આ બન્ને ભાષાનાં ઘણાં લક્ષણોની સહોપસ્થિતિ કૃતિની ભાષામાં જોવા મળે છે. એટલું જ નહીં, રાજસ્થાનની ઉપરના સિંધપ્રદેશ-મુલતાન સુધી કવિએ વિહાર કર્યો છે. (આ કૃતિની રચના જ મુલતાનમાં થઈ છે.) એટલે સિંધુ (સિંધી) ભાષાની છાંટ પણ તેમાં ક્યાંક ક્યાંક વરતાય છે. આ કૃતિની નવમી ઢાલમાં કવિએ સળંગ સિંધીભાષા યોજી છે તે પ્રયોગ વિશિષ્ટ છે. જુઓ :
તુંઇ મંદા કીતા એહુ સમવસરણ બિચિ બહુ રહી
મેલી તઇ કીતા પરમાદ, અસા નાલિ આઇ નહીં
મેલી નવલી ઢાલ રસાલ, સિંધુ ભાષા સોહદી
મેલી સમયસુંદર કહઇ સરસ, ભણુ અસાડા મોહદી
સમયસુંદરના રાસસમૂહમાં ‘મૃગાવતીચરિત્રચોપાઈ’ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. છેક સિંધ સુધી જૈનધર્મનો પ્રસાર હતો, જૈનોની વસ્તી હતી, મુલતાનમાં જૈન દેરાસરો પણ હતા. જૈન સાધુઓ છેક ત્યાં સુધી વિહાર કરતા. ચાતુર્માસ રહેતા વગેરે વિગતોની ધારણા આ રાસના અંતિમ ઢાળને આધારે કરી શકાય છે. એ જોતાં, ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ તેમજ એકતાની દૃષ્ટિએ પણ આ કૃતિ મહત્ત્વની ઠરે છે. કવિએ એમની સર્વ રાસકૃતિઓમાં પ્રચલિત લોકગીતોના ઢાળોનો અને વિવિધ રાગરાગણીઓનો ઉપયોગ કર્યો છે. તેમનું આ ઢાળવૈવિધ્ય અપ્રતિમ છે. ‘નલદવદંતી રાસ’માં દુહા અને ચોપાઈ ઉપરાંત ૩૮ ઢાળોનો અને તેમણે ઉપયોગ કર્યો છે. તેમાં એક સાથે બે ઢાળોનું સુભગ મિશ્રણ પણ જોવા મળે છે. કવિની વર્ણનશક્તિ ઉમદા પ્રકારની છે. કેટલાક રાસામાં તેમણે તાદૃશ ભાવચિત્રો ખડાં કર્યાં છે. ‘નલદવદંતી રાસ’માં નળ અને દમયંતી અયોધ્યાનો ત્યાગ કરીને જાય છે અને પરિજનો તથા પ્રજાજનો તેમને વિદાય આપવા આવે છે એ પ્રસંગને કવિએ કરુણરસિક બનાવ્યો છે :
રોયઇ પીટઇ રસબડઇ રે રાય, પરિજન કરઇ પુકાર,
હા હા દૈવ તઇ સ્યું કીયઉં રે? સ્યું કીયઉં તઈં કિરતાર?
દાસી રોયઇ રસબડઇ રે રાય, અમ્હે કિમ ના’વું લાર?
તરુ ભાગઊ, માલઊ પડ્યઊ રે રાય, અમ્હનઇ કુણ આધાર?
ક્રીડા મૃગ સુક સારિકા રે રેય, ગૃહ પારાવત મોર,
સંપ્રેષણ આવા તિહાં રે રાય, દુખિયા કરઇ અતિ સોર.૩[4]
પતિ સાથે વનમાં ભમીભમીને થાકેલી અને તરસી થયેલી દવદંતીનું ચિત્ર પણ આટલું જ કરુણ છેઃ
દવદંતી તરસી થઈ, પગિ પગિ માંગઇ નીર,
નલ પાયઇ જલ આણી નઇ, છાંટઇ સયલ સરીર.
કિહાં મારગિ બઇસઇ સુવઇ, કિહાં વિસામઉ લેઇ,
સાસીણી ચાલઇ સતી, હાથ બેઉ કડિ દેઇ.૪[5]
દમયંતીનો ત્યાગ કરતી વખતની નળની મનોદશાનું અને દમયંતીની વિરહાવસ્થાનું વર્ણન પણ કવિની ઓછા શબ્દોમાં સુરેખ અને તાદૃશ્ય ચિત્રો સર્જવાની શક્તિની સાક્ષી પૂરે છે. કવિની કેટલીક કલ્પનાઓ મનોહર છે. દમયંતીનાં રૂપ-ગુણનો પરિચય આપતાં તેઓ કહે છે :
એક રૂપ ઉત્તમ ઘડ્યઊ રે, વલિ બીજઉ ન ઘડાય,
વિગ્ન્યાન માહરઉ વીસર્યઉ રે, વિહિ ચિંતાતુર થાય.
ગુણ ગણિવા ભણી સરસતી રે, હાથિ ગ્રહિ જપમાલ,
પાર અજી પામઇ નહિ રે, કેતઉ હી ગયઉ કાલ.૯[6]
સતી ચરણ ફરસઇ કરી, પૃથિવિ હુઇ નિપાપ;
રજ રૂપઇ ઊંચી ગઈ, ઐઐ સીલ-પ્રતાપ.૧૦[7]
(રજ= ધૂળ, પાપ, રૂપુ; શ્લેષ અલંકાર)
ચંદ્રનઇ પાસિ રોહિણી રે, જિમ સોહઇ સુપ્રકાસ,
ચપલ લોચન અણિયાલડાં, મુખ પુનિમનઉ ચંદ.
એહવી સીતા દેખિનઈં....૧૧[8]
વક્તવ્યને સચોટ બનાવવાની એક યુક્તિ તરીકે સમયસુંદરના રાસાઓમાં સેંકડો કહેવતો મળે છે. તેની સૌથી વધુ સંખ્યા ‘સીતારામ ચોપાઈ’માં છે. સમયસુંદરના રાસાઓની ભાષા પ્રવાહી છે તથા ભાવ કે પ્રસંગને અનુરૂપ માધુર્ય કે ઓજસ ધારણ કરે છે. પણ તે ઉપરાંત કવિના વિવિધ ભાષાઓ ઉપરના પ્રભુત્વને કારણે તેમાં નવાં નવાં શબ્દરૂપો અને અનુગોનો વપરાશ જોવા મળે છે. આ દૃષ્ટિએ સમયસુંદરની ભાષા એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બની શકે તેમ છે.
ઋષભદાસ
ઋષભદાસ ખંભાતના વતની હતા. તેમનો જન્મ ઈ. ૧૫૯૫ લગભગ, થયો હતો, અને તેમનું મૃત્યુ પણ ઈ. ૧૬૫૫ લગભગ ખંભાતમાં જ થયું હતું. જીવનનો મોટો ભાગ તેમણે ખંભાતમાં વિતાવ્યો હતો. તેમણે ૩૦ જેટલા રાસા રચ્યા છે. તેમાંથી ૭ ખંડ ૧૮૩૯ કડીની કૃતિ ર. ઈ. ૧૬૨૬ ‘શ્રેણિક રાસ’, ૨૦૦૦ કડીની કૃતિ ર. ઈ. ૧૬૨૬ ‘હિતશિક્ષા રાસ’, ૮૪ ઢાળનો દુહાવેલીબદ્ધ ર. ઈ. ૧૬૨૨ ‘ભરતબાહુબલિ રાસ’, ૩૫૦૦ કડીનો ર. ઈ. ૧૬૨૯ ‘હીરવિજયસૂરિ રાસ’, ૨૯૫ કડીની કૃતિ ર. ઈ. ૧૬૨૯ ‘મલ્લિનાથ રાસ’ અને ૨ ખંડ ૪૫૦૦ કડીનો દુહા ચોપાઈ દેશીબંધમાં રચાયેલો ર.ઈ. ૧૬૧૪ ‘કુમારપાલ રાસ’માં તેમણે ખંભાતનું ઉત્સાહપૂર્વક વિસ્તારથી, પણ કવિસુલભ અતિશયોક્તિ વિનાનું વર્ણન કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે. ખંભાત વિશે ૧૭મી સદીના યુરોપિયન મુસાફરો ડિલાવેલી, મેન્ડેલસ્લો અને બેલ્ડિયસ જે કાંઈ લખી ગયા છે તેની સાથે તે મળતું આવે છે. તેમના ‘હીરવિજયસૂરિ રાસ’માં પણ મહત્ત્વની ઐતિહાસિક વિગતો સમાયેલી છે, જેની નોંધ બ. ક. ઠાકોરે ‘કુમારપાલ રાસ’ના પ્રવેશકમાં કરેલી છે.૧૨[9] ઋષભદાસના રાસાઓમાં તત્કાલીન સમાજનાં સમૃદ્ધ ચિત્રો જોવા મળે છે. તેમના ‘કુમારપાલ રાસ’માં, આ રીતે, રાજપૂતોની છત્રીસ જાતિઓ, તે વખતની બીજી જ્ઞાતિઓ, તેમના ધંધાઓ, તે વખતનાં વ્યક્તિનામો, સિક્કાઓ, વર્ણકો, સામુદ્રિક લક્ષણો ઇત્યાદિ સામગ્રી મળે છે. ઋષભદાસનાં કેટલાંક વર્ણનો ધ્યાન ખેંચે એવાં છે. જેને બ. ક. ઠાકોરે જૈન વાઙ્મયપ્રવાહની આકર્ષક પદ્યબદ્ધ કૃતિ કહી છે,૧૩[10] એ ‘કુમારપાલ રાસ’માં કુમારપાળના રઝળપાટનો વિસ્તૃત છતાં સચોટ ચિતાર આપ્યો છે. ‘ભરત-બાહુબલિ રાસ’માં પણ ભરત અને બાહુબલિના યુદ્ધનું તેજસ્વી વર્ણન છે. પણ વધુ આકર્ષક વર્ણન તો સિદ્ધરાજની ચીતાનું છે :
સોનાવરણી ચેહ બલે રે, રૂપાવરણી ધુહ રે,
કુંકમવરણી રે દેહડી, અગનિ પરજાલીઅ તેહ રે.
માન ન કરસ્યો રે માનવી, કિસ્યો કાયાનો ગર્વ રે?
સુરનર કિંનર રાજીઆ, અંતે મૃત્તિકા સર્વ રે.
માન ન કરસ્યો રે માનવી.
0
જે નર ગંજી રે બોલતા, વાવરતા મુખમાં પાન રે,
તે નર અગનિ રે પોઢીઆ, કાયા કાજલ-વાન રે. માન૦
0
ચંપકવરણી રે દેહડી, કદલી કોમલ જાંઘ રે,
તે નર સૂતા રે કાષ્ઠમાં, પડે ભડોભડી ડાંગ રે. માન૦
દેહવિડંબણ નર સુણી, મ કરિસ તૃષ્ણા તું લાખ રે,
જેસંગ સરિખો રે રાજીઓ, બાલી કર્યો તિહાં રાખ રે. માન૦૧૪[11]
ભાવને અનુરૂપ ઢાળં અને આકર્ષક ઉપાડને લીધે આ એક મનોહર વિલાપગીત બન્યું છે. ઋષભદાસના રાસાઓમાં દૃષ્ટાંત અને સામાન્ય વિધાન તરીકે યોજેલાં સુભાષિતોની સંખ્યા ઘણી મોટી છે. તેમાંનાં કેટલાંક આજે પણ ગમે તેવાં છે :
૧. ઊંઘ ન માગે શૈયા સાર, અરથી ન ગણે દોષ-વિચાર,
ભૂખ્યો નવિ માગે સાલણું, કામી પૂછે ન કુલ સ્ત્રી તણું.
૨. વિણસે વિણ ચડ નારી તુરી, અતિ લાડે વિણસે દીકરી,
વિણસે ખય રોગે જિમ ગાત્ર, વિણસે ભુંડા સાથે યાત્ર,
વિણસે વિદ્યા અતિ અભિમાન, વિણસે કંઠવિહૂણું ગાન,
વિણસે પુરુષ કુદેશે ગયો, વિણસે ઋષિ થિર વાસો રહ્યો.
૩. પીપલ તણું જિમ પાનડું, ચંચલ જિમ ગજ-કાન,
ધન યૌવન કાયા અસી, મ કરો મન અભિમાન.
૪. કર્ણ ન શોભે કુંડલે, શોભે સુણતાં જ્ઞાન;
કર નવિ શોભે કંકણે, શોભે દેતાં દાન;
કાયા ન શોભે ચંદને, શોભે કરુણા સાર;
તાસ શરીરે લેખે સહી, કરતાં પર-ઉપકાર.
૫. પર કાજે પરૂઅર ફળે, પર કાજે જલધાર,
પર કાજે સુપુરુષ નરા કરતા પર-ઉપકાર.
૬. માગણ જો મયગલ ચઢે, સોવ્રણ કચોલો હાથ,
માગ્યાં જો મોતી જડે, તોહે જન્મ અક્યત્થ.
૭. રણિ વાગઇ સરણાઇયાં, પાખરઈ કેકાણ,
સૂરા ઘરિ વધામણાં, કાયર પડિયાં પ્રાણ.
૮. સાયર સંદેસો મોકલે, ચંદા પુત્ર! જુહાર,
ચઢ્યા કલંક ન ઊતરે, તુઝ ખંપણ, મુઝ ખાર.
બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો ‘ઋષભદાસના ઘણા દુહા અને ચઉપઈ અને ખાસ કરીને કવિત્ત શામળની લઢણને અને શામળની શબ્દરચનાને એટલાં તો મળતાં આવે છે કે... શામળને ઋષભસવાઈ કહેવાનું પણ મને મન થઈ જાય છે. માત્ર ઋષભની કૃતિઓમાં જે લોકપ્રિય ઢાળોનાં મીઠાં અસરકારક પદો જોવામાં આવે છે તે એની કવિત્વપદ્ધતિનો અંશ શામળમાં નથી.’૧૫[12]
યશોવિજયજી
યશોવિજયજીનો જન્મ ઈ. ૧૬૨૩ની આસપાસ ઉત્તર ગુજરાતના કન્હોડુ ગામમાં અને સ્વર્ગવાસ ઈ. ૧૬૮૭-૮૮માં ડભોઈ મુકામે થયો હતો. તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને હિંદીમાં સવાસો જેટલી કૃતિઓની રચના કરી છે. તેમાં તેમની પ્રખર વિદ્વત્તા, ઊંડી વિચારશક્તિ અને જૈન શાસ્ત્રો વિશેનું ગહન જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તેમને ‘બીજા હેમચંદ્ર’, ‘લઘુહરિભદ્ર’ કે ‘જૈન સંપ્રદાયના શંકરાચાર્ય’ તરીકે બિરદાવવામાં આવ્યા છે. આ વિદ્વાન કવિએ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી ને ગુજરાતીમાં અનેક ગદ્ય-પદ્ય રચનાઓ કરેલી છે. ગુજરાતીમાં તેમણે રચેલા ત્રણ રાસ પૈકી ‘દ્રવ્યગુણપર્યાય રાસ’ (ઈ. ૧૬૫૫)માં તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે અખાની યાદ અપાવે છે. એનું સંસ્કૃતમાં ભાષાંતર થયું છે એ એની મહત્તા દર્શાવે છે. યશોવિજયજીનો બીજો રાસ ‘જંબુસ્વામી રાસ’(ઈ. ૧૬૮૩) છે. મગધદેશના ભૂષણરૂપ રાજગૃહ નગરીના શ્રેષ્ઠી ઋષભદત્ત અને તેમની પત્ની ધારિણીના પુત્ર જંબુકુમાર, માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે લગ્ન કરી, પત્નીઓ તેમજ પોતાને ત્યાં લગ્નની રાત્રિએ જ ચોરી કરવા આવનાર પ્રભવ અને તેના સાથીઓનું હૃદયપરિવર્તન કરી, એ સર્વની સાથે સુધર્માસ્વામી પાસે દીક્ષા લે છે તેનું તેમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. કવિની કવિત્વશક્તિના ચમકારા તેમાં વારંવાર જોવા મળે છે. નીચેની પંક્તિઓમાં યોજેલા અલંકારો અને હસી, વસી, રડવડી, પડવડી, ઓરડી, ગોરડી, ચોરડી અને દોરડી, એ પ્રાસવાળાં વિશેષણો સ્ત્રીનાં સૌંદર્ય અને આકર્ષણને કેટલાં બધાં તાદૃશ્ય કરી આપે છે!
ઉર વસી જાસ રૂપઈ હસી, મનિ વસી રતિ તિસી નિવ રે;
લાછિ પણિ લાજતી રડવડી, પડવડી તે ઘડી દિવ રે.
મદન-ગુણ-ઓરડી ગોરડી, ચોરડી તરુણ મન તેહ રે.
કામી-પગ-બંધન દોરડી, લવણિમાલિંગિત દેહ રે.૧૬[13]
જંબુકુમાર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેમની આઠે પત્નીઓ તેમને અનુસરે છે અને કહે છે કે પોતે પતિથી ભિન્ન નથી. કવિ રૂપકોની હારમાળા યોજીને પતિપત્નીના આ હૃદયઐક્યને, સાયુજ્યને સરસ રીતે અંકિત કરી આપે છે :
થે સિદ્ધ તો મ્હે સિદ્ધિ છાં રે, હર તો મૂરતિ આઠ,
થે અંબર મ્હે દિસિ ભલી રે, વાસ જો ચંદન કાઠ.
થે ચાંદા મ્હે ચાંદણી રે, થે તરુઅરિ મ્હે વેલિ;
સૂકાં પણિ મુંકાં નહી રે, લાગી રહું રંગ રેલિ.
થે વન તો મ્હે કેતકી રે, થે દીપક મ્હે જ્યોતિ;
થે યોગી મ્હે ભૂતિ છાં રે, અધિકારી તો દોતિ.
થે આંબા મ્હે મંજરી રે, થે પંકજ મ્હે બાગ;
થે સૂરજ મ્હે પદ્મિની રે, થે રસ તો મ્હે રંગ.
થે ધરણીધર મ્હે ધરા, ષેત્ર ફલ્યા તો વાડિ;
થે પુણ્ય તો મ્હે વાસના રે, ભાગ્ય તો રેખા નલાડિ.
થે સાયર તો મ્હે નદી રે, થે ઘન તો મ્હે વીજ;
શત શાખાઈ વિસ્તર્યા રે, થે વડ તો મ્હે બીજ.
થે કંચન મ્હે વર્ણિકા રે, નંગ તો મુદ્રા સાર.
થે ચંપક મ્હે પાંખડી રે, મણિ આ જો થે હાર.૧૭[14]
જંબુકુમાર દીક્ષા લેવા નીકળે છે એ જોવાને ઉત્સુક બનેલી સ્ત્રીઓનું વર્ણન પણ એટલું જ રસિક છે :
ગાંજા વાજાં સુણીનઇ અર્ધ તિલક કરિ એક,
અર્ધાજિત દૃગ ઇક જોવા ચાલી છેક;
એક નેઉર પહરઇ, એક જ ચરણ પખાલઇ,
આધી કંચુકી પહરી જોવા કાંઇક ચાલઇ.
ધસમસતી કાંઇક કજ્જલ ગલ્લઇં ઘાલઇ,
કસ્તૂરી લોચન ઠવતી આઘી ચાલઇ.
0
ઢલતા ઘીના ગાડુઆ મૂંકઇ તે પાડુઆ લાગઇ,
લાડુઆ સમ નારીનઇ જોવાનો રસ જાગઇં.
બાલ રોતાં મુંકઇં મારગિ, પરનાં બાલ
રોતાં નિજ બાલક ભ્રાંતિ લિંઇ સુકુમાલ.
પરિધાન શિથિલ હુઊ ગાઢ બંધન ન કરાઇ,
વાયુ વેગિં મસ્તક ઊઢણ ઊડી જાઇં.
કૌતુકનઇ પણિ તવ કૌતુક લાગું અનૂપ.૧૮[15]
આ ઉપરાંત કવિએ પાત્રોનાં સચોટ ચિત્રો આપ્યાં છે, ઉપદેશને સામાન્ય વિધાનો તથા દૃષ્ટાન્તોથી રોચક બનાવવાની કાળજી રાખી છે અને પ્રચલિત લોકગીતોના ૩૭ ઢાળો યોજીને કૃતિને સંગીતમય બનાવી છે. આ એક જ રાસકૃતિ યશોવિજયજીને મધ્યકાલીન ગુજરાતી રાસકવિઓમાં અગ્રસ્થાન અપાવવા માટે પૂરતી છે. રાસકૃતિઓ ઉપરાંત કવિએ લાંબા સ્તવનો, ચોવીસીઓ, સજ્ઝાયો, પદો આદિ વિવિધ સ્વરૂપની ઘણી કૃતિઓ રચી છે.
જિનહર્ષ
જિનહર્ષની રચનાઓ રાજસ્થાની, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં મળી આવે છે. તેમનાં કાવ્યોને અંતે ‘જસા’ નામનો ઉલ્લેખ આવે છે તે પરથી એમનું પૂર્વાવસ્થાનું નામ જશરાજ હોવાનો સંભવ છે. ઈ. ૧૬૭૯ સુધી રાજસ્થાનમાં ને પછી ગુજરાતમાં, અને વધુ તો પાટણમાં તેમણે જીવન વિતાવ્યું હતું, તેમનું અવસાન પાટણમાં ઈ. ૧૭૨૩ લગભગ થયું હતું. એમની કૃતિઓનાં રચનાવર્ષો પરથી એમનો કવનકાળ ૧૬૪૮થી ૧૭૦૬ સુધીનો નક્કી થઈ શકે છે. તેમણે ૩૫ જેટલા રાસ રચ્યા છે તેમાં ‘શત્રુંજયમાહાત્મ્ય રાસ’ સૌથી મોટો, ૮૫૦૦ કડીઓનો છે. ‘આરામશોભારાસ’ (ર. ૧૭૦૫) પણ એમની મહત્ત્વની કૃતિ છે. જિનહર્ષનાં વર્ણનો ટૂંકાં પણ તાદૃશ છે. તેમના ‘ઉત્તરકુમારચરિત્ર રાસ’ (૨૯ ઢાળ અને ૫૮૭ કડીની કૃતિ ર.ઈ. ૧૬૮૯)માં સમુદ્રદત્તે ઉત્તમકુમારને સમુદ્રમાં હડસેલી દીધા પછી તેની પત્ની મદાલસાનો વિરહ ઊર્મિથી સભર છેઃ
જીવન વિણ હું જીવું કેહી પેરે? નાખે પ્રબલ નિઃશ્વાસ,
જાણે પાવસ જલધર ઉલ્લસ્યો, નયણ ન ખંચે ધાર;
પિયુ પિયુ ચાતક જ્યું પ્રમદા કરે રે, જાગગ્યો વિરહ અપાર.
ક્ષણ રોવે, ક્ષણ જોવે દશ દિશ રે, ક્ષણ ક્ષણ આયે ચેત,
ઝૂરે યૂથ-ટલી મૃગલી પરે, પિયુ તોડ્યું કાંઈ હેત.૧૯[16]
‘કુમારપાળ રાસા’માં પાટણમાં કુમારપાળને મળેલા વિપ્રનું વર્ણન પ્રેમાનંદના ‘અભિમન્યુઆખ્યાન’ના કૃષ્ણના વિપ્રવેશની યાદ આપે એવું છે :
પાટણ લોક સોહામણો, દેખી હરખિત હોય,
વિપ્ર તણો રૂપ વર્ણવું, તે સુણજ્યો સહુ કોય.
દાઢી તો ગાઢી ઘણી, મૂંછ નહીં લવલેશ,
કાળો કામળ સારિખો, ખીણ શરીર વિશેષ.
મોટો શીશ ત્રિપુંડિયો, નાન્હો જાસ નુલાડ,
વાંકો વદન વિરાજિયો, ગાલે ઊંડી ખાડ.
હોઠ જેહના લડબડે, લાળ મુખ ઝરંત,
ઊંડી આંખો તગતગે, રાસભના જાતે દંત.
હાથપાય વાંકા વળ્યા, સકટ-પીંજણી જાણ,
કડિલાંક ઘાણી સારિખો, ચૂંથો બાંધ્યો તાણ.
પહેર્યો ફાટો ધોતિયો તુંબો લીધો હાથ,
મસ્તક ફરકે ચોટલો, લોટ પોટલી સાથ.૨૦[17]
જિનહર્ષ કથનને સચોટ બનાવવા સામાન્ય વિધાનો પણ વારંવાર યોજે છે :
જગમાં કો ન સહી શકે, મોટા દુઃખ એ સાત;
ઊપજતાં ચાલ્યો પિતા, જણતાં મૂઇ માય,
ત્રીજો દુખ નિરધનપણો, ચોથો પરવશ થાય;
પાંચમો દુઃખ બેટી ઘણી, ઘરમાં ભૂખ અચાલ,
છઠ્ઠું દુઃખ અતિ દોહલું, ઘર ભાંજે તત્કાલ;
ગરઢપણે બેટો મરે, દુઃખ સાતમો કહાય,
એ દુઃખ ઈણ સંસારમાં, ખિણ ખિણ સાલે રાય.૨૧[18]
0
નદી ન નિજ પાણી પીયે, નિજ ફલ વૃક્ષ ન ખાય,
મેહ ન માગે સર ભરે, પર ઉપગારે આય રે.૨૨[19]
0
ઉતાવલા સો બાવરા, ધીરે સબ કુછ હોય,
માલી સીંચે સો ઘડા, રુતુ આવે ફલ હોય.૨૩[20]
સમયસુંદર, ઋષભદાસ અને યશોવિજયજીની જેમ જિનહર્ષના રાસામાં ઢાળનું વૈવિધ્ય છે. એમના ૮૬૧ કડીના ‘શ્રીપાલ રાસ’માં ૪૯ ઢાળ છે.
ઉદયરત્ન
ઉદયરત્ન ખેડાના વતની હતા. એમનો જીવનકાળ ઈ. ૧૬૯૩થી ઈ. ૧૭૪૩ સુધીનો છે. કવિની પહેલી રચાયેલી કૃતિ ‘જંબુસ્વામી રાસ’ ઈ. ૧૬૯૩ની છે. અને છેલ્લી રચાયેલી કૃતિ ‘રસરત્નાકર/હરિવંશરાસ’ ઈ. ૧૭૪૩ની છે. તેમણે ૧૪ જેટલા રાસ રચ્યા છે. તેમાં તેમણે પ્રચલિત લોકગીતોની વિવિધ રાગરાગણીનો ઉપયોગ કર્યો છે. તેમાંનાં કેટલાંક વર્ણનો પ્રવાહી અને તાદૃશ છે, તેમજ તેમની ભાષા વધારે ઝડઝમકવાળી છે. તેમના ‘લીલાવતી રાસ’ (લીલાવતી-સુમતિવિલાસ-રાસ ૨૧ ઢાળની દુહા દેશીબદ્ધ કૃતિ (૨.ઈ. ૧૭૧૧, મુ.)) માં લીલાવતીના મહિયારીવેશનું વર્ણન તેનો નમૂનો છે :
અજબ બની આહીરડી, મલપતી મોહન વેલ.
રૂપે રંભ હરાવતી, ગજપતિ ચાલે ગેલ.
ધોલી ધાબલી પહિરણે, વિચ વિચ રાતા તાર,
કોરે કાલા કાંગરા, ગલે ગુંજાનો હાર.
વેણી વાસગ નાગ-શી, ગજ ગજ લાંબા કેશ,
ઘૂઘરિઆલો ગોફણો, ઓપે અદ્ભુત વેશ.
કશે કસબી ફૂમકાં, લટકે લોબડી માંહે,
પાતલ-પેટી ને ફૂટડી, યૌવન લહેરે જાયે.
દંત ઝબૂકે દામિની, મુખનો મટકો જોર,
નથ નાકે થરકી રહી, જાણે કળાઈયો મોર.
ચંદ્રમુખી મૃગલોચની, સિંહલંકી સુકુમાલ,
પાય પ્રમાણે મોજડી, કોકિલ કંઠ રસાલ.
કોમલ કમલ-શી બાંહડી, ચતુરા ચંપક વાન;
ચૂડે ચટક લાગી રહી, ત્રોટી લલકે કાન.
માથે મટુકી કાચની, ઉઢાણી અનૂપ,
લાંબી બાંહ લોડાવતી, ચાલી તે ધરી ચૂંપ.
મહિયારી મહી વેરચવા, સેરીયે પાડે સાદ.૨૪[21]
‘સ્થૂલિભદ્ર રાસ’ (સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર કોશા-સંવાદ / ૯ ઢાળની કૃતિ ર. ઈ. ૧૭૦૩)માં ઉદયરત્ને વર્ષાઋતુના માદક વાતાવરણ સાથે, સ્થૂલિભદ્ર માટેના કોશાના તલસાટનું સચોટ ચિત્ર આલેખ્યું છે :
ઝરમર ઝરમર મેહુલો વરસિં, ખલહલ વોકલા ગાજિ રે,
બાપીયડો પીઉ પીઉ પોકારે, તિમ તિમ દિલડું દાઝિ રે,
આવ્યો આષાઢો માસ, ના’વ્યો ધૂતારો રે.
સ્થૂલિભદ્રને ચલિત કરવા માટે કોશા નૃત્ય કરે છે તેનું વર્ણન પણ મનોહર છે :
ઠમકિ ઠમકિ પાય બિછુયા ઠમકે, રમઝમ ઘૂઘરા વાજઇ રે;
ઝાંઝરડીના ઝમકારામાં વ્રત એ સઘલાં ભાજઇ રે.
એક ચોમાસું નિ ચિત્રસાલી, ત્રીજો મેહલો ટપટપ ચૂયઇ રે;
આંખડિયાના ઉલાલા માંહિ વ્રત એ સઘલાં ભાજઇ રે,
દ્રમ દ્રમ માદલનિં ધમકારે, તાથેઇ તાથેઇ નાટક છંદે રે,
મુખના તે મરકલડા માંહિં કહો કુંણ ન પડિં ફંદે રે?
લઘુ કૃતિઓ
રાસા ઉપરાંત સ્તવન, સજ્ઝાય, ભાસ, છત્રીશી, ચોવીશી, છંદ, શલોકા, બહોતેરી, હરિયાળી, સંવાદ, ફાગુ, બારમાસી, પદ-ગીત ઇત્યાદિ પ્રકારની લઘુ કાવ્યકૃતિઓ પણ આ સમયના કવિઓએ મોટી સંખ્યામાં રચી છે.
પદ-ગીત
તેમાં પદ-ગીતની સંખ્યા ઘણી મોટી છે. સમયસુંદર, આનંદઘનજી, યશોવિજયજી અને જિનહર્ષ આ યુગના નોંધપાત્ર પદ-કવિઓ છે. સમયસુંદરે લખેલાં ગીતોની સંખ્યા હજાર જેટલી છે. તેમાં શબ્દમાધુર્ય, લયવૈવિધ્ય, અભિનવ પ્રાસયોજના અને ભિન્ન રાગરાગિણી સાથે કવિની ઉત્કટ સંવેદનશીલતાની આપણને પ્રતીતિ થાય છે. આ ગીતોનું વૈવિધ્ય એટલું બધું છે કે ‘સમયસુંદરનાં ગીતડાં, ભીંતો પરનાં ચીતરાં, કે કુંભારાણાનાં ભીંતડાં’, એવી લોકોક્તિ પ્રચલિત થઈ છે; એટલે કે કુંભારાણાએ બંધાવેલાં સ્થાપત્યો અને ચિતોડમાં ભીંતો પર ચીતરેલાં ચિત્રોની જેમ સમયસુંદરનાં ગીતોનો પાર પામવો અઘરો છે.૨૫[22] ગાંધીજીની પ્રાર્થનાસભામાં સ્થાન પામનાર ‘અબ હમ અમર ભયે, ન મરેંગે’ જેવા અપ્રતિમ આત્મવિશ્વાસ પ્રગટ કરનાર પદના કવિ આનંદઘનજીનાં પદ જૈન સમાજની જેમ સામાન્ય જનતામાં પણ સુપ્રસિદ્ધ છે. તેમનો જન્મ મીરાંની જન્મભૂમિ મેડતા (રાજસ્થાન)માં ઈ. ૧૬૦૬ લગભગ અને તેમનો દેહોત્સર્ગ પણ ત્યાં જ ઈ. ૧૬૭૪ આસપાસ થયો હતો. તેમનાં પદોનો સંગ્રહ ‘આનંદઘન ચોવીશી’ (૨૨ સ્તવનોનો સંગ્રહ (મુ.)) અને ‘અધ્યાત્મ બહોતેરી’ (૭૩ પદોનો સંગ્રહ (મુ.)) તરીકે જાણીતા થયેલા છે. તે હિંદી અને મારવાડી ભાષામાં રચાયેલાં છે, પણ પાછલી વયમાં આનંદઘનજી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા હોવાથી તેમાં ગુજરાતી ભાષાનો મરોડ જોવા મળે છે. આનંદઘનજીનાં પદોમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણીસંગમ થયેલો છે. સુરદાસ અને મીરાંની જેમ તેમાં પ્રભુમિલનનો તલસાટ જોવા મળે છે, કબીરની કવિતાની જેમ તેમાં અધ્યાત્મનાં રહસ્યો પણ ભરેલાં છે, અને ધીરાની કાફીઓની જેમ તેમાં અવળ વાણીના પણ પ્રયોગો થયેલા છે. આનંદઘનની મસ્તી અનોખી છે. એની સાથે સંગીતનો સમન્વય થવાથી ચિત્ત અને હૃદય બંને ઉપર એ કાબૂ જમાવે છે. તેમણે પોતે જ એક પદમાં ગાયું છે :
રામ કહો રહેમાન કહો કોઉ કહાન કહો મહાદેવ રી,
પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી.૨૬[23]
તેમ તેમની કવિતા સાંપ્રદાયિકતાની દીવાલોને ઓળંગી જાય છે. યશોવિજયજીનાં પદોમાં તીર્થંકરોનાં સ્તવનનાં પદો નોંધપાત્ર છે. તેમાં ઉલ્લાસ, શ્રદ્ધા, લાડ, મસ્તી, ટીખળ, નમ્રતા, ધન્યતા, ઇત્યાદિ ભાવોની કલ્પનાયુક્ત અને દૃષ્ટાન્તસભર અભિવ્યક્તિ થઈ છે તે આકર્ષક નીવડે છે. પ્રભુ પ્રત્યેના પોતાના ભક્તિભાવનું વર્ણન કરતાં તેઓ કહે છે :
અંગુલિયે નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિતેજ,
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તમ પ્રભુ-હેજ.૨૭[24]
દર્શન વિના પોતાને ટળવળાવતા પ્રભુને તેઓ ઠપકો આપે છે કે :
‘દીન’ કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ;
જળ દીયેં ચાતક ખીજવી રે, મેઘ હુઓ તેણે શ્યામ.૨૭[24]
અને વળી હળવેથી ઉમેરે છે :
અંતરયામી સવિ લહો, અમ મનની જે વાત,
મા આગળ મોસાળનાં શ્યા વર્ણવવા અવદાત હો.૨૭[24]
આવું નિર્વ્યાજ નૈકટ્ય આ સ્તવનોનું આગવું પાસું છે. જિનહર્ષનાં પદોમાં તીર્થંકરોનાં સ્તવન ઉપરાંત રાજુલ અને કોશાના વિરહનાં ગીતો ભાવપૂર્ણ છે. તેમાં વિરહની વ્યથા તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે :
પિઉ વૈસાખે હાલિયો, સૈણા સીખ કરેહ,
ઊભી ઝૂરે ગોરડી, ડબ ડબ નૈણ ભરેહ.
લૂ વાજૈ દિણયર તપૈ, માસ આતારૌ જેઠ,
આંખ્યાં પાવસ ઉલ્લસ્યો, ઊભી મેડી હેઠ.૨૮[25]
સંવાદકાવ્યો
આ સમય દરમ્યાન સમયસુંદરકૃત ‘દાનશીલ-તપભાવના સંવાદ’ (ઈ. ૧૬૦૬), દેવરાજકૃત ‘હરિણીસંવાદ’ (ઈ. ૧૬૦૭), સુધનહર્ષકૃત ‘મંદોદરી-રાવણ સંવાદ’, શ્રીસારકૃત ‘મોતી-કપાસિયા સંવાદ’ (ઈ. ૧૬૩૩), યશોવિજયજીકૃત ‘સમુદ્ર-વહાણ સંવાદ’ (ઈ. ૧૬૪૪) અને ઉદયવિજય-૨કૃત ‘સમુદ્રકલશ સંવાદ’ (૨૭૨ કડીની કૃતિ) (ઈ. ૧૬૫૮) એ સંવાદકાવ્યો રચાયાં છે. તેમાં યશોવિજયકૃત ‘સમુદ્ર-વહાણ સંવાદ’૨૯[26] બોધક અને મનોરમ કૃતિ છે. સમુદ્ર પોતાની મોટાઈ વર્ણવીને, પોતાની સમૃદ્ધિનો ગર્વ કરીને, ‘તાહરું તો કુલકાષ્ઠનું’ કહીને વહાણને ઉતારી પાડે છે. પણ તરત જ વહાણ રોકડો જવાબ આપે છે, ‘હલુઆ તો ય અમે બહુજનને તારીએ છીએ. મોટો તો ઉકરડો ય હોય, પણ કામનો તો નાનો તો ય હીરો જ. રત્નો તો છે પણ આપતાં `બેસે છે મુખડામાં.’ વળી ‘તૃણ ઉપર ને રત્નો હોય તળિયે એવું તો છે સમુદ્રનું અજ્ઞાન! તરસ્યાં ય દૂર ભાગે એવું છે એનું જળ. અને હજાર નદીઓએ ય સમુદ્રની ભૂખ ક્યાં ભાગી?’ વહાણની આવી વાતોથી સમુદ્ર ક્રોધે ભરાય છે. વહાણને તોડીને દૂર ફેંકવા એ પ્રવૃત્ત થાય છે. પણ શ્રી જિનેન્દ્રનું નાવ સાજુંસરવું થઈ સાગરપટ પર આવે છે. આવા વર્ણનમાં વિવાદચાતુર્ય, દૃષ્ટાન્તકૌશલ અને અનુપ્રાસાદિ કાવ્યમાંના ઉપદેશને રોચક બનાવે છે. એકંદરે જોઈએ તો ઉપદેશ સાથે કવિતાનો સુમેળ તેમાં સધાયો છે.
ફાગુકાવ્યો
આ સમય દરમ્યાન કેટલાંક ફાગુકાવ્યો રચાયાં છે તેમાં કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમફાગ’૩૦[27] (ઈ. ૧૬૪૦)માં બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યનું ચરિત્ર આપ્યું છે. તેમાં વસંતક્રીડા વર્ણવતી બે ઢાળો છે અને બે ઢાળોમાં–ઢાળ ૪ અને ૧૮માં–આંતરયમકવાળા દુહાઓ આવેલા છે. ઉદયવિજયકૃત ‘પાર્શ્વનાથ રાજગીતા’૩૧[28] (ઈ. ૧૬૭૨ આસપાસ)માં કવિએ શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરીને મોહનું પ્રાબલ્ય તોડવા એમને વિનંતી કરી છે. કેટલાક દુહાઓમાં આંતરપ્રાસ યોજેલા છે. વિનયવિજયકૃત ‘નેમિનાથ ભ્રમરગીતા’૩૨[29] (ઈ. ૧૬૫૦)માં નેમિનાથ-રાજિમતીના કથાનકમાંનો રાજિમતીવિરહ નિરપાયો છે :
ચંદ તપિ સૂરજ પરિ, દાદુર દઇ દુઃખ જોર,
ઘોર ઘના ઘન ગાજઇ, ન વલિ કંત કઠોર.
નીંદ ન આવિ વિરહણ, દેખું સુંહણે નાહ,
બાપીયડો પીઉ પીઉ કરે, દૂણુ દિ વલી નાહ.
પરંપરાગત રીતિએ તેમાં વિપ્રલંભ શૃંગાર અને કરુણનું સારું આલેખન થયું છે.
બારમાસી
આ સમય દરમ્યાન આ કાવ્યપ્રકારે વિસ્તૃત અને કલાત્મક સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં આનંદવર્ધનકૃત (૨૪ કડીની) ‘નેમિ-રાજિમતી બારમાસા’ (મુ.) (ઈ. ૧૬૬૦), વિનયવિજયકૃત ‘નેમ-રાજુલ બારમાસા’ (ઈ. ૧૬૭૨), ચંદ્રવિજયકૃત ‘સ્થૂલિભદ્ર બારમાસા’ (ઈ. ૧૬૭૮ આસપાસ), માણિક્યવિજયકૃત ‘નેમિ-રાજિમતી બારમાસા’ (ઈ. ૧૬૮૬), નયવિજયકૃત ‘નેમિનાથ બારમાસ’ (ઈ. ૧૬૮૮), નેમિવિજયકૃત ‘નેમ-રાજુલ બારમાસા’ (ઈ. ૧૬૯૮), ઉદયરત્નકૃત ‘નેમિનાથ-રાજિમતી તેરમાસા’ (૧૩ ઢાળની કૃતિ મુ.) (ઈ. ૧૭૦૩), જિનસોમકૃત ‘નેમિ-જિન બારમાસ’ (ઈ. ની ૧૭મી સદીનો પૂર્વાર્ધ) અને મોહનવિજયકૃત ‘નેમ-રાજિમતી બારમાસા’ (ઈ.ની ૧૭મી સદીનો પૂર્વાર્ધ)નો તેમાં સમાવેશ થાય છે.૩૩[30] આ બધાં કાવ્યો એક જ વિષય પર લખાયેલાં છે, પણ એ દરેકની કોઈ ને કોઈ આગવી વિશિષ્ટતા રહેલી છે. આનંદવર્ધને પોતાના કાવ્યને ધ્રુવપદ દ્વારા સુગેય બનાવ્યું છે અને તેની ભાષામાં વ્રજ અને હિંદીની છાંટ રહેલી છે. વિનયવિજયના કાવ્યમાં રાજિમતીના વિરહનું સારું નિરૂપણ થયેલું છે. ચંદ્રવિજયનું આખુંયે કાવ્ય કોશાની વિરહોક્તિથી ભરેલું છે અને વિવિધ દેશીઓ, ધ્રુવપદ, પાદપૂરક અને પ્રાસ યોજીને તેને સુગેય બનાવવામાં આવ્યું છે. માણિક્યવિજયે રાજિમતીની વિરહવ્યથા વિસ્તારથી વર્ણવી છે, અને તેના દુહામાં આંતરયમકની યોજના થયેલી છે. તેમાં કેટલાંક સુંદર ભાવચિત્રો અને અલંકારોનું સરસ સંયોજન થયેલું છે, જેમાંનાં નીચેનાં રૂપક મનોહર છે :
તન રે વાડી વિકસી રહી, વિરહી કેમ કરંત?
મનમથ-માલી નિરંતર જોવન-જલ સિંચત.
નયન-કુમોદિની ફૂલી રે, ભૂંહડી ભમર-વિલાસ,
અધર મધુર બિંબીફલ, કુંપલ-કમલ નીસાસ.
ફૂલી રે વાડી ઇમ સુંદર, કુંદકલી રયણ દીપંત,
વચન સુધારસ-વેલડી, સેલડી મદ ગલંત.
ઉન્નત પીન પયોધર સોભા ધરિ શ્રીકાર,
જંબીરીફલ, શ્રીફલ, બિલિફલ મનોહાર.
જાય-ચંબેલીના ચોસર, ચંપક વરણ-રસાલ,
જંઘ-જુગલ અતિ કોમલ કદલી-ખંભ વિશાલ.
પદ પંકજ વન ખેલિ રે, નેઉર રાજમરાલ,
પીઉ વિણ એતાં નવિ ગમિ, મેહલું કુંણ રખવાલ?
ફૂલ્યો રે જોવન-કેવડો પ્રીતિ-સરોવર-પાલિ,
નાહ પખિં કુણ એહનો લેસ્યિં ભોગ રસાલ?૩૪[31]
નયવિજયના કાવ્યમાં દુહામાં સર્વત્ર આંતરપ્રાસ યોજેલા છે અને તે પણ રાજિમતીની વિરહોક્તિથી ભરેલું છે. નેમિવિજયનું કાવ્ય પણ એ જ પ્રકારનું છે. ઉદયરત્નનું કાવ્ય અન્ય બારમાસી કરતાં વધારે વિસ્તૃત, પ્રવાહી અને વેગવાળું છે. તેની ભાષામાં સર્વત્ર ભાવોચિત લાલિત્ય છે. વળી તેરમા અધિક માસના વિરહના વર્ણનમાં કહેવતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે :
બારે માસ રે બેનડી! જિમતિમ કાઢ્યા તેહ;
આવી લાગો રે તેરડો, કિમ જાસે વિ તેહ?
ધાડિ ઉપર પલેવણું, મરતાં માર્યાં જેમ,
ખાત્ર ઉપર દિવેલડુ, એ પણ જાણો તેમ.
દુબલી વાડિ છીંડું પડ્યું, જિમ સિયાલે ઠેસ,
એ પણિ તિમ થયું સહી, હથેલીમાં કેશ.
સંખણી ને આંખે કાણી રે, નિરધન ને બકિ હોડ;
કાદવ ને કંટાલો રે, પાલો અને પગિ ખોડ:
અકરમી ને ઉના-જિમણો રે, વિરૂઆ-બોલી વાંઝ;
અણમાંનીતી ને ઉછાંછલી, તે જિમ આંણિ વાજ;
કરકડું ને તીડે ખાધું રે, ભીડે તે ભરવો દંડ;
એ પણિ તિમ વલી જાણવું, પ્રાણ ધરિ કિમ પિંડ?૩૫[32]
જિનસોમનું કાવ્ય વિવિધ રાગિણી, પ્રાસ અને વ્રજ ભાષાની છાંટને લીધે અને મોહનવિજયનું કાવ્ય પ્રાસાનુપ્રાસ અને આંતરપ્રાસને કારણે નોંધપાત્ર છે.
ઇતર કાવ્યો
ઇતર કાવ્યોમાં ગુજરાતમાં સંવત ૧૬૮૭ (ઈ. ૧૬૩૧)માં પડેલા ભયંકર દુષ્કાળનું વર્ણન કરતું સમયસુંદરનું કાવ્ય ‘સત્યાસીયા દુષ્કાળ વર્ણન છત્તીસી’ તે સમયના સમાજનું તાદૃશ ચિત્ર રજૂ કરે છે.૩૬[33] કેસરવિમલકૃત ‘સૂક્તિમાલા’૩૭[34] એક સારો સુભાષિતસંગ્રહ છે અને આખુંયે કાવ્ય અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલું છે. સમયસુંદર, ઋષભદાસ, આનંદઘનજી, યશોવિજયજી અને વિનયવિજયજીની હરિયાળીઓ, અવળવાણી અને ઉખાણાંનો આસ્વાદ આપે છે.
પરિશિષ્ટ
આ સમયગાળાની કૃતિઓને એના સ્રોત અને વિષયો મુજબ વર્ગીકૃત કરીને અકરાદિક્રમે મૂકીએ તો –
(૧) લોકકથાત્મક :
૧. અગડદત્ત રાસ – સ્થાનસાગર, ઈ. ૧૬૨૯ સ્વલિખિત પ્રત, ૧૦૦૦ ગ્રંથાગ્રની કૃતિ (૨. ઈ. ૧૬૨૯/સં. ૧૬૮૫ આસો વદ : ૫)
૨. અગડદત્તમુનિ રાસ – લલિતકીર્તિ, ૩૦૩૯ કડીનો રાસ (૨. ઈ. ૧૬૨૩/સં. ૧૬૭૯, જેઠ સુદ : ૧૫, રવિવાર)
૩. અજિતસેન કનકાવતી રાસ, ચોપાઈ (૨. ઈ. ૧૬૯૫/સં. ૧૭૫૧, મહાવદ-૪, ૪૩ ઢાળ અને ૭૫૮ કડીની કૃતિ) – જિનહર્ષ, ઈ. ૧૬૯૫
૪. અમરદત્ત મિત્રાનંદ રાસ - તત્ત્વવિજય, ઈ. સ. ૧૬૬૮, સં. ૧૭૨૪ મહાસુદ-૫, જિનહર્ષ-૧, ૨. ઈ. ૧૬૯૩/સં. ૧૭૪૯ સ.વદ-૨ સોમવાર, ૩૯ ઢાળ, ૮૫૦ કડીની રાસકૃતિ
૫. અમરસેન વયરસેન રાસ – જિનહર્ષ-૧, ૨. ઈ. ૧૬૮૮/સં. ૧૭૪૪ ફા.સુ.-૨, બુધવાર, ૨૬ ઢાળ, ૪૬૩ કડીની કૃતિ
૬. અંબડ રાસ – ભાવરત્ન, ઈ. ૧૭૪૪
૭. આરામશોભા રાસ, ચોપાઈ ઢાળ ૨૭ અને ૫૫૧ ગ્રંથાગ્રની કૃતિ – રાજસિંહ, ઈ. ૧૬૩૧; જિનહર્ષ, ઈ. ૧૭૦૪
૮. ઈલાચી કેવલી રાસ/ઈલાપુત્ર રાસ – દયાશીલ, ઈ. ૧૬૧૦
૯. ઉત્તમકુમારનો રાસ – લબ્ધિવિજય, ઈ.સ. ૧૬૪૫
૧૦. ઉત્તમકુમારચરિત્ર રાસ – જિનહર્ષ, ૪૨ ઢાળમાં ૪૮ કડી. ઈ. ૧૬૮૯, વિનયચંદ્ર, ઈ. ૧૬૯૬
૧૧. ઋષિદત્તા રાસ - શ્રવણ, ઈ. ૧૬૦૧; જિનહર્ષ, ઈ. ૧૬૯૩
૧૨. ક્યવન્નાનો રાસ - ગુણસાગરસૂરિ, ઈ. ૧૬૨૦; ૨૮૪ કડીની કૃતિ, ઋષભદાસ, ઈ. ૧૬૨૭; જયરંગ (જેતસી), ઈ. ૧૬૬૫
૧૩. કર્પૂરમંજરી રાસ - કનકસુંદર, ઈ. ૧૬૦૬
૧૪. કુલધ્વજકુમાર રાસ – રાજસાર, ઈ. ૧૬૪૮; ઉદયસમુદ્ર-૨, ઈ. ૧૬૭૨, ૨૯ ઢાળની કૃતિ
૧૫. કુસુમશ્રી રાસ – જિનહર્ષ, ઈ. ૧૬૫૧; ગંગવિજય, ઈ. ૧૭૨૧
૧૬. ગજસિંહકુમાર રાસ - સુધર્મરુચિ, ૧૬૧૩; લગભગ; જિનરાજસૂરિ, ઈ. ૧૬૪૩; ગંગવિજય, ઈ. ૧૭૧૬
૧૭. ગજસિંહરાજનો રાસ – શુભવિજય, ઈ. ૧૬૫૭
૧૮. ગુણકરંડ ગુણાવલી રાસ – ગજકુશલ, ૧૬૫૮; જિનહર્ષ, ઈ. ૧૬૯૫
૧૯. ગુણધર્મ-કનકવતી પ્રબંધ – કનકસુંદર, ઈ. ૧૬૦૭
૨૦. ગુણધર્મા રાસ – મતિસાર, ઈ. ૧૬૪૩; જ્ઞાનસાગર, ઈ. ૧૭૪૧
૨૧. ચંદનમલયાગિરિ રાસ – જિનહર્ષ, ૧૬૪૮; અજિતચંદ્ર, ઈ. ૧૬૮૦; યશોવર્ધન, ૧૬૯૧
૨૨. ચંદકેવલીરાસ - જ્ઞાનવિમલ, ઈ. ૧૭૧૪
૨૩. ચંદરાજાનો રાસ - તેજમુનિ, ઈ. ૧૬૫૧; વિદ્યારુચિ, ઈ. ૧૬૬૦ લગભગ; મોહનવિજય, ઈ. ૧૭૨૭
૨૪. ચંદ્રલેખા સતી રાસ – મેરુલાભ, ઈ. ૧૬૪૯
૨૫. ચંપકશ્રેષ્ઠીની ચોપાઈ – સમયસુંદર, ઈ. ૧૬૩૯
૨૬. ચંપકસેન રાસ - મતિસાર, ઈ. ૧૬૧૯; દેવવિજય, ઈ. ૧૬૪૮
૨૭. ચિત્રસેન-પદ્માવતી રાસ -- હસ્તિરુચિ, ઈ. ૧૭૬૧
૨૮. જિનપાલ-જિનરક્ષિત રાસ – મુનિશીલ, ઈ. ૧૬૦૨
૨૯. દેવરાજ-વચ્છરાજ રાસ – જિનોદયસૂરિ, ઈ. ૧૬૨૪
૩૦. ધમ્મિલ રાસ – જ્ઞાનસાગર, ઈ. ૧૬૪૯
૩૧. નર્મદાસુંદરી રાસ – રાજરત્નગણિ, ઈ. ૧૬૩૯; મોહનવિજય, ઈ. ૧૬૯૮
૩૨. પરદેશી રાજાનો રાસ – જ્ઞાનચંદ્ર, ઈ. ૧૬૪૨; જ્ઞાનસાગર, ઈ. ૧૬૬૮
૩૩. પુણ્યસાગર રાસ – પુણ્યકીર્તિ, ઈ. ૧૬૧૦
૩૪. પ્રિયમેલક (સિંહલસુત) રાસ – સમયસુંદર, ઈ. ૧૬૧૬
૩૫. મત્સ્યોદર રાસ – જિનહર્ષ, ઈ. ૧૬૬૨; રુચિરવિમલ, ઈ. ૧૬૮૦
૩૬. મયણરેહા રાસ – સમયસુંદર, ઈ. ૧૬૪૦; વિજયચંદ્ર, ઈ. ૧૭૦૦ લગભગ
૩૭. મહાબલ મલયસુંદરી રાસ/ વિનોદવિલાસ રાસ – જિનહર્ષ ઈ. ૧૬૯૫; ઉદયરત્ન ઈ. ૧૭૧૦, કાંતિવિજય, ઈ. ૧૬૯૩
૩૮. મંગલકલશ રાસ – પ્રેમમુનિ, ઈ. ૧૬૩૬; બુધવિજય, ઈ. ૧૬૭૬; દીપ્તિવિજય, ઈ. ૧૬૯૩
૩૯. માનતુંગ-માનવતીની ચોપાઈ – અભયસોમ, ઈ. ૧૬૭૧
૪૦. માનતુંગ-માનવતીનો રાસ – મોહનવિજય, ઈ. ૧૭૦૪; પુણ્યવિલાસ, ઈ. ૧૭૨૪
૪૧. મૃગાવતી ચોપાઈ – સમયસુંદર, ઈ. ૧૬૧૨
૪૨. મૃગાંકલેખા રાસ - વિવેકવિજય, ઈ. ૧૬૭૪; જિનહર્ષ, ઈ. ૧૬૯૨
૪૩. રત્નચૂડમુનિ રાસ – જિનહર્ષ, ઈ. ૧૭૦૧
૪૪. રત્નચૂડવ્યવહારી રાસ – કનકવિધાન, ઈ. ૧૬૭૨
૪૫. રત્નપાળ રાસ – સુરવિજય, ઈ. ૧૬૭૬; મોહનવિજય, ઈ. ૧૭૦૪
૪૬. રત્નસાર નૃપ રાસ – જિનહર્ષ, ઈ. ૧૭૦૩
૪૭. રૂપસેનકુમાર રાસ – પુણ્યકીર્તિ, ઈ. ૧૬૨૫; ક્ષેમલકુશલ, ઈ. ૧૬૨૬ લગભગ; દેવવિજય, ઈ. ૧૭૨૨
૪૮. લલિતાંગ રાસ – દાનવિજય, ઈ. ૧૭૦૫
૪૯. લીલાવતી રાસ – લાભવર્ધન, ઈ. ૧૬૭૨; કુશલધીર, ઈ. ૧૬૭૨
૫૦. લીલાવતી-સુમતિવિલાસ રાસ – ઉદયરત્ન, ઈ. ૧૭૦૨
૫૧. વછરાજચરિત્ર રાસ – નેમવિજય, ઈ. ૧૭૦૨
૫૨. વછરાજ રાસ – સત્યસાગર, ઈ. ૧૭૪૩
૫૩. વછરાજ-દેવરાજ ચોપાઈ – વિનયલાભ, ઈ. ૧૬૭૪
૫૪. વિક્રમ-કનકાવતી રાસ – કાન્તિવિમલ, ઈ. ૧૭૧૧
૫૫. વિક્રમચરિત્ર-ખાપરા ચોપાઈ – અભયસોમ, ઈ. ૧૬૬૭
૫૬. વિક્રમાદિત્ય રાસ – પરમસાગર, ઈ. ૧૬૬૮
૫૭. વિક્રમાદિત્ય પંચદંડ રાસ – લક્ષ્મીવલ્લભ, ઈ. ૧૬૭૧
૫૮. વિક્રમચરિત્ર-લીલાવતી ચોપાઈ – અભયસોમ, ઈ. ૧૬૬૮
૫૯. વિક્રમસેન-શનિશ્વર રાસ – સંઘવિજય, ઈ. ૧૬૩૨
૬૦. વિદ્યાવિલાસ રાસ – જિનહર્ષ, ઈ. ૧૬૫૫; અમરચંદ, ઈ. ૧૬૮૯; ૪ ઉલ્લાસ, ૩૫ ઢાળની કૃતિ, ઋષભસાગર-૨, ૨. ઈ. ૧૭૭૪
૬૧. વિદ્યાવિલાસ-વિનયચટ રાસ – રાજસિંહ, ઈ. ૧૬૨૩
૬૨. વીરભાણ-ઉદયભાણ રાસ – કુશલસાગર, ઈ. ૧૬૮૯
૬૩. શીલવતી રાસ – નેમવિજય, ઈ. ૧૬૯૪; જિનહર્ષ, ૧૭૦૨
૬૪. શુકરાજ રાસ – જ્ઞાનસાગર, ઈ. ૧૬૪૫; જિનહર્ષ, ઈ. ૧૬૮૧
૬૫. સગાળશાહ રાસ – કનકસુંદર, ઈ. ૧૬૧૧
૬૬. સદેવંત-સાવલિંગા રાસ – કીર્તિવર્ધન, ઈ. ૧૬૪૧; નિત્યલાભ, ઈ. ૧૭૨૬
૬૭.સુરસુંદરીનો રાસ – હેમસૌભાગ્ય, ઈ. ૧૬૮૦; ધર્મવર્ધન, ઈ. ૧૬૮૦; આનંદસૂરિ, ઈ. ૧૬૮૪
૬૮. સુરસુંદરી અમરકુમાર રાસ – ઉદયસૂરિ, ઈ. ૧૬૬૩
૬૯. સ્ત્રીચરિત્ર રાસ – જ્ઞાનદાસ, ઈ. ૧૬૧૪ આસપાસ.
૭૦. હરિબલ મચ્છીનો રાસ – જિતવિજય, ઈ. ૧૬૭૦; જિનહર્ષ, ઈ. ૧૬૯૦; ભાવરત્ન, ઈ. ૧૭૧૩.
૭૧. હરિવાહન રાજાનો રાસ – મોહનવિજય, ઈ. ૧૬૯૯.
૭૨. હંસરાજ-વત્સરાજ રાસ – વિજયમેરુ, ઈ. ૧૬૧૩; માનસિંહ, ઈ. ૧૬૧૯; જિનોદયસૂરિ, ઈ. ૧૬૨૪.
(૨) ઐતિહાસિક
૧. અભયકુમાર રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૩૧, સં. ૧૬૮૭ કારતક વદ-૯, ગુરુવાર, ૧૦૦૫ કડી; જિનહર્ષ, ઈ. ૧૭૦૨, સં. ૧૭૫૮, શ્રાવણ સુદ-૫, સોમવાર, ૧૧ ઢાળ અને ૭૯ કડી; લક્ષ્મીવિનય, ઈ. ૧૭૦૪.
૨. કમલવિજય રાસ – હેમવિજયગણિ, ઈ. ૧૬૦૫
૩. કર્પૂરવિજયગણિનો રાસ – જિનવિજય, ઈ. ૧૭૨૩
૪. કુમારપાલ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૧૪;
૫. કુમારપાળ રાસ, જિનહર્ષ ઈ. ૧૬૮૬
૬. કાપડહેડા રાસ – દયારત્ન, ઈ. ૧૬૩૯
૭. કોચર વ્યવહારી રાસ – ગુણવિજય, ઈ. ૧૬૨૭
૮. ક્ષમાવિજય-નિર્વાણ રાસ – જિનવિજય, ઈ. ૧૭૩૦ આસપાસ.
૯. ખેમા હડાલિયાનો રાસ – લક્ષ્મીરત્ન, ઈ. ૧૬૮૫
૧૦. ચિત્રસંભૂતિ ચોપાઈ – જ્ઞાનસાગર, ઈ. ૧૬૬૫
૧૧. જગડુ પ્રબંધ રાસ – કેસરકુશલ, ઈ. ૧૬૬૦
૧૨. જિનવિજય-નિર્વાણ રાસ – ઉત્તમવિજય, ઈ. ૧૬૪૩; દુહાદેશીબદ્ધ ૧૬ ઢાળ (મુ.).
૧૩. જિનસિંહસૂરિ રાસ – સૂરચંદ્ર, ઈ. ૧૬૧૨
૧૪. તેજપાલ રાસ – રાજવિજય, ઈ. ૧૭૦૪
૧૫. નંદિષેણ રાસ – જ્ઞાનસાગર, ઈ. ૧૬૬૯
૧૬. નેમિસાગર રાસ – કૃપાસાગર, ઈ. ૧૬૧૬.
૧૭. ન્યાયસાગર-નિર્વાણ રાસ – પુણ્યરત્ન, ઈ. ૧૭૪૧
૧૮. પદ્મિની-ચરિત્ર ચોપાઈ – લબ્ધોદય, ઈ. ૧૬૫૦
૧૯. મેઘકુમાર રાસ – જિનહર્ષ, ૧૭મી સદી
૨૦. રામચંદ્રસૂરિ રાસ – વિમલચારિત્ર, ઈ. ૧૬૦૭ આસપાસ
૨૧. લક્ષ્મીસાગરસૂરિ-નિર્વાણ રાસ – રામવિજય, ઈ. ૧૭૩૨ આસપાસ
૨૨. લીલાધર રાસ – સુરજી મુનિ, ઈ. ૧૬૭૨
૨૩. રાજસાગરસૂરિ-નિર્વાણ રાસ – તિલકસાગર, ઈ. ૧૬૫૯ લગભગ
૨૪. વસ્તુપાલ-તેજપાલ રાસ – પ્રેમવિજય, ઈ. ૧૬૧૧; સમયસુંદર, ઈ. ૧૬૨૬; મેરુવિજય, ઈ. ૧૬૬૭.
૨૫. વિજયતિલકસૂરિ રાસ – દર્શનવિજય, ઈ. ૧૬૪૧
૨૬. વિજયદેવ-નિર્વાણ રાસ – મેઘવિજય, ઈ. ૧૬૬૫ આસપાસ
૨૭. વિજયરત્નસૂરિ રાસ – રામવિજય, ઈ. ૧૭૧૭
૨૮. વિજયસેનસૂરિ-નિર્વાણ રાસ – વિદ્યાચંદ્ર, ૧૭મી સદી
૨૯. વિદ્યાસાગરસૂરિ રાસ – નિત્યલાભ, ઈ. ૧૭૪૨
૩૦. વૃદ્ધિવિજયગણિ રાસ – સુખસાગર, ઈ. ૧૭૧૩
૩૧. વૃદ્ધિસાગરસૂરિ રાસ – દીપસૌભાગ્ય, ઈ. ૧૬૯૧ લગભગ
૩૨. શિવજી આચાર્ય રાસ – ધર્મસિંહ, ઈ. ૧૬૪૧
૩૩. શિવચંદજીનો રાસ – લાધાશા, ઈ. ૧૭૪૯
૩૪. શ્રેણિક રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૬; નારાયણ, ઈ. ૧૬૪૩; વલ્લભકુશલ, ઈ. ૧૭૧૯
૩૫. સત્યવિજય-નિર્વાણ રાસ – જિનહર્ષ, ઈ. ૧૭૦૦
૩૬. સુરપાલનો રાસ – વિવેકચંદ્ર, ઈ. ૧૬૪૧
૩૭. સ્થૂલિભદ્ર રાસ – ૭૨૮/૭૩૨ કડીની કૃતિ, ઋષભદાસ, ઈ. ૧૬૧૨; ઉદયરત્ન, ઈ. ૧૭૦૩
૩૮. હીરવિજયસૂરિ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૯
૩૯. હેમચંદ્રગણિ રાસ – વલ્લભકુશલ, ઈ. ૧૭૩૭
(૩) પૌરાણિક
૧. અજાકુમાર રાસ – ઋષભદાસ, ૨. ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ-૨, ગુરુવાર, ૫૫૭ કડી.
૨. અજાપુત્ર રાસ – લબ્ધિવિજય, ૨. ઈ. ૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ-૧૦, શુક્રવાર, ૭ ખંડ, ૨૯ ઢાળ ને ૧૪૨૦ કડી.
૩. અયમુત્તા કુમાર રાસ - નારાયણ(મુનિ), ૨.ઈ. ૧૬૨૭, ૨૧ ઢાળની ૧૩૫ કડી.
૪. અંજનાસતી રાસ/ચોપાઈ – માલમુનિ, ઈ. ૧૬૦૭ આસપાસ; શાંતિકુશલ-૧,૨, ઈ. ૧૬૧૧.
૫. અંજનાકુમારી રાસ – વિમલચારિત્ર, ઈ. ૧૬૦૭; પુણ્યસાગર, ઈ. ૧૬૩૩; ભુવનકીર્તન, ઈ. ૧૬૫૦
૬. આર્દ્રકુમાર રાસ, ૯૭ કડીની કૃતિ – ઋષભદાસ, ૧૭મી સદી; ‘આર્દ્રકુમારનો રાસ/ચોપાઈ’; જ્ઞાનસાગર, ઈ. ૧૬૭૧, ૧૯ ઢાળ, ૩૦૧ કડી (મુ.)
૭. આષાઢભૂતિ ૧૬ ઢાળ, ૨૧૧ કડીની આ.ભૂતિ ચોપાઈ/પ્રબંધ/રાસ/આ.મુનિનો રાસ – જ્ઞાનસાગર, ૨. ઈ. ૧૬૬૮
૮. ઋષભદેવનો રાસ, ૧૧૮ ઢાળની કૃતિ – ઋષભદાસ, ૨. ઈ. ૧૬૦૬
૯. કુંડરિક પુંડરિક રાસ – નારાયણ, ઈ. ૧૬૨૭
૧૦. ગૌતમસ્વામીનો રાસ – શાંતિદાસ, ઈ. ૧૬૭૬
૧૧. ચાર પ્રત્યેક બુદ્ધનો રાસ – સમયસુંદર, ઈ. ૧૬૦૯
૧૨. જ્યસેનકુમાર રાસ/રાત્રિભોજન પરિહાર રાસ-અમૃતસાગર, ઈ. ૧૬૭૪ (સં. ૧૭૩૦, આસો સુદ-૧૦, ગુરુવાર) ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડી.
૧૩. જયાનંદ રાસ – વાના શ્રાવક, ઈ. ૧૬૩૦
૧૪. જંબૂસ્વામી રાસ – પદ્મચંદ્ર, ઈ. ૧૬૫૮; ચંદ્રવિજય, ઈ. ૧૬૭૮; યશોવિજયજી, ઈ. ૧૬૮૩; ૬૬ ઢાળની કૃતિ, ઉદયરત્ન, ઈ. ૧૬૯૩; જિનહર્ષ, ઈ. ૧૭૦૪; લાધાશા, ઈ. ૧૭૦૮
૧૫. તેજસાર રાજર્ષિ રાસ – ઉદયરત્ન, ઈ. ૧૭૩૧
૧૬. ત્રિભુવનકુમાર રાસ – ઉત્તમકુમાર, ૨. ઈ. ૧૬૫૬
૧૭. દ્રૌપદી ચોપાઈ – સમયસુંદર, ઈ. ૧૬૪૪ લગભગ
૧૮. દ્રૌપદી રાસ – કનકકીર્તિ, ઈ. ૧૬૩૭
૧૯. ધનદત્ત રાસ – સમયસુંદર, ઈ. ૧૬૪૦; મહિમાવર્ધન, ઈ. ૧૭૪૦
૨૦. ધન્યવિલાસ રાસ – કલ્યાણવિજય, ઈ. ૧૬૨૯
૨૧. ધન્નાનો રાસ – ખેતશી, ઈ. ૧૬૭૬; દયાતિલક, ઈ. ૧૬૮૦; ગંગમુનિ, ઈ ૧૭૦૫ લગભગ
૨૨. ધન્ના શાલિભદ્ર રાસ – જિનવિજય, ઈ. ૧૬૭૧
૨૩. ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ – લાભવર્ધન, ઈ. ૧૬૮૬; ઉદયરત્ન-૩, ૨. ઈ. ૧૭૧૨, ૨૨ ઢાળની કૃતિ (મુ.); નેમિવિજય, ઈ. ૧૭૧૨
૨૪. ધર્મદત્ત ઋષિ રાસ – રામવિજય, ઈ. ૧૭૧૦
૨૫. નલદમયંતી રાસ – મેઘરાજ, ઈ. ૧૬૦૮; સમયસુંદર, ઈ. ૧૬૧૭
૨૬. નંદન મણિયાર રાસ – લાલવિજય, ઈ. ૧૬૨૦ લગભગ
૨૭. નેમિનાથ રાસ – ધર્મકીર્તિ, ઈ. ૧૬૧૯; કનકકીર્તિ, ઈ. ૧૬૩૬
૨૮. પાંડવચરિત્ર રાસ – માનવિજય, ઈ. ૧૬૭૨
૨૯. પુન્યપાલ ગુણસુંદરી રાસ – મોહનવિજય, ઈ. ૧૭૦૭
૩૦. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ – રાજસાગર, ઈ. ૧૬૪૨
૩૧. ભરત-બાહુબલિ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૨
૩૨. ભુવનભાનુ કેવલીનો રાસ/રસલહરી રાસ, ૯૬ ઢાળની દુહાદેશીબદ્ધ કૃતિ (મુ.) – ઉદયરત્ન, ઈ. ૧૭૧૩
૩૩. મલ્લીનાથ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૯
૩૪. મુનિપતિ રાસ – ઉદયરત્ન-૩, ઈ. ૧૭૦૫, ૯૩ ઢાળ
૩૫. યશોધર રાસ – ઉદયરત્ન-૩, ઈ. ૧૭૧૧, ૮૧ ઢાળ
૩૬. રણસિંહ રાજર્ષિ રાસ – જ્ઞાનવિમલ, ઈ. ૧૭૧૪ લગભગ
૩૭. રાજસિંહ રાસ – પંચપરમેષ્ઠી/નવકાર/રાજ.રાસ ૩૧ ઢાળ; ઉદયરત્ન, ૨.ઈ. ૧૭૦૬; યશોનંદ, ઈ. ૧૬૭૦
૩૮. રામયશોરસાયન રાસ – કેશરાજ, ઈ. ૧૬૨૭
૩૯. રોહણિઆ મુનિ રાસ – ઋષભદાસ, ૨.ઈ. ૧૬૩૨/૨૪૫ કડી.
૪૦. લવકુશ રાસ – રાજસાગર, ઈ. ૧૬૧૬
૪૧. વયરસ્વામી રાસ – જિનહર્ષ, ઈ. ૧૭૦૩
૪૨. વલ્કલચીરી રાસ - સમયસુંદર, ઈ. ૧૬૨૫
૪૩. વસુદેવ રાસ – જિનહર્ષ, ઈ. ૧૭૦૬
૪૪. વંકચૂલનો રાસ – ત્રિકમમુનિ, ઈ. ૧૬૫૦; કેસરવિમલ, ઈ. ૧૭૦૦
૪૫. વિનયશેઠ વિજયાસતી રાસ – રાયચંદ, ઈ. ૧૬૨૬
૪૬. વીરસેનનો રાસ – ઋષભદાસ, ૧૭મી સદી, ૪૪૫ કડી
૪૭. શાલિભદ્ર રાસ – મતિસાર, ઈ. ૧૬૨૨
૪૮. શાંતિનાથ રાસ – જ્ઞાનસાગર, ઈ. ૧૬૬૪; રામવિજય, ઈ. ૧૭૨૯
૪૯. શીલપ્રકાશ રાસ – પદ્મવિજય, ઈ. ૧૬૦૫
૫૦. શીલરત્ન રાસ – વિજયકુશલ, ઈ. ૧૬૦૫
૫૧. શ્રીપાલ રાસ – માનવિજય, ઈ. ૧૬૪૬; મહિમાઉદય, ઈ. ૧૬૬૬; મેરુવિજય, ઈ. ૧૬૬૮; જ્ઞાનસાગર, ઈ. ૧૬૭૦; ઉદયવિજય, ૬ ખંડ ૭૭ ઢાળની દુહાચોપાઈબદ્ધકૃતિ, ઈ. ૧૬૭૨; માણિક્યસાગર, ઈ. ૧૬૭૬; વિનયવિજય, ઈ. ૧૬૮૨; જિનહર્ષ, ઈ. ૧૬૮૬; જિનવિજય, ઈ. ૧૭૩૫.
૫૨. સનતકુમાર રાજર્ષિ રાસ – કુંવરજી, ઈ. ૧૬૦૧
૫૩. સાંબ-પ્રદ્યુમ્ન રાસ – સમયસુંદર, ઈ. ૧૬૦૩; જ્ઞાનસાગર, ૧૭મી સદી
૫૪. સીતારામ ચોપાઈ – સમયસુંદર, ઈ. ૧૬૧૧ આસપાસ
૫૫. સુભદ્રા સતીનો રાસ – ભાવરત્ન, ઈ. ૧૭૪૧
૫૬. સુમિત્ર રાજર્ષિ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૧૨
૫૭. સુરપ્રિયકુમાર રાસ – લક્ષ્મીરત્નસૂરિ, ઈ. ૧૬૮૫
૫૮. હરિશ્ચન્દ્ર રાસ – કનકસુંદર, ઈ. ૧૬૪૧; જિનહર્ષ, ઈ. ૧૬૮૮
૫૯. હરિવંશ રાસ/રસરત્નાકર – ઉદયરત્ન, ઈ. ૧૭૪૩
(૪) ધર્મના આચાર-વિધિ, તીર્થ અને સિદ્ધાંતો વિશે
૧. અષ્ટપ્રકારી પૂજા રાસ – ઉદયરત્ન-૩, ૨. ઈ. ૧૬૯૯ (મુ.)
૨. ઉપદેશમાલા રાસ/૭૧૨ કડીની કૃતિ – ઋષભદાસ, ઈ. ૧૬૨૪
૩. ઉપમિત ભવ પ્રપંચા રાસ - જિનહર્ષ, ૨.ઈ. ૧૬૮૯/૧૨૭ ઢાળ, ૪૩૦૦ ગ્રંથાગ્ર
૪. ક્ષેત્રપ્રકાશ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૨
૫. દ્રવ્યગુણપર્યાય રાસ – યશોવિજયજી, ઈ. ૧૬૫૫
૬. નયપ્રકાશ રાસ – પુણ્યસાગર, ઈ. ૧૬૨૧
૭. નયવિચાર રાસ – માનવિજય, ઈ. ૧૬૭૨ આસપાસ
૮. નવતત્ત્વ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૦, ૮૧૧ કડી
૯. પુણ્યપ્રશંસા રાસ – ઋષભદાસ, ૧૭મી સદી
૧૦. પુણ્યસાર રાસ – સમયસુંદર, ઈ. ૧૬૧૭, ૩૨૮ કડી
૧૧. પૂજાવિધિ રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૬, આશરે ૫૫૬ કડી
૧૨. પ્રબોધચિંતામણિ રાસ – સુમતિરંગ, ઈ. ૧૬૬૬; ધર્મમંદિર, ઈ. ૧૬૯૯
૧૩. બાર વ્રત રાસ – સમયસુંદર, ઈ. ૧૬૨૯; ઉદયરત્ન, ઈ. ૧૬૯૯
૧૪. મદનકુમાર રાસ – દયાસાગર, ઈ. ૧૬૧૩
૧૫. વીસ સ્થાનકનો રાસ – જિનહર્ષ, ઈ. ૧૬૯૨
૧૬. વ્યાપારી રાસ – જિનદાસ, ઈ. ૧૬૬૩
૧૭. વ્રતવિચાર રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૧૦, ૮૧ ઢાળ
૧૮. શત્રુંજય રાસ – સહજકીર્તિ, ઈ. ૧૬૨૮; સમયસુંદર, ૧૬૨૭; ઋષભદાસ, ૧૯મી સદી; જિનહર્ષ, ઈ. ૧૬૯૯; શત્રુંજયતીર્થમાળાઉદ્ધાર રાસ, ઉદયરત્ન, ૨.ઈ. ૧૭૧૩.
૧૯. શ્રાદ્ધવિધિ રાસ – ઋષભદાસ, ૧૭મી સદી, ૧૬૦૦ કડી.
૨૦. સમકિતસાર રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૨, ૮૭૯ કડી.
૨૧. હિતશિક્ષા રાસ – ઋષભદાસ, ઈ. ૧૬૨૬
(૫) વિનોદાત્મક
૧. કુકડામાર્જારી રાસ – વલ્હ પંડિત (કે વલ્હપંડિતશિષ્ય), ઈ. ૧૬૦૬ સુધીમાં
૨. માંકડ રાસ – કીર્તિસુંદર, ઈ. ૧૭૦૧.
સંદર્ભનોંધ
- ↑ ૧. ‘ઐતિહાસિક રાસસંગ્રહ’, ભાગ ૧, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૨
- ↑ ૨. આ ગ્રંથ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી ‘અનેકાર્થ રત્નમંજૂષા’ (સં. હીરાલાલ કાપડિયા) ના શીર્ષકથી ઈ. ૧૯૩૩માં પ્રગટ થયો છે.
- ↑ * સમયસુંદરની ‘સીતારામ ચોપાઈ’ તથા ‘મૃગાવતીચરિત્ર ચોપાઈ’ કૃતિઓ વિશે ઉમેરેલાં લખાણો રાજેશ પંડ્યાએ લખેલાં છે. – સં.
- ↑ ૩. ‘નલદવદંતી રાસ’, સં. રમણલાલ ચી. શાહ, પૃ. ૨૫
- ↑ ૪. એ જ, પૃ. ૨૭
- ↑ ૯. ‘નલદવદંતી રાસ’, સં. રમણલાલ ચી. શાહ, પૃ. ૫
- ↑ ૧૦. એ જ, પૃ. ૫.
- ↑ ૧૧. ‘સીતારામ ચોપાઈ’, સં. નાહટા, પૃ. ૧૦૦
- ↑ ૧૨. ‘આનંદકાવ્યમહોદધિ’, મૌક્તિક ૮, પ્ર. જીવણચંદ સાકરચંદ ઝવેરી
- ↑ ૧૩. એ જ.
- ↑ ૧૪. એ જ, ‘કુમારપાલ રાસ’, પૃ. ૧૪૭, ૧૪૮.
- ↑ ૧૫. એ જ
- ↑ ૧૬. ‘જંબૂસ્વામી રાસ’, સં. રમણલાલ ચી. શાહ, પૃ. ૧૦૪
- ↑ ૧૭. એ જ, પૃ. ૧૨૩, ૧૨૪
- ↑ ૧૮. એ જ, પૃ. ૧૩૧, ૧૩૨
- ↑ ૧૯. ‘ઉત્તમચરિત્રકુમારનો રાસ’, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૭, પૃ. ૨૮
- ↑ ૨૦. ‘કુમારપાલ રાજાનો રાસ’, પ્ર. શાહ ડાહ્યાભાઈ લલ્લુભાઈ, ઈ. ૧૮૯૫, પૃ. ૧૧૧
- ↑ ૨૧. એ જ, પૃ. ૧૨૧
- ↑ ૨૨. ‘ઉત્તમકુમારચરિત્રનો રાસ’, પૃ. ૨૩
- ↑ ૨૩. એ જ, પૃ. ૩૧
- ↑ ૨૪. ‘લીલાવતી રાણી અને સુમતિવિલાસનો રાસ’, પ્ર. સવાઈલાલ રાયચંદ, પૃ. ૨૧, ૨૨
- ↑ ૨૫. ‘સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ’, સં. અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા
- ↑ ૨૬. ‘આનંદઘનજીનાં પદો’, ભા. ૧, સં. મોતીચંદ કાપડિયા, પૃ. ૫૧૯
- ↑ 24.0 24.1 24.2 ૨૭. ‘ગુર્જર સાહિત્યસંગ્રહ’, પ્રથમ વિભાગ, ઈ. ૧૯૩૬, સં. ભદ્રંકરવિજયજી
- ↑ ૨૮. ‘જિનહર્ષ ગ્રંથાવલિ’, સં. અગરચંદ નાહટા
- ↑ ૨૯. ‘ગુર્જર સાહિત્યસંગ્રહ’, પ્રથમ વિભાગ, સં. ભદ્રંકરવિજયજી
- ↑ ૩૦. ‘પ્રાચીન ફાગુસંગ્રહ’, સં. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ
- ↑ ૩૧. એ જ
- ↑ ૩૨. એ જ
- ↑ ૩૩. ‘પ્રાચીન-મધ્યકાલીન બારમાસાસંગ્રહ’, ખંડ-૧, સં. શિવલાલ જેસલપુરા
- ↑ ૩૪. એ જ
- ↑ ૩૫. એ જ
- ↑ ૩૬. ‘સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ’, સં. અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા
- ↑ ૩૭. ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’, સં. ભોગીલાલ સાંડેસરા