ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/પુરાણકથા : એક રહસ્યલોક

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પુરાણકથા : એક રહસ્યલોક

આ સદીના મહાન જર્મન કવિ રિલ્કે માટે પ્રાચીન ગ્રીસની ઑર્ફિયસની પુરાણકથા એક અતિ પ્રાણવાન અને સમૃદ્ધ પ્રેરણાસ્રોત રહી છે. પોતાની કવિ તરીકેની કારકિર્દીના ઉત્તરકાળમાં એ પ્રસિદ્ધ પુરાણપાત્ર ઑર્ફિયસને ઉદ્દેશીને તેમણે એક સૉનેટમાળા રચેલી છે. પણ, એ સિવાય, ‘ઑર્ફિયસ, યુરિડિસ, હર્મિસ’ શીર્ષકની એક મહાન પ્રભાવશાળી કાવ્યની રચના ય કરી છે. એમ લાગે કે રિલ્કેનું ભાવજગત એ પુરાણકથા સાથે ક્યાંક સજીવ તંતુથી જોડાયેલું રહ્યું છે. અલબત્ત, ઑર્ફિયસની પુરાણકથા આપણી સામે સાહિત્યિક પરિવેશ લઈને આવી છે. પ્રાચીન ગ્રીક કવિ એપોલોનિયસ તેમજ રોમન કવિઓ વર્જિલ અને ઓવિડની કવિતામાં પણ એ પુરાણકથાના અંશો જળવાયેલા પડ્યા છે.

*

પ્રાચીન ગ્રીસની પુરાણકથાઓ જોતાં એક વાત એ સ્પષ્ટ થાય છે કે સૌથી પહેલા સંગીતકારો તો દેવતાઓ જ હતા. ઍથિના નામની દેવતાએ જ વાંસળીની રચના કરી હતી. જો કે તેણે પોતે ક્યારેય તેના સૂરો છેડ્યા નહોતા. એ પછી હર્મિએ ‘લાયર’ જેવું મધુર વાજિંત્ર નિર્માણ કર્યું. એ ‘લાયર’ તેણે એપોલોને આપ્યું. એપોલોએ એના પર એવી મધુર સૂરાવલિ છેડી કે સૌ દેવતાઓ એમાં લીન થઈ ગયા. જો કે કળાની દેવતાઓ આ કે તે વાદ્યમાં આકર્ષાઈ નહોતી, પણ અપ્રતિમ માધુર્ય તેમના કંઠમાંથી રેલાતું રહેતું. સમય જતાં મર્ત્ય માનવીઓમાંના કેટલાકે સંગીતની કળામાં અદ્‌ભુત કૌશલ દાખવ્યું. દેવતાઓ જેવી મહાન સિદ્ધિ તેઓ હાંસલ કરી શક્યા. એ સૌમાં સૌથી મોટા સંગીતકાર તરીકે ઑર્ફિયસને પ્રતિષ્ઠા મળી. થ્રેસિયન રાજ્યનો તે રાજકુમાર હતો. તેની માતા કોઈ દેવતાના વંશની હતી અને તેણે જ ઑર્ફિયસને સંગીતની કળા શીખવી હતી. ખરેખર તો ગ્રીસ આખામાં થ્રેસિયાની પ્રજા સૌથી વધુ સંગીતમાં કેળવાયેલી હતી. જો કે ઑર્ફિયસને એ કળામાં કોઈ માનવ પ્રતિસ્પર્ધી મળ્યો નહોતો. તે જ્યારે ‘લાયર’ના સૂરો ઝંકૃત કરતો ત્યારે એ જાદુઈ સંગીતથી આખું ય જગત-ધરતી આકાશ, પર્વતો, જળાશયો, વનસ્પતિ, પશુપંખી, માનવલોક – સર્વ કંઈ જડ અને ચેતન તેમાં લીન બની જતું. ઓર્ફિયસે ‘આર્ગો’ નામના વહાણમાં જેસનની સાથે સમુદ્ર ખેડ્યાનો વૃત્તાંત પણ મળે છે. પણ અહીં એ કથા વિગતે રજૂ કરવાની જરૂર નથી. તેની કથાનો સૌથી હૃદયદ્રાવક અને અસરકારક ખંડ તે તેના પ્રણયજીવનનો છે. યુરિડિસ નામની કુમારિકા ઑર્ફિયસના સંગીતની જાદુઈ અસરથી ઘેલી બનીને તેને આવી મળી હતી. ઑર્ફિયસે પોતાના હૃદયની ઝંખના એ નારીમૂર્તિમાં સાકાર થતી નિહાળી, અને કોઈ એક શુભ મુહૂર્ત તેની સાથે લગ્ન કર્યું. કમનસીબે, સૌભાગ્યનો સૂરજ ઊગતાવેંત જ આથમી ગયો. લગ્નવિધિ પછી યુરિડિસ પોતાની સખીઓ સાથે ઉપવનમાં વિહાર કરવા ગઈ, અને ત્યાં એક ઝેરી સાપે તેને ડંખ દીધો અને તત્ક્ષણ જ તે ત્યાં અવસાન પામી. આ ઘટનાથી ઑર્ફિયસના હૃદયને વજ્રાઘાત થયો. તેનું મન વિહ્‌વળ બની ગયું. કોઈ પણ ભોગે પોતાની પ્રિયતમા યુરિડિસને મૃત્યુલોકમાંથી પાછી લઈ આવવી, એવો દૃઢ સંકલ્પ તેણે કર્યાં. અને ઑર્ફિયસે ઘોર અંધકારમાં વીંટાયેલા એ મૃત્યુલોક તરફ પ્રયાણ કર્યું. પાતાળને માર્ગે બિહામણી ભૂતાવળો વચ્ચેથી તે માર્ગ કરતો ગયો, ત્યાં જઈને તેણે પોતાની લાયરના તંતુઓ પ્રચંડપણે રણઝણાવી મૂક્યા. અલૌકિક સૂરો સાંભળીને એ આખો ય મૃત્યુલોક સ્તબ્ધ નીરવતામાં ડૂબી ગયો. દરવાજા પરના ચોકિયાત શ્વાન સર્બેરેએ ચોકીનું કામ છોડી વિશ્રાન્તિ લઈ લીધી. ઇક્સિઓનનું ચક્ર એકાએક થંભી ગયું. સિસિફસ પોતાની શિલા પર આરામ કરવા બેસી પડ્યો. ટેન્ટેલસના કંઠની તરસ છીપાઈ ગઈ. પ્રલયદેવતાઓના ચહેરા પર પહેલી વાર આંસુનાં બિંદુ ટપક્યાં. એ લોકનાં રાજારાણી ઑર્ફિયસનું સંગીત સાંભળવા એકદમ નજીક ધસી આવ્યાં. અદ્‌ભુત સૂરોના જાદુઈ પરિવેશમાં સૌ બંધાઈ ચૂક્યાં હતાં. રાજારાણીએ ઑર્ફિયસને તેની યુરિડિસ પાછી આપવાનું કબૂલ્યું, પણ સાથે એક શરત તેમણે મૂકી. શરત એ હતી કે યુરિડિસ ઑર્ફિયસની પાછળ પાછળ ઊર્ધ્વલોકમાં જરૂર ચાલી આવશે, પણ બંનેય જણ ઊર્ધ્વલોકના ઉજાસમાં પગ ન મૂકે ત્યાં સુધી ઑર્ફિયસ જો પાછા વળીને યુરિડિસને જોવાનો સહેજ પણ પ્રયાસ કરવાનો નથી. ઑર્ફિયસ જો પાછો વળીને નજર કરશે તો યુરિડિસને મૃત્યુલોકમાં પાછી લાવવામાં આવશે. મોટા કમાડમાંથી નીકળી બંનેએ ઊર્ધ્વલોકની કેડી લીધી. ગાઢ રહસ્યમય તમિસ્રના આવરણ વચ્ચેથી તેઓ ઊંચે આરોહણ કરતાં ગયાં. ઑર્ફિયસને જ્ઞાન હતું કે યુરિડિસ પોતાની પાછળ પાછળ આવી રહી છે. પણ તે ખરેખર ચાલી આવતી હતી કે કેમ તેની ખાતરી કરી લેવા તેનું મન અત્યંત વિહ્‌વળ બની ગયું હતું. અને, હવે તો તેઓ ઊર્ધ્વલોકની સાવ સમીપ આવી ગયાં. અહીં ભોંયરાની કેડીનો અંધકાર પણ પાતળો બની ગયો હતો. અને, એ પછીની ક્ષણોમાં, અનહદ આનંદના ઉદ્રેક સાથે ઑર્ફિયસે અજવાળાંની સીમામાં પગ મૂક્યો! અને એ ક્ષણે જ, પોતાની પાછળ આવી રહેલી યુરિડિસને નિહાળી લેવા હૃદયની અધીરાઈ અને લાલચમાં તેની નજર પાછળ વળી. પણ કેવી કમનસીબી! યુરિડિસ હજુ ય ભોંયરાના અંધકારમાં હતી. ઑર્ફિયસ ઝાંખા પાતળા અંધકારમાં યુરિડિસની ઝાંખી છાયા જ પ્રત્યક્ષ કરી શક્યો. પ્રબળ આવેગ સાથે તેને આશ્લેષમાં લેવા પોતાના હાથો તેણે પસાર્યા ત્યાં, તત્ક્ષણ જ, એ છાયા પાછી વળી ગઈ. મૃત્યુલોકની કેડીના અંધકારમાં તે તરત જ ઓગળી ગઈ! માત્ર ‘શુભ વિદાય’ એટલા શબ્દો પડઘા સમા તે સાંભળી રહ્યો! યુરિડિસને પાછી મેળવવા ઑર્ફિયસે ફરીથી મૃત્યુલોકમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું, અને ત્વરાથી તે અંધારઘેરી કેડીમાં ઊતરવા જતો હતો ત્યાં જ દેવતાઓએ તેને રોક્યો. જીવતા માનવી બીજીવાર મૃત્યુલોકમાં પ્રવેશ કરી શકે નહિ, એમ તેમણે કહ્યું. ઑર્ફિયસને આનિચ્છાએ પોતાની ધરતી પર પાછા વળવું પડ્યું. યુરિડિસના વિરહની વેદનામાં તે દહતો રહ્યો. પાછળ જતાં કેટલાંક અમાનુષી તત્ત્વોએ તેની હત્યા કરી અને તેનાં અંગેઅંગને તેમણે અહીં-તહીં વિખેરી દેવાનો પ્રયત્ન કર્યો, પણ ઑર્ફિયસની ચેતના અવિચ્છિન્ન જ રહી. તેણે જ્યાં છેલ્લા શ્વાસ છોડ્યા તે ભૂમિ સ્વયં સંગીતમય બની રહી.

*

ગ્રીક પુરાણકથાઓની એક ધ્યાનપાત્ર લાક્ષણિકતા એ છે કે ઓછાવત્તા સાહિત્યિક સંસ્કારો એમાં બેઠા છે. ઑર્ફિયસની કથા માટે પણ એ વાત એટલી જ સાચી છે. કવિઓ, ચિત્રકારો, શિલ્પીઓ વગેરે સૌ કળાકારોએ ઑર્ફિયસની પુરાણકથાનો આધાર લઈ જુદા જુદા સમયે જે કળાકૃતિઓ તૈયાર કરી છે તેમાં ઑર્ફિયસ અને યુરિડિસની પાત્રરેખાઓ ક્યાંક ને ક્યાંક જુદી પડે છે. એ જ રીતે પુરાણકથાના અભ્યાસીઓએ એ પાત્રો વિશે એકત્ર કરેલી વિગતોમાં ય ક્યાંક ફેર છે. જેમ કે, કેટલાક અભ્યાસીઓએ ઑર્ફિયસને વારંવાર પાતાળલોકની યાત્રા કરનારો યાત્રિક લેખવ્યો છે. તો કેટલાકે યુરિડિસને મૃત્યુલોકની સામ્રાજ્ઞી તરીકે ઓળખાવી છે. આમ છતાં, ઑર્ફિયસની કથામાં દિવ્ય સંગીતની તેની પ્રાપ્તિ અને મૃત્યુ પામેલી યુરિડિસ માટે તેની મૃત્યુલોકની યાત્રા એ અંશ લગભગ સર્વસ્વીકૃત છે. અને, આમ જુઓ તો, અસંખ્ય પુરાણકથાઓમાં જોવા મળતાં વસ્તુબીજો આ કથામાં ય જોવા મળે છે. ઑર્ફિયસ તેની માતાના પક્ષે એક દેવતાઈ અંશ ધરાવતો નાયક છે. અહીં પણ દેવલોક, માનવલોક અને મૃત્યુલોક જેવા ત્રણ વિસ્તારોની કલ્પના છે. દેવ કે માનવપુરુષ, પ્રસંગોપાત્ત, આ મૃત્યુલોક (કે પાતાળલોક કે Dark World કે Under World)નો પ્રવાસ ખેડે એ જાતનું વસ્તુ અહીં પણ છે. નચિકેતા, અર્જુન, ગિલ્ગમેસ, ડેમિટર જેવાં કેટલાંય માનવીઓ ઑર્ફિયસની જેમ એ underworldની સફર કરી આવ્યાં છે. ભારતની પુરાણકથાઓમાં મૃત્યુલોકના શાસક તરીકે યમનો સ્વીકાર છે. ઑર્ફિયસ જે પાતાળલોકમાં ગતિ કરી તે લોકમાં ય રાજારાણી શાસન કરે છે. ઑર્ફિયસ-યુરિડિસની આ પુરાણકથામાં, આમ જુઓ તો, માનવઅસ્તિત્વની ઘેરી વિષમતાનું દર્શન રજૂ થયું છે. ઑર્ફિયસ મૃત્યુલોકનાં અધિષ્ઠાતા-અધિષ્ઠાત્રીને પોતાના દિવ્ય સંગીતથી જીતી લઈ શક્યો, અને યુરિડિસને પામ્યો ય ખરો, પણ દેવતાઓની શરત પાળવામાં તે છેવટે નિષ્ફળ ગયો. પ્રણયમૂર્તિ યુરિડિસને નિહાળવા તે ઘણો અધીરો અને ઘણો વિહ્‌વળ બની ગયો. પોતે પ્રકાશની સીમામાં આવી પહોંચ્યો, પણ યુરિડિસ હજી ભોંયરાના અંધકારમાં ચાલતી હતી! અહીં મૃત્યુલોક અને માનવલોકની સરહદ પડી હતી! આ ઘટનાસંદર્ભ જ માનવઅસ્તિત્વના એક મેટાફિઝીકલ પ્રશ્ન તરફ સંકેત કરે છે. ચેતનાના આરોહણની આ ઘટના છે. તમિસ્રમાં આવૃત્ત પ્રાકૃત ભૂમિકાને અતિક્રમી જવાની આ વાત છે. આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ, ઑર્ફિયસ-યુરિડિસની આ કથા જર્મન મહાકવિ રિલ્કે માટે મહાન પ્રેરણા રહી છે. ‘ઑર્ફિયસ, યુરિડિસ, હર્મિસ’ શીર્ષકની કાવ્યરચનામાં ઑર્ફિયસ-યુરિડિસના આરોહણની ઘટનાને તેમણે અતિ સમૃદ્ધ કાવ્યમાં ફેરવી નાંખી છે. એક રીતે આખીય કૃતિ પ્રતીકાત્મક ઉઠાવ લે છે. મૃત્યુલોક એ માનવજીવનનો, બલ્કે વિશ્વજીવનનો, સ્થૂળ અને પ્રાકૃત ખંડ છે. નાયક ઑર્ફિયસ અને નાયિકા યુરિડિસનું આરોહણ એ ચેતનાના ઊર્ધ્વ આરોહણનો સંકેત કરે છે. પ્રાકૃત મૃણ્મય હસ્તીના ઊર્ધ્વમાં રૂપાંતરની ઘટનાનો અહીં સંકેત મળે છે. ઑર્ફિયસ-યુરિડિસની આરોહણકથા, અલબત્ત, રિલ્કેની આગવી રહસ્યવાદી દૃષ્ટિથી આગવું રૂપ ધરે છે. Duino Elegie અને બીજી કેટલીક કાવ્યરચનાઓમાં રિલ્કેએ પૃથ્વીલોકના aesthetic transformationની ભૂમિકા સ્પર્શેલી છે. પ્રાકૃત અસ્તિત્વના, પૃથ્વીલોકના, કવિની પ્રબુદ્ધ ચેતના દ્વારા, પૂર્ણ આત્મીકરણ અને રૂપાંતરની કથા એમાં સૂચવાયેલી છે. ધરતીના મૃણ્મય રસને આત્મસાત્‌ કરી વૃક્ષ જે રીતે ફળ નિપજાવે છે તે ઘટના જ રિલ્કેને રહસ્યમય લાગ્યા કરી છે. તેમની ‘The Fruit’ શીર્ષકની રચનામાં ચેતસૂતત્ત્વના રૂપાંતરની ઘટના કેન્દ્રમાં છે. જિજ્ઞાસુ ભાવકો માટે અહીં એ રચના ઉતારું છું.

ફળ

ધરતીમાંથી
ઊંચે ઊંચે
આરોહણ એનું
અગોચરપણે
ગોપવી રહ્યું છે નિજ રહસ્ય
વૃંતની નિઃશબ્દતામાં
અને
વિશદ મંજરીપુંજને
પલટી દીધું રક્તજ્યોતમાં
અને
પુનઃ પામ્યું
પોતાની આદિ રહસ્યમયતા
અને
વેદનામાં કણસતું વૃક્ષ
બીજનું
આધાન પામ્યું દિનરાત
આખા ગ્રીષ્મમાં
અને
બાહ્ય અવકાશ પ્રતિ
ભાવ વ્યક્ત કરવાને
ભીતરી ભીંસ અનુભવી રહ્યું
અને
હવે
અભિનવ પૂર્ણ વિશ્રાંતિનો
ગોળ આકૃતિ
દીપ્તિમંત રેખાઓમાં વિલસે
છાલની ભીતર
નિવૃત્તિભાવે
એ આત્મલીન બની રહ્યું છે
જે કેન્દ્રમાંથી
એ બહાર વિસ્તરી રહ્યું હતું
તેમાં
ફરીથી
એ વિરમી ગયું છે.

પૃથ્વીલોકના રૂપાંતરની રિલ્કેની દૃષ્ટિ આ રચનામાં બરોબર ઝીલાઈ છે. ઑર્ફિયસની પુરાણકથામાં પણ તેમણે આવી રહસ્યવાદી દૃષ્ટિએ પુનઃનિર્માણ કર્યું છે. પ્રસ્તુત ‘ઑર્ફિયસ, યુરિડિસ, હર્મિસ’ શીર્ષકની રચનામાં મૃત્યુલોક આગવો પરિવેશ રચે છે. ઑર્ફિયસ યુરિડિસ અને હર્મિસ (યુરિડિસની સાથે સંત્રી તરીકે આવેલો દેવદૂત) એ ત્રણ વ્યક્તિઓ અહીં ચૈત્યશક્તિના અંશો રૂપે રજૂ થઈ છે :

વિસ્તરી પડ્યો છે.
અહીં
તમિસ્રલોક અજનબી શો
અગાધ અતાગ
ખાણ શો વિસ્તાર ચૈત્યસ્ફુલ્લિંગોનો
અને
ઘનતમિસ્રના આવરણમાં થઈ
વાંકીચૂકી કેડીએ ચઢતાં રહ્યાં તેઓ
મૂળોની વચ્ચે
ઝમી આવતું’તું રુધિર
ચઢતું જે માનવલોક પ્રતિ
ચળકે જાંબલી શીલાખંડો શું
ઘનતમિસ્રમાં
એ સિવાય
કશું અહીં રક્તરંગી નથી.

પાતાળલોકના અંધકારમાં વિસ્તરેલા ખડકો, ભૂતાવળ શાં અરણ્યો, શૂન્યતા પરના પથ્થરિયા સેતુઓ, ઉપરની છતે તોળાયેલું વિશાળ ભૂખરું અપારદર્શી જળાશય—એવી એક અદ્‌ભુત રચનામાં ત્રણ વ્યક્તિઓ ચૈતન્યના પ્રવાહની જેમ કોઈ એક કેડીએ સરકી રહ્યાં છે. આગળ ચાલતાં ઑર્ફિયસ અને તેની લાયરનું વર્ણન રિલ્કેએ અદ્‌ભુત રમ્ય બાનીમાં કર્યું છેઃ

તેનાં પગલાં
ગ્રસી રહ્યાં પથને
મોટા બૂકડાઓમાં
ન થંભતાં જરીયે
તેની ચર્વણા અર્થે
બંને હાથ
ભારે અને કઠોર
ઝૂલ્યા કરે
ઝૂલતી બાંયોમાંથી
ન એને જ્ઞાન લગીરે
પ્રસન્ન વાદ્યનું
વાદ્ય જે તેના ડાબે પડખે
પાંગર્યું હોય ને
ઓલિવની ડાળીઓમાં
વીંટાયેલ
ગુલાબની ડાળખી શું

—પાછળ ચાલી આવતી યુરિડિસની ચૈતસિક ભૂમિકા વળી ઓર જ છે.

અને
હાથમાં હાથ મિલાવીને
દેવદૂતની સંગે તે હવે ચાલતી રહી
તેના લાંબા ઝૂલતા વસ્ત્રની ઝૂલ
રચ્યે જતી’તી આવર્તનો
તેનાં ચરણોની આસપાસ
તેનાં કદમ
અનિશ્ચળ મૃદુ ધીરગંભીર
મૃત્યુનાં પગલાં નજીક સંભળાય
અને વ્યક્તિ બની જાય આત્મલીન
તેવી જ તે આત્મલીન.
આગળ આગળ
જે એક જણ ચાલી રહ્યું
ન ખ્યાલ જરીકે તેનો
કે ન ભાન લગીરે
માર્ગના આરોહણનું
અંતરલીન થઈને તે વિહરતી રહી.
તેની મર્ત્યદશા જ
તેને સભરતા અર્પતી હતી
સભરતા
પોતાના ભવ્ય મૃત્યુથી અર્જિત
સભરતા
મધુમય
તમિસ્રલીન ફળ સમી
અને
એ ક્ષણોમાં
તેનું મૃત્યુ એટલું તો અપૂર્વ
અને અભિનવ
કે હવે બીજું કશું ય તે સ્વીકારી જ ન શકે.
*
હવે તે સ્વયં મૂળરૂપ બની રહી.

યુરિડિસ આમ એક vegetational lifeની ભૂમિકાએ જાણે કે આત્મપર્યાપ્ત ચેતના બની ચૂકી છે. પ્રકાશની સીમામાં પગલું મૂકતાં ઑર્ફિયસ તેને જોવા પાછો વળે છે ત્યારે યુરિડિસમાં ક્યાંય કોઈ ભાવાવેગ નથી. અત્યંત સહજભાવે તે મૃત્યુલોકમાં પાછી વળે છે. પ્રણય અને મૃત્યુ બંને ય ઘટનાઓ અહીં ચૈત્યવિકાસના સ્થિત્યંતર જેવી છે. પ્રાકૃત વિશ્વના આરોહણમાં, સૂક્ષ્મમાં રૂપાંતરની ઘટનામાં, એ વચલી ભૂમિકા છે રિલ્કેની દૃષ્ટિ સમસ્ત પૃથ્વીલોકના રૂપાંતરની ઘટના પર ઠરી છે. કવિની સર્જકચેતના એ રૂપાંતરપ્રક્રિયાની માત્ર સાક્ષી જ નથી, એમાં સાધનભૂત બનતું તત્ત્વ પણ છે. રિલ્કેની કાવ્યભાવના, સર્જકચેતનાની સક્રિયતા અને વિશ્વદર્શન એ સર્વ અહીં એક વ્યાપક દર્શનમાં સમાઈ જાય છે. અલબત્ત, એ દર્શનને પામવા રિલ્કેએ જે કાવ્ય સિદ્ધ કર્યું તેનો સાચો પરિચય મેળવવા સહૃદય ભાવકે એ મૂળ કૃતિઓ પાસે જ જવું જોઈએ.