ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/સુરેશ જોષીનું આંતરવિશ્વ
‘રમ્યાણિ વીક્ષ્ય’ અને ‘પ્રથમ પુરુષ એકવચન’
સ્વ. સુરેશ જોષીના ઉપરોક્ત બે નિબંધસંગ્રહો તાજેતરમાં લગભગ સાથોસાથ જ પ્રગટ થયા. તેમના અગ્રંથસ્થ રહેલા અનેક લલિત/વૈયક્તિક નિબંધોમાંથી પસંદ કરીને ગ્રંથસ્થ કરવામાં આવેલા આ નિબંધો તેમના આંતરવિશ્વના કેટલાક અજ્ઞાત ખંડોને અજવાળી આપે છે. ‘જનાન્તિકે’ના નિબંધોમાં જ સંવેદન અને શૈલીના સ્તરે આધુનિકતાનો જે પાસ બેઠો હતો તેથી આપણા પરંપરાગત લલિત/વૈયક્તિક નિબંધનો જાણે કે કાયાકલ્પ થઈ ગયો. એ પછી આ સ્વરૂપ તેઓ સતત ખેડતા રહ્યા. સામયિકો અને વર્તમાનપત્રોની માંગ પણ એમાં નિમિત્ત બની. અને, એ રીતે તેમની નિબંધસર્જનની પ્રવૃત્તિ વિસ્તરતી રહી; તો, જાણ્યે અજાણ્યે, એમાં પુનરુક્તિઓ પણ આવી. આમ છતાં, તેમની સમર્થ સર્જકતાના સઘન સ્પર્શે ઘણીય એવી રચનાઓ ઊગરી પણ ગઈ. પચાસ પછીના ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદના એક મુખ્ય પ્રણેતા તરીકે સુરેશ જોષી પ્રતિષ્ઠા પામ્યા છે. કવિતા, ટૂંકી વાર્તા, લઘુનવલ, અને લલિતનિબંધ એ ચાર સ્વરૂપોમાં મુખ્યત્વે તેમની સર્જકતા સક્રિય રહેલી છે. તેમણે સર્જનની સાથોસાથ વિવેચનનાં જે લખાણો કર્યાં તેમાં તેમની કળા અને સર્જકતા વિશેની આગવી સૂઝસમજ પ્રગટ થાય જ છે. પણ, અહીં નોંધવું જોઈએ કે, તેમના આંતરવ્યક્તિત્વને તેમ તેમની સર્જક ચેતનાને યથાર્થ રીતે સમજવામાં તેમના લલિત/વૈયક્તિક નિબંધો પણ ઘણા ઉપકારક નીવડે એમ છે. ઉપરોક્ત બંને સંગ્રહોમાં ગ્રંથસ્થ થયેલા નિબંધો, ખરેખર તો, તેમની સર્જકવૃત્તિના હાર્દને ખુલ્લું કરી આપે છે. ‘રમ્યાણિ વીક્ષ્ય’માં છત્રીસ લલિત નિબંધ સંગ્રહાયા છે. ગ્રંથનું શીર્ષક સૂચવે છે તેમ રમણીયતાની ઝલક વર્ણવતા નિબંધો એમાં છે. અને એ રમણીયતાનું નિમિત્ત, અલબત્ત, પ્રકૃતિનાં દૃશ્યો અને ઋતુઋતુઓના રંગરાગ છે. પણ, ખરેખર તો, એ દૃશ્યો અને એ રંગરાગ નિમિત્તે સુરેશ જોષીનાં આત્મગત સંવેદનો-ચિંતનો જ અહીં આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. આ લલિત નિબંધોને એક ચોક્કસ પરિપ્રેક્ષ્ય પણ છે. એમાંના લગભગ બધા જ નિબંધો વડોદરાના પોતાના નિવાસસ્થાનની આસપાસના પ્રાકૃતિક પરિવેશને અનુલક્ષે છે. પોતાના નિવાસની જુદી જુદી દિશામાં પડતી બારીઓ તેમનું દૃષ્ટિદ્વાર બની છે. દમના વ્યાધિએ તેમના દેહની સંવેદનપટુતાને વિશેષ તીક્ષ્ણતા અર્પી છે. બદલાતી ઋતુઓના દરેક પલટાને તેમનું શરીર અને મન ઉત્કટતાથી પ્રમાણી રહે છે. ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત કે શિશિર એ દરેકની આબેહવા તેમના અતિ નાજુક સંવેદનતંત્રને આગવી રીતે ઝંકૃત કરતી રહે છે. અહીં ઘણાએક નિબંધોના આરંભ આબોહવાની પ્રબળ અનુભૂતિના વર્ણન સાથે થાય છે. વર્ષા, તેની ભીનાશ અને ધૂસરતા, કે હેમંતના સોનલવરણા તડકાના અવતરણ જેવી ઘટના તેમના સર્જકમનને ઉદ્દીપ્ત કરી મૂકે છે, અને એ સાથે જ આંતરમનનું વિશ્વ પણ ઊઘડી આવે છે. એમાં એક બાજુ બાહ્ય પ્રકૃતિની રેખાઓ છે. બીજી બાજુ અંગત સંવેદન ચિંતન સ્મરણ અને કલ્પનાનું નવસર્જન છે. પ્રસંગેપ્રસંગે પરીકથા કે કપોલકલ્પિતના અંશે એમાં જોડાઈ જાય છે. વર્તમાનમાં પ્રત્યક્ષ કરેલા બાહ્ય વાસ્તવ નિમિત્તે સર્જકચિત્તની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ અને ભિન્ન છટાઓ એમાં જોવા મળે છે. જરા જુદી રીતે કહીએ તો લેખક – ‘હું’ અહીં વર્તમાનના અનુભવનિષ્ઠ વાસ્તવથી લઈ કપોલકલ્પિત સુધીના વિભિન્ન ચૈતસિક બોધને અનુલક્ષી રહે છે. વૃષ્ટિધૂસર દિવસે જન્માવેલી અકળ વિહ્વળતાનું આ સંવેદનચિત્ર જુઓ : ‘આ વૃષ્ટિધૂસર દિવસ અકળ એવી વિહ્વળતાથી મને વિક્ષુબ્ધ કરી દે છે. હું મારા જ મોઢા પર હાથ ફેરવીને મને શોધું છું. આંખો જે જુએ છે તેના સંકેતો મન એકદમ ઉકેલી શકતું નથી. જગત ટીપે ટીપે મારી ચેતનામાં ઝમ્યે જાય છે. પણ બધું છૂટું છૂટું રહે છે. એમાંથી કશી ભાત ઊપસતી નથી...’ (પૃ. ૧) એકાએક માવઠું આવતાં, લેખકના વ્યાધિએ જે આંતરિક ઝંઝાવાત સર્જી દીધો તેનું વર્ણન તેઓ આ રીતે કરે છે : ‘અકાળે પડેલા વરસાદનો ભેજ હજી પૂરેપૂરો શરીરમાંથી શોષાઈ ગયો નથી. રાતે એ દૈત્યનું રૂપ ધારણ કરીને છાતીને હચમચાવી નાખે છે. મારી ચેતના સાક્ષીભાવે એ જોયા કરે છે. સવારે બાકી રહી ગયેલી નિદ્રાનો ભાર આંખ પર વરતાય છે. હેમન્તના ‘સુરખિભર્યા સૂર્ય’ને માણવાનું એકદમ સાહસ થઈ શકતું નથી. રાત્રિવેળાના ઉત્પાતને કારણે બધું વેરણછેરણ થઈને પડ્યું છે.’ આ પ્રકારના વિલક્ષણ અનુભવો આ નિબંધોમાં અનેક સંદર્ભે પ્રાપ્ત થાય છે. વિષમ આબોહવાની દેહ અને મનના સ્તરે જે કંઈ અસર થાય છે છે તેને તેઓ સાક્ષીભાવે નિહાળી રહે છે. વ્યાધિએ સર્જેલી દેહ અને ચેતનાની ઊંડી વિછિન્નતાને પોતાની જાતથી બહાર નીકળી જઈને તેઓ પ્રમાણી રહે છે. એ રીતે પોતે પોતાની જાતથી એલિયનેટ થઈ ચૂક્યાના, કે પોતાના અસ્તિત્વમાં વિચ્છેદ રચાઈ ચૂક્યાના, કે પોતે જ પોતાને માટે અણજાણ બની ચૂક્યાના અનુભવો અહીં ફરીફરીને વર્ણવાયેલા જોવા મળશે. આમ જુઓ તો અહીં રજૂ થયેલાં ભાવસંવેદનોમાં તેમની સર્જકચેતના ઘણું કરીને વિષાદ અને વિસ્મય એવી બે ભાવભૂમિકાઓ વચ્ચે સતત સંક્રમણ કરતી રહી છે. વિષાદની ક્ષણો વચ્ચેથી વિસ્મય અને વિસ્મયના અનુભવમાંથી વિષાદ એવી ચૈતસિક ઘટનાઓ અહીં ઘટતી રહે છે. આ બંને ભાવભૂમિકા કોઈ અલૌકિક અનુભવરૂપ નહિ, તોય લૌકિક કોટિના અનુભવથી કંઈક વિશેષ કોટિની હોવાનું સમજાય છે. સુરેશ જોષીના નિબંધોમાં એ બંને સ્થાયી ભાવો બને છે. તેઓ જે રીતે વિષાદના અનુભવો વર્ણવે છે તેમાંથી એમ પણ પ્રતીત થાય છે કે એ કોઈ મેટાફિઝીકલ કોટિની બાબત છે. કેમ કે, તેમની વિષાદની ક્ષણો કોઈક ને કોઈક વિચ્છેદ અને એલિયનેશનમાં રોપાયેલી છે. તેઓ પોતે નોંધે છે તેમ, વિષાદનો ભાવ વારંવાર અકારણ લાગે, પણ તેના મૂળમાં અસ્તિત્વની કુંઠિતતા કે વિચ્છિન્નતા રહી હોય છે. અસ્તિત્વને સમગ્રતયા અને અખિલાઈમાં આશ્લેષી ન શકાયાની, પ્રાકૃત મનના અહંભાવને ઓળંગી અખિલ સત્તા સુધી વિસ્તરી ન શકાયાની, કે જે કંઈ બહાર અને અંદર છે તેની વચ્ચે કોઈ સંવાદ ન રચાયાની લાગણી એના મૂળમાં રહી હોય છે. બીજી બાજુ, ચેતનાનો વિકાસવિસ્તાર માત્ર વિસ્મયજન્ય રોમાંચ જગાડે છે. વિશ્વપ્રકૃતિમાં ચૈતન્યનું પ્રત્યેક સ્ફુરણ અને વિલસન સુરેશ જોષી માટે ચેતોવિસ્તારની ઘટના બની રહે છે. એ માટે અલ્પ લાગતી ઘટનાઓ પણ એટલી જ પરિણામકારી છે. ગુલાબના છોડ પર કળીનું ઊઘડવું, મોગરાના ફૂલનું સુગંધથી તસતસી રહેવું, વૃક્ષની ટોચે સોનલવરણા પ્રકાશનું અવતરવું – આવી આવી ઘટનાઓ આ નિબંધોમાં આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. પોતાના નિવાસસ્થાનમાંનાં ફૂલ છોડ અને વેલીઓ અને આસપાસની વૈભવશાળી વનસ્પતિ – એ સર્વ પ્રત્યે તેમનો વિરલ અનુરાગ રહ્યો છે. અને એટલો જ વિરલ ભાવ તેમના નિવાસની આસપાસની જીવસૃષ્ટિ માટે છે. એકબે લાક્ષણિક દૃષ્ટાંતો જોઈએ. (અ) ‘સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઊઠ્યાં હતાં. જાણે ત્રણ પંક્તિનું હાઈકુ! એનું ખીલવું એ એક આશ્ચર્યકારક ઘટના છે. એ અકળ રીતે કશી ઘોષણા કર્યા વગર ખીલે છે. એના ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે...’ (પૃ. ૨૨) (બ) ‘દરેક પતંગિયાની સાથે હું પાંખો ફફડાવીને ઊડું છું. ધૂળમાં નાહતી ચકલી જોડે હું પણ ધૂલિસ્નાન કરી લઉં છું. એક ડાળ પર કૂદતી ખિસકોલી સાથે હું પણ શાખામૃગ બનીને મહાલું છું. આંખ પણ સહેજ સરખી ફરકાવ્યા વિના સ્થિર નિઃસ્તબ્ધ કાચિંડાની સાથે હું પણ યોગીની જેમ ધ્યાનસ્થ બની જાઉં છું...’ વગેરે (પૃ. ૬૮) સુરેશ જોષીએ પોતે સ્પષ્ટ કર્યું છે તેમ, આવી અલ્પ લાગતી ઘટનાઓ જ તેમની ચેતનાને ઊંડે ઊંડે પ્રભાવિત કરી જાય છે. કશાક બૃહદ્નો, કશાક શાશ્વતનો, કશાક કૂટસ્થનો તેમને લોભ નથી. આસપાસના વિશ્વમાં ક્ષણેક્ષણે રૂપ બદલાતી વસ્તુઓમાં જ તેમને રસ રહ્યો છે. આ નિબંધોમાં મુખ્યત્વે પ્રકૃતિના રમણીય આવિષ્કારો અને ઋતુપલટાઓ નિમિત્તે જન્મતી ભાવદશાઓ જ વર્ણવાઈ છે. એમાં કેટલાક સંદર્ભે વર્તમાન માનવજીવનની વિષમતા અને વિટંબણાઓ વિશે ચોક્કસ નિર્દેશો છે. પણ એના પ્રશ્નો વિશે ચિંતનમનન કરવાને તેઓ ઝાઝું રોકાતા નથી. તેમની દૃષ્ટિવૃત્તિ ઘણુંખરું અસ્તિત્વના આંતરપ્રવાહોનાં સંચલનો પર ઠરેલી છે. અસ્તિત્વના અનુભવોના વર્ણનમાં તેઓ અસ્તિત્વની મૂળભૂત અખિલાઈ વિ. અસ્તિત્વની વિચ્છિન્નતા, અસ્તિત્વનો વિસ્તાર વિ. સંકોચ, ચેતનાની રૂપાંતરશીલતા વિ. સ્થિતિચુસ્તતા, ચેતનાની દ્રવીભૂતતા વિ. જડતા, વજનરહિતતા વિ. બોજિલતા એવી કોટિઓ લઈને ચાલે છે તે ધ્યાનપાત્ર છે. એમાં અસ્તિત્વવાદી દર્શન કે ફિનોમિનોલોજીની પ્રેરણા જોઈ શકાય. અસ્તિત્વને વિશુદ્ધ ચૈતસિક અનુભવ રૂપે તેઓ ઓળખવા ઝંખે છે. જે કંઈ ખરેખર છે, જે કંઈ હોવાની પ્રતીતિ થાય છે, બલકે કેવળ અનુભવમાં જે આવે છે તને પ્રમાણવામાં જ તેમને પરમ સાર્થકતા વરતાય છે. એ રીતે જે અનુભવમાં આવે છે તે જ સાચી ચૈતસિક સત્તા, અને એ કોઈ જડ સ્થિતિચુસ્ત તત્ત્વ નથી. ક્ષણે ક્ષણે નિત્ય નૂતન આવિષ્કાર સાધતી અને ક્ષણે ક્ષણે રૂપાંતર પામતી એ જીવંત ગતિશીલ સત્તા છે. તત્ત્વતઃ એ એક પાયાની સર્જનાત્મક શક્તિ છે. એની સાથે ઊંડું અનુસંધાન કેળવવું એમાં તદ્રૂપ થવું, અને ચેતોવિસ્તાર સાધવો એ જ વ્યક્તિ માટે પરમ ઇષ્ટ છે. પણ આ સર્જનાત્મક ચિતિને નિરંતર અનુભવ રૂપે જ પ્રમાણી શકાય; કોઈ વાદ, વિચાર કે સિદ્ધાંતના ચોકઠામાં તારવવા કે ઘટાવવા જતાં એનું હાર્દ લુપ્ત થાય છે. બૌદ્ધિક વિચારોના ચોકઠામાં એ ચૈતસિક સત્તાને કેમે ય બેસાડી શકાય નહિ. એવો દરેક ઉપક્રમ વંધ્ય જ નીવડવાનો. એથી જ પ્રકૃતિની શ્રી, કાવ્યની અનુભૂતિ કે કલામાત્રની અભિજ્ઞતામાં તેઓ વિરલ વિશ્રાન્તિનો અનુભવ કરે છે. વિશ્વસત્તાના અપરોક્ષ અનુભવનો મહિમા કરતાં તેઓ કહે છે : મને તો સાચો કીમિયો એ જ લાગે છે કે દૃષ્ટિ અને અનુભૂતિ વચ્ચે કશું વ્યવધાન નહીં હોવું જોઈએ. જે જોયું તે તે ક્ષણ પૂરતું જ રહે. પછી એમાંથી કશું ઝીણું કાંતવાનું નહિ. એ પ્રવૃત્તિ જ મિથ્યા છે. એમાંથી જ અર્થઅનર્થના પ્રપંચો વિસ્તરે છે. પ્લેટો કેવળ કવિ રહી શક્યો હોત. પણ અનર્થ એ થયો કે ફિલસૂફ બન્યો. ફિલસૂફી વાસ્તવમાં તો જન્મે કવિતામાંથી પણ જન્મીને તરત જ પહેલું કામ એ માતૃહત્યાનું કરે...” (પૃ. ૭-૮) સુરેશ જોષીની આ દૃષ્ટિ સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ, તો પણ તેમના પોતીકા અભિગમને યથાર્થ રીતે સમજવા માટે એ ગંભીરતાથી લેવાની રહે છે. કેમ કે, આ અનુભવવાદની ભૂમિકાઓથી તેઓ કાવ્યાનુભવ અને સૌંદર્યાનુભવનું અનન્ય મૂલ્ય કરે છે. તો આ ભૂમિકાએથી તેઓ જ્ઞાનવિજ્ઞાનની વ્યવસ્થા અને શિસ્તનું અવમૂલ્યન કરે છે. આ ભૂમિકાએથી તેઓ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું ય ગૌરવ કરી શકતા નથી. એક સંદર્ભે તેઓ કહે છે : ‘હું સ્થળને એના પર બાઝેલાં ઇતિહાસનાં જાળાને દૂર કરીને જ જોવા ઇચ્છું છું. એનાં નામઠામ સાથે મારી કશી નિસ્બત નથી. હું એને ભૂતકાળથી મુક્ત, વર્તમાનથી અસ્પૃષ્ટ અને ભાવિથી દૂર એવે રૂપે જોવા ઇચ્છું છું. મારા એની સાથેના સંપર્કથી ઇતિહાસ રચાવા લાગે એવી મને એષણા નથી.’ (પૃ. ૬૨) તાત્પર્ય કે, ઇતિહાસ અને સમયનાં પ્રભાવ અને પરિબળોથી સર્વથા મુક્ત એવી કોઈ અસ્તિતા સાથે તેમની નિસ્બત રહી છે. સત્ત્વની વિશુદ્ધ અભિજ્ઞતાની તેઓ ઝંખના કરે છે, પણ એમાં માનવસમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ અને જ્ઞાનવિજ્ઞાનથી નિરાળી કોટિની સત્તાનો સ્વીકાર છે; એક એવી સત્તા જે નિરંતર રૂપાંતર પામે છે, અને જે કેવળ અનુભવથી જ પ્રમાણી શકાય છે. સુરેશ જોષીની આ જીવનદૃષ્ટિમાં એક પ્રકારે રહસ્યવાદ (mysticism)નું અનુસંધાન જોવા પ્રેરાઈએ એવા કેટલાક ભાવસંદર્ભો અહીં મળે છે. જો કે સુરેશ જોષીએ આવા કશા ‘વાદ’ના આરોપણ સામે કદાચ વાંધો લીધો હોત. પણ જે રીતે તેમની ચેતના પરિચિત લોકના અક્ષાંશરેખાંશને એકાએક અતિક્રમી જાય છે, કે કશાક અકળ રહસ્યમય પરિવેશમાં મુકાય છે. તેની નોંધ લેતાં આવો ખ્યાલ બાંધવાનું સહેજે આપણને સૂઝે. બે-ત્રણ લાક્ષણિક સંદર્ભો : (ક) ‘સાંજવેળાએ કોઈ વાર એવી ક્ષણ આવી ચઢે છે, જ્યારે બધું અત્યંત શાંત બની જાય છે. સુગન્ધ સ્થિર થઈને સ્તમ્ભની હારની જેમ અવકાશમાં ખડી થઈ જાય છે. ચર્ચના ઘણ્ટનો રણકાર લીમડાઓમાં ઝિલાઈ જાય છે. એવી નિઃશબ્દતાની ક્ષણોમાં પૃથ્વીના ભ્રમણને કાન દઈને સાંભળી શકાય છે.’ (પૃ. ૧૮) (ખ) ‘સમુદ્ર પાસેથી લગામ છોડાવીને પવનના અશ્વો દોડી નીકળ્યા છે. એની ખરીમાંથી તણખા ઝરે છે. એના વેગના આવર્ત ચારે બાજુ ઘુમરાય છે. આ આવર્તોની વચ્ચે બુદ્ધની સ્થિર પદ્માસના મૂર્તિ જોઉં છું. એમની ચારે બાજુ શાન્તિ રણકી રહી છે. એમાં એવી ગહનતા છે જે આપણને એમનાથી દૂર રાખે છે. એ ગહનતા જ આપણી દૃષ્ટિ સમક્ષ નક્ષત્રને રૂપે રજૂ થાય છે.’ (પૃ ૧૯-૨૦) (ગ) ‘બાળપણમાં જોયેલા અરણ્યનાં વૃક્ષની જેમ હવે હું લગભગ નીરવ થઈને ઊભો છું. કોઈ વાર કેવળ મૂળના ઊંડાણમાં સરી જાઉં છું. કોઈ વાર જીવનરસ બની પર્ણે પર્ણે સંચાર કરું છું વૈશાખના પવનમાં શાખા બનીને ઝૂમું છું. ઝાકળનાં કોમળ પગલાંને સાંભળું છું. દાવાનળની અગ્નિજિહ્વાને બધે ફરી વળતી જોઉં છું, દાઝું છું. સમકાલીન પરિવેશ સાથેની એક નવા જ પ્રકારની અપરિચિતતાના અર્ધપારદર્શક આવરણમાંથી બધું જોતો છતાં ન જોતો હું ઊભો રહું છું.’ (પૃ. ૧૦૯) (ઘ) ‘વર્ષાનાં રચેલાં જળસ્તંભો પર વર્તમાન નિઃસ્તબ્ધ ઊભો છે. રાતે જાણે એની ક્ષણોને પાંખ આવે છે ને આગિયાની જેમ ઝબકારા કરતી તે અહીંતહીં ઊડવા લાગે છે. દૂર ક્યાંકથી જળસખીઓનો મળવાનો આલાપ સંભળાય છે. દરેક જલસ્પંદનમાંથી અશ્રુત એવો એક નવો શબ્દ ધ્વનિત થાય છે. ભૂમિમાં દટાયેલું બીજ જાણે એકાએક આ જળબિંદુથી પ્રજ્વલિત થઈ ઊઠે છે ને એની અંકુરશિખા ઉપર ચઢે છે. ધૂસર અવકાશ નવી માયા રચ્યે જાય છે...’ (પૃ. ૧૦૯) આવા અનેક સંદર્ભોમાં વર્ણવાતો અનુભવ એ ઇન્દ્રિયાતીત વસ્તુ છે છતાં સુરેશ જોષીના અનુભવવિશ્વમાં ઇન્દ્રિયબોધનું અપ્રતિમ મહત્ત્વ છે. ઇન્દ્રિયો દ્વારા જ આ વિશ્વવાસ્તવને આત્મસાત્ કરવાનું છે એમ તેઓ કહે છે. પરંપરાગત ધર્મ ચિંતન અને દર્શનમાં વિશ્વવાસ્તવના ખુલાસાઓ રૂપે જે સિદ્ધાંતો કે સિદ્ધાંતો ઉદ્ભવ્યા છે તે તેમને માન્ય નથી. કોઈ પણ મેટાફિઝીકલ દર્શનમાં તેઓ બંધાવા ચાહતા નથી. પ્રસંગે પ્રસંગે તેમના સંવેદનચિંતનમાં ‘ઈશ્વર’નો ઉલ્લેખ આવે છે પણ તે કોઈ સંસિદ્ધ કે ધર્મવિચાર કે માન્યતાના સમર્થનરૂપે નહિ, માત્ર ચૈતસિક પ્રક્રિયાના એક સંવેદિત વિચારરૂપે જ સ્થાન લે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અસ્તિત્વને વિશુદ્ધ ઉપસ્થિતિ રૂપે જોવી, કશા પણ વિચાર કે વિભાવનાઓના માધ્યમ વિના એને પ્રમાણવું – એ જ તેમને ઇષ્ટ છે. પ્રમાતા અને પ્રમેય પરસ્પરમાં તદ્રૂપ બની રહે, ભાષાથી પર રહીને પ્રમાતા પ્રમેયનો અનુભવ કરે એવો આદર્શ તેમની નજર સામે રહ્યો છે. જો કે વસ્તુદર્શન કે વસ્તુના પ્રત્યક્ષીકરણ અંગે તેમની કોઈ એક સ્થિર ભૂમિકા રહી જણાતી નથી. સુરેશ જોષી એમ કહે છે કે અસ્તિતા સતત રૂપાંતર પામતી રહે છે (આ જાતના દૃષ્ટિકોણ પાછળ પ્રસિદ્ધ જર્મન કવિ રિલ્કેની પ્રેરણા હોવાનું સમજાય છે. અનેક સંદર્ભે રિલ્કેની કવિતાના ભાવસંદર્ભોનો તેઓ નિર્દેશ કરતાં રહે છે. એ જર્મન કવિમાં રહસ્યવાદી અનુભવની એક ચોક્કસ ભૂમિકા મળે છે. સમસ્ત વિશ્વ નિરંતર રૂપાંતર પામી રહ્યું છે એવું દર્શન રિલ્કેની ‘દ્યૂઈનો એલિજીઝ’માં મળે છે.) એટલે જ એને કોઈ સ્થિર નિશ્ચિત રેખાઓમાં બાંધી શકાય નહિ. દૃષ્ટા પુરુષ અને દૃશ્યરૂપ વિશ્વ બંને નિરંતર રૂપાંતર પામતાં હોઈ કોઈ શાશ્વત સત્યની સ્થાપના શક્ય નથી. એટલે જ્ઞાનવિજ્ઞાનને અભિમત સત્ય અને મિથ્યાબોધના ભેદ અનુભવની જીવંત ક્ષણોમાં લોપ પામે છે. એ જ રીતે સત્ય અને કપોલકલ્પિતના સીમાડા પણ એ ક્ષણોમાં ઓગળી જાય છે. આપણે જેને સામાજિક રાજકીય અને નૈતિક વાસ્તવિકતા તરીકે ઓળખીએ છીએ તે તો અત્યંત બરડ અને પ્રાસંગિક ઘટનાઓ છે. એવી વાસ્તવિકતાઓ ઝડપથી ક્ષય પામે છે. સમયથી પર કે સમયથી મુક્ત એવી અસ્તિતામાં તેમની આસ્થા દેખાય છે. શૈશવકાલીન અનુભવો એ રીતે સમયાતીત વિશ્વ રચે છે, અને આદિમ્ વિશ્વ પણ સમયની પેલે પારનું જ વિશ્વ ઠરે છે. એટલે વર્તમાન યુગની વિષમતાઓ અને ઇતિહાસના ઓથારથી અળગી થવા, તેમની ચેતના ફરી ફરીને એવા શિશુજગતમાં કે આદિમ્ વિશ્વમાં વિશ્રાન્તિ લેવા ઝંખે છે, તે સમજવાનું મુશ્કેલ નથી. પ્રકૃતિનાં ઋજુ કોમળ દૃશ્યો અને ઋતુઓની બદલાતી ગતિવિધિઓ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, તેમની સર્જકચેતનાને સતત સ્પર્શતી રહી છે. અને એમાંથી ઐન્દ્રિયિક સમૃદ્ધિઓવાળાં આકર્ષક કલ્પનો અને ચિત્રો નીપજી આવ્યાં છે. પ્રકૃતિનાં દૃશ્યોની પ્રચુરતા જ તેમની ચેતના પર છવાઈ વળે છે. શિશુસુલભ એવી તેમની વિસ્મયવૃત્તિ એવી ક્ષણોમાં સતેજ બને છે. કલ્પનોની ઐન્દ્રિયિક સંવેદનાઓ પરત્વે એ વાત પણ નોંધવી જોઈએ કે તેમની કવિતા, વાર્તા, લઘુનવલ અને લલિત નિબંધોમાં ચોક્કસ ભાવદશાઓને અનુરૂપ અનેક કલ્પનો કે કલ્પનશ્રેણીઓ, જો કે ઓછીવત્તી ભિન્ન રેખાઓ સમેત, ઘૂંટાયાં પણ છે. ‘રમ્યાણિ વીક્ષ્ય’માંનાં અમુક કલ્પનો કે ચિત્રો તેમના અગાઉનાં સર્જનાત્મક લખાણોમાં પ્રચ્છન્ન રૂપે મળી આવશે. આમ છતાં સુરેશ જોષીની સર્જનશક્તિ, તાઝગીભરી રેખાઓમાં નવાં કલ્પનો પણ રચી રહે છે. દૃશ્યો અને શ્રાવ્ય કલ્પનો ઉપરાંત સ્વાદ ગંધ અને સ્પર્શનાં કલ્પનો પણ અહીં વ્યાપક પ્રમાણમાં દેખાશે. થોડાંક દૃષ્ટાંતો : —વાડને ફૂટેલી આંખો જેવાં એ ફૂલ આશ્ચર્યથી આ જગતને જોયા કરે છે. (પૃ. ૨) —મારી આથમણી બે બારીએ બે લતાઓ એમની લીલીછમ હથેળીમાં શીતળતાને ભરીને મારી દૃષ્ટિને ઠારે છે. (પૃ. ૧૧) —રાતની ઊંઘ ફકીરની ગોદડી જેવી સાંધાસાંધાવાળી થઈ ગઈ. (પૃ. ૨૨) —સહેજ તડકો પડે છે ને એની કોમળ પાંખડીઓ એકાએક અગ્નિશિખા બની જાય છે. (પૃ. ૨૩) —ફીણવાળું ધારોષ્ણ દૂધ ગટગટાવવાનો આનંદ હજી સ્મરણમાં છે. (પૃ. ૨૯) —કોઈક વાર ગોકળગાયની જેમ મારી અનુપસ્થિતિનો રૂપેરી રેખાને આંકતો હું ધીમે ધીમે અગોચરતાની દિશામાં આગળ વધુ છું. (પૃ. ૩૫) —એમના અવાજમાં ફાટીને કચ્ચર કચ્ચર થઈ જતા કાચનું કરકરાપણું છે. (પૃ. ૪૩) —ઘાસની સુગંધ સાંજવેળાના વાતાવરણમાં લહેરાય છે. (પૃ. ૫૦) —હોડીના અંગેઅંગમાં સમુદ્રની અને સૂર્યની ગન્ધ છે. (પૃ. ૯૫) સુરેશ જોષીની તરલ તેજસ્વી સર્જકતા આવાં ઐન્દ્રિયિક સંવેદનોને કંડારતી ચાલે છે. બાહ્ય પ્રકૃતિનાં દૃશ્યો એમાં ઝીલાતાં રહે છે. તો સ્વયં ચેતના એમાં મૂર્તતા ધરી રહે છે. અસ્તિત્વપરક સૂક્ષ્મ સંપ્રજ્ઞતાઓ તેઓ એ રીતે કુશળતાથી પ્રત્યક્ષ કરી રહે છે. ક્ષણક્ષણનાં ચિત્રો, ક્ષણક્ષણનાં સંવેદનો એમાં ઊભરતાં આવે છે. પણ સુરેશ જોષીની સમસ્ત નિબંધપવૃત્તિને અનુલક્ષીને નાનામોટા મુદ્દાઓ ય આ લખનારના મનમાં જન્મી પડ્યા છે : (૧) અસ્તિત્વને અપરોક્ષ અનુભવથી પામવાનો સુરેશ જોષીનો ઉપક્રમ એક પાયાની મુશ્કેલી ઊભી કરે છે. જે કંઈ ‘છે’ તેના અપરોક્ષ અનુભવને ગુજરાતી (કે અન્ય કોઈ પણ) ભાષામાં વર્ણવવા જતાં એ વિશુદ્ધ રહે ખરો? દરેક ભાષા એક ચોક્કસ તંત્ર ધરાવે છે. એમાં સ્થાન લેતા શબ્દો logical, psychological & phiosophical અર્થવાળા હોય છે. એટલે જાણ્યેઅજાણ્યે ય ‘અનુભવ’ એ સંકેતોમાં ઘટાવાતો હોય છે. કેવળ અપરોક્ષ અનુભવને ભાષામાં ઉતારવામાં મર્યાદા કે વિકૃતિ નથી પ્રવેશતી? (૨) દરેક નિબંધનું ભાવસંયોજન ઝીણવટથી જોતાં સમજાશે કે એમાં અનેક રચનાઓ એક જ ભાવપરિવેશમાં ઓતપ્રોત બની છે, અને જુદા જુદા વર્ણ્યવિષયો (themes) પણ તેમાં સહજ રીતે સંકળાઈ જતા લાગશે. પણ કેટલીક રચનાઓમાં અમુક અમુક વર્ણન-સંદર્ભ કંઈક આગંતુક અને યાદૃચ્છિક લાગે છે. (૩) કેટલાક નિબંધોમાં બાહ્ય પ્રકૃતિ અને આંતરિક સંવેદના વચ્ચેના સંબંધો ચોક્કસ ઢાંચામાં બંધાઈ ચૂક્યા હોવાનું પણ પ્રતીત થાય છે. જેમ કે, પ્રકાશ (સૂર્ય કે દીવા)નું વિશ્વ એ નર્યું પ્રગટપણું, વ્યવસ્થા, સીમિતતા જેવા અર્થોમાં સીમિત બને છે. આથી ભિન્ન, અંધકાર (છાયા કે ધૂસરતા)નું વિશ્વ એ કશાક ‘ગૂઢ પ્રચ્છન્ન, અરાજકત્વ જેવા અર્થોમાં સીમિત થાય છે. અહીં વિશ્વઘટનાને જોવાની દૃષ્ટિ-વૃત્તિ સ્થિર થઈ ચૂકી દેખાશે. તો ચેતનાના અપરિમેય વિસ્તાર સામે આ જોખમ નહિ? (૪) અપરોક્ષ અનુભવમાં તેઓ જે સત્તાને પ્રત્યક્ષ કરવા ઝંખે છે, તેમાં ‘વિશુદ્ધ ઉપસ્થિતિ’ તેમને અભિમત જણાય છે. પણ એમાં માનવસમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ અને જ્ઞાનવિજ્ઞાનની ભૂમિકા, અપ્રસ્તુત નહિ તો પણ, નગણ્ય બની રહે છે. સામાજિક, ઐતિહાસિક અને રાજકીય પ્રક્રિયાઓ દ્વારા નાનીમોટી સમસ્યાઓ ઊભી થઈ જ છે. પણ એ સમસ્યાઓ અને એની પાછળની માનવવૃત્તિઓ તેમને કદાચ ગૌણ લાગે છે : ‘થોડેક જ દૂર આમલીના ઝાડ નીચે, ખુલ્લામાં મજૂરી શોધવા આવેલા આદિવાસીઓ કરાંઠીનું તાપણું કરીને શિયાળાની હાડ ધ્રૂજાવનારી રાતે પડ્યા રહે છે. બાળકોનાં શરીર પર તો પૂરતાં વસ્ત્ર પણ નથી. આમ છતાં જે દિવસે ચૂલો સળગી શકે છે તે દિવસે એ સળગેલા ચૂલાની રતુમડી આભામાં આદિવાસી નારીનું હાસ્યોજ્જ્વલ મુખ દીપી ઊઠતું જોઈને મને ધરપત રહે છે–’ (પૃ. ૨૯) વર્તમાન માનવપરિસ્થિતિ વિશેનો તેમનો આ પ્રતિભાવ આ લખનારને સમાધાનકારી નીવડ્યો નથી.
*
સુરેશ જોષીનો બીજો સંગ્રહ ‘પ્રથમ પુરુષ એકવચન’ તેમના ‘રમ્યાણિ વિક્ષ્ય’ના નિબંધોથી જુદો રણકો જગાડે છે. એમાં ય કેટલીક રચનાઓ પ્રકૃતિનાં દૃશ્યો કે બાહ્ય જીવનની ઘટનાઓને વર્ણ્યવિષય કરીને ચાલે છે. પણ આ સંગ્રહ, એકંદરે, તેમનાં અંગત વૃત્તિવલણોને સીધી રીતે સ્પર્શે છે. એક સર્જક વિવેચક તરીકેની તેમની ત્રણ સાડાત્રણ દાયકા કરતાં ય કંઈક વધુ લાંબી કારકિર્દીના અંત ભાગમાં લખાયેલા આ નિબંધોમાં તેમના વ્યક્તિત્વનું હાર્દ ખુલ્લું થતું દેખાય છે. જુદા જુદા પ્રસંગો કે ભાવપરિસ્થિતિઓ નિમિત્તે તેમણે અહીં અંગત નિવેદન, કેફિયત, આત્મનિરીક્ષણ કે એકરારરૂપે ઘણી ઘણી માર્મિક વાતો કહી છે. એમાં તેમની નિર્વ્યાજ નિખાલસ અને નિર્મમ એવી ઉક્તિઓ રણકે છે. નિબંધકાર ‘હું’ અહીં પોતાનાં સ્વજનો, મિત્રો અને આસપાસના લોકો વચ્ચે મૂકીને પોતાને અવલોકે છે અને પ્રતિક્રિયાઓ પાડે છે. એમાં કોઈ એક પ્રસંગે વિષાદ, બીજે પ્રસંગે ચિંતા, ત્રીજે પ્રસંગે આત્મખોજ, ચોથે પ્રસંગે આત્મટીકા – એમ જુદી જુદી મનોવૃત્તિઓ અને પ્રતિક્રિયાઓ રજૂ થઈ છે. સર્જનાત્મક ભાષાનું આચ્છાદન અહીં ઓછું જ છે. આવાં વિચારવલણોમાં ઉપલક સ્તરે વિસંગતિઓ ય જોવા મળશે. પણ તેમની મનોઘટના કોઈ સ્થિર નિશ્ચિત વિચારવ્યવસ્થામાં બંધાતી નથી. અનેક આંતરવિરોધોને પોતામાં તેઓ સમાવતા રહ્યા છે. પણ, મહત્ત્વની બાબત એ છે કે, તેમનાં આ સર્વ લખાણો તેમના અજ્ઞાત મનની ભૂમિકાને જુદી જુદી રીતે સ્પર્શી રહે છે. (અ) ‘ના, મારે તટસ્થ નથી રહેવું. હું ક્યાંક કશામાં ખૂબ સંડોવાઈ જવા ઇચ્છું. જેથી હું બીજામાં મારો થોડો સુખદ લોપ કરી શકું. મારી સચ્ચાઈ સ્થાપવા માટે મારે વાસ્તવિકતા માથેનું થોડું ઘર્ષણ પણ જોઈએ...’ (પૃ. ૨૧) (બ) ‘સમજ કરતાં અણસમજ સારી એમ કહેવાનો હવે શો અર્થ? સત્ય કરતાં ભ્રાન્તિ જ સુખદ એમ કહું, પણ સત્યને ભ્રાન્તિમાં પલટી નાંખવાનો કીમિયો જ નહીં આવડતો હોય તો? નિર્લિપ્તતા જ મને ગૌરવ અપાવશે એમ મનને મનાવતો હોઉં ને એને જ કારણે દયાજનક બની જતો લાગું તો?’ (પૃ. ૨૫) (ક) ‘મને જે ખુરશી પર હંમેશાં બેસવાની ટેવ હોય તેના પર બીજું કોઈ આવીને બેસે ત્યારે પણ સહેજ અકળામણ હું અનુભવું છું. મારું પુસ્તક કોઈ હાથમાં લઈને અગંભીરતાપૂર્વક, લગભગ બેધ્યાનપણે, એના પાનાં ફેરવે ત્યારે પણ મને થોડું દુઃખ થતું હોય છે.’ (પૃ. ૩૩) (ડ) રાજકારણની ગૂંચ કેમ ઉકેલવી, યુવાન સ્ત્રીપુરુષોના જાતીય સમ્બન્ધોની સમસ્યાઓનું શું કરવું, સમાજના ‘સળગતા’ પ્રશ્નો વિશે શા જલદ ઉપાયો અજમાવવા તે હું જાણતો નથી. હું માનવીઓ કરતાં પુષ્પોને અને પંખીઓને જ વધારે ઓળખું છું. (પૃ. ૪૫) (ઇ) ‘હવે આજે વિશ્વસાહિત્યની આબોહવામાં જ શ્વાસ લેવાનું પરવડે છે... નજીકનું જ જોઈ શકનારી આંખને એક પ્રકારનો અંધાપો આવી જાય છે. એ અંધાપો મારે વેઠવો નથી. છતાં હું છું ગુજરાતમાં તેનું મને વિસ્મરણ થતું નથી. કોણી મારીને ધસી જનારાની ટોળીમાં હું ભળ્યો નથી. મારે શુદ્ધ કવિતાના મહાલયમાં પ્રવેશવું છે.’ (પૃ. ૫૮) (ફ) ‘બધાંના વતી તો ઠીક, મારા વતી પણ બોલવાને મારો દાવો નથી, કારણ કે બોલવાનું શરૂ કર્યા પછી અધવચ્ચેથી જ આબોહવા એકાએક બદલાઈ જાય છે ને વાક્યના આરંભમાં જે કહેલું તેનો પાછલા ભાગમાં છેદ ઉડાડી દેવો પડે છે.’ (પૃ. ૮૩) (જ) ‘મારા તો આશીર્વાદ છે કે જેને આ કે તે નિમિત્તે મારી સામે ઝૂઝવું હોય તે અનેક અક્ષૌહિણી સેના ભેગી કરે. આ હું અહંકારને વશ થઈને કહેતો નથી. યુદ્ધની પ્રતિષ્ઠા જળવાય એ માટે કહું છું. કાલ સુધી જે મિત્ર તરીકે પડખે હતા તેને ય સામી હરોળમાં જોઉં તો તેથી હવે મને અર્જુનના જેવો વિષાદ કે નિર્વેદ થવાનો નથી...’ (પૃ. ૧૭૩) આવી રીતે સુરેશ જોષીનું આંતરમન આ નિબંધોમાં ઊઘડતું રહ્યું છે. તેમના વ્યક્તિત્વનાં દલેદલ અહીં જે રીતે ખુલ્યાં છે તેથી આપણે તેમના વ્યક્તિત્વને વધુ અખિલાઈમાં પામી શકીએ છીએ.