ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસ, સૌંદર્ય અને આનંદ – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, 1899

From Ekatra Wiki
Jump to navigation Jump to search


13.Vishnuprasad.jpg ૧૩
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
(૪.૭.૧૮૯૯ – ૧૦.૧૧.૧૯૯૧)
રસ, સૌન્દર્ય ને આનન્દ
 

સાહિત્યનું દરેક સ્વરૂપ-ઊર્મિકાવ્ય આખ્યાન હોય, ટૂંકી વાર્તા કથા કે નવલકથા હોય-જીવનમાંથી લીધેલી પણ ઇષ્ટ ઘાટમાં આવેલી સામગ્રી છે. જીવનને અમુક સમયાવધિમાં જ આપણે જોઈ શકીએ છીએ તેથી તેમાં સપ્રયોજન આકૃતિ, ઘાટ કે કેન્દ્ર જણાતાં નથી. ઘાટ તો આપણે સંવેદનાથી, મતિથી, દૃષ્ટિથી, કલ્પનાથી આપીએ છીએ. જીવન પ્રવાહરૂપ છે એમ કહીએ છીએ એનો અર્થ એટલો કે એમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ગતિ છે, પણ એ ગતિની દિશા કે સાર્થકતા સ્પષ્ટ જણાતી નથી. જીવન અસીમ સમુદ્ર છે; શતસહસ્ત્ર અખાત અને ખાડીઓ ભરતો, શતસહસ્ત્ર નદીઓ સમાવતો દરિયો છે. તેમાં પાર વિનાની લહરીઓ, પાર વિનાનાં મોજાં, ભરતી તે ઓટ, અને ઉપર દેખાતાં હલનચલન ઉપરાંત ન દેખાતા પેટાળના અનેક પ્રવાહો છે. એમાં ઘાટ જોઈ શકે માત્ર આપણી દૃષ્ટિ કે પ્રતિભા. આપણા દૃષ્ટિબિંદુથી સતત ગતિશીલ કાળમાં પથરાયેલા જીવનને તરેહ કે આકૃતિ મળે છે. સંસ્કાર, શિક્ષણ અને કલ્પનાની સિદ્ધિવાળો સર્જક બુદ્ધિ કે પ્રજ્ઞાથી જીવનમાં અર્થ ને ઘાટ-ઘાટ એટલે જ સહેતુકતા, સાર્થકતા-જુએ છે. આનો અર્થ એમ નથી કે અમુક દૃષ્ટિબિંદુથી થયેલું કલ્પન અયથાર્થ છે; એવો ઘાટ ધરી શકવાની ક્ષમતા, શક્યતા અનન્ત જીવનમાં છે એમ સમજવું જોઈએ. એક સાપેક્ષ આકૃતિ, અમુક દૃષ્ટિકોણથી જોયેલું રહસ્ય, સમગ્ર જીવનનું પ્રતિનિધિરૂપ પણ હોવાનો સંભવ ખરો. અને નહિ તોયે આવાં દર્શનોમાં ખોટાખરાની આપણી સામાન્ય કસોટીઓ અપર્યાપ્ત છે. ફુલ્લકુસુમિત બાવળ કાંટાળો છતાં રળિયામણો છે: સાંજની શોભામાં તેને જોઈને નર્મદ લહેરમાં આવી ગયો હતો. સાંજે કે સવારે એનું છાયાચિત્ર કદી કદી મનોરમ બની જાય છે. એ રમણીયતા યથાર્થ નથી એમ કેમ કહી શકાય? છતાં એ દ્વારા વૃક્ષનું પૂર્ણપણું આપણે સમજી ગયા એમ પણ ન ગણાય. માનવજીવનનો પ્રશ્ન પણ આવો વિકટ અને સંકુલ છે. જીવનમાંની સામગ્રીને અનાયાસ ઘાટ મળી જાય એવા પ્રસંગો વ્યક્તિના જીવનમાં વારંવાર આવે છે. કોઈ સ્થળને કે મિત્રને અમુક લાંબા ગાળા માટે છોડતા હોઈએ તો એક બિંદુ ભૂતકાળની કેટલીક બાબતોને આકૃતિ આપનારું નિયામક તત્ત્વ બને છે. સ્મૃતિમાં જડાઈ ગયેલા સંસ્કારો જાગૃત થાય છે; તેમની તીવ્રતાના પ્રમાણમાં તે અસરકારક હોય છે; અને તેની વત્તીઓછી તેજછાયાના મિશ્રણથી કોઈ તરેહ કે આકૃતિ કલ્પનામાં બંધાય છે. આ વ્યાપારમાં મિલન, વિરહ કે મૃત્યુ એ વાસ્તવિક અંત છે, અને એ અંતને રહસ્યમય બનાવનારી, અનિવાર્ય બનાવનારી, સમજાવનારી, કે એક પ્રશ્ન મૂકી જઈને પણ સાર્થક કરનારી ઘટનાઓને કલ્પના અનુભવની સ્મૃતિમાંથી પસંદ કરી લે છે. મતલબ કે વાસ્તવિક જીવનમાં પણ અમુક પ્રસંગે પાત્રો, પ્રસંગો તથા ઘટનાની અમુક મેળવણી થઈ અમુક આકાર મનમાં ઉપસ્થિત થાય છે. સર્જક એવા વાસ્તવિક બનાવની વાટ જોઈને બેસી નથી રહેતો. એની જીવનદૃષ્ટિ કાં તો નિશ્ચિત હોય અને એમ હોય તો તેને અનુકૂળ રહે એવી જીવનસામગ્રી લે છે; અથવા તેને એવો વળ આપે છે. નિશ્ચિત જીવનદૃષ્ટિ ના હોય પણ બુદ્ધિ ઉદાર હોય તો ક્યારેક ક્યારેક કોઈ રહસ્યનું સૂચન કરતી પ્રસંગપરંપરા નજરે ચઢે છે. વાસ્તવિક જીવનમાં નિયામક તત્ત્વબિન્દુ અનાયાસ મળે છે. સર્જક પાસે જીવનસામગ્રી અલ્પવ્યાકૃત હું ઊનવ્યાકૃત આકારમાં પડેલી છે. ભીંત ઉપર લીટા હોય કે જમીન ઉપર પાણી ઢળેલું હોય ને તેમાં ગૌતમ બુદ્ધ, નટરાજ કે અજન્તાની અપ્સરાની રેખાઓ દેખાય, તેમ જીવનમાંના ઉપાદાનનાં કેટલાંક સંયોજનો જણાય છે. પછી જેમ કોઈ નવરો કલારસિક અપ્સરાની રેખા દૃઢ કરી આપે, તેમ સાહિત્યસર્જક પણ પોતાની અટકળ અનુસાર સંવિધાન નિશ્ચિત કરે છે. જીવનમાંથી મળેલા ઉપાદનનું શું તાત્પર્ય હશે એની અટકળ કરવામાં સર્જકનું મન વૈજ્ઞાનિક પેઠે કામ કરે છે. પણ વૈજ્ઞાનિક હકીકતો ફેરવી શકતો નથી, તેને ઘાટ આપવા કાપકૂપ કરી શકતો નથી; એટલું જ નહિ, એને કોઈ નવી વીગત, પોતાની અટકળને અંશત: પણ બાધક, જડી આવે તો પોતાનો ઊહ (Hypothesis) તેને ફેરવવો પડે છે. એમાં બીજો કશો માર્ગ છેજ નહિ. સાહિત્યકાર વધુ સ્વતંત્ર છે. જેની માત્ર ઝાંખી જ થઈ છે એવા અંત કે તાત્પર્યને સાહિત્યકાર નિશ્ચિત ગણી એને અનુકૂળ રહે એવા જીવનનો ઘાટ ઘડે છે. તાત્પર્ય એ એનું પ્રયોજન છે, અને તાત્પર્ય સહેજે ઉપસી આવે એવા ઘટક અંશો જ એને ઇષ્ટ છે અને તે જ એ સ્વીકારે છે. તેથી દરેક ઘટક અંશમાં સપ્રયોજનતા રહે છે. સર્જનવ્યાપારમાં આનો અર્થ એ થયો કે આકૃતિના હરકોઈ કલ્પનમાં સર્જકની બુદ્ધિ, ઊનવ્યવસ્થિત અને અલ્પ સાર્થકતાવાળા જીવનઉપાદાનમાંથી અન્ત અને રહસ્યની અટકળ કરે છે; તે રહસ્ય કે અન્તને નિશ્ચિત કરી તે અનુસાર પૂર્વોક્ત ઉપાદાનને વ્યવસ્થિત કરે છે, સંસ્કાર છે, જરૂર જણાતાં ફેરવે પણ છે. એમ કરતાં કરતાં એના સંવિત્માં સમગ્ર વિભાવના કે કલ્પન ઉપસ્થિત છે જે શબ્દમાં આવિષ્કાર પામવા છે. મતલબ કલ્પન થતાં સુધી તે કલ્પન શબ્દદેહ પામતાં સુધી આ વ્યાપારમાં મૂળથી મુખ સુધી ને મુખથી મૂળ સુધી ગતિપરાગતિ ચાલ્યા કરે છે. આન્તર ઉપાદાનની અનુનેયતા આકારક્ષમતાને લીધે સર્જકની જીવનદૃષ્ટિ સાહિત્યકૃતિની આકૃતિમાં એક નિયામક તત્ત્વ થઈ જાય છે. જેની દૃષ્ટિ કુંવારી છે, જે જગતમાં આંખકાન ઉઘાડા રાખી રહસ્ય શોધવા વિચરે છે, તે વિશેષ તટસ્થ સાહિત્યકાર થવા સંભવ છે. તેનું સર્જન માત્ર સૌન્દર્યપરાયણ થાય અને તાત્પર્ય કે રહસ્ય કેવળ તેને જ આધીન રહે. આવા લેખકની જુદી જુદી કૃતિઓના તાત્પર્યમાં વિભિન્ન, પરસ્પર સંવાદી કે વિસંવાદી, જીવનદર્શન જણાય છે. કોઈ વાદને વરેલા કે નિશ્ચિત જીવનદર્શનવાળા સર્જકમાં આમ નહિ બને. સાહિત્યનું તે સૌષ્ઠવ ને ઔચિત્ય ને રસતત્ત્વ જાળવીને પણ ઇષ્ટ વિચારનું આવેદન થાય, એ પ્રકટ થાય, એની ઝાંખી થાય, એની સાથે મેળ રાખે, એવી આકૃતિ તે ઉપજાવવાનો. પૂંજીવાદી, સમાજવાદી, સર્વોદયલક્ષી, નિયતિદેખી, માંગલ્યદર્શી, અસારદર્શી, કે અન્ય કોઈ નિશ્ચિત વિચારસરણીમાં માનનાર એને માન્ય ધ્વનિ નીકળે એવું જ સંવિધાન કરે, એ કાચો કારીગર હોય તો એની કૃતિમાં કૃત્રિમતા વરતાઈ આવશે, એની પ્રતીતિજનકતા ઓછી લાગશે, એનું પ્રતિપાદન શિથિલ રહેશે. મહાન લેખકોએ પણ નિશ્ચિત વિચારને વરીને સ્વાભાવિકતા અને સૌન્દર્યનો ભોગ આપ્યો છે; તો મધ્યમ સર્જક ઇષ્ટ વિચારનું કલાદ્વારા પ્રતિપાદન કરતાં કૃત્રિમ થવા બહુ સંભવ છે. આવાં સર્જનોમાં, ધારો કે નવલકથા, ટૂંકી વાર્તા કે નાટક હોય, તો અવમર્ષથી નિર્વહણ ને અન્ત સુધીમાં વાર્તાપ્રવાહની અનેક (અસંખ્ય નહિ, બેપાંચ) શક્યતાઓમાંથી પોતાના કલ્પનને અનુકૂળ એકની પસંદગી કરે છે. ગર્ભ કે અવમર્ષ સુધીની રચના એવી છે કે એને એક જ અન્ત હોય એમ માનવું વધારે પડતું છે. લેખક અન્તની પસંદગી કરી લે છે. તે કોઈ વાદનો પ્રસ્થાપક કે પ્રચારક હોય તો ભાનપૂર્વક પસંદગી કરે છે, નહિ તો સંસ્કાર પરંપરા કે લોકરુચિને બળે એનાથી પસંદગી થઈ જાય છે. મહાભારતકારે પસંદગી કરી લીધી છે; કાલિદાસે શાપ અને શાપના નિવારણરૂપ યોજનાથી પસંદગી કરી લીધી છે. એ જ કથાઓ યુરોપી કલાકારોએ બહુધા ફેરવી દીધી હોત, વાર્તાનું મુખ્ય માળખું એનું એ રાખીને, ‘સરસ્વતીચંદ્ર’માંની વાર્તાની ભૂમિકા બદલ્યા વિના વ્યક્તિસ્વાતંત્ર્યવાદી કોઈ લેખકે કુમુદ અને કુસુમ સંબંધી વાર્તાનો અંત જુદો નિર્મ્યો હોત. કુશળ વાર્તાકાર એમાં પણ પરિણામની સ્વાભાવિકતા દાખવી શક્યો હોત. પછી એમાં કે આમાં સૌન્દર્યદર્શન વિશેષ છે એ અભિપ્રાયનો પ્રશ્ન બનત. જ્યાં સુધી વાર્તાની પીઠિકા એક પ્રશ્નની રજૂઆત કરતી હોય છે ત્યાં સુધી બે વિભિન્ન દૃષ્ટિવાળા સર્જકો તેને એક સરખી રાખી શકે. જુદી જુદી કથાઓમાં પ્રશ્નનું બિન્દુ જુદે જુદે સ્થાને આવી શકે. કોઈમાં અન્તની બહુ નજીક હોય, કોઈમાં લગભગ વચ્ચે હોય. ટૂંકી વાર્તામાં અવમર્ષ અને અન્ત નજીક હોય છે એટલે એમાં ફેરફાર ઓછો શક્ય છે એ વાત ખરી, પણ અશક્ય છે એમ નહિ. નાનાં ખંડકાવ્યોમાં, અરે ઊર્મિકાવ્યમાં પણ એની એ ભૂમિકા રાખીનેય જુદા અન્તનું નિર્માણ સંભવિત છે. મણિશંકર ભટ્ટે પોતાના કોઈ કોઈ કાવ્યોનો અંત ફેરવી તેમનું હાર્દ જ બદલી નાખ્યું છે. રામનારાયણભાઈને ‘વૈશાખનો બપોર’માં માનવતાના પુરસ્કારને બદલે નિયતિની ક્રૂરતા જ દાખવવી હોત તો ભૂખ્યા બાપદીકરાને પરચૂરણ મજૂરની મંડળીએ પણ જાકારો દીધો હોત. મજૂરમંડળી બાપદીકરા સાથે વહેંચી ખાય છે એ અંત કઈ અનિવાર્ય નથી, સંભવે છે એટલું જ. ભદ્ર વર્ગમાંથી રોટલો આપનાર પણ સંભવતો હતો પણ એ સંભવ કવિને ઇષ્ટ નથી, એમના કાવ્યપ્રયોજનને અનુકૂળ નથી. આ ચર્ચા કૃતિના સૌષ્ઠવ અને રસતત્ત્વના ચિન્તનમાં પણ ઉપકારક છે. કૃતિ નાની હોય કે મોટી, નવલિકા હોય કે નવલકથા હોય, તેનું આન્તર ઉપાદાન ઝીણવટથી ગૂંથાઈને આકૃતિ થવું જોઈએ. એમાં પરસ્પર અનિવાર્યતાની દૃષ્ટિએ પરિસ્થિતિ, પાત્રા, ઘટનાઓ, વાર્તાલાપ આદિનો સંબંધ જેટલો સધાયો હોય તેટલું તેમાં સૌષ્ઠવ આવે છે. સમગ્ર યોજના અંત સાથે જેટલી અપરિહાર્ય લાગે તેટલી તેની કારીગરીની સફળતા ને વિશિષ્ટતા ગણાય. એમ બને કે એમ થતાં કોઈ કૃતિ અમુક દૃષ્ટિનું, પ્રણય આદિ કોઈ રસનું વિભાવપ્રતીક બની જાય. સામગ્રીને કેવો વળ આપવામાં આવે છે તે ઉપર રસના સ્વરૂપનો તથા આનન્દની સૂક્ષ્મતાનો પણ આધાર છે. કૃતિની શરૂઆત પ્રણયમાં હોય અને અંત પણ પ્રણયસુખમાં હોય તો કૃતિનો પ્રધાન રસ શૃંગાર છે એમ કહી શકાય; પણ કૃતિનો અંત કરુણ હોય તો શરૂઆતનો શૃંગાર માત્ર તેનો પોષક રસ બને, અને કૃતિની ભાવના કરુણ રસની જ ગણાય. સર્જનના પૂર્વાપર અંશો સપ્રયોજનતા સાથે કારણકાર્યની શૃંખલામાં છે, કાર્ય કારણને અસર પહોંચાડતું નથી; પણ આસ્વાદરૂપ રસમાં તેમ નથી. અન્ત આખી કૃતિને ઉઠાવ આપે કે વણસાડી પણ શકે; આખી કૃતિના રસતત્ત્વને વિશિષ્ટ બનાવે કે અકિંચિત્કર પણ કરે. મન પરિણામઆતુરતામાં વ્યગ્ર હોય ત્યાં કરુણનો વિલય કરી હાસ્ય કે હર્ષ નિષ્પન્ન થાય છે. આખી ગૂંચ, કશુંક અનુકૂળ બની જાય તો, સુખમાં ઊકલી જશે એમ વાંછતા હોઈએ તે અંત ઘેરા કરુણમાં આવે. અને એ અંત સમગ્ર સૌન્દર્ય અને રસમાં વ્યાપી જાય છે. પણ એ બોધ આખી કૃતિને માણ્યા પછી જ સંભવે. બધા જ ભાવોનું અને બધા જ સુખદ વેદનનું આકલન થઈ કૃતિના વિમર્ષમાં અન્તે લેલીન કરતી કોઈ વિશિષ્ટ અવસ્થાનો સાક્ષાત્ અનુભવ થાય છે. આ સૌન્દર્યબોધ છે. લોકપ્રસિદ્ધ વસ્તુ કર્તાએ લીધું હોય તો રસના વિશિષ્ટપણાના આસ્વાદની અનુકૂળતા મનને પહેલેથી રહે છે એ ખરું, પણ આપણે જ્યાં નિષ્પત્તિનાં કારણની ક્રમિકતાનો વિચાર કરતા હોઈએ ત્યાં એ વાત અપ્રસ્તુત છે. ભારતીય સંગીતના રાગના આસ્વાદમાં અને સાહિત્યકૃતિમાં આ બાબતમાં મોટો ભેદ રહે છે. રાગ શરૂ થતાં જ તમે તેને ઓળખી શકો અને તેની લીલામાં કયો ભાવ પ્રકટ થવાનો છે તે કલ્પી શકો, અથવા એ ભાવનો આસ્વાદ પહેલેથી જ તમે લેવા માંડો. આમ काव्यમાં સંભવતું નથી; એટલે અંશે તો સંભવતું નથી. મને તો લાગે છે કે ભારતીય રાગોમાં પણ રસનિષ્પત્તિ કરતાં સંવિત્ની આહ્લાદક વૃત્તિઓ જ અનુભવાય છે. ચિત્તનો વિકાસ કે ઉત્કર્ષ, ચિત્તની પ્રસન્નતા, ચિત્તની આર્દ્રતા-અર્થાત્ ઓજસ્ પ્રસાદ કે માધુર્ય જેવા ગુણાનુભછવના— સાક્ષી થવાય છે. આ બધી મનની એવી સાધારણ અવસ્થાઓ છે કે તેમને રસનું નામ ના આપી શકાય. કોઈ રાગની પીઠિકામાં કોઈ કડી મીરાંની કે સૂરદાસની હોય ને તેની આવર્તનતરેહોમાં આપણી કલ્પનાની ને વાસનાની મૂડી ઉમેરી રસાનુભવ કરીએ એ જુદી વાત છે. એમાં પણ ‘મારા રઘુવીર રે’ના આવર્તન કરતાં ‘સૂની મેં હરિ આવનકી આવાજ’ના આવર્તનમાં રસોત્પાદક ભૂમિકા વધારે છે એ દેખીતું છે. રાગોમાં ઊતરતી ચીજોને આ રીતે વિચારવા જેવી છે. કલાના અનુભવમાં તટસ્થ થયેલું મન આ બધાં બારણાં ઉઘાડાં રાખે છે અને અનેક સંસ્કારોને અંદર વહેવા દે છે; હૃદયની મોેકળાશ એક કળાના અનુભવમાં બીજી કળાનો અનુભવ કરે છે. ઊર્મિકાવ્યમાં સંગીતનો અને સંગીતમાં ઊર્મિકાવ્યનો અનુભવ થવો બહુ સામાન્ય છે. જે કલાભાવકો કવિતા વિશે એમ કહે છે કે એણે તો કોઈ વિશિષ્ટ રમણીય અવસ્થિતિમાં ચિત્તને ધકેલી દેવાનું છે, બાકીનું કામ ચિત્ત જ પોતાની રસ્મૃતિ ને સંસ્કારથી કરી લેશે, તેમની ભૂલ આ જ થાય છે. એવા કાવ્યમાં વસ્તુત: સંગીતનું તત્ત્વ કાવ્યના તત્ત્વમાં ભળી જાય છે. काव्यમાં અર્થ અને શબ્દનું સહિતત્વ બરાબર ઇષ્ટ છે. શબ્દ વિના અર્થનો આશ્રય નથી, વિવિધતા નથી, વિશિષ્ટતા કે ચોકસાઈ નથી. શબ્દની ગતિ વિના અર્થની ગતિ નથી, તેનું નિયમન નથી, આકાર નથી. વાસ્તે કાવ્યને ©¸ ™¸˜¸¸¾Ä તરીકે ઓળખીએ છીએ, પણ ‚˜¸Ä અને ©¸ ™ બેમાં તારતમ્ય કરવાનું જ હોય તે काव्य એ અર્થની કલા છે; શબ્દની નહિ, લયની નહિ, ભૌતિક ધ્વનિની નહિ. આ રીતે સર્જન અને અનુભાવનનો વ્યાપાર તપાસીએ તો સાહિત્યના પરમ પ્રયોજન આનન્દ અંગે પણ વિચાર ઉદ્ભવે છે. આહ્લાદ અને આનન્દનું કોઈ ઉત્કૃષ્ટ સ્વરૂપ સાહિત્યપરામર્શમાં અનુભવાય છે એ સાચું, પણ કયા સાહિત્યમાં અને ક્યાં એ તપાસવા જેવું છે. કોઈ પણ કૃતિના આસ્વાદના સમગ્ર સ્વરૂપનો વિચાર કરીએ તોપણ એનું અવચ્છેદક તત્ત્વ ક્યાંકથી આવે છે અને એ અવચ્છેદક તત્ત્વનો આધાર કવિનું લક્ષ્ય અને તેને મળેલી સિદ્ધિ ઉપર છે. ‘મધ્યરાત્રિએ કોયલ’માંનું આનંદતત્ત્વ, ‘સુદામાચરિત’માંનું આનન્દતત્ત્વ, ‘શાકુન્તલ’માંનું આનન્દતત્ત્વ, ‘કાકાની શશી,’ ‘આગગાડી’ કે ‘ઑથેલા’માંનું આનન્દતત્ત્વ એક જ છે? સરખી માત્રાનું છે? એ આનન્દનું ઊર્ધ્વમૂલ કર્તાને ઇષ્ટ અને કર્તાએ સિદ્ધ કરેલ અંતમાં છે; વસ્તુના નિર્વહણમાં છે; વિષયને આપેલા વળાંકમાં છે. रमणीयता કે સામાન્ય અર્થમાં सौन्दर्यÄ (રમણીયતામાં ભવ્ય કે રૌદ્રરમ્ય (Sublime), સુન્દર (Beautiful) અને ચારુ (Pretty, graceful)નો સમાવેશ થવો જોઈએ) અને रसને જુદાં જુદાં તત્ત્વ તરીકે સ્વીકારવાં જોઈએ. રસ એ આસ્વાદરૂપ છે, કાવ્યના પ્રવાહ સાથે એ આસ્વાદ ઓછોવત્તો આહ્લાદક થાય, પણ રસમાં ક્રમ છે, એ કૃતિ સાથે કાલમાં પ્રવર્તે છે. રસને સમગ્ર કૃતિ સાથે સંબંધ હોવા છતાં તેમાં કૃતિના ઘટકોની સાથે રહેતો પરંતુ વિશિષ્ટ ક્રમ છે. એ ક્રમના દરેક બિંદુએ તેની આગળ થઈ ગયેલા કૃતિઅનુભવના સંસ્કાર ભેગા થાય છે અને એમ રસાનુભવમાં સંસ્કારોનું વિશિષ્ટ વહન ચાલે છે. પરંતુ રમણીયતા કે સૌન્દર્યમાં ક્રમ નથી. કૃતિનું સૌન્દર્ય એ કૃતિના અવગાહનને અંતે થતો યુગપત્ સાક્ષાત્કાર છે, એમાં કાલનો ક્રમ નથી, કાલની મર્યાદા કે અવધિ નથી. આગળ કહ્યું તેમ સૌન્દર્યબોધ એ કૃતિનો સમગ્ર વિમર્શ છે, મનને લેલીન કરતી વિશિષ્ટ અવસ્થા છે જેમાં કૃતિ અંગેનાં બધાં જ સંવેદનોની અન્વિતિ થાય છે. સૌન્દર્યબોધ એ અખંડ, અક્રમ, સંપૂર્ણ, સમન્વિત અવસ્થા છે. રમણીયતા એ રસના તત્ત્વને પચાવી લઈ તે ઉત્પન્ન થયેલી સ્થિતિ છે.

योऽर्थ: तस्यान्वयात् काव्यं कमनीयत्वमश्नुते-

રમણીયતા એ વિશેષ વ્યાપક પદાર્થ છે અને રસ ના હોય ત્યાં પણ સંભવે છે. રમણીયતા માટે રસનો આશ્રય અનિવાર્ય નથી. રસ હોય તો તે તેનું ઘટક કે અવચ્છેદક તત્ત્વ બને, પણ રસનો અભાવ હોય ત્યાં પણ રમણીયતા શક્ય છે. પ્રકૃતિનાં દૃશ્યોમાં, ચિત્રમાં, સંગીતમાં, તેમ કાવ્યમાં પણ તેની શક્યતા છે. આમ સમજીએ તો ઘણાં નાનાં મુક્તકોમાં–જેમાં વસ્તુત: કશું રસતત્ત્વ નથી-આપણે રસ શોધવાની મિથ્યા મથામણ નહિ કરીએ. તેની ચારુતા જ સમજી પ્રસન્ન રહીએ. સૌન્દર્યમાં કયા તત્ત્વ કે તત્ત્વો સાથે આપણા સંવિત્નું અનુસંધાન થાય છે એ કહેવું વિકટ છે. એમાં રસબોધ પણ હોઈ શકે ને ઘણીવાર હોય છે. એમાં વાતાવરણની વિશિષ્ટતા ને સમતા હોઈ શકે. એમાં રેખાઓની લલિત લીલા રંગની ભભક ને સંવાદિતા હોઈ શકે. એમાં નાના મોટા ઘટકોનું, સમુદાયોનું, કુન્તક કહે છે તેમ શોભા અને આકર્ષણમાં પરસ્પર સ્પર્ધા કરતું, સંયોજન કોઈ સ્થાપત્યકૃતિના જેવું પણ હોઈ શકે. મતલબ કે પ્રકૃતિમાં લાલિત્ય, ચારુતા, સૌન્દર્ય, ભવ્યતાની વિવિધ ને અનર્ગલ સંપત્તિ ભરી છે એવી વિવિધ, અનર્ગલ અને નિયમોમાં ન બંધાય એવી સંપત્તિ રમણીયતાની છે. એટલું સ્પષ્ટ લાગે છે કે એ બધામાં સંવિત્ની કોઈ સૂક્ષ્મ અવસ્થા અને બાહ્ય પદાર્થ (અહીં કલાકૃતિ)ના તત્ત્વનો યોગ થાય છે. એ અવસ્થા અંદર હતી ને પ્રકટ થઈ, કે નહોતી અને બાહ્ય પદાર્થના સંપર્કથી ઉત્પન્ન થઈ, અથવા અમુક રૂપની હતી ને વિશિષ્ટ રૂપે પ્રગટ થઈ, એ રસનિષ્પત્તિની પ્રક્રિયા જેવડો મહાન કોયડો છે. બીજી કલાઓ કરતાં સાહિત્યમાં જણાઈ આવે એવી ભિન્નતા એ છે હું સાહિત્યમાં મનુષ્યવ્યવહારની સામગ્રી પ્રવેશે છે, મનુષ્યની ભિન્ન ભિન્ન વૃત્તિઓ અને સારાં નરસાં કાર્યો ઉપાદાન તરીકે આવે છે. પાત્રોની વૃત્તિઓ સારીનરસી, પાત્રો સારાંનરસાં, કાર્યો સારાંનરસાં એવા વિવેકવિચાર સાહિત્યમાં અપરિહાર્ય છે; લગભગ એવો અપરિહાર્ય છે જેમ સૂરની કોમલતા કે રંજકતાનો વિચાર સંગીતમાં, વા પથ્થરની જાતનો વિચાર સ્થાપત્યમાં અનિવાર્ય છે; સાહિત્ય ઘણી વાર શુદ્ધઅશુદ્ધ, શુભઅશુભ કાર્યો અને વૃત્તિઓનું સંયોજન છે, એવા સંયોજનમાંથી કોઈ જીવનમૂલ્ય સ્ફુરે છે, ઊગી આવે છે. જે રીતે આકાશના રંગો, નીતિવિચારથી નિરપેક્ષ, ચિત્રમાં ઊતરી આવે અને આપણે તે જોઈ આહ્લાદ પામીએ તે રીતે વ્યવહાર જે કલામાં સામગ્રીરૂપે આવતો હોય તેમાં બનતું નથી. પ્રજાની ભાવના કે પરંપરામાં રહેલા નીતિના સ્ફુટઅસ્ફુટ વિચારો વ્યવહારનાં કાર્યો સાથે અવિનાભાવથી સંકળાયેલા છે. અને એ સંસ્કારો સાથેનો જીવનવ્યવહાર કલારૂપ ધરે છે. સાહિત્યના સૌન્દર્યબોધમાં સ્ફુટ કે અસ્ફુટ રીતે જીવનનાં મૂલ્યો પ્રવેશ પામે છે, પામ્યા વિના રહેતાં જ નથી, તે કઈ જાતનાં જીવનમૂલ્યો કૃતિમાંથી સ્ફુરે છે તે ઉપર પણ એની મૂલ્યવત્તાનો આધાર છે. અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે જીવનનાં મૂલ્યો એટલે એક સમાજ કે સમયનાં પારંપરિક મૂલ્યો નથી, પારંપરિક મૂલ્યોથી તદ્દન ભિન્ન કે વિરુદ્ધ મૂલ્ય હોઈ શકે. અને બીજું એ કે જીવનનાં મૂલ્યો સૌન્દર્યનાં ઘટક તત્ત્વોરૂપે, સૌન્દર્યરૂપે, ઉપસ્થિત થવાં જોઈએ. ઉચ્ચ જીવનની કેટલીક ભાવના સાર્વજનીન છે. પ્રેમ, મૈત્રી, સમભાવ, કરુણા, દયા, ક્ષમા, વિનમ્રતા, આર્જવ, ધૃતિ, સત્યકામતા, સત્યનિષ્ઠા, કર્તવ્યબુદ્ધિ, અનાસક્તિ, સમત્વ, ત્યાગ, આમાંના કોઈ કાઈનું કે ઘણાનું અસાધારણ દર્શન—તેનું કથન નહિ, તેનો સાક્ષાત્કાર, તેનું પ્રતિભાન—હૃદયને અત્યંત આહ્લાદક થાય છે. સાહિત્યનું સ્વરૂપ, જીવનમૂલ્યોનું સ્ફુરણ અને આહ્લાદની ઉચ્ચઅવચતા કેવાં ગૂંથાઈ શકે તે જોઈએ. ‘શાકુન્તલ’માં પ્રથમ અંકમાં મુગ્ધા યૌવનાનાં દર્શનથી તથા સખીઓના પરિહાસથી સામાજિકનું મન ખૂબ આકર્ષાય છે અને રાજાની રીતરસમથી ટેવાયલે પુરુષ કંઈક પ્રાકૃત આકર્ષણ લાભે છે. એ અંકના દર્શનમાં મઝા તો પડે છે પણ એને સમગ્ર નાટકના સૌન્દર્યવિમર્શના આનંદ સાથે સરખાવી શકાય નહિ. કોઈ નાટકકાર શકુંતલાના પ્રત્યાખ્યાનમાં જ નાટકનો અંત આણે; અથવા તો શકુંતલા બંને પક્ષથી તજાયા પછી આત્મહત્યા કરે અને પછી દુષ્યન્તને પૂર્વસ્મરણ થયું એવું સંવિધાન રચે; તો નાટકનો રસ તો બદલાય જ, પણ મને લાગે છે કે નાટકના આનન્દનું તત્ત્વ પણ બદલાય. એ આનન્દમાં ગ્લાનિ કે વ્યથા ભળે. મનુષ્ય મનુષ્ય તરીકે દૃઢ અને પરાક્રમી લાગે છે કે માત્ર નિયતિનો જ જયજયકાર છે એના ઉપર પણ આનન્દના સ્વરૂપનો આધાર રહે અને એ આનન્દ પરાકોટિનો કદાચ ન યે હોય. નાટકકાર પ્રહસન કે ફારસની ધિંગામસ્તી કે ઠઠ્ઠાબાજી રઠ્ઠૂ કરે એમાં આકર્ષણ છે, મઝા પણ છે, કદાચ હર્ષનો ઉદ્રેક પણ છે. નાટકકાર પૂર્વોક્ત શાકુન્તલની બાબતમાં એક કોયડો કે જીવનવૈષમ્ય મૂર્ત કરે તો તેમાં પણ સામાજિકનું ચેતન વિશાળતા અને ઊંડાણનો અનુભવ કરી નવા જ્ઞાનનો – પછી તે માત્ર પ્રશ્નરૂપી જ્ઞાનનો હોય-વિસ્મય પામે છે. પણ ગૂંચવાડામાં પડી, કલાકારના ઉકેલથી, જીવનના કોઈ અંતિમ કે સનાતન મૂલ્યના સ્ફુરણથી સાચી રીતે છૂટકારો અનુભવવો તેમાં ખરી આનંદમય વિશ્રાન્તિ છે, પ્રશમ છે. શાકુન્તલ જેવી કૃતિમાં કારુણ્ય સંમાર્જિત પ્રણયદર્શનના આહ્લાદનાં તત્ત્વો શુદ્ધ થતાં થતાં, સૂક્ષ્મ થતાં થતાં સ્થિર મુદારૂપ અનુભવાય છે. સંવિત્ અસાધારણ ચેતનમયતા, વ્યાપકતા ને વિશ્વમૈત્રી દાખવે છે, એ જ ઉત્કૃષ્ટ આનંદાનુભવનું રહસ્ય છે. વિશ્વયોજનામાં આધ્યાત્મિક ઋતના દર્શનથી તેને પરિતોષ થાય છે. કરુણ કૃતિમાં પણ આર્દ્રતાના સંવેગથી અંગત રાગદ્વેષ ને બીજી માનસિક દીવાલો પીગળી જઈ આત્મશુદ્ધિની મુદા અનુભવાય છે. ઉદારતા, વીરત્વ, ત્યાગ, આત્મભોગ આદિના સાક્ષાત્કારમાં જીવનનાં અપ્રત્યક્ષ મૂલ્યોમાં શ્રદ્ધા પ્રગટ થઈ ઉદાત્ત જીવનની કૃતાર્થતાની સૂક્ષ્મ તૃપ્તિ મળે છે. અ-પૂર્વ સમજણના ઉદયનો વિસ્મય અને પ્રેમતત્ત્વનો વિસ્તાર, એટલે કે પ્રકાશ, પ્રીતિ અને માધુર્ય, ઉત્તમ આનન્દના આધાર છે. કોલાહલ, વ્યગ્રતા, વિહ્વળતા, આતુરતા, આવેગ આદિ પછીની શાંતિ, પ્રસન્નતા, મુદ્દા, મૈત્રી, પ્રીતિ, ભક્તિ એવાં એવાં જીવનતત્ત્વોને સમાવતો સૂક્ષ્મ અને જાણે સ્થિર આનન્દ એ પ્રશિષ્ટ કૃતિના સમગ્ર સૌન્દર્ય સાથે અવિનાભાવ સંબંધથી રહેલો છે. એને એળખવો, એની પ્રત્યભિજ્ઞા કરવી, એને માટે આતુર રહેવું, અને એની પ્રતિપત્તિ થતાં તેનું સહૃદયને નિવેદન કરવું એ વિવેચકનું કાર્ય છે, તેનો ધર્મ છે. [‘પરિશીલન’, 1949]