ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સાહિત્ય, સિદ્ધાંત અને સાહિત્યસિદ્ધાંત – નીતિન મહેતા, 1944

From Ekatra Wiki
Jump to navigation Jump to search


43 Nitin mehta.jpg ૪૩
નીતિન મહેતા
(૧૨.૪.૧૯૪૪ – ૧.૬.૨૦૧૦)
સાહિત્ય, સિદ્ધાન્ત અને સાહિત્યસિદ્ધાન્ત
 

આપણે જેને ‘સાહિત્યસિદ્ધાંત’ કહી ઓળખાવીએ એવું કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હોય તો ‘સાહિત્ય’ જેવું પણ કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હશે જ એવું અનુમાન કરવાનું રહે. સાહિત્યસિદ્ધાન્ત એ શું છે એવો પ્રશ્ન પૂછીએ છીએ એમ સાહિત્ય શું છે એ પ્રશ્ન આજે ફરી ફરી પૂછવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હકીકત, માહિતી, માન્યતા, વિચારસરણી, કલ્પના, અનુભૂતિ, ભાષાની લાક્ષણિકતાઓ – આ બધાંનો સાહિત્ય સાથે શો સમ્બન્ધ છે એવા અને બીજા તાત્ત્વિક પ્રશ્નો સમયે સમયે શબ્દાન્તરે, સંદર્ભફ્ેરે પુછાતા રહ્યા છે અને સાહિત્યમાં એમનાં કાર્યો વિશે જુદી જુદી ભૂમિકાએ ચર્ચાવિચારણા થતી રહી છે. પરંપરાએ વર્ણવેલાં સાહિત્યનાં પ્રયોજનો તથા એના હેતુઓ વિશે વફાદારી કેળવીને જે કંઈ રચાય છે એ સાહિત્ય છે? સાહિત્યને કોઈ નિશ્ચિત જડબેસલાખ માળખામાં પૂરી શકાય ખરું? રુચિ, ગમાઅણગમા, વિવિધ વિચારધારાઓનું વહન કરવું, અલગ અલગ વિદ્યાશાખાઓ જોડે સમ્બન્ધ સ્થાપી રચનાઓ કરવી એ સાહિત્ય છે? સાહિત્યની સીમા કે એના વિસ્તારને નક્કી કરનારાં પરિબળો કયાં? જે લખાય છે એ લખાણને કે વાચક જેને સાહિત્ય ગણે છે એને જ સાહિત્ય કહીશું? ટેલિફોનનું બિલ, રેલવેનું ટાઇમટેબલ ઇત્યાદિને જો સાહિત્ય કહેતાં નથી તો સાહિત્ય કોને કહીએ છીએ? વળી, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા સાહિત્ય પ્રકારો પાડી એ વ્યાપક સંજ્ઞા હેઠળ જે કંઈ આવે એ શું સાહિત્ય છે? અને ત્યારે સાહિત્યપ્રકારો પાડનારના મનમાં સાહિત્ય વિશેની કઈ વિભાવના રહેલી હોય છે? અથવા તો સાહિત્યશાસ્ત્રીઓએ સાહિત્યના આવા પ્રકારો પાડેલા છે જે પરાપૂર્વથી ચાલ્યા આવે છે અને એની સામે પ્રશ્નો ન પુછાય એવા કોઈ ગૃહીતને સ્વીકારીને આપણે ચાલીએ છીએ? એક જ રચનાને જ્યારે કોઈ એક વિવેચક કે સહૃદય ઉત્તમ કહે છે અને અન્ય વિવેચક એ જ રચનાને સામાન્ય કક્ષાની, ક્યારેક વાહિયાત કે અસાહિત્યિક કહે છે ત્યારે સાહિત્ય વિશેના કયા માપદંડો લઈ એ બધા ચાલે છે? ઉદાહરણ તરીકે આપણે ત્યાં ‘સરસ્વતીચન્દ્ર’, ‘મરણોત્તર’ વિશે થયેલાં વિવેચનો; સુરેશ દલાલ, ચન્દ્રકાન્ત બક્ષીની રચનાઓ વિશેનાં વિવેચનો. નરસિંહ મહેતા, કાન્ત કે મકરન્દ દવેને કવિ માનનાર અને કવિ ન માનનારના મનમાં સાહિત્ય વિશેની કઈ વિચારણા અસ્તિત્વ ધરાવતી હશે? સાહિત્યનું રાજકારણ, રચનાનું રાજકીય વાચન, રુચિ અને ગ્રાહકતાનાં સમયે સમયે બદલાતાં ધોરણોના સંદર્ભમાં જે તે રચનાનાં અર્થઘટનો કે મૂલ્યાંકનો કરનારની પાસે સાહિત્યની કોઈ નિશ્ચિત કે અનિશ્ચિત કે પ્રવાહી વિચારણા રહેલી હોય છે? અથવા તો યદૃચ્છાથી બધો ખેલ ચાલ્યા કરે છે? બીજી રીતે કહેવું હોય તો સમયસાપેક્ષતાનો, સનાતનતાનો કે ભંગુરતાનો કયો વિચારભાવ સાહિત્ય સાથે સંકળાયેલો છે? ઉચ્ચ સાહિત્ય, નિમ્ન સાહિત્ય, લોકપ્રિય સાહિત્ય, દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય એવા વિભેદો કરવામાં આવે છે ત્યારે સાહિત્યને મૂલવવાનાં કયાં ધોરણો પ્રવર્તતાં હોય છે? અનુઆધુનિક સાહિત્યવિચારમાં વિભાવો અરાજકતાભરી સ્થિતિએ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે ત્યારે સાહિત્ય વિશે, એની વિભાવના અને કાર્ય વિશે કોઈ મૂંઝવણ જન્મે છે? આ અને આવા અનેક વિશિષ્ટ અને તાત્ત્વિક પ્રશ્નો પછીય સાહિત્ય વિશેની કોઈ અન્તિમ કે અવિચલિત વિચારણા આપણા મનમાં સ્થિર નથી થઈ એ એક સુખદ અને નિરામય ઘટના ગણી શકાય. સાહિત્યની વિભાવના વિશે કેટલાંક કામચલાઉ સમાધાનો શોધ્યા પછી પણ સાહિત્ય, સિદ્ધાન્ત અને સાહિત્યસિદ્ધાન્ત શું છે એ પ્રશ્ન સંશયી બનીને પૂછવાનો હક્ક તો આપણે ધરાવીએ જ છીએ. સાહિત્ય એટલે શું? એ પ્રશ્નની ફેરતપાસ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી અનેક વિચારકોએ, વિવેચકોએ કરી છે, ઝા પૉલ સાત્ર કૃત ’What is Literature?’ (પ્રમોદકુમાર પટેલે એના એક અંશનો અનુવાદ ‘સાહિત્યનું પ્રયોજન’ ‘ઊહાપોહ’ 1974, અંક 50, પૃ. 1–12 કર્યો છે); પોલ હર્નાડી સમ્પાદિત ‘What is Literature?’ (શિરીષ પંચાલે ‘એતદ્’ ડિસેમ્બર 1982, અંક 56માં એનો પરિચય કરાવ્યો છે). આ ઉપરાંત ટેરી ઇગલટન કૃત ‘Literary Theory?’, પીટર વિડોસન કૃત ‘Literature’ તથા એલિઝાબેથ બોમૉન્ટ સમ્પાદિત ‘The question of Literature’ જેવાં પુસ્તકોમાં સાહિત્યની વિભાવનાને સમજવાના, સમજાવવાના અનેક પ્રયત્નો થયા છે. આ ઉપરાંત સાહિત્યસિદ્ધાન્ત વિશે અનેક સ્વતન્ત્ર પુસ્તકોમાં તથા સમ્પાદનોમાં અનેક કેન્દ્રોથી સાહિત્ય, અને સિદ્ધાન્ત(theory)ના સમ્બન્ધ વિશે વિચારમન્થન થતું રહ્યું છે. આપણે ત્યાં સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, પ્રમોદકુમાર પટેલે ચન્દ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચન્દ્ર, સુમન શાહ, શિરીષ પંચાલ, બાબુ સુથાર અને અન્ય વિવેચકોએ સમયે સમયે સાહિત્યસિદ્ધાન્તો વિશે ચર્ચાવિચારણા કરી છે. અહીં રેમન સેલ્ડન, જૉનાથન લર, પૉલ દ માન, ટેરી ઇગલટનનાં પુસ્તકોને આધારે સાહિત્ય અને સાહિત્યસિદ્ધાન્ત સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોનો પ્રાથમિક ભૂમિકાએ રહી પરિચય આપવામાં આવ્યો છે અને અન્તે ઝાં મિશેલ રાબાતેના ‘The Future of Theory’ (સુમન શાહ તથા બાબુ સુથારે ‘ખેવના’ અંક 81માં આ સંદર્ભે થોડી ચર્ચા કરી છે.) અને ઇગલટનના ‘After Theory’: આ બે પુસ્તકોને આધારે સાહિત્યસિદ્ધાન્તની ગતિવિધિ વિશે થોડીક નુક્તેચીની કરી છે.

1

સાહિત્ય એટલે માત્ર કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, આત્મકથા અને જીવનકથા? સિદ્ધાન્ત આપનાર તો આ પ્રકારોથીય આગળ જશે. એટલે કે સાહિત્યનાં સામાન્ય લક્ષણો જેવાં કે રચના કયા પ્રકારની છે? એના ભાવનથી શું થાય? એનું ધ્યેય શું? આવા અનેક પ્રશ્નો સિદ્ધાન્તકાર દ્વારા પૂછવામાં આવશે. સાહિત્યની વ્યાખ્યા જાણવા માટે સિદ્ધાન્તકાર સાહિત્ય શું છે એ પ્રશ્ન પૂછશે નહીં. પરંતુ એનું વિશ્લેષણ કરવા માટે અને દલીલ ખાતર કહેશે પણ ખરો કે સાહિત્ય સાથેની આપણી નિસ્બત શું છે, કેવી છે. પરંતુ સાહિત્ય એટલે શું? એ પ્રશ્નને એનાં જુદાં જુદાં લક્ષણોને આધારે સમજવાનો કે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ અસાહિત્યિક લખાણો કરતાં જુદું ક્યાં પડે છે? એ શું માત્ર સમય પસાર કરવાનું સાધન છે? જિજ્ઞાસુઓ આ પ્રશ્ન એટલા માટે પૂછે છે કે એમને જાણવું છે કે કઈ રચનાઓ સાહિત્ય છે અને કઈ રચનાઓ સાહિત્ય નથી અને જે કોઈ રચનાને જ્યારે સાહિત્ય કહીએ છીએ એ વિશે કોઈ સ્પષ્ટતા કહેનારના મનમાં છે ખરી અથવા તો જેને સાહિત્ય નથી કહેતા તો તેનાં પણ કારણો છે? સાહિત્યને વિશિષ્ટ દરજ્જો આપનારાં તત્ત્વો કયાં? આ સવાલ આમ તો અઘરો છે. બીજું એક સાહિત્યપ્રકાર અન્ય સાહિત્યપ્રકારથી ક્યાં અને કઈ રીતે જુદો પડે છે? ‘અશ્રુઘર’, ‘ઝંઝા’, ‘છિન્નપત્ર’, ‘ચહેરા’, ‘સમુડી’, ‘બદલાતી ક્ષિતિજ’, ‘પ્રિયજન’ ‘કૂવો’ ઇત્યાદિ રચનાઓને નવલકથા કહીએ છીએ તો એ રચનાઓ આત્મકથાથી ક્યાં જુદી પડે છે? માત્ર સાહિત્યપ્રકારો સંદર્ભે અને સાહિત્ય એટલે શું એ બન્ને ભૂમિકાએ આ પ્રશ્ન પૂછી શકાય. ઘટનાહ્રાસ અને ઘટનાના ભારે વજનવાળી રચનાઓને ટૂંકી વાર્તા કહીએ છીએ તો એવું કહેનારના મનમાં સાહિત્ય અને સાહિત્યપ્રકાર વિશેનો કયો ખ્યાલ અસ્તિત્વ ધરાવે છે? ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે!’માં લોકગીતનો અણસાર આવે; બીજી બાજુ રમેશ પારેખ, અનિલ જોશી કે વિનોદ જોશી લોકગીતની પ્રયુક્તિઓનો વિનિયોગ પોતાની રચનાઓમાં કરે ત્યારે એ રચનાઓ લોકગીતથી ક્યાં જુદી પડે? નરસિંહ મહેતા, કબીર ને અખામાં આવતાં ભક્તિ, અધ્યાત્મ મકરન્દ દવે, રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી કે હરીશ મીનાશ્રુમાં આવતાં ભક્તિ, અધ્યાત્મથી કઈ રીતે જુદાં પડે છે અથવા તો એ બીજું કંઈ છે? કાન્તની રચનામાં આવતું મહાભારતનું પાત્ર પાણ્ડુ દિલીપ ઝવેરીની રચનામાં આવતાં જુદું પરિમાણ પ્રાપ્ત કરતું હોય તો આ બંનેની રચનાને કવિતા કહેનાર પાસે સાહિત્ય વિશેના કયા આધારો છે? આવા અનેક પ્રશ્નો સાહિત્ય એટલે શું એ પ્રશ્નના સંદર્ભે વિચારવાના રહે. સાહિત્યના મૌખિકથી લેખિત સુધીના અનેક તબક્કાઓ છે. ‘સાહિત્ય’ સંજ્ઞાને અનેક રીતે પ્રયોજવામાં પણ આવે છે. માનવઉત્ક્રાન્તિનો ઇતિહાસ આપનાર વૈજ્ઞાનિક પોતે જે વાત કરે છે એને સાહિત્ય તરીકે ઓળખાવે છે; ક્યારેક રસોઈનું સાહિત્ય, પૂજાપાઠનું સાહિત્ય એવું પણ આપણે સાંભળીએ છીએ. પહેલાંના સમયમાં યુનિવર્સિટીમાં ભણાવાતું સાહિત્ય વાગ્મિતાશાસ્ત્રના એક અંશ તરીકે ઓળખાતું, બોધવાચનોના એક ભાગ તરીકે એનો અભ્યાસ થતો. આ જ સંદર્ભમાં વિચારીએ તો નરસિંહ મહેતા, અખો, વસ્તો કે દયારામની રચનાઓને કવિતા તરીકે ઓળખાવીએ અને રાજેન્દ્ર શાહ, કૃષ્ણ દવે, ચન્દ્રકાન્ત શાહ, દિલીપ ઝવેરીની રચનાઓને પણ કવિતા તરીકે પ્રમાણીએ ત્યારે કવિતા વિશેના કયા અને કેવા ખ્યાલો ધરાવીએ છીએ? પ્રેમાનન્દનાં ‘કુંવરબાઈનું મામેરું’, ‘નળાખ્યાન’ ને ‘સુદામાચરિત્ર’ને આખ્યાન કહીએ છીએ અને સાથે ચિનુ મોદીના ‘બાહુક’, સિતાંશુ યશશ્ચન્દ્રના ‘જળાખ્યાન’ કે ‘જટાયુ’ વગેરેને પણ આખ્યાન તરીકે ઓળખાવીએ છીએ ત્યારે આખ્યાન કાવ્યપ્રકાર વિશે કેટલાક પ્રશ્ન તો થતા જ હશે. ટેરી ઇગલટન, જૉનાથન કલર, પીટર વિડોસન અને અન્ય કેટલાક વિવેચકો સાહિત્યનાં કેટલાંક લક્ષણોની સાથે કલ્પનાજન્ય જે હોય એને સાહિત્ય કહી શકાય એવું માને છે. આ વિચારણાથી ભિન્ન મત સમ્ભવી શકે. ગુજરાતી કવિતામાં જેને અછાન્દસ રચનાઓ તરીકે ઓળખાવીએ છીએ એને 1950 પહેલાં સ્વીકારી હોત ખરી? ન્હાનાલાલની ડોલનશૈલીની રચનાઓને બ.ક.ઠાકોર અછાંદસ કહેતા. અહીં પ્રશ્ન એ થાય કે આજે લખાતી અછાન્દસ રચનાઓ અને નાનાલાલની ડોલનશૈલીવાળી રચનાઓને કઈ રીતે ભિન્ન ગણીશું? 1950-55 પહેલાંની રચનાઓમાં આવતું છાન્દસ તથા ક્યાંક પ્રાસયોજનાનું તત્વ, યતિભંગ, અગેયતા જો અનિવાર્ય ગણાતાં તો આજે રચાતી કેટલીક રચનાઓની ભાષાયોજના, પ્રાસનો અભાવ, દીર્ઘ રચનામાં આવતા છન્દના ટુકડાઓ, બાલજોડકણાં, જાહેરખબરની ભાષાથી અંગત ભાષા સુધીના પ્રયોગોને પણ કવિતા કહીએ છીએ ત્યારે આપણે કવિતા, સાહિત્ય વિશેની કઈ વિભાવનાનું સમર્થન-અસમર્થન કરીએ છીએ? સાહિત્યપ્રકારોનાં પરંપરાગત માળખાંઓ અંશત: ભલે દૂર થયાં હોય, પ્રકારો ભલે એનાં નિશ્ચિત લક્ષણોની સીમાને ઓળંગી એકબીજામાં ભળી ગયાં હોય ત્યારે કોઈ ઠાવકાઈથી કહે કે સાહિત્યની વ્યાખ્યાઓ સમયે સમયે બદલાતી રહેતી હોય ત્યારે આ જવાબ સાહિત્ય એટલે શું એ વિશે ઝાઝો સંતોષ આપતો નથી. કોઈ વાર કંટાળીને કહી ઊઠીએ કે સમાજ જેને માન્યતા આપે એ સાહિત્ય અથવા તો અમુક સહૃદયો કે વિવેચકો જેને સાહિત્ય કહે એ સાહિત્ય તો આ જવાબથી પણ સંતોષ થશે ખરો? આ તો સાહિત્યના રાજકારણની અમુકતમુક વ્યૂહરચનાઓ છે એવુંય કોઈ કહી શકે. અથવા તો પોતે જે લખે છે એ જ સાહિત્ય એવું અતિ વિશ્વાસથી કહેનારા પણ મળી આવે. ટૂંકમાં આ જ સાહિત્ય છે અને અન્ય સાહિત્ય નથી એવું કહેવા માટેનાં આપણી પાસે કોઈ જવાબદારીભર્યા કારણો છે ખરાં? કદાચ સાહિત્ય એ નીંદામણના ઘાસ જેવું છે શું? એમાંથી નકામું ઘાસ અને કામનું ઘાસ કેવી રીતે જુદું પાડવું એવો ગંભીર પ્રશ્ન થાય પરંતુ અંતે પણ પ્રશ્ન તો રહે જ છે કે આપણે જેને સાહિત્ય કહીએ છીએ એ ખરેખર શું છે? થોડા નમૂના જોઈએ: • જશવન્ત છાપ ટેલિફોન બીડી પીઓ. (જાહેરાત) • કૃષ્ણ હકારના હરિ છે, સ્વીકારના શ્યામ છે. (સુરેશ દલાલ) • મુંબઈની ભૂગોળની એવી છે કે એમાં જાણે ભૂ પણ નથી અને ગોળનું ગળપણ નથી. (સુરેશ દલાલ) • નરીમાન પોઈન્ટ પર યુગલો પ્રેમનાં બ્યૂગલો વગાડે છે. (સુરેશ દલાલ) • તું પાણીની છોળ ઉડાડે છે ને મારી કવિતાના આકાશમાં શાશ્વતીની જેમ ચોંટી જાય છે. (યશવન્ત ત્રિવેદી) • સન્ત એ ઈશ્વર નથી, ઈશ્વરનો અનુવાદ છે; કેરીનો વેપારી એ આંબાનો અનુવાદ છે; એરકન્ડિશન એ હવાનો અનુવાદ છે; સૂર્યકુકર એ સૂર્યનો અનુવાદ છે. (અનિલ જોશી) • વૃક્ષનું ડોલન એ સ્વધર્મ છોડ્યા વગર વાયરાનું મન જાળવી લેવાનો પ્રયત્ન છે. ગૌરવ જાળવી કરેલું સમાધાન આવું હોય. ગતિ અને અગતિ જ્યારે હસ્તધૂનન કરે ત્યારે એક વૃક્ષ ડોલી ઊઠતું હોય છે. (ગુણવન્ત શાહ) • દુ:ખદાયી ગ્રહો: પૂર્વગ્રહ અને દુરાગ્રહ (અજ્ઞાત) આ નમૂનાઓ શું સૂચવે છે? આમાંના મોટા ભાગનાં અવતરણો નિબન્ધકારો ને ચિન્તકોનાં છે. એક અવતરણ કવિતાનો આસ્વાદ કરાવતાં ઉદ્ગાર પામ્યું છે. સાહિત્ય સાથે સંકળાયેલી કેટલીક પ્રયુક્તિઓનો આ અવતરણમાં ઉપયોગ થયો છે. અહીં અલંકાર છે, પ્રાસ છે, ચમત્કૃતિ છે, કલ્પન છે, કથન છે, ચિન્તનવિચાર છે, ભાવ ઉખાણાં અને પ્રશ્નો છે. નો કોમેન્ટ્સ. સાહિત્ય કોઈ ફ્રેઇમ નથી કે એમાં ભાષા ગોઠવી શકાય, એ એવું પાત્ર નથી કે એમાં ભાષા ભરી દેવાય. બીજી બાજુ સાહિત્યમાં કોઈ વિશિષ્ટ ભાષા પ્રયોજાતી નથી. વ્યવહારભાષા અને કાવ્યભાષા વિશેની તકરાર અન્તહીન છે. સિદ્ધાન્તકારોએ સાહિત્યનાં કેટલાક લક્ષણો ગણાવ્યાં છે. અહીં કેટલીક કાવ્યપંક્તિઓના સંદર્ભમાં સાહિત્યનાં લક્ષણો જોવાનો ઉપક્રમ છે. 1. સાહિત્ય ભાષાનું અગ્રસ્થાનીય સ્વરૂપ છે (Literature as the foregrounding of language) સાહિત્ય એ ભાષાની વિશિષ્ટ સંઘટના છે. ભાષા એની રોજબરોજની પરિચિતતાને ઓળંગી સંદર્ભના બળે વિશિષ્ટ પરિમાણ પ્રગટાવે છે અને સંવેદનને પ્રભાવક રીતે રજૂ કરવા માટે રચનામાં પ્રયોજાતી હોય છે જેથી તરત જ સહૃદયનું ધ્યાન ખેંચનારી બની રહે છે અને એ તરત કહી ઊઠે છે: ‘મને જુઓ, હું ભાષા છું.’ જયન્ત ગાડીત ભાષાના અગ્રસ્થાનીય કાર્ય વિશે નોંધ કરતાં કહે છે: ‘પ્રાગ જૂથના અભ્યાસીઓએ વિક્તોર શ્ક્લોવ્સ્કીના અપરિચિતન(defamiliarisation)ના ખ્યાલને બદલે અગ્રસ્થાનીયતાનો ખ્યાલ રજૂ કર્યો. અપરિચિતન અને અગ્રસ્થાનીય આ બંને સંજ્ઞાઓ પર્યાયવાચી રૂપે વપરાય છે પરંતુ અગ્રસ્થાનીયતાનો ખ્યાલ પૃષ્ઠસ્થાનીયતા(backgrounding)ને સ્વીકારે છે. ભાષાની કે કૃતિની સંરચનાની ઘણી પ્રયુક્તિઓ અમુક સમયે અમુક વસ્તુને પરિચિત કરવાની ક્ષમતા ધરાવતી હોય. પરંતુ એ પ્રયુક્તિઓ વખતોવખત વપરાઈને પછી ટેવવશ બની જતી હોય છે ત્યારે બીજી પ્રયુક્તિઓ અગ્રસ્થાનીય બને છે, ભાષાકીય વિચલન, પુનરાવર્તન, અલંકાર, છન્દ એમ વિવિધ રીતે અભિવ્યક્તિને સર્જક અપરિચિત કરતો હોય છે.’ (અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’, સં. જયન્ત ગાડીત, 12-13). રચનામાં અગ્રસ્થાનીયતા અલગ અલગ ભાષાકીય ભાત દ્વારા, ધ્વનિલયપ્રાસનાં પુનરાવર્તનોની વિવિધ પ્રયુક્તિઓ દ્વારા અને શબ્દરમતો દ્વારા, શબ્દોનાં જુદાં જુદાં સંયોજનોવિયોજનો દ્વારા જુદા જુદા સમાનઅસમાન સંદર્ભો પ્રગટાવવા ભાવકનું ધ્યાન ખેંચાય એ રીતે પ્રયોજવામાં આવે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ. • તને મેં ઝંખી છે / યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી (સુન્દરમ્) • પાણીમાં / પગ મૂકતાં જ / દરિયો ચિરાઈ ગયો / ચર્ર્ર્, (જયદેવ શુક્લ) • એક ઝળહળ ટપકું / જંપવા નથી દેતું / રાત્રિને. (કમલ વોરા) • ઝાડ જેવું ઝાડ / કીડીનાં જડબાં વચ્ચે ઘેરાયેલું (રાજેશ પંડ્યા) • લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ. (સુરેશ દલાલ) • હમણાં જ પંખી આવીને ઊડી ગયું ..../ હમણાં જ .../ પંખી અવશ્ય આવે જ છે / પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું. (ચન્દ્રકાન્ત ટોપીવાળા ક્યાંક થોડું વૈચિત્ર્ય, ક્યાંક ચમત્કૃતિ, ક્યાંક વિશિષ્ટ અવાજનો વિનિયોગ ઇત્યાદિ આ રચનાઓને વિશિષ્ટ પરિમાણ તથા આકાર આપે છે. આમ ભાષા એ સાહિત્યનું અગ્રસ્થાનીય રૂપ બને છે. 2. સાહિત્ય એ ભાષાનું એકીકરણ છે (Literature as the integration of language) સંવિધાનના સંસ્કાર દ્વારા, ભાષાની સંઘટના વડે રચનાના એકેએક અવયવ વચ્ચે અવિનાભાવી સમ્બન્ધ નિર્માણ પામે છે. સાહિત્ય એ ભાષાકીય સંઘટના છે, એના વિવિધ ઘટકો વચ્ચે અંગભૂત ઐક્ય ને સંકુલ સમ્બન્ધ રચનામાં સ્થપાય છે. રચનારીતિની વિવિધ પ્રયુક્તિઓ દ્વારા જુદાં જુદાં ઘટકો રચનામાં ભાવગત પુદ્ગલ નિર્માણ કરે છે. રચનામાં શબ્દ શબ્દ વચ્ચે, વાક્ય વાક્ય વચ્ચે, કલ્પન કલ્પન અને પ્રતીક પ્રતીક વચ્ચે સંદર્ભયુક્ત સમ્બન્ધ સ્થપાય છે. આ સમ્બન્ધ સાદૃશ્યનો કે વિરોધનો હોય, સંવાદિતા કે વિસંવાદિતાનો હોય, પ્રાસની ધ્વનિ તથા અર્થયુક્ત યોજનાનો હોય, ઘણી વાર સર્જક વ્યાકરણગત વ્યવસ્થા અથવા એના ભંગનો, વસ્તુગત નકશીકામનો, ભિન્ન છેડાની પ્રાસયોજના દ્વારા ભાવના સ્થાપન કે ઉત્થાપનનો સમ્બન્ધ રચતો હોય છે. ઉદાહરણ તરીકે આંસુ/ ફાસું (પ્રેમાનન્દ), ભાસે/ પાસે (કાન્ત), ગોળગોળ મૂંઝાય (સિતાંશુ યશશ્ચન્દ્ર). થોડાં વધુ ઉદાહરણો જોઈએ આ ઉદાહરણોમાં આગળ વર્ણવ્યાં છે તે તત્ત્વો એક કે બીજા સ્વરૂપે જોવા મળશે. ક. કવિતા દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં અનેક પડકારો પછીયે હંમેશાં લખાતી રહેશે ખોવાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છેની રાડારાડ તો રોજ સંભળાય છે. અને / બે કાને આંગળી ખોંપી / દાંત વચ્ચે કલમને ઝાલી છાતીએ કોણી હેઠ કાગળ વળગાડી / કવિ ઊભો થવા જાય છે સામે છે કોમ્પ્યુટર. (દિલીપ ઝવેરી) ‘ખોવાઈ ગઈ છે’નાં પુનરાવર્તન કવિતા હવે નામશેષ થઈ જશે એનું અરણ્યરુદન કરતાં, સમૂહ વિજાણુમાધ્યમો વિશે રોકકળ કરતાં, અલબત્ત કવિતા માટે ઊંડી નિસ્બત ધરાવતાં અનેકોની વેદનાને વાચા આપે છે. કવિ અને એનો શબ્દ અનેક આક્રમણો પછીયે જીવન્ત રહેવાના છે, કવિ ક્યારેય એ પડકારો સામે ઘૂંટણિયાં ટેકવશે નહીં એવી શ્રદ્ધાનો રણકો પણ આ પંક્તિઓમાં સૂચવવામાં આવ્યો છે. ખ. એકવિધ જીવનની યાન્ત્રિકતાની સ્વની આગવી ઓળખ વિના જીવ્યા કરવું એ વાત ‘એ’કારનાં આવર્તનો દ્વારા સિતાંશુ યશશ્ચન્દ્ર આ રીતે નિરૂપે છે વનનો લીલો અન્ધકાર જેમ કહે તેમ સૌ કરે: ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે. ગ. મૂકેશ વૈદ્યની એક રચનામાં વીતેલો સમય ઓથાર બની અસ્તિત્વને અનેક રીતે પીડા આપે છે. યુગ બદલાય છે પરંતુ વેદના? દ્વાપર, ત્રેતા અને સતયુગની ગાથા ગાતા પાષાણો તમરાંકંસારી થઈ ગુંજતાં ચકરાય સ્થળમાં, તળમાં ને રક્તમાં અહીં યોજાયેલાં પ્રતીકો સમય ને અસ્તિત્વ બંનેને સાંકળનારાં બન્યાં છે. હવે કેટલાક કવિઓની થોડી પંક્તિઓનો માત્ર નિર્દેશ કરીએ. સંદર્ભોની સંકુલતા ને અર્થમુદ્રાઓ અનેક રીતિવિશેષોથી આ રચનાઓમાં રૂપ પામી છે. • અવાજને ખોદી શકતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. (લાભશંકર ઠાકર) • નહિવત બની રે’તું માટી મહી પણ બીજની તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા. (રાજેન્દ્ર શાહ) • જળ સઘળું બાષ્પ બને. / પ્રતિબિમ્બો ક્યાં જાય? (ભરત નાયક) • કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું. જાવ, હવે તડકાને બાંધો. (અનિલ જોશી) • આંસુ ઉપર કોના નખની થઈ નિશાની? (ચિનુ મોદી) • કેશ કર્યા છે ખુલ્લા કોણે? જંગલ વચ્ચે રાત પડી, ચાંદો પ્હેરી કોણ ગયું કે રસ્તે નક્ષત્રોની ભાત પડી. (મણિલાલ પટેલ) • છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું એમ પડ્યો છે પ્હાડ, હળવે રહીને શ્વાસ લિયે ત્યાં ઊગી નીકળે દેહ ઉપર કૈં નાનાંમોટાં ઝાડ! (હર્ષદ ત્રિવેદી) જોકે દરેક સાહિત્યસ્વરૂપમાં ભાષાની અગ્રસ્થાનીયતા અનિવાર્ય નથી. ઘણી વાર અલગ અલગ શબ્દ કે શબ્દજૂથોને બાજુબાજુમાં મૂકી એના આરમ્ભ, મધ્ય કે અન્તને સ્થાને પ્રાસયોજના કરવાથી પણ આકાર ન બંધાય. (પ્રશ્ન એ પણ થાય કે નવલકથામાં ભાષાનું અગ્રસ્થાનીય સ્વરૂપ શક્ય છે ખરું?) માત્ર પ્રાસની યાન્ત્રિક રમતથી સાહિત્ય રચાતું નથી. જો એવું જ હોત તો પ્રાસની રમત કરનારને આપણે ઉત્તમ કવિ ગણ્યા હોત. પ્રેમાનન્દ, નિરંજન ભગત, લાભશંકર ઠાકર, હરીશ મીનાશ્રુ કે સુરેશ દલાલ એમની કેટલીક રચનાઓમાં પ્રાસની પ્રયુક્તિઓનો આધાર લે છે છતાં દરેકનું કવિ તરીકેનું મૂલ્યાંકન વિવેચકો કેમ જુદી જુદી રીતે પ્રમાણે છે? ‘સાહિત્ય’ સંજ્ઞાને સમજવા માટે અગ્રસ્થાનીયતા અને એકીકરણને આપણે સાહિત્યનિર્માણનાં વિલક્ષણ ઘટકો કહી શકીએ. ભાષાની બધી જ અગ્રસ્થાનીયતાની રીતિઓ ઘણી વાર સાહિત્ય ન પણ હોય. તો તો ‘રવિ પછી તો સોમ છે’ કે ‘લીમડી ગામે ગાડી મલી’ કે ‘આજે મને થયો છે ફ્લૂ, આકાશ લાગે છે બ્લૂ બ્લૂ બ્લૂ’ને સાહિત્ય કહેવાનો વારો આવે. અહીં ભાષા ધ્યાન જરૂર ખેંચે પણ એ ભાષાનું સાહિત્યિક કાર્ય? ખાસ કરીને જાહેરાતોમાં ભાષાની અગ્રસ્થાનીયતાનો વિનિયોગ ધ્યાન ખેંચવા માટે થતો હોય છે. ઉદાહરણ તરીકે ‘દાગ અચ્છે હૈં’ (સર્ફની જાહેરાત) સાથે સાથે ચૂંટણીની જાહેરાતો, સભાને સમ્બોધીને થતાં ઉદ્બોધનો, જાહેર વ્યાખ્યાનોમાં સાંભળવા મળતા વાણીના લહેકાઓ અને ભાષાના કાકુઓમાં અગ્રસ્થાનીયતા મહત્ત્વનું કાર્ય કરે છે. આથી જ જોનાથન કલર કહે છે કે દર વખતે ભાષાની અગ્રસ્થાનીયતાની પદ્ધતિ કે ભાષાની એકીકરણની રીતિ સાહિત્યને અન્ય લખાણો કરતાં જુદી કેટેગરીમાં મૂકવાનું કામ ન પણ કરે. અને આ પ્રકારની પ્રયુક્તિઓને લેખકની ચિત્તસ્થિતિ કે સમાજમાં જે કંઈ ચાલે છે એના પ્રતિબિમ્બ રૂપે જોવાની ન હોય. 3. સાહિત્યને fiction(કલ્પિત) તરીકે જોવાનું એક વલણ છે. દરેક વાચક સાહિત્ય પાસે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ લઈને જાય છે. એનું એક કારણ એ છે કે સાહિત્યિક ઉક્તિઓનો આ વિશ્વની સાથે એક વિશિષ્ટ સમ્બન્ધ છે. અને આપણે fictional (ઉપજાવી કાઢેલો) સમ્બન્ધ કહી શકીએ. સાહિત્ય આખરે તો એક ભાષાકીય ઘટના છે જેમાં કાલ્પનિક વિશ્વનું નિર્માણ થતું હોય છે. આ કાલ્પનિક વિશ્વમાં પ્રવક્તા, અભિનેતાઓ અને સમ્ભાવ્ય શ્રોતાગણ(implied audience) રચનાનો આસ્વાદ લેતાં લેતાં પાત્રો, કથા કે કથામાં વર્ણવાતાં કાર્યો વિશે પોતપોતાના અભિપ્રાય ક્યારેક બાંધે છે, ક્યારેક સમ્મતિઅસમ્મતિના સૂરો પ્રગટ કરે છે, ક્યારેક લેખકે યોજેલી વ્યૂહરચનાઓનાં વિવરણ, વિશ્લેષણ, અર્થઘટન ને મૂલ્યાંકન પણ કરે છે. લેખકે નિર્મેલી સૃષ્ટિ સાથે અનુસંધાન પણ રચે છે. સાહિત્યરચનાઓ કલ્પનાપ્રધાન હોય છે, ઐતિહાસિક અને વાસ્તવિક ઓછી. વાસ્તવને જોવાનો, આલેખવાનો દરેક સર્જકનો દૃષ્ટિકોણ જુદો જુદો હોવાનો. એની સાથે તિર્યકતા, વક્રતા, ધ્વનિ, સંકેતો એક કે બીજી રીતે ઓતપ્રોત થવાનાં. આખરે તો ભાષા જ વાસ્તવનું રૂપ બદલી નાખતી હોય છે. આમ તો કોઈ પણ સાહિત્યિક રચના પૂર્ણપણે નથી હોતી વાસ્તવિક કે નથી હોતી કાલ્પનિક, માત્રાભેદે ઘણી વાર રચનાઓનું વાસ્તવપ્રધાન કે કલ્પનાપ્રધાન રચના તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ સામાન્ય પ્રકારનું હોય છે. સાહિત્યરચનાઓ માત્ર દર્પણ નથી હોતી કે માત્ર દીપ પણ નથી હોતી. અને દર્પણ માત્ર જે છે તે જ દેખાડતું નથી પરંતુ જે જોવું હોય છે તે પણ દેખાડે છે અને દીપને જે સ્થાને લઈ જવો હોય એ સ્થાને રચનાકાર લઈ જઈ શકે છે. વાસ્તવિક કે કાલ્પનિક કહેવાતાં પાત્રો જોડે પોતાને સરખાવતા યુવાનો; કુમુદ, મંજરી, રંજન સાથે પોતાની તુલના કરતી યુવતીઓ. આવાં તો કેટલાંયે ઉદાહરણો પુરાણકથાઓ, નવલકથાઓ, નાટકો, ટી.વી. સિરિયલો કે ચિત્રપટોને આધારે આપી શકાય. સાધારણ રીતે નવલકથામાં આવતાં પાત્રો લેખકની વિચારધારામાંથી પ્રગટેલાં છે કે કેમ તે તો અર્થઘટનનો સવાલ થયો. નવલકથાની ઘટનાઓ, એમાં આલેખાયેલી પરિસ્થિતિઓ સાથે વાચક જાણ્યેઅજાણ્યે સંડોવાતો હોય એવુંય બને છે. તો તેની સામે વર્તમાનપત્રોના અહેવાલો, પેઇજ 3 પર ચમક્યા કરતી મોભાદાર હસ્તીઓનાં અંગત જીવનની મસાલેદાર ગોસિપ, જાહેર વર્તનની સૂચનાઓ, અનુદાન માટે ટહેલ નાખતા પત્રો બીજા જ પ્રકારની fictionalityનો આધાર લેતાં હોય છે. એફ.એમ.રેડિયો પર આવતા કાર્યક્રમોનું fictional વિશ્વ પણ લોકપ્રિય સંસ્કૃતિના અભ્યાસનો વિષય બની શકે. અલબત્ત સાહિત્ય તથા અન્ય સમૂહ વિજાણુમાધ્યમોનાં કાર્યો જુદાં સમ્ભવી શકે. સાહિત્યની રચનાઓમાં અનેક અર્થઘટનની શક્યતાઓ સંકેતોની જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા ખુલ્લી મૂકવામાં આવેલી હોય છે. આપણો કોઈ મિત્ર ફોન પર આપણને કહે કે ‘ઓબેરોયમાં કાલે આઠ વાગ્યે ડિનર પર આવી જજે’ ત્યારે તેના આ ઉચ્ચારણને આપણે નક્કર હકીકત તરીકે જ જોઈએ છીએ જે સમયબદ્ધ છે, જેનો કોઈ વિશિષ્ટ સંદર્ભ છે. કાલે એટલે આઠમી માર્ચે, આઠ એટલે રાતના આઠ. જ્યારે નિરંજન ભગત ‘બે પછીના બપોરે’ જેવી રચનામાં ભાવભાષાસંદર્ભે સમય વિશેનું જુદું જ પરિમાણ પ્રગટાવે છે. મિલનનો સમય રૂપાન્તર પામતાં ક્રમશ: વિરહનો, એકલતાનો અને વેદનાનો સમય થઈ જાય છે. અહીં આવતો પ્રવક્તા ભાષાની મુદ્રા વડે કલ્પનાનું જુદું જ વિશ્વ રચે છે. સેમ્યુઅલ બેકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકમાં સમયની સંકુલતાની માત્રા જ અનન્ય છે. આ નાટકનું અર્થઘટન એકકેન્દ્રી કે સ્થિર ન સમ્ભવી શકે. શેક્સપિયરના ‘હેમ્લેટ’ નાટકમાં પણ અનેક અર્થછાયાઓ જોઈ શકાય. આ નાટકને અનેક કેન્દ્રોથી માણવાપ્રમાણવાનાં ઓજારો નાટકમાંથી જ આપણને મળી રહે છે. આ નાટક શું માત્ર ડેનિશ રાજકુમારના અંગત પ્રશ્નોનું નાટક છે? એની આત્મસંજ્ઞાની શોધની પ્રક્રિયાનું નાટક છે? એ શું માતા, પુત્ર અને સ્વ સાથેના સમ્બન્ધોની ખાઈને રૂપ આપે છે? આ નાટક શું નવજાગરણના સમયના મનુષ્યની દ્વિધાઓને પ્રગટ કરે છે? આવા તો અનેક પ્રશ્નો નાટકનું ભાવન કરતાં સહૃદયને થાય. આ નાટકમાં આવતો ડેન્માર્કનો સંદર્ભ આપણને માત્ર ડેન્માર્ક નામના નિશ્ચિત ભૌગોલિક સ્થળમાં જ સ્થગિત કરી દેતો નથી. સ્થૂળ સમયની સીમા અહીં ઉલ્લંઘન પામે છે. નાટકનાં સ્થળસમય આપણા ચિત્તના સમયો સાથે, પરસ્પરવિરોધી દેખાતી માનવીય પરિસ્થિતિ સાથે આપણું અનુસંધાન ક્યારેક રચે છે, તોડે છે. તેથી ‘હૅમ્લેટ’ નાટક કે બીજી એવી સંકુલ સમૃદ્ધિ ધરાવતી અનેક રચનાઓમાં અર્થઘટનોની ક્ષિતિજ વાચને વાચને વિસ્તરતી રહે છે. આ રીતે રચવામાં આવતી fictionality અનેક પ્રકારના સંદર્ભો તથા વિવિધ પ્રકારનાં અર્થઘટનોની શક્યતાઓથી ભરી ભરી હોય છે. રચનામાં આવતી કલ્પના એક વૈકલ્પિક વિશ્વની રચના કરે છે જે વિશ્વની રચના આ વાસ્તવિક વિશ્વ પર જ અવલમ્બિત હોય છે. સર્જકની ભાષા વસ્તુને જોતાં જ એને બદલી નાખતી હોય છે. 4. સાહિત્ય એ રસકીય પદાર્થ(aesthetic object) છે. એ માત્ર ભાષાકીય યોજના નથી પરંતુ ભાષાનું સાહિત્યમાં કલાત્મક પુનર્વિધાન છે. માત્ર સામગ્રીથી નહીં પરંતુ એના કલાત્મક રૂપનિર્માણથી રચનાનું સૌન્દર્ય અસ્તિત્વમાં આવે છે. અને આ સૌન્દર્ય ભાષાની અનેક પ્રકારની વ્યૂહરચનાઓથી જ સિદ્ધ કરવાનું છે. ભારતીય અને પાશ્ચાત્ય રસમીમાંસાએ એની ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે અને આપણને અનેક સાહિત્યસિદ્ધાન્તોના પ્રકાશમાં રચનાને મૂલવવાનાં અનેકમાર્ગી ધોરણોય રચી આપ્યાં છે. કોઈ પણ સિદ્ધાન્ત રચનાની કે એમાં થયેલા ભાષાના કાર્યની ઉપેક્ષા કરતો નથી. રચનામાં રસસ્થાનો ક્યાં ક્યાં છે એ વિશે ભિન્ન મતો સમ્ભવી શકે. આગળ વર્ણવ્યા એ પાંચેય ઘટકો સાહિત્ય સાથે નિકટવર્તી સમ્બન્ધ સ્થાપવામાં પાયાનું કાર્ય કરી શકે છે. સાહિત્યમાં પરિપ્રેક્ષ્યના ભોગે ભાષાને અને ભાષાને ભોગે પરિપ્રેક્ષ્યને કેન્દ્રમાં લાવવાનાં નથી. ભાષા અને પરિપ્રેક્ષ્ય વચ્ચેના સમવાય સમ્બન્ધને વિવેકથી તપાસવાનો છે. બંનેનું કલાકીય સંતુલન કેવી રીતે રચાય એની મૂંઝવણ અને તાણ તો સર્જકપક્ષે ચિરંતન રહેવાનાં જ. જૉનાથન ક્લર નોંધે છે: “...the literariness or literature may ile in the tension of the interaction between linguistic material and reader’s coriventional expectations of what literature is.” આ પાંચેય ઘટકો સાહિત્યને સાહિત્ય બનાવનાર તત્ત્વો તરીકે પાયાની પીઠિકા રચી આપે છે પરંતુ એને જડતાથી વળગવાનુંય નથી અને ક્યારેક કોઈ રચનામાં એની માત્રા વધતીઓછી સમ્ભવી શકે.

2

સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસમાં આજકાલ ‘સિદ્ધાન્ત’ શબ્દ વારંવાર આપણે સાંભળીએ છીએ, ‘સાહિત્ય’ શબ્દ નહીં, વિદ્યાસંસ્થાઓની બહાર રહી જે સાહિત્યનો અભ્યાસ કરે છે એમને આ કદાચ અજૂગતું લાગશે. પ્રશ્ન થાય: ‘સિદ્ધાન્ત શાનો?’ આ પ્રશ્ન માનીએ છીએ એટલો સરળ નથી. આ કોઈ પણ વસ્તુના સામાન્ય સિદ્ધાન્તની વાત નથી. છતાં આપણે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે સિદ્ધાન્ત સાથે સંકળાયેલા છીએ. આપણે અધ્યાપન કરીએ, અભ્યાસ કરીએ ત્યારે અનિવાર્યપણે એક કે બીજી રીતે સિદ્ધાન્ત સાથે સંકળાયેલા તો રહીએ જ છીએ. આપણે સિદ્ધાન્તને ચાહીએ કે ધિક્કારીએ, એની ઉપેક્ષા કરીએ, ઠાવકા બની એને માસ્તરોની ભાષા કહીએ ને એની ઠેકડી ઉડાડીએ કે એનાથી ગભરાઈએ. જોકે આ બધું સિદ્ધાન્તને સમજવા માટે ભાગ્યે જ ખપમાં આવે છે. એક વાત તો સ્પષ્ટ છે કે સિદ્ધાન્તની જાણકારીને કારણે સાહિત્યના અભ્યાસમાં ક્રાન્તિકારી પરિવર્તન આવ્યું છે અને એ દ્વારા સાહિત્યનો શિસ્તબદ્ધ અભ્યાસ તથા વિશ્લેષણ શક્ય બન્યાં છે. પ્રભાવવાદી અભિગમથી ચાલનારા કેટલાક વિવેચકો સિદ્ધાન્તના સ્વીકારના મતના નથી. એમના મતે સાહિત્યના અભ્યાસમાં સિદ્ધાન્તની સત્તાની દખલગીરી ન હોવી જોઈએ. આવું કહેનારા ઘણી વાર એવું પણ વિચારતા લાગે છે કે સિદ્ધાન્તને નામે બિનસાહિત્યિક તત્ત્વોનો ચંચૂપાત સાહિત્યના અભ્યાસમાં વધી ગયો છે; જેને સાહિત્ય સાથે બિલકુલ સમ્બન્ધ હોતો નથી એવાં ઇતર અને સામાન્ય લક્ષણોની ચર્ચા રચનાને નિમિત્ત બનાવી વધારે પડતી થાય છે. માનસશાસ્ત્ર, ઇતિહાસ, સમાજવિદ્યાઓ અને તત્ત્વજ્ઞાનનું વાંચન સાહિત્યરચનાની આડશે કરવામાં આવે છે અને મૂળ રચનાને જાણે સાહિત્યરચનાની ચર્ચાઓમાં વારંવાર ઉછાળવામાં આવે છે. જે.એમ.કેની નામના અર્થશાસ્ત્રીએ એક વાર કહ્યું હતું કે જે અર્થશાસ્ત્રીઓ સિદ્ધાન્તને ધિક્કારે છે અને સિદ્ધાન્તો વિના પણ અમને ચાલી શકે છે એવું માને છે તેઓ પોતે પરંપરાગત સિદ્ધાન્તોની ચૂડમાં ફસાયેલા છે. આ સિદ્ધાન્ત તરફનો અણગમો એટલું તો સૂચવે છે કે અમને ‘અ’ કે ‘બ’ના અમુક સિદ્ધાન્તો માન્ય નથી કારણ કે અમારી પાસે પણ અમારા સિદ્ધાન્તો છે. સિદ્ધાન્ત એ વણઉકેલાયેલો કોયડો છે. સિદ્ધાન્ત એ સાહિત્યનાં સ્વભાવલક્ષણ આપવા માટેની કોઈ પદ્ધતિ નથી. અલબત્ત એ સાહિત્યના અભ્યાસનો એક અંશ છે ખરો. સાહિત્યસિદ્ધાન્ત એ સાહિત્યવિચારનું એક માળખું છે, એને વ્યાખ્યાબદ્ધ કરવો એ કપરું કામ છે. ઘણી વાર આપણને એવાં લખાણો જોવા મળે છે કે જેમાં ઇતિહાસ, તત્ત્વજ્ઞાન કે સમાજવિદ્યાઓ ભળેલા હોય છે. રિચાર્ડ રોર્ટી માર્મિક રીતે કહે છે કે આ બધાંનું લાડકું નામ ‘સિદ્ધાન્ત’ છે. ફરી પાછા એ જ પ્રશ્ન પર આવીએ કે ‘સિદ્ધાન્ત’ છે શું? આ માટે એના ઇતિહાસનો આછો પરિચય મેળવવો જરૂરી છે. 1960 પછી સાહિત્યવિચારનું ફલક બદલાય છે. સાહિત્યના અભ્યાસીઓ સિવાયના અન્ય વિદ્યાશાખાઓના અભ્યાસીઓએ સાહિત્યનો અભ્યાસ હાથ ધર્યો ત્યારે સાહિત્યના અભ્યાસને જુદું જ પરિમાણ પ્રાપ્ત થયું. ભાષા, ચિત્ત, ઇતિહાસ, સમાજવિદ્યાઓ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ વિશેનું તેઓનું વિશ્લેષણ સાહિત્યને બૃહત્ પરિપ્રેક્ષ્યમાં સમજવા માટેની નવી દિશા ઉઘાડનારું બન્યું. આ પહેલી વાર થયું એમ કહેવાનો અહીં આશય નથી. સાહિત્યનો અભ્યાસ એની સાહિત્યિકતાના મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં જ કરવાનો ન હોય. આ સૃષ્ટિમાં જે કંઈ છે એને સાહિત્યના અભ્યાસ જોડે સાંકળી શકાય છે એવો એ અભ્યાસીઓનો મત હતો. ઉદાહરણ તરીકે શારીરિક વૃત્તિઓ, મનની જુદી જુદી અવસ્થાઓ, નૃવંશશાસ્ત્ર, સાહિત્ય સિવાયની અન્ય લલિતકળાઓ, જાતીયતાના પ્રશ્નો, ભાષાવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, વિચારધારાઓ, માનસશાસ્ત્ર ને સમાજવિદ્યાઓના સંદર્ભે સાહિત્યરચનાનો વિશાળ દૃષ્ટિકોણથી અભ્યાસ કરવો જોઈએ એવું તેઓ માને છે. આ રીતે સિદ્ધાન્તમાં બધી જ વિદ્યાશાખાઓનો અભ્યાસ આવી જાય છે. આનું એક પરિણામ એ આવ્યું કે કોઠાસૂઝથી કે કોમન સેન્સથી સાહિત્ય સમજી શકાય છે એવા સંકુચિત વિચારમાંથી મુક્તિ મળી. મહાન સાહિત્ય એ બધાને માટે છે, એ માનવજીવનના સનાતન સત્યની આરાધના કરે છે એવું માનવાવાળો એક મોટો વર્ગ છે અને એ વર્ગ પોતાની માન્યતાઓનું ગૌરવ પણ કરે છે. એમના મતે મહાન સાહિત્યના આસ્વાદ માટે વાચકે કોઈ વિશિષ્ટ સજ્જતા કેળવવાની હોતી નથી, એ તો કોઠાસૂઝથી જ આત્મસાત્ કરી શકાય, એ માટે કોઈ સૈદ્ધાન્તિક ભાષા જાણવાની કે એને સમજાવવા માટે સૈદ્ધાન્તિક ભાષા યોજવાની આવશ્યકતા નથી. પ્રશ્ન થાય કે શાસ્ત્રીય સંગીત સાંભળવા માટે રાગોનું, સંગીતનું શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું હોય તો આસ્વાદમાં કોઈ ફરક પડે? ઘણી વાર બૌદ્ધિક પ્રમાદને ઢાલ બનાવી બચાવની પ્રયુક્તિઓનો આશ્રય લઈ સિદ્ધાન્તની ઠેકડી ઉડાડવામાં આવે છે. રચનાની સૈદ્ધાન્તિકતાને અવગણી એક સમયનું વિવેચન આસાનીથી કવિના અંગત જીવનના અનુભવો, રચનામાં ફાળો આપનાર સામાજિક વાતાવરણ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા, સર્જકની પ્રતિભા, પોતાના કે સમાજના પર પડેલો એનો પ્રભાવ વગેરેની વાતો કરતું. (નવ્ય ઇતિહાસવાદ જે સંદર્ભો લઈ રચના વિશે વાત કરે છે તે રીતની વાતો આગળનું વિવેચન નહોતું કરતું. સૈદ્ધાન્તિક ભૂમિકા સાથે સંદર્ભોની તપાસ કરવી અને સિદ્ધાન્તના આધાર વિના વાત કરવી એ બંને અલગ જ છે.) વાચકોના રોજબરોજના જીવનને હાનિ પહોંચ્યા વિના આવી વાતો થતી. પરંતુ લગભગ 1960ના અન્તથી આ પરિસ્થિતિ બદલાઈ. કોમન સેન્સથી જેને અર્થ, લખાણ, સાહિત્ય, અનુભવ વગેરે માનતા હતા એ વિચારો અન્ય વિદ્યાશાખાના સમ્પર્ક કે સંદર્ભોને કારણે પરિષ્કૃત થયા, સંશોધિત થયા. એક માન્યતા એવી પણ હતી કે ઉક્તિનો અર્થ અથવા જેને લેખકની રચના કહીએ છીએ તો ‘સર્જકચિત્તમાં’ જ હોય છે. લખાણની અભિવ્યક્તિનું સત્ય અનુભવમાં કે અન્ય પરિસ્થિતિઓમાં અભિવ્યક્ત થાય છે અથવા એવું પણ મનાતું કે ‘વર્તમાનની ક્ષણે’ જે છે તે જ વાસ્તવિકતા છે. આ બધી જ વિચારણા વિશે જુદા સંદર્ભોથી, નવેસરથી સિદ્ધાન્તમાં વિચારણા કરવામાં આવી. આનો અર્થ એ નથી કે 1960 પહેલા વિવેચનમાં જે કેટલીક વિચારણા હતી તે તદ્દન અર્થહીન બની ગઈ હતી. સિદ્ધાન્તની તકરાર માની લીધેલી સમજ કે અવધારણા સામે છે. સિદ્ધાન્ત એમનો મીમાંસક છે. આપણામાં સાધારણ રીતે સંસ્કાર કે માન્યતા રૂપે કે ઐતિહાસિક રીતે કેટલીક માન્યતાઓ ઘર કરી ગઈ છે. સ્વાભાવિક રીતે આપણે એને સિદ્ધાન્તા ગણી બેસીએ છીએ અને તેથી જ આપણા માનસિક બંધારણને છંછેડે એવા સિદ્ધાન્તની ઠઠ્ઠામજાક કરીએ છીએ, એમના વિશે ભય કેળવીએ છીએ, સાશંક બનીએ છીએ. આપણાં કેટલાંક પાયાનાં ગૃહીતો સામે સિદ્ધાન્ત પ્રશ્નો ઉઠાવી વૈકલ્પિક રીતે વિચારવાનો અવકાશ રચી આપે છે. વુલ્ફગાન્ગ આઇઝર એના પુસ્તક ‘ધ ઍક્ટ ઑવ રીડિંગ’માં પૂછે છે: સાહિત્યની પ્રક્રિયામાં ભાવકનું કાર્ય શું છે? એને ફિનોમિનોલોજીમાં રસ હોવાથી, ભાવકની ચેતનામાં રસ હોવાથી સીધોસાદો સવાલ પૂછે છે કે આપણે વાંચીએ છીએ ત્યારે ખરેખર શું બને છે? અહીંથી જ લેખન અને ભાવનના પાયાના પ્રશ્નોની શરૂઆત થાય છે. ભારતીય રસવિચારમાં નાટકના સંદર્ભે સહૃદય વિશે જે વિચારણા થઈ છે અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસામાં વાચકના સંદર્ભે જે વિચારણા થઈ છે એનો તુલનાત્મક અભ્યાસ આઇઝરના અભિગ્રહના સિદ્ધાન્તને ધ્યાનમાં રાખી કરી શકાય. બીજું, હવે વાચન માત્ર નિર્દોષ પ્રવૃત્તિ રહી નથી. વાચક તરીકે વાચનની ક્ષણે આપણે એક સવાલ પૂછીએ કે કવિતામાં અર્થની રચના કેવી રીતે થાય છે? અથવા કવિતા કયા વિચાર, ભાવ કે સંવેદનને પ્રગટ કરે છે? કઈ વિચારધારાને નવલકથામાં construct લેખક કરે છે? તો માત્ર કથાસાહિત્યમાં આવતાં ‘વાસ્તવનાં ચિત્રો’ કે સર્જકની ‘અનુભવની સચ્ચાઈ’ પાસે અટકી જઈશું નહીં. પરંતુ જો કથાસાહિત્યના સિદ્ધાન્તનો આપણી સમજ વિકસાવવા માટે આધાર લઈશું તો રચનાને સમજવા માટેના નવા સમ્બન્ધો વિકાસ પામશે અને નિશ્ચિત બંધિયારપણામાંથી ભાવક તરીકે આપણને મુક્તિ મળશે, કૃતિપાઠને નવા સંદર્ભોના પ્રકાશમાં જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થશે, વાચક તરીકે આપણે સક્રિય થઈશું. અર્થ શું છે? કર્તા એટલે શું? વાચન શું છે? લખાણનો ‘હું’ અથવા પ્રવક્તા કે જે લખે છે, વાંચે છે અને કાર્ય કરે છે એ શું છે? આપણે રચનાનું વાચન કરીએ છીએ ત્યારે ખરેખર શું વાંચીએ છીએ? રચનાગત સંદર્ભ શું છે? રચના કૃતિપાઠ ક્યારે બને? રચનાને માનવસંદર્ભ, યુગસંદર્ભ સાથે કેવી રીતે જોડીશું? આ સંદર્ભમાં દલિત સાહિત્ય, જાતીયતા, સ્ત્રીવિષયક પ્રશ્નોની માંડણી કઈ રીતે કરીશું? સાથે સાથે લોકપ્રિય સાહિત્ય; કેટલીક રચનાઓમાં જોવા મળતા સમલિંગી સમ્બન્ધો; સ્થાનીય, સંસ્થાનવાદી, અનુસંસ્થાનવાદી સાહિત્ય, વૈશ્વિકતા, મૂડીવાદ અને સાહિત્યના સમ્બન્ધો: આ બધાંની તપાસ કઈ રીતે કરીશું? આવા અનેક પ્રશ્નો સિદ્ધાન્ત સાથે સંકળાયેલા છે. આમાંથી જ સાહિત્યને મૂલવવા માટેના અનેક અભિગમો પ્રગટ્યા છે. ઉદાહરણ તરીકે 1960 પહેલાં અને ત્યાર પછી આજ સુધી લખાતા સાહિત્યમાં નારીની છબિ કેવી રીતે આલેખાતી આવી એનો અભ્યાસ નારીવાદી સિદ્ધાન્ત કરે છે. સમાજમાં નારીનું સ્થાન, કથાસાહિત્યમાં સ્ત્રીનું નિરૂપણ 1960 પહેલાં અને ત્યાર બાદ આજ સુધી કેવી રીતે થતું આવ્યું છે? સ્ત્રી શું ઉપભોગની વસ્તુ છે? સ્ત્રીની આગવી ઓળખ કેવી હોઈ શકે? પિતૃસત્તાએ આજ સુધી સ્ત્રી સાથે સામાજિક, રાજકીય અને નૈતિક સ્તરે કેવો વ્યવહાર કર્યો છે? નારીવાદી સિદ્ધાન્ત પિતૃસત્તાના સંદર્ભે સ્ત્રીનો અભ્યાસ કર્યો. સ્ત્રીનું દમન અને સ્ત્રીઓ દ્વારા તેનો થયેલો પ્રતિકાર – એના વિવિધ તબક્કાઓનો અભ્યાસ નારીવાદી સિદ્ધાન્તકારે કર્યો અને સ્ત્રીની છબિને નવું પરિમાણ પ્રાપ્ત થયું. (પશ્ચિમના નારીવાદી સિદ્ધાન્તને આધારે આપણે ત્યાં રંજના હરીશ, નીતા રામૈયા, શિરીન કુડચેડકર વગેરે અભ્યાસીઓએ નારીવાદી રચનાઓને તપાસી છે. આ લેખમાં માત્ર પરિચયાત્મક ભૂમિકા સ્વીકારી છે. એટલે ક્યાંક કેટલીક વાતોના ઉલ્લેખો કર્યા છે, કોઈ પણ સૈદ્ધાન્તિક વિચારણાનું મૂલ્યાંકન અભિપ્રેત નથી. કેટલાક સિદ્ધાન્તોની રચનાઓનો આધાર લઈ ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, રંજના હરીશ, નીતા રામૈયા, સિતાંશુ યશશ્ચન્દ્ર અને અન્ય અભ્યાસીઓએ ચર્ચા કરી છે.) ફ્રેન્ચ વિચારક મિશેલ ફૂકોએ ‘ધ હિસ્ટરી ઑવ સેક્સુઆલિટી’નો વિગતે અભ્યાસ કર્યો અને પરંપરાએ આપેલાં સામાન્ય તારણો કરતાં જુદી જ બૌદ્ધિક ભૂમિકાએથી એની તપાસ કરી. એમાંથી જ એના જાણીતા સિદ્ધાન્ત સત્તા(power)ની વાત સમાજ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને રાજકારણના સંદર્ભો સાથે પ્રકાશમાં આવી. આ રીતે power in the form of knowledge or knowledge as powerનો સિદ્ધાન્ત આપણને મળ્યો. આ જ રીતે ‘વાસ્તવિકતા’, ‘સત્ય’, ‘વાણી’ અને ‘લેખન’, માર્ક્સવાદી વિચારધારા વિશે જુદાં જુદાં કેન્દ્ર પરથી વિચારો વહેતા થયા. કથનશાસ્ત્ર(narratology) વિશે રોલાં બાર્થ, તોદોરવ, ઝેરાર ઝનેત અને બાખ્તિને વિચારણા કરી. વિરચન(deconstruction) વિશેના ઝાક દેરિદાના વિચારો અને વિદ્યાશાખાના અભ્યાસમાં એક કે બીજી રીતે પ્રવૃત્ત થયા. દેરિદાના જ ‘supplement’, ‘writing’, ‘speech’ તથા ‘difference’ વિશેની વિચારણાએ રચનાને જોવાતપાસવાની નવી દિશાઓ ખોલી આપી. આ રીતે નિશ્ચિતતાના કાવ્યશાસ્ત્ર સામે આ સિદ્ધાન્તોએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા. આ નિમિત્તે વિભેદના રાજકારણ સંદર્ભે સ્ત્રી તથા વંચિતો અથવા ‘અન્યો’ વિશે અનેક અભ્યાસો થયા. આપણે જેને સ્વાભાવિક ગણીએ છીએ એની અનેક પ્રશ્નો દ્વારા, બૌદ્ધિક ભૂમિકાએ રહી સિદ્ધાન્ત ફેરતપાસ કરે છે. ભાષા, સંસ્કૃતિ, માધ્યમો, મૌલિકતા વિશેની પરંપરાગત વિચારણાને સિદ્ધાન્તો ઉપરતળે કરે છે. ફરી પાછા એ જ પ્રશ્ન પાસે આવીએ કે સિદ્ધાન્ત ખરેખર શું છે? જૉનાથન કલરના શબ્દોમાં જ જોઈએ: Theory is interdisciplinary - discourse with effects outside an original discipline. Theory is analytical and speculative - an attempt to work out what is involved in what we call sex or language or writing or meaning or the subject. Theory is critique of common sense, of concepts taken as natural. Theory is reflexive, thinking about thinking, inquiry into the categories we use in making sense of things, in literature and in other discursive practices. સિદ્ધાન્ત એ આન્તરવિદ્યાકીય સંભાષા છે, વિશ્લેષણાત્મક અને અનુમાનાત્મક, કોઠાસૂઝની મીમાંસા કરનારા, પ્રતિક્રિયાત્મક તથા પૂર્વે થયેલી વિચારણાનું પુનર્મૂલ્યાંકન અને સંશોધન કરનારા છે. એક બાજુથી આ સિદ્ધાન્તો ડરાવનારા, ધાક બેસાડનારા લાગવાનો સમ્ભવ છે તો સાથે સાથે નવા વિચારોને પ્રોત્સાહન આપનાર પણ છે. એ અન્તહીન છે, એના પર ક્યારેય પ્રભુત્વ મેળવી શકાતું નથી. એ સતત વિકાસશીલ છે, પ્રવાહી છે, એ શાશ્વત હોવાનો દાવો કરતા નથી. સિદ્ધાન્ત ક્યારેક આપણને આંજી દે છે, ક્યારેક લધુતા કે ગુરુતા ગ્રંથિનો અનુભવ કરાવે છે. મોટા ભાગનો શાન્ત, શાણો બૌદ્ધિક વર્ગ એને નઠારા ગણે છે અને માને છે કે સિદ્ધાન્ત તો દીક્ષિતો માટે છે; એ પરિસંવાદની બિનઉપજાઉ વન્ધ્ય રમત છે; એ નીતિની દૃષ્ટિએ નાસ્તિવાદી કે શૂન્યવાદી વિચારધારાના પરિણામને પ્રગટ કરનારા, જ્ઞાનની પ્રક્રિયાની દૃષ્ટિએ અપ્રસ્તુત, શૈલીસુખને પોષનારા અને બૌદ્ધિક રીતે ખતરનાક છે. ફૅશનપરસ્ત છે, વિદ્યાપીઠના રાજકારણની નીપજ છે. સિદ્ધાન્તોનો વિરોધ કરનારા માને છે કે ઉત્તમ અને કલાત્મક સાહિત્ય તો માત્ર કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ભારત તથા દક્ષિણ અમેરિકા તથા મધ્યપૂર્વના દેશોમાંથી આવે છે. જ્યારે જીવઉકાળો કરનાર વિવેચન કે સિદ્ધાન્ત તો સામ્રાજ્યવાદને પોષનારાં રાજ્યોની દેણગી છે(જોકે આવું કહેનારના મનમાં પણ રાજકીય વાચનનો જુદો જ ખ્યાલ છે. એકાએક આ દેશો તરફ અમીદૃષ્ટિ કરનાર આ મહાનુભાવોના મનમાં ઉદારીકરણ ને વિશ્વબજારનો મુકત વ્યાપાર રહેલો છે એવું પ્રતિપક્ષી માને છે). વિરોધ કરનારા તારસ્વરે કહે છે પણ ખરા કે સાહિત્યસિદ્ધાન્તના ઉદય સાથે જ સાહિત્ય અસ્ત પામે છે. એમનું સૂત્ર છે: ‘સિદ્ધાન્તો દીર્ઘ જીવન જીવો, સાહિત્ય મૃત્યુ પામ્યું છે.’ ‘ધ સિગ્નિફિકન્સ ઑવ થિયરી’માં ટેરી ઇગલટન સિદ્ધાન્ત વિશે જુદી જ ભૂમિકાએ રહી કેટલાક મુદ્દાઓ ઉઠાવે છે. (ટેરી ઇગલટનના આ પુસ્તકના સંદર્ભમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાએ એમના ‘નાનાવિધ’ વિવેચનસંગ્રહમાં ‘મનુષ્યજીવનની વ્યવસ્થામાં સિદ્ધાન્તોનું મહત્ત્વ’, પૃ. 125-127, એ લેખમાં સિદ્ધાન્ત અને સંકેત વચ્ચેના સમ્બન્ધની ભૂમિકા સ્પષ્ટ કરી છે. અહીંયાં ચર્ચામાં એ લેખના કેટલાક અંશોનો સાભાર ઉપયોગ કર્યો છે.) ટેરી ઇગલટન નોંધે છે કે છેલ્લાં ચાલીસ વર્ષોથી વિદ્યાસંસ્થાઓમાં સિદ્ધાન્તોની ભારે બોલબાલા છે. એક બાજુથી એનું અતિક્રમણ થાય છે તો બીજી બાજુથી એના શાસનમાંથી મુક્તિ મેળવવાની યુક્તિપ્રયુક્તિઓ સતત ચાલ્યા કરે છે. સિદ્ધાન્તની ઉપેક્ષા આપણે કરી શકીએ નહીં, એની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર તો કરી જ શકીએ. સાહિત્ય ભાષા સાથે સંકળાયેલું છે, ભાષા સંકેતો સાથે સંલગ્ન થયેલી છે તેથી સ્વાભાવિકપણે સિદ્ધાન્ત તો આવવાના. વળી તેઓ જણાવે છે કે સિદ્ધાન્ત અને જીવન વચ્ચે ખાસ્સું અન્તર જોઈ શકાય છે. પહેલાં અધિસિદ્ધાન્ત(metatheory) હોય, એ શાની શોધ કે વાત કરવાની છે એ વસ્તુ નક્કી કરે, પછી સાહિત્યવિવેચનનો વારો આવે જેના વિશે સાહિત્યસિદ્ધાન્તો વિમર્શન કરે, ત્યાર બાદ આવે સાહિત્ય જે વિવેચનાત્મક સંશોધનનો વિષય છે અને અન્તે આવે વાસ્તવિક જીવન. આમ સિદ્ધાન્ત અને જીવન જાણે કે સામસામા છેડાના ધ્રુવો છે. એક રીતે જોઈએ તો આપણું સમગ્ર જીવન લગભગ સિદ્ધાન્ત પર નિર્ભર રહેતું હોય છે; અને સિદ્ધાન્ત એ સામાજિક વ્યવહાર છે. માનવીનું જગત અર્થનું તથા વિચારણાનું જગત છે. મનુષ્ય પોતાના જીવનના વ્યવહારુ સંકેતો નિપજાવી લીધા છે. આપણે ભાષા અને સંકેતો દ્વારા એક વૈકલ્પિક વિશ્વ નિર્માણ કર્યું છે. ખિસકોલી કે ગાય અલગ દુનિયા ન રચી શકે કારણ કે તેઓ માનવીની જેમ સંકેતોનું વિશ્વ નિર્માણ કરી શકતાં નથી. માનવી પાસે સંકેતો છે, સંકેતો સ્થિર કરવા સિદ્ધાન્તો છે. સપાટી પરથી સિદ્ધાન્તોનું સ્વરૂપ ક્રાન્તિકારી પરંતુ મૂળમાં તો એ સંરક્ષક છે. સામાન્ય જીવનમાં સિદ્ધાન્ત વિના ચાલે છે, કટોકટી આવતાં અનુકૂળતા પ્રમાણે કેટલાક અપવાદો બાદ કરતાં આપણે સિદ્ધાન્તનો આધાર લઈએ છીએ. વ્યવહારજગતની આ એક રીત છે. એક રીતે જોઈએ તો સિદ્ધાન્ત પોતાના તરફ વળેલી પ્રવૃત્તિ છે. એમાં જુદા જ પ્રકારનો આત્મવિમર્શ(self-reflexivity) ભળે છે. આ આત્મવિમર્શ ભળતાં સાહિત્યવિવેચનની હયાતીને કારણે સાહિત્યસર્જન જેમ બદલાતું હોય છે તેમ પ્રવૃત્તિ પોતે પણ બદલાય છે. આને આપણે વિચિત્ર વિરોધાભાસ કહી શકીએ. આગળ જતાં ટેરી ઇગલટન એક માર્મિક દાખલો આપે છે. કોઈકે ચુમ્બન કેમ કરવું એ વિશે ખૂબ ખૂબ વિચાર કર્યો હોય પરંતુ ચુમ્બનની ક્રિયા વખતે એ ગરબડ કરી નાખે. એ જ રીતે સિદ્ધાન્તો પણ સામાન્ય જીવનને અસ્થિર કરે છે અને સાથે સાથે સંરક્ષક પરિબળ પણ નિર્માણ કરે છે. મૂંગા રહેવું એ સિદ્ધાન્તનો સ્વભાવ નથી. આઘાત આપવો, છંછેડવા, મૂંઝવવા એ એની પ્રકૃતિ છે. ઇતિહાસને એ સ્થિર રહેવા દેતા નથી. સંકેતો વિના જેમ માનવજીવનની કલ્પના કરવી અશક્ય છે એવી જ રીતે સિદ્ધાન્ત વિના સાહિત્યની કલ્પના કરવી શક્ય નથી. ‘લિટરરી થિયરી’(1)માં જૉનાથન કલર એક સ્કેચ આપે છે એ નીચે એક નોંધ મૂકે છે: You are a terrorist? Thank God. I understood Meg to say you were a theorist.

3

‘સાહિત્યસિદ્ધાન્તો અનિવાર્યપણે સાહિત્યવિચારમાં વહેતા જ રહેતા હોય છે અને જેમ જેમ એનો પ્રતિકાર થતો જશે તેમ તેમ તેઓ અનેકગણા બળથી આક્રમણ કરતા જશે. સાહિત્યસિદ્ધાન્તોની ભાષા સ્વયં પ્રતિકારની જ ભાષા છે. આ સાહિત્યસિદ્ધાન્તોનું ધસમસતું આક્રમણ એ મહાન સિદ્ધિ છે કે પરાજય એ નક્કી કરવું મુશ્કેલ છે.’ પોલ દ માન (‘ધ રૅઝિસ્ટન્સ ટૂ થિયરી’) સાહિત્યનો અભ્યાસી એ તો જાણે છે કે કર્તા, કૃતિ, વિશ્વ અને ભાવક આ બધાં વચ્ચેનો સમ્બન્ધ તિર્યક્ અને સંકુલ છે. સમયે સમયે શબ્દાન્તરે કોઈ એકને કેન્દ્રમાં રાખીને અન્યને પરિધિ પર મૂકીને સાહિત્યસિદ્ધાન્તોની રચના અવિરતપણે થયા કરે છે. આ સાહિત્યસિદ્ધાન્તો ઘણી વાર સામસામા છેડાના હોય છે. એ નિરપેક્ષ કે બિનસામ્પ્રદાયિક હોતા નથી. એ કશાકને કશાક ભાવપક્ષ કે વિચારપક્ષ સાથે સંકળાયેલા હોય છે જેને કારણે સાહિત્યવિચાર જીવન્ત, ગતિશીલ અને અનેકકેન્દ્રી બની રહેતો હોય છે. વાચનપ્રક્રિયાની શરૂઆતથી જ વિવેચનપ્રવૃત્તિનો આરમ્ભ થાય છે અને વિવેચન સાથે અનિવાર્યપણે સાહિત્યસિદ્ધાન્તનો પ્રકટ કે અપ્રકટ સમ્બન્ધ રહ્યો હોય છે. રચનાની પાસે પહોંચવાના અનેક માર્ગો છે. રચના જોડે થતા બહુસંવાદને અલગ અલગ સિદ્ધાન્તનું નામ આપી શકાય. રેમન શેલ્ડન કહે છે એ પ્રમાણે સાહિત્યના અભ્યાસમાં કર્તા, કૃતિ, ભાવક અને વિશ્વના સંદર્ભમાં મોટે ભાગે પાંચ પ્રશ્નોની તપાસ થતી રહે છે અને તેમાંથી જ અલગ અલગ સાહિત્યસિદ્ધાન્તો ઉદ્ભવતા જાય છે. આ પાંચ પ્રશ્નો છે: ક. સાહિત્ય શું કૃતિપાઠની બહારના વિશ્વ સાથે સમ્બન્ધ ધરાવે છે ખરું? અને જો ધરાવતું હોય અથવા જો ન ધરાવતું હોય તો પણ એ કયા પ્રકારનું સત્ય પ્રગટ કરે છે? ખ. સર્જક કે ભાવકની માનસિક પ્રક્રિયા સાહિત્યનિર્માણમાં, સાહિત્યની રચનામાં કોઈ મહત્ત્વનો ફાળો આપે છે ખરી? ગ. સાહિત્યરચના કેટલી હદ સુધી ‘સ્વાયત્ત’ હોઈ શકે? તેના આકારગત કે સંરચનાગત ગુણધર્મો કયા હોઈ શકે? કૃતિપાઠની રચના સ્થિર કે નિશ્ચિત પ્રકારની હોય છે કે અનિશ્ચિત કે પ્રવાહી પ્રકારની? ઘ. સાહિત્ય એ શું ઇતિહાસનો ભાગ છે? સામાજિક, આર્થિક, રાજકીય કે સાંસ્કૃતિક પરિબળો કે વિચારધારાઓ કૃતિપાઠને નિશ્ચિત કરે છે કે કૃતિપાઠના નિર્માણ પર એ કોઈ શરત લાદે છે? ચ. સાહિત્ય શું નૈતિક અનુભવ છે? લેખક અથવા વાચકની નૈતિક માન્યતાઓ, વિચારો, આદર્શો, વિચારધારાઓ સભાન રીતે કે અભાન રીતે રચનાને કે એના ભાવનને પ્રભાવિત કરનારું ચાલક બળ બની રહે છે? રચનામાં લેખક કે વાચકની નૈતિક માન્યતાઓ એક ઘટક તરીકે આવે છે કે અન્ય તરીકે? રચનાના ભાવનમાં નૈતિક માન્યતાઓ વ્યવધાનરૂપ બને છે કે મોકળાશ આપે છે? ટૂંકમાં રચનાનો પ્રભાવ કેવો અને કેટલો? વિચારધારાઓ અને સાહિત્યના સૌન્દર્યને અથવા સાહિત્યમાં આવતી મૂલ્યોની વાતનો સમ્બન્ધ સંતાપકારક છે કે સૌહાર્દકારક? આ પાંચ પ્રશ્નો સાહિત્યવિવેચન અને સાહિત્યસિદ્ધાન્તો સાથે વધતીઓછી માત્રામાં સમ્બન્ધ ધરાવે છે, આ પાંચેય પ્રશ્નો એક કે બીજી રીતે સાહિત્યનો સાંસ્કૃતિક સંદર્ભો સાથેનો અભ્યાસ રૂપરચનાવાદ, ફિનૉમિનોલૉજી, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, અર્થઘટનશાસ્ત્ર, અભિગ્રહણસિદ્ધાન્ત, માક્્ર્સવાદ, નવ્ય ઇતિહાસવાદ, વિરચન, નારીવાદ, સમલિંગી સમ્બન્ધ સિદ્ધાન્ત(queer theory) ઇત્યાદિ અનેક સિદ્ધાન્તોના પાયામાં રહેલી વિચારણાઓ સાથે એક કે બીજી રીતે જોડાયેલા છે અને અલગ અલગ કેન્દ્રો પરથી સાહિત્યરચનાને સમજવાના માર્ગો મોકળા કરી આપે છે. ઓગણીસમી સદીના અન્તમાં અને સમગ્ર વીસમી સદીમાં સાહિત્યપ્રકારો અને તેની અભિવ્યક્તિમાં જે જે આન્દોલનો કવિતા, કથાસાહિત્ય અને નાટ્યક્ષેત્રે પ્રગટ્યાં તે બીજું કશું જ નહોતું પરંતુ અલગ અલગ સાહિત્યસિદ્ધાન્તોની માંડણી જ હતી. સાહિત્યસ્વરૂપો નિમિત્તે અનેક સાહિત્યસિદ્ધાન્તો અસ્તિત્વમાં આવ્યા. આ માત્ર સાહિત્યપ્રકારગત આન્દોલનો નહોતાં પરંતુ સાહિત્યના ભિન્ન ભિન્ન સિદ્ધાન્તોની મુદ્રાઓ પ્રગટાવનારા આન્દોલનો હતાં. દરેક સાહિત્યપ્રકાર અને તેની અભિવ્યક્તિ પાછળ સાહિત્યસિદ્ધાન્તોના વિવિધ અભિગમો કાર્યરત હતા: સરરિયલ ચિત્રકળા કે ચલચિત્રો કે કવિતા, અસ્તિત્વવાદી નવલકથા કે નાટક, ઍબ્સર્ડ નાટક. આજે પણ જે સાહિત્ય રચાઈ રહ્યું છે તેની પીઠિકા પણ ગુપ્ત કે પ્રગટપણે કોઈ ને કોઈ સિદ્ધાન્તની જ રહી છે. પ્રત્યક્ષ વિવેચનમાં પણ આ સિદ્ધાન્તો પશ્ચાદ્ભૂમાં હલચલ કરતા જોનારા જોઈ શકે છે. આજે નારીવાદ, દેશીવાદ, સમલિંગી સમ્બન્ધો, વંચિતો અને ઉપેક્ષિતોના પ્રશ્નોને રૂપ આપતી રચનાઓ તથા લોકપ્રિય સંસ્કૃતિ, માધ્યમો અને સાંસ્કૃતિક ભાતોના સંદર્ભે અનેક રચનાઓનો અભ્યાસ કરી શકાય છે. ઉદાહરણ તરીકે કુન્દનિકા કાપડિયા કૃત ‘સાત પગલાં આકાશમાં’, મહાશ્વેતા દેવી કૃત ‘દ્રૌપદી’, પ્રતિભા રાય કૃત ‘દ્રૌપદી’, હિમાંશી શેલતની કેટલીક વાર્તાઓનો અભ્યાસ નારીવાદી સિદ્ધાન્તના સંદર્ભમાં થઈ શકે. મોહન પરમાર, દલપત ચૌહાણ, દશરથ પરમાર, જોસેફ મેકવાન, નીરવ પટેલ આદિની નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાનો અભ્યાસ દલિત સાહિત્ય અથવા તો વિભેદની સાહિત્યવિચારધારાના વિશેષ સંદર્ભે થઈ શકે છે. સાહિત્યસિદ્ધાન્તો રચનાને ગંભીર રીતે સમજવાના પ્રયત્નો કરે છે. એની પાછળ ગમ્ભીર તાત્ત્વિક અન્વેષણ રહેલાં છે. અહીં ‘ગમ્ભીર’નો અર્થ વ્યાવસાયિક નિષ્ઠા, પ્રયોગાત્મકતા અને જ્ઞાનકોષની ભૂમિકા સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનાર એવો લેવાનો છે. પ્રયોગાત્મક’ એટલે જોખમી, રમતિયાળ, અવળચંડો સંશયાત્મા, વારસામાં મળેલા જ્ઞાનને સાશંક થઈ જોનારો અને ‘જ્ઞાનકોષ’ એટલે સર્વ જ્ઞાનને આંબતો, એમાં સમાજ, જૈવિક સમ્બન્ધ, પ્રકૃતિ, માનવી, ઇતિહાસ, રાજકારણ, ધર્મ, સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન – આ બધાંનો સાહિત્ય સાથે સમ્બન્ધ જોડવાની મથામણ કરતો સમ્બન્ધ સ્થાપવો તે. આ ઉપરાંત ‘અંગત’ એટલે આત્મકથનાત્મક, સ્વના દોષ જોનારો અને સ્વમાં મગ્ન એવો અર્થ લેવાનો છે. સાહિત્યિક રચના આખરે તો સાહિત્યિક ભાષાની ઝીણવટભરી વ્યવસ્થા છે. રચનાના નાનામાં નાના એકમ સુધી પહોંચવાની, તેના ઘટકોના આન્તરસમ્બન્ધોની તપાસ કરવાની સ્વતન્ત્રતા આપણને આપે છે. વિદ્વાનો આને ‘pan-textualism’ કહે છે. આ રૂપક(metaphor) આમ તો જાણીતું છે. મધ્યકાળમાં પણ વાસ્તવિકતાને જ માત્ર કૃતિ ગણવામાં આવતી હતી. બીજી રીતે કહીએ તો વાસ્તવિકતા એ કૃતિ હતી. નરસિંહ મહેતાની રચનાને કવિતા તરીકેય તપાસી શકાય અને તત્ત્વજ્ઞાનની રચના તરીકે પણ પ્રમાણી શકાય. ‘શ્રીમદ ભગવદગીતા’નું કાવ્યરચના અને તત્ત્વજ્ઞાનની રચના તરીકે અર્થઘટન કરી શકાય. સિતાંશુ યશશ્ચન્દ્ર કૃત ‘વખાર’ને કાવ્યરચના તથા સંસ્કૃતિની મીમાંસાની રચના તરીકે મૂલવી શકાય. ઝાક દેરિદા જ્યારે કહે છે કે ‘There is nothing outside the text’ (‘ઑવ ગ્રામેટોલોજી’માં ‘ધૅટ ડેન્જરસ સપ્લિમેન્ટ’, 163) ત્યારે કૃતિપાઠને કશાથી અલગ પાડીને તપાસવાની વાત કરતા નથી અથવા તો નરી રચનાની વકીલાત કરતા નથી અને ઇતિહાસનિરપેક્ષ વાચનની પણ વાત કરતા નથી. પરંતુ તેના કરતાં સામા છેડાની વાત કરે છે. રચનાનો આસ્વાદ કરવાના અગણિત કેન્દ્રો છે. જ્ઞાન તથા અસ્તિત્વમીમાંસાની અનેક ભૂમિકાએથી રચનાની પાસે જઈ શકાય છે. રચનાની અંદર વણાયેલા અને બહાર ફેલાયેલા બંને છેડાના અનેક સંદર્ભો રચનાનું ભાવવિશ્વ ઉજાગર કરે છે અને વાચને વાચને કૃતિપાઠ નવાંજુદાં અર્થઘટનોની અનેક શૃંખલાઓ રચી આપે છે. રચનાનું વિરચન એ વાચનની અવિરત પ્રક્રિયા છે. સમકાલીન સિદ્ધાન્તો સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસને વધારે ઊંડાણભર્યો, મર્મગામી અને તેજસ્વી બનાવે છે. કોઈ પણ સાહિત્યસિદ્ધાન્ત સ્વાયત્ત કે સમ્પૂર્ણ હોતો નથી. તે પોતાનામાં જ અનેક પ્રકટઅપ્રકટ વિરોધાભાસો છુપાવીને બેઠા હોય છે તો સાથે સાથે ક્યાંક ક્યાંક એકબીજાના પૂરક હોય છે. હવે માત્ર કોરી પાટીવાળા મનથી સાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરવી શક્ય છે? ‘આ કવિતામાં પ્રામાણિકતા છે’ અથવા તો અમુક રચનાઓમાં ‘જીવનની સચ્ચાઈ’ જોવા મળે છે કે ‘જીવનની કઠોર કડવી વાસ્તવિકતાનું નિરૂપણ થયું છે’ આવા અભિપ્રાયોને ભોળા ભાવે સ્વીકારી લઈશું? પૂર્વસૂરિઓએ આપેલા માનદણ્ડોની વિવેકપૂર્ણ તપાસ કરીશું? કેટલાક વાચકો પોતાની નિર્દોષતાને મુગ્ધ બની ચાહતા હોય છે અને એમને ભય લાગે છે કે સિદ્ધાન્તો જાણવાથી એમની નિર્દોષતા, કોઠાસૂઝ કે વ્યવહાર ડહાપણ લુપ્ત થઈ જશે તો? જીવનમાં ટાઇપરાઇટરની જગ્યાએ કમ્પ્યૂટર સ્વીકારવામાં, ચેકબુકને સ્થાને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અપનાવવામાં કે ઝડપથી સંક્રમણ થઈ શકે એ માટે મોબાઇલ, ઇમેઇલ, ચેટિંગ, એસએમએસને વધાવવામાં એમને કોઈ વાંધો આવતો નથી. પરંતુ સાહિત્ય કે કલામાં કોઈ નવો વિચાર, પોતાની એકધારી વિચારણાને હચમચાવનારી નવી જુદી વિચારણા આવે છે ને સંરક્ષક જીવ મરસિયા ગાવાના શરૂ કરી દે છે. 1980માં કોલિન મૅકેબને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નોકરી ન મળી. આ યુનિવર્સિટી સંરચનાવાદી વિચારણાઓને ઝાઝું મહત્ત્વ આપતી ન હતી. આ નિમિત્તે સંરચનાવાદીઓએ જાહેરનામાં બહાર પાડ્યાં, સંરચનાવાદના સમર્થનમાં અને વિરોધમાં અનેક લેખો પ્રગટ થયા, ચર્ચાસત્રો યોજાયાં, ‘ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ’નો વિશેષાંક પ્રગટ થયો. યુનિવર્સિટીનાં કાવતરાં અને એનો વિરોધ કરવાવાળાઓને ઠીક ઠીક મસાલો પૂરો પડ્યો. છેલ્લે દેરિદાને માનદ ડૉક્ટરેટ ન આપવી એનુંય ષડયન્ત્ર રચાયું. કારણ? દેરિદા નિરીશ્વરવાદી હતા. અલબત્ત સાહિત્યસિદ્ધાન્તો વિશે વિચારકો દ્વારા સમયે સમયે સહચિન્તન થતું રહે છે અને અનેક પ્રશ્નો પણ પુછાતા રહે છે. સાહિત્યસિદ્ધાન્તો સમ્પૂર્ણપણે સ્વાતન્ત્ર્યને વરેલા છે? જો તે પોતાની આગવી સત્તા સ્થાપવા જશે તો જીવાતા જીવનથી દૂર નહીં થઈ જાય? એમનું આ સ્વાતન્ત્ર્ય સાહિત્ય માટે અભિશાપ છે કે વરદાન? સાહિત્યસિદ્ધાન્તોનો કોઈ અર્થ છે ખરો? એ માત્ર નિજાનન્દ માટે છે? વાગ્મિતાશાસ્ત્રીઓની કોઈ રમત છે? રાજકીય વાચનની જુદી જુદી છાવણીઓ છે? એનાથી સાહિત્યનો ઉદ્ધાર થાય છે કે પતન? સાહિત્યસિદ્ધાન્તોને વિવેચનમાં અગ્રિમ સ્થાન આપવા જતાં સાહિત્ય શું એમનું ગુલામ તો નહીં થઈ જાય ને? સાહિત્યનું ભવિષ્ય શું એમના હાથમાં છે? આવા અનેક પ્રશ્નોનો સામનો સાહિત્યસિદ્ધાન્તોએ સમયે સમયે કરવાનો હોય છે. આ જ સંદર્ભમાં બે પુસ્તકનું સ્મરણ સહેજેય થાય છે: ‘ધ ફ્યુચર ઓવ થિયરી’ અને ‘આફટર થિયરી.’ રાબાતેનો સૂર એવો છે કે સાહિત્યસિદ્ધાન્તનું લૌકિક થઈ ગયું છે એવુંકહેનારા અને માનનારા સ્વનામધન્ય, ફેશનેબલ, પોતાને જ આગળ કરનારા મહાવિદ્યાલયોના કેટલાક અધ્યાપકો છે. નવુંજુદું, મનજળને ડહોળી નાખે એવું ન વાંચવું એ એમનો ગુરુમન્ત્ર છે. અને ન વાંચવાના વ્રતનું તેઓ ભક્તિભાવથી પાલન કરે છે તથા વારંવાર સિદ્ધાન્તોની ઠઠ્ઠા કર્યા કરે છે. આ એક વિરોધાભાસી જાહેરનામું છે? આપણે સાહિત્યસિદ્ધાન્ત વિશે ગમ્ભીર વિમર્શન ભલે કરતાં રહીએ, સિદ્ધાન્તોએ હજી ઘણું કામ કરવાનું છે. સાહિત્યસિદ્ધાન્તોના ભવિષ્ય વિશે એમની ઉત્ક્રાન્તિને જાણ્યાપ્રમાણ્યા વિના વાત ન જ થઈ શકે. આ માટે સિદ્ધાન્તોની વંશાવલીનો વિગતે, ખંતથી અને નિષ્ઠાથી પ્રથમ તો અભ્યાસ કરવો જોઈએ. રાબાતે આશાવાદી છે. એ માને છે કે શબ્દાન્તરે, નવાં નવાં નામસ્વરૂપે જુદા જુદા અવતારો ધારણ કરી સાહિત્યસિદ્ધાન્તો આવતા જ રહેશે અને કૃતિપાઠના વાચનની નવી નવી ક્ષિતિજો ઊઘડતી જ રહેશે. સિદ્ધાન્તો આપણને છંછેડતા રહેશે, મૂંઝવતા રહેશે. ટેરી ઇગલટન છેલ્લાં થોડાં વર્ષોથી શાસન કરતા સિદ્ધાન્તો તથા સિદ્ધાન્તકારો વિશે સાશંક છે. ગમ્ભીર હળવાશ અને નર્મમર્મથી તેઓ આખી પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને હવે after theory કેવા કેવા પડકારો સાહિત્ય સામે છે એની વિધેયાત્મક ભૂમિકાએ રહીને છણાવટ કરે છે. એમના મતે સાંસ્કૃતિક સિદ્ધાન્તનો સુવર્ણયુગ એ ભૂતકાળની ઘટના બની ગયો છે. 1960થી આજ સુધી સાહિત્ય અને સાંસ્કૃતિક સિદ્ધાન્તક્ષેત્રે જેમનું એક યા બીજી રીતે વર્ચસ્ રહ્યું છે એવા ઝાં લાકાં, લૅવી-સ્ટ્રાઉસ, લૂઇ આલ્થુઝર, બાર્થ, ફૂકો અને અન્યો જાણે કે દસકાઓ પાછળ ધકેલાઈ ગયા છે. એ પહેલાં પણ સાહિત્યમાં જુદો ચીલો ચાતરનાર રેમન્ડ વિલિયમ્સ, લૂસ ઇરિગેરે, બુદ્યું ખૈર, જુલિયા ક્રિસ્તેવા, ઝાક દેરિદા, યુજૅન હાબરમાસ, એડવર્ડ સઇદ વગેરેએ સાહિત્યસિદ્ધાન્તક્ષેત્રે પાયાનું યોગદાન કર્યું છે. સિદ્ધાન્તોના આ જનકો વિશે ખૂબ ખૂબ લખાયું છે, વિચારાયું છે, આમાંનાં કેટલાંકનો અન્ત આશ્ચર્યજનક રહ્યો છે. નિયતિએ આ બધાંની ક્રૂર મજાક કરી છે. પેરિસની લોન્ડ્રીવાન તળે આવવાથી રોલાં બાર્થનું અપમૃત્યુ થયું, એઇડ્સે મિશેલ ફૂકોનો ભોગ લીધો, પત્નીની હત્યા કરનાર ઝાં લાકાં માનસિક રોગીની ઇસ્પિતાલમાં મૃત્યુ પામ્યો. ઇગલટનને એવું લાગે છે કે ઈશ્વર સંરચનાવાદી નહોતો. અને એ કહે છે: ‘Structuralism, Marxism, Post-structuralism and the like are no longer the sexy topics they were.’(2) એમના મતે વિદ્યાસંસ્થાઓમાં થતું ગમ્ભીર અધ્યયન હવે લગભગ પૂરું થયું છે. લોકપ્રિય સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો પડકાર પણ વિદ્વાનોએ ઉચ્ચભૂ્ર બન્યા વિના કરવો જોઈએ. માત્ર લોકપ્રિય સંસ્કૃતિ પર ટીકાટિપ્પણ કરવાથી, વ્યાસપીઠ પર રહી તેની મજાકો કરવાથી લોકપ્રિય સંસ્કૃતિના પ્રશ્નોનો ઉકેલ આવી શકશે નહીં. પરંપરાગત વિદ્વત્તાએ રોજબરોજની જિંદગી અને સામાન્ય જનસમાજના અભ્યાસને અવગણ્યો છે. એમણે હવે રાજકીય વિસ્મૃતિમાંથી બહાર આવવું પડશે. ઇગલટન એમ પણ નોંધે છે કે ‘we can never be ‘after theory’, in the sense that there can be no reflective human life without it’ (પૃ. 221). સાંસ્કૃતિક અને સાહિત્યિક સિદ્ધાન્તોનો અન્ત સહેલો નથી. આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. નવ્ય વૈશ્વિક મૂડીવાદ, આતંકવાદ, વાંશિક અસમાનતા જેવી પરિસ્થિતિમાં અનુઆધુનિક વિચારશૈલીઓ પોતાના અન્ત તરફ ગતિ કરી રહી છે. મહાવૃત્તાન્તો(grand narrative) એ ભૂતકાળની ગાથા બની ગયાં છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક સિદ્ધાન્તોએ હજી નવા પડકારો ઝીલવા પડશે અને અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે એનું પુન:પરીક્ષણ કરવાનું રહેશે. આ માટે કેટલાક પૂર્વગ્રહો, સૂગ અને શરમ છોડવાં પડશે. વૈશ્વિક ઇતિહાસ અને એના પ્રશ્નોનો નવેસરથી, આળા બન્યા વિના, સામનો કરવાનો રહેશે. ડાબેરી વિચારક ટેરી ઇગલટનના વિચારો કદાચ ઘણાને અકળાવે. એમણે સિદ્ધાન્તનાં ઉત્થાનપતન વિશે, આધુનિકતા તથા અનુઆધુનિકતાએ સિદ્ધાન્તને માર્ગે ચાલતાં શું પ્રાપ્ત કર્યું, શું ખોયું વગેરે વિશેની પોતાની વિચારણા પણ નૈતિકતાના સંદર્ભમાં વિનોદવેદનાથી સ્પષ્ટ કરી છે. આ માટે એમણે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યાઓના અનેક આધારો ટાંક્યા છે. મૃત્યુ, દુરિત અને પદાર્થજગત વિશે પણ સિદ્ધાન્ત નિમિત્તે એમણે કેટલીક વિચારપ્રેરક વાતો કહી છે. સાહિત્યસિદ્ધાન્ત નિરન્તર વિવાદના કેન્દ્રમાં રહેવાના જ, એમની સાથે હાથ મિલાવવા કે હિંસક બની એમના પર તૂટી પડવું કે એનો તિરસ્કાર કે પુરસ્કાર કરવો એની પસંદગી દરેકે પોતાની વિવેકબુદ્ધિથી અને ઉઘાડા મનથી કરવાની રહે. પરંતુ એક વાત તો સ્પષ્ટ જ છે કે સાહિત્યસિદ્ધાન્ત રચનાના અર્થને અનેક કેન્દ્રો પરથી સમજવાની, રચનાના વિશ્વની કેટલીક શક્યતાઓ ઉઘાડી આપવાની મહત્ત્વની આધારભૂમિ તો રચી જ આપે છે. માત્ર એક કેન્દ્ર પર સ્થિર કે નિર્ભર રહેવાને બદલે એની જોડે ગૂંથાયેલા અનેક આન્તરવિદ્યાકીય સંદર્ભોને સાથે રાખી ભાવકને રચનાની આન્તરસમૃદ્ધિનો પરિચય કરાવવાનું ધ્યાનયોગ્ય કાર્ય સાહિત્યસિદ્ધાંત કરે જ છે અને એ દ્વારા ભાવક રચનાના અગણિત કૃતિપાઠો પોતાની ચેતનામાં ઝળહળતા કરી શકે છે. સાહિત્યસિદ્ધાન્તો સાહિત્યરચનાને જુદી જુદી રીતે સમજવાના અને ઓળખવાના તથા પ્રમાણવાના અભિગમો છે. દરેક અભિગમની સૈદ્ધાન્તિક ભૂમિકા હોય છે, પ્રતિબદ્ધતા અને દાયિત્વ હોય છે. સૈદ્ધાન્તિક આન્દોલનોએ એ ઓળખ તો આપી જ છે કે જેમ સર્જક આ વિશ્વનું અર્થઘટન અનેક રીતે પોતાની રચનામાં કરે છે એવી જ રીતે સર્જકે રચેલા વિશ્વનું અર્થઘટન જુદા જુદા સિદ્ધાન્તો દ્વારા અનેક રીતે થઈ શકે છે. કોઈ પણ સાહિત્યસિદ્ધાન્ત સર્જકરચનાનો અનાદર કરતો નથી. બીજું, એક સિદ્ધાન્ત કરતાં અન્ય સિદ્ધાન્ત ચડિયાતો કે ઊતરતો છે એવી કોઈ કૃતક તુલનાઓ કરવાની ન હોય. દરેક સિદ્ધાન્તનું સંદર્ભગત મૂલ્ય છે. સાહિત્યરચનામાં સર્જકે મનુષ્યની ઓળખને, એની સંકુલ અને મૂંઝવનારી છબીને કેવી રીતે આલેખી છે, સર્જકની વ્યૂહરચનાઓ કેવું રચનાગત વિશ્વ નિર્માણ કરે છે એનો અજંપો સિદ્ધાન્તકારના મનમાં હોય છે અને તેથી રચનાનાં જુદાં જુદાં અર્થઘટનો કરવાનો એમનો પ્રામાણિક આશય હોય છે. જોકે સિદ્ધાન્તોથી રચનાના સર્જકતાભાવકતાના પ્રશ્નોનું નિરાકરણ આવી જતું નથી. રચનાનો કોઈ અન્તિમ અર્થ ન સમ્ભવી શકે. પરંતુ માનવીની વૈચારિક તથા સર્જનાત્મક યાત્રાને ગતિશીલ રાખવાનું પાયાનું કાર્ય નમ્રતાથી સિદ્ધાન્તો કરે છે. જૉનાથન કલર કહે છે એમ Theories are ongoing projects of thinking છે. મહત્ત્વના સંદર્ભ: 1. ચિન્તયામિ મનસા: સુરેશ જોષી 2. ભાવનવિભાવન 1, 2: હરિવલ્લભ ભાયાણી 3. સંરચના અને સંરચન: સુમન શાહ 4. બહુસંવાદ: ચન્દ્રકાન્ત ટોપીવાળા 5. નાનાવિધ: ચન્દ્રકાન્ત ટોપીવાળા 6. રૂપરચનાથી વિઘટન: શિરીષ પંચાલ 7. અસ્યા: સર્ગવિધૌ: સિતાંશુ યશશ્ચન્દ્ર 8. The Theory of Criticism: Ed. Raman Selden 9. The Norton Anthology of Theory & Criticism: Ed, Vincent B. Leitch 10. Literary Theory: Jonathan Culler 11. Of Grammatology: Jacques Derrida 12. Literary Theory: an Introduction: Terry Eagleton 13. The Significance of Theory: Terry Eagleton 14. After Theory: Terry Eagleton 15. Critical and Cultural Theory: Cavallaro 16. The Resistance to Theroy: Paul de Man 17. The Future of Theory: Jean Michel Rabate [‘નિરંતર’, 2007]