ગુજરાતી સૉનેટકાવ્યો/ભીતરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૭. ભીતરે

મનોહર ત્રિવેદી

છેલ્લા પત્રે પ્રિય, ઉમળકાભેર મેં વાંસ્યું તાળું.
કોરે મોરે વિગત, વચમાં જોઉં ખેંચાણ મારું :
‘લાંબા લાગે દિન પિયરના, રાત વેંઢારવાની’
(તેડી આવ્યો) વધુ સમય તું ક્યાં હતી ગાળવાની?

ગૈ કાલે જે પડતર હતું, આજ ચોખ્ખું ચણાક
હોંશે હોંશે ધર કર્યું પ્રિયે, રમ્ય દીસે ન થાક
તારા ચ્હેરે. વિહગ ફરક્યાં ભીંતનાં શાં ફરીને,
એના ઝીણા – નીરવ ટહુકા આળખે ઓશરીને!

બેડાં માંઝ્યાં, ઝળહળ થયાં, ઓસર્યાં ઓઘરાળાં,
ખંખેર્યાં તેં છત સહિત બાઝેલ સર્વત્ર જાળાં.
વાળી ઝૂડી, પુનરપિ બધી ગોઠવી ચીજવસ્તુ
ઑળીપાની સુરભિ વદતી હોય જાણે, ‘તથાસ્તુ’.

ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં
ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં!
૨૧-૧૧-’૯૨