ગુજરાતી સૉનેટકાવ્યો/ભાષાભવન
Jump to navigation
Jump to search
૧૧૬. ભાષાભવન
‘અદમ’ ટંકારવી
એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દના ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી
ભોંયતળિયે પાથર્યાં વિરામ ચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે
થઈ ધ્વજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.
કે અનુભૂતિનો સૂસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મ્હેલ ઊડી ગયો