ગુજરાતી સૉનેટકાવ્યો/વધામણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. વધામણી

બ. ક. ઠાકોર

વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છૉળઠેલે;
ને આવી તો પણ નવ લહૂં ક્યાં ગઈ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણું સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલાઃ
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા; શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્‌હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતૂ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે સતત ચુચુષે અંગુઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કૉણ જેવો? ૧૪