ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નવલકથા (પીએચ.ડી.)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. નવલકથા
૧. શીર્ષક : નવલકથાકાર જૉસેફ મેકવાન : એક અધ્યયન
સંશોધક : અમૃતભાઈ ડી. પરમાર
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૩

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ પ્રસિદ્ધ દલિત સાહિત્યકાર શ્રી જૉસેફ મેકવાનની નવલકથાઓને કેન્દ્રમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પહેલાં પ્રકરણમાં જૉસેફ મેકવાનનો જન્મ, બાળપણ, શિક્ષણ તથા ઘડતર પરિબળો વિશે વિસ્તૃત માહિતી રજૂ થઈ છે. બીજાં પ્રકરણમાં સર્જક જૉસેફ મેકવાનની સાહિત્યસૃષ્ટિનો પરિચય અપાયો છે. નવલકથાકાર, વાર્તાકાર, રેખાચિત્રકાર, નિબંધકાર તથા સંપાદક જૉસેફ મેકવાનના સમગ્ર સાહિત્યિક યોગદાનનો પરિચય અહીં મળે છે. પ્રકરણ ત્રણમાં નવલકથાનું સ્વરૂપ, તેનાં લક્ષણો તથા ગુજરાતી નવલકથાનો વિકાસક્રમ આલેખાયો છે. ચોથાં પ્રકરણમાં નવલકથા સ્વરૂપને કેન્દ્રમાં રાખીને જૉસેફ મેકવાનની નવલકથાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. નવલકથાનાં વિવિધ ઘટકતત્ત્વો જેવાં કે કથાવસ્તુ, પાત્રલેખન, સંકલન, વાતાવરણ, સંવાદ, જીવનદર્શન વગેરેની દૃષ્ટિએ અહીં અભ્યાસ રજૂ થયો છે. પાંચમાં પ્રકરણમાં સંશોધનના તારણરૂપે નવલકથાકાર જૉસેફ મેકવાનની સિદ્ધિઓ તથા મર્યાદાઓની વિચારણા કરવામાં આવી છે. પરિશિષ્ટમાં સંદર્ભસૂચિ અપાઈ છે.

૨. શીર્ષક : ધીરુબહેન પટેલ : નવલકથાકાર
સંશોધક : ભરત અગ્રવાલ
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૭

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. આ મહાનિબંધમાં ધીરુબહેન પટેલની પંદર નવલકથાઓને ધ્યાનમાં રાખી શોધકાર્ય થયું છે. પહેલાં પ્રકરણમાં ધીરુબહેન પટેલનાં વ્યક્તિત્વ ઘડતરનાં પ્રેરક પરિબળો અને સમગ્ર કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. બીજાં પ્રકરણમાં આધુનિક નવલવિશ્વ અને તેમાં ધીરુબહેન પટેલની નવલકથાના સ્થાન વિશે વિચારણા રજૂ થઈ છે. તેમની નવલકથાઓમાં પરંપરાથી વિચ્છેદ નથી પરંતુ પરંપરામાંથી વિવેકપૂર્વક સારતત્ત્વ તારવી લઈ નવા ઉન્મેષ, પોતીકા અવાજ સાથે પ્રગટ થાય છે તેની વિચારણા થઈ છે. ત્રીજાં પ્રકરણમાં ધીરુબહેન પટેલની પંદર નવલકથાનો વિષયવસ્તુલક્ષી અભ્યાસ કરી તેમાં સામાજિક પરિવેશ તથા પાત્રોના મનોવલણો સંદર્ભે વિચારણા થઈ છે. ચોથાં પ્રકરણમાં લેખિકાની નવલકથાઓનો ચરિત્રચિત્રણલક્ષી અભ્યાસ થયો છે. કથાના સ્ત્રી-પુરુષ પાત્રોનો અહીં વિશેષ અભ્યાસ થયો છે. પાંચમાં પ્રકરણમાં ધીરુબહેન પટેલની નવલકથામાં કથનકેન્દ્રની વાત થઈ છે. છઠ્ઠાં પ્રકરણમાં ધીરુબહેન પટેલની નવલકથાઓની ભાષાશૈલીની વિચારણા થઈ છે તેમ જ તેમાં યોજાયેલાં પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, કહેવતો, રૂઢિપ્રયોગોની તથા શૈલીની વિચારણા કરવામાં આવી છે. અંતે શોધકાર્યનાં તારણો ઉપસંહાર રૂપે રજૂ થયા છે.