ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/તડકાને તો એમ કે — મનોહર ત્રિવેદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તડકાને તો એમ કે –

મનોહર ત્રિવેદી

તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું...
છાપરે બેસી એ... યને એકલરામ આ હોલો ગાય :
બાજુમાં સામટું ધગી જાય મોભારું...

ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર-
નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર ?
સાંજ લગી નૈં ભીંતનો છાંયો બીકનો માર્યો,
નેજવેથી મોં કાઢશે બ્હારું...

ડાળમાં લપાય પોપટ- સૂડા પળ રહે ના ચૂપ,
ટીપે-ટીપે પાંદડાં ચૂવે સૂરના મીઠા કૂપ,
ત્યાં જ ગોળામાં ઊઠતી છાલક : પાણિયારું ભીંજાય, ગુંજે જ્યાં ગીત બુઝારું...

તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું...
- મનોહર ત્રિવેદી

તડકાની તુમાખી પર ઠંડું પાણી રેડાઈ ગયું

વૈશાખી બપોરનું આ ગીત છે. આપણામાં કહેવત છે કે ચા કરતાં કીટલી ગરમ. તડકાની તુમાખી તો સૂરજથી યે ચડે તેવી છે. ધરતી પ્રજાળવા સારુ તે સૂરજ સહિતનું આભ હેઠે ઉતારવા માગે છે.પણ હોલો ગાંજ્યો જાય એમ નથી. છાપરે બેસીને એ નિરાંતવા જીવે ગાય છે. ‘એ...યને' શબ્દ મનની મસ્તી સૂચવે છે. ‘એકલરામ' શબ્દ પંડ્યમાં કે પરમેશ્વરમાં લીન થયાનો ભાવ સૂચવે છે. છાપરાના ટેકા માટે આડું મૂકેલું મોટું લાકડું તે મોભ અને તેની ઉપરની જગ્યા તે મોભાર. મોભારું ધૂ ધૂ ધખે છે, તોય હોલો ઘૂ ઘૂ કરે છે.

‘ઓણ' એટલે ‘અત્યારની સાલ' કે ‘હમણાં.' વૈશાખનો માસ આ પહેલાં આવો તોછડો કદી નહોતો. આ વેળાએ એટલો બધો તાપ પડ્યો કે સમયનું વહેણ સુકાઈ ગયું. સૂરજ માથે હોય ત્યારે ભીંતનો પડછાયો ન પડે, સમીસાંજે પડછાયા લંબાતા જાય. કવિ કલ્પના કરે છે: પડછાયાને તડકાની એવી બીક લાગી કે ઘરની બહાર ડોકાયો જ નહિ. (નેજવું એટલે છાપરાની પાંખ.) સૌને પડછાયાનો આશરો હોય, પણ પડછાયાને કોનો આશરો હોય?

તડકાથી બચવા વૃક્ષમાં લપાઈ ગયેલાં પંખી કોઈને દેખાય નહિ. વૃક્ષ સિસોટીઓ મારીને ગાતું લાગે. કલરવના કૂપ (કૂવા) પાંદડાંથી જાણે ટપકે.

‘ગોળો' એટલે પાણી ભરવાનું પાત્ર-ગાગર. તેની ઉપરનું ઘુમ્મટ આકારનું પિત્તળનું ઢાંકણ તે ‘બુઝારું.' બેડલાંની છાલકથી તડકાની તુમાખી પર ઠંડું પાણી રેડાઈ જાય!

તડકો એટલે આતતાયી? વૈશાખી વાયરા એટલે વિટંબણા? હોલો યાને મસ્ત ફકીર? સૂડાપોપટ યાને વિપરીત સંજોગોમાં યે કિલ્લોલતા મનુષ્યો? ગોળામાં ઊઠતી છાલક યાને આનંદની સરવાણી? તડકાને ચડેલી ગરમીનું અને તેનો ઠંડો પ્રતિકાર કરતાં હોલા-સૂડાપોપટ-પાણિયારાનું આ ગીત છે. ‘સૂરજસોતું, મોભારું, ઓણ, બ્હારું, બુઝારું' જેવા તળપદા શબ્દોથી કવિએ ગ્રામ્ય પરિવેશ રચ્યો છે, સંસ્કૃતશાઈ કે અંગ્રેજી શબ્દોથી તેને અળપાવ્યો નથી.

બનાવટી નોટની થોકડી જેવી રચનાઓ આપણી વચ્ચે ફરી રહી છે.તેમને રાતોરાત રદ કરવામાં આવે અને આ ગીત જેવી સાચી કવિતાઓ જ ચલણમાં રહે, તો કેવું સારું!

***