ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/હોઠ મલકે તો — હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે !
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો,
ભલે આઘો ઠેલાય આ કિનારો !
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો ક્યાં સૂરજ સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી;
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે !
– હરીન્દ્ર દવે
મનોયત્ન
જગતના ૪૦૦ કરોડ લોકોમાંથી પ્રેમમાં પડી શકે તેવા ૨૫૦ કરોડ છે. (બાકીના સગીર, ડોસા, યા સ્થિર મગજના છે.) દરેક વ્યક્તિ ૨૫ વર્ષના સમયગાળામાં સરેરાશ ૩ વાર પ્રેમમાં પડે છે. (તમારી વાત નથી.) (તમે તો ૬ વાર પડેલા.) હવે, મહિનામાં જો ૨૫ ચાલુ દિવસો હોય, (નેવર ઑન અ સન્ડે), તો રોજેરોજ કેટલાં નંગ પ્રેમમાં પડતાં હશે ?
જવાબ : દસ લાખ
...અને છતાં પ્રત્યેક પ્રેમ પહેલો પ્રેમ હોય છે. પૂર્વમાં ઉઘડતો દરેક દિવસ અ-પૂર્વ નથી હોતો? હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન. મારી સામું જુઓ તો પાપ નહિ પડી જાય. ન હસવાના સમ ખાધા છે ? શું વિચારો છો ? એ...ઈ! તમને કહું છું. મલકે તો મહેરબાની એમ નહિ. હોઠ મલકે તો. કોઈ કહેશે, કાન કે કોણી ઓછાં જ મલકવાનાં હતાં? હોઠેથી મલક તો આંખેથી જો જેવું થયું. પણ નજરું સાજનના હોઠેથી હેઠી ઊતરી ત્યારેને? આ તો હૈયે તેવું હોઠે. પ્રેમિકાની મતિ મુંઝાય છે. પ્રણયનો વણજોયેલો આ દેશ જોયેલો કાં લાગે ? (અજનબી, તુમ જાને પહચાને સે લગતે હો.) ફ્રેંચમાં કહેશે, ડેજા વૂ. પાછલા ભવની પ્રીત ? ના, ના. આપણે પ્રેમના તખ્તા પર ઊભાં થઈએ તે પહેલાં કંઈક રીહર્સલો ભજવતાં રહીએ છીએ. વાર્તા વાંચતાં, ફિલ્મ જોતાં, સપનું જોતાં, આંખોને બેમાંથી ચાર કરતાં, મનોમન માંડવો રચાતો હોય છે. ચાખ્યું હોય મધ પણ લાગે કે ફૂલોને ક્યાંક મળ્યા છીએ. એક ગામથી બીજે ગામ પહોંચતાં એક માણસને દસ કલાક લાગતા હોય, તો બે માણસને કેટલા લાગે ? પાંચ? વીસ? ચાલતાં ચાલતાં સાથે ચાલનારો ગમવા માંડે તો પલકવારમાંયે પહોંચાય કે રસ્તે રવડીયે પડાય. કોને પડી છે? ભલે આધો ઠેલાય આ કિનારો. પ્રેમિકાને સંસાર હવે એંઠો લાગે છે. સુવાસિત વિસ્તારોની ઊડતી મુલાકાત લેનારી મધમાખી પાટલો ઢાળીને હવે શિરામણ કરે ? કવિએ અજીઠો - મજીઠોના જચી જાય તેવા પ્રાસ રચી આપ્યા. સ્ક્રૂના આંટા અતિવપરાશથી ગ્રિપ ગુમાવી બેસે; શબ્દો પણ. દા.ત. એકધારો રાહ, મઝધાર, કિનારો, ઉજાગરો અને ચંચલ હવા. પ્રેમીઓ રાતભર જાગ્યા એટલે સૃષ્ટિનોયે તેમણે સુસ્ત તરજુમો કર્યો. હવા ઝોકે ચડેલી દેખાઈ, સૂરજની આંખ ઉજાગરાથી રાતી. એ તો દૃષ્ટિ તેવી સૃષ્ટિ. ઉત્સાહી કહેશે કે ફેરફૂદરડી ફરે છે, નિરાશાવાદી કહેશે - કેવી ચકરાવે ચડી ગઈ. પ્રેમીની આંખે જુઓ – બાવળ પણ બોગનવેલ લાગશે.
શાખ કુછ યૂં ગુલાબ દેતી હૈ
જૈસે પલકેં ઝૂકા કે લડકે કો
કોઈ લડકી જવાબ દેતી હૈ
***