ગૃહપ્રવેશ/નળદમયન્તી
સુરેશ જોષી
નાઝ આગળ જઈને ચિત્રાએ જોયું તો અરુણા ક્યાંય નજરે પડી નહીં. આથી એને ખરું જોતાં એક અનિચ્છનીય પરિસ્થિતિમાંથી છૂટી જવાનો આનન્દ થવો જોઈતો હતો. પણ એ કોણ જાણે શાથી નિરાશા અનુભવવા લાગી. એનાથી અણજાણપણે એનું ચિત્ત સાહસને માટે તત્પર થઈને બેઠું હશે? એ તક ચાલી જતાં નિરાશા ઉદ્ભવી હશે? એ આવા વિચારમાં હતી ત્યાં ક્યાંકથી અરુણા આવી ચઢી ને એનો હાથ હાથમાં લઈને બોલી: ‘ઓહો, તું આવી ખરી! મને બહુ આશા નહોતી.’ ચિત્રા કશું બોલી નહીં. એના હાથમાંની અરુણાની આંગળીઓ કશીક અસ્વાભાવિક ચંચળતાથી સળવળ્યા કરતી હતી. એ ચંચળતાની પાછળ ભય હતો કે વિહ્વળતા? કોણ જાણે! પણ હવે અનિશ્ચિતતાને સ્થાને આવેલી નિશ્ચિતતાને કારણે ચિત્રાના શરીરમાં એકાએક ભયનો સંચાર થયો. અરુણાની અસ્થિર આંગળીઓને એનું આખું અસ્તિત્વ જાણે બાઝી પડ્યું. પછી બંને આગળ વધ્યાં.
ઉપર જઈને બહારના સોફા પર બંને બેઠાં. ચિત્રાની ભયકાતર આંખો વિહ્વળ બનીને આમથી તેમ ફરવા લાગી. ચારે બાજુના મોટા મોટા આયનામાં એણે એનાં પ્રતિબિમ્બો જોયાં. એ આયનાઓએ જાણે વસ્ત્રાહરણ કરીને એને સાવ છતી કરી દીધી હોય એવું એને લાગ્યું. સંકોચની મારી એ એક આયના પરથી નજર પાછી વાળે ત્યાં બીજો આયનો નફફટ બનીને એને વળી છતી કરે છે; આમ એની દૃષ્ટિ ચારે બાજુથી અસહાય થઈને પાછી વળી. એકાએક એને લાગ્યું કે એ જાણે કોઈ ચારે બાજુથી બંધ એવા ઓરડામાં પુરાઈ ગઈ છે. બહાર નીકળવાનો કોઈ માર્ગ રહ્યો નથી. અજાણ્યા ભયથી એનું હૃદય ફફડી ઊઠ્યું. આ દરમિયાન અરુણા કશુંક બોલ્યે જતી હતી ને ચિત્રા ‘હં’ કહીને કે માથું હલાવીને એની વાતમાં પોતાનું ધ્યાન છે એમ બતાવવાનો પ્રયત્ન કરતી હતી. ત્યાં અરુણા ઊઠીને ઊભી થઈને બોલી: ‘હવે વખત થવા આવ્યો છે. તું અહીં બેસ. હું હમણાં જોઈને આવું છું.’ એમ કહીને એ દાદર ઊતરી ગઈ. એકાએક આવી પડેલી એકલતા સાથે એ પોતાનો મેળ બેસાડવાને મથવા લાગી. એણે ઊભા થઈને આયનાઓની તરફ પીઠ કરી નીચે નજર કરી. આનન્દથી તરવરતા ચહેરાઓની વચ્ચે એ ભૂલી પડી હોય એવું એને લાગ્યું. એને દૃષ્ટિને એ બધા પરથી ખેંચી લઈને દૂરદૂરના આકાશ તરફ વાળી. મનમાં આવતા ચિત્રવિચિત્ર વિચારોથી ભાગીને એ જાણે પોતાનામાં જ કોઈ એકાદ ખૂણે સોડિયું વાળીને ભરાઈ ગઈ. હવે પછી જે કાંઈ થવાનું છે તેને આમ પોતાના જ શરીરના એક ખૂણામાં સરી જઈ નિલિર્પ્ત ભાવે બનવા દઈ શકાય તો… ત્યાં અરુણા આવી. આ વખતે એ એકલી નહોતી. એણે અરુણાના શબ્દો સાંભળ્યા: ‘ચાલ ચિત્રા, હવે વખત થઈ ગયો છે.’ ‘વખત થઈ ગયો છે’ એ શબ્દો કોઈ ભૂલું પડેલું ચામાચીડિયું ઓરડામાં વર્તુળ મારતું જાય તેમ એના મનની અંદર વર્તુળાકારે ઘૂમવા લાગ્યા. એણે અરુણાની દિશા તરફ ચાલવા માંડ્યું. થિયેટરમાં દાખલ થવાનો વખત થયો એટલે અરુણાએ કહ્યું, ‘ચાલ ત્યારે, હવે હું જાઉં ને?’ એ પ્રશ્નના ઉત્તરની રાહ જોયા વિના જ એ ચાલી ગઈ.
થિયેટરમાં દાખલ થતાં જ અંદરનો અન્ધકાર એને અજગરની જેમ ગ્રસી ગયો. ન્યૂઝ રીલ શરૂ થઈ ગયું હતું. એને જ્યાં બેસવાનું કહેવામાં આવ્યું ત્યાં એ બેઠી. અત્યાર સુધી એ એક્કે શબ્દ બોલી નહોતી. આવી પરિસ્થિતિમાં કશુંક બોલવું જોઈએ ખરું ને બોલવું તો શું બોલવું તેની એને ખબર નહોતી. આથી સામેના પડદા પર જે દેખાતું હતું તે એણે જોયા કર્યું. ‘નળદમયન્તી’નું ચિત્રપટ હવે શરૂ થઈ ગયું હતું. અનુરાગના પ્રથમ ઉદયથી આનન્દવિહ્વળ બનેલી દમયન્તી ઉદ્યાનમાં ફૂલો સાથે રમતી ગીત ગાઈ રહી હતી, ત્યાં પાસેની બેઠક પર સળવળાટ થયો ને એ ચોંકી. હવે પછીની ક્ષણોમાં જે કાંઈ બને તેને માટે એ પોતાની જાતને તૈયાર કરવા લાગી પણ શું કરવું એ તેને સૂઝ્યું નહીં. શસ્ત્રક્રિયા કરતાં પહેલાં જેના પર શસ્ત્રક્રિયા કરવાની હોય છે તે અંગને જૂઠું પાડી દેવામાં આવે છે. અહીં તો સમસ્ત સંવેદનાને જૂઠી કરી નાંખવી પડે એમ હતું. બાજ પંખીએ શિકાર પકડ્યો હોય ને એ શિકારને દબાવીને એ આજુબાજુ નજર નાખીને નિરાંતે એને આરોગી શકાય એવા સ્થળની શોધ કરતું હોય ત્યારે એ વચલા ગાળામાં શિકારની જે સ્થિતિ થાય તેવી સ્થિતિ અત્યારે પોતાની હતી એવું ચિત્રાને લાગ્યું. એણે પોતાની બધી શક્તિ ખરચીને આ પરિસ્થિતિ સાથે તત્સમ થઈને રહેવાનો અથવા તો એને અતિક્રમી જવાનો ઉપાય શોધવા માંડ્યો. સ્મૃતિના સ્તર પછી સ્તર ઉકેલીને એણે જ્યાં આશ્રય લઈને વર્તમાનની સંવેદનાથી નિલિર્પ્ત રહી શકાય એવું એક બિન્દુ શોધવા માંડ્યું… કોઈ ઉત્કટ સુખની સ્મૃતિ કે પછી કોઈ ઉત્કટ દુ:ખની સ્મૃતિ! અનેક નાનાં નાનાં સુખદુ:ખની સ્મૃતિઓ હતી, બાકીનું ટેવની ઘરેડમાં પડીને સમથળ થઈ ગયું હતું. ટેવ ગમે તેવા ઉત્કટ દુ:ખની ધારને તીક્ષ્ણ રહેવા દેતી નથી. નરેશે પહેલવહેલાં જ્યારે પોતાના ઉપરીને હાથે અપમાનિત થયાની વાત કરી ત્યારે બંનેને દુ:ખ થયું હતું; પણ પછી નરેશનું અપમાન કરવાનો ઉપરીનો કાર્યક્રમ નિયમિત થઈ ગયો ને નરેશને પણ પોતે દુ:ખી થયો છે એમ એના ઉપરીને બતાવવાની ટેવ પડી ગઈ. ચિત્રાને થયું કે આખરે માનહાનિથી દુ:ખ થાય એવું શું એક્કેય મર્મસ્થાન નહીં રહે? આ સતત પીછેહઠ, શાહમૃગની જેમ રેતીમાં માથું સંતાડીને વાસ્તવિકતાને અવગણવાની પ્રવંચના – આખરે ક્યાં પહોંચશે? માનવીને એની માનવતાની સીમાની પણ બહાર ભગાડી મૂકી શકાશે?…
આ બાજુ નળદમયન્તીના જીવનમાં ઊથલપાથલ થઈ ગઈ હતી. બાળકોને મોસાળ વળાવીને નળદમયન્તી વનમાં વાસ કરતાં હતાં. કલિનો પ્રભાવ પૂરો વિસ્તર્યો હતો. ત્યાં નળદમયન્તીની કથાનો અત્યન્ત કરુણ પ્રસંગ આવ્યો. મહામહેનતે પકડાયેલી માછલી દમયન્તીના હાથમાંની સંજીવની શક્તિથી સજીવ થઈ પાણીમાં સરી પડી. આથી નળ ગુસ્સે થયો, નળે ન કહેવાના શબ્દો કહ્યા. તે રાતે થાક અને દુ:ખની ગ્લાનિથી દમયન્તી અધમૂઈ થઈને પડી હતી ત્યારે નળ એનું અર્ધું વસ્ત્ર ફાડીને, તેને અસહાય એકલી મૂકીને ચાલ્યો ગયો. પશ્ચાદ્ભૂમાં વાજિંત્રો કરુણ સૂરો રેલાવતાં હતાં. પ્રેક્ષકોની હૃદયતન્ત્રી પણ એનાથી રણઝણી ઊઠી હતી. કોઈ ભાવુક, પ્રેક્ષકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ત્યાં એકાએક બાજુની બેઠકમાંનો હાથ આવીને એના સાથળ પર સ્થિર થયો. ચિત્રા જાણતી હતી કે એ હાથ ત્યાં વધુ વખત સ્થિર રહેવાનો નહોતો. આ નવી પરિસ્થિતિ પ્રત્યે એનું શરીર શી રીતે વર્તે છે તે એ તટસ્થ બનીને જોવાનો પ્રયત્ન કરવા લાગી. પ્રથમ સ્પર્શે શરીર એકદમ ચોંકીને સંકોચાયું હોય એવું તેને લાગ્યું. પછી એ સ્પર્શના સંવેદનને અન્ય સ્પર્શના સંવેદનથી વેગળા પ્રકારનું જાણીને એ કાંઈક મૂંઝવણમાં પડી ગઈ હોય એવું લાગ્યું. એકાએક પેલો હાથ એની અનિશ્ચિતતામાંથી જાગીને સાથળના માંસલ ભાગને એની પકડમાં લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો…
ઘોર અંધારી રાતે વૈદર્ભી વનમાં વલવલતી હતી. વન હિંસ્ર પશુઓથી ભરેલું હતું. એ પશુઓ માંસનાં ભૂખ્યાં હતાં. વર્ષાની ધારા માથા પર ઝીંકાતી હતી. એણે એક વૃક્ષનો આશરો લીધો ત્યાં અજગર એના તરફ ધસી આવ્યો. એ સાપની દૃષ્ટિ સાથે એની દૃષ્ટિ એક થતાં એ મન્ત્રમુગ્ધ થઈ ગઈ. એના મુખમાંથી ચીસ નીકળી શકી નહીં…
સાથળ પરથી ખસીને હાથ ઉપર આગળ વધ્યો. ઘડીક કમરને વીંટળાઈને એણે પીઠ તરફ ગતિ કરી. એની ગતિમાં એક પ્રકારનું મરણિયાપણું હતું જે આ પરિસ્થિતિમાં પણ ચિત્રાના ચિત્તમાં એને માટે દયા ઉપજાવતું હતું. અજગર શિકારને બાથ ભિડાવે તેમ એ હાથ એને ભીંસમાં લેતો ગયો… ત્યાં એકાએક દીવા થઈ ગયા. દમયન્તીને અજગરની પ્રાણઘાતક સન્નિધિમાં મૂકીને પ્રેક્ષકો ઊંચે હૈયે ખુલ્લી હવા ખાવા બહાર નીકળ્યા. ચિત્રાને લાગ્યું કે પેલા હાથની ગતિથી એના શરીર પર જાણે ચીલા પડી ગયા હતા.
‘શું લેશો? ઓરેન્જ, આઇસક્રીમ…’
‘ઓરેન્જ.’
પરિસ્થિતિને અસ્વાભાવિક બનતી અટકાવવાને માટે એ એની પાછળ બહાર નીકળી. ઝગઝગતા દીવા ને એના પ્રકાશને ચાર ગણો કરી મૂકતા પેલા નિષ્ઠુર આયનાઓ! એ ચાલતી હતી પણ એની ગતિ જાણે કોઈ મોટા કરોળિયાની જાળની અંદર રહીને થતી હોય એવું એને લાગતું હતું. જાણે કોઈ પ્રાણીની ચીકણી લાળ ચારે બાજુથી એના અંગને લપેટાઈ ગઈ હતી.
‘તમને ફિલ્મ ગમી?’
‘ખૂબ કરુણ છે.’
‘મને પણ કરુણ ફિલ્મ જોવી ગમતી નથી. પણ અહીંના જેવી આરામવાળી બેઠક બીજે નથી.’
‘હા.’
ઇન્ટર્વલ પૂરો થવાની ઘંટડી વાગી. બંને અંદર પ્રવેશ્યાં – પેલા અન્ધકારના અજગરના મોઢામાં. ચિત્રાને આખી દુનિયા ગૂંચળું વાળીને શિકારની રાહ જોઈને બેઠેલા અજગર જેવી લાગી…
અણીને વખતે મદદ આવી પહોંચી. એક શિકારીએ આવીને કુહાડીથી અજગરને મારી નાંખ્યો. દમયન્તીએ શિકારીનો આભાર માન્યો. પણ શિકારી પોતાના ઉપકારના બદલામાં દમયન્તીને આખીને જ લઈ લેવા માગતો હતો. દમયન્તીને નાગના મુખમાંથી બચ્યાનો પશ્ચાત્તાપ થવા લાગ્યો…
હાથ હવે પરિચિત થઈ ચૂકેલા માર્ગે ગતિ કરતો હતો. આગલા અનુભવની સ્મૃતિને કારણે હવે એની ગતિ કોઈ નવી સંવેદના જગાડતી નહોતી. ચિત્રાને પોતાને આને કારણે પ્રાપ્ત થયેલી સ્વસ્થતાથી આશ્ચર્ય થયું. હવે એનું ચિત્ત જાણે જાળમાંથી છૂટીને મુક્તપણે વિહરવાને સમર્થ બન્યું. એનામાં એકાએક ઉદારતાનો જાણે જુવાળ આવ્યો; ક્ષમા અને દયાની મિશ્ર લાગણીથી એણે પાસેના ખભા પર પોતાનું માથું ઢાળ્યું. એની બંધ આંખોની સીમાની અંદર શાન્તિનો અસીમ પારાવાર રેલાઈ રહ્યો હતો. તેણે પોતાના વ્યક્તિત્વના એક બિન્દુમાં કેન્દ્રિત થઈને ન રહેતાં એ શાન્તિના પારાવારના અણુએ અણુમાં પોતાની જાતને પ્રસારી દીધી હતી. પોતાના ચિત્તમાં આટલાં ઔદાર્ય ને ક્ષમાનો સંચય હશે તેની એને ખબર નહોતી. એકાએક એ સમૃદ્ધિની જાણ થતાં એ પ્રસન્ન થઈ ઊઠી. આ પ્રસન્નતાની ખુમારીમાં હવે એ પ્રગલ્ભ બનીને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હતી…
દમયન્તી વિકટ કસોટીમાંથી સતીત્વના બળે પસાર થઈ ગઈ. કલિએ હાર સ્વીકારી. નળદમયન્તીનું ફરી મિલન થયું. મોસાળથી સન્તાન પાછાં ફર્યાં. રાજપ્રાસાદને ગવાક્ષે ઊભી ઊભી દમયન્તી ઉલ્લાસનું ગીત ગાઈ રહી હતી. એ ગીતની છોળમાં ભીંજાતા પ્રેક્ષકો આખરે બહાર નીકળ્યા. ચિત્રા પણ બહાર આવી.
‘તમે ક્યાં રહો છો? બેસી જાવ કારમાં, હું તમને ઉતારી દઈશ.’
‘ના, નાહક તકલીફ શા માટે? હું જઈશ.’
એણે ખિસ્સામાંથી પહેલેથી જ જુદી પાડીને મૂકી રાખેલી દસદસની ત્રણ નોટ ચિત્રાના હાથમાં મૂકી. પચ્ચીસને બદલે ત્રીસની સંખ્યા જોઈને એને કશુંક કહેવાનું મન થયું. પણ એક ઘેરી ઉદાસીનતામાં એના શબ્દો ખોવાઈ ગયા. એને પૈસા પાછા આપી દેવાનું મન થયું. પણ એમ કરવાથી તો પેલાની ક્ષુદ્રતા પરનું રહ્યુંસહ્યું આવરણ પણ એ ખેંચી લેતી હોય એવું એને લાગ્યું. એ સૌ કોઈ પ્રત્યે સમભાવ અને દયાથી દ્રવી જવા તત્પર હતું.
ઘેરે જઈને જોયું તો નરેશ કાંઈક લખી રહ્યો હતો… એ જ ચિરપરિચિત ચહેરો, થોડીક ફિક્કાશ દેખાય છે, આંખ સહેજ ઊંડી ઊતરી ગઈ લાગે છે પણ હજુ એમાં એનો એ તરવરાટ છે. બેકાર બન્યા પછીનો આ ત્રીજો મહિનો છે. પણ એ ઝૂઝે છે. પોતે પણ જાણે યુદ્ધના એક વ્યૂહને ભેદીને પાછી ફરી હોય એવું એને લાગ્યું.
‘કેમ, બહુ મોડું થયું? હું તો તને શોધવા નીકળતો હતો.’
‘ગાંડા રે ગાંડા, આવડા મોટા શહેરમાં તું મને ક્યાં શોધવાનો હતો?’
‘પણ તું અત્યાર સુધી હતી ક્યાં?’
એના જવાબમાં ચિત્રાએ નરેશના હાથમાં ત્રીસ રૂપિયા મૂકી દીધા ને બોલી: ‘મારી એક બહેનપણી વાલકેશ્વરના એક ધનિક કુટુમ્બમાં લઈ ગઈ. અઠવાડિયામાં ચારવાર જવાનું, બે બાળકોને રમાડવા ને ભણે એટલું ભણાવવું. આ ત્રીસ રૂપિયા તો એડવાન્સમાં આપ્યા. બોલ, હવે હું સાવ નકામી તો નથી લાગતી ને?’ ને એ હસી પડી. એ હાસ્યમાં એને પોતાનેય ક્યાંય કશી કૃત્રિમતા લાગી નહીં. જીવનના ઊંડાણમાંથી ક્યારે પ્રસન્નતાનું ઝરણું અનેક વિષમ સંજોગોના અન્તરાયને વીંધીને વહી નીકળશે તે થોડું જ કહી શકાય! એ પોતાનાથી જ આશ્ચર્યચકિત થઈ ગઈ.
‘આ ત્રીસ રૂપિયા અણીને વખતે આવી પડ્યા, સૂરત ઇન્ટરવ્યૂને માટે જવાનો વિચાર હું નહીં તો પડતો જ મૂકવાનો હતો.’
‘બોલ, હું તારા ઘરની લક્ષ્મી છું કે નહીં?’ એના જવાબની રાહ જોયા વિના કશુંક અસ્પષ્ટ ગુંજતી એ બીજા ઓરડામાં જઈને વસ્ત્ર બદલવા લાગી. વસ્ત્રો ઉતારીને એણે બરાબર ખંખેર્યાં, એની ગડી કરી ને મદારી સાપને ખેલ પૂરો થયા બાદ કરંડિયામાં પૂરી દે તેમ એને પેટીમાં મૂકી દીધાં. એણે સામેના આયનામાં જોયું. આ ઘરની બધી વસ્તુઓમાં સાચવીને સંગોપી ગયેલી એની ઘરરખુ ગૃહિણીની વ્યક્તિતાને જાણે એ બધી વસ્તુઓએ સંભાળપૂર્વક પાછી વાળી દીધી હતી.
તે રાતે ચિત્રાના ચિરપરિચિત સ્પર્શે જે રોમાંચ જગાડ્યો તેણે નરેશને પણ કોઈ અભૂતપૂર્વ ઉલ્લાસની ભરતીમાં ઝબકોળી દીધો.
મનીષા 6-7/1955