ગૃહપ્રવેશ/પરાક્રમકાણ્ડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરાક્રમકાણ્ડ

સુરેશ જોષી

તે દિવસે કોલેજમાંથી પાછા વળતાં જોયું તો પારો એકસો ને અગિયાર ડિગ્રી ચઢી ગયો હતો. પણ ઘરે આવીને જોયું તો શ્રીમતીના મિજાજનો પારો એથી પણ દસેક ડિગ્રી ઊંચે હતો!

‘સાંભળ્યું કે તમે!’ રસોડામાંથી એણે મોટે સાદે બૂમ પાડી. એ ધ્વનિનું ઉષ્ણતામાન બહુ ઊંચું હતું તે વિશે મને તરત ખાતરી થઈ ગઈ. અપરાધીની જેમ હું દબાતો સંકોચાતો રસોડાની દિશામાં વળ્યો. એની દૃષ્ટિસીમામાં આવ્યો એટલે એણે તરત જ શરૂ કર્યું.

‘પેલા પંડ્યાની વહુ, કે’ છે કે આજકાલમાં અહીં આવી પડવાની છે.’ મેં પૂછ્યું: ‘કોણે કહ્યું તને? પંડ્યાએ તો હજુ ગઈ કાલે જ મને કહ્યું કે કશું નક્કી નથી.’ મેં અણજાણપણે જ એના રોષને ભભૂકી ઊઠવાને કારણ આપ્યું. તવા ઉપરથી ઉતારેલા ફૂલકાને ચીપિયા વડે દાબતાં એ બોલી: ‘તમે તો છો જ સાવ બાઘા જેવા! પંડ્યા જ તમને કહેવાનો કે મારી વહુ હવે આવવાની છે! એ બધાને અંધારામાં જ રાખવા માગે છે. એ તો હું વાતની ગન્ધ કાઢવા ગઈ ત્યારે એના નોકરે કહ્યું કે બાઈ આવતી કાલે દહેરાદૂનમાં આવવાનાં છે.’

મને કોણ જાણે શી અવળી મતિ સૂઝી તે મારો કક્કો ખરો કરવાની જ હઠ પકડી બેઠો: ‘અરે ગાંડી, નોકરની વાત પર તે વિશ્વાસ રખાતો હશે, એ શું જાણે?’

આથી એ વધારે ભભૂકી ઊઠી. આમેય તે સગડીના તાપથી એનું મોં લાળચોળ તો થઈ જ ઊઠ્યું હતું. પરસેવાને લીધે ચોંટી ગયેલા વાળ, આંખમાં રોષ અને તાપને કારણે આવેલી રતાશ – આ બધાંને કારણે એણે ચણ્ડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય એમ લાગતું હતું. એ બોલી: ‘તમે તો સાવ નાના કીકલા જેવી વાતો કરો છો. એમ કહો ને કે તમારે આ બાબતમાં કશું કરવું નથી! જિન્દગીમાં જહેમત ઉઠાવીને કશું જાતે કરતાં શીખ્યા હોય તો ને!’

હું નિરુત્તર બેસી રહ્યો ને આ દરમિયાન સહેજ બેધ્યાન રહેવાને કારણે તવા પર બળી જતી રોટલીમાંથી નીકળતા ધુમાડાને જોઈ રહ્યો.

બળેલી રોટલીને ભારે તિરસ્કારપૂર્વક બારીમાંથી ફગાવી દઈને એ બોલી: ‘હજુ વખત છે. જમીને ઊપડો મેડિકલ ઓફિસરને ત્યાં, જરા ઓળખાણ આપજો. કહેજો કે હું અરુણાનો વર, તમારી માસીની દીકરીની દીકરીનો વર. તમારા ઘરનો જમાઈ કહેવાઉં. કોઈ દિવસ તમારે આંગણે પગ મૂક્યો નથી પણ ધરમસંકટ આવી પડ્યું છે એટલે આવ્યો છું…’

આ સલાહસૂચન ક્યાં અટક્યાં હોત તેની ખબર નથી. ત્યાં મને એકાએક યાદ આવ્યું એટલે મેં કહ્યું: ‘પણ ડો. મહેતા રજા પર છે ને મહાબળેશ્વર ગયા છે.’

એનોય એની પાસે જવાબ હાજર હતો: ‘સૌથી સારું. એના એસિસ્ટન્ટને આપણું સગપણ કહેશો એટલે એનાથી ના પડાશે જ નહીં ને!’

મારી પરિસ્થિતિ વિકટ બનતી જતી હતી. મેં છેલ્લો પાસો નાખી જોયો: ‘પણ પંડ્યાની વહુને ટી.બી. થયો છે એની આપણી પાસે સાબિતી શી?

એ વધુ ચિડાઈને બોલી: ‘ટી.બી.નો દરદી તે કાંઈ છાનો રહેતો હશે? ભણેલાગણેલા માણસ થઈને તમેય તે શું બોલો છો!’

અહીં જ અટકવું મને ઠીક લાગ્યું. હું વિચારે ચઢ્યો: શ્રીમતીની વાત તો સાચી. અમારો શિરીષ સાવ સુકલકડી હતો. હવા બદલાય કે શરદી તાવથી પટકાયો જ છે. નાના હિમાંશુનુંય કશું ઠેકાણું નહીં. હમણાં જ મોટી ઊધરસમાંથી છૂટ્યો હતો. શ્રીમતીને લિવર એક્સટ્રૅક્ટનાં ઇન્જેક્શન તો ચાલુ જ હતાં; ને ઊધરસના હુમલાથી કોઈક વાર અર્ધી રાતે મારે પથારીમાંથી બેઠા થઈ જવું પડતું. ક્ષયનાં જન્તુને અમારાં શરીરમાં વાસ કરવાનું અનુકૂળ આવે તેમ હતું. અનિષ્ટની આશંકાની દિશામાં આગળ વધતી કલ્પનાને મેં પરાણે રોકી ને જમ્યા પછી તરત જ આ સમ્બન્ધમાં કશુંક સક્રિય કરવાનો સંકલ્પ મેં મનમાં ને મનમાં કરી દીધો.

મ્યુનિસિપાલિટીવાળાઓએ કહ્યું કે ‘તમે આ બાબતમાં લેખિત અરજી આપો તો ઘટતું થશે.’

મેં કહ્યું: ‘હજુ એ દરદી અમારી પડોશમાં રહેવા આવ્યાં નથી. એ આવે તે પહેલાં કશો બંદોબસ્ત નહીં થઈ શકે?’

એમણે હસીને કહ્યું: ‘મિસ્ટર, તમેય તે કેવી વાત કરો છો! અમારું કામ દરદી અહીં આવે, રહે પછી શરૂ થાય છે. ગુનો માણસ કરે પછી કેસ દાખલ કરાવાય ને?’

હું પણ નાછૂટકે હસ્યો પણ મનમાં ધૂંધવાયો. પંડ્યાની વહુ આવીને રહે – બરાબર મારા ઘરની સામે, દક્ષિણ તરફથી પવન આવે એટલે ઓટલે બેઠી બેઠી એ ગળફા કાઢે, તેમાંનાં જન્તુ સીધાં ધસી આવે અમારા તરફ. ને શિરીષ ને હિમાંશુને તો કાંઈ થોડા જ રોકી શકાવાના હતા! ટૂંકમાં, ક્ષય અમારા તરફ ધસ્યે આવતો હતો. એક જ ઉપાય હતો; બી.સી.જી. વૅક્સીન છોકરાઓને અપાવવાનું નક્કી કર્યું. ને શ્રીમતીને શો જવાબ આપવો તે મનમાં ગોઠવતો હું ઘર તરફ વળ્યો.

ઘરે આવીને ધાર્યું હતું તેમ જ થયું. શ્રીમતી ફફડી ઊઠી: ‘રોતી સૂરત લઈને જાય તે મૂઆની જ ખબર લઈને આવે…’

મેં એને અર્ધેથી અટકાવીને કહ્યું: ‘આવી કહેવતનો ઉપયોગ આ પ્રસંગે ઠીક નહીં કહેવાય!’

એટલે એ વધારે ગુસ્સે થઈને બોલી: ‘હવે બેસો ને, મોટા પંતુજી જોયા નહીં હોય તો!’ હું મૌન સેવવું જ યોગ્ય ગણીને બેસી રહ્યો. પણ એ મને એમ બેસવા દે એવી થોડી જ હતી?

એ ધૂંધવાતી બોલી: ‘મારી સામું બાઘાની જેમ જોઈ શું રહ્યા છો?’ જુઓ, એક કામ કરો.’ આટલું કહીને મારું કુતૂહલ ઉદ્દીપ્ત થાય તેની રાહ જોતી એ થોડી વાર સુધી કશું બોલી નહીં. મારે કાંઈક પૂછવું જોઈએ તેનું એકાએક ભાન થતાં મેં પૂછ્યું: ‘શું?’

એટલે એ હોઠ મરડીને વ્યંગમાં બોલી: ‘તે તો કહીશસ્તો! તમને છે કશી ચિન્તા?’ અંદરથી મારો રોષ પણ ભભૂકતો જતો હતો, બહાર ગરમી પણ વધતી જતી હતી. પણ શું કહું! મનમાં ને મનમાં સમસમીને હું બેસી રહ્યો.

પછી જાણે મહાપ્રયત્નને અન્તે કોઈ નુસખો હાથ લાગ્યો હોય તેમ એ બોલી: ‘જુઓ, એક કામ કરો. સોસાયટીના સેક્રેટરી જદુભાઈને જઈને મળો. એમને ને કલેક્ટરને ઘર જેવો સમ્બન્ધ છે. એમને કહો કે જરા કલેક્ટરને કાને વાત નાખે. બોલો, બનશે કે?’ હું શિયાવિયા થઈને કશુંક કહેવા જતો હતો ત્યાં એ મને હાથની વીરમુદ્રા બતાવીને અટકાવી દઈને બોલી: ‘રહેવા દો, તમારાથી કાચો પાપડ સરખોય ભંગાવાનો નથી. એ તો હું જ મારે ક્લબમાં જઈશ ત્યારે ચન્દ્રાબહેનને વાત કહીશ.’

મારે છુટકારાનો આનન્દ એકદમ વ્યક્ત નહોતો કરી દેવો જોઈતો પણ હું ગાફેલ રહ્યો ને મારાથી બોલી જવાયું: ‘પતિ પાસે કામ કઢાવવું હોય તો પત્ની દ્વારા પ્રયત્ન કરવો એ જ સારામાં સારો રસ્તો છે.’

એ આ સાંભળીને વ્યંગને બને તેટલો તીખો બનાવીને બોલી ઊઠી: ‘સ્ત્રીઓનો ક્યાં ક્યારે ને કેવો ઉપયોગ કરવો તે કળામાં પ્રવીણ થવા સિવાય બીજા કશામાં પુરુષજાતિએ ધ્યાન આપ્યું છે ખરું?’ એણે મને સાવ ચૂપ જ કરી દીધો.

બીજે દિવસે જોયું તો મામલો ગમ્ભીર બની ગયો હતો. રોષને સ્થાને શ્રીમતીની આંખમાં અશ્રુ હતાં, એ ગળગળી થઈને બોલી: ‘તમારે શું! આવો નફિકરો ધણી તો કોઈનો નથી જોયો. આખો દિવસ બહાર રહેવું ને સાંજ ટાણે ક્લબમાં જવું. તમને કાંઈ અમારી ચિન્તા થોડી જ છે?’

હું સમજી ગયો કે આ હૈયાવરાળને પ્રત્યુત્તરની અપેક્ષા નહોતી. મેં મૌન સેવ્યું. થોડી વાર રહીને લૂગડાના પાલવથી આંખ લૂછી નાખીને એ બોલી: ‘એ તો વહેલી સવારની આવી પહોંચી છે અમારો જીવ લેવા! આખરે આ છોકરાય તમારા જ ને! સીધા પંડ્યાના ઘરમાં જ જઈને ઘૂસ્યા – દલ્લો દાટેલો ખરો ને! એને હાથે આપેલું આરોગીને બહાર નીકળ્યા. ખૂબ ધમકાવીને પૂછ્યું ત્યારે કબૂલ કર્યું કે હા, અમને કેરી ને સુખડી આપેલી. છોકરા તો બિચારા નાદાન. પણ તમારા પંડ્યા ને એની વહુએ નહીં સમજવું જોઈએ?’ એ અટકી. પરિસ્થિતિ ખરેખર ગમ્ભીર હતી. એને કાંઈક હળવી બનાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું: ‘એવા રોગમાં સપડાયલાની દાનત જ એવી હોય છે. મારા બાપનાં એક ફોઈ, તે જનમથી બહેરાં ને મૂગાં. પણ એને એમ કે આ બધા બહેરામૂંગા થઈ જાય તો કેવું સારું! ઘણી વાર કોઈ નહીં જાણે તેમ એમનું અજીઠું અમને ખવડાવતાં પીવડાવતાં.’

પણ એની અસર મારા ધાર્યા કરતાં ઊંધી થઈ. એ એકાએક ભભૂકી ઊઠી: ‘તમે બહેરામૂંગા થયા નથી એટલે એવા રોગીનું અજીઠું ખાવાથી કશું થતું નથી ને હું નકામી કચકચ કરું છું એમ જ તમારે કહેવું છે ને?’

મેં કહ્યું: ‘ના ના…’

એ દરમિયાન પંડ્યાના નોકરે બારણું ખખડાવીને પૂછ્યું: ‘સાહેબ છે?’

શ્રીમતીએ હાથ વડે મને ચૂપ રહેવાનો અણસારો કરીને એને પૂછ્યું: ‘કેમ, શું કામ છે?’

નોકરે કહ્યું: ‘દાક્તરને બોલાવવાના છે. સાહેબ ઘરમાં નથી ને બાઈને અમૂંઝણ થાય છે.’

શ્રીમતીએ બેધડક જૂઠાણું હાંક્યું: ‘ના, સાહેબ ઘરમાં નથી. આવશે એટલે મોકલીશ.’ આ જૂઠાણા સામેના મારા મૂક વિરોધને એણે લક્ષમાં લીધો નહીં. તે દિવસે આખી રાત અમે પંડ્યાની વહુની ઊધરસ સાંભળી.

સવારે પરિસ્થિતિ એકાએક બગડી ગઈ. શિરીષ દાતણ કરીને કોગળા કરવા ગયો ત્યારે એના મોંમાંથી લોહી નીકળ્યું. એણે તરત એ વાતની એની માને જાણ કરી. શ્રીમતી તો હાંફળીફાંફળી બનીને મને ખેંચીને વોશબેઝિન પાસે લઈ ગઈ. શિરીષ બિચારો ગભરાઈ ગયો. એને ફરી કોગળો કરવાનું કહેવામાં આવ્યું. એણે કોગળો કર્યો. ફરી થોડું લોહી દેખાયું. શ્રીમતી શિરીષનો કાન આમળીને બોલી ઊઠી: ‘ના કહી કે ત્યાં ન ટળીશ પણ માને તો ને! એ ડાકણ તો લોહી પીવા બેઠી છે. કોણ જાણે એમાંથી ક્યારે છુટકારો થશે!’ હું મૂંઝાયો. શી રીતે શ્રીમતીને ઠંડી પાડવી તે મને સૂઝ્યું નહીં. હું શિરીષને એના આક્રમણમાંથી છોડાવીને બીજા ઓરડામાં લઈ ગયો. ત્યાં જઈને એને મોઢું ખોલવાનું કહ્યું. જોયું તો બ્રશ ઘસતાં એક અવાળું છોલાઈ ગયું હતું. તેમાંથી લોહી નીકળતું હતું. આ વાતની જાણ મેં શ્રીમતીને કરી પણ તોય એના જીવને કરાર વળ્યો નહીં.

બીજે દિવસે પંડ્યા કોલેજમાં દેખાયા નહીં. શ્રીમતીના રોષને અવગણીને દાક્તરને તેડી લાવવાની મારી ફરજ નહોતી? મારો જીવ બળવા લાગ્યો. મારી જાત પ્રત્યે મને નફરત થઈ. ઘરે પાછા ફરીને જોયું તો શ્રીમતી અસાધારણ આનન્દમાં હતી. મારે શું બોલવું તે મને સૂઝ્યું નહીં. હું એના બોલવાની રાહ જોવા લાગ્યો.

આખરે એ બોલી: ‘પેલી જાય છે આજે.’

મેં પૂછ્યું: ‘કેમ, એકાએક?’

એણે કહ્યું: ‘હું સવારે જઈને શાહ દાક્તરને સમજાવી આવી ને કહ્યું કે મહેરબાની કરીને પંડ્યાને એવી સલાહ આપો કે એ બાઈને હમણાં ને હમણાં પંચગની ખસેડે. આખરે પાસા પોબાર પડ્યા. આજે ગુજરાતમાં એ જાય છે.’ મારે કશું બોલવાનું નહોતું. એના આનન્દમાં મેં ભાગ નહીં લીધો તેથી એ ઝંખવાઈ ગઈ પણ આગળ કશું બોલી નહીં.

સાંજે બાગમાંથી પાછા ફર્યા ત્યારે સામે ઘેર જવાની તૈયારી થઈ ચૂકી હતી. શ્રીમતીએ મને કહ્યું: ‘હમણાં બહાર નીકળશો નહીં.’ એણે મને તથા છોકરાઓને છેક અંદરના ઓરડામાં ધકેલી દીધા. ટૅક્સી આવીને ગઈ. ગાડીને હજી વાર હતી, છુટકારાનો દમ ખેંચીને શ્રીમતી અંદર આવી, એને એકાએક નવો તુક્કો સૂઝ્યો: ‘હું એમ કહું છું કે તમે જરા એક આંટો સ્ટેશને મારીને આવો તો.’ હું ફિક્કું હસીને બોલ્યો: ‘સ્ટેશન પર એનો રોગ મને વળગી પડે તો!’ એ ચિઢાઈને બોલી: ‘જાવ, જાવ, આવું તે શું બોલતા હશો!’

હું સ્ટેશને પહોંચ્યો. ગાડી આવી પહોંચી હતી. ઊપડવાને પાંચેક મિનિટની વાર હતી ત્યાં એકાએક પંડ્યાની બૂમ મેં સાંભળી: ‘મિસ્ટર ચોક્સી, આ નિરંજના તમને બહુ યાદ કરે છે.’ નિરંજના! કોણ જાણે કેમ હૃદયમાં ધ્રાસ્કો પડ્યો. નિરુ… હોઠે શબ્દ આવ્યો ને હું લગભગ દોડીને એની પાસે ગયો. જોયું તો એ જ નિરુ. અમારા ગામની કાંઠા પરની વૃક્ષોની ઘટા ઝીલીને કાળી ભમ્મર દેખાતી તળાવડીના જેવી એની આંખો, એમાં એનો એ જ ચમકારો; પણ ચૂંટી ખણીને જેને રાતાચોળ કરી મૂકતો તે ભરાવદાર ગાલ હવે રહ્યા નો’તા. એ નિરંજનાની સાથે આંબાપીંપળી રમતાં ઝાડની ડાળીએ ડાળીએ ઠેક્યાં છીએ. પરીઓની વાર્તાની ચોપડીના અક્ષર સાથે એની છબિ ભળી ગઈ છે. અમે જ્યારે પહેલી વાર છૂટાં પડ્યાં ત્યારે મેં એને લાગણીવિવશ બનીને પૂછેલું: ‘નિરુ, મને યાદ કરીશ ને?’ ત્યારે એણે ચૂંટી ખણીને કહેલું: ‘હત્ પાગલ! મારી ચૂંટી તને યાદ રહેશે ને?’

એ મને જોઈને ફિક્કું હસી. પંડ્યાને એણે કહ્યું: ‘તમે જરા બિસ્કુટ લઈ આવો ને, ગાડી ઊપડવાનો વખત થશે.’ પંડ્યા ગયા એટલે એણે કહ્યું: ‘કેમ, મારાથી આટલો બધો ગભરાય છે? મારે તો તારી પદમણી જેવી વહુ જોવી હતી.’ મારાથી કશું બોલી શકાયું નહીં. એની પાતળી પાતળી આંગળી મારા માથાના વાળમાં ફરવા લાગી. એણે એક ધોળો વાળ મારા માથામાંથી તોડીને મને ઠપકો આપતી હોય તેમ કહ્યું: ‘હજુ તો ભરજુવાનીમાં છે ને આ ધોળો વાળ ક્યાંથી?’ એની સ્નેહભરી કરુણ આંખોએ જાણે મારા પર પ્રેમનો આખો પારાવાર વહેવડાવી દીધો. ગાડી ઊપડવાની સીટી વાગી એટલે એણે મને પાસે ખેંચીને ફરી એક ચૂંટી ખણી ને ધીમેથી બોલી: ‘યાદ રહેશે ને?’

ઘરે પગ મૂકતાં જ મને ઊભો રાખીને શ્રીમતીએ રાઈમીઠાની ધૂણી કરી નજર ઉતારી. મીઠું તતડ્યું એટલે બોલી: ‘જોયું ને, કેવી નજર લાગી હતી! બે દિવસમાં કેવા લેવાઈ ગયા છો! લો, જરા ગરમ કોફી પી લો.’