ગૃહપ્રવેશ/પાંચમો દાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાંચમો દાવ

સુરેશ જોષી

કનુ દાખલો ગણતો હતો. કેમે કર્યો મેળ ખાતો નહોતો. ક્યાંક કશીક ગૂંચ હતી. કશુંક છુપાઈને બેઠું હતું. તેનું પગેરું એને જડતું નહોતું. ઉપલે નંબરે પાસ થવાની હરીફાઈમાં આ જ એને દગો દઈ જશે કે શું!

સુશીલા આયના સામે ઊભી ઊભી પોતાને જોઈ રહી હતી – ના, એ જોતી હતી પોતાના પ્રતિબિમ્બને પણ એની દૃષ્ટિ શૂન્યમાં અથડાઈને પાછી ફરતી હતી. કશીક અધીરતા, ગભરાટ ને ભય એની આંખમાં વરતાતાં હતાં. એ એક વસ્તુ ઉપાડતી હતી, એને મૂકીને બીજી હાથમાં લેતી હતી. એમ કરવા જતાં ટોઇલેટ ટેબલ પરની રામકૃષ્ણ પરમહંસની છબિ એણે પાડી નાંખી હતી. એના પડવાનો અવાજ થતાં એ ચોંકી ઊઠી ને ચીસ પાડવા જતી હતી પણ મહાપ્રયત્ને એ ચીસને એણે રોકી લીધી હતી. એ ચીસનો રૂંધાયેલો આવેગ મોઢા પરની રેખાઓમાં જાણે પ્રસરી ગયો હતો. એ સ્વસ્થ થવાનો મરણિયો પ્રયત્ન કરતી હતી ને પ્રયત્ન કરતાં કરતાં સમજતી પણ જતી હતી કે પોતે એમ કરવા જતાં જ સ્વસ્થતાથી દૂર ને દૂર સરી જતી હતી… એ સરી જતી હતી… ને તેથી બેબાકળી બનીને એ કશાકને પકડી લેવા ઇચ્છતી હતી.

‘…આ પહેલાં ખબર નહોતી કે લોહીમાં આવા ઝંઝાવાત હોય છે, સહેજ સરખા સ્પર્શમાં જન્મોજન્મનાં સ્મરણોને સજીવ કરવાની શક્તિ હોય છે! મારી સામેનો સંસાર હવે જાણે મારાથી ડરીને ચાલે છે. મારો સહેજ સરખો સ્પર્શ થતાં એ વિદ્યુત્થી ચિરાઈ જાય એવો એને ભય છે, પ્રત્યેક ક્ષણે નવું વિજયતોરણ બાંધતી હું આગળ વધું છું. કેટલાય જન્મના પરાભવનું આ વખતે જાણે સાટું વાળી રહી છું. હું આઠેય વ્યૂહ ભેદીશ ને પારિતોષિક રૂપે તને પામીશ. મારો શ્વાસ તે શ્વાસ નથી, પણ ઉન્મત્ત અશ્વની હ્રેષા છે…’

સુશીલા દીવાનખાનામાં પ્રવેશતી હતી તે જોઈને ગભરાટમાં હરકાન્તે જાણે એ ઉન્મત્ત અશ્વને લગામ ખેંચીને ઊભો રાખ્યો. એણે હાથમાંનો કાગળ પાસેની ટિપાઈ પર મૂકી દીધો ને પોતે ભૂલ કરી છે તેનો ખ્યાલ આવતાં હાથ લંબાવીને ચોરીછૂપીથી એને ખિસ્સામાં સેરવી દેવાનો પ્રયત્ન કરવા ગયો; પણ હવે સુશીલા બહુ નજીક આવી હતી. એટલે એનો હાથ સહીસલામતીની સ્વાભાવિક વૃત્તિને વશ થઈને, એના કશા આદેશની રાહ જોયા વિના પાછો ખેંચાઈ ગયો. એણે સામેના આયનામાં પોતાના ચહેરા પરનો ગભરાટ જોયો ને સુશીલા પોતાની નજર સામે નજર માંડે તે પહેલાં એ ગભરાટ ઉપર પોતું ફેરવી દેવાનો પ્રયત્ન કર્યો.

‘પપ્પા, દાખલામાં ભૂલ પડ્યા કરે છે. તમે જરા બતાવો ને!’ કનુએ થાકીને કહ્યું.

‘તારી જાતે જ ભૂલ શોધી કાઢ, તો જ તને આવડશે. હું ભૂલ શોધી આપું તો પછી તું મહેનત જ નહીં કરે.’ હરકાન્તે કનુને સ્વાશ્રયી થવાની શીખ આપી. કનુ કચવાયો. થોડી વાર એ એમ ને એમ બેસી રહ્યો. દાખલો ભૂંસી નાંખ્યો, ફરી રકમ માંડી, ફરી આગળ વધ્યો…

સુશીલાએ જોયું કે એની નજર ઘડિયાળના કાંટા પરથી ખસતી નથી.આમ ઊંચી નજરે હરકાન્તની સામે બેસવું તે કેવું અસ્વાભાવિક લાગે તે એ જાણતી હતી ને જાણવા છતાં નજરને એ ખેંચી શકતી નહોતી…

હરકાન્તે જોયું કે હજી સુશીલાની નજર ટિપાઇ પર પડી નહોતી, એ ઊંચે જોતી હતી… એણે કાગળ જોઈ લીધો હશે ને પોતે જોયો છે તે જાણવા દેવું નથી તે માટે જ એ આમ ઊંચે જોઈ રહી હશે? ને એની નજર કાગળ પર ગઈ. એના અક્ષરો નિર્ભીકતાથી છાતી કાઢીને ઊભા હતા. એ કાળા અક્ષરો ધીમે ધીમે એની નજર આગળ પડછંદ, કદાવર, બખ્તરમાં સજ્જ સૈનિકનું રૂપ ધારણ કરતા ગયા ને એકાએક ક્યાંકથી એક ઘોડેસ્વાર પૂરપાટ ધસી આવ્યો. એને કશી ખબર પડે તે પહેલાં હરકાન્તે જોયું તો એ ઊંચકાઈ ગયો હતો. પેલા ઘોડેસ્વારની સાથે એ પણ પૂરપાટ ધસ્યે જતો હતો, ધસ્યે જ જતો હતો… ક્યાં?…

સુશીલા ઊઠી. એને ઊઠતી જોઈને હરકાન્ત ચમક્યો. એ છૂપું ન રહ્યું. એ પણ એકદમ ઊભો થઈ ગયો, જાણે એક જ શક્તિનાં પ્રેર્યાં બંને કઠપૂતળીની જેમ વરતી રહ્યાં હતાં. એ બારી તરફ વળ્યો. એકદમ સુશીલા આગળ ધસી આવી, ને હરકાન્તનો હાથ પકડ્યો. ને એ ગભરાયો… એને લાગ્યું કે જેની એને ભીતિ હતી તે ક્ષણ હવે આવી પહોંચી છે. અસહાયતાનો રોષ, આંસુમાં ડૂબતા શબ્દો, ચીસમાં ફેરવાતા શબ્દો, પોતાનો ખુલાસો, અનુનય, આલંગિન… ને એ રાહ જોઈ રહ્યો. પણ એ આશ્ચર્યથી અવાક્ થઈ ગયો. સુશીલા એને કહી રહી હતી: ‘અરે, એક વાત તો ભૂલી જ ગઈ! ક્યારની એ યાદ કરતી હતી કે તમને કહું, હાશ, હવે યાદ આવી.’

હરકાન્તે છુટકારાનો દમ ખેંચીને કહ્યું: ‘શું?’

સુશીલા એનો હાથ પકડીને ખેંચી રહી હતી. ‘તમે અહીં તો આવો, હું તમને કશુંક બતાવું.’ હરકાન્ત ગમે તે જોવા તૈયાર હતો. પેલી ટિપાઇ ને ટિપાઇ પરના કાગળથી બંને દૂર હતાં ને જેમ જેમ દૂર જતાં હતાં તેમ તેમ સલામતીની વધારે ને વધારે નજીક જતાં હતાં. હરકાન્તે કૃતજ્ઞતાપૂર્વક સુશીલાનો હાથ દબાવ્યો. સુશીલાની આંખમાં પોતે એની ઇચ્છા મુજબ વરતવાનો એના પર અનુગ્રહ કર્યો તે બદલના આભારની લાગણી એણે છલકાતી જોઈ. ને બંને આગળ વધ્યાં – કઠપૂતળીની જેમ…

‘આ સિગારેટલાઇટર કાલે અરવિન્દભાઈ તમને ભેટ આપી ગયા છે. તમારી રાહ જોઈ પણ તમે કાલે બહુ મોડા આવ્યા. બહુ મજાનું છે, નહીં?’

‘કોઈ ચીજ છે! અરવિન્દની પસંદગી એટલે પૂછવું જ શું?’ એક દાવ પૂરો થયો. બંને સહેજ સ્વસ્થ થયાં, હરકાન્તે સિગારેટ કાઢી ને લાઇટરથી સળગાવી…

કનુ વળી ફસાયો – આંકડાનું અડાબીડ જંગલ… એ દૂર ને દૂર ચાલ્યો જાય છે. જંગલમાં એક મોટા આમલીના ઝાડ નીચે થોડુંક ખોદવાનું છે, ખોદતાં સોનાનો ચરુ નીકળશે, એમાં માણેકનો હાર છે, એ હાર લઈ જંગલમાં આગળ વધવાનું છે – બહુ સંભાળપૂર્વક આગળ જવાનું છે. જંગલમાંનો પેલો રાક્ષસ સમડી થઈને એ હાર હાથમાંથી ઝૂંટવી લઈ ન જાય તે જોવાનું છે. નાગ થઈને પગે ડંખી ન જાય તેની સંભાળ રાખવાની છે. ભોમિયો થઈને ખોટે રસ્તે દોરવી ન જાય તેનીય તકેદારી રાખવાની છે. કારણ કે દૂર ચન્દનતલાવડીને કાંઠે જે હંસી પાણીમાં ચાંચ બોળીને ઊભી છે તેના ગળામાં એ હાર પહેરાવવાનો છે. એ હાર પહેરતાં જ હંસી રાજકુંવરી થઈ જશે… પણ આંકડાઓ સાપની જેમ ગૂંચળું વળીને પગે વીંટળાય છે, સમડીની જેમ આજુબાજુ ઊડ્યા કરે છે… ને કનુ કચવાય છે. ફરી કહે છે: ‘પપ્પા, પપ્પા, જરાક આમ તો જુઓ.’

હરકાન્ત કનુ પાસે જાય છે. સુશીલા બારી આગળ જાય છે. હરકાન્ત કનુની પીઠ થાબડીને કહે છે: ‘અરે, સાવ સહેલો દાખલો છે. જરા હિંમત રાખ, કરી નાખ જોઉં.’ ને એ પાછો ફરે છે. એને પાછો ફરતો જોઈને સુશીલા બારી આગળથી એકાએક ખસી જઈને પોતાની જગાએ અપરાધીની જેમ બેસી જાય છે. એની આંખો જાણે કહી રહી છે: ‘દોષિત છું, જે શિક્ષા કરવી હોય તે કરો, શિક્ષા કરો તો કૃપા.’ હરકાન્ત પણ મરણિયો બનીને ધસે છે ને ટિપાઈ આગળની પોતાની જગાએ બેસી જાય છે… ત્રીજો દાવ શરૂ થાય છે.

સુશીલા બોલી: ‘કાલે તમારી બૅન્કના એજન્ટને ત્યાં જવાનું કહેતા હતા, તે જશો ને?’ બોલ્યા પછી એને લાગ્યું કે પ્રશ્ન બરાબર મૂકી શકાયો નહીં.

હરકાન્તે કહ્યું: ‘ના, ના, એવું કાંઈ ખાસ મહત્ત્વનું કામ નથી. એણે એકબે વાર કહેલું કે ઘરે આવજો એટલે થયું કે એકાદ વાર જઈ આવીએ. કેમ, તેં કાંઈ પ્રોગ્રામ નક્કી કર્યો છે?’

સુશીલા સાવધ બની. એને લાગ્યું કે એ ભયસ્થાનની વધુ નજદીક સરી રહી છે. એણે કહ્યું: ‘મારો કાંઈ ખાસ પ્રોગ્રામ નથી. કાલે હિન્દુ સ્ત્રીમણ્ડળવાળાં સુસ્મિતાબહેન ગરબાના કાર્યક્રમમાં જવાનું કહી ગયાં હતાં. એ જો આવશે તો એમની સાથે કદાચ જઈશ.’ પોતે કેટલી સ્વાભાવિકતાથી અસત્ય બોલી શકી તે જોઈને એને જ આશ્ચર્ય થયું. એને ટિપાઇ પર પડેલી ચોપડી ઊંચકી, હરકાન્તનો જીવ પણ ઊંચકાયો;… પેલા ઘોડેસ્વારે એને ઊંચકી લીધો છે ને ઘોડો પૂરપાટ અંધકારને વીજળીની જેમ વીંધતો દોડ્યે જાય છે. હૃદયનો ધબકાર સુધ્ધાં જાણે સંભળાતો નથી, કેવળ સંભળાય છે ઘોડાના ડાબલાનો અવાજ… એ જઈ રહ્યો છે… દૂર ને દૂર. એની પાછળ જાણે આખું સૈન્ય ધસી રહ્યું છે, દુન્દુભિનો તુમુલ નાદ થાય છે, એ ગભરાય છે, એ કશાક આદિમ બળને પલાણીને જાણે ધસી જઈ રહ્યો છે…

સુશીલાએ ચોપડીની ઓથ લઈને ફરી ઘડિયાળ તરફ નજર કરી. એણે જોયું તો પાંચ મિનિટની વાર હતી. સમય એના હાથમાંથી સરતો જતો હતો. એ દરમિયાન એને ઘણું કરવાનું હતું, હરકાન્તે બૅન્કના એજન્ટને ત્યાં મોકલવાનો હતો, કનુની વ્યવસ્થા કરવાની હતી; ને એ ગભરાઈ. એને બધું વ્યર્થ જતું લાગ્યું. એણે ચોપડી ટેબલ પર મૂકી દીધી ને હરકાન્ત સામે જોયું. હરકાન્ત વ્યગ્ર હતો – શાથી તે એને સમજાયું નહીં. બંનેની નજર મળી. જાણે સુલેહ થઈ… ત્રીજો દાવ પૂરો થયો.

હરકાન્ત પૂરી થવા આવેલી સિગારેટને ફેંકવા ઊભો થાય તે પહેલાં જ સુશીલાએ એના હાથમાંથી સિગારેટ ખેંચી લીધી. એમ કરવા જતાં એ સહેજ દાઝી પણ ખરી પણ એ સિગારેટ એણે બારી આગળ જઈને ફેંકી દીધી. ને એ પાછી આવીને બેઠી અને એણે ટિપાઇ પર પડેલા કાગળને હાથમાં લીધો…

સૈન્ય નજીક આવી પહોંચ્યું છે; કેટલાંય તીર એના કાનની પાસેથી સરર કરતાં ચાલ્યાં જાય છે, હવામાં તીર જ તીર છે. એના લોહીના કણેકણમાંથી પણ કોઈ તીર છોડી રહ્યું છે. એને માટે ક્યાંક કોઈ બાણશય્યા તૈયાર કરી રહ્યું છે. હમણાં એ કેદ પકડાશે, ભોંયરામાંની કાળી કોટડીમાં પુરાશે ને ત્યાં ચાબખા વીંઝાશે, લોહી ઝરશે ને પોતાની અંદર ખૂબ ઊંડે ઊંડે જે એણે છુપાવી રાખ્યું છે તે આ લોહીનાં બિન્દુ બહાર પ્રગટ કરી દેશે. અશ્વને ગતિ આપવાને માટે જાણે એણે ચાબુક વીંઝી…

સુશીલાના હાથમાંનો કાગળ ધ્રૂજી રહ્યો હતો, એ કાગળની ઓથ લઈને એ ઘડિયાળના કાંટાને જોઈ રહી હતી. એ આગળ વધ્યે જ જતો હતો. એને કોઈ રીતે રોકાય તેમ નહોતું. એ જાણે પોતાનું બધું બળ ખરચીને એ કાંટાને ટિંગાઈ રહી હતી, એને અટકાવી રહી હતી… ત્યાં એકાએક એના ધ્રૂજતા હાથમાંથી કાગળ સરી ગયો, એ છતી થઈ ગઈ, ચોંકી, પડી ગયેલો કાગળ લેવા નીચે વળી – ના, મોઢા પરના ભાવને સંતાડવા નીચે વળી. હરકાન્ત પણ મરણિયો બનીને નીચે પડેલા કાગળને ઊંચકવા નીચે વળ્યો. બંનેનાં માથાં અથડાયાં, બંનેએ એકબીજાં સામે જોયું. સુશીલાએ કાગળ લઈને ફરી ટેબલ પર મૂક્યો… ચોથો દાવ પૂરો થયો.

હરકાન્ત તરંગિણી પર કચવાયો. એ તો ખાઈપીને બધું ખેદાનમેદાન કરવા જ તૈયાર થઈ છે, આ તે કેવું ગાંડપણ! પણ એને વારી શકાય એમ નથી, એનાથી દૂર ખસાય એમ નથી… પેલો ઘોડેસ્વાર સાત વ્યૂહ ભેદી ગયો છે, હવે છેલ્લો વ્યૂહ બાકી છે. એ વિજ્યોન્મત્ત અશ્વની હ્રેષા સાંભળે છે, એને બીજું કશું દેખાતું નથી, બધું જ પ્રચણ્ડ ગતિના દ્રાવણમાં ઓગળી ગયું છે. એક આકાર બાકી રહ્યો છે, એને એ ફરી ફરી ઝબકોળે છે પણ એ ઓગળતો નથી. એના પર એ નજર ઠેરવે છે, એને ઓળખવા મથે છે, ધારીધારીને જુએ છે, થોડી રેખાઓ બંધાય છે, ધીમે ધીમે બધું સ્પષ્ટ થાય છે ને જુએ છે તો સામે બેઠી છે સુશીલા.

કોઈકે બારણું ઠોક્યું. હરકાન્ત અને સુશીલા ઊભાં થઈ ગયાં. હરકાન્ત બારણા તરફ વળ્યો. બારણું ખોલ્યું. એક ગૃહસ્થે એને પૂછ્યું: ‘યશવન્ત દવે અહીં રહે છે?’

‘ના.’

‘હરકિશન મૅન્શન આ જ ને?’

‘હા, તમે ત્રીજે માળે તપાસ કરો. ત્યાં યશવન્તભાઈ છે ખરા.’

‘માફ કરજો, તમને તકલીફ આપી.’

હરકાન્ત પાછો ફર્યો. એણે ટિપાઇ પર નજર કરી; પેલો કાગળ નહોતો… પેલો અશ્વ જાણે દોડતો દોડતો એકાએક થંભી ગયો છે. થંભીને જમીન પર ફસડાઈ પડ્યો છે, એને મોઢે ફીણ વળ્યું છે. એનો શ્વાસ જોરથી ચાલી રહ્યો છે… હરકાન્તને શરીરે પરસેવો વળી ગયો. એણે ફરી નજર કરી. સુશીલા બારી આગળ હતી. ત્યાં ઊભી ઊભી એ કદાચ કાગળ વાંચી રહી હતી એની ખાતરી શી રીતે કરવી? એ નીચે ઊતર્યો. સામેની ફૂટપાથ પર લપાતો લપાતો ગયો ને એણે ઉપર નજર કરી… જોયું તો સુશીલા કોઈક સાથે વાતો કરી રહી હતી, અણસારાથી. અણસારાનો અર્થ એટલો કે થોભો, બહુ વાર નહીં લાગે. હમણાં જ આવું છું.

હરકાન્ત ઉપર આવ્યો, કનુએ એને વળગી પડીને કહ્યું: ‘પપ્પા, આખરે છેદ ઊડી ગયો! એ છેદ ઊડતો નહોતો એટલે જ દાખલો બેસતો નહોતો.’

હરકાન્તે કહ્યું: ‘હા, આખરે છેદ ઊડી ગયો!’

પાંચમો દાવ પૂરો થયો.