ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કનૈયાલાલ માણેકલાલ મુનશી
એઓ જાતે ભાર્ગવ બ્રાહ્મણ અને ભરૂચના વતની છે. એમના પિતાનું નામ માણેકલાલ નરભેરામ મુનશી અને માતાનું નામ તાપીલક્ષ્મી છે. એમના પિતા અને કાકાશ્રી વગેરે સરકારી નોકરીમાં ઉંચે હોદ્દે પહોંચી, મુત્સદી તરીકે મશહુર થયલા; અને વડિલોનું બુદ્ધિકૌશલ્ય અને મુત્સદીગીરી, એમનામાં ઓધાને ઉતરેલા પ્રત્યક્ષ થાય છે.
એમનો જન્મ ભરૂચમાં તા. ૨૯-૧૨-૧૮૮૭ના રોજ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, પિતાની નોકરીની ફેરફારીના અંગે, એકજ સ્થળે લેવાનું બનેલું નહિ. તેઓ સન ૧૯૦૨માં મેટ્રિક થઈ, વડોદરા કૉલેજમાં દાખલ થયલા; અને સન ૧૯૦૬માં બી.એ.,ની પરીક્ષા ફીલોસોફી ઐચ્છિક વિષય લઈને ઑનર્સ વર્ગમાં પસાર કરી હતી. સન ૧૯૧૦માં તેઓ એલએલ. બી; અને સન ૧૯૧૩માં એડવોકેટ થયા હતા. વકીલાતનો ધંધો શરૂ કર્યો પણ તે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં રસ લેવાનું છોડ્યું નહોતું. સન ૧૯૧૩માં સ્ટુડન્ટસ બ્રધરહુડ તરફથી સમાજસેવા વિષે ઇનામી નિબંધ લખી, મોતીવાળા પ્રાઇઝ મેળવ્યું હતું અને તે સમયે મુંબાઇમાં નિકળેલી ગુર્જર સભામાં જોડાઈ, દેશના અનેકવિધ પ્રશ્નો ચર્ચાવામાં તેઓ અગ્રેસર ભાગ લેતા હતા. ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ લખવાનું કાર્ય ત્યારથી આરંભેલું; અને તેમાં એમને સ્વર્ગસ્થ રણજીતરામ તરફથી સારું પ્રોત્સાહન મળેલું. “પાટણની પ્રભુતા” લખીને તેમણે જનતામાં ગુજરાતના ગૌરવ માટે એક પ્રકારનું અભિમાન પેદા કર્યું છે. એ નવલકથામાંનું મુખ્ય પાત્ર મુંજાલનું ચિત્ર એવી દક્ષતાથી અને હુબહુ દોર્યું છે કે આપણા સાહિત્યમાં એ એક જીવંત પાત્ર બની રહ્યું છે. તે પછી એમણે સંખ્યાબંધ નવલકથાનાં પુસ્તકો રચ્યાં છે અને તે એટલાં સફળ નિવડ્યાં છે કે ગુજરાતી નવલકથાકારમાં તેમણે ગોવર્ધનરામની સાથે સમાન સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની નવલકથાઓની માફક એમનાં નાટકો, ‘પુરંદર પરાજય’ અને ‘અવિભક્ત આત્મા’, ‘ધ્રુવ સ્વામિની દેવી’ વગેરે લોકપ્રિય નિવડી, ઉત્તમ સાહિત્ય કૃતિઓ લેખાઈ છે અને એમનું છેલ્લું નાટક “કાકાની શશી” તો સ્ટેજ પર ભજવાઈ, ચોતરફથી પ્રશંસા પામ્યું છે.
એઓ નવલકથાકાર અને નાટકકાર હોવાની સાથે એક સુંદર વક્તા પણ છે અને એમની પ્રતિભાશાળી કલમની જેમ એમની વાણીનો પ્રવાહ એટલોજ ઓજસ્વી અને આકર્ષક થઈ પડે છે.
સાહિત્ય સેવા માટેની ધગશ એમનામાં ન્હાનપણથી ઉછાળા મારતી હતી. અભ્યાસ પૂરો થતાં જ, પોતે એક જ્ઞાતિમાસિક કાઢેલું, ‘નવજીવન અને સત્ય’ તેમ ‘યંગ ઇન્ડિયા’ અઠવાડિકના સહતંત્રી નિમાયલા. વળી સુરતમાં મળેલી જ્ઞાતિ માસિકના તંત્રીઓની પરિષદમાં એમની ખાસ સૂચનાથી જ્ઞાતિ વાર્ષિક નામનું એક પુસ્તક કાઢવાનો ઠરાવ થયલો, જેના બે અંકો પ્રકટ થયા હતા.
પણ એ બધામાં એમની ખ્યાતિ “ગુજરાત”ના તંત્રી તરીકે વિશેષ જાણીતી છે અને ગુજરાતી માસિકોમાં ‘વીસમી સદી’ પછી તેનું સ્થાન લઈ, એક સચિત્ર માસિક તરીકે જે સ્થાન અને પ્રતિષ્ઠા તેણે મેળવ્યાં છે તે તેના તંત્રી માટે મગરૂર થવા જેવું અને ગૌરવભર્યું છે.
સન ૧૯૨૨માં એમણે મુંબાઇમાં સાહિત્ય સંસદ્ સ્થાપી, ગુજરાતી સાહિત્યમાં એક નવીન અને પ્રબળ શક્તિ દાખલ કરી છે; તે પ્રવૃત્તિ કેટલી ફળવંતી, રસાળ અને ઉપયોગી નિવડી છે, એ વિષે અન્ય કોઇના અભિપ્રાય કરતાં, એનું કાર્ય અને એના ગ્રંથો જ પુરતો ઉત્તર આપશે.
આઠમી સાહિત્ય પરિષદ મુંબાઇમાં સંસદ્ તરફથી નોતર્યા પછી, તેઓ સાહિત્ય પરિષદની પ્રવૃત્તિ સાથે એકમેક થઈ રહેલા છે. નવું પરિષદ મંડળ એટલે મુનશી, જેમ ભંડોળ કમિટી એટલે પ્રા. બળવંતરામ ઠાકોર. એ અરસામાંજ એમણે જુની પ્રણાલિકા તોડી, શ્રીમતી લીલાવતી સાથે લગ્ન કર્યું હતું. સમાજમાં એ લગ્ને જેમ પરિવર્તન કર્યું છે તેમ સાહિત્યસૃષ્ટિમાં એ જોડું લાંબો સમય સુધી અજોડ રહેશે.
સાહિત્ય અને સમાજ સુધારાની પેઠે કેળવણી અને રાજકીય વિષયોમાં પણ એમનો હિસ્સો થોડો નથી. મુંબાઇ યુનિવર્સિટીમાં તેઓ અત્યારે મુખ્ય કાર્યકતાં–સિન્ડીક છે અને ધારાસભામાં પણ યુનિવરસિટિના પ્રતિનિધિ તરીકે એમણે પોતાના વ્યક્તિત્વથી ઉત્તમ છાપ પાડેલી છે.
બારડોલી સત્યાગ્રહની લડતમાં અણીના વખતે જોડાઈ, એ લડતને જેમ ઝોક આપ્યો હતો તેમ ચાલુ સીવીલ ડિસઓબીડિઅન્સ–સત્યાગ્રહની લડતમાં મહાત્માની પડખે ઉભા રહી પુરો સાથ આપવાની તેઓ શરૂઆત કરતા હતા, એટલામાં સરકારે એમને પકડી લઈ, છ માસની સજા કરી છે, એ પણ વિધિની અગમ્ય લીલા છે.
એમના ગ્રંથોની યાદી:
મારી કમલા ને બીજી વાતો સન ૧૯૧૭
વેરની વસુલાત ” ૧૯૧૯
ગુજરાતનો નાથ ” ૧૯૧૯
પૃથિવી–વલ્લભ ” ૧૯૨૧
કોનો વાંક ” ૧૯૨૪
પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા ” ૧૯૨૪
રાજાધિરાજ ” ૧૯૨૫
કેટલાક લેખો ભા. ૧, ૨. ” ૧૯૨૬
તર્પણ ” ૧૯૨૬
સ્વપ્નદૃષ્ટા ” ૧૯૨૭
ભગવાન કૌટિલ્ય ” ૧૯૨૯
કાકાની શશી ” ”
ધ્રુવસ્વામિનીદેવી ” ”