ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/છગનલાલ વિદ્યારામ રાવળ
એઓ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. લુણાવાડાના વતની, અને જન્મ પણ ત્યાં ફાગણ સુદ ૮ સં. ૧૯૧૫ના રોજ થયો હતો. એમના પિતાનું નામ વિદ્યારામ અને માતાનું નામ ઝવેરબાઈ છે. સન ૧૮૮૧માં તેઓ પ્રે. રા. ટ્રેનિંગ કૉલેજમાંથી ત્રીજા વર્ષમાં પાસ થઈ, સરકારી કેળવણી ખાતામાં દાખલ થયલા, તે સન ૧૯૧૫માં પાંત્રીસ વર્ષની નોકરી કર્યા પછી નિવૃત્ત થયલા.
પ્રાચીન સાહિત્યના સંશોધક અને સંગ્રહકાર તરીકે તેઓ વધારે જાણીતા છે અને એક મહેતાજી તરીકે એમનું એ કાર્ય વિશેષ પ્રશંસાપાત્ર છે. આ પ્રકારની શોધ માટે તેમને વડોદરા અને સુરતની સાહિત્ય પરિષદે સોના અને રૂપાના મેડલ આપ્યા હતા.
એમણે લુણાવાડા, ઝઘડીઆ, નાંદોદ, છોટાઉદેપુર વગેરે ભાગોમાં, જ્યાં જ્યાં નોકરી અંગે રહેવાનું થયેલું ત્યાં ત્યાંથી આસપાસ ફરી જુનાં હસ્તલિખિત પુસ્તકો મેળવ્યાં હતાં; અને સ્વ. શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહસ્થાનનો ગુજરાતી હસ્તલિખિત પુસ્તકસંગ્રહ છે, તે એમણે જ એકઠો કરી આપ્યો હતો; વળી તેમાંના અપ્રસિદ્ધ અને અગત્યના કાવ્યગ્રંથોના પ્રકાશનનું કાર્ય શેઠની સહાયતા વડે એમણે આરંભ્યું હતું, જેના પાંચ ગ્રંથો “પ્રાચીન કાવ્યસુધા” એ નામથી પ્રસિદ્ધ થયલાં છે અને બીજા બે ભાગો પૈકી પ્રાચીન કાવ્ય વિનોદ ભાગ ૧લો આદિત્ય મુદ્રણાલયમાં છપાય છે ને બીજો ભાગ છપાવવાનો બાકી છે. આ પરથી એ વિષય પ્રતિ એમને કેટલો બધો અનુરાગ અને એનો અભ્યાસ છે, તેની પ્રતીતિ થશે.
એક શિક્ષક સામાન્ય રીતે ગામડામાં વૈદ પણ થઈ શકે છે; એ રીતે એ ક્ષેત્રમાં પણ એમણે સારૂં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. જુનાં પુસ્તકોમાંથી જે વૈદ્યકગ્રંથો એમને મળી આવેલાં, તેનો સારોદ્ધાર કરી, “વૈદકવિલાસ” એ નામથી ત્રણ–ભાગો “ગુજરાતી” પ્રેસ મારફત એમણે બહાર પાડેલાં છે.
બાળગીત અને બાળવાર્તા, એ વિષયોમાં તો શિક્ષકે તૈયાર રહેવુંજ જોઈએ અને તે માટે એમણે તૈયાર કરી છપાવેલો ગુજરાતના રસકલ્લોલ અને બાળવાર્તાઓનો સંગ્રહ, (ઠંડા પહોરની વાતો ભા. ૧લો) શિક્ષકવર્ગને તેમજ બાળકોના માતપિતાને ખાસ ઉપકારક થઈ પડશે.
એવીજ રીતે જુના સ્વરવિભાગના ગુજરાતી શબ્દોનો સંગ્રહ કરેલો તે ગોંડળ જ્ઞાનકોષમાં દાખલ કરવા એમણે મોકલી આપ્યો છે.
આમ એમની સાહિત્ય સેવા ઉપયોગી અને સ્તુત્ય છે; અને એક શિક્ષક તરીકે એમને જેબ આપે એવી છે.
એમના ગ્રંથોની યાદીઃ
૧ (ચોખવટ) સ્વચ્છતા [૭ આવૃત્તિઓ થઈ છે] સન ૧૮૯૧
૨ ઋતુ વર્ણન કાવ્ય ” ૧૮૯૬
૩ જાવજીનું જીવન ચરિત્ર [મરાઠી પરથી] ” ૧૮૯૭
૪ પંચેંદ્રિય ચરિત્ર [વિધવિધ હિન્દી કાવ્યસંગ્રહ] ” ૧૮૯૮
૫ સજ્જન તે સજ્જન [મરાઠીનો અનુવાદ] ” ૧૯૦૫
૬ મનુનાં નીતિવચન ભા. ૧ (મરાઠીનું ભાષાંતર) ” ૧૯૦૬
૭ રાજપીપળા સ્ટેટની ભૂગોળવિદ્યા ” ૧૯૧૦
૮ વૈદિક વિલાસ ભા. ૧ ” ૧૯૧૫
૯ ”ભા. ૨ ” ૧૯૧૭
૧૦ ”ભા. ૩ ” ૧૯૨૬
૧૧ જીવહિંસા નિષેધ ભા. ૧ [બે આવૃત્તિઓ] ” ૧૯૧૩
૧૨ ”” ભા. ૨જો ” ૧૯૨૩
૧૩ બ્રિટિશ રાજ્ય પહેલાં ગુજરાતની આર્થિક સ્થિતિ
૧૪ કવિ પ્રેમાનંદકૃત વિષ્ણુસહસ્ત્ર નામ [કાવ્ય] ” ૧૯૨૦
૧૫ વિલાસિની અથવા સત્યનો જય [મરાઠીનો અનુવાદ]
૧૬ પ્રાચીન કાવ્ય સુધા ભા. ૧ ” ૧૯૨૨
૧૭ ” ” ભા. ૨ ” ૧૯૨૨
૧૮ ” ” ભા. ૩ ” ૧૯૨૪
૧૯ ” ” ભા. ૪ ” ૧૯૨૪
૨૦ ” ” ભા. ૫ ” ૧૯૨૪
૨૧ ઠંડા પહોરની વાતો ભા. ૧ ” ૧૯૨૫
૨૨ બાદશાહી વખતમાં કાજીઓના ઇન્સાફ ” ૧૯૨૮
૨૩ ગુજરાતના રસ કલ્લોલ ” ૧૯૨૯