ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મંજુલાલ રણછોડલાલ મજમુદાર
એ મૂળ વતની નડિયાદ પાસે મહુધાના અને જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ એમના મોસાળ પેટલાદમાં સન ૧૮૯૭ના સપ્ટેમ્બર માસમાં થયો હતો. એમના પિતાનું નામ રણછોડલાલ હીરાલાલ મજમુદાર અને માતાનું નામ ધનાંબ્હેન જતનલાલ દેસાઈ છે.
એમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું, અને સન ૧૯૧૩માં મૅટ્રીક્યુલેશનની પરીક્ષા વડોદરા હાઇસ્કુલમાંથી પાસ કરી, બરોડા કૉલેજમાં દાખલ થયલા. સન ૧૯૧૮માં બી. એ.ની ડીગ્રી સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ ઐચ્છિક વિષય તરીકે લઈને મેળવી હતી. સન ૧૯૨૧માં એઓ એલ એલ. બી. થયા અને વડોદરા રાજ્યની વરિષ્ઠ કોર્ટમાં વકીલાત કરવા માંડી; પણ એ ધંધો એમના સાહિત્ય પ્રિય સ્વભાવને અનુકૂળ થયો નહિ એટલે તેઓ વિદ્યાધિકારી કચેરીમાં જેડાયા છે, જ્યાં એમને એમનું રૂચતું સાહિત્યકાર્ય, સાહિત્યમાળા સંપાદન કરવાનું, સોંપાયું છે.
એમનો પ્રિય વિષય, પ્રાચીન સાહિત્યનો અભ્યાસ સંપાદન તથા સંશોધન છે. એમનો સંસ્કૃતનો પરિચય ઠીક ઠીક છે. એમણે વડોદરા શ્રાવણમાસ સંસ્કૃત પરીક્ષા, કાવ્ય, અલંકાર અને પુરાણના વિષેયોમાં આપેલી છે.
“ગુજરાતની બ્રીટીશ અમલ પહેલાંની સંસ્કૃતિ” સંબંધી અંગ્રેજીમાં વિસ્તૃત નિબંધ રજુ કરીને એમ. એ.,ની ડીગ્રી સને ૧૯૨૯માં મેળવી છે, સમાજશાસ્ત્રના સિદ્ધાન્તોની કસોટીએ ચડાવી ગુજરાતની સર્વદશીય સંસ્કૃતિનો સમન્વય, ઘણું કરીને એમણે જ પહેલવહેલો કરી બતાવ્યો છે.
એમનો પ્રથમ લેખ સન ૧૯૧૪માં ‘વસંત’માં એક ટૂંકી વાર્તા રૂપે, તથા બરોડા કૉલેજ મીસેલેનીમાં નરસિંહ મહેતાની કવિતા વિષે એમ હતા. પુસ્તકરૂપે એમણે પહેલો પ્રયત્ન “સુદામાચરિત્ર”ની તુલનાત્મક સટીક આવૃત્તિનો સને ૧૯૨૨માં કર્યો હતો. ગુજરાતી પ્રાચીન સાહિત્યનો એમનો અભ્યાસ તે પછી બહુ તલસ્પર્શી અને વિસ્તૃત થવા પામ્યો છે, એમ એમણે સંશોધન કરેલાં કોઇ પણ કાવ્યો વાંચનાર કહી શકશે.
પ્રાચીન સાહિત્યનું સંશોધન અને સંપાદન કાર્ય કરવામાં એમણે નવું ધોરણ અખત્યાર કરેલું છે; અને તે ધોરણ, શાસ્ત્રીય, ઐતિહાસિક અને તુલનાત્મક છે. એમનું સુદામાચરિત્ર લો, કે અભિમન્યુ આખ્યાન લો; એમનું રણયજ્ઞ લો, કે પંચડંડની વાર્ત્તાનું પુસ્તક લો, તો એમાંથી એમના વિશાળ સમદૃષ્ટિકોણનું; એમની વિદ્વત્તા અને પ્રાચીન સાહિત્યના વાચન અને અભ્યાસનું માપ કાઢી શકાશે. પ્રેમાનંદનાં આખ્યાનોના અભ્યાસ સાથે સાથે, સામળભટ્ટને જવા માટે ગુજરાતી લોકકથા અને વાર્ત્તા સાહિત્યની માપણી અને સમાલોચના એમના જેવી અન્ય કોઇએ કરેલી જાણવામાં નથી : અને તેને વિશેષ પ્રકાશમાં આણવાનો યશ એમને છે.
એમના સાહિત્યકાર્યમાં એમનાં પત્ની સ્વ. સૌ. ચૈતન્યબાળા બ્હેન પણ વિશેષ મદદગાર થતાં હતાં; દિલગીરી માત્ર એ છે કે એ સુભગ યુગલ લાંબો સમય સાથે રહી સાહિત્યની સેવા કરવા ભાગ્યશાળી નિવડ્યું નહિ. ‘અભિવન ઊંઝણું’ નામના પંદરમા શતકના કાવ્યની મોક્ષની વાચના એમણે જ એકલે હાથે કરેલી પડી છે. તે અનુકૂળતાએ પ્રકટ થનાર છે. તેમના “લલિતકલા તથા બીજા સાહિત્ય–લેખો”નું સંપાદન એ કરી રહ્યા છે.
પ્રાચીન કાવ્યના સંશોધન અને સંપાદન કાર્ય ઉપરાંત એમણે “તિલોત્તમા–નામની અપ્સરા સૃષ્ટિની વાર્ત્તા–” લખી છે.
“લોકવાર્તાના સાહિત્ય”નાં બે વિસ્તૃત પ્રકરણ સંસદના ‘મધ્યકાલીન સાહિત્યના પ્રવાહો તે ખંડ ૫મામાં એમણે લખ્યાં છે. સૌ. દીપકબા દેસાઈકૃત ‘સ્તવન મંજરી’ તથા ‘ખંડકાવ્યો’ના પુસ્તકનો અને રા. રમણલાલ વસંતલાલ દેસાઈકૃત ‘શક્તિ હૃદય’ નાટકના ઉપોદ્ઘાત એમણે લખ્યાં છે; જે સાહિત્યના અભ્યાસીએ વાંચવા વિચારવા જેવા છે. સૌ. દીપકબા દેસાઈની કવિતાકળાને ઉત્તેજનાર અને પ્રેરનાર તરીકે એમને ગણી શકાય.
હમણાં તેમણે તેમનાં સ્વ. પત્નીએ અધૂરા મૂકેલા રાસસાહિત્યનું સંપાદન કાર્ય “ગુજરાતણોનો ગીતકલ્લોલ” એ નામથી હાથ ધર્યું છે; અને તેમાં રાસ, ગરબા તથા ગરબીનું શાસ્ત્રીય પૃથકરણ તથા વિવેચન પ્રાચીન અર્વાચીન કૃતિઓમાંથી ઉદાહરણ સહિત ચાર ભાગમાં બહાર પાડનાર છે. એમનાં અન્ય સંપાદનોની પેઠે તે પણ સાહિત્યરસિક તેમજ સાહિત્યના અભ્યાસી એમ ઉભયને રસદાયક અને ઉપકારક થશે એમ આશા રહે છે.
મીરાંબાઈનાં અસલ પદોની શોધખોળ માટે એમણે મુંબઈ યુનિવર્સિટી તરફથી રીસર્ચ ગ્રાન્ટ મેળવી છે; અને તે શોધખોળ પૂરી થયે, “મારાં–માધુરી” નામે સંગ્રહ તેઓ પ્રકટ કરવાના છે.
એમના ગ્રંથોની યાદી:
૧ પ્રેમાનંદ તથા બીજાં આઠ કવિનાં સુદામાચરિત્ર સન ૧૯૨૨
૨ પ્રેમાનંદકૃત રણયજ્ઞ તથા વજીઆકૃત રણજંગ ” ૧૯૨૫
૩ તિલોત્તમા–એક અપ્સરા સૃષ્ટિની વાર્તા— ” ૧૯૨૬
૪ તાપીદાસકૃત ‘અભિમન્યુ આખ્યાન’ તથા અભિમન્યુનું લોક સાહિત્ય ” ૧૯૨૬
૫ લોકવાર્તાનું સાહિત્ય ” ૧૯૨૭
૬ કાવ્ય નવનીત ને નળાખ્યાન ” ૧૯૨૭
૭ પંચડંડને બીજાં કાવ્યો ” ૧૯૨૯
૮ રામાયણનું રહસ્ય ” ૧૯૩૦