ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મણિલાલ છબારામ ભટ્ટ
એમના પિતા છબારામ નૃસિંહરામ જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ હતા; અને અમદાવાદની પાસે આવેલા કુબડથલ ગામમાં રહી. ગામઠી નિશાળ ચલાવતા અને પુરાણ કથા વાર્તાનો ઉદ્યોગ કરતા. સન ૧૮૬૯–૭૦માં તેમને ઘેર મણિલાલનો જન્મ થયો. શરૂઆતમાં ન્હાનપણથી જ તેમને સ્તોત્ર–પ્રકીર્ણ શ્લોક વગેરે ગામડાના બ્રાહ્મણબટુઓને મુખપાઠ કરાવવામાં આવે છે તેમ મોઢે કરાવવામાં આવેલા અને ઉપનીત પહેલાં ગુજરાતીનો શાળામાં અને સંસ્કૃત વ્યાકરણનો (સારસ્વતનો) ઘેર અભ્યાસ કરાવવામાં આવ્યો. સારસ્વત પછી રઘુ અને બીજાં કાવ્યોનો અભ્યાસ ચાલતો હતો એવામાં તેમનાં માતા અને પછી એકાદ વર્ષમાં તેમના પિતા પરલોકવાસી થયા; તેથી તે અમદાવાદમાં સ્વ. ભાઈશંકર નાનાભાઈને ઘેર તેમના મોસાળમાં ઉછર્યા. અહિં શિષ્ટ અને ઉચ્ચ નાગરમિત્રોના સહવાસથી નાગરિક ઉચ્ચ સંસ્કાર સાથે ઇંગ્રેજીના સાતમા ધોરણ સુધીના અભ્યાસ સુધી પહોંચવાને તેમને અત્યુત્તમ પ્રસંગ પ્રાપ્ત થયો. હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેની જ સાથે સાથે ફાજલ સમયમાં ભાસ્કરશાસ્ત્રીને ત્યાં જઇ “નૈષધ ચરિત” જેવા કઠિન કાવ્યનું તેમજ કૌમુદીનું અધ્યયન કરવા માંડ્યું; પણ તે પૂરું શિખી રહે તે પહેલાં અને મેટ્રીકની પરીક્ષામાં બેસવાનો સમય આવી પહોંચે તે પહેલાં એમનાં દાદી દેવલોક પામ્યાં અને તેમના મોટા ભાઈ એક ભાડાનું ઘર રાખી જૂદા રહેવા લાગ્યા. આ સાંસારિક વિટંબણામાં આવી પડવાથી તેમની કેળવણીની પણ સમાપ્તિ થઈ. અને મુંબાઇમાં સોલીસીટરની ઑફીસોમાં કારકુન તરીકે નોકરી સ્વીકારવી પડી. સંસ્કૃતનો શોખ મૂળથી એટલે બાકીના વખતમાં પં. ગટુલાલજીની સંસ્કૃત શાળામાં પણ જતા હતા. થોડા મહિના પછી રેલ્વેતારનું શિખવાના ઈરાદે તે સુરત ગયા: પણ ત્યાં તાવના સકંજામાં સપડાવાથી અને નાદુરસ્ત તબિયત રહેતી હોવાથી, અમદાવાદ પાછા ફર્યાં. ત્યાર પછી દોઢેક વર્ષે ‘ગુજરાત ગેઝીટ’ સાપ્તાહિક વર્તમાનપત્રમાં ભાગીદારી તરીકે જોડાયા; અને પોતાની કલમ ચલાવા માંડી. સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્રેજી, મરાઠી અને હિન્દી પુસ્તકોના વાચનથી તેમનું જ્ઞાન સર્વદેશીય બન્યું હતું. જન્મસિદ્ધ કાવ્યલેખન શક્તિમાં કંઈ ઓર ઉમેરો થવા લાગ્યો. ‘બુદ્ધિપ્રકાશ’માં “સીતાહરણ” નાટક (અપૂર્ણ) તેમજ ‘ભારતી ભૂષણ’માં “મૃગાવતી”ના ત્રણ અંકો લખ્યા. વળી એ અરસામાં ‘સ્વદેશ વત્સલ’ માસિકમાં ‘ઋતુ વર્ણન’, ‘અનિલદૂત’ વગેરે કાવ્યો અને ‘કિશારસુંદરી’ની વાર્તા એમણે લખી તે વખતના સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. ‘ગુજરાત ગેઝીટ’ બંધ પડતાં તેમણે મુંબાઇ ‘ગુજરાતી’ પત્રમાં નોકરી લીધી. સન ૧૮૯૬માં તેમણે ‘સમાલોચક’ નામનું ત્રિમાસિક કાઢ્યું અને ૧૯૦૯ સુધી ચલાવ્યું. પૂરતો પગાર નહિ મળતો હોવાથી તેમને શિષ્યવૃત્તિઓ (Tutions) કરવા ઉપરાંત ભાષાંતરો અને લખાણો લખવા માંડ્યાં. થોડા પૈસા ભેગા થતાં, “ગુજરાતની જુની વાર્તાઓ”નું પુસ્તક રચી પ્રકટ કર્યું અને તે એટલું લોકપ્રિય નિવડ્યું કે સરકારે સીવીલ સર્વિસના ગુજરાતી પાઠ્ય પુસ્તક તરીકે મંજુર કર્યું; જે હજુ ચાલુ છે. વળી તેનો ઉપાડ પણ સારો થયો.
તેમના મુંબાઇના ૨૦ વર્ષના વસવાટ દરમિયાન તેમણે જે જે પુસ્તકો રચ્યાં તેની ટીપ નીચે આપવામાં આવેલી છે. સન ૧૯૦૯માં ‘ગુજરાતી’ની નોકરી મૂકી દઈ અમદાવાદ આવ્યા; અને સન ૧૯૧૦માં ગુજરાતી ભાષાનો કોષ કરવાને ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીમાં જોડાયા.
તેમણે સન ૧૯૨૩માં ગુ. વ. સોસાઇટીમાંથી નોકરી છોડીને વાનપ્રસ્થાવસ્થા લીધી છે તે ચાલુ છે. હજુ ઉત્તરાવસ્થામાં સાહિત્યક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી છે તોપણ, અવાનવાર વર્તમાનપત્રો અને માસિકોમાં લેખો લખી સાહિત્યને લાભ આપતા રહે છે, તે જોઈ આપણને આનંદ થાય છે; અને તે થકી તેમનો સાહિત્યપ્રેમ વ્યક્ત થાય છે.
ઇંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના તેમના વિશાળ વાચનનું જ્ઞાન લોકોને ઘણું રુચિકર થયું છે; અને તેથી તે એક લોકપ્રિય લેખક બન્યા છે. તેમની ભાષા શૈલી શુધ્ધ, સરળ છતાં પ્રૌઢ, શિષ્ટ અને સંસ્કારી છે.
તેમણે સ્ત્રી ઉપયોગી પુસ્તકો ‘સ્ત્રીઓની રંગભૂમિ’, ‘પતિવ્રતા સતીઓ’ અને ‘સુંદર બહેન’ સરળ ભાષામાં રચી સ્ત્રીજગતને આપી છે; સુપથે દોર્યું છે. તેમની ઐતિહાસિક વાર્ત્તાઓ તેમજ સામાજિક નવલકથાઓથી સમાજનો સડો કંઈક અંશે દૂર થયો છે. તેમણે ઇંગ્રેજી અને સંસ્કૃતનાં સુંદર ભાષાન્તરો કરેલાં છે. અને ‘કાવ્ય પીયૂષ’ તથા ‘સીમંતિની આખ્યાન’નાં કાવ્ય રચ્યાં છે. આમ અનેક પુસ્તકો પ્રકટ કરી ગુજરાતી સાહિત્યમાં તેમણે સારો ફાળો આપી પ્રજાસેવા બજાવી છે.
એમના ગ્રંથોની યાદી:
ઋતુ વર્ણન (‘સ્વદેશ વત્સલ’ સોસાઇટીએ છપાવેલું) સંવત ૧૯૪૫
અનિલ દૂત (ખંડ કાવ્ય) ” ૧૯૪૫
કાવ્ય પીયૂષ. (પ્રકીર્ણ કવિતાઓ) ” ૧૯૧૧
સીમંતિની આખ્યાન. સંવત ૧૯૪૬
નાટક.
પ્રતિમા નાટક (ભાસકૃત–ભાષાન્તર) સન ૧૯૧૬
ગુજરાતની જૂની વાર્ત્તાઓ. સન ૧૮૯૩–૪
પૃથ્વીરાજ ચૌહાણ ને ચંદ બરદાયી (પાઠ્ય પુસ્તક) ” ૧૮૯૭
ઝાંશીની રાણી (ભાષાંતર) ” ૧૮૯૮
રતિ સુંદરી સન ૧૯૦૦
મુંબાઇની શેઠાણી, ગુર્જરી. ” ૧૯૧૫
મડમ કે મધુરી. ” ૧૯૨૦
સંસ્કૃત ભાષાન્તર.
વિષ્ણુ પુરાણ. સન ૧૯૧૨
આત્મ પુરાણ. ” ૧૯૦૭
અષ્ટાવક્ર ગીતા. ” ૧૯૨૯
વૃદ્ધ ચાણાક્ય.
બર્નિયરનો પ્રવાસ (ગુ. વ. સોસાઇટી.) સન ૧૮૯૮
શહેનશાહ બાનુ મેરી ( “ “ ) સન ૧૯૧૧
લૉર્ડ લોરેન્સ (ગુજરાતી પ્રેસ)
સ્ત્રીઓની રંગભૂમિ. સન ૧૯૧૮
પતિવ્રતા સતિઓ. સન ૧૯૦૬
સુંદર બહેન. સન ૧૯૦૬