ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મોહનલાલ પાર્વતીશંકર દવે
એમનો જન્મ સન ૧૮૮૩માં ચૈત્ર સુદ તેરસને રોજ થયો હતો. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમના પિતા પાર્વતી શંકર સારા મોટા હોદ્દા પર હતા અને બે પૈસે સુખી હતા. એમના માતુશ્રી ઇંદિરાગૌરી તે દીનમણિશંકર શાસ્ત્રીના પુત્રી થાય. એમનું લગ્ન સ્વ. રા. બા. કમળાશંકરની પુત્રી સૌ. દમનગૌરી સાથે થયલું છે. સન ૧૯૦૫માં એમ. એ; અને સન ૧૯૦૭માં એલ એલ. બી.ની પરીક્ષા પાસ કરેલી. કેટલોક વખત તેમણે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરેલો; મુંબાઇમાં એલ. એલ. બી, એમ. એ, વગેરે અભ્યાસ માટે પણ રહેલા. બી. એ;ની પરીક્ષા પાસ કર્યા પછી ‘બુદ્ધિપ્રકાશ’, ‘વસંત’, ‘ગુજરાત શાળાપત્ર’ વગેરેમાં લેખો લખવા શરૂ કરેલા અને સન ૧૯૧૧–૧૨માં ગુ. વ. સોસાઇટી માટે “લેન્ડરના કાલ્પનિક સંવાદો” એ નામનું પુસ્તક ગુજરાતીમાં બે ભાગમાં એક વિસ્તૃત ઉપોદ્ઘાત સાથે તૈયાર કરી આપેલું. સાહિત્ય પરિષદમાં રસ લઈ, લેખો લખી મોકલતા અને આગળ પડતો ભાગ લેતા. વળી પરિષદ ભંડોળ માટે તેમણે મેકડોનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ બહુ કાળજી પુર્વક લેખક પાસેથી તેમની નૉટ્સ મેળવીને લખેલો છે; અને અવારનવાર નાદુરસ્ત તબિયતના લીધે કેટલાક સમયથી લેખનકાર્ય કંઇક મંદ છે, છતાં તે સાહિત્યમય જીવન ગાળે છે. પોતે સાર્વજનિક કૉલેજમાં શરૂઆતથી સંસ્કૃતના અધ્યાપક તરીકે, સેવાભાવથી કાર્ય કરે છે અને સુરતની એવી કોઈ સાહિત્ય પ્રવૃતિ નહિ હોય, જેમાં એ જોડાયેલા નહિ હોય. ગુ. વ. સોસાઇટી માટે તેમણે ઉપનિષદ પર એક પુસ્તક લખી આપવાનું સ્વીકારેલું છે. એમના મુખ્ય લેખો અને પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે:-
લૅન્ડોરના કાલ્પનિક સંવાદો ભાગ ૧–૨ ૧૯૧૧–૧૨
સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ૧૯૨૪
મહાભારતની સમાલોચના. ૧૯૧૩
ગ્રન્થાવલોકન કળા, હાસ્યરસ, કાવ્યકળા પર લેખો
(સા. પરિષદ માટે)