ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઈન્દ્રવદન ઉમિયાશંકર વસાવડા
રાષ્ટ્રભાષા અને માતૃભાષાની એકીસાથે સેવા કરનાર આ વાર્તાલેખકનો જન્મ ઈ.સ. ૧૯૧૨ની ૨૩મી નવેમ્બરે જૂનાગઢમાં થયેલો. તેમના પિતાનું નામ ઉમિયાશંકર મૂળશંકર વસાવડા અને માતાનું નામ સવિતાદેવી છે. જ્ઞાતિએ તેઓ નાગર છે. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૩૪માં શ્રી. સુકીર્તિદેવી સાથે થયેલું છે. પિતાની નોકરી કોટા સ્ટેટ (રજપૂતાના)માં હોવાથી તેમનું બાલપણ હિંદી ભાષા બોલતા પ્રદેશમાં વીતેલું. પ્રાથમિક પૂરી અને માધ્યમિક ત્રણ ધોરણો સુધીની કેળવણી તેમણે ત્યાં લીધી હતી. માધ્યમિક ઉપલાં ધોરણોનો અભ્યાસ તેમણે અનુક્રમે વડોદરા, મુંબઈ અને જૂનાગઢમાં કર્યો હતો. તેમણે ઈ.સ. ૧૯૨૮માં જૂનાગઢમાંથી મેટ્રિકની પરીક્ષા હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે પાસ કરીને રાણા શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. ઈ.સ. ૧૯૩૨માં જૂનાગઢની બહાઉદ્દિન કૉલેજમાંથી બી. એ. (ઑનર્સ)ની પરીક્ષામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. ઈ.સ. ૧૯૩૫માં મુંબઈની એલિફન્સ્ટન કૉલેજમાંથી વેદાન્ત મુખ્ય વિષય લઈને તેઓ એમ. એ. થયા હતા અને તે જ વિષયમાં પ્રથમ આવતાં ભાંડારકર પારિતોષિક તેમને મળ્યું હતું. ત્યારબાદ તેમણે મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં થોડોક વખત શિક્ષકગીરી બજાવી હતી. હાલમાં તેઓ વાંસદાની શ્રી. પ્રતાપ હાઈસ્કૂલમાં શિક્ષકનું કામ કરે છે. તેમના પ્રિય અભ્યાસવિષયો વેદાંત અને માનસશાસ્ત્ર છે. પિતાની ઉદારતા, માતાની વ્યાવહારિકતા, ડિકન્સની નવલકથાઓ અને તેની કચડાયેલાં પ્રત્યેની અનુકંપાવૃત્તિ, ટાગોરની બાલવાર્તાઓ, મેઘાણીની સામાજિક વાર્તાઓ, ગાંધીજીના ૨૧ દિવસોના હરિજન-ઉદ્ધાર માટેના ઉપવાસો, ગામડાં અને લોકજીવનનો રખડી રખડીને મેળવેલો અનુભવ અને ઉત્તર હિંદુસ્તાનનું વિશિષ્ટ વાતાવરણ તેમના જીવન તેમજ સાહિત્યને ઘડનારાં મુખ્ય તત્ત્વો છે. આ સર્વ તત્ત્વોએ તેમના જીવનને લાગણી, વિચાર અને દૃષ્ટિ આપ્યાં છે અને તેમના સાહિત્યને વિષય, વર્ણન અને પાત્રોની ભેટ કરી છે. ‘ચિતાના અંગારા’ વાંચીને તેમાંની ‘સદાશિવ ટપાલી’ નામની સ્વ. મેઘાણીની નવલિકાનો તેમણે હિંદી ભાષામાં અનુવાદ કરવાનો અખતરો કરી જોયો પણ તેમાં એમને સફળતા મળી નહિ. એમની પહેલી મૌલિક વાર્તા ‘रामु भंगी’ તેમણે હિંદીમાં લખી અને હિંદી નવલસમ્રાટ પ્રેમચંદજીએ તેને સત્કાર આપ્યો; તેને ‘हंस’ માસિકમાં સ્થાન મળ્યું; તેથી ઉત્તેજાઈને તેમણે વધુ આત્મશ્રદ્ધાથી घरकी राह નામની લાંબી નવલકથા હિંદીમાં લખી. પણ સૌ પ્રકાશકોએ આ ઊગતા લેખકને જાકારો આપ્યો. છેવટે પ્રેમચંદજીએ તેને છાપવાનું બીડું ઝડપ્યું અને છાપી. પછી તે પુસ્તકનાં ચારે બાજુથી હિંદી સાહિત્યજગતમાં વખાણ થયાં. સ્વ. મેઘાણીની પ્રેરણાથી તેમણે ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં ય ઝૂકાવ્યું घरकी राहનો ‘ઘર ભણી’ નામે ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો. ‘જન્મભૂમિ’ના ‘કલમકિતાબ’ વિભાગમાં ‘હિંદી સાહિત્યક્ષેત્રે પ્રથમ ગુજરાતી તરુણ’-એ મથાળા નીચે સ્વ. મેઘાણીએ તેની ગુજરાતી આવૃત્તિની પેટ ભરીને પ્રશંસા કરી. ‘घरकी राह’ નવલકથાનું વસ્તુ તેમને કેવી રીતે સાંપડ્યું અને તેમાંથી તેમને અંતઃક્ષોભ કેવી રીતે ઉદ્ભવ્યો એ જણાવતાં લેખક કહે છેઃ “૧૯૩૧-૩૨માં શ્રી. મેઘાણીકૃત ‘ચિતાના અંગારા’માંની વાર્તાઓએ છાપ પાડી હતી અને તે જ અરસામાં પ્રેમચંદજીની નવલકથાઓ તરફ મનની લગની લાગી હતી. વળી ટાગોર આદિની વાર્તાઓથી મુગ્ધ બનીને ભાવની ઉત્કટતાવાળી વાર્તાઓ લખવાનું મન થયા જ કરતું. ત્યાં તો હરિજન-ઉદ્ધાર માટેના ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસોએ હિંદનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. મારા ગામની ઝૂંપડીમાં બેસી હું એક વખત માનસિક યાત્રા કરી રહ્યો હતો. ત્યાં એક ગરીબ બાળક જેને મારા પિતાએ પાળ્યો હતો અને જે કેટલાક વખતથી નાસતો ફરતો હતો, તે એકાએક આવ્યો. તેની કરુણ વીતકકથા મેં સાંભળી. હરિજન–પ્રશ્ન, ગામની સ્મૃતિઓ અને એ બાળકના જીવનના વિવિધ રસોથી મિશ્રિત પ્રસંગો- એ ત્રણેય વાનાં મળીને મારા મનમાં વાર્તાનું રૂપ ઘડાયું અને તે જ મારી પ્રથમ લાંબી કૃતિ ‘घरकी राह’ એ જ પ્રમાણે તેમની પહેલી ટૂંકી વાર્તા रामु भंगीના વસ્તુનું મૂળ જણાવતાં તે કહે છેઃ “પિતાજીને બગીચાનો શોખ. ભંગી તેને પાણી પાય. એક વખત બગીચામાં ડુક્કરો ઘૂસી ગયાં. બગીચાનું નિકંદન કર્યું. પિતાજી અત્યંત ક્રુદ્ધ થયા ને ભંગીને માર્યો. મારા હૃદયમાં અત્યંત પીડા થઈ અને તેના આઘાતરૂપે रामु भंगी વાર્તા જન્મી.” એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ ‘જગતનાં સર્વ પ્રાણીઓમાં સ્નેહનો સંચાર કરવાનો’ છે. એ ઉદ્દેશને શક્ય રીતે સાહિત્ય દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન તેમણે કરેલો છે. ડિકન્સ, ટાગોર, શરદચંદ્ર, મેઘાણી, પ્રેમચંદજી વગેરે નવલકથાકારો તેમના પ્રિય લેખકો છે; ‘Old Curiosity Shop’ ને ‘શ્રીકાન્ત’ તેમની પ્રિય નવલકથાઓ છે. જે જીવનમાં જણાય અને હૃદય ઉપર ઊંડી અસર જમાવે તેને શબ્દો આપવા એ તેમનો લેખન–હેતુ છે. એમની નવલકથાઓ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય: બની છે. તેમનું મુખ્ય આકર્ષણ એમાંની વિષયપસંદગી, વર્ણન–ચમત્કૃતિ, સંવાદકળા અને વસ્તુનો સરસ ઉઠાવ છે. સમાજના જુદા જુદા વર્ગો અને પ્રશ્નેનો કેન્દ્રમાં રાખીને તે પાત્રનું ઘડતર કરે છે. ઉત્તર હિંદના તાદશ વાતાવરણનાં અને લાગણીભર્યાં પાત્રોનાં ચિત્રો સર્જીને લેખકે ઊર્મિલ પ્રકૃતિવાળાં વાચકોનો આદર જીતી લીધો છે. ભાવનગરના પ્રૉ. રવિશંકર જોષી તેમની ‘ગંગાનાં નીર’ નવલકથા ઉપર મુગ્ધ બની ગયા હતા અને તેમાંનાં વર્ણનોને ‘“અદ્ભુત’ કહી તેમણે લેખકને ધન્યવાદ આપ્યા હતા.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. घरकी राह *નવલકથા *૧૯૩૧ *૧૯૩૫ *સરસ્વતી પ્રેસ, બનારસ *મૌલિક
૨. ઘર ભણી *નવલકથા *૧૯૩૬ *૧૯૩૬ *ભારતી સા. સંઘ, અમદાવાદ *મૌલિક
૩. शोभा *નવલકથા *૧૯૩૭ *૧૯૩૮ *ભારતી સા. સંઘ, અમદાવાદ *મૌલિક
૪. बडेम्यां નાટક *૧૯૩૮ *૧૯૩૮ *સરસ્વતી પ્રેસ, બનારસ *મૌલિક
૫. શોભા *નાટક *૧૯૩૯ *૧૯૩૯(?) *નવચેતન સા. મંદિર, અમદાવાદ *મૌલિક
૬. संजीवनी *નવલકથા *૧૯૩૮ *૧૯૩૮ ભારતી સા. સંઘ, અમદાવાદ *ગુજરાતી નવલનો અનુવાદ
૭. ગંગાનાં નીર *નવલકથા *૧૯૪૦ *૧૯૪૦ * નવચેતન સા. મંદિર, અમદાવાદ *મૌલિક
૮. હિંદીને શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ *૧૯૪૧ *૧૯૪૨ ભારતી સા. સંઘ, અમદાવાદ * હિંદી વાર્તાઓનો અનુવાદ અને સંપાદન
૯. ચંદા *નવલકથા *૧૯૪૨ *૧૯૪૩ *નવચેતન સા. મંદિર, અમદાવાદ *મૌલિક
૧૦. જાંબુની ડાળે *બાલવાર્તા *? *? મહેન્દ્ર નાણાવટી, વિલેપાલે *મૌલિક
૧૧. પ્રયાણ *નવલકથા *૧૯૪૩ *૧૯૪૪ *નવચેતન સા. મંદિર, અમદાવાદ *મૌલિક
૧૨, ઇતિહાસને અજવાળે *ઐતિહાસિક વાર્તાઓ *૧૯૪૫ *૧૯૪૫ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ. *મૌલિક
૧૩. નવનીતા *વાર્તાસંગ્રહ *૧૯૩૫થી ૧૯૪૮ *૧૯૪૮ *નવચેતન સા. મંદિર, અમદાવાદ *મૌલિક
અભ્યાસ-સામગ્રી
‘ઘર ભણી’ માટેઃ ‘પરિભ્રમણ ભા. ૧’ -સ્વ. મેઘાણી.
‘ગંગાનાં નીર’ માટે: ‘ઊર્મિ, જાન્યુ.’ ૧૯૪૧.
‘શોભા’ માટેઃ ‘ઊર્મિ, જૂન ૧૯૩૯.
‘ચંદા’ માટે : ‘ઊમિં’ એપ્રિલ ૧૯૪૩.
આ ઉપરાંત દરેક કૃતિની પ્રકાશન-સાલનાં ગ્રંથસ્થ વાઙ્મયો.
***