ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કેશવલાલ મોતીલાલ પરીખ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેશવલાલ મોતીલાલ પરીખ

સ્વ. કેશવલાલ પરીખનો જન્મ વિ. સં. ૧૯૦૯ના શ્રાવણ સુદ ૭ બુધવારના રોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ તેમના વતન કઠલાલમાં વીશા ખડાયતા વણિક જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ મોતીલાલ મૂળજીભાઈ અને માતાનું નામ નવલબહેન. મોતીલાલ પરીખે અમદાવાદ જિલ્લામાં તેમની જ્ઞાતિમાં સૌથી પ્રથમ (૧૮૫૨ના એપ્રિલની ૭મી તારીખે) વકીલાત કરવાની સનદ મેળવી હતી. તેમના સૌથી નાના ભાઈ ઈશ્વરદાસ પણ વકીલ થયા અને તેમના ત્રણે દીકરા–કેશવલાલ, દ્વારકાંદાસ અને જેઠાલાલ-વકીલ થયા એટલે તેમનું કુટુંબ ‘વકીલ’ની અટક પણ પામ્યું હતું. કેશવલાલનું લગ્ન સં. ૧૯૨૧ની સાલમાં ફક્ત બાર વર્ષની ઉમરે જડાવબહેન સાથે થયું હતું. બે વર્ષના બાળકના મૃત્યુના આઘાતથી તેમનાં પત્નીનું અવસાન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ દીવાળીબહેન હતું. ધૂળી નિશાળથી શરૂ કરીને કેશવલાલે કઠલાલમાં જ સાત ગુજરાતી અને અંગ્રેજી બીજા ધેારણ સુધી અભ્યાસ કર્યો. પછી આગળ ભણવા સારુ અમદાવાદમાં પિતાનાં ફોઈને ત્યાં રહ્યા. પણ ફોઈ સાથે એકવાર ચડભડવાનું થતાં કેશવલાલે ભૂંગળીની પોળમાં જુદું મકાન રાખ્યું. હાથે રસેાઈ કરીને તેઓ ખાડિયા મિડ્લ સ્કૂલમાં નિયમિત ભણવા જતા. ત્રણ ચાર વર્ષ આમ ચાલ્યું હશે. એટલામાં તેમના પિતરાઈ ભાઈ ચૂનીલાલને તથા કેશવલાલને ‘લેખકનો સ્વતંત્ર ધંધો આદરી આપબળથી નામના કાઢવાની લાલસા’ થઈ આવી. એટલે સં. ૧૯૨૮ના કારતક શુદ ૮ના રોજ બંન્ને ભાઈઓ અને એક ત્રીજા મિત્ર (મોહનલાલ દલપતરામ કવિ) અમદાવાદથી મુંબઈ ગયા. પણ ત્યાં તબિયત બગડવાથી કેશવલાલ તથા ચૂનીલાલને તરત અમદાવાદ પાછા આવવું પડ્યું. આ સાહસની સજારૂપે વડીલોએ બન્નેને ઘેર બોલાવી લીધા. કેશવલાલ ઘેર કાયદાનાં પુસ્તક વાંચીને વકીલની પરીક્ષામાં બેઠા પણ નાપાસ થયા. એટલે ફરીથી અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં દાખલ થઈને તેમણે અભ્યાસમાં ચિત્ત પરોવ્યું. ઈ.સ. ૧૮૭૭માં તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં બેઠા. પણ તેમાં યે નિષ્ફળ ગયા. વર્ગમાં પહેલો નંબર રાખનાર કેશવલાલ નાપાસ થયા તેથી તેમના શિક્ષકને ખૂબ દુઃખ થયું. આ અંગે તેમણે યુનિવર્સિટી સાથે પત્રવ્યવહાર કર્યો. તેમના પ્રયાસને પરિણામે બીજા વર્ષથી યુનિવર્સિટીએ દરેક વિદ્યાર્થીના વિષયવાર ગુણ જાહેર કરવાની પદ્ધતિ સ્વીકારી. ૧૮૭૮માં કેશવલાલે મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યાર પછી ત્રીજે જ મહિને વકીલની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. તરત જ (૧૮૭૮ના માર્ચની ૧૨ મી તારીખે) તેમણે અમદાવાદ અને ખેડા જિલ્લામાં વકીલાત કરવાની સનદ મેળવી. કેશવલાલે અમદાવાદમાં વકીલાતની શરૂઆત કરી ત્યારે તેમના પિતાની હારના કેટલાક અગ્રગણ્ય વકીલો એ ધંધામાં પ્રતિષ્ઠા જમાવીને બેઠા હતા. નાની ઉંમર, દૂબળું શરીર, અને ઠીંગણા કદને કારણે છોકરા જેવા લાગતા કેશવલાલે હિંમત અને શ્રદ્ધાપૂર્વક ધંધાની શરૂઆત કરી. વખત જતાં કેશવલાલ બાહોશ, પ્રમાણિક અને ખંતીલા વકીલ તરીકે દેશી તેમજ પરદેશી ન્યાયાધીશો આગળ પ્રતિષ્ઠા પામ્યા. અમદાવાદના વકીલમંડળમાં પણ તેઓ થોડા વખતમાં જ સૌનાં માન અને પ્રીતિને પાત્ર બન્યા. કેશવલાલભાઈને સાહિત્યનો શોખ નાનપણથી હતો. વિદ્યાર્થીકાળ દરમ્યાન લેખક તરીકે સ્વતંત્ર ધંધો કરવાનો તરંગ તેમને આવેલો તેનો ઉલ્લેખ પાછળ આવી ગયો. એ વખતે, મિત્રોને ઉદ્દેશીને તેમજ અન્ય નિમિત્તે અને છૂટક લેખો, કવિતાઓ અને ગદ્ય-પદ્યાત્મક પત્રો તેમણે લખ્યાં હતાં. મેટ્રિક્યુલેશન સુધીમાં તેમણે રચેલી કૃતિઓ પૈકી ત્રણ ખાસ ધ્યાનપાત્ર છે : (૧) ‘કોહ્યડાસંગ્રહ’ (સં. ૧૯૨૬): જેમાં ગૂંચવણ ભરેલા, સૂક્ષ્મબુદ્ધિએ વિચાર કરતાં રમૂજ ઉપજાવે તેવા ગણિતના મૌખિક દાખલા અને સગાઈના અટપટા પ્રશ્નોવાળા ઉખાણા છે. (૨) ‘ટૂંટિયું’ નામે નાનકડું ગુજરાતમાં તે વખતે ફેલાયેલા ટૂંટિયાના રોગથી થયેલ હાનિનું વર્ણન કરતું દલપતશૈલીનું કાવ્ય (સં. ૧૯૨૮). (૩) ‘કજોડા-દુઃખદર્શક નાટક’ તેમાં બાળલગ્ન અને કજોડાથી નીવડતા દુઃખદાયી સંસારજીવનનું ચિત્ર છે. વકીલાતના ધંધામાં પડ્યા પછી પણ તેમની લેખન-પ્રવૃત્તિ ચાલુ રહી હતી. સને ૧૮૮૨માં સંસારસુધારાની ભાવનાથી પ્રેરાઈને તેમણે ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ રચી. તેમાં યોજેલ રૂપકગ્રંથિ, વર્ણનો અને ‘અત્યન્ત રૂઢ, સરળ અને બહુધા શુદ્ધ અને રસભરી ભાષા’ની સ્વ. નવલરામ પંડ્યાએ સારી પ્રશંસા કરી હતી. ઈ.સ. ૧૮૮૨ના મે માસમાં ભારતને સ્થાનિક સ્વરાજ્યનો અધિકાર મળ્યો તે પ્રસંગે ગુજરાત વિદ્યાસભાએ (ગુ. વ. સો.) ‘સ્થાનિક સ્વરાજ્ય’ વિશે ઈનામી નિબંધ લખાવેલા તેમાં કેશવલાલનો નિબંધ સર્વશ્રેષ્ઠ જાહેર થતાં રૂ. ૨૦૦) નું ઈનામ તેમને મળ્યું હતું. એ નિબંધ ગુ. વિ. સ. તરફથી પુસ્તકાકારે પ્રકટ પણ થયો હતો. ૧૮૯૩માં તેમણે વિદ્યાસભાને ‘ભોજનવ્યવહાર ત્યાં બેટીવ્યવહાર’ નામે નિબંધ લખી આપ્યો, જેમાં તેમણે ભોજનવ્યવહાર હોય ત્યાં કન્યાવ્યવહાર કરવાથી સમાજની અભિવૃદ્ધિ થાય છે એમ સિદ્ધ કર્યું છે. ૧૯૦૭માં તેમણે ગ્લીન બાર્લોકૃત ‘ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડિયા’ નામના અંગ્રેજી પુસ્તકનું ‘હિન્દની ઉદ્યોગસ્થિતિ’ એ નામે ગુજરાતી ભાષાંતર પણ વિદ્યાસભાને કરી આપ્યું હતું. આ કૃતિ તેમની સ્વદેશી ઉદ્યોગોની ખિલવણી માટેની ધગશના પુરાવારૂપ છે. ઈ.સ. ૧૮૯૨ના જાન્યુઆરિમાં કેશવલાલે ‘પ્રભા’ નામે માસિક કાઢેલું. તેના બીજા વર્ષના પાંચ અંક શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખ પાસે જેવા મળે છે. તેમાં ‘અંગ્રેજ સંસારની કાદંબરી’ ‘રાજ્ય-પદ્ધતિ’ ‘સાતમી ઈન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ ‘’સ્ત્રીઓની સ્વતંત્રતા’, ‘ધારાસભાના બંધારણમાં ફેરફાર’ ‘સાંસારિક સ્થિતિનું અવલોકન’ વગેરે લેખો તેમણે લખેલા માલૂમ પડે છે. એ સામયિકમાં ઇંગ્લંડ બૅરિસ્ટર થવા ગયેલા (અને પછી ત્યાં જ વર્ષો સુધી પ્રીવી કાઉન્સિલમાં વકીલાત કરીને ૧૯૪૬માં ‘કીંગ્ઝ કાઉન્સિલ’ની પદવી જેમણે પ્રાપ્ત કરી હતી તે) જેઠાલાલ પરીખનાં પત્રો–‘ઇંગ્લાંડમાં ગયેલા એક તરુણના પત્રો,’ એ શીર્ષક નીચે છપાયા હતા. ઈ.સ. ૧૯૦૭માં ‘સ્વદેશી ઉદ્યોગનો સંદેશો’ ગુજરાતભરમાં ફેલાવવાના હેતુએ તેમણે એક બીજું માસિક શરૂ કરેલું, તેમાં તેઓ દેશી કારીગરી, દેશી ઉદ્યોગ, ઔધોગિક સાહસો, ઉદ્યોગી પુરુષોની નરરત્નાવલી, ઉદ્યમભવન, ઉદ્યમસાહસની સિદ્ધાંતમાળા વગેરે વિશે દેશદાઝની ઊંડી લાગણીથી પ્રેરાયેલું ઉપયોગી સાહિત્ય મૂકતા ગયા છે. સંસારસુધારો સ્વ. કેશવલાલના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમનાં લખાણોનો પણ એ જ. મુખ્ય સૂર છે. નાનપણથી જ તેઓ સુધારક વિચારના હતા. અમદાવાદના બાળલગ્નનિષેધક મંડળની સ્થા૫ના તથા સંચાલનમાં સ્વ. કેશવલાલને અગ્રગણ્ય હિસ્સો હતો. સ્વ. કેશવલાલ ધ્રુવની સાથે એ મંડળના તેઓ મંત્રી હતા. આ મંડળના દરેક સભ્યે પોતાના દીકરાને સોળ વર્ષ પહેલાં નહિ પરણાવવાની અને વરકન્યાના વય વચ્ચે પાંચ વર્ષનો તફાવત રાખવાની પ્રતિજ્ઞા લેવી પડતી. આ મંડળ ૫છીથી ‘ગુજરાત હિંદુ સંસારસુધારા સમાજ’ રૂપે ફેરવાઈ ગયું. બાળલગ્નનિષેધ, સ્ત્રીકેળવણી અને નાતવરા- તથા વરઘોડાના ખર્ચ ઘટાડવા અંગે લોકમત કેળવવાનો કાર્યક્રમ એ મંડળ તરફથી યોજાતો. તદનુસાર સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે કેશવલાલે બાળલગ્ન વિશે તા. ૨૬મી મે ૧૮૮૮ના રોજ ભાષણ આપ્યું હતું. સ્વજ્ઞાતિસુધારણા અર્થે પણ તેમણે અનેક પ્રયાસો કર્યા હતા. પોતાના નાનાભાઈ જેઠાલાલને ૧૮૯૨માં વિલાયત બેરિસ્ટર થવા મોકલવાની અને જ્ઞાતિના એકડા બહાર કન્યા આપવાની પહેલ કરીને ખડાયતા જ્ઞાતિમાં સુધારાનો જાતે અમલ કરીને તેમણે અન્યને અનુસરવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો હતો. કન્યાઓને ઉચ્ચ કેળવણી આપવાની અને કુટુંબની પ્રૌઢ સ્ત્રીઓને ઘેર શિક્ષણ આપવાની ગોઠવણ પણ તેમણે કરી હતી. અમદાવાદ શહેરની અનેક સંસ્થાઓ સાથે સ્વ. કેશવલાલ સંકળાયેલા હતા. એમના જમાનામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના જૂનામાં જૂના સભ્ય તરીકે તેઓ માન પામ્યા હતા. ૧૮૮૫થી ૧૯૦૭ સુધી તેઓ મ્યુનિપાલિટીના ઉપપ્રમુખ હતા. સ્કૂલકમિટિના અધ્યક્ષ તરીકે પણ ઘણાં વર્ષ સુધી તેમણે કામ કર્યું હતું. શહેરમાં પાણીના નળ અને ગટર દાખલ કરવામાં કેશવલાલ રા. બ. રણછોડલાલના જમણા હાથરૂપ હતા. ‘ગુજરાત વૈશ્ય સભા’ની સ્થાપના તથા તેના સંચાલનમાં પણ તેમનો મુખ્ય હિસ્સો હતો. ઉપરાંત, ગુજરાત સભા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાસભા, પ્રાણીઓ ઉપર ઘાતકીપણું અટકાવનારી મંડળી, જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ઈત્યાદિ સંસ્થાઓના સક્રિય કાર્યવાહક સભ્ય તરીકે પણ તેમણે અમદાવાદ શહેરની નોંધપાત્ર સેવા બજાવી હતી. દેશની ઉન્નતિ સારુ સ્વદેશી ઉદ્યોગોની ખિલવણીના સ્વ. કેશવલાલ ખાસ હિમાયતી હતા. અમદાવાદમાં એક નવીન ઉદ્યોગ દાખલ કરવાના ઉદ્દેશથી ‘અમદાવાદ મેટલ ફૅક્ટરી’ નામનું એક કારખાનું સને ૧૮૯૩માં તેમણે સ્થાપ્યું. એમાં યંત્રથી તાંબાપિત્તળના વાસણ બનતાં. ૧૮૯૭ સુધી કારખાનાનું કામ ધમધોકાર ચાલ્યું પણ ૧૮૯૮માં મરકી ફાટી નીકળી અને ૧૮૯૯માં દુષ્કાળ પડ્યો, તેની અસર કારખાના પર થઈ. તાંબા-પિત્તળના ભાવ ગગડી જતાં કારખાનું બંધ કરવાની ફરજ પડી. લગભગ ૧૯૦૨ સુધી આ સ્થિતિ રહી. દરમ્યાન, કારખાનું પ્રયોગશાળા બની ગયું. કઈ ધાતુનો ઉદ્યોગ નફાકારક છે એનો ખંતપૂર્વક પ્રયોગ કર્યા પછી તેમણે લોખંડનો ઉદ્યોગ ખિલવવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ‘સ્વદેશી શાળ કંપની’ કાઢી. પણ સંજોગવશાત્ એ કંપનીનું કામ આગળ ચાલી શક્યું નહિ. કંપની આટોપે તે પહેલાં તો સાત જ દિવસની તાવની ટૂંકી બિમારી ભોગવીને કેશવલાલ તા. ૨૬-૧૨-૧૯૦૭ના રોજ અવસાન પામ્યા. મૃત્યુ વખતે તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી; છતાં વીલમાં તેમણે એવી સૂચના કરી હતી કે પિતાની મિલકતની જે કાંઈ ઊપજ આવે તેમાંથી કંપનીના શૅરહોલ્ડરોં પાસેથી વસૂલ કરેલાં નાણાં કાંઈ પણ ખર્ચની રકમ બાદ કર્યા સિવાય પાછાં ભરપાઈ કરી દેવાં. સ્વ. કેશવલાલની સાફ વ્યવહારનીતિ અને પ્રમાણિક્તાનું આ ઉચ્ચ દૃષ્ટાંત છે. તેમના વારસદારોએ એમની આ અંતિમ ઈચ્છા અમલમાં મૂકી હતી.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર કે વિષય *પ્રકાશન-સાલ *પ્રકાશક *મૌલિક કે ભાષાંતર *મૂળનું નામ
૧. કોહ્યડાસંગ્રહ ગણિત-ઉખાણા *૧૮૭૦ (બી. આ. ૧૮૮૮) *યુનિયન પ્રિ. પ્રેસ, અમદાવાદ. *મૌલિક
૨. ટૂંટિયું *કાવ્ય *૧૮૭૨ *યુનિયન પ્રિ. પ્રેસ, અમદાવાદ. *મૌલિક
૩. કજોડા-દુઃખદર્શક નાટક *નાટક *૧૮૭૭? *’બાળલગ્ન નિષેધ પત્રિકા’, અમદાવાદ *મૌલિક
૪. બુદ્ધિ અને રૂઢિની કથા *રૂપકગ્રંથિ(વાર્તા) *૧૮૮૩ *આર્યોદય પ્રેસ, અમદાવાદ *મૌલિક
૫. સ્થાનિક સ્વરાજ *નિબંધ *૧૮૮૩ *ગ્રુ. વિ. સભા, અમદાવાદ. *મૌલિક
૬. અમદાવાદની આરોગ્યતા અંક ૧ *આરોગ્ય વિષયક પત્રિકા *૧૮૮૬ *પોતે *મૌલિક
૭. ‘અપકૃત્યશાસ્ત્ર’ *કાયદો *૧૮૮૮ *પોતે *મૌલિક
૮. ‘ડિસ્ટ્રકટ મ્યુનિસિપલ એકટ’ *કાયદો *૧૮૮૮ *પોતે *મૌલિક
૯. ભોજન વ્યવહાર ત્યાં કન્યાવ્યહવાર *સમાજશાસ્ત્ર *૧૮૯૩ *ગુ. વિ. સભા, અમદાવાદ *મૌલિક
૧૦. હિંદની ઉદ્યોગસ્થિતિ *ઉદ્યોગ *૧૯૦૭ ગુ. વિ. સભા, અમદાવાદ *અંગ્રેજી પરથી ભાષાંતર *Industrial India

આ ઉપરાંત તેમણે ‘વામનલોકમાં પ્રવાસ’ નામની અંગ્રેજી ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ની ઢબે કલ્પિત વાર્તા લખવા માંડી હતી. તેનાં છ પ્રકરણો છપાયેલાં છે. ‘જરદાસની જાન’ નામની અપ્રકટ વાર્તાની જાહેરાત પણ જોવામાં આવે છે. એમના ભત્રીજા શ્રી શંકરલાલ દ્વારકાંદાસને ઉદ્દેશીને તેમણે લખેલા છ બોધકપત્રો વૈશ્યસભાની પત્રિકામાં પ્રગટ થયા હતા. આ સિવાય ‘રામાયણનું બોધકતત્વ’ તથા ‘આત્મારામની સંસારયાત્રા’ નામના બે અધૂરા લેખો પણ જોવા મળે છે. ફાર્બસ સાહેબની સહાયથી દલપતરામે બહાર પાડેલ ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તાઓ’ નામના પુસ્તકમાં કેશવલાલે પણ કેટલીક વાર્તાઓ લખી છે. આ ગ્રંથમાં ફરામજી બમનજી નામના ફારસી ગૃહસ્થે અંગ્રેજી ઢબે વાર્તાઓનું સંયોજન કર્યું છે. એમાં પ્રતીત થતી શુદ્ધ ગુજરાતી ભાષા અને લખનારની વિદ્વત્તા અને રસિકતાનું કારણ સ્વ. ડાહ્યાભાઈ દેરાસરીએ ‘સાઠીના સાહિત્ય’માં એમ કહીને બતાવ્યું છે કે “એમાંની કેટલીક વાતો જાણીતા ગુજરાતી લખનાર સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલની છે.”

અભ્યાસ-સામગ્રી

૧. જુલાઇ, ૧૯૨૦ના ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રકટ થયેલો શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખનો લેખ.
૨. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ‘ઈતિહાસ’ વિભાગ બીજો
૩, ડાહ્યાભાઈ દેરાસરી કૃત ‘સાઠીના સાહિત્યનું દિગદર્શન’
૪. મ. ન. દ્વિવેદી કૃત સુદર્શન ગદ્યાવલિ’ પૃ. ૮૯૫, ૯૧૦

***