ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કેશવલાલ હરિરામ ભટ્ટ

કેશવલાલ હરિરામ ભટ્ટ

‘કેશવકૃતિ’ના કર્તા તરીકે જાણીતા સ્વ. કેશવલાલ હરિરામનો જન્મ વિ. સં.૧૯૦૭માં તેમના વતન મોરબીમાં થયો હતો. પિતાનું નામ હરિરામ વ્રજનાથ અને માતાનું નામ ઝવેરકુંવર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. તેમનાં લગ્ન સં. ૧૯૨૬માં મોંઘીકુંવર વેરે થયાં હતાં. સં.૧૯૪૩માં મોંઘીકુંવરનું અવસાન થતાં સં.૧૯૪૫માં તેઓ ફરી પરણ્યા. તેમનાં બીજાં પત્નીનું નામ મણિકુંવર હતું. તે કેશવલાલના મૃત્યુના થોડા માસ અગાઉ ગુજરી ગયાં હતાં. કેશવલાલભાઈએ આરંભનાં અગિયાર વર્ષ મોરબીમાં કેવળ બાળરમતોમાં જ પસાર કર્યાં હતાં. સં.૧૯૧૮માં તેઓ તેમના મોસાળ પોરબંદરમાં આવ્યા. ત્યાંના વિખ્યાત પંડિત જયકૃષ્ણ વ્યાસ તેમના મામા થાય. અહીં તેમણે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. સં. ૧૯૨૪માં તેઓ મામા શ્રી જયકૃષ્ણ વ્યાસ સાથે મુંબઈ ગયા ત્યારે ‘શ્રીમદ્ ભાગવત’ના અભ્યાસ સુધી પહોંચ્યા હતા. મુંબઈના વિશાળ પ્રદેશના અવલોકન અને જનસંસર્ગથી કેશવલાલભાઈનાં બુદ્ધિ અને હૃદયનો વિકાસ થયો, એટલે તેમનામાં ઊંડું મનન અને નિરીક્ષણ કરવાની શક્તિ ખીલી. એક વર્ષ મુંબઈમાં ગાળીને મોરબી આવ્યા ત્યારે તેમને ગુજરાતીનો અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. સં. ૧૯૨૫માં ૧૮ વર્ષની ઉંમરે કેશવલાલ ગુજરાતી ત્રીજા ધોરણમાં દાખલ થયા. સ્વેચ્છાએ શરૂ કરેલા આ અભ્યાસમાં કેશવલાલે “પોતાની બુદ્ધિનો ખરો ચળકાટ” બતાવ્યો. ચાર જ માસમાં તેમણે ત્રીજા ધોરણથી માંડીને એકાદ બે અંગ્રેજી ધોરણ ઉપરાંત ટ્રેનિંગ કૉલેજના પ્રવેશક સુધીનો અભ્યાસ તૈયાર કરી લીધો! કેશવલાલની ઇચ્છા ટ્રેનિંગ કૉલેજમાં જવાની હતી, પણ પિતાની નામરજી હોવાથી તેમ નહિ કરતાં તેમણે મોરબી મહાલના એક ગામડામાં મહેતાજીની ૧૨ કે ૧૩ રૂપિયાના માસિક દરમાયાની નોકરી સ્વીકારી, પણ તબિયત બગડતાં એક માસમાં જ તે નોકરી તેમને છોડવી પડી. તબિયત સુધર્યા પછી સરકારી નોકરી કરવાનો વિચાર હમેશ માટે માંડી વાળીને કેશવલાલે પુનઃ સંસ્કૃત ભાષા-સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો. તે વખતમાં શીઘ્ર કવિ તરીકે જાણીતા શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરના સહવાસથી બે વર્ષમાં જ કેશવલાલની કવિત્વશક્તિ ઉત્તેજાઈ. એટલામાં માતાપિતાનું અવસાન થતાં કોઈ નિશ્ચિત વ્યવસાય શોધવામાં તેમને ધ્યાન પરોવવું પડ્યું. આ અરસામાં મુંબઈમાં તેમના મામા વૈદરાજ પ્રભુરામ જીવનરામના હાથ નીચે સ્થપાયેલી ‘વેદધર્મસભા’માં એક સારા પ્રમાણિક માણસની જરૂર પડી. સં. ૧૯૨૯માં કેશવલાલને મામાએ એ જગ્યા પર નિયુક્ત કર્યા. કેશવલાલને જીવનકાર્ય મળી ગયું. યશ કે ધનની લાલસા વિના નિઃસ્પૃહપણે જીવનભર-એટલે કે લગભગ ૨૩ વર્ષ સુધી સતત-કેશવલાલે વેદધર્મસભાની ઉન્નતિ માટે એકધારું નિષ્ઠાપૂર્વક કામ કર્યું. વિ.સં. ૧૯૨૬ (ઈ.સ. ૧૮૭૦)ના અરસામાં સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રાચીન સંસ્કારનું ઉચ્છેદન કરવા ઈચ્છતો પાશ્ચાત્ય સુધારો ચૉમેર પોતાનું વર્ચસ્વ પાડી રહ્યો હતો. તે વખતે કેટલાક સ્વધર્મપ્રેમી અને સ્વદેશહિતૈષી સજ્જનોએ તેને ખાળીને પ્રાચીન આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુજ્જીવન સારું પ્રયાસો કર્યા હતા તે હકીકત સુપ્રસિદ્ધ છે. આ પ્રયાસોમાં સ્વામી દયાનંદ સરસ્વતીને ‘આર્યસમાજ’ સૌથી વિશેષ નોંધપાત્ર છે. મુંબઈમાં ‘આર્યસમાજ’ની સ્થાપના થઈ તે પહેલાં થોડાક સ્વધર્માભિમાની ગૃહસ્થોના પ્રયાસથી ‘વેદોક્તશ્રવણ’ નામની એક સભા સ્થપાઈ હતી. તેમાં દર રવિવારે પંડિત જયકૃષ્ણ જીવનરામ વ્યાસ વેદાન્તનું પ્રવચન કરતા. સભા તરફથી, આર્યધર્મનું મહત્ત્વ લોકોમાં પ્રચલિત થાય તે હેતુએ, ‘હૃદયચક્ષુ’ નામે માસિક પત્ર નીકળતું હતું. થોડા વખત પછી સભાને મૂર્તિપૂજા સંબંધે સ્વામી દયાનંદ સાથે મતભેદ પડ્યો. તેથી તેને મળતું પોષણ અનેક રીતે ઓછું થઈ ગયું. આ વખતે કેશવલાલભાઈને મામા વૈદ્યરાજ પ્રભુરામના ઉદાર આશ્રયથી એ સભા ટકી રહી, અને કાયમ દેખરેખ રાખીને સભાની પ્રવૃત્તિઓને બરાબર ચલાવે તેવા નિષ્ઠાવાન માણસ તરીકે કેશવલાલની પસંદગી થઈ સભાનું નામ ‘વેદધર્મસભા’ પડ્યું અને તેનું મુખ્ય પત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ થયું. કેશવલાલ ‘આર્યધર્મપ્રકાશ’ના તંત્રી થયા. વેદધર્મ અને વેદધર્મસભાનો ઉત્કર્ષ એ કેશવલાલભાઈએ ઈશ્વરપ્રીત્યર્થ સ્વીકારેલું કામ હતું. ‘આર્યધર્મપ્રકાશ’માં તેમણે વ્યવહારના અવલોકન અને આધ્યાત્મિક ચિંતનના પરિપાક રૂપે અનેક લેખો લખ્યા હતા. તે ઉપરાંત ‘શ્રીમદ્ ભાગવત’, ‘દેવી ભાગવત, ભગવદ્ ગીતા’, ‘યોગવાસિષ્ઠ’, આદિ સંસ્કૃત ધર્મગ્રંથોનો અનુવાદ પોતે કરીને ‘આર્યધર્મપ્રકાશ’માં હપ્તે હપ્તે છાપતા હતા. શંકરાચાર્યપ્રણીત ‘ચર્પટપંજરિકા’ તથા ‘મણિરત્નમાળા’ ઉપર પોતે ગુજરાતીમાં ટીકા કરીને બન્નેને તેમણે ‘આર્યધર્મપ્રકાશ’માં પ્રકટ કર્યાં હતાં. સ્ત્રીશિક્ષણ અર્થે ‘અનસૂયાભ્યુદય’ ‘ભોગવતીભાગ્યોદય’ ‘સાવિત્રીચરિત્ર’ અને ‘ચંદ્રપ્રભાચરિત્ર’નાં ભાષાંતરો પણ તેમણે કર્યાં હતાં. આ બધાં ભાષાંતરો પાછળથી ગ્રંથાકારે પ્રગટ થયાનું તેમના ચરિત્રકાર સ્વ. પ્રભાશંકર પટ્ટણી કહે છે,[1] પરંતુ તેમાનું એકે અત્યારે પ્રાપ્ય નથી. આમ, ‘વેદધર્મસભા’ તથા ‘આર્યધર્મપ્રકાશ’ દ્વારા કેશવલાલભાઈએ ગુજરાતી સમાજને ધર્મશિક્ષણ આપવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું હતું. પરંતુ તેમની સૌથી મોટી સેવા તો ગુજરાતી સમાજને ઉપર્યુક્ત નિમિત્તે આપેલી કવિતા છે. અર્વાચીન યુગની પ્રથમ પેઢીના ગુજરાતી કવિઓમાં તેમનું સ્થાન છે. ઈશ્વરભક્તિ તેમના વ્યક્તિત્વનો સૌથી આગળ ૫ડતો અંશ છે. તેથી તેમની કવિતાનો પ્રાણ પણ ભક્તિ જ છે. ઈશ્વરપરાયણ દૃષ્ટિએ જગતનું બાહ્ય તેમજ આધ્યાત્મિક અવલોકન કરીને તેમાંથી મળતો અનુભવ ઘણીવાર બોધરૂપે પોતાને તેમજ પોતાના મનુષ્યબંધુને ઉદ્દેશીને તેઓ ગાય છે. કેશવલાલભાઈનાં કાવ્યો મુખ્યત્વે વૈરાગ્ય, ઈશ્વરસ્તુતિ, આધ્યાત્મિકવિચાર, વ્યવહારબોધક અને સ્ત્રીજનોપયોગી એમ પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે. લગભગ ૫૦૦ પાનાંના એમના દળદાર કાવ્યસંગ્રહમાં કવિહૃદયની આર્દ્રતા, સહૃદયતા અને ઉચ્ચગામિતા પ્રતીત થયા વિના રહેતી નથી. “દલપતરીતિની સફાઈ તથા અર્થચાતુર્ય એમનાં કાવ્યોમાં સર્વત્ર જોવા મળે છે.” વર્ણમાધુર્ય અને અર્થસૌન્દર્યનો મેળ તેમની કવિતામાં અનાયાસે સધાયેલો જોવા મળે છે. સાદી અને તળપદી ભાષાનો ઉપયોગ કાવ્યને સચોટ અને સુગ્રાહ્ય બનાવે છે. અર્વાચીન ગુજરાતી કવિતાને સુંદર ૫દસ્વરૂપનાં ભજનો આપનાર ભોળાનાથ સારાભાઈ, હરિ હર્ષદ ધ્રુવ આદિ કવિઓ સાથે કેશવલાલ હરિરામનું સ્થાન નિશ્ચિત છે.

કૃતિઓ

કૃતિ *પ્રકાર *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ
કેશવકૃતિ *કાવ્યસંગ્રહ *૧૯૦૯(બીજી આવૃત્તિ) *પ્રભાશંકર દ. પટ્ટણી *મૌલિક

અભ્યાસ-સામગ્રી

૧. ‘કેશવકૃતિ’નો પુરોલેખ; સ્વ. પ્રભાશંકર પટ્ટણીલિખિત કેશવલાલનું જીવનચરિત્ર. (બીજી આવૃત્તિ)
૨. ‘સુંદરમ્’ : ‘અર્વાચીન કવિતા’, પૃ. ૬૯-૭૦

સંદર્ભ

  1. જુઓ ‘કેશવકૃતિ : (બી. આ.), પુરોલેખ, પૃ. ૨૭

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***