ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ખુશાલરાય સારાભાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ખુશાલરાય સારાભાઈ

અમદાવાદના વતની અને જ્ઞાતિએ સાઠોદરા નાગર એવા આ લેખકની જન્મ તારીખ પ્રાપ્ય નથી. અમદાવાદમાં એમના વખતમાં તાજી સ્થપાયેલી ગુજરાત વિદ્યાસભા (એ વખતની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) એ તે જમાનામાં વિદ્યાબોધનું કાર્ય એક તરફ જેમ શાળાઓ સ્થાપીને કર્યું હતું તેમ બીજી તરફ ઈનામો આપીને, પુસ્તક રચાવીને, સાહિત્ય પ્રત્યે લોકરુચિ કેળવવાનું કામ કર્યું હતું. વિદ્યાસભાની બીજા પ્રકારની પ્રવૃત્તિએ અનેક લેખકોને પોતાના લોકક્સુધારણાના વિચારો પ્રદર્શિત કરવાની તક આપી હતી. ખુશાલરાય સારાભાઈ એમાંના એક હતા. રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસને તેઓ ગુરુ તરીકે માનતા. સર્વેયર તરીકે તેઓ પંચમહાલ જિલ્લામાં નોકરી કરતા હતા. ‘ડાકણ’ વિશે તેમણે ઈનામી નિબંધ લખ્યો હતો. ગોધરાની ડાકણો પ્રસિદ્ધ હોવાનું મનાય છે.[1] તેમણે જાતે ફરીને તપાસ કરીને ગોધરા વિશેની આ માન્યતાનું કારણ શોધી કાઢીને તેના ખુલાસા પ્રસ્તુત નિબંધમાં આપ્યા છે. વહેમી લોકસમાજમાં ડાકણ વિશે પ્રચલિત ભ્રાન્તિ દૂર કરવાનો તેમણે સારો પ્રયત્ન કર્યો છે. પોતાના લેખન પાછળનો સુધારાનો ઉદ્દેશ સમજાવતાં ખુશાલરાય કહે છે કે, ‘ડાક્યણપણું એ પણ એ વહેમની શાખા છે, એવું મારા શુભેચ્છક ગુરુએ (રા. સા. ભોગીલાલભાઈએ) મને કહેલું, તે વચન ઉપર મને સંપૂર્ણ આસ્તા હતી; માટે મેં હિંમત રાખીને તપાસ કરવા માંડ્યો. ત્યારે તો જૂઠું ચાલ્યું છે, એમ માલૂમ પડવા માંડ્યું. તેથી અધિક શોધ કરવા મને હિંમત વધી, ને શોધ કરતાં મારા ગુરુએ કહેલું તે પ્રમાણે મારી ખાતરી થઈ, ત્યારે મારા મનમાં ઘણી દયા ઉત્પન્ન થઈ કે, અરેરે ! બિચારી નિરઅપરાધી સ્ત્રિયોને માથે નાદાન લોકોએ પ્રાચીન કાળથી કેવો અઘટિત દોષ લાગુ કર્યો છે, ને તેથી તેમને તથા બીજા લોકોને કેટલું બધું દુ:ખ છે? ને તે દુ:ખ દુર કરવા મારી શક્તિ તો પહોંચી નથી; પણ જેવું હું સમજ્યો તેવું ઘણા લોકોના સમજ્યામાં આવે તો, એ વહેમ ધીરે ધીરે કમી થતો જાય ને આગળ ઊપર કોઈ વખતે પણ એ દુઃખ દૂર થાય ને મારા સ્વદેશિયોને સુધારો થાય એમ સમજીને જેવું મને માલુમ પડેલું તેવું આ ગ્રંથ દ્વારે વિદિત કર્યું છે.”[2] કવિ દલપતરામના ‘ભૂતનિબંધ’ જેટલો આ નિબંધ પ્રખ્યાત થયો નથી, છતાં ગુજરાતી હિંદુ સમાજમાંથી દંભને વહેમનો પ્રતીકાર કરનારા શરૂઆતના સુધારકોમાં આ લેખકનું નામ ગણના પામે તેવી એના લખાણની ગુણવત્તા છે.

કૃતિ

૧.ડાક્યણ વિશે નિબંધ *નિબંધ *૧૮૫૪ *ગુ. વિ. સ. અમદાવાદ

અભ્યાસ-સામગ્રી

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ, વિ. ૧, પૃ. ૬૧-૬૩.

સંદર્ભ

  1. ગુ. વ. સો.નો ઇતિહાસ, વિ. ૧. પૃ. ૬૩,
  2. ‘ડાક્યણ વિશે નિબંધ’ પૃ. ૪૬

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***