ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ચિમનલાલ મગનલાલ ડૉક્ટર

ચિમનલાલ મગનલાલ ડૉક્ટર

શ્રી. ચિમનલાલ ડૉકટરનો જન્મ તેમના મૂળ વતન વડોદરામાં તા.૨૪-૧૦-૧૮૮૪ના રોજ વણિક જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ મગનલાલ નરોત્તમદાસ અને માતાનું નામ જમનાબહેન. તેમનું પ્રથમ લગ્ન ઈ.સ. ૧૯૦૨માં શ્રી. મણિગૌરી સાથે થયું હતું. શ્રી. મણિગૌરીનો સ્વર્ગવાસ થતાં તેમનું બીજું લગ્ન શ્રી. ગુણવંતગૌરી સાથે થયેલું છે. એમની અભ્યાસકારર્કિદી જ્વલંત હતી. તેમણે એમ. એ. એલ એલ. બી.ની ઉપાધિ ઊંચા દરજ્જે પાસ થઈ મેળવી છે. તેઓ બી.એ. થયા ત્યાં સુધીમાં તે સરકારી ગુણ-શિષ્યવૃત્તિ, કાઝી શાહબુદ્દીન મેમોરિયલ શિષ્યવૃત્તિ, દી. બ. અંબાલાલ દેસાઈ મેમોરિયલ પારિતોષિક, કે. ટી. તેલંગ ચંદ્રક અને પારિતોષિક જેવાં વિજય-પ્રતીકો પ્રાપ્ત કરવાને તેઓ ભાગ્યશાળી બન્યા હતા. એમ. એ.માં યુનિવર્સિટીમાં સૌપ્રથમ આવવા બદલ ચાન્સેલર ચંદ્રક મેળવીને વિદ્યાર્થી તરીકે તેમણે વિરલ માન પ્રાપ્ત કર્યું છે. ઈ.સ. ૧૯૦૭માં અભ્યાસ પૂરો કરી તેઓ ન્યાયાધીશ થયા. ઈ.સ. ૧૯૨૨ સુધી વડોદરાના ન્યાયાધીશ તરીકે તેમણે કામ બજાવ્યું. ઈ.સ. ૧૯૨૩માં વડોદરામાં ‘નવગુજરાત’ સાપ્તાહિકની સ્થાપના કરીને તેના તંત્રી તરીકે તેમણે સૌપ્રથમ પોતાની લેખિનીનો ૫રિચય કરાવ્યો. ત્યાં નિયમિત લખવાની જવાબદારીને લીધે, કૉલેજજીવન તેમજ રાજ્યની નોકરીના કાળ દરમિયાન અંગ્રેજી વર્તમાનપત્રો અને સામયિકોમાં કેટલીકવાર અવારનવાર જે લખાણ તેમણે કરેલું, તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. એ કાળના ગાળામાં ઈ.સ. ૧૯૧૬માં ‘વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર’ તેમણે લખેલું, અને પત્રકાર થયા પછી તેમણે એક પછી એક અભ્યાસશીલ પુસ્તકો પ્રકટ કરવા માંડ્યાં. શ્રી. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના જીવન તેમજ વિચારોએ, લોકમાન્ય ટિળક અને ગાંધીજીના રાજકીય આદર્શોએ તથા રાજકારણની પ્રવૃત્તિઓએ, રોટરી ક્લબના અને થીઓસૉફીના સંસ્કાર-કાર્યે, શ્રી. અરવિંદનાં નૂતન યોગવિષયક પુસ્તકોએ અને છેલ્લે છેલ્લે કૈલાસ (હિમાલય) નજીક આવેલા નારાયણ આશ્રમવાળા નારાયણ સ્વામીએ અંગત સંપર્ક દ્વારા તેમના માનસને ઘડ્યું છે. ગીતા અને ન્યુ ટેસ્ટામેન્ટની અસર તેમના ઉપર જીવનભર સૌથી વિશેષ રહી છે. એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. ‘દેશોન્નતિ માટે જનસેવા-પ્રભુસેવા’ હિંદમાં રામરાજ્ય સ્થપાય અને અંતિમ ઘડીએ પ્રભુના પરમતત્ત્વમાં તેમનો આત્મા વિલીન બને એ એમની ઇચ્છા છે. તે ઈચ્છાને મૂળમાં નિર્ધારીને ‘નવગુજરાત’ પત્ર તેમણે પ્રકટ કર્યું, અને ત્યારથી સતત ૨૧ વર્ષો સુધી પત્રકાર તરીકે ગુજરાતની યથાશક્તિ સેવા બજાવવા પ્રયત્ન કર્યો. એમના પ્રિય લેખકો શંકર, ટિળક, ગાંધી, એની બિસંટ, અરવિંદ, અને જ્ઞાનેશ્વર છે. એમને ઈતિહાસ અને રાજકારણ વિશે લખવું ગમે છે. તેમના અભ્યાસવિષય તત્ત્વજ્ઞાન, રાજબંધારણ અને અર્થશાસ્ત્ર છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. વડોદરા રાજ્યનો નાના દાવા સંબંધી નિબંધ (સટીક) *નિબંધ *૧૯૨૫, *૧૯૨૫ *પોતે *અંગ્રેજી ટીકાઓના આધારે
૨. અમેરિકાનાં સંયુક્ત રાજ્યો *ઇતિહાસ *૧૯૨૮ *૧૯૩૨ *શ્રી. સયાજી સાહિત્ય માળા, ભાષાંતર શાખા, વડોદરા *મૌલિક
૩. કેનેડાનું જવાબદાર રાજતંત્ર *ઇતિહાસ *૧૯૨૮ *૧૯૩૩ *શ્રી. સયાજી સાહિત્ય માળા, ભાષાંતર શાખા, વડોદરા *મૌલિક
૪. સિદ્ધપુર ભૌગોલિક ઇતિહાસ *? *૧૯૩૫ શ્રી. સયાજી બાલજ્ઞાનમાળા ભાષાંતરશાખા, વડોદરા *મૌલિક
૫. હીરક વડોદરા *પ્રાસંગિક ઈતિહાસ *૧૯૩૫ *૧૯૩૬ *પોતે *સંપાદન
૬. ભારતીય સમાજશાસ્ત્ર *સમાજશાસ્ત્ર *૧૯૩૬ *૧૯૩૮ *શ્રી. સયાજી સાહિત્ય માળા, વડોદરા *મૌલિક
૭. ભારતીય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર *૧૯૩૭-૧૯૩૮ *૧૯૩૯ *ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *મૌલિક
૮. હિંદુસ્તાનને રાજકારભાર *બંધારણ *૧૯૩૭ *૧૯૪૦ *પોતે *મૌલિક
૯. મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવન ચરિત્ર ભા.૧-૨ *૧૯૪૧-૧૯૪૨ *૧૯૪૩ શ્રી સયાજી સાહિત્ય માલા, ભાષાંતરશાખા, વડોદરા *મૌલિક

અભ્યાસ-સામગ્રી

‘પુસ્તકાલય’ (૧૯૪૩-૪૪)માં ચીફ જસ્ટીસ ઝાલાએ તેમની કૃતિ ‘મહારાજ સયાજીરાવ ત્રીજાનું જીવન ચરિત્ર ભા. ૧-૨’ -ઉપર વિસ્તારથી અવલોકન કર્યું છે. ઉપરાંત તેમની કૃતિઓ માટે જુદાં જુદાં ગ્રંથસ્થ વાઙ્મયો જોવાં.

***