ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ચુનીલાસ કાળિદાસ મડિયા
પોતાના પ્રથમ ગ્રંથ ‘ઘૂઘવતાં પૂર’ને પ્રકટ કરતાંની સાથે જ ગુજરાતના સાંપ્રત વાર્તાલેખકોમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર આ લેખકનો જન્મ ઈ.સ. ૧૯૨૨ની ૧૨મી ઑગસ્ટે સૌરાષ્ટ્રમાં આવેલા તેમના મૂળ વતન ધોરાજીમાં થયેલો. તેઓ જ્ઞાતિએ દશા શ્રીમાળી જૈન વણિક છે. તેમના પિતાનું નામ કાલિદાસ જાદવજી અને માતાનું નામ કસુંબા ઉર્ફે પ્રાણકુંવર છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ધોરાજીમાં લીધેલું; માધ્યમિક પણ ત્યાંની જ શ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલમાં મેળવેલું. ઈ.સ. ૧૯૩૯માં મેટ્રિક પાસ થઈ તેઓ અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સમાં દાખલ થયા. અને ઈ.સ. ૧૯૪૫ માં બી.કોમ.ની ઉપાધિ તેમણે મેળવી. ત્યારબાદ તરત જ ‘જન્મભૂમિ’ના તંત્રીમંડળમાં તેઓ જોડાયા અને હાલ ‘નૂતન ગુજરાત’ દૈનિક પત્રના તંત્રીવિભાગમાં તેઓ કામ કરી રહ્યા છે. હાઈસ્કૂલમાં મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા, ત્યારે જ તેમના ગુજરાતીના શિક્ષક શ્રી. જન્મશંકર દોલતરાય મારૂએ સહુપ્રથમ સાહિત્યરસ અને ટૂંકી વાર્તાની મોહની તેમને લગાડી. અમદાવાદ કૉલેજમાં આવતાં શ્રી. ઉમાશંકર જોષીના ગાઢ સંપર્કમાં આવ્યા. શ્રી. બચુભાઈ રાવતે તેમને વાર્તાઓ લખવા ઢંઢોળ્યા. કૉલેજના આચાર્ય શ્રી. સુરેન્દ્ર દેસાઈએ પણ તેમની વાર્તાલેખનની પ્રવૃત્તિમાં ઊંડો રસ લીધો. ઈ.સ. ૧૯૩૯માં તેમણે કૉલેજ મેગેઝીનમાં પ્રકટ કરેલી મદ્યપાન અને ખેડૂત કામદારના જીવનને લગતી ‘સોનાજી’ નામની વાર્તાથી સાહિત્યજીવનની શરૂઆત કરી. ઈ.સ. ૧૯૪૧માં ઈન્ટરની પરીક્ષામાં નપાસ થતાં ભણતર પ્રત્યે તેમને કંટાળો ઉપજ્યો અને ગામડાંના અને શ્રમજીવીઓના અનુભવોને ગૂંથતી વાર્તાઓ રચવાના અખતરા કર્યા. મિત્રોને મુરબ્બીઓ તરફથી તેમને અવારનવાર પ્રોત્સાહન મળતું રહ્યું. અભ્યાસકાળ દરમિયાન જ ટૂંકી વાર્તાઓનું વાચન તેમણે વિશાળ કર્યું અને ‘કૌતુકમાળા’ને ‘ટચુકડી સો વાતો’થી માંડીને ‘શ્રાવણી મેળો’ જેવી સુંદર વાર્તાઓની ભાષા અને કળાની અસર તેમની આલેખનરીતિ તેમજ કલ્પનાવ્યાપાર ઉપર થઈ. એ સર્વ પ્રેરક બળોને કારણે ‘કમાઉ દીકરો’ જેવી શ્રેષ્ઠ વાર્તા તેઓ આપી શક્યા. લેખકના જીવનનો મુખ્ય ઉદ્દેશ વિશાળ માનવજીવન જોવા જાણવા અને માણવાનો છેઃ એ માણેલા અનુભવોને શબ્દદેહ આપી પોતાનો ઉદ્દેશ સિદ્ધ કરવાની નેમ તેઓ રાખે છે. એમના પ્રિય લેખકો ઈબ્સન અને ચેખોવ છે. બંનેમાં રહેલી કટુતામુક્ત નિર્દંશ માનવતા તેમને ગમી ગઈ છે. નોબેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત અંગ્રેજ નાટ્યકાર યૂજિન ઓ’નિલ કૃત ‘મોર્નીંગ બીકમ્સ ઇલેકટ્રા’ની નાટ્યત્રયી તેમનો પ્રિય ગ્રંથ બનેલ છે. તેવી જ રીતે વિવિધ વિષયો ઉપર અખબારી નોંધો લખવાનો એમને શોખ છે. પત્રકારિત્વ એમના લેખનકાર્યને સારો વેગ આપે છે. એ પ્રવૃત્તિના પરિણામે જીવાતા જીવન સાથે ગાઢ સંપર્ક તેઓ રાખી શકે છે; એટલુંજ નહિ, સામાજિક જાગરુકતા પણ તે દ્વારા જાળવી શકાય છે, એમ તેમનું માનવું છે. સમાજશાસ્ત્ર અને પત્રકારિત્વ તેમના પ્રિય અભ્યાસવિષયો છે. ઈ.સ. ૧૯૪૭થી મુંબઈ લેખક-મિલનના મંત્રી તરીકે તેઓ કામ કરે છે. એમની વાર્તાઓ મુખ્યત્વે ગ્રામજીવનનાં વિવિધ પાસાઓને નિરૂપે છે. ગ્રામજનતા, પશુપંખી અને કુદરતનાં સ્વભાવ, લાગણી, વર્તનનાં ચિત્રો ગામડાની સમર્થ અને ઉચિત બોલીમાં નિરૂપી ધરતીનું નક્કર વાતાવરણ તેઓ ઉપસાવે છે અને તે દ્વારા એ ભોળી, અબુધ, વહેમી અને પ્રેમાળ પ્રજાના જીવનમાં રહેલાં ઊંડાં અણદીઠ રહસ્યો તારવી બતાવે છે. છતાં એક વાત નોંધવી પડશે કે એમની જીવનદૃષ્ટિ મનુષ્યના સ્વભાવમાં જડાયેલી જાતીય વૃત્તિના વિવિધ વળાંકો ઉપર જ સતત મંડાયેલી હોય એમ એમને કૃતિઓ વાંચતાં જણાય છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. ઘૂઘવતાં પૂર *વાર્તાસંગ્રહ *૧૯૪૧થી ૧૯૪૪ *૧૯૪૫ *એન. એમ. ત્રિપાઠી, મુંબઈ *મૌલિક
૨. પાવક જવાલા *નવલકથા *૧૯૪૨’-૪૩ *૧૯૪૫ *ભારતી સા. સંઘ એન. એમ. ત્રિપાઠી, મુંબઈ *મૌલિક
૩. ગામડું બોલે છે *વાર્તાઓ, પ્રસંગચિત્રો, વ્યક્તિચિત્રો *૧૯૪૧થી ૧૯૪૫ *૧૯૪૫ * સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ *મૌલિક
૪. વ્યાજનો વારસ *નવલકથા *૧૯૪૬ *૧૯૪૬ *જીવન સાહિત્ય મંદિર, મુંબઈ *મૌલિક
૫. પદ્મજા *વાર્તાસંગ્રહ *૧૯૪૫થી ૧૯૪૭ *૧૯૪૭ *જીવન સાહિત્ય મંદિર, મુંબઈ *મૌલિક
૬. જય ગિરનાર *પ્રવાસવર્ણન *૧૯૪૧ *૧૯૪૮ *એન. એમ. ત્રિપાઠીની કું. મુંબઈ *મૌલિક
૭. હું ને મારી વહુ *ત્રિઅંકી નાટક *૧૯૪૮ *૧૯૪૯ *એન. એમ. ત્રિપાઠીની કું. મુંબઈ *મૌલિક
અભ્યાસ-સામગ્રી
‘ઘૂઘવતાં પૂર’ માટે,-૧. આમુખ (શ્રી. ૨. છો. પરીખ) ૨. ‘પ્રજાબંધુ’ (તા. ૨૩-૭-૪૫) ૩. ‘માનસી’ (જૂન ૧૯૪૮) ૪. ‘૧૯૪૫’નું ગ્રંથસ્થ વાઙ્મય ૫. ‘કુમાર’ ૨૦૦ મો અંક, ૬. ‘ગુ. સા. પરિષદ પત્રિકા, (જુલાઈ, ઑગ. ૧૯૪૬) ૭. ‘ફૂલછાબ’ (૧૪-૯-૪૫) ૮. ‘ઊર્મિ’ (ઓકટોબર ‘૪૫) ૯. Bharat Jyoti (૨૨-૭-૪૫) ૧૦. મેઘાણીના પત્રો.
‘પાવક જવાળા’ માટે-૧. ‘પ્રજાબંધુ’ (૧-૯-૪૬) ૨. ‘પ્રતિમા’ (જૂન ૧૯૪૬) ૩. ૧૯૪૫નું ગ્રંથસ્થ વાઙ્મય.
‘ગામડું બોલે છે’ માટે-૧. ‘પ્રજાબંધુ’ (૨૩-૧૨-૪૫)
‘વ્યાજનો વારસ’ માટે–૧. ‘સંસ્કૃતિ’ (જુલાઈ ‘૪૭) ૨. ‘પ્રજાબંધુ’ (૯-૩-૪૭) ૩. ‘પ્રવાસી’માં પ્રૉ. બ. ક. ઠા. નું અવલોકન (૪-૫-૪૭) ૪. ‘પ્રતિમા’ (જૂન ‘૪૭), ૫ ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૪૬)
‘પદ્મજા’ માટે-૧. ‘માનસી’ (જૂન ‘૪૮), ૨. ‘પ્રજાબંધુ’ (૨૬-૧૨-૪૮), ૩. ‘રેખા’ (જૂન ૧૯૪૯) ૪, ‘ગુજરાતી’ (૨૩-૧૧-૪૭) ૫. Bharat Jyoti (૫-૧૨-૪૮)
***