ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/દુર્ગારામ મંછારામ દવે
નવીન શિક્ષણના પ્રકાશમાં ગુજરાત ખાતે સુધારા–પ્રવૃત્તિની પહેલ કરનાર દુર્ગારામ મહેતાજીનો જન્મ ઈ.સ. ૧૮૦૮ના ડિસેંબરની ૨૫મી તારીખે તેમના વતન સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ મંછારામ અને માતાનું નામ નાનીગવરી હતું. જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ. મંછારામ દવે જકાત ઉઘરાવવાનો ઈજારો ધરાવતા હતા. આઠ વરસની ઉંમરે દુર્ગારામ વીસા સુધીના આંક શીખ્યા; પછી તે એક પેઢી પર નામું શીખવા રહ્યા. બાર વરસની વયે એ જ પેઢીમાં મામુલી પગારથી દુર્ગારામ મુનીમ તરીકે રહ્યા. પણ તેમના ઉમંગી અને સાહસિક મનને વાણોતરીમાં ચેન પડતું નહિ. જ્યાંથી મળે ત્યાંથી પુસ્તકો વાંચીને કિશોર દુર્ગારામ પોતાની જ્ઞાન-તૃષા સંતાષવાનો પ્રયત્ન કરતા હતા. માતા નોકરી લીધા પહેલાં એકાદ વરસે મૃત્યુ પામી હતી. માસી રેવાકુંવર દુર્ગારામની સંભાળ રાખતાં હતાં. ચારેક વરસ અણગમતી નોકરીનું વૈતરું ખેચ્યા પછી તેઓ માસીને લઈને મુંબઈ ગયા. એ જ વરસે પિતા મૃત્યુ પામ્યા. માસીએ એક શાહુકારને ત્યાં મૂકેલી થાપણ પેઢી ડૂબતાં ડૂબી તેથી દુર્ગારામને ગુજરાનની મુશ્કેલી ઊભી થઈ. મુંબઈમાં પૂછપરછ કરતાં તેમને ખબર મળી કે સરકારી નિશાળમાં મફત ભણાવે છે. માસીના પ્રોત્સાહનથી દુર્ગારામે ત્યાં દોઢેક વરસ રહીને અભ્યાસ કર્યો ને ગુજરાતી નિશાળના શિક્ષકની યોગ્યતા મેળવી. પછી એ સુરત આવ્યા અને ૧૮૨૬ના સપ્ટેંબરની ૧૩મી તારીખે હરિપરામાં નિશાળ કાઢીને ‘મહેતાજી’ થયા. ૧૮૩૧માં તેમનાં લગ્ન કુંદનગૌરી સાથે થયાં. ૧૮૩૮માં કુંદનગૌરી મૃત્યુ પામતાં મહેતાજી વિધુર થયા. ૧૮૪૦માં સરકારી નિશાળોના મહેતાજીઓને મુંબઈ બોલાવી પરીક્ષા લેવામાં આવી. દુર્ગારામ તેમાં શ્રેષ્ઠ ઠર્યા. ગણિતમાં પહેલે નંબરે પાસે થઈને તેમણે સાતસો રૂપિયાનું ઈનામ લીધું. ત્રણ ચાર વરસ ઓલપાડમાં બદલી થઈ હતી તે ગાળો બાદ કરતાં, છેક ૧૮૫૨માં તેમની બદલી રાજકોટ થઈ ત્યાં સુધી, બધો વખત દુર્ગારામ સુરતમાં રહ્યા હતા. શિક્ષક તરીકે દુર્ગારામ મહેતાજી સુરતમાં સારી પ્રતિષ્ઠા પામ્યા હતા. ‘દુર્ગારામનો કોઈ નિશાળિયો મૂર્ખ નહિ ને પ્રાણશંકરનો ભાગ્યહીન નહિ’ એવી કહેવત સુરતમાં એ વખતે પ્રચલિત હતી. વિચક્ષણ બુદ્ધિના દુર્ગારામ નવીન વિજ્ઞાનના સિદ્ધાંતોને માનતા હતા. તેઓ ખગેળવિદ્યા વિદ્યાર્થીઓને બરોબર સમજણ પાડીને શીખવતા ત્યારે પ્રાણશંકર વિદ્યાર્થીઓને કહેતાઃ ‘સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે ને ફરે છે, પણ તે તમે માનશો નહિ, કેમકે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આ૫ણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.’ દુર્ગારામનું નિશાળના મહેતાજીના કરતાં વધુ મહત્ત્વનું કામ સમાજસુધારા અને ધર્મવિચારણાનું છે. તેમણે ઉચ્ચનીચના ભેદ, ફરજિયાત વૈધવ્ય, ભૂતપ્રેત જાદુમંતર આદિના વહેમ, અંધશ્રદ્ધા અને મૂર્તિપૂજા જેવી રૂઢિઓ અને માન્યતાઓ સામે પોતાની સૂઝી તેવી સ્વતંત્ર બુદ્ધિ-પ્રમાણિત વિચારશ્રેણી પ્રચલિત કરવાનો ઠીક પુરુષાર્થ કર્યો છે. લોકનિંદાથી ડર્યા વિના, વિધુર થયેલા દુર્ગારામે ‘વિચારવંત ગંભીર પુરુષો પણ તેના દલીલ દાખલાથી માત થઈ શંકામાં પડે.’ એવી સમર્થ રીતે સુરતમાં ઠેરઠેર વિધવાવિવાહના ક્રાન્તિકારક સુધારાનો પ્રચાર કર્યો હતો. તેઓ જાતે મથુરી નામની ડુંગરપુરી વિધવાને પરણવા તૈયાર થયા હતા; પણ કેટલાક વિચક્ષણ નાગરોના પ્રયાસથી, તેમનો એક જ્ઞાતિજન તેમને પોતાની કુંવારી કન્યા આપવા આગળ આવ્યો એટલે દુર્ગારામે તેને પરણીને વિધવાવિવાહનો પ્રચાર કરવો હંમેશને માટે છોડી દીધો. ૧૮૪૪ના નવેંબરમાં મહેતાજીએ જાદુમંતર ઉપર આક્રમણ કરતું ચેપાનિયું પ્રગટ કરીને ભૂવાઓને જાદુમંતર સાચા ઠરાવવા આહ્વાન ફેંક્યું હતું. એક વજેરામ નામના ભૂવાએ થોડો વખત દમદાટી અજમાવી જોઈ પણ છેવટે મહેતાજીની જીત થઈ. ૧૮૪૨માં સુરતમાં અંગ્રેજી નિશાળ સ્થપાઈ. તેના મુખ્ય શિક્ષક દાદોબા પાંડુરંગ જોડે દુર્ગારામને મિત્રતા બંધાઈ. પાંચ દદ્દાની ટોળીએ મુંબઈથી શિલાછાપ યંત્ર મંગાવીને સુરતમાં સૌથી પહેલું છાપખાનું કાઢ્યું અને પુસ્તક પ્રસારક મંડળી સ્થાપી. તા. ૨૨ જૂન ૧૮૪૪ના રોજ એ જ મંડળીએ ‘માનવધર્મ સભા’ સ્થાપી. એ સભા સ્થાપવાનું પ્રયોજન ‘અજ્ઞાનને લીધે લોકોની બુદ્ધિ બગડી ગયેલી હોવાથી તેમને સત્યધર્મનું સ્વરૂ૫ બતાવવું’ એવું હતું. ‘અહીંઆ માણસને જીવતે છતે મોક્ષ મળે છે, ને જે કોઈ મૂઆ પછી મોક્ષની આશા બતાવે છે તેના વાયદા ઉપર ભરોસો નથી.’ એમ કહીને દુર્ગારામ લોકોને મા.ઘ. સભામાં બોલાવતા. દુર્ગારામએ સભાના દફતરદાર હતા. દર શનિવારે નાણાવટમાં નવલશાના કોઠામાં સભા મળતી. તેમાં પહેલાં દુર્ગારામ પ્રવચન કરતા, ને પછી સવાલજવાબ થતા. દરેક સભાના કાર્યનો હેવાલ દુર્ગારામ પોતાની રોજનીશીમાં ટપકાવતા હતા. મા. ધ. સભાના કાર્ય વિશે તે વખતે કેટલાક અજ્ઞાની હિન્દુઓને એવો સંદેહ હતો કે ‘એ મંડળીવાળા લોકોનો અંગ્રેજનો ધર્મ વધારવાનો વિચાર છે.’ ખ્રિસ્તી ધર્મની અસરથી હિન્દુ ધર્મનાં છિદ્ર ઉઘાડાં થયાં હતાં, તેથી દુર્ગારામને સ્વધર્મનો ત્યાગ કરવો નહોતો પણ તેને સુધારવો હતો. આથી જ ‘બામણિયા ધરમ’ની ટીકા કરનાર દાદોબાના દૃષ્ટિબિન્દુને આશ્ચર્યચકિત શિક્ષકો સમક્ષ સમજાવતાં દુર્ગારામે કહ્યું હતું. ‘તમે એમ ન સમજશો કે કોઈ બીજા અભિમાની ધરમમાં જવું એ મારું મત છે, પણ એટલું તો ખરું કે આપણા ધરમની સ્થિતિ બદલવી જોઈએ.’ દુર્ગારામે આ ધર્મ-સુધારણાનું કાર્ય કોઈ પણ પરંપરાને અનુસર્યા વગર, સ્વતંત્ર બુદ્ધિએ વિચાર કરીને કર્યું હતું. તેમણે પોતાના ધર્મને માનવ ધર્મ કહ્યો છે. ‘મનુષ્ય જાતિનું એક કુટુંબ છે.’ ‘માણસ માત્ર ઉપર પ્રીતિ રાખો’, ‘સર્વ ધર્મના સાક્ષી થઈ વર્તો.’ ‘જ્ઞાતિભેદ જૂઠો છે અને હરકોઈ માણસનું પાણી પીવામાં ને રાંધેલું ખાવામાં વટાળ નથી તથા કોઈને અડકવાથી અભડાતા નથી’ એ તેમનાં મુખ્ય ઉપદેશવચનો છે. કર્મકાંડ, મૂર્તિપૂજા, અવતાર અને જડવાદના તેઓ કટ્ટર વિરોધી હતાં. જીવ, જગત અને બ્રહ્મ વિશેનો તેમનો તત્ત્વસિદ્ધાંત ઘણે અંશે શંકરાચાર્યના કેવલાદ્વૈતને અનુસરે છે. સને ૧૮૫૨માં દુર્ગારામની બદલી સુરતથી રાજકેટ સબ-ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે થઈ એટલે માનવ ધર્મ સભા વિખેરાઈ ગઈ. દુર્ગારામે સૌરાષ્ટ્રમાં પણ શિક્ષણકાર્ય ઉપરાંત જ્ઞાન અને સુધારાનો બોધ આપીને ખ્યાતિ મેળવી હતી. ચાર વર્ષ પછી સૌરાષ્ટ્રના કેળવણી ખાતાના ઇન્સ્પેકટર તરીકે તેમની નિમણુંક થઈ. ઈ.સ. ૧૮૬૦માં તેઓ સાડીસાડત્રીસ રૂપિયાનું નિવૃત્તિ-વિતન લઈને સુરત આવ્યા. નિવૃત્તિ-કાળ દરમિયાન તેઓ સુરતમાં ન્યાય કચેરીના એસેસર તરીકે, સુધરાઈના સભ્ય તરીકે ને અનેક ઝઘડાઓમાં લવાદ તરીકે કામ કરીને સમાજસેવા કરતા હતા. વિલાયત જઈ આવેલા મહીપતરામને તેમણે ઘેર જમવા તેડાવ્યા હતા તેને લીધે તેમના કુટુંબને બાર વરસ ન્યાત બહાર રહેવું પડ્યું હતું, પણ તેથી દુર્ગારામ હિંમત હાર્યા નહોતા. વળી પ્રજાનો અવાજ પૂરતા વજન સાથે સરકારને સંભળાવવા માટે તેમણે “સુરત પ્રજા સમાજ" નામની મંડળીની સ્થાપના કરાવી હતી. તેનું દફતર પણ દુર્ગારામ રાખતા હતા. સૂરતના અઠવાડિક પત્ર ‘ગુજરાતમિત્ર’માં છેલ્લાં વર્ષોમાં તેઓ નિયમિત લેખ લખતા હતા. નરસિંહરાવે તેમને ‘રસિકતાના અમીઝરણા વિનાની શુષ્ક ભૂમિમાનું ઘાસ ચરનાર પ્રાણીનો આભાસ ઉત્પન્ન કરનાર’ તરીકે વર્ણવ્યા છે. પણ દુર્ગારામ છેક શુષ્ક નહોતા. સંગીતશાસ્ત્રનો તેમને ઘણો શોખ હતો. ૧૮૭૬માં મંદવાડ વધ્યો તે પછી તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો ને ત્રણેક દિવસમાં દેહ છોડ્યો હતો. દુર્ગારામની દૃષ્ટિ પોતાના જમાનાથી કેટલી આગળ વધેલી અને ક્રાન્તિકારી હતી અને તેમની બુદ્ધિ એ જમાનાના વિદ્વાન ગણાતા લોકોના કરતાં પણ કેટલી વિચક્ષણ હતી તે તેમણે કરેલી મા. થ. સભાના કાર્યની નોંધ પરથી સ્પષ્ટ સમજાય છે. રાજા-પ્રજાનો સંબંધ કેવો હોવો જોઈએ તે વિશે દુર્ગારામ કહે છેઃ “સાંભળો રાજાનું રાજ્ય પ્રજાના કલ્યાણને અર્થે છે. પણ તેમ ન કરે ને ઉલટી પ્રજાને પીડા કરે, દરિદ્રી કરે, એક દેશની પ્રજા ઉપર કૃપા રાખીને તેને ધનવાન થવાનોને ઉદ્યોગ કરે, ને બીજા દેશની પ્રજાને નિર્ધન કરવા ઈચ્છે તો, તેવા રાજાના સામું લડીને ધર્મબુદ્ધિના ચાલનાર રાજાને રાજ્ય સોંપવું જોઈએ. હમારું બોલવું કેવળ અંગ્રેજોને જ વાસ્તે નથી, પૃથ્વી ઉપરના સર્વ રાજાઓને વાસ્તે છે.... ને જો રાજા પોતે જ પ્રજાને દુઃખ કરવા ઈચ્છે તો પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી." [1] દુર્ગારામના આ શબ્દોથી મિતવાદી મહીપતરામ આઘાત અનુભવે છે અને કહે છે કે એ ભાષણ ઈ.સ. ૧૮૪૪ ને બદલે ઈ.સ. ૧૮૭૮માં દાદુબાએ અને દુર્ગારામે કર્યું હોત તો તેમને તેમના જીવતરનો બાકીનો ભાગ કાળે પાણીએ ચડી આન્દામાન બેટમાં કાઢવો પડત!x એક પરપ્રાન્તીય શાસ્ત્રી સાથે પોતે કરેલી ચર્ચાની નોંધ દુર્ગારામની બુદ્ધિની વિચક્ષણતાનો સુંદર દાખલો પૂરો પાડે છે : “વળી મેં પૂછયું કે સંસ્કૃત અને પ્રાકૃત એ ભાષામાં શું શું અંતર છે? ઉત્તર કે સંસ્કૃત ભાષા સર્વે પૃથ્વીમાં પસિદ્ધ છે અને સ્વર્ગ મૃત્યુ પાતાળમાં એ એક જ છે. મેં કહ્યું મૃત્યુ લોકમાં તો શતાંશ સ્થળમાં પણ એ ભાષા નથી પછી સ્વર્ગમાં તો કોણ જાણે, તે સાંભળીને તે વિસ્મય થયો અને તેનું કાંઈક અભિમાન ઓછું થયું એવું મને લાગ્યું”[2] ઈ.સ. ૧૮૪૩ના જાન્યુઆરિની ૨૭મી તારીખથી દુર્ગારામે પોતાની જાહેર પ્રવૃત્તિઓની દૈનંદિની નોંધ લેવી શરૂ કરી હતી. આમ કરવા પાછળ આત્મનિરીક્ષણ કરતાં પરો૫કારનો હેતુ વિશેષ હતો એમ તેમના નીચેના ખુલાસા પરથી સમજાય છે: “આજ સુધી ઘણીએકવાર મારા મનમાં આવતું હતું કે જે અર્થે આ જગતમાં મારો ઉદ્યોગ જારી છે, અને જે જે વિચાર મારા મનમાં ઉઠેલા છે, ને ઉઠશે તે સર્વ લખી રાખવા જોઈએ. જો એમ નહિ કરૂં તો આગળ જે સૃષ્ટિમાં લોકો થશે તેને કંઈ મારા વિચારથી ફળ થશે નહિ તથા હવડાંના કાળની બિનાને તે જાણશે નહિ. એ હેતુ જાણીને પરોપકાર્થે જે કાંઈ થાય તે સર્વ લખી રાખવું જોઈએ.”[3] માનવ ધર્મ સભાના કામકાજનો અહેવાલ મહેતાજી પોતાની રોજનીશીમાં ઉતારતા હતા. આ રીતે તેમણે ૧૮૫૨ સુધી મા. ધ. સભાની પ્રવૃત્તિની ક્રમબદ્ધ નોંધ કરી હતી. પણ દુર્ભાગ્યે એ નોંધનાં કાગળિયાંનો ઘણો ભાગ મહેતાજીની ચૌટાની નિશાળ બળી તેમાં બળી ગયો હતો. ૧૮૪૫ના જાન્યુઆરિની ૧લી તારીખ સુધીનો અહેવાલ મહેતાજી પાસે બચ્યો હતો તેને આધારે મહીપતરામ રૂપરામ નીલકંઠે ‘દુર્ગારામચરિત્ર’ રચીને ૧૮૯૩માં પ્રસિદ્ધ કર્યું હતું. ૧૬૮ પાનાંના એ પુસ્તકમાં મહીપતરામનું પોતાનું લખાણ ભાગ્યે જ વીસ પાનાંથી વિશેષ હશે. એમાં લગભગ ૧૪૮ પાનાં જેટલું લખાણ મહેતાજીનું પોતાનું જ છે અને મહીપતરામે દુર્ગારામની નોંધને કશા ફેરફાર વગર યથાતથ એમાં ઉતારી છે એટલે ‘દુર્ગારામચરિત્ર’ને મહીપતરામરચિત દુર્ગારામનું જીવનચરિત્ર કહેવા કરતાં દુર્ગારામની આત્મકથા તરીકે ઓળખાવીએ તો ખોટું નથી. પદ્યક્ષેત્રે આત્મકથનની પ્રણાલિકા સ્થાપનાર નર્મદે ગદ્યમાં પણ આત્મકથનની પહેલ કરી હતી એ સાચું છે? અલબત્ત પોતે ગુજરાતીમાં નવું પ્રસ્થાન કરે છે એવા ભાન સાથે ‘મારી હકીકત’ લખીને નર્મદે ગુજરાતી ગદ્યમાં શુદ્ધ આત્મકથનનો પ્રથમ પ્રયોગ કર્યો એ સાચું; પણ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો શિષ્ટ ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરવાનું, તેમજ ગુજરાતીમાં અભાનપણે પણ પહેલી આત્મકથા લખવાનું માન દુર્ગારામને મળે છે તેઓ પોતે અંગ્રેજી જાણતા નહોતા તેમ સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામ્યા નહોતા, એટલે સાહિત્યક્ષેત્રે કોઈ નવી પહેલ કરવાને ઈરાદે તેમણે આ લખાણ કર્યું નથી. તેમ છતાં, મહિપતરામે ‘દુર્ગારામચરિત્ર’માં ઉતારેલો દુર્ગારામનો આ આત્મકથાત્મક અહેવાલ વાંચતાં એમાં આત્મકથાની કેટલીક ઉત્તમ ખાસિયતો અને શિષ્ટ ગુજરાતી ગદ્યની પ્રારંભ-કોટીની કેટલીક વિશિષ્ટતાઓ નજરે પડ્યા વિના રહેતી નથી. આત્મકથા તરીકે દુર્ગારામની આ રોજનીશીનો પહેલો ગુણ તે તેમની સત્યનિષ્ઠા છે. દુર્ગારામ નીડર, નિખાલસ, પ્રમાણિક અને સાચુકલા પુરુષ હતા. તેમના લખાણમાં નહિ મળે. અતિશયોકિત કે નહિ મળે દંભ. પોતે કરેલી ભૂલને, સ્તુતિનિંદાની પરવા કર્યા વિના, તેઓ રોજનીશીમાં નિખાલસપણે નોધે છે. તેમ કરતાં પોતાની એબ ઢાંકવાનો કે નબળાઈનો બચાવ કરવાનો તેમણે કોઈ સ્થળે પ્રયત્ન કર્યો નથી. વિધવાવિવાહના સુધારા અંગે તેમણે લીધેલા પાછા પગલાની હકીકતને કેવળ હકીકત તરીકે તેઓ તટસ્થભાવે રજૂ કરે છે. આમાં મા. ધ. સભાના તેમ જ સ્વજીવનના અહેવાલને દુર્ગારામ દૃઢ સત્યપરાયણતાના ગુણને લીધે પૂરેપૂરો પ્રમાણભૂત બનાવે છે. દુર્ગારામે મા. ધ. સભામાં આપેલાં અઠવાડિક વ્યાખ્યાનોનો આ શબ્દશઃ અહેવાલ, એકંદરે, શાંત અને સાત્તિવક પ્રકૃતિના છતાં ઉદ્દામવાદી વિચારશ્રેણી ધરાવતા, દુર્ગારામની માનસ મૂર્તિને યથાર્ય ઉઠાવ આપે છે. આ અધૂરા અહેવાલ પરથી દુર્ગારામના બાહ્ય જીવનની ઘણી થોડી માહિતી મળે છે. પણ તેમાં નોંધ પામેલી સુધારક પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ દુર્ગારામના આંતર જીવનને એટલો સ્પષ્ટ પરિચય કરાવે છે કે તેની અપૂર્ણતાની ખોટ તરત વરતાઈ આવતી નથી. કાળક્રમે નર્મદ, દલપતરામ કે રણછોડલાલ ગીરધરલાલના કરતાં દુર્ગારામનું ગદ્ય પહેલું આવે છે. એટલું જ નહિ, અર્વાચીન યુગમાં શિષ્ટ ગુજરાતી ગદ્યનું પ્રથમપહેલું ખેડાણ કરીને તેને સાહિત્યિક છટા પણ સૌથી પહેલી દુર્ગારામે જ આપી ગણાય. કથન, વર્ણન અને મનન એ ત્રણ પૈકી પહેલાં બે તત્ત્વોવાળું ગદ્ય પ્રાચીન કે મધ્યકાલીન યુગમાંથી જડી આવે, પરંતુ વિચાર-નિરૂપણ કરીને નિબંધ-સ્વરૂપને જન્મ આપનારું ગદ્ય અર્વાચીન યુગમાં શરૂ થયું. એની તેમને સમય અને તેમનું ગજું જોતાં પ્રશસ્ય ગણાય તેવી પહેલ દુર્ગારામે કરેલી છે. દુર્ગારામની ભાષા તેમના વ્યક્તિત્વના જેવી ખડબચડી છતાં, સરળ, તળપદી અને પારદર્શક પ્રૌઢિવાળી છે. અહેવાલમાં તેમણે સંવાદાત્મક તેમ જ પત્રાત્મક શૈલીનો સહજપણે ઉપયોગ કરેલો છે. દયારામ ભૂખણની માન પામેલી પેઢીવાળા શેઠ પુરુષોત્તમદાસ ઉપર લખેલા સાત પત્રોમાં સદ્ગુરુનાં લક્ષણો, પ્રભુભક્તિનો મહિમા અને તેની રીત, બ્રહ્માંડની અખંડ અનંતશક્તિ વગેરે ધાર્મિક તેમજ વિધવાવિવાહ, મૃત્યુ સમયે ચોકો કરવાના રિવાજ અને તે પછી રોવાકૂટવાના રિવાજ વગેરે સામાજિક બાબતો સંબંધી લંબાણથી ચર્ચા કરેલી છે. તેમાં મહેતાજીનું તત્ત્વચિંતન અને આત્મજ્ઞાન વરતાઈ આવે છે. એમાં નર્મદની માફક ટૂંકાં પણ સચોટ વાક્યો દ્વારા પોતાના વક્તવ્યને સામાના મન પર ઠસાવવાની દુર્ગારામની કુશળતા પણ પ્રતીત થાય છે. ઉદાહરણ તરીકે તેમના નીચેના ઉદૂગારો જુઓઃ “હવે અભિમાનનું ઉદાહરણ તમને લખી જણાવું છૌં તે એ જે પ્રથમ તો માણસે વર્ણનો અભિમાન માની લીધો છે. તે એમ કહે કે હું જાતે બ્રાહ્મણ છૌં હું જાતે ક્ષત્રી છૌં, હું જાતે મુસલમાન છૌં, હું ખ્રિસ્તી છૌં, હું જૈન છૌં, છે, હું શૈવ છૌં, હું વૈષ્ણવ છૌં, એવી રીતે અનેક જાતિનાં તથા પંથનાં, તથા જ્ઞાતિના કુલનાં અભિમાન માણસોએ માની લીધેલાં છે.”[4] સિદ્ધાંતનિરૂપણમાં પ્રસંગોપાત્ત શિષ્ટતા અને ગૌરવ ધારણ કરવા જતા આ ગદ્યની ભાષા અભ્યાસ કરવા યોગ્ય છે. એમાં નર્મદના ‘છઉં’ શબ્દપ્રયોગનું છૌં’ રૂપે દર્શન થાય છે; ‘જે’ અને ‘કે’ ઉભયાન્વયી અવ્યયોને વિકલ્પે ઉપયોગ થાય છે વળી, નરસિંહરાવભાઈના ‘હમને’ ‘હમારૂં’ ‘હાવા’ ‘હેવું’ ‘સકે’ જેવા પ્રયોગો પણ દુર્ગારામના ગદ્યમાં ધ્યાન ખેંચે છે.[5] નવીન પ્રગતિસાધક વિચારશ્રેણી દ્વારા સુધારાના ક્ષેત્રમાં ગુજરાતી પ્રજાને દુર્ગારામે પા પા પગલી ભરાવી હતી તે સાહિત્યક્ષેત્રે પહેલી રોજનીશી લખીને ગુજરાતી ગદ્યને, ઉપર જોયું તેમ, તેમણે ભાંખોડિયાં ભરતું કર્યું એમ કહી શકાય. દુર્ગારામે નિવૃત્તિકાળમાં લખેલું સાહિત્ય સંઘરાયું નથી. પણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિત કરવામાં આ એક જ વિશિષ્ટ કૃતિ[6] બસ છે.
અભ્યાસ-સામગ્રી
૧. મહીપતરામકૃત ‘દુર્ગારામચરિત્ર’
૨. ‘મહાજનમંડલ, પૃ. ૧૧૩૨-૧૧૩૮
૩. ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’, વિભાગ બીજો
૪. ‘સ્મરણમુકુર’ (ન. ભો, દી.)
૫. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’, (વિ. ૨. ત્રિવેદી) વ્યાખ્યાન પહેલું
૬. ‘દુર્ગારામ મહેતાજી’ (ઉમાશંકર જોષી); ‘સંસ્કૃતિ’ : માર્ચ, ૧૯૫૦ અને જૂન, ૧૯૫૦
૭. ‘ગુજરાતી આત્મકથાસાહિત્યની રૂપરેખા’ (ધીરુભાઈ ઠાકર); ‘રેખા’, ઑકટોબર ૧૯૪૭
८. ‘દુર્ગારામ મહેતાજી’ (દલપતરામ): ‘બુદ્ધિપ્રકાશ’, મે, ૧૮૭૭
સંદર્ભ
- ↑ જુઓ ‘દુર્ગારામચરિત્ર’ પૃ. ૧૦૩.
- ↑ એજન, પૃ. ૨૬.
- ↑ ’દુર્ગારામચરિત્ર,’ પૃ. ૧૩.
- ↑ ‘દુર્ગારામચરિત્ર’ પૃ. ૧૨૭
- ↑ એના સમર્થનમાં નીચેનાં બે અવતરણો ધ્યાનમાં રાખવા જેવાં છે:
(૧) “આ ઉત્તમ વર્તમાન સંપૂર્ણ કરતી વખતે હું ઈશ્વરની પ્રાર્થના કરું છૌં જે દિનાનાથ તમે આ વિચારને સહાય આપજો. અમ રંકથી કંઈ થઈ સકે હેવું નથી. જેમ ઉલેચવો સમુદ્ર અને ટીંટોડીના જેટલું બળ.” (દુ. ચ. પૃ. ૨૫).
(૨) “પણ હમને એ રીત સારી લાગતી નથી. પછી હું પ્રસન્ન થઈને બોલ્યો કેં તમે હાવી સારી વાત જાણતા હોસોસે હેવું હું જાણતો નોહોતો.” (દુ. ચ. પૃ. ૨૮.) - ↑ ‘દુર્ગારામચરિત્ર’ રૂપે સચવાઈ રહેલી આ સામગ્રી અભ્યાસીઓને આજે એકાદ બે જૂનાં પુસ્તકાલયો સિવાય અન્યત્ર જોવા મળવી પણ મુશ્કેલ છે. એટલે અહીં તેનો કંઈક વિસ્તારથી પરિચય આપ્યો છે. ગુજરાતની કોઈ સાહિત્ય કે વિદ્યોત્તેજક સંસ્થા મહીપતરામકૃત ‘કરસનદાસ ચરિત્ર’ તેમજ આ કૃતિને વહેલી તકે પુનર્મુદ્રિત કરીને પ્રકાશમાં લાવે એ જરૂરી છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
***