ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નરભેશંકર પ્રાણજીવન દવે (કાઠિયાવાડી)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નરભેશંકર પ્રાણજીવન દવે

આજથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં ‘કાઠિયાવાડી’ને નામે સાહિત્યજગતમાં પ્રૉ. નરભેશંકર દવે જાણીતા હતા. એમનો જન્મ ઈ. ૧૮૭૦માં ૧૨મી જૂનના દિવસે સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે આવેલ ચુડા ગામમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પ્રાણજીવન રણછોડ દવે, માતાનું નામ રતનબાઈ ત્રિકમજી દવે અને પત્નીનું નામ દીવાળીભાઈ જયાનંદ દવે. લગ્નસાલ ઈ.સ. ૧૮૯૦. લીંબડી, મોરબી, વઢવાણ-એમ જુદે જુદે સ્થળે રહીને ગુજરાતી અને અંગ્રેજીનો તેમણે અભ્યાસ કર્યો. ૧૫ વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા આપી પણ તેમાં તેઓ નાપાસ થયા અને તરત જ તેમનું લગ્ન થયું. આગળ અભ્યાસ કરવા ઈચ્છતા શ્રી. નરભેશંકરને લગ્ને નોકરીનો પંથ લેવાની ફરજ પાડી. શરૂઆતમાં વેરાવળ-જેતલસર લાઈનમાં રેલવે ઑફિસની નોકરીમાં તેઓ દાખલ થયા. ત્યારબાદ એક પારસીની કો- ઑપરેટીવ સોસાયટીમાં કારકૂન થયા. ત્યાં ન ફાવતાં તેઓ માદન કંપનીમાં દાખલ થયા. ત્યાંથી વળી જયપુર ગયા. આમ આઠેક વર્ષ લગી જુદે જુદે સ્થળે રહી તેમણે કુટુંબનિર્વાહ માટે પ્રયત્નો કર્યા. છેવટે તેઓ પોતાના વતન સૌરાષ્ટ્રમાં પાછા આવ્યા અને પોતાને પ્રિય શિક્ષણ તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમણે ઝંપલાવ્યું. એક તરફ લખવાની અને બીજી તરફ અભ્યાસ આગળ વધારવાની –એમ બે પ્રવૃત્તિઓ તેમણે ઉપાડી. ‘સુંદર અને વિદ્યાનંદ’ નામની એક નવલકથા તેમણે લખવી શરૂ કરી અને સાથે સાથે મેટ્રિકનો અભ્યાસ ફરી શરૂ કર્યો. મેટ્રિકમાં પાસ થઈને તેમણે હાઈકૉર્ટ પ્લીડરની પરીક્ષાની તૈયારી કરવા માંડી. એ માટે તેઓ મુંબઈ ગયા; પણ કમનસીબે બે વાર તે પરીક્ષામાં તેઓ નાપાસ થયા. એ જ અરસામાં વિખ્યાત તત્ત્વજ્ઞાની ઈમર્સનના નિબંધોનો ગુજરાતી અનુવાદ તેમણે પ્રગટ કર્યો. પછી ઉચ્ચ અભ્યાસ માટે એ કૉલેજમાં દાખલ થયા. ભાવનગરની સામળદાસ કૉલેજમાંથી પ્રીવિયસ અને ઈન્ટરની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરીને તેમણે કૉલેજની ઊંચી શિષ્યવૃત્તિઓ મેળવી. બી.એ.માં પૂનાની ડેક્કન કૉલેજમાં તેઓ અભ્યાસ કરવા ગયા અને ત્યાંથી તત્ત્વજ્ઞાનનો વિષય લઈ મુંબઈ યુનિવર્સિટીમાં તે વિષયમાં પ્રથમ નંબરે પાસ થયા. ત્યારબાદ પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઈ. ૧૯૦૪માં તેઓ એમ. એ. થયા. એમ. એ. થયા પછી બે માસ તેમણે મુંબઈમાં શેઠ ચુનીલાલ નગીનદાસ શ્રોફને ત્યાં રૂ. ૧૩૦ના પગારથી તેમના અંગત મંત્રી તરીકે કામ કર્યું. એટલામાં શામળદાસ કૉલેજમાં તર્કશાસ્ત્ર અને ફિલસૂફીના અધ્યાપકની જગા મળતાં તે જગ્યાએથી ઈ. ૧૯૨૮માં તેઓ નિવૃત થયા ત્યાં લગી-એકધારાં પચીસ વર્ષ સુધી ત્યાં જ તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે તેમણે સુંદર કામગીરી બજાવી. શૅકસપિયરનાં જાણીતાં નાટકના ગુજરાતી અનુવાદો કરવાનો પ્રથમ પ્રયત્ન કદાચ પ્રૉ. કાઠિયાવાડીનો ગણાશે. ઈમર્સનના નિબંધોના, સંસ્કૃત વેદાંતનાં પુસ્તકોના અને યુરો૫ની પ્રજાના ઇતિહાસના અનુવાદો પણ તેમણે કરેલા છે કેટલીક સામાજિક નવલકથાઓ અને આધ્યાત્મિક તરસ વ્યક્ત કરતી સો જેટલી ગઝલો પણ તેમને નામે ચઢી છે. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ આત્મતત્ત્વની ઝાંખી કરીને પરમસત્યનો સાક્ષાત્કાર કરવાનો છે. વેદાંતનું શ્રવણ-મનન અને નિદિધ્યાસન તેમના જીવનનો પરમ પુરુષાર્થ બનેલ છે. તેમણે ઈ.સ. ૧૯૪૦માં સંન્યાસ લીધો હતો. હાલમાં તેઓ સ્વામી નિર્ભયતીર્થના નામે પરમહંસ સંન્યાસી તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ બોટાદ ગામમાં પોતાનું ઉત્તર જીવન વ્યતીત કરી રહ્યા છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. ઈમર્સનના નિબંધો *નિબંધ *૧૮૯૮ *૧૮૯૮ *પોતે *અનુવાદ
૨. જુલિયસ સીઝર *નાટક *૧૮૯૮ *૧૮૯૮ *પોતે *અનુવાદ
૩. ઑથેલો *નાટક *? *? *પોતે *અનુવાદ
૪. મેઝર ફૉરમેઝર અથવા થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ *નાટક *? *? *પોતે *અનુવાદ
૫. વેનિસનો વેપારી *નાટક *? *? *પોતે *અનુવાદ
૬. ચંદા અથવા દુ:ખદ વાદળું અને વચ્ચે રૂપેરી દોરો *નવલકથા *? *? *પોતે *મૌલિક
૭. ચંદ્રરમણ અથવા પ્રેમની આંટીધૂટી *નાટક *૧૯૦૩ *૧૯૦૬ *પોતે *"All’s well that ends well"નો અનુવાદ
૮. અદ્વૈત મુક્તાવલિ *વેદાંત વિષયક ગ્રંથ *૧૯૧૨ *૧૯૧૨ *પોતે * ‘સિદ્ધાંત મુક્તાવલિ’ પરથી
૯. સુંદર અને વિદ્યાનંદ *નવલકથા *૧૯૧૭ *૧૯૧૭ *મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે, અમદાવાદ *મૌલિક
૧૦. An Epetome of students’ Deductive Logic *પાઠ્યપુસ્તક *૧૯૧૭ *૧૯૧૭ *પોતે *મૌલિક
૧૧. હૅમલેટ *નાટક *૧૯૧૭ *૧૯૧૭ *પોતે *અનુવાદ
૧૨. યુરોપિયન પ્રજાનાં આચરણનો ઇતિહાસ *ઇતિહાસ *૧૯૧૭ *૧૯૧૭ *ગુ.વિ. સભા અમદાવાદ *લેકીકૃત “History of European Morals"નો અનુવાદ
૧૩. સનમ-શતક *કાવ્ય *૧૯૨૫ *૧૯૨૫ *પોતે *મૌલિક

***