ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/માધવજી ભીમજીભાઈ મચ્છર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
માધવજી ભીમજીભાઈ મચ્છર

શ્રી. માધવજીભાઈ મચ્છરનો જન્મ મોરબીમાં ઇ. ૧૮૯૦ના સપ્ટેમ્બરની ૯મી તારીખે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયેલો. તેમનું મૂળ વતન કચ્છ (ભૂજ). પિતાનું નામ ભીમછ ગોકળદાસ. માતાનું નામ હીરાબહેન. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૧૩માં શ્રી. નર્મદાગૌરી સાથે થયેલું છે. પ્રાથમિક કેળવણી કચ્છની અંજાર સ્ટેટ સ્કૂલમાં લીધા બાદ અંગ્રેજી બીજા ધેારણમાં તેમને સંજોગવશાત્ અમદાવાદ આવવાનું થયું અને અભ્યાસ તરફ રૂચિ ન જણાતાં એક ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડરી અને થોડુંક અંગ્રેજી શીખવાની શરતે માસિક રૂા. ૧/- ના પગારે તેઓ નોકર રહ્યા. પરંતુ ત્યાં કડવા અનુભવો થતાં ફરીને પિતાની ઇચ્છાથી ધી જે. એલ. ન્યૂ ઇંગ્લીશ સ્કૂલમાં તેમણે અભ્યાસ ચાલુ કર્યો. મેટ્રિકમાં હતા ત્યારે અમદાવાદની બી. જે, મેડીકલ સ્કૂલમાં મેડીકલ પ્યુપીલ તરીકે, મેટ્રિકના વિદ્યાર્થીઓમાંથી પસંદ કરવા પ્રાવેશિક પરીક્ષા થઈઃ તેમાં તેઓ પ્રથમ નંબરે પાસ થવાથી રાજકોટની ‘વેસ્ટ હોસ્પીટલ’માં માસિક રૂ।. ૭ના વેતનથી ‘પ્યુપીલ’ તરીકે તેમની નિમણૂંક થઈ. કુટુંબની ગરીબાઈને લીધે કૉલેજમાં તેઓ જઈ શકે એમ ન હતું. ત્યારબાદ સરકાર તરફથી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અંગ્રેજીના અભ્યાસની સગવડ તેમને કરી આપવામાં આવી હતી. બે વર્ષ બાદ અમદાવાદની મેડીકલ સ્કૂલમાં સરકાર તરફથી તેમને મોકલવામાં આવ્યા અને ઈ. ૧૯૧૨માં ડૉક્ટરી પરીક્ષાઓ ૫સાર કરી તેઓ ત્યાં જ સબ. એસિ. સર્જન તરીકે જોડાઈ ગયા. નવ વર્ષ સુધી આ નોકરી તેમણે બજાવી અને ઈ. ૧૯૨૧માં અસહકારની ચળવળે અને સરકારી નોકરીમાં પ્રવર્તતી અંધેર રીતિ-નીતિએ તેમને રાષ્ટ્રપ્રેમનાં કાર્યો તરફ વાળ્યા. તેમણે સરકારી નોકરીનું રાજીનામું આપ્યું ત્યારથી અદ્યાપિ પર્યંત તેઓ સ્વતંત્ર દવાખાનું ચલાવી રહ્યા છે. હાલ તેઓ દવાખાનું ચલાવવા ઉપરાંત અમદાવાદની ‘ગુજરાત મહિલા પાઠશાળા’માં જીવવિદ્યા, ઈદ્રિયવિજ્ઞાન અને આરોગ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કરે છે. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે વિદ્યાર્થીમિત્રો સાથે મળીને ‘Friends’ Literary Union’ નામનું એક મંડળ તેમણે કાઢેલું. તેમાં તેમને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવવાની સારી તાલીમ મળી હતી. એ અરસામાં નાટકો જોવાનો શૉખ ખૂબ હોવાથી નાટકી ઢાળનાં ગીતો લખવા તે પ્રેરાએલા, જે ‘સમાલોચક’ વગેરે સામયિકોના દીપોત્સવી અંકોમાં પ્રગટ થયા હતા. ઈ. ૧૯૨૧ થી ઈ. ૧૯૨૩ સુધી તેમની જ્ઞાતિનું મુખપત્ર ‘બ્રહ્મક્ષત્રિય શુભેચ્છક’ તેઓ ચલાવતા. આમ તેમની લખવાની શરૂઆત તો વહેલી થઈ ચૂકેલી; પણ એ વૃત્તિને ખરું પ્રોત્સાહન તો અધ્યાપનકાર્યને અંગે જીવવિજ્ઞાન વિષયનું જે વિશેષ વાચનમનન તેમને કરવું પડ્યું અને તેને અંગે વર્ગનોંધો તૈયાર કરવી પડી, તેને લીધે મળ્યું. એથી તો ‘જીવવિજ્ઞાન’ વિષય ઉપર તેઓ એક શાસ્ત્રીય પુસ્તક આપી શક્યા. ઈ.સ. ૧૯૨૨થી ’૩૫ સુધી નાટકો જોવા વાંચવાનો શૉખ ખૂબ હોવાથી રંગભૂમિ અને નાટકરચનાનો અભ્યાસ તેમણે કરેલો અને પ્રસંગોપાત્ત એ વિષય ઉપર કેટલાક લેખો પણ લખેલા. તેમના જીવનને ઘડનાર બળોમાં મુખ્યત્વે ‘સરસ્વતીચંદ્ર’ અને તેના કર્તા, ‘Life Divine’ અને શ્રી. અરવિંદ, તેમના શાળાજીવનમાં કસરત શિક્ષક તરીકે કામ કરતા ડૉ. હરિપ્રસાદ દેસાઈ અને એક શિક્ષક શ્રી. પ્રાણશંકર લલ્લુભાઈ દેસાઈ છે. શ્રેયઃસાધક અધિકારી વર્ગના લેખકોએ પણ તેમના ઉપર સારી અસર પાડી છે. અમદાવાદની સાહિત્યપ્રવૃત્તિમાં ડૉ. મચ્છર વર્ષોથી જીવંત રસ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ સક્રિયપણે એમાં ભાગ પણ લેતા રહ્યા છે. ઈ. ૧૯૨૨થી ઈ. ૧૯૩૫ સુધી તેઓ ગુજરાત સાહિત્ય સભાના માનાર્હમંત્રી હતા. અમદાવાદ મેડીકલ સોસાયટીના માનાર્હમંત્રી તરીકે પણ તેમણે ઈ. ૧૯૨૧થી ઈ. ૧૯૩૨ સુધી કામ કર્યું હતું.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
‘જીવવિજ્ઞાન’ *વિજ્ઞાન *૧૯૪૦ *૧૯૪૧ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *મૌલિક
*૧૯૪૮ (દ્વિતીય આવૃત્તિ)

અભ્યાસ-સામગ્રી

‘જીવવિજ્ઞાન’ માટેઃ ૧. ગૂજરાત સાહિત્ય. સભાની ઇ. ૧૯૪૧ની કાર્યવાહી.
૨. ‘પ્રકૃતિ’ ત્રૈમાસિક ચિત્ર, ૧૯૯૯.

***