ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ
સાહિત્યની દુનિયામાં લગભગ અપ્રસિદ્ધ છતાં છેલ્લાં ૨૦-૨૨ વર્ષથી એકધારી લેખન-પ્રવૃત્તિ ચલાવી રહેલ શ્રી. કૃષ્ણપ્રસાદ ભટ્ટ કપડવંજના વતની અને વીસનગરા નાગર બ્રાહ્મણ છે. તેમનો જન્મ તા. ૧૨-૯-૧૯૧૧ના રોજ પંચમહાલ જિલ્લામાં આવેલા દાહોદ શહેરમાં થયેલો. તેમના પિતાનું નામ લલ્લુભાઈ રામશંકર ભટ્ટ તથા માતાનું નામ આનંદીબહેન છે. તેમણે બે વાર લગ્ન કરેલાં છે. પહેલું ઈ.સ. ૧૯૪૨માં શ્રી. વીરબાળા સાથે અને બીજું ઈ.સ. ૧૯૫૧માં શ્રી. ઊર્મિલા સાથે. દાહેદમાં પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મેળવી ત્યાંની ન્યુ હાઈસ્કૂલમાંથી તેઓ ઈ.સ. ૧૯૨૫માં મેટ્રિક અને ઘેર બેઠે અભ્યાસ કરીને ઈ.સ. ૧૯૨૯માં અલીગઢ વિશ્વવિદ્યાલયના બી. એ. થયા છે. તેમનો મુખ્ય વ્યવસાય છાપખાનું ચલાવવા સાથે ગ્રંથ-લેખનનો છે. ઈ.સ. ૧૯૩૦માં ‘દોહદ ગૅઝેટ’ નામનું વર્તમાનપત્ર અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણ ભાષામાં તેઓ પ્રગટ કરતા. એ અરસામાં સ્વ. પૂ. ઠક્કરબાપાના સંપર્કમાં આવતાં ભીલ જેવી આદિવાસી અને ગરીબ કોમની સેવા કરવાની ભાવના તેમનામાં જાગી. ત્યારથી સેવા અને કર્તવ્યપાલનની દૃષ્ટિથી તેમણે લેખનકાર્ય ચલાવ્યું છે. તેમણે દરિદ્રસ્થિતિની યાતનાઓનો સારી પેઠે અનુભવ કર્યો છે. એટલે દરિદ્ર-શ્રીમંતની વિરોધ- સ્થિતિ તેમનાં લખાણોનો પ્રધાન વિષય બને છે. વિદ્યાર્થી-અવસ્થામાં હતા ત્યારથી જ તેમણે લેખનપ્રવૃત્તિ આરંભેલી. સોળ વર્ષ જેવડી નાની ઉંમરે તેમણે પોતાની પ્રથમ મૌલિક નવલકથા ‘પ્રતિજ્ઞાની પૂર્ણાહૂતિ’ પ્રગટ કરેલી. ત્યારબાદ ઉર્દૂ, હિંદી, બંગાળી અને મરાઠી ભાષાનો તેમણે અભ્યાસ કર્યો. રેનોલ્ડઝ, શરદબાબુ વગેરે લેખકોની વાર્તારચના અને તેમના સામાજિક વિચારોથી આકર્ષાતાં નવલકથાને તેમણે પોતાનો પ્રિય સાહિત્યપ્રકાર બનાવ્યો. ગીતાએ બતાવેલા કર્મંયોગ અને સેવા તથા ત્યાગના વિચારોને રજૂ કરવાના હેતુથી પોતે નવલકથાઓ લખી છે એમ તેમનું વક્તવ્ય છે. નવલકથાના કલાસ્વરૂપ કે તેની આલેખન-શૈલીની દૃષ્ટિએ નહિ તેટલી તેમાં વ્યકત થતા. જીવનના પ્રશ્નો, વિચારો કે આદર્શોની દૃષ્ટિએ તેમની નવલો ધ્યાનપાત્ર છે. સરળતા, બોધકતા અને ઊર્મિલતા તેમનાં લખાણોમાં મુખ્યત્વે વરતાય છે. તેમણે અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, હિંદી એમ જુદી જુદી ભાષાઓમાંથી અનુવાદકૃતિઓ આપી છે એ પણ તેમની વિશિષ્ટતા ગણાય. મૂળ ફારસીમાંથી ગુજરાતીમાં ઉતારેલું ખલિલ જિબ્રાનનું ‘રુદન અને હાસ્ય’ જિબ્રાનના ગુજરાતમાં થયેલા અનુવાદોમાં સૌથી વિશેષ પ્રમાણભૂત છે. એક પુરુષની આસપાસ ગૂંથાયેલા એક વેશ્યા, વિધવા અને તેની નાની બહેનના પ્રણયકિસ્સાને અવલંબીને સમાજોન્નતિ, ગ્રામસુધારણા, બેકારી, હરિજનોની સેવા વગેરે પ્રશ્નોની મિમાંસા કરતી સામાજિક નવલકથા ‘પ્રણયયજ્ઞ’ તેમની સર્વોત્તમ મૌલિક કૃતિ છે. એનું પછીથી નાટકમાં રૂપાંતર કરવામાં આવેલું અને ફીલેન્ડગંજના રેલવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટે તે નાટકને ભજવી તેને ચંદ્રકને પાત્ર ઠરાવેલું. છેલ્લાં ચારેક વર્ષથી તેઓ અમદાવાદમાં સ્થિર થયા છે ને છાપખાનું ચલાવે છે.
કૃતિઓ
- કૃતિનું નામ *પ્રકાર રચના *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ *મૂળ કૃતિ કે કર્તાનું નામ
- ૧. પ્રતિજ્ઞાની પૂર્ણાહૂતી *નવલકથા *૧૯૨૭ *૧૯૨૭ *ભટ્ટ બ્રધર્સ એન્ડ કું. *મૌલિક
- ૨. પ્રતાપી મૃત્યુ *ઐતિહાસિક નવલકથા *૧૯૨૮ *૧૯૨૮ રણછતસિંહજી પ્રેસ *મૌલિક
- ૩. પ્રપંચપ્રતિમા *ઐતિહાસિક નવલકથા *૧૯૨૮ *૧૯૨૮ *પ્રભાત કાર્યાલય *મૌલિક
- ૪. ચંદ્રવીણા *ઐતિહાસિક નવલકથા *૧૯૨૮ *૧૯૨૮ *પ્રભાત કાર્યાલય *મૌલિક
- ૫. સ્નેહજ્યોતિ *ઐતિહાસિક નવલકથા *૧૯૨૮ *૧૯૨૮ *પ્રભાત કાર્યાલય *મૌલિક
- ૬. બળવંત પ્રભા *ઐતિહાસિક નવલકથા *૧૯૨૮ *૧૯૨૮ મદદગાર, નડિયાદ *મૌલિક
- ૭. ઝેરી નાગણ *ઐતિહાસિક નવલકથા *૧૯૩૦ *૧૯૩૦ *રણછોડલાલ મોતીલાલ *મૌલિક
- ૮. વૈરી કે પ્રેમી? *ઐતિહાસિક નવલકથા *૧૯૩૦ *૧૯૩૦ *પ્રકાશ કાર્યાલય *મૌલિક
- ૯. પ્રેમી યુગલ *કથાકાવ્ય *૧૯૩૦ *૧૯૩૦ *પ્રકાશ કાર્યાલય *મૌલિક
- ૧૦. ચંદ્રમોહિની *નવલકથા, *૧૯૩૦ *૧૯૩૦ *પ્રકાશ કાર્યાલય *મૌલિક
- ૧૧. કીર્તનમાળા *ભજનો *૧૯૩૧ *૧૯૩૧ *ભટ્ટ બ્રધર્સ એન્ડ કું. *મૌલિક
- ૧૨. અદ્ભુત યોગી *નવલકથા *૧૯૩૫ *૧૯૩૫ *કૃષ્ણ નારાયણ પ્રેસ *મૌલિક
- ૧૩. પ્રણયજવાળ *નવલકથા *૧૯૩૧ *૧૯૩૫ *કૃષ્ણ નારાયણ પ્રેસ *અનુવાદ *રેનોલ્ડઝકૃત “વેગ્નર ધ વેર વુલ્ફ”
- ૧૪. પ્રણયયજ્ઞ *નવલકથા *૧૯૩૬ *૧૯૪૦ *દોહદ ગેઝેટ ઑફિસ *મૌલિક
- ૧૫. સમાજનો શત્રુ *નવલકથા *૧૯૪૧ *૧૯૪૧ *કૃષ્ણનારાયણ પ્રેસ *મૌલિક
- ૧૬. રાસપુષ્પ *રાસ-કાવ્યો *૧૯૪૧ *૧૯૪૧ *કૃષ્ણનારાયણ પ્રેસ *મૌલિક
- ૧૭. ભગવાન મહાવીર *જીવનચરિત્ર *૧૯૪૩ ૧૯૪૩ *સાગરમલ મૂળચંદ તલાટી *મૌલિક
- ૧૮. રત્નાકર પચ્ચીસી *કવિતા *૧૯૪૩ ૧૯૪૩ *સાગરમલ મૂળચંદ તલાટી *અનુવાદ *સંસ્કૃત रत्नाकरपञ्चविंशति
- ૧૯. ભેદી માનવ *નવલકથા *૧૯૪૯ *૧૯૪૯ *આદર્શ પુ. ભંડાર *મૌલિક
- ૨૦. યુગપુરૂષનું ઉપવન *ગદ્યધમુક્તકો *૧૯૫૦ *૧૯૫૦ *આદર્શ પુ. ભંડાર *અનુવાદ *ખલિલ જિબ્રાન કૃત ‘ધ ગાર્ડન એફ ધ પ્રોફેટ”
- ૨૧. રુદન અને હાસ્ય. *ગદ્યધમુક્તકો *૧૯૫૦ *૧૯૫૦ *આદર્શ પુ. ભંડાર *અનુવાદ
- ખલિલ જિબ્રાન કૃત ‘અશ્કવત વરસુમમાંથી
- ૨૨. ધરતીના દેવ *ગદ્યધમુક્તકો *૧૯૫૦ *૧૯૫૦ *આદર્શ પુ. ભંડાર *અનુવાદ *જિબ્રાનકૃત ‘ધ અર્થ ગોડ્ઝ’
- ૨૩. સિંહ સેનાપતિ *નવલકથા *૧૯૫૧ *૧૯૫૧ *આદર્શ પુ. ભંડાર *અનુવાદ *રાહુલજીકૃત (હિંદીમાંથી)
- ૨૪. રાજા શ્રીપાલ *નવલકથા *૧૯૫૧ *૧૯૫૧ *નવચેતન સા. મંદિર *મૌલિક
- ૨૫. શિવપુરાણ *કાવ્ય *૧૯૫૧ *૧૯૫૧ *મહાદેવ રા, જાગુષ્ટે *અનુવાદ *સંસ્કૃત शिवपुराण
- ૨૬. ગરુડપુરાણ કાવ્ય *૧૯૫૧ *૧૯૫૧ *મહાદેવ રા, જાગુષ્ટે *અનુવાદ *સંસ્કૃત गरुडपुराण
- ૨૭. જંગલસમ્રાટ *નવલકથા *૧૯૫૨ *૧૯૫૨ *આદર્શ પુ. ભંડાર *મૌલિક.
***