ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પંડિત શ્રી. સુખલાલજી સંઘજી સંઘવી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પંડિત શ્રી. સુખલાલજી સંઘજી સંઘવી

ભારતવર્ષના મહાન દાર્શનિકોમાંના એક પંડિત શ્રી. સુખલાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે આવેલા લીમલી નામના નાના ગામડામાં છે. ૧૮૮૦માં જૈન વેપારી પિતાને ત્યાં શ્રીમાળી વૈશ્ય જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ શ્રી. સંઘજી. અને માતાનું નામ શ્રી. સંતોકબહેન છે. પંડિતજીએ તેમના વતનમાં જ સાત ગુજરાતી સુધીનું શિક્ષણ લીધું. તેમનું બાલજીવન પણ ત્યાં જ વ્યતીત થયું. સોળ વર્ષની ઉંમરે શીતળાના ભયંકર દર્દના તેઓ ભોગ બન્યા. આ દર્દે તેમની આંખોનું તેજ હરી લીધું. પણ તેથી જરાયે નાસીપાસ થયા વિના ઉત્કટ જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવાના પ્રયત્નો સાથે તેઓ આગળ વધ્યા. પ્રજ્ઞાચક્ષુ બનેલા પંડિતજીએ સંસ્કૃત સાહિત્ય ને તત્ત્વજ્ઞાનનો શૉખ કેળવ્યો. એ શૉખને સંતોષવા ઠેઠ બનારસ જેટલે દૂર દેશ તેઓ ગયા અને ત્યાંની શ્રી. યશવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં મહામહોપાધ્યાય પંડિતરત્ન શ્રી. વામાચરણ ભટ્ટાચાર્ય પાસે રહી ન્યાયશાસ્ત્રમાં તેઓ પારંગત થયા. વર્ષો સુધી તેમણે ત્યાં વિદ્યોપાસના કરી અને તત્કાલીન અનેક વિશિષ્ટ પંડિતના સંસ્કાર ગ્રહણ કર્યા. ત્યારબાદ ત્યાંથી તેઓ મિથિલા ગયા અને મહામહોપાધ્યાય શ્રી. બાલકૃષ્ણ મિશ્ર પાસે રહીને વિશેષ અધ્યયન કર્યું. અહીં તેમની ગુરુભક્તિ અને આર્થિક સંકડામણ માટે તેમના જીવનમાં બનેલો એક પ્રસંગ સંભારવો ઘટે છે. પંડિતજીની આર્થિક મુશ્કેલી ઘણી હતી; સંસ્કૃત પાઠશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના ગુરુ પાસે કેવી દશામાં રહીને ભણે છે એ તો કોઈથી અજાણ્યું નથી. એક વખત પંડિતજીએ પહેરેલું ગરમ સ્વેટર તેમના ગુરુએ જોયું અને તે તેમને ખૂબ પસંદ પડ્યું. બીજે જ દિવસે મિથિલાના શિયાળાની કડકડતી ઠંડીનો જરા પણ વિચાર કર્યા સિવાય પંડિતજીએ તે તેમના ગુરુજીને આપી દીધું. સૂતી વખતે ઠંડીથી બચવા સારુ પોતાના શરીરને ઘાસથી ઢાંકી દઈને, કોઈ ન જુએ તે માટે ફાટેલો કામળો તે ઉપર તેઓ ઓઢી લેતા. વિદ્યાર્થી અવસ્થામાં માસિક બે કે ત્રણ રૂપિયાથી વધુ ખર્ચ તેમના ભોજન માટે કદી તેમણે કર્યો ન હતો. આ તેમનું વ્રત હતું. મિથિલાથી ફરી પાછા તેઓ બનારસ આવ્યા અને ત્યાં કેટલાંક વર્ષો રહી સંસ્કૃત વેદાંત તેમજ અન્ય સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને તે વિષયોમાં નિપુણતા મેળવી. લેખનનો પ્રારંભ આગ્રા શહેરથી થયો. ત્યાં પંડિતજીએ ‘પંચપ્રતિક્રમણ’ ‘ચાર કર્મગ્રંથ’, ‘યોગદર્શન’, અને ‘યોગર્વિશિકા’નું સંપાદન કર્યું. આ સંપાદનોએ તેમની વિદ્વત્તાને પંડિતવર્ગમાં પ્રતિષ્ઠત કરી. આ પછી મહાત્માજીએ અમદાવાદમાં સ્થાપેલ ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના પુરાતત્ત્વ વિભાગમાં તેમની ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમણૂંક થઈ. અહીં તેમણે પંડિત શ્રી. બહેચરદાસજીના સહકારથી મહાન જૈન દાર્શનિક શ્રી. સિદ્ધસેન દિવાકરરચિત ‘શ્રી સન્મતિતર્ક’નું સંપાદન કર્યું. આ સટીક મૂળ ગ્રંથના પૂરા પાંચ ભાગોના સંપાદને અને છઠ્ઠા ભાગમાંના તેના વિવેચને પૂરાં દસ વર્ષ જેટલો તેમનો સમય લીધો. આ દરમિયાન તેમણે ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થસૂત્ર’નું તથા ‘ન્યાયાવતાર’નું ગુજરાતીમાં તેના અનુવાદ સહિત સંપાદન કર્યું. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૩માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે તેઓ જોડાયા. ત્યાં રહી શ્રી. યશોવિજયજીકૃત ‘જૈન તર્કભાષા’ અને ‘જ્ઞાનબિંદુ’ તેમજ શ્રી. હેમચંદ્રાચાર્યકૃત ‘પ્રમાણમીમાંસા’નું સંપાદન ટિપ્પણો તેમજ વિસ્તૃત પ્રસ્તાવના સહિત તેમણે પ્રગટ કર્યું. સંસ્કૃત ગ્રંથિના સંપાદન-સંશોધનની પદ્ધતિમાં આ કૃતિએ નવો જ ચીલો પાડ્યો. પં. જયરાશિકૃત ‘તત્ત્વોપપ્લવ’ ગ્રંથના સંશોધને એમની જૈનેતર દર્શનો વિષેની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું. તાજેતરમાં બૌદ્ધ ન્યાયશાસ્ત્રીના સુપ્રસિદ્ધ ગ્રંથકાર પં.ધર્મકીર્તિ રચિત ‘હેતુબિંદુ’ની અર્ચટકૃત ટીકા અને દુર્વેકકૃત અનુટીકાના સંપાદન દ્વારા તેમણે બૌદ્ધ દર્શનના ઈતિહાસ પર નવો પ્રકાશ ફેંક્યો છે. વિદ્યા માટેનાં તેમનાં તપ, ત્યાગ ને તિતિક્ષા અપૂર્વ છે. હૃદય અને બુદ્ધિની સમતુલા, જ્ઞાન અને સંસ્કારનો પ્રકાશ અને ચિંતનશીલ પ્રતિભાએ તેમને મૌલિક વિચારક અને તત્ત્વચિંતક બનાવ્યા છે. સર્વ દર્શનોનો તુલનાત્મક સમન્વય સાધવાનું કૌશલ એ પંડિતજીની ખાસ વિશેષતા છે. સામાન્ય જૈન ધર્મનાં મૂલ તત્ત્વો પ્રતિ તેમનું વલણ હોવા છતાં તેમની દૃષ્ટિ હમેશાં અસાંપ્રદાયિક રહી છે. તેમના જીવન ઉપર સમર્થ ભારતીય ચિંતકો અને સંતોના જીવન તેમ જ ગ્રંથોએ પ્રાથમિક અસર કરી છે; મહાત્માજીના જીવને તેમની સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી હિંદમાં આવ્યા બાદ તેમની લેખનપ્રવૃત્તિમાં વેગ આવ્યો. પંડિતજીને ભારતીય પ્રાચીન સાહિત્ય, વ્યાકરણ, દર્શન, અલંકાર પુરાણ, અર્થશાસ્ત્ર આદિ વિષયો તરફ સહજ પક્ષપાત છે. તેમના પ્રિય લેખનવિષયો તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ અને ઇતિહાસ રહ્યાં છે. તેઓ અત્યારે મુંબઈનું ‘ભારતીય વિદ્યાભવન’ અમદાવાદની ‘ગુજરાત વિદ્યા સભા’ બનારસનું ‘જૈન સંસ્કૃતિ મંડળ’ અને આગ્રાનું ‘આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ’ વગેરે જાણીતી શિક્ષણસંસ્થાઓ સાથે સંસ્કાર-પ્રચારના હેતુથી સંકળાએલા છે.

કૃતિઓ :

કૃતિનું નામ *રચના સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
૧. योगदर्शन *૧૯૧૬-૧૯૨૧ *આત્માનંદ જૈન પુસ્તક પ્રચાર સભા, આગ્રા, *હિન્દીમાં અનુવાદ–સંપાદન
૨. चार कर्मग्रंथ *૧૯૧૬-૧૯૨૧ *આત્માનંદ જૈન પુસ્તક પ્રચાર સભા, આગ્રા, *હિન્દીમાં અનુવાદ–સંપાદન
૩. पंचप्रतिक्रमण *૧૯૧૬-૧૯૨૧ *આત્માનંદ જૈન પુસ્તક પ્રચાર સભા, આગ્રા, *હિન્દીમાં અનુવાદ–સંપાદન
૪. दंडक *૧૯૧૬-૧૯૨૧ *આત્માનંદ જૈન પુસ્તક પ્રચાર સભા, આગ્રા, *હિન્દીમાં અનુવાદ–સંપાદન
૫-૧૦. सन्मतितर्क (छ भाग) (पं. बेचरदास साथे) *૧૯૨૨-૩૦ *ગુજરાત વિદ્યાપીઠ, પ્રથમ પાંચ ભાગ મૂલનું સંપાદન છઠ્ઠા ભાગને ગુજરાતીમાં અનુવાદ
૧૧. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર *૧૯૨૨-૩૦ *ગુજરાત વિદ્યાપીઠ *મૌલિક
૧૨. तत्त्वार्थाधिगम सूत्र *૧૯૨૨-૩૦ *ગુજરાત વિદ્યાપીઠ *ગુજરાતી તથા હિન્દી વિવેચન
૧૩. न्यायावतार *૧૯૨૨-૩૦ *જૈન સાહિત્ય સંશોધક, અમદાવાદ *ગુજરાતી ભાષાંતર સહિત સંપાદન
૧૪. प्रमाणमीमांसा *૧૯૩૫-૧૯૪૦ *સિંધી જૈન સિરીઝ *હેમચંદ્રના ગ્રંથનું હિંદીમાં સંપાદન
૧૫. जैनतर्कभाषा *૧૯૩૫-૧૯૪૦ *સિંધી જૈન સિરીઝ *હેમચંદ્રના ગ્રંથનું હિંદીમાં સંપાદન
૧૬. ज्ञानबिंदु *૧૯૩૫-૧૯૪૦ *સિંધી જૈન સિરીઝ *હેમચંદ્રના ગ્રંથનું હિંદીમાં સંપાદન
૧૭. तत्त्वोपप्लब *૧૯૪૫-૧૯૪૭ *ગાયકવાડ ઓરિએન્ટલ સંપાદન સીરીઝ વડોદરા *સંપાદન
૧૮. वेदवादद्वात्रिशिका *૧૯૪૫-૪૭ *ભારતીય વિદ્યા ભવન,મુંબઈ *ગુજરાતી અનુવાદ
૧૯. हेतुबिंदु *૧૯૫૦ *ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ *સંપાદન

આ ઉપરાંત તેમણે “આધ્યાત્મિક વિકાસક્રમ’ તથા ‘ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ’—એ બે પુસ્તિકાઓ ગુજરાતીમાં અને “भ. महावीरका जीवनः एक ऐतिहासिक दष्टिपात’, ‘निर्ग्रन्थ सम्प्रदाय’, ‘जैन संस्कृतिका हृदय’, ‘जैनधर्मका प्राण, दोर्घ तपस्वी महावीर- એ પાંચ પુસ્તિકાઓ હિંદીમાં લખી છે.

***