ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/આયુર્વેદ-જ્યોતિષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આયુર્વેદ-જ્યોતિષ

આ દાયકે આરોગ્યવિષયક કેટલીક કૃતિઓ પ્રકટ થઈ છે. એમાં શ્રી બાપાલાલ વૈદ્યની ‘આયુર્વેદ વિહંગાવલોકન', ‘આયુર્વેદ નિબંધમાળા', ‘ખોરાકનાં તત્ત્વો', ‘આપણો ખોરાક' અને ડૉ. જે. ડી. પાઠક તથા શ્રી અનંતરાય રાવળની ‘આહારવિજ્ઞાન' જેવી કૃતિઓ એમાંના શાસ્ત્રીય નિરૂપણથી આગળ તરી આવે છે. આ ઉપરાંત શ્રી હરકિશન ગાંધીકૃત ‘રોગ અને કુદરતી ઉપચાર', શ્રી પ્રાગજી રાઠેડકૃત ‘લીવરનાં દર્દો’ અને ‘આરોગ્યની બારમાસી', શ્રી હરિત દેરાસરીકૃત ‘મધુપ્રમેહ', શ્રી ગોવિંદભાઈ પટેલકૃત ‘આંખ સાચવવાની કળા', ડૉ. શિવપ્રસાદ ત્રિવેદીની ‘કુમાર'ની ગ્રંથસ્થ લેખમાળા ‘કાયાની કરામત ૧-૨' (શરીરરચના અને ઇન્દ્રિય- વિભાગના શાસ્ત્રને લગતું પુસ્તક), તેમ જ ‘પહેલું સુખ તે જાતે નર્યા' (માંદગીનાં કારણો અને ઉપચાર અંગેનું), ડૉ. જીવનબંધુ ચોકસીનું ‘વ્યાયામ અને સૂર્યનમસ્કાર' તેમ જ બે દવે ડૉકટરોનું કુદરતી ઉપાયો સૂચવતું ‘તંદુરસ્ત રહો' અને અન્ય લેખકોનાં ‘કબજિયાત-એનાં કારણો, ઉપચારો, ‘ભારતનો વૈદ યાને વનસ્પતિના ઉપચારો', ‘ગામડાંની વનસ્પતિ' (શ્રી માધવ મો. ચૌધરી-૨૬ વનસ્પતિઓનો પરિચય અને તેમના ઉપયોગ) અને ‘નીરોગી જીવન’ (શ્રી પુરુષોત્તમ જાની) જેવી કેટલીક કૃતિઓ પણ આ વિષયમાં સારું માર્ગદર્શન આપે છે. શ્રી જીલા કેખુશરૂ દોરાબજીનું ‘પ્રાચીન ભારતની દંતવિદ્યા' પણ એ વિષયનું નોંધપાત્ર અર્પણ છે. શ્રી રાવજીભાઈ પટેલનું ‘માનવમૂત્ર' અનુભવમૂલક પુસ્તક છે. ‘મરઘાંને થતા રોગો ને તેના ઇલાજ' એ શ્રી પતંગવાળાનું પુસ્તક પણ ઉપયોગી છે. શ્રી જમિયતરામ પંડ્યાએ ‘આયુર્વેદિક ઉપચારો' હસ્તલિખિત પુસ્તકોમાંથી સંપાદિત કરેલ છે. આચાર્ય માધવપ્રણીત ‘માધવનિદાન’ તેમ જ ‘શાર્ઙ્ગધરસંહિતા’ના શ્રી રસિકલાલ પરીખના અનુવાદો, ‘ભાવપ્રકાશ ૧-૨'ના તેમ જ ‘ચરકસંહિતા'ના શ્રી ગિરજાશંકર શાસ્ત્રીના અનુવાદ આયુર્વેદવિષયક ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડી એમને ગુજરાતીમાં શ્રદ્ધેય અનુવાદરૂપે સુલભ કરી આપે છે. ‘માધવનિદાન' જેવાના અનુવાદમાં તો પ્રત્યેક પ્રકરણને અંતે તે તે રોગ વિષે પોતાના તરફથી નોંધ ઉમેરીને પ્રસ્તુત ગ્રંથને વિશેષ ઉપયોગી બનાવવામાં આવ્યો છે. મૅરી સ્ટોપ્સનાં ‘ઉજજવળ માતૃત્વ', ‘અદ્યતન સંતતિનિયમન' જેવાં પુસ્તકોના અનુવાદો શ્રી યશવંત દોશીએ સુલભ કરી આપીને આ વિષયમાં એક ઉપયોગી કામ કર્યું છે. ‘પરણ્યા પછી' (શ્રી મહાશંકર દવે)માં લેખકે પ્રસૂતિવિષયક ચર્ચા કરી છે. જ્યોતિષ વિશે પણ અનેક પુસ્તકો પ્રકટ થયાં છે. શ્રી રેવાશંકર બરડવાળાનું 'જ્યોતિષશાસ્ત્રપ્રવેશ' એની શાસ્ત્રીયતાથી, શ્રી ઇંદુમતી પંડિતનું જ્યોતિષશાસ્ત્રને આધારે વિશ્વદર્શન, શ્રી અમૃતલાલ આચાર્યનું રાશિવાર ફળાદેશ, શ્રી સહદેવ જોશીનું ‘હસ્ત સામુદ્રિકશાસ્ત્ર', શ્રી શાંતિલાલ શાહનું પશ્ચિમી પદ્ધતિએ ‘જ્યોતિષ માર્ગદર્શન’, શ્રી દત્તાત્રેય ગણેશ ટિકલેનું માનવજીવન પર ગ્રહોના પ્રભાવને વર્ણવી એમના નિવારણ અંગે રત્નોના ઉપયોગની માહિતી આપતું ‘ગ્રહો અને રત્નો' અને પ્રતિવર્ષ પ્રકટ થતાં અનેક પંચાગો–આ વિષયમાં પ્રગટ થતાં રહેતાં પુસ્તકોનો અને એમના વિષેયોનો ખ્યાલ આપશે. એમાં ભારતીય તેમ જ પાશ્ચાત્ય બન્ને દૃષ્ટિએ જ્યોતિષવિષયક ચર્ચાઓ જેવા મળે છે. વિવિધ દૃષ્ટિકોણોથી--પછી એ રાશિવાર ફળાદેશ હોય કે જીવન પર ગ્રહની અસરના ઉલ્લેખો હોય-આ વિષય દાયકે દાયકે જ નહિ, વર્ષે વર્ષે આપણે ત્યાં નિરૂપાતો રહે છે. શ્રી યશેધર મહેતાકૃત ‘ભાવિના ભેદ' તેમ જ ‘ભાવિનાં રહસ્યો’ બે આવૃત્તિઓ પામ્યાં છે એ એની લોકપ્રિયતાનાં સૂચક છે. શ્રી ચન્દ્રકાન્ત રત્નેશ્વર ભટ્ટનું ‘સરળ જ્યોતિષ' પણ જન્મકુંડળી અને ગોચરગ્રહો વિશે સારી માહિતી આપે છે.