ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/બાલ-કિશોર-પ્રૌઢ સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાલ-કિશોર-પ્રોઢ સાહિત્ય

વર્ષે વર્ષે આપણે ત્યાં થોકબંધ બાલસાહિત્ય રચાતું રહ્યું છે. આ દશકામાં નહિ નહિ તોય હજાર-દોઢહજાર જેટલી આ વિભાગની કૃતિઓનો આંકડો દર્શાવી શકાય. તેમ છતાં બાલસાહિત્ય તરફ, સામાન્ય રીતે, આપણે ઉપેક્ષા કે ઉદાસીન વૃત્તિ દાખવી છે. મોટા ટાઈપમાં અને ચિત્રો સાથે કૃતિ પ્રગટ થઈ એટલે જાણે એને બાલસાહિત્યની મુદ્રા લાગી ગઈ!-કંઈક અંશે આવી છાપ દશકાની ઘણીખરી બાલસાહિત્યની કૃતિઓ તરફ નજર નાખતાં કોઈકને પડે તો નવાઈ પામવા જેવું નથી. એમ પણ હોય કે આ પ્રકારના સાહિત્યના રચનારા બાલમાનસના અનુભવીઓ ન હોય, અને પ્રકાશકો એમણે રચેલી કૃતિઓને આકર્ષક રૂપરંગમાં મઢી બાલસાહિત્ય તરીકે ખપાવી નાખવા સદા ઉદ્યુક્ત રહેતા હોય ! બાળકોના માનસની સુક્ષ્મ સમજ એના રચનારા પાસે અવશ્ય હોવી જોઈએ. બાળકો કેવી કૃતિઓનો આસ્વાદ લઈ શકે, એમની કલ્પનાશક્તિને શું અનુકૂળ આવે, એમના જીવનની ઊર્મિઓ કઈ રીતે પોષાય, એમનાં રસસ્થાનો ક્યાં, એમનાં શીલ-સદાચાર-સંસ્કાર કેવી રીતે ઘડાય, એમની ગ્રહણશક્તિની યોગ્યતા કેટલી-આ અને આવા કેટલાક મુદ્દાઓની સ્પષ્ટ સમજ બાલસાહિત્યના સર્જકો પાસે ન હોય તે રેઢિયાળ બાલસાહિત્ય જન્મવાનો જ પૂરો સંભવ છે. નાનપણમાં સુરુચિના જે સંસ્કારોનાં બીજ રોપાયાં હશે એ જ મોટી ઉંમરે ફાલવાફૂલવાનાં છે, એટલે બાળકો પાસે જતા સાહિત્યની કડક ધોરણે પરીક્ષા થવી જોઈએ. બાલસાહિત્યના લેખકોને પોતાને પણ અત્યારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો રહેતો હોય એ સંભવિત છે, વર્તમાન યુગમાં ધર્મશ્રદ્ધાનું બળ ઓસરનું લાગતાં કે યંત્રયુગની-રૉકેટયુગની નવી નવી સિદ્ધિઓનાં દર્શન થતાં ચીલાચાલુ ચમત્કારનાં નિરૂપણ હવે પહેલાં જેટલાં બાલમાનસને ન આકર્ષી શકે એમ પણ એમને લાગતું હોય, અને છતાં જૂની ઢબછબથી પોતે ન છૂટી શકતા હોય! કોઈકને જૂની અદ્ભુત કથાઓને સ્થાને પર્વત કે સમુદ્રની અવનવી પરાક્રમપૂર્ણ કથાઓ-પછી એ પર્વતના આરોહણની સિદ્ધિઓ હોય કે સમુદ્રના સહવાસની-આલેખવાનું મન પણ, આ નવીન સંદર્ભમાં, થાય. તેમ છતાં એટલું તો સ્મરણમાં રાખવું જોઈએ કે આપણા બાલસાહિત્યમાં બાલચિત્તને નકારાત્મક ભાવ તરફ દોરી જઈ એને કલુષિત કે વિષાદગ્રસ્ત કરે એવું કશું એમાં ન આલેખાવું જોઈએ. એમનામાં વહેમ, ભય કે ક્રૂરતા ન પ્રવેશી જાય એની સતત સાવધાની રાખવી જોઈએ. ભૂતપ્રેત કે રાક્ષસોની સૃષ્ટિમાં એમને લઈ જતાં પહેલાં આ વિશે લેખકે જાગૃતિ સેવવી જોઈએ. એવું જ પરીકથાઓ, ચમત્કાર કે દંતકથાઓનું. શ્રી લીનાબહેન મંગળદાસે એમના એક લેખમાં દર્શાવ્યુ છે તેમ, (‘સંસ્કૃતિ’ અંક ૧૩૪, પૃ. ૪૬) ‘સોનાના કિલ્લા, રત્નથી જડેલી રાજકન્યા, માલપુવાના છાપરાવાળી ઝૂંપડીઓ વગેરે મોટેરાંની લાલસાઓ મૂર્તિમન્ત કરે છે. એને બાલમાનસ સાથે કાંઈ સંબંધ નથી.' અર્થાત્ આપણે આપણી લાલસાઓને બાલકથાઓમાં આરોપતાં અટકીએ અને બાળકોની જિજ્ઞાસાને ઉચિત રીતે સંતર્પે અને એમના સંસ્કારને સુપેરે ઘડે એવી કૃતિઓ રચીએ. આનો અર્થ હરગિજ એવો નથી કે આપણે ત્યાંનું સઘળું બાલસાહિત્ય નિમ્ન કોટિનું છે. આપણે ત્યાં શ્રી ગિજુભાઈ અને નાનાભાઈ ભટ્ટની પરંપરા હજી પણ જળવાઈ રહી છે. આ દાયકે અનેકાનેક લેખકોએ બાલકૃતિઓ રચી છે. એમાંથી કેટલીક તો હોંશે હોંશે આપણે બાળકોને આપીએ એવી છે. બાળસાહિત્યમાં બાલગીતો અને બાલ નાટકો, વાર્તાઓ અને હાસ્યરસિક પ્રસંગો, નીતિકથાઓ અને ચરિત્રકથાઓ, વિજ્ઞાનની શોધખોળો અને સામાન્ય જ્ઞાન આપતી કૃતિઓ એમ વિવિધતા સારી નજરે પડે છે. ઉપરાંત શ્રી રાજેન્દ્ર શાહ, બાલમુકુન્દ દવે જેવા શિષ્ટ કવિઓ પણ બાલસાહિત્યના સર્જન તરફ અભિમુખ થયા છે એ શુભ ચિહ્ન છે.

બાલગીતો, વાર્તાઓ અને નાટકો

આ પ્રકારની કૃતિઓમાં મકરંદ દવે, દુર્ગેશ શુકલ, રાજેન્દ્ર શાહ. બાલમુકુન્દ દવે, રમણલાલ સોની, હરિલાલ પંડ્યા, ચંદ્રશંકર જોશી, એની સરૈયા, જુગા પંડ્યા જેવાની કૃતિઓ ધ્યાન ખેંચી રહે છે. ‘ઝબૂક વીજળી ઝબૂક', ‘ડોલે છે મંજરી', ‘કાશીના પંડિત’, ‘મોરપીંછ’, ‘સોનચંપો' જેવા બાલગીતોના સંગ્રહો ગમી જાય એવા છે. ગીતોને અનુરૂપ ચિત્રોથી ગીત- સંગ્રહો સોહામણા બન્યા છે. પરંતુ બાળકોને અધરી લાગે એવી ભાષા એ આમાંના કેટલાકની મર્યાદા છે. એમાંથી સવેળા બહાર આવી જવું જોઈએ. શ્રી જુગતરામ દવેએ ‘પંખીડાં'માં કાળજીપૂર્વક કેટલાંક ગીતો સંગ્રહ્યાં છે. ‘ધાણીચણા'માં જુદાં જુદાં પ્રાણીઓ વિશેનાં જોડકણાં છે. ‘પંદર પૈસામાં ભારત પ્રવાસ' પણ જોડકણામાં રચેલી વાર્તા છે. વાર્તાવિભાગમાં નાનાભાઈ ભટ્ટ, રમણલાલ સોની, જીવરામ જોશી, દુર્ગેશ શુક્લ, દિનુભાઈ જોશી, નટવરલાલ માળવી, સોમાભાઈ પટેલ, પુષ્કર ચંદરવાકર, હંસાબહેન મહેતા, માયા મહેતા, કુસુમબહેન ઠાકોર, મોંઘીબહેન બધેકા અને બીજાં કેટલાંકની કૃતિઓ નોંધપાત્ર છે. એમાં ગ્રીસપુરાણની કથાઓ છે, ‘મૂછો પટેલ' કે ‘લાડુની જાત્રા'નું મનોરંજન છે, ‘છ અને મકો'ની તેમ ‘છેલ અને છબો'ની બાલકહૃદયને જીતી લે એવી જોડી છે, ‘ઉજેણીનગરીનો વિક્રમરાજા' છે, ‘ઉંદરનો દેશ' અને ‘ડહાપણની દુકાન' છે, ‘પ્રાણીઘર' પણ છે; અને ‘મિયાં ફુસકી' પણ છે. આ પ્રકારના વાર્તાસંગ્રહમાં જોડણીની અશુદ્ધિ ખૂબ ખટકે છે તેમ જ ‘ચાતુરી'ની કેટલીક વાતમાં સારાંને બદલે નરસાં કામો માટે એનો ઉપયોગ થયો છે એથી રંજ પણ થાય છે. બાલસાહિત્યમાં, સંખ્યા દૃષ્ટિએ, આ વિભાગ સૌથી મોટો હોવાથી અને બાલકોને પણ એના પ્રતિ વિશેષ પ્રીતિ હોવાથી, આવી વાર્તાઓમાં લેખકોએ વિશેષ સાવધાની અને બાલમાનસના અભ્યાસની સજ્જતા કેળવવી જોઈએ. વાર્તાઓમાં ક્યાંક ક્યાંક વેરેલાં મનોરંજક અને બોધક જોડકણાં પણ આકર્ષણ જમાવે છે. નાટકવિભાગમાં શ્રીધરાણી, જયંતી દલાલ, રમણલાલ સોની, ચંદ્રવદન મહેતા, ઇંદ્ર વસાવડા, પ્રાગજી ડોસા, હિંમતલાલ દવે, અમુભાઈ પંડ્યા જેવા લેખકોના ‘રોકડિયો ખેડૂત', ‘રંગપગલી', ‘રંગતોરણ', ‘રંગદ્વાર'; ‘છબીલો લાલ', ‘થથા થેઈ ! થેઈ ! થેઈ!'; ‘કિશોરનાટકો-૧, ૨'; ‘શાળોપયોગી નાટકો'; ‘એકલવ્ય તથા બીજી બાલનાટિકાઓ'; ‘મંગલઉષા'; ‘ભાઈબીજની ભેટ' જેવા સંગ્રહો આગળ તરી આવે છે. શ્રીધરાણીની 'સોનપરી' નવી આવૃત્તિ પામી છે. આમાંનાં ઘણાં નાટકો કિશોરભોગ્ય છે, અને અભિનેય પણ છે. જુદી જુદી કક્ષાનાં બાળકો માટેની આ કૃતિઓ વિવિધ સંગ્રહોમાંથી પણ એકસાથે એક સંગ્રહમાં અહીં સંગ્રહાયેલી છે.

ચરિત્ર

મહાન પુરુષોનાં ચરિત્રો અને એમના જીવનના પ્રેરક પ્રસંગો બાલકો અને કિશોરોને બોધક થઈ પડે એ રીતે અહીં આલેખવામાં આવ્યા છે. એમાં મહાત્મા ગાંધીજીવિષયક અનેક ચરિત્રકૃતિઓ છે, અને એમાંની કેટલીક ચરિત્રવિભાગમાં નિર્દેશાઈ પણ છે. મહાત્માજી વિશેની શ્રી ધનવંત એઝાની ચરિત્રશ્રેણી, શ્રી સત્યમે આલેખેલા તેમના પ્રેરક જીવનપ્રસંગો, શ્રી મનુબહેન ગાંધીની 'બાપુનાં સંભારણા', 'ગાંધીજીની વાતો' કે મુકુલભાઈની 'બાપુજીની વાતો’ (તેમ સરદાર પટેલના પ્રસંગો પણ) ને લલ્લુભાઈ મકનજીની 'ગાંધીજીનો વિનોદ’ ઉલ્લેખપાત્ર છે. શ્રી શારદાપ્રસાદ વર્માએ ગાંધીજી સાથે ઠક્કરબાપા, દાદાસાહેબ એમ અનેક નરવીરોનાં ચરિત્રો આપ્યાં છે. શ્રી વનરાજ માળવીએ ‘વિનોબાની વાતો' કહી છે; શ્રી પેટલીકરે પં. સુખલાલજી, કેદારનાથજી, સાતવળેકરજીનો ‘રામનામના વેવારિયા' તરીકે અને માવળંકર, ઇંદુલાલ યાજ્ઞિક, સાને ગુરુજી વગેરેનો 'રાષ્ટ્રના સેનાનીઓ' તરીકે પરિચય કરાવ્યો છે. શ્રી 'દર્શકે' ભગવાન બુદ્ધનો ધર્મસંદેશ સમજાવ્યો છે, શ્રી ચંદુભાઈએ સોક્રેટીસ અને પ્લેટો વિશે તે શ્રી મગનભાઈ નાયકે આઇઝેક ન્યૂટન, મેડમ ક્યૂરી અને જગદીશચંદ્ર બોઝનો ખ્યાલ આપ્યો છે. ભગવાન ઈસુની બોધકથાઓ પણ અહીં છે અને સંત જ્ઞાનેશ્વર અને મહાત્મા એકનાથનો પરિચય પણ બાળકોને અપાયો છે. શ્રી 'દર્શક'ની ‘મંગળકથાઓ' કે શ્રી સુભદ્રા ગાંધીની 'હેલન કેલર' કૃતિ આ વિભાગમાં ખાસ ઉલ્લેખપાત્ર છે. શ્રી વાલજી દેસાઈએ ગાંધીજીની આત્મકથાના પ્રસંગો ટૂંકાવીને ‘પ્રેમપંથ'ના આઠ ભાગમાં આત્મકથા રજૂ કરી છે.

સામાન્ય જ્ઞાન

બાળકોને સૃષ્ટિનું સામાન્ય જ્ઞાન આપનારી કૃતિઓ પણ સારા પ્રમાણમાં પ્રગટ થઈ છે. શ્રી સોમાભાઈ શાહે 'ગુજરાતનાં પક્ષીચિત્રો' આપ્યાં છે. શ્રી મનુભાઈ જોધાણી અને શ્રી વસંત જોધાણીએ પેટે ચાલનારાં પ્રાણીઓ, વનવગડાનાં તેમ પાદરનાં પંખીનો; શ્રી માર્તંડ પંડ્યાએ શાકભાજીની વાડીનો અને શ્રી જયંતીલાલ ઓઝાએ વૃક્ષ અને વેલીનો પરિચય કરાવ્યો છે. ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી અને શ્રી ચંદુભાઈ ભટ્ટની કૃતિઓ રોગનિવારણ-તેના ઉપાયો–શોધો-ઔષધો તેમ જ વૈદકીય પ્રદેશને લગતી છે. એક રશિયન કૃતિ પરથી શ્રી શંકરલાલ શાહે 'ઘરની મુસાફરી'માં પાણીના નળથી વાસણ, રસોડું, દીવાસળી, ઘડિયાળ, યંત્ર વગેરેનો પરિચય આકર્ષક રીતે આપ્યો છે. ‘નૂતન ભારતનાં તીરથ'માં શ્રી પીતાંબર પટેલે દેશના નવનિર્માણ અને ઔદ્યોગિક પ્રગતિનો પણ બાલસમજને ખ્યાલમાં રાખીને પરિચય કરાવ્યો છે. આમ, અહીં, ઘરની વાડી કે પાદરના પંખીથી અણુયુગ સુધીની માહિતી બાળકોને સાંપડે છે.

સંસ્કાર

એક તરફ શ્રી હરિપ્રસાદ વ્યાસની 'શ્રીમાન ભોટવાશંકરનાં પરાક્રમ’ જેવી હાસ્યરસિક પ્રસંગોવાળી અને ચીની વિનોદકથાના બાલભોગ્ય સંપાદન સમી શ્રી મુકુલભાઈની 'અવન્તીનાં પરાક્રમો' જેવી કૃતિઓ છે, તો બીજી બાજુ ધૂમકેતુ, જયભિખ્ખુ, અંબાલાલ પુરાણી, સંતબાલજી, શારદાપ્રસાદ વર્મા, રમણલાલ સોની, ગુણવંતરાય આચાર્ય જેવા અનેક લેખકોની સંસ્કારદાત્રી કૃતિઓ ૫ણ છે. એમાં ‘ધૂમકેતુ'એ ‘જાતક કથાઓ' અને કવિ, સાક્ષર, બોધ, ઉપનિષદની કથાઓની શ્રેણી આપી છે. બાલ-કિશોર-પ્રૌઢને ભાવના અને સંસ્કાર પ્રેરતી આવી કથનિકાઓ ઘણાંએ પ્રસિદ્ધ કરી છે. જયભિખ્ખુની ‘આપણી નીતિકથાઓ', પુરાણીની ‘ઉપનિષદની વાતો’, રમણલાલ નાનાલાલ શાહનાં બાલજીવન નીતિકથામાળાનાં પુષ્પો, રમણલાલ સોનીની 'શિશુસંસ્કારશ્રેણી', અને આવી 'શ્રેણી' કે 'માળા'ઓ જ ઉલ્લેખીએ તો 'નવઘડતર ગ્રંથમાળા', 'જ્ઞાનોદયમાળા’, 'લોકસંસ્કાર દીપાવલી,' ‘બોધમાળા’, “ગ્રામસમાજમાળા,’ 'સમાજવિકાસમાળા', 'બાલજીવન નીતિકથામાળા’ ‘જીવનમણિસદ્વાચનમાળા' જેવી કેટલીક માળાનાં પુષ્પો બાલકિશોર-પ્રૌઢોને પથ્ય વાચન પૂરું પાડી એમના સંસ્કારઘડતરમાં સહાયરૂપ થાય એવાં છે. છે. શ્રી મૂળશંકર મો. ભટ્ટની 'દલપતરામની વાતો' અને ‘વાંચવા જેવી વાતો’ પ્રૌઢો માટે સર્જાઈ છે. રામાયણ-મહાભારત અને પુરાણો, ‘હિતોપદેશ' અને સંસ્કૃત સાહિત્ય, શેક્સપિયર અને રવીન્દ્રનાથની કૃતિઓ વગેરેમાંથી પ્રસંગો લઈને કે એ કથાઓને સરળ સંક્ષેપમાં રજૂ કરીને આપણાં બાળક, કિશોરો તેમ જ. પ્રૌઢોને તે તે સાહિત્યકૃતિની સૌરભથી પ્રસન્ન કરવાના પણ અનેક યત્ન આ દાયકે થયા છે. સંતબાલજીનું 'અભિનવ રામાયણ કે અન્યોના સાવિત્રી: કે પ્રહ્લાદ, સીતા, ભરત, લક્ષ્મણ કે ભીષ્મ જેવાં પાત્રોનો પરિચય, 'શકુંતલા,’ 'મૃચ્છકટિક' કે 'રઘુવંશ' જેવાના કથાસંક્ષેપો, શેક્સપિયરનાં વિવિધ નાટકોની સરળ કથાઓ, શરદબાબુની 'ગૃહદાહ’, ટાગોરની ‘ઘરે બાહિરે' અને 'નૌકા ડૂબી'ના તેમ ગોવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ના સંક્ષેપો (શાલેય આવૃત્તિ), કાદંબરીકથા (ઉપેન્દ્ર પંડ્યા); આફ્રિકા, ઈરાન, રશિયા, કોરિયા, રુમાનિયા અને વિલાયતન બાલકથાઓ (સુભદ્રા ગાંધી); ચીન, પ્રાચીન ગ્રીસ, પેલેસ્ટાઈન, ઈરાન, મધ્ય-અર્વાચીન યુરોપ વગેરેમાંથી વસ્તુપસંદગી; ઢોલા મારુ અને નંદબત્રીસીની વાર્તાઓ, ઇતિહાસની કથાઓ, આપણા ખ્યાતનામ વાર્તાકારોની વાર્તાઓમાંથી થયેલ સંચય-સંપાદન (ઉ. ત. 'દ્વિરેફનું વાર્તામધુ', 'આંબાના રોપ', 'ગામડાની કેડીએ', 'બે ભાઈબંધ', 'સોનાની ક્યારી', 'પંચામૃત’; મરાઠી પરથી 'સુખી જીવનની પગદંડી' જેવી કૃતિ (શશિન્ ઓઝા)-આ અને આવી કૃતિઓ આપણી નવી તેમ જ જૂની પેઢીને સાહિત્ય-સંસ્કારની કેળવણી આપવામાં ઉપકારક થાય એવી છે.

સાહસકથાઓ અને અનુવાદો

સાહસ અને શૌર્યની સૃષ્ટિ ખડી કરતી અનેક રોમાંચક કથાઓ મોટે ભાગે અનુવાદરૂપે આ દાયકે પ્રગટ થઈ છે. શ્રી ધનશંકર ત્રિપાઠી (ખૂની વિમાન, કારમું કલંક, તરવીરનું તરકટ વગેરે વગેરે), જયંત બક્ષી (જંગલનો ખજાનો, શ્રેષ્ઠ શિકારકથાઓ વગેરે), ગુણવંતરાય આચાર્ય (કાળો પહાડ), રમણલાલ સોની (સુલેમાનની શેતરંજી, બાવા આદમનો ખજાનો), સત્યમ્ (ગુલીવરની મુસાફરી, ટારઝનનું શૌર્ય, અલીબાબા અને ચાલીસ ચોર, રોબિનહુડનાં પરાક્રમો વગેરે), માધવજી પટેલ (શેરલોક હોમ્સની વાતો) વિજયગુપ્ત મૌર્ય (ધ્રુવની સફર), શ્રીકાન્ત ત્રિવેદી (સાગરના સાહસિકો, ચંદ્ર પર ચઢાઈ), ઈશ્વરભાઈ પટેલ (શીગી શીગી), ધનંજય શાહ (રોબિનહુડનાં પરાક્રમો), જેઠાલાલ સોમૈયા (શેરલોક હોમ્સનાં પરાક્રમો ૧-૨), ચંદુલાલ વ્યાસ (ભેદી ભુતાવળ વગેરે), હરીશ નાયક, જયંત બક્ષી જેવા અનેક લેખકોની કૃતિઓ, અને મહંમદ છેલ જેવા અનેકોનાં પરાક્રમોનું નિરૂપણ આ વિભાગમાં સ્થાન પામે છે. એમાં સ્ટીવન્સન, જુલે વર્ન, શેખ સાદી જેવા અનેકની કૃતિઓનાં રૂપાંતરો કે અનુવાદો સુલભ થયેલ છે. એમાં સાહસકથાઓ છે અને શિકારકથાઓ છે, ભૂતાવળોની સૃષ્ટિ છે અને પરાક્રમોની પરંપરા પણ છે. આ સિવાયના અનુવાદોમાં શ્રી મૃણાલિની સારાભાઈની 'એક પોપટની યાત્રા' (અનુ. શિવશંકર શુકલ), જંગલમાં મંગલ (અનુ. નટવરલાલ માળવી) તેમ જ મુકુલ કલાર્થી, પ્રફુલ્લ ઠાકોર, ધનવંત ઓઝા, સુભદ્રાબહેન ગાંધી, -શાંતાબહેન ગાંધી, મહેન્દ્ર મેઘાણી વગેરે અનેકોના અનુવાદો બાલ-કિશોર અને પ્રૌઢ સાહિત્યવિભાગમાં પ્રાપ્ત થયા છે. ‘બાલ સંદેશ' અને 'ઝગમગ' જેવાં બાળકો માટેનાં અઠવાડિકો આ દાયકે જ આરંભાયાં છે અને બાળકોને સુપથ્ય વાચન પૂરું પાડે છે એ ઘટનાની પણ અહીં નોંધ લેવી જોઈએ. એનાં મહાભારતકથાનાં પ્રકાશન એ દ્વારા મળેલ આનુષંગિક લાભ છે. બાલસામયિકોમાં 'રમકડું' હજી એનું આકર્ષણ જાળવી રહ્યું છે. મુંબઈ રાજ્યે ગુજરાતી બાલસાહિત્યનાં નોંધપાત્ર પુસ્તક વિશેની માહિતી પણ પુસ્તકરૂપે પ્રગટ કરેલી છે. રાજ્ય તેમ જ કેન્દ્ર સરકાર પણ પ્રત્યેક ભાષામાં પ્રગટ થતાં ઉત્તમ બાલસાહિત્યનાં પુસ્તકોને પારિતોષિક અર્પણ કરી આ પ્રકારના સાહિત્યને ઉત્તેજના આપી રહી છે એ પણ આનંદપ્રદ ઘટના છે.