ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/તત્ત્વજ્ઞાન-ધર્મ-ચિન્તન વગેરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તત્ત્વજ્ઞાન-ધર્મ-ચિન્તન વગેરે

તત્ત્વજ્ઞાન વિભાગ તરફ દૃષ્ટિ કરતાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું અર્પણ આ૫ણને તૃપ્ત કરે છે. તત્ત્વજ્ઞાનના આ ઊંડા અભ્યાસીની ત્રણ કૃતિઓ આ દાયકે આ૫ણને પ્રાપ્ત થઈ છે: ‘દર્શન અને ચિંતન' (બે ભાગ), ‘અધ્યાત્મવિચારણા' અને ‘ભારતીય તત્ત્વવિદ્યા.’ પહેલું પુસ્તક તો રાષ્ટ્રીય પારિતોષિક પણ પામ્યું છે. એના વિવિધ લેખોમાં જૈન ધર્મ અને દર્શનના ઊંડા અભ્યાસનું, વેદ-ઉપનિષદ અને અન્ય ધર્મોના પરિશીલનનું આ૫ણને દર્શન થાય છે. પ્રાચીન રૂપકોના એ બુદ્ધિગમ્ય ઉકેલ આપે છે, કોઈપણ ધર્મની તટસ્થ આલેચના કરે છે અને એના ઊંડાણમાં ઊતરી વર્તમાનને અનુરૂપ વિચારો પ્રકટ કરી આપે છે; ધર્મ ઉપરાંત દેશ, સમાજ, કેળવણી વિશેનું ચિંતન પણ મૂલગામી છે. માનવતાથી છલકાતા લેખકના હૃદયભાવ આ પુસ્તકના લેખોમાં ઢોળાયેલા છે. ‘ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન', ‘ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ’ જેવા લેખો લેખકની શક્તિના તરી આવતા નમૂનાઓ છે. ‘અધ્યાત્મ વિચારણા'માં આત્મતત્વ, ૫રમાત્મતત્ત્વ અને અધ્યાત્મવિચારણા વિષયક એમનાં ત્રણ વ્યાખ્યાનો સંગ્રહાયાં છે. એમાં અનેક ભ્રમોનું નિરસન કરીને સત્ય સારવ્યું છે. તત્ત્વવિચારને પ્રસાદ-મધુર શૈલીમાં તેઓ સફળતાથી નિરૂપી શક્યા છે. ‘ભારતીય તત્ત્વવિદ્યા'નાં વ્યાખ્યાનો પણ તત્ત્વવિદ્યાનો અર્થ સમજાવી જીવ, જગત અને ઈશ્વરનાં તત્ત્વોનું મહત્વ સમજાવે છે અને વિવિધ દર્શનોનો તુલનાત્મક પરિચય કરાવી એમની સમજ આપે છે. ગાંધીયુગના આપણા આ દર્શનાચાર્યે, દર્શન પરંપરાના પોતાના ઊંડા પરિશીલનનાં ફળ આ પુસ્તકોદ્વારા ગુજરાતને આપ્યાં છે. એમનાં અર્થઘટનો અને પૂર્વગ્રહરહિતતા, વિચારપ્રકટીકરણમાં દેખાતી નીડરતા અને તેજસ્વિતા, વિષયના ઊંડાણમાં ઊતરતાં પ્રગટતું મૌલિક ચિંતન અને તત્ત્વના સૂક્ષ્મ ભાવને સહજતાથી વ્યક્ત કરતું ભાષાપ્રભુત્વ: આપણા તત્ત્વ અને ચિંતનના સાહિત્યની આ સર્વ મોંઘેરી સંપત્તિ છે. શ્રી અંબુભાઈ પુરાણીનું ‘પૂર્ણયોગના પ્રકાશમાં' નામનું પુસ્તક શ્રી અરવિંદ અને માતાજીની, ચેતનાના અવતરણની ફિલસૂફી સમજવામાં સહાયભૂત થાય છે. શ્રી પુરાણીની ગદ્યછટાઓ ગમી જાય એવી છે. ‘ભાવિ હિંદનું દર્શન'માં શ્રી કિશોરલાલ મશરૂવાળાની તત્ત્વચિકિત્સક શક્તિનાં દર્શન થાય છે. પત્રરૂપ એ લેખો એમની તટસ્થ વિચારણા રજૂ કરે છે. આ જ લેખકનું ‘અહિંસાવિવેચન' એમના અહિંસાવિષયક લેખોનો સંગ્રહ છે, અને એમની ઉન્નતગામી વિચારસૃષ્ટિનો ખ્યાલ આપે છે. શ્રી કનૈયાલાલ ભોજકે ‘વિવેકવિચાર'માં વિવેક પદાર્થની તાત્ત્વિક ચર્ચા કરી છે: શ્રી પ્રેમયોગીએ ‘આધ્યાત્મિક ભૂમિકા'માં સામાન્ય વ્યક્તિઓમાં ધર્મભાવના પ્રગટાવવાનો યત્ન કર્યો છે. શ્રી ય. ગ. મારૂએ ‘સાંખ્યકારિકા વિવરણ'માં શ્રી દિગંબરજીનાં સાંખ્ય વિશેનાં પ્રવચનો આપ્યાં છે. ક્યાંક ‘એક સંતનો અનુભવ'માં છે તેમ કોઈકે આધ્યાત્મિક અનુભવ, તો ક્યાંક પરલોકવિદ્યાના નિરૂપણના પણ યત્નો થયા છે. દાદા ધર્માધિકારીનું ‘વિચારક્રાંતિ' તેમ જ શ્રી રાજચંદ્રનું ‘તત્ત્વજ્ઞાન અને કલ્યાણનો માર્ગ’ પણ એ વિષયનાં સુંદર પ્રકાશનો છે. ‘સ્ફુલ્લિંગ' (મંડળ ૪)માં શ્રી શાંતિલાલ ઠાકરે નિબંધો, અવલોકનો અને પ્રસ્તાવનાઓ સંગ્રહી છે. ‘જીવનપથ'માં શ્રી કનૈયાલાલ રાવળે જીવનને વિકાસમાર્ગે પ્રેરણા આપે એવા વિચારપ્રેરક નિબંધો આપ્યા છે. ‘ગીતામાં જીવનની કળા’ અને ‘લેખસંચય'માં શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયાના, પહેલામાં મૂળ અંગ્રેજી પરથી ગીતાની જ્ઞાનકર્મમીમાંસાના અને બીજામાં પ્રકીર્ણ લેખો છે. શ્રી પુરાતન બૂચે ‘અહિંસા વિશે'માં પોતાના મનનની નોંધો આપી છે. ‘સત્યાગ્રહ ખંડ-૧', ‘ગીતા પ્રવચનો', ‘સ્થિતપ્રજ્ઞદર્શન' જેવાં પુસ્તકો શ્રી વિનોબા ભાવેની મૂલગામી વિચારણા અનુવાદ દ્વારા ગુજરાતીમાં સુલભ કરી આપે છે. આ વિનોબાજીનાં પ્રવચનોના સંગ્રહો છે. પહેલામાં સત્યાગ્રહ, અહિંસા, ભૂદાન, અહિંસક ક્રાંતિ વગેરે અંગેના વિચારો વિશદરૂપે વ્યક્ત થયા છે અને વક્તાની મૌલિક વિચારસરણીનો, ગાંધીવાદની અસર છતાં, પરિચય આપે છે. ગીતાવિષયક બીજાં બે સત્ત્વગર્ભ પુસ્તકો ગીતાના મર્મને સમજવામાં ખૂબ ઉપયોગી છે. શ્રી અરવિંદના ‘ગીતા નિબંધો'નો પણ અહીં જ ઉલ્લેખ કરવો જોઈએ. શ્રી ગો. હ. ભટ્ટે ‘અરવિંદનો સંદેશ' સમજાવ્યો છે; શ્રી પ્રતાપરાય મોદીએ ‘ભગવદ્ગીતા' પર અભિનવ દૃષ્ટિબિન્દુ રજૂ કર્યું છે. ગાંધીજીનું ‘ગીતા શિક્ષણ' (સં. નરહરિ પરીખ), ‘સત્ય એ જ ઈશ્વર છે' (સં. આર. કે. પ્રભુ)માં ગાંધીજીના ગીતા, ઈશ્વર, સત્ય, ધર્મ, બ્રહ્મચર્ય, પ્રાર્થના-પૂજા વગેરે વિશેના વિચારો સંકલિતરૂપે રજૂ થયા છે. ‘સમન્વય દર્શન'માં શ્રી શાંતિલાલ દેસાઇના માનવધર્મવિષયક વિચારો વ્યક્ત થયા છે. શ્રી ઈશ્વરલાલ ૨. દવેનું ‘ગાંધીદર્શન' ગાંધીજીની વિચારણાને વિશદરૂપે સ્ફુટ કરવા પ્રયત્ન કરતું એ વિષયનું આકર્ષક પુસ્તક છે. ‘શાંતિનો માર્ગ' (અનુ. મણિભાઈ દેસાઈ) અને ‘જીવનમીમાંસા' (હી. બક્ષી) જેવી. અનુવાદિત કૃતિઓ પણ અહીં નોંધપાત્ર છે. આગળ જોયું તેમ, અનુવાદદ્વારા પણ તત્ત્વવિચારનું આપણું સાહિત્ય સમૃદ્ધ થયેલું છે. શ્રી કિશોરલાલ અને શ્રી રમણીકલાલ મોદીએ શ્રી કેદારનાથજીના વિચારો અને લેખોને ‘વિવેક અને સાધના 'દ્વારા સુલભ કરી આપ્યા છે. વિવેકદર્શન, ગુણદર્શન, ધર્મ્ય વ્યવહાર અને ચિત્તનો અભ્યાસ-એ ખંડ-વિભાગોમાંના ૪૪ લેખો ધર્મવિચાર અને સંસ્કૃતિવિચાર વિશેની વિચારણામાં સહાયભૂત થાય છે, વ્યક્તિ-સમાજનો અન્યોન્યાશ્રય બતાવી વ્યક્તિધર્મ તરફ અંગુલિનિર્દેશ કરે છે, ભોગપરાયણ અને પરંપરાગત ધર્મ-ભક્તિપરાયણ સંસારીને જાગ્રત કરે છે, વિવેકની દૃષ્ટિ આપે છે અને સાધનાના ઉત્સાહીને વિવેકયુક્ત રીતો દર્શાવી પ્રેરણા આપે છે. માનવજાતિનાં ઉત્કર્ષ અને ઉન્નતિમાં આમાંના વિચારો અનેક રીતે ઉપયોગી થાય એવા છે. એ જ રીતે કેદારનાથજીના બીજા લેખો શ્રી રમણીકલાલ મોદીએ ‘વિચારદર્શન'ના બે ભાગમાં સંપાદિત કર્યા છે. ધર્મ, નીતિ અને જીવન સંબંધી તેમ જ આત્મદર્શન માટેની સાધનાની આવશ્યકતાઓ વિશેના ધીરગંભીર વિચારોમાં મૌલિક જીવનદૃષ્ટિ છે અને એ સઘળા શ્રેય:સાધક વિચારો અત્યંત વિશદ રીતે વ્યક્ત થયા છે. ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા ખંડ ૧-૨ (પૂર્વાર્ધ) એ શ્રી એમ. હિરિયણ્ણાના વેદકાળથી આરંભી ઉપનિષદો, ગીતા, બૌદ્ધ-જૈન તત્ત્વદર્શન સુધીનો સુંદર પરિચય આપતા પુસ્તકનો શ્રી ચંદ્રશંકર શુકલે આપેલો અનુવાદ, હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલા વેદાંતવિષયક વિચારોનો ગ્રંથ ‘પક્ષપાત રહિત અનુભવપ્રકાશ' (સ્વામી શ્રી વિશુદ્ધાનંદજી, અનુ. ચુનીલાલ ઓઝા), પ્રમેયરૂપ આત્માના નિરૂપણથી જીવ-મુક્તિના સુખ-આવિર્ભાવના પ્રયોજન સુધીના ગહન વિષયોને રજૂ કરતા વિચારોનું પુસ્તક ‘તત્વાનુસંધાન' અને વેદાંતના મુખ્ય સિદ્ધાંતોના નિર્ણયની યુક્તિઓ રજૂ કરતું 'યુક્તિપ્રકાશ’ (સાધુ નિશ્ચલદાસ –અનુ. વાસુદેવ જોશી), શ્રી સાતવળેકરજી (અનુ. શ્રી વિદ્વાંસ)નું 'બ્રહ્મવિદ્યાપ્રકરણ', ખલીલ જીબ્રાનનું ચિંતન-દર્શનનો પરિચય આપતું શ્રી ધૂમકેતુઅનુવાદિત ‘જીબ્રાનનું જીવન સ્વપ્ન', ‘જીવનવાટિકા'; ડૉ. રાધાકૃષ્ણન્ (અનુ. શ્રી ચંદ્રશંકર)નું ‘હિંદુ જીવનદર્શન,’ અને શ્રી નગીનદાસ પારેખ અનુવાદિત ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ’ અને ‘મધ્યયુગની સાધનાધારા' (અનુ. જયંતીલાલ આચાર્ય) જેવી કૃતિઓ આ વિભાગની સમૃદ્ધિ વધારે છે. આપણાં કેટલાંક ઉપનિષદોના અનુવાદો અને વિવેચનવાળાં સંપાદન પણ આ ગાળામાં પ્રગટ થયાં છે. ‘માંડૂક્યોપનિષદ' શ્રી મગનભાઈ દેસાઈ અને સ્વામી પ્રણવતીર્થ બંનેએ અનુવાદિત કરી આપ્યાં છે, અને ઈશ, કેન અને કઠ ઉપનિષદ શ્રી વા. મ. જોશીએ. શ્રી મગનભાઈ એ કેનોપનિષદનું સુંદર સંપાદન પણ આપ્યું છે. આ ઉપનિષદોના બીજા કેટલાક અનુવાદો પણ પ્રકટ થયેલા છે. ‘આચારાંગ અને ઉત્તરાધ્યયનસૂત્ર'નું ગુજરાતી ભાષાંતર (સંતબાલજી), ‘ઉત્તરમીમાંસા બ્રહ્મસૂત્ર (શિવાનંદ), ‘કલ્પસૂત્ર-૨' (અનુ. ધાસીલાલ) અને ‘વા. મો. શાહની તત્ત્વકથાઓ' (સં. ત્રિભુવન હેમાણી) જેવી કૃતિઓ આ વિભાગને સત્ત્વશાળી બનાવે છે. ગીતાવિષયક તો અનેક અનુવાદો, વિવરણો અને વિવેચનો વર્ષેવર્ષે પ્રકટ થતાં જ રહે છે. ‘ગીતાદોહન વા તત્ત્વાર્થદીપિકા' (કૃષ્ણાત્મજ) જેવાં પુસ્તકો આનાં નિદર્શનો છે. શ્રી લાભશંકર પાઠકના 'યોગવાસિષ્ઠનાં સૂત્રો’ને પણ અહીં ઉલ્લેખવાં જોઈએ. ધર્મવિષયક અનેક લખાણો આ ગાળામાં પ્રકટ થયાં છે. શ્રી શાંતિલાલ ઠાકરે ‘વેદમંજરી', ‘યોગમંજરી’, ‘ધર્મનું સ્વરૂપ અને ષોડશ સંસ્કારો' અને ‘ચેતના'એ ચાર પુસ્તકોમાં ધર્મવિચારણાનું દોહન રજૂ કરવાનો યત્ન કર્યો છે; સ્વામી માધવતીર્થે ત્રિકાળજ્ઞાનનો મહિમા ‘ત્રીજી આંખ'માં સમજાવ્યો છે; ‘હવે તો જાગો'માં જૈનમુનિ ચિત્રભાનુએ ધાર્મિક-સામાજિક જીવનનાં પાસાને સ્પર્શ્યાં છે. તદુપરાંત ‘સ્ત્રીઓનો ગાયત્રી અધિકાર’ (શ્રી જટાશંકર નંદી); ‘ધન્ય અક્ષયતૃતીયા', ‘ગાયત્રીવિજ્ઞાન', ‘ગાયત્રીઉપાસના’, ‘દેવી ઉપાસના' જેવાં પંડિત વિષ્ણુદેવનાં પુસ્તક; ‘સોળ સોમવારની કથા' કે ‘શિવ મહાપુરાણ',‘ઈદ, નમાઝ તથા નિકાહ' જેવાં અનેક પુસ્તકો ધર્મભાવના અંગેના વિવિધ વિચારોને સ્પષ્ટ કરે છે. ‘બૃહત શિક્ષાપત્રી' (અનુ. સુંદરલાલ), શ્રી કે. કા. શાસ્ત્રીનું ‘પુષ્ટિમાર્ગ અને લોકેષણા', શ્રી બેચરદાસ પંડિતનું ‘મહાવીરવાણી', શ્રી ભગવાનદાસ મહેતાનું ‘આનંદધનજીનું દિવ્ય જિનમાર્ગ દર્શન' અને ‘પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા' જેવાં કેટલાંક પુસ્તકો પણ વ્યાપક રીતે આ જ વિભાગમાં સ્થાન પામે છે. શ્રી સત્યવેદીએ ‘પારસીધર્મ'નું અવલોકન કર્યું છે. સ્વામી માધવતીર્થે સનાતનધર્મનો અભ્યાસ રજૂ કર્યો છે, શ્રી હરિરામ બ્રહ્મર્ષિએ હિંદુધર્મ દર્શન' કરાવ્યું છે, અને શ્રી આર. પી. ચવાણે ‘ખ્રિસ્તીધર્મ' વિશે લખ્યું. છે. ભક્તિપ્રબોધની કેટલીક કૃતિઓ પણ પ્રકટ થઈ છે. શંકર મહારાજની 'પ્રભુદર્શન અને પ્રાર્થના' એનું ઉદાહરણ છે. મુસ્લિમ ધર્મ માટે ઈસ્માઈલી ધાર્મિક શિક્ષણમાળાના મણકા તેમ જ ઇસ્માઇલી ઇમામોનો ઇતિહાસ પણ પ્રકટ થયેલ છે. આ વિભાગનાં કેટલાંક પુસ્તકોમાં ઘણીવાર પરંપરાની ધર્મદૃષ્ટિનું, આચારવિચારનું અને સંસ્કારોનું નિરૂપણ હોય છે, અને વ્રતકથાઓ, માહાત્મ્યકથાઓનો પણ એમાં સમાવેશ થાય છે. કવચિત્ વૈજ્ઞાનિક દૃષ્ટિ કે નૂતન વિચારસરણી સાથે એ પરંપરાની દૃષ્ટિનો મેળ બેસાડવાના પણ એમાં પ્રયત્નો હોય છે. કવચિત્ એમાંથી નવીન અર્થઘટનો પણ તારવવામાં આવે છે. કેટલીકવાર ધર્મની વિકૃત સમજણ વિશે પણ લખાણો પ્રકટ થાય છે. શ્રીમતી સરોજિની મહેતાએ એવા કેટલાક કિસ્સાઓ ‘સંસારના રંગ'માં પ્રકટ કર્યા છે, જ્યારે શ્રી પ્રકાશાનંદે ‘આપણો ધર્મ’ પ્રબોધ્યો છે. સદાચારવિષયક કેટલીક કૃતિઓ પણ પ્રગટ થઈ છે. સ્પેનના વતની રેવ. ફાધર સી. જી વાલેસે વિદ્યાર્થીઓને નૈતિક માર્ગદર્શન કરાવતી પુસ્તિકા ‘સદાચાર' ગુજરાતીમાં જ લખીને પ્રકટ કરી છે એ અનેક રીતે આવકારપાત્ર છે. ગુજરાતને પોતાના કાર્યક્ષેત્ર તરીકે સ્વીકાર્યા પછી થોડા જ સમયમાં ગુજરાતી ભાષામાં ભાતૃભાષા જેટલી જ સરળતાથી પોતાના સુંદર અને પ્રેરક વિચારો આ પુસ્તિકામાં તેઓ વ્યક્ત કરી શક્યા છે. ઉચ્ચજીવનને પ્રેરણા આપતું ‘સદાચારને પગલે' પણ શ્રી શશિન્ ઓઝાએ અનુવાદ દ્વારા સુલભ કરી આપ્યું છે. ધર્મભાવને કેન્દ્રમાં મૂકતાં કેટલાંય કથાનકો અને છૂટીછવાઈ પુસ્તિકાઓ ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયાં છે. પણ એ સર્વનો નામનિર્દેશ શક્ય નથી.