ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ઈમામશાહ લાલશાહ બાનવા
એઓ જાતે મુસલમાન-બાનવા ફકીર છે. એમનો જન્મ ખેડા જીલ્લામાં આવેલા કપડવણજ ગામમાં તા. ૨૦ મી જુલાઈ ૧૮૯૬ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ લાલશાહ બફાતીશાહ બાનવા; અને માતાનું નામ મરીયમબુ હુશેનશાહ છે. એમનું મૂળ વતન રેવાકાંઠામાં આવેલા બાલાસિનોર છે. એમનું પહેલું લગ્ન સકીનાબુ-ચાંદશાહ સાથે સન ૧૯૧૨માં થયું હતું, જેઓ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાંથી ત્રીજા વર્ષમાં પાસ થયલા હતા. તેઓ બે પુત્રી અને એક પુત્ર મૂકી મૃત્યુ પામ્યા બાદ તેમનું લગ્ન ફરી એમના બ્હેન અજીમ ચાંદશાહ સાથે સન ૧૯૨૩માં થયું હતું. એઓ પોતે પણ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંથી બીજા વર્ષમાં પાસ થઇ અત્યારે પત્રકારિત્વના ધંધામાં જોડાયલા છે. એના પિતા એમને છ માસના મૂકીને મૃત્યુ પામેલાં. ગરીબ સ્થિતિમાં માની સાથે મોસાળમાં ઉછરેલા. ત્યાં પણ સ્થિતિ એવી નહિ કે સારી રીતે રહી શકે; છતાં જાત મહેનત અને ઉદ્યમથી પોતાનું ગુજરાન કરી તેઓ આજની સ્થિતિએ પહોંચ્યા છે; અને તેનો યશ તેઓ પોતાની માતાને આપે છે. એમના મામા અમીરશાહ હુસેનશાહ-કોઠાવાલાનો વિચાર એમને મોલવી બનાવવાનો હતો; પણ એઓમાં માંહોમાંહે જે ઝઘડા ચાલુ રહે છે, તેથી સંતાપ પામીને પોતે શિક્ષક થવાનું પસંદ કરેલું. વળી ખુશી થવા જેવું એ છે કે શિક્ષણના જે ફાયદા પોતે અનુભવ્યા છે તે લાભ તેઓ પોતાની બે પુત્રીઓને પણુ આપી રહ્યા છે. ઇતિહાસ એ એમનો પ્રિય વિષય છે.
: : એમના ગ્રંથો : :
| ૧. | ખાતુને જન્નત | સન ૧૯૨૧ |
| ૨. | તરૂણીના તરંગ કિંવા ચિતોડનું સૌંદર્ય | ” ૧૯૩૦ |
| ૩. | અશ્રુધારા | ” ” |