ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કોપીરાઈટ એટલે શું?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કોપીરાઈટ એટલે શું?

સન ૧૯૧૧ના કોપીરાઇટના કાયદાથી જે કાંઇ સાહિત્ય, કળા કે સંગીતના વિષયમાં કાર્ય કર્યું હોય તેનાં ફળ-મળતરનો હક્ક તેના કર્તાને તેની હયાતિ દરમિયાન અને મૃત્યુ બાદ બે પેઢી સુધી મળી શકે છે. પૂર્વે એ લાભ સન ૧૮૪૨ના કોપીરાઇટ એક્ટ પ્રમાણે કર્તાને તેની હયાતિ અને મૃત્યુ બાદ સાત વર્ષ સુધી અગર કુલ બેતાલીસ વર્ષ-એ બેમાંથી જે વધુ હોય તે મુદ્દત સુધી મળતો હતો. હમણાં તે હક્ક તેની હયાતિ અને તેના મૃત્યુ પછી પચાસ વર્ષ સુધી ચાલુ રહે છે. ટુંકાણમાં કોપી રાઈટ એટલે કે કર્તાઓ પોતે જે કાંઈ રચ્યું હોય તેની વધુ પ્રતો કાઢવાનો તમામ હક્ક ફક્ત તેને કર્તાનેજ પ્રાપ્ત થાય છે. અગાઉ પુસ્તક રજીસ્ટર કરાવવું પડતું હતું. પણ હવે જેવું પુસ્તક પ્રસિદ્ધ થાય કે તુરત તે પુસ્તક કોપીરાઈટ ગણાય છે. સામાન્ય નિયમ તરીકે અહિં જણાવવું જોઇએ કે કોપીરાઇટનો હક્ક માત્ર તે પુસ્તક-કૃતિ પરત્વે રહે છે; તેમાંની વિગત કે માહિતીનો કોઈને ઉપયોગ કરવામાં બાધ આવતો નથી. તેમ વર્તમાન પત્ર, માસિકમાં તેની સમાલોચના, મુદ્દાના ઉતારા કરવામાં કે સાર આપવામાં કે તેમાંનો ભાગ વાંચી ગાઈ સંભળાવવામાં પ્રસ્તુત પ્રતિબંધ નડતો નથી. કોઇ પણ પ્રકાશક કર્તાના મૃત્યુ પછી ૨૫ વર્ષે તેના વારસોને તેની કૃતિની નવી આવૃત્તિ કાઢવાની ખબર તેમ તેને દરેક નકલ દીઠ ૧૦ ટકા રૉયલટી આપીને છપાવી શકે. કર્તાના મૃત્યુ બાદ તેના માલિક જો તે ફરી છપાવવાની ના પાડે અગર છપાવા ન દે તો તેમને તે છાપવાની પરવાનગી આપવા કાયદાથી ફરજ પડે છે. આ સવડ કોઇ સાહિત્ય કે કળા વિષયક કૃતિનો લાભ જનતાને મળતો અટકાવવામાં આવે, એ પુરતી રાખેલી છે. સદરહુ કોપીરાઇટને અમલ બર્નીના (Berne) કરારનામાપર જે બધા દેશોએ સહી કરેલી છે તે બધાને લાગુ પડે છે. માત્ર તેના તરજુમા સંબંધી કેટલાક દેશોએ થોડીક સત્તા સ્વાધીન રાખી છે. અમેરિકન કોપીરાઇટ ઍક્ટ ઉપરનાથી કેટલીક રીતે જૂદો છે. ત્યાં કોપીરાઈટની મુદ્દત ૨૮ વર્ષની છે; પણ તે મુદ્દત પૂરી થતાં એક વર્ષ આગમચ કર્તા કે તેની સ્ત્રી, છોકરાંઓ અગર ટ્રસ્ટીઓ અરજી કરેથી ફરી તે મુદ્દત બીજાં ૨૮ વર્ષ માટે વધારી આપવામાં આવે છે. બ્રિટિશ ગ્રંથકારો અમેરિકન કોપીરાઈટનો લાભ લેવા ઇચ્છતા હોય એમણે તેના પ્રકાશનના ૬૦ દિવસની અંદર તેની એક પ્રત કોન્ગ્રેસ લાઈબ્રેરીમાં રજુ કરવી જોઇએ; અને ચાર માસની અંદર તે પુસ્તક ફરી અમેરિકામાં નવેસર છપાય તો જ તેને ત્યાંના કોપીરાઈટનો હક્ક પ્રાપ્ત થાય છે.