ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તક પ્રકાશન વિષે
આપણે અહિં ઈંગ્લાંડ અમેરિકાની પેઠે વહેપારી પ્રકાશન સંસ્થાઓ જૂજનીજ છે; અને લેખકોને તેમના તરફથી બદલો પણ નહિ જેવો મળે છે. ઘણાંખરાં પુસ્તકો તો ગ્રંથકાર જાતે છપાવે છે; પણ કદાચ તે કોઈ પુસ્તક એકાદ પ્રકાશક સંસ્થા વા વ્યક્તિ દ્વારા પ્રકટ કરે, તો તેને લગતો કરાર કરવા કેટલીક વિગતો જાણવી જરૂરની છે. ૧. કમિશન–ગ્રંથકાર પદરથી કોઈ પુસ્તક છપાવે તો પ્રકાશક એજન્ટને તેનું વેચાણુ કરવા માટે સેંકડે સાડાબારથી પચીસ ટકા કમિશન તેની મહેનત વગેરે બદલ આપવું જોઇએ. ૨. કોપીરાઈટ—પ્રકાશક સંસ્થા વા વ્યક્તિ તરફથી એક સામટી રકમ મળેથી ગ્રંથકાર પોતાનો હક્ક તે પ્રકાશકને આપી દે છે. અત્યારે આપણે ત્યાં ઘણીખરી પ્રકાશક સંસ્થાઓ વા વ્યક્તિઓ લેખકને પારિતોષિક વા ઉંચક રકમ આપી દઈ. ગ્રંથસ્વામિત્વનો હક્ક મેળવે છે. [આ સંબંધમાં કોપીરાઈટ એક્ટ શું છે’ એ લેખ વધુ માહિતી જુઓ.] ૩. નફાની વહેંચણી—ટેક્સ્ટ બુક જેવી ચોપડીઓ જેની ચાલુ માગણી થતી રહેતી હોય એવા પ્રકાશનમાં સદ્ધર અને જાણીતી પ્રકાશક સંસ્થાઓ વા વ્યક્તિઓ સાથે નફામાં ભાગીદારી રાખવાથી લાભ છે; પણ એ નફાની વહેંચણીની સરળતા કરવામાં સાવચેતીની જરૂર છે. ૪. રૉયલટી—સારા પુસ્તકો, જેનું વેચાણ બહોળું થવાનો સંભવ હોય તેનું પ્રકાશન અને વેચાણ સવા છ ટકાથી ૧૫ ટકા સુધી, મળવાની સરતે કરાર થાય એ યોજના પણ સારી છે; પણ એ લાભ બધાને નહિ; માત્ર પ્રતિષ્ઠિત અને નામીચા ગ્રંથકારોને મોટે ભાગે મળવાનો સંભવ છે. વાસ્તે કોઇ પણ પુસ્તક પ્રસિદ્ધ કરતા પૂર્વે પ્રકાશક સંસ્થા વા વ્યક્તિ સાથે ઉપરમાંની એકાદ રીતિ મુજબ કરાર કરવા, એ સલામત છે.