ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જયસુખરાય પુરૂષોતમરાય જોષીપુરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જયસુખરામ પુરૂષોતમરાય જોષીપુરા,

એમ. એ.,

એઓ જ્ઞાતિએ વડનગરા નાગરબ્રાહ્મણ ગૃહસ્થ છે. એમનું મૂળ વતન જુનાગઢ અને જન્મ પણ એ જ સ્થળે સન ૧૮૮૧ (સં. ૧૯૩૭) માં થયો હતો. એમના પિતાનું નામ પુરૂષોત્તમરાય રામજી જોષીપુરા અને માતાનું નામ ગંગાલક્ષ્મી છે. એમનું પ્રથમ લગ્ન જુનાગઢમાં સન ૧૮૯૫ માં રા. મૂળશંકર વસાવડાની પુત્રી સ્વ. યુગલલક્ષ્મી સાથે થયું હતું. બીજું લગ્ન સન ૧૯૧૦ માં સ્વ. કલ્યાણરાય બક્ષી–રાજકોટના-ની પુત્રી સ્વ. નિર્મળાગૌરી સાથે અને ત્રીજું લગ્ન સન ૧૯૧૭ માં પેટલાદમાં રા. રતનલાલ ધોળકિયાના પુત્રી સૌ. જયશ્રી સાથે થયું હતું. એમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી જુનાગઢમાં લીધેલી. ઉંચું શિક્ષણ જુનાગઢ, ભાવનગર અને મુંબાઇમાં એમ વારાફરતી જૂદે જૂદે સ્થળે લીધેલું. સન ૧૯૦૪ માં તેમણે લૉજિક અને ફિલોસોફી લઈને બી. એ. ની પરીક્ષા બાવદીન કૉલેજમાંથી પસાર કરી હતી; અને સન ૧૯૦૫ માં ગુજરાતી ઐચ્છિક વિષય લઈને એમ. એ. થયા હતા. સન ૧૯૦૬ માં પહેલી એલ એલ. બી. માં ફતેહમંદ થયલા; અને બીજી એલ એલ. બી. માટે વાંચેલું. સન ૧૯૦૮ માં વડોદરા રાજ્યમાં વિદ્યાધિકારીના (સાહિત્ય ખાતાના) મદદનિશ તરીકે નિમણુંક થતાં ત્યાં તેઓ લાંબા સમય સુધી રહેલા; પણ થોડાક સમયથી કામ પરત્વે કાંઈ મતભેદ થતાં તેઓ છૂટા થયલા છે; જો કે તેમને જે અન્યાય નોકરીના અંગે થયલો છે તે દૂર કરાવવા અને ફરી અસલ સ્થાને નિમાવા તેમની તજવીજ ચાલુ છે. કૉલેજમાં હતા ત્યારથી સાહિત્ય અને સમાજ સુધારણા પ્રતિ શોખ; તે ખાતર જન્મસ્થાનમાં એક ‘યુનિયન’ સ્થાપેલું, ત્યાં નરસિંહ મહેતા વિષે પ્રથમ લેખ વાંચેલો, જે પાછળથી છપાયલો અને એ કવિના અભ્યાસી માટે તે એક પ્રમાણભૂત નિબંધ ગણાય. તે પછી વડોદરા રાજ્યની નોકરીમાં રહીને તેઓ સતત્‌ સરસ્વતી દેવીની ઉપાસના કરતા રહેલા છે. સન ૧૯૧૨ માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ મળેલી, તેના તેઓ એક મંત્રી નિમાયા હતા અને તે પ્રસંગનો લાભ લઈને ગુજરાતીમાં પ્રસ્તુત ‘ગ્રંથ અને ગ્રંથકાર’ જેવું સચિત્ર “સાક્ષરમાળા” નામનું એક ઉપયોગી રેફરન્સ પુસ્તક પ્રકટ કર્યું હતું, જે ખરે, એમના દીર્ઘ પ્રયત્નનું ફળ હતું. હિન્દુ વાઙ્‌મય અને ધર્મ અને સંસ્કૃતિના તેઓ ઉંડા અભ્યાસી છે; અને સાહિત્ય અને ઇતિહાસના એક સ્વતંત્ર લેખક અને અભ્યાસી તરીકે ગુજરાતી લેખકમાં એઓ માનભર્યું સ્થાન ધરાવે છે. એમણે લખેલ “ઉન્નતિવિચાર” નામક સૂક્ષ્મ વિચારણાવાળો ગ્રંથ વાંચવાથી આ બાબતની પ્રતીતિ થઈ આવશે. ‘સયાજી સાહિત્યમાલા’ અને ‘બાલસાહિત્યમાલા’ની યોજના કરવામાં અને તેના પ્રકાશન કાર્યમાં એમનો જ હાથ પાછળ રહેલો જણાશે. વડોદરાની ભિન્ન ભિન્ન સાહિત્ય અને કેળવણી વિષયક હિલચાલોમાં તેઓ અગ્ર ભાગ લેતા; એટલું જ નહિ પણ તે માટે પાઠ્ય પુસ્તકો યોજવા-સુધારવા અને “શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ” જેવા મહત્ત્વનાં કાર્યો આરંભવા અને કરવામાં એમણે અથાગ શ્રમ સેવ્યો હતે. વળી ધર્મ અને તત્ત્વજ્ઞાન માટે એમને એટલો જ તીવ્ર અનુરાગ; અને વડોદરા રાજ્યમાંથી આશાયશ માટે રજા પર આવેલા ત્યારે ‘શ્રી શારદાપીઠ’ની પ્રવૃત્તિમાં સામેલ થઇ, તેના તરફથી કેટલીક મુદત “શારદા પીઠ” નામનું એક માસિક એડિટ કર્યું હતું. પરંતુ વચ્ચે વચ્ચે માંદગી આવી જતાં, એમની પ્રવૃત્તિ શાન્ત પડતી; પણ પોતાના પ્રિય વિષયોનું વાચન અને અભ્યાસ તો ચાલુ જ છે. એમના કેટલાક પ્રકટ ગ્રંથોની સૂચિ નીચે ઉતારેલી છે, તે બતાવી આપશે કે એમની બુદ્ધિ શક્તિ કયા કયા ક્ષેત્રોમાં ફરી વળેલી છેઃ

: : એમની કૃતિઓ : :

૧. Life and Teachings of Narsinh Mehta*(ઇંગ્રેજી) સન ૧૯૦૮
૨. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જીવન તથા કવન*  ”  ૧૯૦૯
૩. મોન્તેનના નિબંધો  ”  ૧૯૦૯
૪. વાણિજ્ય શાસ્ત્ર  ”
૫. જ્ઞાતિ નિબંધ  ”
૬. કાવ્ય કલિકા*  ”  ૧૯૧૦
૭. ભક્ત કવિ ભોજલ*  ”  ૧૯૧૧
૮. સાક્ષરમાળા*  ”  ૧૯૧૨
૯. અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા.  ”  ૧૯૧૫
૧૦. હિંદુસ્તાન તથા યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા*  ”
૧૧. યુદ્ધવીર દિવાન અમરજી* (ઇંગ્રેજી તથા ગુજરાતીમાં)  ”  ૧૯૧૬
૧૨. સ્મરણાંજલિ*  ”  ૧૯૧૭
૧૩. અલકાને અદ્‌ભુત પ્રવાસ  ”
૧૪. આપણા લઘુ બન્ધુ અંગ્રેજ ઉર્ફે અંગ્રેજી બાલ જીવન  ”
૧૫. મણિશંકર કીકાણી*  ”  ૧૯૧૯
૧૬. ગિરનારનું ગૌરવ*  ”
૧૭. શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ*  ”
૧૮. વીર પુરૂષો (રા. ભરતરામ ભાનુસુખરામ મહેતા સાથે  ”
૧૯. ઉન્નતિ વિચાર ભા. ૧ લો*  ”  ૧૯૨૪
૨૦. ભા. ૨ લો*  ”
૨૧. ચંદ્રગુપ્ત મૌર્ય*  ”  ૧૯૨૮
૨૨. નરસિંહ મહેતા*  ”  ૧૯૩૧
૨૩. કૌટિલીય અર્થશાસ્ત્ર (સ્વતંત્ર ઉપોદ્‌ઘાત સહિત) " "

આ ઉપરાંત નાગર ‘ત્રિમાસિક,’ ‘શ્રીભક્ત’ અને “સાહિત્ય” વગેરે માસિકમાં ‘નાગરપુરીમાં પ્રવાસ,” “કવિ અને કવિતા” વગેરે લેખો તથા કવિતાઓ પણ તેમણે પ્રકટ કરાવેલ છે.

*સ્વતંત્ર ગ્રંથો છે; જ્યારે બાકીનાં બીજાં બધાં ભાષાન્તર કે અનુવાદો છે.