ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/દત્તાત્ર્ય બાલકૃષ્ણ (કાકા સાહેબ) કાલેલકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દત્તાત્રેય બાલકૃષ્ણ (કાકા સાહેબ) કાલેલકર

એઓ જ્ઞાતે ગૌડ સારસ્વત બ્રાહ્મણ છે. મૂળ વતની બેલગામમાં આવેલા શહાપુર ગામના અને છેલ્લાં ચૌદ વર્ષ (૧૯૧૭) થી સત્યાગ્રહ આશ્રમમાં મહાત્માજી સાથે આવી વસેલા. એમનો જન્મ ઈ. સ. ૧૮૮૬; સં. ૧૯૪૨ના કાર્તિક વદ ૧૦ ના રોજ સતારામાં થયો હતો. એમના પિતાનું પૂરૂં નામ બાલકૃષ્ણ જીવાજી કાલેલકર અને માતુશ્રીનું નામ અ. સૌ. કૈ. રાધાબાઈ (ગોદાવરીબાઈ ભિસે) છે. એમનું લગ્ન સન ૧૯૦૨ માં (સં. ૧૯૫૮ના જેઠ માસમાં) શહાપુરમાં જ અ. સૌ. કૈ. લક્ષ્મીબાઈ–તે સુંદરાબાઇ વામનરાવ શિરોડકર–સાથે થયું હતું. એમણે પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી જૂદે જૂદે લગભગ દશ બાર સ્થળે લીધી હતી અને કૉલેજનો અભ્યાસ પૂના અને મુંબાઈમાં કર્યો હતો. કૉલેજમાં એમને સ્કોલરશીપો મળતી. એમણે ફિલસુફી અને ન્યાય ઐચ્છિક વિષય તરીકે પસંદ કરી બીજા વર્ગમાં બી. એ.ની પરીક્ષા સન ૧૯૦૭ માં ફરગ્યુસન કૉલેજમાંથી પાસ કરી હતી. તે પછી ફર્સ્ટ એલ એલ. બી. પસાર કરેલી અને બીજી એલ એલ. બી. માટે વાંચેલું પણ ખરૂં; પણ તેમાં બેસી શકેલા નહિ. એમના પ્રિય વિષયો ઉપનિષદ્‌ અને જ્યોતિષ છે. એમના જીવનને, સ્વામી વિવેકાનંદ, ટાગોર અને ગાંધીજીનાં લખાણો અને જીવનથી, નવીન બળ મળ્યું છે. વળી સ્વ. રાનડે, શ્રીયુત અરવિંદ ઘોષ, કુમારસ્વામી અને સિસ્ટર નિવેદિતા, એઓની અસર પણ એમના પર થોડી થઈ નથી. એ સર્વ મહાન પુરુષો અર્વાચીન હિંદના પ્રતિભાશાળી વિધાયકો છે અને એમની પાસેથી જે પોતાને પ્રાપ્ત થયું, તેને જીવનમાં ઉતારવા અને તે પ્રમાણે આચરવા અને જનતાને તેનો ઉપદેશ કરવા એમણે વ્રત લીધેલું હોય એમ એમનું તે પછીનું જીવન કહે છે. દેશની ગરીબ સ્થિતિથી તેમનું દિલ બહુ દાઝતું-દ્રવતું; રાષ્ટ્રભાવના મહારાષ્ટ્રમાં તિલક વગેરેના પ્રચારકાર્યથી જ્વલંત હતી, તેની અસર એમના પર પણ થઈ હતી અને વિવેકાનંદ વગેરેનાં લખાણો વાંચતાં, એ લાગણી બહુ તીવ્ર અને આવેશવાળી બની હતી. તે કારણે તેઓ બહુ ફરેલા; તે દરમ્યાન તેમણે ઋષિકુળ, હરદ્વાર, સિંધ, શાંતિનિકેતન અને બંગાળી બ્રહ્મચર્યાશ્રમમાં કામ કરેલું, અનેક જાણીતા પુરૂષોનો સમાગમ શોધેલો; પણ એમના અંતરની તરસ તો મહાત્માજીએ જ છીપી; અને ત્યારથી તેઓ એમના અનન્ય ભક્ત, નિજ જન થઇને રહેલા છે. ગુજરાત વિદ્યાપીઠને પોષવામાં અને ગુજરાતી દ્વારા જનતામાં મહાત્માજીના ઉપદેશનો પ્રચાર કરવામાં એમની કલમે જે કિમતી ફાળો આપ્યો છે તેમજ સ્વતંત્ર, નૈસર્ગિક વિચાર અને ભાષાશૈલીવાળું ગદ્ય નવું અને જોમવાળું ઊભું કર્યું છે તે મનરંજક અને અસરકારક નિવડી, વાચકને તેના પ્રવાહમાં ખેંચે છે અને એની તેના પર પ્રબળ-જબરજસ્ત અસર થાય છે. નવજીવન અને નવજીવન પ્રકાશન મંદિર સાથેનો એમનો સંબંધ નિકટ અને જાણીતો છે અને તે દ્વારા આપેલો ફાળો સંગીન અને કિમતી જણાશે. એમની તે સફળતાની કુંચી એમના ચારિત્ર્યમાંથી મળી આવશે. તે જેટલું શુદ્ધ, પવિત્ર છે અને જેટલું સિદ્ધાંત માટે ટેકીલું તેટલું તે પ્રમાણે વર્તન કરવા આગ્રહી છે. તેનું એક ઉજ્જ્વળ ઉદાહરણ એમના સાંસારિક જીવનમાંથી મળી આવે છે. સત્યાગ્રહની લડતના સિદ્ધાંતના આચરણ અંગે એમને એમના પત્ની અને પુત્ર સાથે તીવ્ર વિરોધ થયો; એટલે સુધી કે સિદ્ધાંતના નેક ટેક ખાતર માતા પુત્ર અને પતિ એક બીજાથી છૂટા પડ્યા. એક આર્ય અબળાને અને પતિને એમ જૂદાં પડતાં કેટલું દુઃખ થયું હશે તેની કલ્પના કરવી બસ થશે. છતાં એમનામાં કેવું ઉંચું હીર પ્રકાશતું હતું તેની પરીક્ષા, પુત્ર મહાત્માજી સાથે દાંડી કુચમાં બધું તજી દઇને ગયો ત્યારે થઇ હતી; અને એમના પત્નીનો અંત સમયનો પતિ સાથેનો છેલ્લો ભેટો જેમ કરૂણ તેમ એક આર્ય અબળાને ગૌરવ આપી, તેમના માટે આપણને માન ઉપજાવે અને પ્રોત્સાહક અને પ્રેરક થાય એવો હતો. ગુજરાતીને નિજ ભાષા માની એ મહારાષ્ટ્ર બંધુએ જે અપૂર્વ સેવા આપણા સાહિત્યની કરી રહ્યા છે, તે કદિ વિસરી શકાશે નહિ.

: : એમની કૃતિઓ : :

૧. રામતીર્થ (મરાઠી) સન ૧૯૦૮
૨. સ્વદેશી ધર્મ  ”   ૧૯૨૦
૩. હિમાલયનો પ્રવાસ  ”  ૧૯૨૩
૪. પૂર્વ રંગ  ”
૫. કાલેલકરના લેખો ભાગ ૧  ”  ૧૯૨૪
૬. ભાગ ૨  ”  ૧૯૨૫
૭. ઓતરાતી દિવાલો  ”