ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/નરસિંહ મહેતો અને તેના જીવનના અદ્‌ભુત પ્રસંગો

(૪)
નરસિંહ મહેતો અને તેના જીવનના અદ્‌ભુત પ્રસંગો–તેની કવિતાની તુલના[1]

મારા છેલ્લા ભાષણમાં મેં કવિ અને તેના કાળનું ચિત્રાવલોકન કર્યું હતું અને તેના પૂર્વગામી તેમ જ સમકાલીન સાહિત્યની અને ધાર્મિક વિચારોની તેની કવિતા ઉપર થયેલી અસર વિષે પણ વિવેચન કર્યું હતું. આજના ભાષણમાં તેના જીવનમાં જણાતા અદ્‌ભુત પ્રસંગો ઉપર વિવેચન કરી અને તેની કવિતાની તુલના કરી વિરમીશ. ભાષણના પહેલા ભાગમાં નરસિંહ મહેતાના જીવનના અદ્‌ભુત પ્રસંગો વિષે બોલીશ. જયદેવની માફક નરસિંહ મહેતો તેની કવિતા ‘સુરત સંગ્રામ’ માં એક ગૌણ પાત્ર તરીકે ખડો રહે છે, તે આપણે જેયું. તે કવિતામાં વર્ણવેલા પ્રસંગેમાં નરસિંહ મહેતો જાતે ભાગ લે છે એટલું જ નહિ પણ અપર જાતિ ધારણ કરી રાધાની દૂતી તરીકે હાજર થાય છે.૧ [2] આ કેવળ કવિની તીવ્ર ધાર્મિક વિચારોથી ઘડી કાઢેલી કલ્પનાસૃષ્ટિ છે. આ જ પ્રમાણે બીજે ઘણે ઠેકાણે કવિ કૃષ્ણના જીવન પ્રસંગોનો પ્રત્યક્ષ દ્રષ્ટા હોવાનો દાવો કરે છે. જેમકેઃ–

સુંદરી પામી અતિ ઉલ્લાસજી કરતાં કામ રસ ભોગ વિલાસજી;
વિલસાવવા વાસજી હૂતો નરસૈંયો પાસજી
પાસે રહીને નયન નિરખ્યો અનુભવ રસ થયો જેહ;
જેવી લીલા નજરે દીઠી મુખડે ગાઈ તેહ.
(ચાતુરી ષોડશી પદ, ૯ મું. પં. ૧ થી ૪.)

વળી જ્યારે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ ખેલતા હતા ત્યારે કવિ મશાલધારી બન્યા હતા તે વાતનો ખુલાસો આજ પ્રમાણે આપી શકાય. (હમણાં થોડા જ કાળ ઉપર એક રામાનુજીય ગુજરાતી ભક્ત કવિએ રામના શય્યાગૃહના દ્વાર આગળ ઊભો ઊભો પોતાને ટટ્ટી ઉપર પાણી છાંટતો વર્ણવ્યો છેઃ

“દાસ અનંત ઊભો તહિં કાંઈ ટટ્ટી છાંટે.”

આમાં નરસિંહની કલ્પનાનું ચોખ્ખું અનુકરણ છે) પણ આપણે નરસિંહ મહેતાના જીવનના અદ્‌ભુત પ્રસંગો વિષે શો ખુલાસો આપીશું? દાખલા તરીકે પહેલાં આપણે કૃષ્ણની રાસલીલાનો પ્રસંગ લઇએ. નરસિંહ એવો દાવો કરે છે કે શિવ જાતે જ તેને રાસલીલા જોવા તેડી ગયા અને તેણે રાસલીલા પ્રત્યક્ષ નજરે જોઇ. આને વિષે અનેક જાતના ખુલાસા આપવામાં આવ્યા છે, જેમાં શ્રી હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળાનો ખુલાસો તદ્દન સહેલોસટ છે. તેઓશ્રી જણાવે છે કે હાલની વૈજ્ઞાનિક શોધખોળો જોતાં આવા ચમત્કારો તદ્દન અસંભવિત નથી. ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો યોગના પ્રેયોગથી આવા ચમત્કારો થઈ શકે છે. આના સમર્થનમાં તેઓશ્રી મેડમ બ્લેવેટ્‌સ્કીના થીઓસોફીકલ માર્ગ અને ચમત્કારો કે જેણે ઘણા માણસોનું પરિવર્તન કર્યું છે તેનું દૃષ્ટાન્ત આપે છે. ઠગાનારાઓની વાતો માને એવા ભોળા માણસના મત ઉપર ટીકાની કાંઇ જ જરૂર નથી. હમણાં જ ફક્ત ત્રણ કે ચાર વર્ષ ઉપર લોકોએ મહાત્મા ગાંધીને મધ્યમૂર્તિ તરીકે મૂકીને વર્ણવેલા ચમત્કારો લગતી અનેક ન મનાય એવી અફવાઓ ઉરાડી હતી. સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરતાં આપણે શ્રી હરગોવિંદદાસ કાંટાવાળા સાથે સંમત થઇ શકીએ નહિ. આપણે તો માન્યા વગર છૂટકો નથી કે આ બીનાઓ કવિના અતિશય તીવ્ર ધાર્મિક વિચારોને અવલંબીને ઉત્પન્ન થયેલી કલ્પનાસૃષ્ટિની જ કથાઓ છે. અને આ મત સૂચવતાં લખાણો નરસિંહની કવિતામાંથી જ મળી આવે છે. રાસલીલાદર્શન સંબંધમાં જ કવિ કહે છે કે :–

“શ્રી વંદ્રાવન જમુના તીરે બંસી બટે રસ જામિયો,
પ્રેમે પીયા રાસ રમિયા ત્યાં નરસૈયો ઝૂલી રહ્યો.
(ચાતુરી ષોડશી, પદ ૮ મું પંક્તિ છેલ્લી બે)
xxxx
xxxx
પાસ રહીને નયન નિરખ્યો અનુભવ રસ થયો જેહ;
જેવી લીલા નજરે દીઠી મુખડે તે ગાઈ તેહ.
દીવી તે મ્હારે હાથ દીધી, કહે નરસૈયો આ નિધ (? સાંનિધ) જોઈ;
વિલાસ ગોકુળનાથનો ભૂતલ ગાય સોઇ,
બલ અધિક કરી કરુણા (? કરમાં) આપિયો કરતાલ;
હું સુખે લાગું ગાન કરવા પ્રસન્ન થયા ગોપાળ.
ભામનીમાં ભળી ગયો જેમ સાગરમાં રતન;
મહારસમાં ઝીલિયો, આનન્દ પામે મન.
ભાવ જણાવ્યો નયનમાં, ઉપજ્યો મનમાં તેહ;
માનુનીને રૂડી મનાવી દૂતી થઈ તેહ;
જે રસ શંકર કોઈ દિન દેખે, હું ઝીલી રહ્યો તે માંહે;
મહારસમાં મહાલિયો, તે શંભુ કેરી સાહે.
કૃપા હવી ભેળાનાથની, તેણે દીધી તે મુજને આશ;
રંકને રિધિપત કીધલો, કાપ્યો તે ભવનો પાશ.
અનાથ હુંને સનાથ કીધો પાર્વતીને નાથ;
દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ,
તેના તે ચરણ પ્રતાપથી પામ્યો તે પ્રેમનિધાન;
પછી ગોપેશ્વર નાથનું અવનીપેં શું કરૂં ગાન?
(ચાતુરી ષોડશી, પદ ૯ મું).

ઉપર દર્શાવેલું કવિની નજર આગળ ખડું થતું ચિત્ર શું છે તેની કૂંચી “દિવ્યચક્ષુ આપ્યાં મુજને–” એ શબ્દોમાં રહેલી છે અને આપણી સર્વ શંકાનું નિવારણ કરે છે. રાસલીલા અને બીજા ચમત્કારી બનાવો કવિએ પોતાના શારીરચક્ષુથી નહિ પણ દિવ્યચક્ષુથી જ જોયા હતા;–જ્યારે કૃષ્ણ કહે છે, કે–

‘ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા ।
દિવ્યં દદાચિ તે ચક્ષુઃ પશ્ય મેં યોગમૈશ્વરમ્‌ ॥’

અને અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે તેમ. આ રીતે ગૌણ છતાં પણ પોતે જેમાં જાતે ભાગ ભજવ્યો હતો તે દૃશ્ય કવિએ ઘણે ભાગે ધર્મના આવેશથી ઉત્પન્ન થતી સમાધિસ્થ અવસ્થામાં દિવ્ય ચક્ષુ વડે જોયેલું. આ ચમત્કારોનો આ રીતે સારો ખુલાસો મળે છે. આવાં દૃશ્યોની આધારવસ્તુ શી હશે? માનસશાસ્ત્રની દૃષ્ટિએ સ્વપ્નદશાનું પૃથક્કરણ કરવું ઘણું કઠિન છે તેમ છતાંય આટલું તો નક્કી જ છે કે કેટલાક ખાસ સ્વરૂપે સ્વપ્નાં ઉત્પન્ન કરે છે. જેમ જીવનના જોયેલા અને અનુભવેલા બનાવો વિચિત્ર ઘટનાથી અથવા અન્યથા સ્વપ્નદૃશ્યોનું અવલંબન બને છે તેમ કેટલીક વાર મનની અસંતુષ્ટ ઇચ્છાઓ અને અપ્રાપ્યની પ્રાપ્તિ માટે મનની ઝંખનાઓ વગેરે પણ આવાં સ્વપ્નદર્શનોનું અવલંબન બને છે. જેવાં સ્વપ્નદર્શનો તેવાં જ સમાધિદર્શનો. બન્નેમાં મન સરખી જ રીતે કામ કરે છે અને બન્ને સરખા જ બનાવોથી ઉત્પન્ન થાય છે. તો નરસિંહ મહેતાના સમાધિ દર્શનોનું અવલંબન શું હશે તે શોધવું રહ્યું. પ્રો. આનંદશંકર ધ્રુવ આ પ્રશ્નનો બહુજ સરસ રીતે ઉકેલ કરી આપે છે કે જેથી આ ચમત્કારોનો પણ બુદ્ધિગ્રાહ્ય ખુલાસો મળે છેઃ તે નીચે પ્રમાણે છે. મેં મારા ગયા ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો તે રૂપદેવ ગોસ્વામી રચિત ‘વિદગ્ધમાધવ’ નામના નાટકની પ્રસ્તાવનામાં સૂત્રધારના મુખમાં નીચેના શબ્દો મૂક્યા છે – “શિવે મને સ્વપ્નમાં આજ્ઞા કરી છે કે કૃષ્ણની પ્રેમભક્તિથી આકર્ષાયેલા રસજ્ઞજનો જુદા જુદા પ્રાન્તોમાંથી આવી અહિં કેશિતીર્થના કિનારે એકઠા થયા છે; અહિં જ જમુનાને કિનારે રાસનૃત્ય કરવામાં આવ્યું હતું.” હવે ચૈતન્ય રાસલીલા ગાવાનો અને ભજવવાનો રીવાજ દાખલ કર્યો હતો તેથી સંભવિત છે કે તેના અનુયાયીઓ આ અગર બીજાં નાટકો જુદા જુદા પ્રાન્તોમાં ભજવતા હોય અને નરસિંહ મહેતાએ દ્વારિકામાં આ એક નાટકમાં ભજવાયલી માનવ રાસલીલા જોઈ હોય અને તે રાસલીલા તેની દિવ્ય ચક્ષુથી જોયેલી આત્મિક રાસલીલાનું અવલંબન બની હોય. વળી તે નાટકનો ટીકાકાર લખે છે કે સૂત્રધારને નાટક ભજવવાની આજ્ઞા કરનાર શિવ તે ‘ગોપીશ્વર મહાદેવ’ હતા. આ ગોપીશ્વર તે ગોપનાથનું જૂનું નામ પણ હોય; નરસિંહ જેની પાસે ગયો અને તેણે કૃષ્ણની રાસલીલા બતાવી કહેવાય છે તે. બીજા ચમત્કારો વિષે બોલવામાં હું વધુ કાળ વ્યતીત નહિ કરૂં. પણ એક વાતનો સહેજ ઉલ્લેખ કરી લઉં. એક જ્ઞાતિભોજનને સમયે નાગર જ્ઞાતિના દરેક માણસે પોતાની જોડે એક એક ઢેડ જમવા બેઠેલો જોયો. એ અને અ આવી બીજી કથાઓને વિષે એટલું જ કહીશ કે જે મહાપુરુષના નામ સાથે આવી વાતોને ગૂંથવામાં આવી હોય તે મહાપુરુષના અવસાન પછી ઘણે કાળે તેના અનુયાયીઓએ જોડી કાઢેલી કાલ્પનિક કથાઓ જ હોય છેઃ અને રાસનૃત્યમાં નરસિંહે જે ભાગ લીધેલો કહેવાય છે તે માત્ર કવિની કલ્પનાઓ છે એવો ખુલાસો મેં આગળ કર્યો જ છે. કલાની દૃષ્ટિએ પણ આ જાતની કલ્પનાઓ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે જ્યારે કવિ રાધાની સખીનું રૂપ ધારણ કરે છે ત્યારે કહે છે કેઃ—

“સખી રૂપે નરસૈયો નિરખે તે કૃષ્ણજીનો વિહાર.”
(ચાતુરી છત્રીસી ૩૨, ૧૦)

આ સ્વરૂપ ધારણ કરવાથી કવિને કૃષ્ણ કે જેની તરફ માત્ર પ્રેમભક્તિની જ નજર છે તેની વિહારચેષ્ટાઓ જોવામાં વ્રીડાનું કારણ રહેતું નથી. હવે આપણે કવિની કવિતાના કેટલાક ફકરા લઇએ. પહેલું રાસસહસ્રપદીમાંથી લઇએ (પદ ૫૩ મું).

(૧)
આ જોની આ કેનું પગલું, પગલે પદ્મતણું અઁધાણ;
પગલા પાસે બીજું પગલું, તે રે સેહાગણ નૌતમ જાણ, ૧
પૂરણ ભાગ્ય તે જુવતી કેરૂં જે ગઇ વ્હાલાને સંગે;
એકલડી અધરરસ પીશે રજની તે રમશે રંગે. ૨
અડવડતી આંખડતી ચાલે, દેહ દશા ગઇ ભૂલી;
નિશ્ચે હરિ આવ્યા આ વનમાં, જો, જો, કમોદની ફૂલી. ૩
પૂછે કુંજ લતા દ્રુમવેલી ક્યાંઈ દીઠડો નંદકુમાર;
વૃક્ષ તણી શાખા ફૂલી રહી, અભિષેક કીધો નિરધાર. ૪
નયણે નીર ને પંથ નિહાળે, ક્હાન ક્હાન મુખ બોલે બાળ;
ચાલી ચતુરા સરવ મળીને, વનમાં ખોળે નંદનો લાલ. ૫
જોતાં જોતાં વનમાં આવ્યાં, દીઠી એક સાહેલી;
ધૂતારાનાં લક્ષણ જોજો, ગયો એકલડી મેલી. ૬
ન દીઠા નાથ, ગોપી પાછાં આવ્યાં જળ જમુનાને તીર;
બાળલીલા કીધી તે વારે, પ્રકટ્યા હળધરવીર. ૭
રાસ આરંભ્યો સર્વ શ્યામા મળી, સુર નર ‘જે જે’ કીધો;
ગોપીમાં હૂતો નરસૈયો, પ્રેમસુધારસ પીધો. ૮

આ કવિતાનું ચિત્ર સાદું છતાં સુંદર છે અને લાગણીથી ભરપૂર છે. કરુણરસનું પણ તેમાં સુંદર આલેખન છે. કૃષ્ણ રમત રમતાં ગોપીઓમાંથી અલોપ થઈ જાય છે અને ગોપીઓ તેની વૃથા શોધ કરે છે; અને તેમના હૃદયમાં કૃષ્ણનાં પગલાં સાથે જે બાળાના પગલાં દેખાય છે તેને માટે અદેખાઈ ઉત્પન્ન થાય છે. કૃષ્ણની શોધમાં ગોપીઓ સબાષ્પ નયને આમતેમ આથડે છે અને વૃક્ષ અને લતાઓને પ્રશ્નો પૂછી કૃષ્ણ સંબંધી માહીતી માગે છે, છેવટે કૃષ્ણ પ્રગટ થાય છે અને ગોપીઓ તેની સાથે રાસનૃત્ય કરે છે. નરસિંહ મહેતા પણ ગોપીઓમાં હતા. ત્રીજી કડીની પહેલી લીટી ‘ગીતગોવિંદ’ના૨ [3]છઠ્ઠા સર્ગના છઠ્ઠા શ્લોકનો સહેજ ખ્યાલ આપે છે, જેમાં રાધા શ્રીકૃષ્ણને મળવા જતાં આવી જ રીતે લથડીયાં ખાય છે તેનું વર્ણન આપેલું છે. એ જ કડીની બીજી લીટીમાં સુંદર વ્યંગ્યાર્થ સમાયલો છે. ગોપીઓ “કૃષ્ણ આ વનમાં જ આવ્યા હશે–” એવા નિશ્ચયાત્મક અનુમાન ઉપર આવે છે. કારણ કે કુમુદિની ખીલેલી જણાય છે; સૂચક વિચારોની શૃંખલા (કાર્યકારણ સંબન્ધની તથા સાદૃશ્ય સંબન્ધની) આમ છેઃ કુમુદ ચન્દ્રને જોઈ ખીલે છે એ કાર્યકારણ સંબન્ધની વાત વિદિત છે; અને કૃષ્ણનું મુખ ચંદ્ર જેવું છે; અહિં સાદૃશ્ય સંબન્ધ; આ પ્રમાણે કૃષ્ણનું મુખ ચંદ્ર જેવું છે, એ ગૂઢ વ્યંગ્યાર્થ આ લીટીમાં રહેલો છે. ચોથી કડીની છાયા પ્રેમાનંદના વાચકોએ નળાખ્યાનમાં જોઈ હશે જ, જેમાં નળની શોધમાં ફરતી દમયંતીઃ—

પૂછે ઊંચા દ્રુમને ત્હારી ગગને ગઈ ડાળ,
તરુપતિ! જે મ્હારી વતી ક્યાંહિ દીસે ભૂપાળ.

જેવી રીતે પ્રેમાનન્દની ઉપરની લીટીઓમાં નરસિંહની છાયા જણાય છે તેવી રીતે નરસિંહમાં ભાગવત (X. ૩૦. શ્લોકો ૪-૧૩) ની અસર જોવામાં આવે છે. વસ્તુતઃ હમણાં જ ઉપર ઊતારેલો ફકરો તે ભાગવત ૧૦-૩૦ ના શ્લોક ૨૪ થી ૩૯નું અક્ષરશઃ ભાષાન્તર તો નથી, પણ તાત્પય દર્શક અનુવાદ છે.૩[4]

(૨)
જેવો ને તેવો રે તમારે પાલવડે બાંધો;
અણછતો હૂં તો તમારો વધાવી લીધો;
અણતેડાવ્યો આવું રે, હું તે તાણ્યો નવ ત્રૂટું;
તમારા પ્રેમની સાંકળીએ બાંધ્યો નવ છૂટું.
રમાડ્યો રમું રે, તમારો જમાડ્યો જમું;
તમારે સમું રે સજની! બીજું નવ અમારે સમું.
હૂંકારે આઘેરો જાઉં, તમારે ટૂંકારે રાચું;
નરસૈયો જહાં ગાન કરે, ત્યાં પ્રેમ ધરી નાચું.
(ભક્તિ જ્ઞાનનાં પદ. પદ ૧૦)

આ કવિતામા કવિ કૃષ્ણ પ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે કે કૃષ્ણ રાધાના ચરણમાં પોતાનો પ્રેમ મૂકે છે હેનું વર્ણન છે? આ કવિતાનો ભક્તિજ્ઞાનના પદોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘સજની’ કે જેને માટે સ્પષ્ટ રીતે આ ભાવપ્રવાહ વહી રહ્યો છે તે શબ્દને ભક્તસૂચક ગણીએ તો આ બન્ને અર્થોનું આ કવિતામાં એકીકરણ થઈ શકે. જ્યારે સજની ગુસ્સો બતાવે છે ત્યારે ભગવાન દૂર ખસે છે અને જ્યારે અપમાન કરે છે ત્યારે ગુસ્સે થવાને બદલે ખુશ થાય છે. (અથવા તૂંકારને ગાઢ પરિચય સૂચવતું બીજા પુરુષ એકવચનનું રૂપ લઈ શકાય) ભગવાન ભક્તાધીન છે તેથી કહે છે કે ‘નરસૈયો જ્યાં ગાન કરે ત્યાં પ્રેમ ધરી નાચું!’ ‘મદ્‌ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ ||’ એ લીટીના ‘તિષ્ઠામિ’ શબ્દને બદલે છેલ્લા વાક્યના ‘નાચું’ શબ્દનો પ્રયોગ એક ક્રમ વધારે સૂચવે છે.

(૩)
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળ ની એક સુરતી;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે;
તાલ મુરદંગને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માણ્ડ ગાજે.
મંન પરસન થશે, કર્યા કર્મ નાસશે, ભાસણે બ્રહ્મવ્રજવંન વેલી,
કુંજ લલિતમાં કૃષ્ણ લીલા કરે, નિરખની નૌતમ નિત્ય કેલી.
સુરતસંગ્રામમાં વિલસે રગમાં, દરસશે દેહીનું માન મરતાં;
નરસૈયાચો સ્વામી સર્વ સુખ આપશે; દુષ્ક્રિત કાપશે ધ્યાન ધરતાં,
(ભક્તિજ્ઞાનનાં પદો, પદ ૫૬ મું.)

આ કવિતામાં ઈશ્વરના સાકાર અને નિરાકાર સ્વરૂપનું વિચિત્ર મિશ્રણ કરવામાં આવ્યું છે. ઈશ્વર નેત્રમાં છે – ‘નેત્રમાં નાથ છે- એટલુંજ નહિ પણ કવિ આપણને હૃદયમાં ઈશ્વરની ખોળ કરવાનું કહે છે –‘અંતર ભાળ ની એક સુરતી’–જેને પરિણામે તે આત્મામાં પ્રગટ થશે–‘દેહીમાં દરસશે’ વગેરે વગેરે ‘તમાત્મસ્યંયેડનુપશ્યન્તિ ધીરાસ્તેચાં શાંતિઃ શાશ્વતી નેતરેષામ્‌ |”-નો ખ્યાલ આપે છે. ઈશ્વરના માનસિક સાક્ષાત્કાર માટે આ જ પદ્ધતિ સ્વીકારાઈ છે. પણ દુષ્પ્રાપ્ય ઈશ્વરને મળવાનો વધારે સારો ઉપાય કવિ–‘પ્રેમથી પરસશે અનોપમ અધર મુરતી’–એ લીટીમાં બતાવે છે, જેમાં પ્રેમભક્તિને સાધન તરીકે સૂચવેલી છે. આ સાક્ષાત્કાર ચુસ્ત ભક્તને સંતોષ આપતો નથી. તેનો આત્મા પરમપદની ઝંખના કરે છે કે જેમાં કૃષ્ણની લીલા જોતાં જ અહંભાવ દૂર થઈ જાય છે. આ દુનિયામાં અને વૈષ્ણવજનને વહાલા અને જ્યાં બંસીના નાદ ગાજી રહે છે તેવા ગોલોકમાં આજ દુષ્કૃત્ય કાપવા અને શાશ્વત સુખ આપવા પુરતું છે. આ પરમપદ શી રીતે પ્રાપ્ત થાય? દુન્યવી ઇલાજોથી નહિ પણ ‘નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે, દુષ્ક્રિત કાપશે ધ્યાન ધરતાં!’ આ પ્રમાણે ‘ધ્યાન’ જેનો પ્રથમ ઉલ્લેખ કર્યો હતો–‘ધ્યાન ધર, ધ્યાન ધર’–એ લીટીમાં તેને છેવટે સિદ્ધાન્ત તરીકે લાવી મુકે છે. આ પ્રમાણે આ કવિતામાં પરસ્પર વિરોધી મતો દર્શાવ્યા નથી પણ ‘જ્ઞાન’ અને ‘ભક્તિ’નો સુંદર સમન્વય કર્યો છે. સાકાર સ્વરૂપની પાછળ નિરાકાર સ્વરૂપ રહેલું છે તે કવિ સચોટ રીતે એક કડીમાં અગર એક લીટીમાં બતાવી દે છે. જ્યારે કૃષ્ણ અલોપ થાય છે ત્યારે વિયોગથી ઝૂરતી ગેપીઓ તેની નિરર્થક શોધ કરે છે ત્યારે કવિ કહે છે કેઃ—

કૃષ્ણ તો છળીને બેઠો હૃદયાને ઓળે રે;
પ્રગટ્યો નરસૈંયાનો નાથ રીઝી ભાવ ભોળે રે.
(રાસસહસ્રપદી, પદ ૯૬ છેલ્લી બે લીટીઓ.)

કૃષ્ણ તો હૃદયપટની પાછળ સંતાયો છે પણ મુગ્ધ ગોપીઓ તેથી સંતોષ પામતી નથી. તેથી જ દયારામ ગોપીઓની પાસે ઉદ્ધવને કહેવડાવે છે કેઃ–

ત્હમારા પ્રભુ સઘળે રે, હમારા તો એક સ્થળે,
ત્હમે રીઝો ચાંદરણે રે, હમો રીઝુ ચન્દ્ર મળ્યે.

કૃષ્ણ તેમની સાકાર સ્વરૂપને મળવાની સાદી ઇચ્છા જોઈ ખુશ થઈ પ્રગટ થાય છે. આ ઠેકાણે પણ સાકાર અને નિરાકાર સ્વરૂપનું મિશ્રણ કરવામાં આવ્યું છે. વળી ‘શૃંગારમાળા’ પદ ૫૫૩ માં આ જ વસ્તુ-ભક્તના અથવા પ્રેમ-મુગ્ધ ગોપીના હૃદયમાં ઈશ્વરનો નિવાસ છે તે વાત—સહેજ જુદા રૂપમાં કહી છેઃ–

નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું.
xxxx
xxxx
છો તમે રસિયા, હૃદયકમલમાં વસિયા, હવે કેમ થાઓ અળગા રે?
છો બળિયા અમ અબળા ઉપર બળ કરી ક્યાં પલકા રે?
છેડલો નહિ મેલું.

કૃષ્ણ દૂર ખસવા જાય છે પણ ગોપી તેનો છેડો ઝાલી રોકી રાખે છે અને કહે છે કે–છો તમે રસિયા, હૃદય કમલમાં વસિયા, ઇત્યાદિ. આ લીટીઓ, હેમચન્દ્રે પોતાના વ્યાકરણના અપભ્રંશવિભાગમાં ઉદાહરણ તરીકે ટાંકેલી ‘મુંજરાસ’ની એક કડીનું તમને સ્મરણ કરાવશે.

‘બાહ બિછોડવિ જાહિ તુહું, હઉ, તેવઁઈ કો દોસુ |
હિઅઅટ્ટિઉ જઈ નીસરહિ જાણઉં મુજ સરોસુ ||’

મૃણાલવતી મુંજને કહે છે કે, “મારો હાથ છોડાવી તું જતો રહે છે; તો ભલે, કાંઇ હરકત નહિ; મારા હૃદયમાં બિરાજેલો તું ત્યાંથી ચાલી જઈ શકે તો જ હું માનીશ કે તું ગુસ્સે થયો છે.” આ જ વિચાર નરસિંહમાં સહેજ જુદે રૂપે જેવામાં આવે છે. સુરદાસને વિષે જે દંતકથાઓ છે તેમાંની એક નીચેનો શ્લોક સુરદાસનો હોવાનું જણાવે છેઃ—

‘કર છટકાઈ જાતુ હૌ દુરબલ જાની મોહિ |
હિરદયસે જઉ જાહુગે મરદ વખાનૌ તાૌહિ ||”

આ દંતકથા એક ચમત્કારી બનાવનું નીચે પ્રમાણે વર્ણન આપે છે. સુરદાસ અંધ હોવાથી પોતાની કવિતાઓ એક લહીઆને લખાવતા. એક પ્રસંગે આ લહીઓ થોડા સમય માટે બહાર ગયેલો હોવાથી શ્રીકૃષ્ણે જાતે આવીને આ કવિતાઓ લખવા માંડી. તેની લખવાની અજબ ઝડપ જોઈ. કારણ કે આ લહીઓ સુરદાસ બોલે તે પ્હેલાં તેમના વિચારો લખી નાંખતો હતો. તેથી સુરદાસે કૃષ્ણનો હાથ ઝાલ્યો અને જ્યારે કૃષ્ણ હાથ છોડાવતા હતા ત્યારે સુરદાસ આ કવિત બોલ્યા–‘મને દુર્બલ જાણી મારો હાથ છોડાવી તમે નાશી જાઓ છો પણ જો તમે મારા હૃદયમાંથી નાશી જઈ શકો તો જ હું તમને મરદ ગણું!૪[5]

(૪)
શામળિયો તે ઉરનું ભૂષણ, હૃદયા ભીડી રાખું રે;
શણગટ વાળી વાળી જોઉં, વિનેવચન મુખ ભાખું રે.
સેજ સમારૂં પરિમલપૂરણ, સકળ કરૂં શણગાર રે;
દીવડીયો અજવાળી મેલું, પોઢે પ્રાણ આધાર રે.
મૃગમદ અંજન નયન સમારૂં, નાના ભાવ જણાવું રે;
નરસૈયાચા સ્વામીશું રમવા લટકંતી હું આવું રે.
(શૃંગારમાળા પદ ૩ જુ.)

શૈલી સાદી છતાંય સુંદર છે, પ્રેમભક્તિભાવથી આ કવિતાની સુંદરતામાં વૃદ્ધિ થાય છે, વળી ‘ઉર’ શબ્દ ઉપર શ્લેષ પણ છે. કૃષ્ણ ગોપીના ઉરમાં વસેલા છે તેથી ‘ગોપી તેને હૃદયા ભીડી રાખું’ એમ કહે છે. વળી બીજી લીટીમાં તો અજબ ખૂબી છે. શરમાળપણાને લીધે ગોપી શણગટ વાળે છે તેમ છતાં ય પ્રેમોત્કંઠા હોવાથી શણગટમાંથી શ્રીકૃષ્ણ તરફ જુવે છે. વળી પોતાના અર્ધ અવગુંઠિત રૂપથી આકર્ષવાનો ભાવ પણ હૃદયમાં છે. આમ મોહક અને સુંદર રીતે પોતાના પ્રણયપાત્ર તરફ જતી ગોપી કાવ્યની સુંદરતા અને મોહકશક્તિને મૂર્તિમાન કરે છે.

(૫)
કાંબળી ઓઢાડે રે કહાન! મ્હારી ચૂંદડી ભીંજે;
નહિ કાં મુને હૃદયા ભીડો, અંગ ઉઘાડું ધૂજે—મ્હારી.
સ્નેહ ધરી સામળીયા વ્હાલા! રંગભર સાંઇડાં લીજે,
કંઠ ધરી બાહોલડી રે અધર અમૃતરસ પીજે રે—મ્હારી.
ઝરમરિયો આ મેહુલો વરસે, દાદુર જોરે ટહુકે;
નરસૈયાચા સ્વામીના સંગમાં મેઘને વીજ ઝબુકે રે—મ્હારી.
(‘શૃંગારમાળા,’ પદ ૧૧૨)

આ કવિતામાં બતાવેલો પ્રસંગ વર્ણનરૂપે નથી આપ્યો પણ કાંઇક અંશે નાટ્યપ્રસંગરૂપે અને સંવાદરૂપે આપ્યો છે, જેથી કવિત્વરસ તેમાં રહેલો વધારે અસરકારક નીવડે છે. પણ એક દોષ છે; અને તે એ કે ગોપી શરીર અને વસ્ત્રના રક્ષણ સારૂ બરછટ કાંબળી ઓઢાડવાની જે માંગણી કરે છે તેની પાછળ રહેલા ધ્વનિની જે ખૂબી છે તે–‘મુને હૃદયા ભીડો’ એ સીધી માગણીથી કાંઇક કથળી જાય છે. આપણી દૃષ્ટિ સમક્ષ બધું દૃશ્ય સજીવ ખડું થાય છે–ધૂજતી ગોપકન્યા, એના વસ્ત્રને ભીજવી નાંખતો ઝરમર ઝરમર પડતો વરસાદ,—અને આ વેળા દેડકા ડરાં ડરાં કરે છે તે સંગીત આપણે સાંભળીએ છીએ, અને તરત પછી ગોપીને પ્રેમાલિંગનમાં ઢાંકી દઈ રક્ષણ કરતો કૃષ્ણ; અને જળભરેલા મેઘના ઉરમાંથી ઝબુકતી વીજળી વડે આ ચિત્ર દીપિત થઈ જાય છે. અને આપણે આ દૃશ્યમાં જરાક વધારે ઊંડા ઉતરીશું? અને મેઘ અને વીજળીને તેજસ્વી સંગમાં કૃષ્ણ અને ગોપીના પ્રેમાલિંગનનું દર્શન કરીશું? આ ન્હાનકડા કાવ્યમાં એક બે જરાક ઊઘાડા કામુકભાવનાં આલેખન તરફ આપણને આંખ્યમીયામણું કરવાનું મન થાય છે; ત્હેનું કાંઇક કારણ એ કે એ આલેખનો બધું વિચારતાં અસભ્ય નથી; અને કાંઇક–અથવા તો ખાસ–એ કે આ ચિત્ર કવિત્વમય સામગ્રીની વચમાં ગોઠવાયું છે, જેથી એ સામગ્રી અને ચિત્રનું મધ્યવર્તી આકૃતિયોનું યુગ્મ પરસ્પરને ચારુતાની દીપ્તિ સમર્પે છે. આ પ્રશ્નને હવે હું વધારે નહિ ઉકેલું. કવિનાં અતિશય શૃંગારથી ભરપૂર હોય એવાં કાવ્યો તમારી આગળ રજુ કરી તમારી વિવેકમર્યાદા દુભવવા હું નથી માગતો. હું તો ફક્ત ‘શૃંગારમાળા’ અને ‘ચાતુરષોડશી’ના કેટલાંક પદોનો નિર્દેશ જ કરીશ.૫[6] તમે જાતે જોઈ શકશો કે તે કાવ્યો આધુનિક સભ્યતાનો અથવા મર્યાદાનો કેટલો બધો લોપ કરે છે. હું આધુનિક શબ્દ તો તે જ હેતુથી વાપરૂં છું કે નરસિંહના કાળમાં પરંપરાગત સભ્યતાનો ખ્યાલ જુદો જ હતો અને તો પણ આ બાબતોમાં સભ્યતાની પૂજ્યતાથી આ કવિ અજાણ નહોતો. તેથી જ તે ‘ચાતુરીષોડશી’ના પદ ૧૧માં રાધા પાસે કહેવડાવે છે કેઃ–

“જે અનુભવ્યો રસ આજ જી, (કહેતાં?) મુજને આવે લાજ જી,
કહેતાં મુજને લાજ આવે..........................................”

અલબત, કવિ તો રજે રજનું સૂક્ષ્મવર્ણન આપે છે જેની ઉપર આપણે અત્યારે તે પડદો ઢાંકીશું; કારણ કે તે બધી સખીને કહેલી ગુપ્ત વાતો છે અને કવિ પણ આપણને ગુપ્ત રાખવાનું સૂચવે છે. કવિના પ્રેમના વિષય ઉપરના આ પ્રકારના આલેખનની યોગ્ય તુલના કરવી હોય તો તે તેના પૂર્વગામી અને સમકાલીન સંયોગો અને પરંપરાગત વિચારો અને તેની આજુબાજુના સંજોગોને ધ્યાનમાં લઈને કરીએ તો જ થઈ શકે. આ પ્રશ્નને વલ્લભીય સંપ્રદાય–જે પાછલા સમયમાં આચારમાં નીતિશૈથિલ્યથી કલુષિત થયો તે સંપ્રદાય-સાથે કાંઇ પણ સંબંધ નથી; કારણકે વલ્લભાચાર્ય ઈ.સ. ૧૪૭૯માં જન્મ્યા હતા, જે સમયે નરસિંહનું કવિજીવન સમાપ્ત થયું હતું. વળી દયારામ જેઓ આજથી એકાદ સૈકા ઉપર થઇ ગયા તેમણે પણ કૃષ્ણ અને ગોપીઓની કથાઓ આવી જ તરેહના અસભ્ય શૃંગારમય કાવ્યોમાં ઊતારી છે, તે છતાં ય નરસિંહનાં શૃંગારકાવ્યો આગળ દયારામનાં શૃંગારકાવ્યો તો ઉચ્છૃંખલ વર્ણનની બાબતમાં કહિનાં કહિ પાછળ પડી જાય છે તેમ છતાં નરસિંહ કૃષ્ણની પ્રેમચેષ્ટાઓના શારીરિક સ્વરૂપથી અતિ ઉચ્ચ કક્ષામાં ચઢે છે. કારણકે નરસિંહનાં કૃષ્ણ અને ગોપીઓ મનુષ્યસૃષ્ટિથી કાંઈ ઊંચા દરજ્જાનાં છે. પોતે દિવ્ય પ્રદેશમાં બનતા દિવ્ય બનાવોના દ્રષ્ટા તરીકે સઘળું વર્ણન કરે છે. આ રીતે તે આ પ્રસંગોની આજુબાજુ એવંં પૂજ્યતાનું, લગભગ પાવનકર, વાતાવરણ ઉચ્ચ સૂક્ષ્મતાવાળું ઊભું કરે છે કે જેમાં કૃષ્ણના સાચા ભક્ત સિવાય બીજા કોઈ રહી કે ટકી શકે નહિ; દયારામને વિષે સ્થિતિ જુદી છે. કૃષ્ણની અપાર્થિવ ભૂમિમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન એ કરે છે તોપણ એનો પગ પૃથ્વી ઉપર હોય છે. શૃંગારરસમાંથી કામનો અંશ ટાળી નાંખવાની જાદુની કળા દયારામનામાં નથી; ‘ગોવિન્દગમન’ના ૨૮મા પદની ઉપાન્ત્ય કડીમાં જે નરસિંહ કરેછે, અથવા કંઈ નહિતો કરેલું જણાવે છે, તે દયારામ કરી શકતો નથી; એ કડીમાં આ પ્રમાણે કથન છેઃ–

મારગ નવ લહ્યો રે, ત્યારે હા કહી રે, પછી આરંભ્યો ત્યાં રાસ;
જળ થળ લીલા રે, તે હરિયે કહી રે, કાઢ્યો હૃદયથી કામનો વાસ.

આ પંક્તિઓમાંનું છેવટનું વચન ધ્યાનથી જૂઓ; ગોપીઓનાં હૃદયમાંથી કામને દેશવટે દીધો. હેણે શરીરને આત્મરૂપ સમર્પ્યું. આ બાબતમાં નરસિંહ મહેતા સંબંધી એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં ઉચ્છૃંખલ શૃંગારરસ ભરપૂર હોય છે,–કૃષ્ણને નાયક તરીકે હોવાનું બ્હાનું પણ ના હોય ત્યાં પણ– અને જ્યાં કૃષ્ણને નાયક તરીકે લીધો છે ત્યાં પણ આ જ પ્રકારનો શૃંગાર નજરે પડે છે. હવે આ કાળથી અને વાતાવરણથી નરસિંહ કરતાં દયારામ વધારે દૂર હતા. નરસિંહ દયારામ કરતાં જયદેવની વધારે નિકટ હતા. તેથી નરસિંહ સંસ્કૃત સાહિત્યના જેવો શૃંગાર લખે તેમાં નવાઈ નથી. [સાથે સાથે જયદેવ ઉપરથી નરસિંહે પ્રેરણા લીધી હતી તેનું એક બીજું ઉદાહરણ બતાવું: “ચાતુરીષોડશી’ પદ ૮ માં રાધાકૃષ્ણની ક્રીડાનું વર્ણન કરતાં કવિ લખે છે, કે

ભુજ બળ બીડી બાથ શું કસ કસે બહુ કામિની,
કનકવેલ કેસમાંહી લપટી જાણીયે ઘન દામની.

આ પંક્તિઓ જયદેવની નીચેની પંક્તિઓ સાથે લગભગ મળતી આવે છેઃ

‘ઉરસિ મુરારેરુપહિતહારે ધન ઈવ તરલવલાકે
તડિદિવ પોતે... રાજસિ સુકૃતવિપાકે’
(‘ગીતગોવિંદ’, ૫-૧૨)

હું નરસિંહના શૃંગારનું સમર્થન કરતો નથી પણ એ માટે ખુલાસો આપવા ઇચ્છું છું. ‘નિર્દોષ’ એમ ઠરાવ આપો એમ હું તમને કહેતો નથી; માત્ર દોષને અલ્પતા અર્પે એવી હકીકતો ગણનામાં લ્યો એમ ઇચ્છું છું; જે હકીકતો આધુનિક સાહિત્યમાં લેખકને નિર્દોષ અથવા અલ્પદોષી ઠરાવી નહિ શકે. ‘સરસ્વતીચંદ્ર’ જેવા સુંદર ગ્રંથને પણ સંસ્કૃત સાહિત્યનું અનુકરણ કરીને લખેલાં અસંખ્ય નિર્લજ્જ ઉપમાઓ, રૂપકો અને વર્ણનો લાગ્છનરૂપ લેખાય છે, અને તેનો કોઇ પણ રીતે બચાવ થઈ શકે તેમ નથી. નરસિંહની કવિતામાં જારભક્તિનું જે સ્થાન છે તેનું લંબાણમાં વિવેચન કરવા જેટલો હવે વખત નથી. પણ તેના સમર્થનાર્થે કેટલાક ખુલાસાઓ આપવામાં આવ્યા છે તેનો માત્ર નિર્દેશ જ હું કરીશ. એક મત આ જાતના સાહિત્યનો શબ્દાર્થ ન લેતાં અર્થવાદ તરીકે તેનો ઉપયોગ કરે છે, જ્યારે બીજો મત કૃષ્ણને એક દિવ્ય પુરુષ તરીકે ગણ છે જેથી તેને આ જાતની અનીતિનો દોષ લાગતો નથી એમ માને છે. જો એમ પૂર્વપક્ષ કરવામાં આવે કે દિવ્ય પુરુષોની આજુબાજુ એવો રસ ગૂંથવામાં આવે તો તે ખરી રીતે રસાભાસ છે પણ રસ નથી, તે ઉત્તર તૈયાર હોય છે–કે માનસશાસ્ત્રની દૃષ્ટિએ પૃથક્કરણ કરતાં રસની બાબતમાં પણ કૃષ્ણનું અંગત સ્વરૂપ લુપ્ત થાય છે. આ મત અને આની પહેલાં બતાવેલા મત બન્ને વચ્ચે વિરોધ છે એ વાત કબુલ કરું છું. ટીકાકારોનો ત્રીજો મત રાધાકૃષ્ણ અને ગોપીઓની કથાને માત્ર રૂપક તરીકે ગણે છે. રાધાકૃષ્ણ વગેરે મનુષ્યો નથી તેમ જ દિવ્ય પુરુષો પણ નથી પણ માત્ર અમુક વિચારો, ભાવો અને ઇંદ્રિયોનાં સજીવારોપણો છે. આ દલીલને-ગળે ઊતરે તેવી ન હોવા છતાં–નરસિંહ મહેતાની એક કવિતામાં સમર્થન મળે છેઃ–

ધન્ય રે ધન્ય મહાપુણ્ય જસોદાતણું પુત્ર ભાવે પરિબ્રહ્મ રાજે;
નંદયેર નંદ આનંદ થઇ અવતર્યો, શેષ બલિભદ્ર સંગે બિરાજે,
અમર આહીર, અર્ધાંગ ગોપાંગના, વૃક્ષવેલી સર્વ ઋષિ રાણી;
ભક્તિ તે રાધિકા, મુક્તિ જશોમતી, વ્રજવૈકુંઠ તે વેદવાણી.
નિગમ વસુદેવજી, ગાય ગોપી ઋચા, દેવકી બ્રહ્મવિવાદ કહાવે;
બ્રહ્મા કર લાકડી, વેણુ મહાદેવજી, પંચ વદન કરી ગાન ગાવે.
ઇંદ્ર અર્જુન, અહંકાર દુર્યોધન, દેવતા સર્વ અવતાર લીધો;
ધર્મ તે રાય યુધિષ્ઠિર જાણજો, દાસનો દાસ નરસૈને કીધો.

અવતારરૂપ, ઇત્યાદિ એમ એક પક્ષે, અને ભક્તિ તે રાધા, ઋચા, તે ગાયો અને ગોપીઓ, એમ બીજે પક્ષે રૂપક મૂકીને મિશ્રચિત્ર ખડું કર્યું છે, આ મિશ્રણમાં રહેલો ગૂંચવાડો તે જ એ વ્યર્થ ખુલાસાના સત્ય પ્રતિબિંબરૂપ છે. (અહિં હું આચાર્ય આનન્દશંકર ધ્રુવે કૃષ્ણ અને ગોપીની રાસલીલા વિશે ઉપસ્થિત કરેલી એક વિચક્ષણ દલીલ જે ઉપર જેટલી નિરર્થક તો નથી જ પણ પ્રેરણાજનિત અને પ્રેરણાજનક છે તેની નોંધ લઉં છું. તેઓશ્રી ધી ઇંડિયન ફિલોસૉફિકલ કૉંગ્રેસ ૧૯૨૮ મદ્રાસના પ્રમુખસ્થાનેથી પૃષ્ઠ ૧૩ મે કહે છે કેઃ— “ચેતનનું ખરૂં સ્વરૂપ ન સમજવાને લીધે જ વૈજ્ઞાનિકોને મુશ્કેલી નડે છે. મન અને પદાર્થનું ગમે એટલું પૃથક્કરણ કરતાં પણ સત્‌ના વિભાગ પડતા નથી, અને ચેતનને પોતાના કેન્દ્રસ્થાનમાંથી ખસેડી શકાતું નથી. જોે કૃષ્ણને ગોપીઓમાંથી ખસેડી લેવામાં આવે તો ગોપીઓમાં કઈ જાતનું અસ્તવ્યસ્તપણું થઈ જાય તેનો આ વૈજ્ઞાનિકોરૂપી અક્રૂરોને ખ્યાલ નથી. સત્‌ તે એક જાતનો કૃષ્ણ અને ગોપીઓનો સનાતન રાસ જ છે, અને તેમાં મધ્યવર્તી કૃષ્ણ જે પ્રત્યેક ગોપીની સાથે બાહ્ય વર્તુલમાં પણ સ્થિત છે, તે જ મધ્યસ્થ રહીને તેમાં નાદ પૂરે છે. આ પ્રમાણે ચેતન વસ્તુસ્થિત અને સ્વસ્થિત એમ દ્વન્દ્વરૂપે આવિર્ભૂત થાય છે. એક વિજ્ઞાનનો વાજબી વિષય છે, જ્યારે બીજું તત્ત્વજ્ઞાનનો અનન્ય વિષય છે.” હું જાણું છું કે પ્રો. આનંદશંકર ધ્રુવ સૂચક રૂપક તરીકે રાસલીલા અહિં લાવે છે પરંતુ કૃષ્ણગોપીની કથાઓના પ્રશ્નનું સંમુખ રહીને દર્શન કરતા નથી. અત્યાર સુધી આપણે નરસિંહની કાવ્યદેવીની એક જ બાજુ જોઈ; હવે તેની બીજી એક બાજુ બાકી રહી–જ્ઞાનભક્તિ. જ્ઞાનભક્તિનાં બે ત્રણ ઉદાહરણો લઈ જોઈશું. નરસિંહનાં જ્ઞાનભક્તિનાં પદે ભાવભીનાં હોવાને બદલે મોટે ભાગે ઉપદેશાત્મક છે. કવિત્વશક્તિ ઝળહળી રહી હોય એવાં પદો તો ભાગ્યે જ જોવામાં આવે છે. તેમાંનાં એક બે વીણી કાઢીશું.

(૧)
તારી કેમ કરી પૂજા કરૂં, શ્રીકૃષ્ણ કરુણાનિધિ!
અકલ આનંદ કળ્યો ન જાએ;
સ્થાવર જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, કેશવો કંડેયે કેમ સમાયે?
બાર મેઘે કરી સ્નાન શ્રીપતિ કર્યા, શંખની ધારે હરિ કેમ રીઝ્યા?
ઓગણપંચાસ વાયુ તુને વંજન કરે, સૂક્ષ્મવાયુ તુને ક્યમ ગમીજા?
સૂરજરૂપે કરી ત્રણ ભોવન તપ્યાં, ચંદ્રરૂપે કરી અમૃત ઠાર્યાં;
મેઘરૂપે કરી વરસે રે વિઠ્ઠલા! વાયુરૂપે કરીને વધાર્યાં;
અરાઢ ભાર વનસ્પતિ હરનિશ પીમળે, માળી તે પાંતરી શીદ લાવે?
ચુવા ચંદન કરી પ્રભુ! તુને પૂજિયે, અંગના બ્હેકની તુલ્ય નાવે.
તારે નિત નિત અવનવા નૈવેદ કમળા કરે સૂક્ષ્મ નૈવેદ કેમ તુલ્ય આવે?
ભણે નરસૈંયો જેણે કૃષ્ણરસ ચાખિઓ, પુનરપિ માતને ગર્ભ નાવે.
(ભક્તિજ્ઞાનનાં પદો. પદ ૬૬ મું.)

આ કવિતા ઉપરથી જણાય છે કે ઈશ્વરના નિરાકાર અને વિભુ સ્વરૂપને લઈને તેમ જ ઈશ્વરને કૃષ્ણરૂપે અવતાર થયેલો હોવાને લીધે કૃષ્ણ ભક્તના એટલે કવિના હૃદયમાં અને વાણીમાં ભારે ઘડભાંગ થતી હશે. કવિ એ વિરોધોનું એકીકરણ કરવા બનતો પ્રયાસ કરે છે. ભક્તિજ્ઞાનનાં પદ ૪૬ માં કવિ કહે છે, કે—

“પ્રતિદિને જડ કને જઈ કરી માંગતો-ઈશ તું સાહ્ય થાજે સદા રે;
તોય પણ દુઃખ તો લેશ ટળતું નથી, થાકતો નથી તું તો કદા રે.”

આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે કવિને પાર્થિવ મૂર્તિ એક નિઃસત્ત્વ પદાર્થ૬[7] જણાય છે તેથી આ કવિતામાં ઈશ્વરના મૂર્ત સ્વરૂપની ભક્તિ સ્વીકાર્યા છતાં પણ કવિ નિરાકાર સ્વરૂપને જ સત્ય તરીકે ગણે છે કે જેના સાક્ષાત્કારથી ‘અકલ આનંદ’૭[8] પ્રાપ્ત થાય છે; કૃષ્ણને અવતારરૂપ ગણી ત્હેની પાર્થિવ પૂજાને વ્યાવહારિક માન્યપક્ષ ગણે છે છતાં. હવે હું નરસિંહનું સર્વોત્કૃષ્ટ અને ઉન્નત વિચારોથી ભરપૂર અને સુંદર ચિત્ર રજુ કરતું એક પદ લઈ તેની સમાલોચના કરી વિરમીશઃ

(૨)
નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો! તે જ હું તે જ હું શબ્દ બોલે!
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહિયાં કોઈ નથી કૃષ્ણ તોલે.
શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનન્ત ઓચ્છવમાં પંથ ભૂલી!
જડને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી;
જળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પાલણા માંહિ ઝૂલે.
બત્તિ વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી અચળ ઝળકે સદા અનલ દીવોઃ
નેત્ર વિણ નિરખવો, રૂપવિણ પરખવો, વણ જિવ્હાએ રસ સરસ પીવો.
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ ઊરધની માંહે મ્હાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,–પ્રેમના તંતમાં સંત ઝાલે.
(ભક્તિજ્ઞાનનાં પદો, ૫૬ ૩૯ મું.)

આખી દુનિયાના સાહિત્યમાં આ કદાચ પ્રથમ સ્થાન ભોગવે એવું કાવ્ય છે. એમાં ઊંચામાં ઊંચા તાત્ત્વિક વિચારોને અજબ કવિત્વશક્તિથી ગૂંથ્યા છે. અનન્ત શન્યતાસૂચક આકાશમાં પરમબ્રહ્મ ‘સોઽહમ’ પુકારી રહ્યું છે તે કવિ સાંભળે છે અને આપણને સાંભળવાનું કહે છે. તે શબ્દ સાંભળી કવિ તેના ચરણમાં મૃત્યુ ઇચ્છે છે એટલે જીવાત્માનો બ્રહ્મમાં લય થાય છે, બ્રહ્મમય બને છે એમ કહે છે. બ્રહ્મથી ભિન્ન કશું નથી. આ વાતનો આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. બ્રહ્મનો મહિમા મનુષ્યબુદ્ધિથી પર છે એ મહિમાનો વિચાર કરતાં મનુષ્ય બુદ્ધિ બ્રહ્મનો વિકાસ અથવા આવિર્ભૂત બ્રહ્માંડરૂપે જે અનન્ત ઓચ્છવ મચી રહ્યો છે તેમાં પોતાનો પંથ ભૂલી જાય છે. જેઓ પ્રેમ સાધનથી જડને ચેતન બનાવવાનો મર્મ સમજ્યા છે તેમને આ જડ પદાર્થમાં ચેતનનો વાસ અનુભવવાનું કવિ કહે છે. આમ થાય તો જ ‘ઝળહળ જ્યોત’ જે કોટિ રવિ સમાન છે તે નિરખી શકાય છે. તેમને ‘હેમની કોર’ જણાય છે, તેમને ક્રીડા કરતો અને સોનાના પાલણામાં ઝૂલતો સચ્ચિદાનન્દનો સાક્ષાત્કાર થાય છે. આ સચ્ચિદાનંદ બત્તિ વિણ, તેલ વિણ અને સૂત્ર વિણ પ્રગટતો ‘અનંત દીવો’ છે. તેને રૂપ વગરનો હોવા છતાં પણ પારખી શકાય છે, સ્થૂળ નેત્ર વગર જોઈ શકાય છે અને તેનો રસ સ્થૂળ જિવ્હા વગર ચાખી શકાય છે, તે અકળ અને અવિનાશી છે અને ‘અરધ ઊરધની (અધઃ ને ઉર્ધ્વની) માંહિ મ્હાલે’ છે. નરસિંહનો ઈશ્વર આવો સર્વવ્યાપી છે છતાં પણ કવિ કહે છે કે તે સંત પુરુષો તેને પ્રેમના તંતમાં બાંધી શકે છે. અહિં કવિએ ‘જ્ઞાન’ અને ‘ભક્તિ’નું એકીકરણ કર્યું છે. સૂક્ષ્મ તેમ જ ઉચ્ચ દર્શનવાળા કવિ આપણને અનન્ત શૂન્યતાસૂચક આકાશમાં તેને શોધવાનું કહે તો વાજબી જ છેઃ

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો!

અહિં એક પ્રશ્ન થાય છે કે આ ગગન તે કયું? શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ‘ગગન’નો અર્થ ચિદાકાશ કરે છે, જ્યારે આનંદશંકર ધ્રુવ કહે છે કે આપણું ‘આ ગગન શું ખોટું છે?’ આ વિશાળ વિશ્વ અને આકાશ તેને માટે પુરતું છે. હું આ મત સાથે સંમત છું અને તમને બધાને કવિની માફક કહું છું કે—

“નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો!”

[મ્હારા આવતા વ્યાખ્યાનમાં બીજા વિરાટરૂપ કવિનો–મ્હારા એ કવિના દર્શનનો–પરિચય હું કરાવીશ.] [વસન્ત–કાર્યાલય]

પાદટીપ

  1. આ ચોથા વ્યાખ્યાનના મૂળ ઇંગ્રેજી લખાણ પરથી શ્રીયુત ઇંદ્રવદનભાઈ રતનથાલ મહેતા, બી. એ એ આ તરજુમો કરી આપ્યો છે, તે બદલ તેમનો ઉપકાર માનું છું. – સંપાદક.
  2. (૧) “કમળ કરે લખી, જોઈ નરસે સખી, પત્રિકા લઈ હવે કુણ જાએ.”
    (સુરત સંગ્રામ પદ, ૧૧ ૫’, છેલ્લી.)
    બીજે ઠેકાણે કવિ કહે છે–“નરસૈયાનું પુરૂષપણું રે જાણ્યું ગયું તેણી વેળા રે” (રાસ સહસ્રપદી, પદ ૬૯)
  3. ૨. ‘ત્વદભિસરણભસેન વલન્તી | પતતિ પ્રદાનિ કીયન્તિ ચલન્તો ||’
    હોંસ ધરી ઉર પ્રભુને મળવા
    ડગ ભરી બળથી પડે ઢળી અબળા. (દિ. બા. કેશવલાલ હ. ધ્રુવનું ભાષાન્તર ૧ લી આવૃત્તિ.)
  4. ૩. તેમાંનાં કેટલાક શ્લોકો નીચે પ્રમાણે છેઃ–
    ‘ન લક્ષ્યન્તે પદાન્યત્ર તસ્યા નૂનં તૃણાઙ્‌કુરૈઃ |
    ખિદ્યત્સુજાતાઙિ્‌ઘ્રતલામુ ન્નિન્યે પ્રેયસીં પ્રિયઃ ||
    [ઈમાન્યધિકમગ્નાનિ પદાનિ વહતો વધૂમ્‌ |
    ગોપ્યઃ પશ્યત કૃષ્ણસ્ય ભારાક્રાન્તસ્ય કામિનઃ || ]
    આ શ્લોક ક્ષેપક મનાય છે.
    અત્રાબરોપિતા કાન્તા પુષ્પહેતોર્ભહાત્મના |
    અત્રપ્રસૂનાશ્રચયઃ પ્રિયાર્થે પ્રેયસાકૃતઃ ||
    પ્રપદાક્રમણે એતે પશ્યતાઽસકલે ષદે |’ ઇ. ઇ.
    નરસિંહ મહેતાની પંક્તિયોમાં ભાગવતમાંના આ ઊતારામાંના વર્ણનનો સહજ રૂપાન્તર કરેલો પ્રતિધ્વનિ સંભળાય છે.
    નરસિંહ મહેતાની કવિતામાં ભાગવતની આવી ચોક્ખી અસર જોવામાં આવે છે તેથી પ્રો. આનન્દશંકર ધ્રુવના “નરસિંહ મહેતાની કવિતામાં ભાગવતની અસર છે એમ માનવાને બદલે જયદેવની અસર છે એમ માનવું વધારે વાજબી જણાય છે–[વસન્તમાં લેખ ૧૯૬૧ શ્રાવણ માસ, પાનું ૨૪૫]” એ મત સાથે સંમત થવું કઠણ છે. વધારે યોગ્ય અનુમાન તો એમ કઢાય કે ભાગવત અને જયદેવ બંનેની અસર નરસિંહમાં આવી છે, કોઈ ભાગમાં એકની, કોઈમાં બીજાની.
  5. ૪. “ધી મૉડર્ન વર્નાક્યુલર લિટરેચર ઑફ હિંદુસ્તાન’. લેખક સર જ્યૉર્જ ગ્રીઅરસન, ૧૮૮૯ પાનું ૨૪. લેખકે આ દુહાનો તદ્દન ખોટો અર્થ કર્યો છે, અને તેના ભાષાંતરમાં–તમે મનુષ્ય છો એવો ઢોંગ કરો છો–એ વાક્યનો ઉમેરો કર્યો છે અને ‘મરદ’ શબ્દનો અર્થ ‘મર્ત્ય’ કર્યો છે.
  6. ૫. જુઓ ‘શૃંગારમાળા’નાં પદો ૨૩. ૩૬, ૩૪, ૧૨૬, અને ‘ચાતુરીષોડશી”નાં પદો ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ ઇત્યાદિ.
  7. ૬. જુઓ અખોઃ–સજીવે નછવે ઘડ્યો, સજીવો જઈ નજીવાને અડ્યો...
  8. ૭. જેણે એક ધ્યેય રાખ્યું છે તેવા અખાને બ્રહ્મદર્શન એ જ અકલ આનંદ છેઃ—“અભિનવો આનન્દ આજ, અગોચર ગોચર હતું એ.”