ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/અખો (સોનીની એરણ ઉપરથી ઊડેલા તણખા)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગૂજરાતી સાહિત્ય
અખો[1]

(સોનીની એરણ ઉપરથી ઊડેલા તણખા.)

“અદ્વૈતના શુષ્કાભાસી વાદનાં વચનોના પોતાની કવિતાની કાંઈક કર્કશ કલાના હથોડા વડે, કહેવતો વડે, સુઘટિત ઘાટ ઘડીને, આપણા મન અને બુદ્ધિ ઉપર દૃઢ છાપ પાડનારો સુવર્ણકાર અખો ભક્ત હેની સાદી પણ સબળ સમર્થ મુખમુદ્રાથી પ્રભાવ સ્થાપનારો, સાહિત્યનાં એરણ હથોડો લઈને અહિં બેઠેલો જુવો. હેના સ્હામે કવિતા દેવી, પોતાના વિલાસ તજીને, દીપ્તિમય આભૂષણો ફેંકી દઇને સાદાં વસ્ત્ર પ્હેરી કમ્પમાન દેહથી ઊભી છે; તે ચિત્ર જોઇને ખેદ કરશો નહિં, કેટલાક દૃઢ વિરાગીના પ્રભાવ આગળ લલનાનાં લાલિત્ય શમી જાય છે–હેવું આ ચિત્ર છે. એ કવિતા દેવીની વીણાના તાર તોડી નાંખીને આ કઠણ આચાર્યે એ સુન્દર વાદ્યને દૂર ફેંકી દેવડાવ્યું છે, તેથી એ દેવીની મુખમુદ્રા ઉપર દુઃખની છાયા પડી છે. તેથી આપણને કાંઇક ખેદ થાય છે ખરો.”૨[2] બરાબર આઠ વર્ષ ઉપર હું ઍલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્યાર્થીઓ આગળ “ગૂજરાતી મંડળ”ની સ્થાપનાનું મંગળભાષણ આપવા ઊભો હતો તે સમયે મેં એ મંડળ સમક્ષ કલ્પિત સિનેમા ઉપર દોરેલાં અનેક ચિત્રોમાં આ ઉપર દોરેલું એક ચિત્ર હતું. એ ચિત્રમાં અખો સોની કવિ– સાહિત્યની એરણ પાસે હથોડી લઇને બેઠો છે. એની મુખમુદ્રા સાદી પણ પણ જબરી–આપણા મન અને બુદ્ધિ ઉપર દૃઢ છાપ પાડે એવી–છે. એની સ્હામે કવિતા દેવી ધ્રુજતી, સર્વે લલિત આકૃતિ અને તેજસ્વી ઘરેણાં ત્યજી, સાદે લુગડે ઊભી છે. આ જોઈ દુઃખ પામવાનું કારણ નથી. તીવ્રવિરાગી જન આગળ લલનાઓનું લાલિત્ય શમી જાય છે. આ ઉગ્ર ઉસ્તાદે કવિતા દેવીની વીણાના તાર તોડી નાંખ્યા છે, અને એ વાદ્ય બાજુ પર ફેંકાવી દીધું છે. કવિતા દેવીના મુખ ઉપર આથી દુઃખ અને ગ્લાનિની છાયા પ્રસરી રહી છે, અને એ જોઈ આપણને પણ દુઃખ થાય છે. આ ચિત્ર દોર્યે એક દસકો થયો. આજ એમાં કાંઈક ફેરફાર કરું? કરીશ, પણ તાત્ત્વિક નહિ. આજ હું અખાની કવિતાના ગુણ અને ભવ્યતાના આન્તર તત્ત્વનું તમને દર્શન કરાવીશ. આ માટે કવિતા અને તત્ત્વજ્ઞાનના કાર્ય અને સંબન્ધ વિષે કેટલોક વિચાર કરવો પડશે. તત્ત્વજ્ઞાનના વસ્તુના આન્તર અર્થની–સત્ય વસ્તુની–શોધ કરે છે; મનુષ્યજીવનના પરતત્ત્વ સાથેના સંબંધ વિષે ચિન્તન કરે છે; દૃશ્ય અને અદૃશ્યના સંબંધનો, એક તરફ મનુજ આત્મા અને બીજી તરફ વિશ્વ અને પરમાત્મા એમના સંબન્ધનો વિચાર કરે છે; વસ્તુના તાત્ત્વિક સ્વરૂપનું અન્વેષણ કરે છે. કવિતાની દૃષ્ટિ પણ સત્ય ઉપર રહે છે–પણ તે સત્ય કવિતાદેવીથી પ્રેરાયેલા આત્માને જેવું દેખાય છે તેવું. એની અને તત્ત્વવિદ્યાની વચ્ચે એક સમાનતા છે અને તે એ કે મનુષ્યજીવન અને એ જીવનના ઉપર જણાવેલા વિવિધ સંબન્ધો એ વિષે બંને ચિન્તન કરે છે. કવિ અને તત્ત્વજ્ઞ (ફિલસુફ) બંને દૃષ્ટા છે, પણ તેઓની દૃષ્ટિમાં વસ્તુ જોવાની રીતમાં-ભેદ છે. ગન્તવ્ય વસ્તુને પહોંચવાના તેમના માર્ગ જુદા છે, અને એ વસ્તુને ઉપસ્થિત કરવાનું સ્વરૂપ પણ એમનું એક નથી. તત્ત્વજ્ઞ (ફિલસુફ)ની પદ્ધતિ પૃથક્કરણની છે, કવિની એકીકરણની છે. એ સાક્ષાત્‌ અન્તર્‌દૃષ્ટિથી વસ્તુને જુવે છે અને એનું ગ્રહણ કરે છે. અને એટલા પુરતો કવિ ફિલસુફ કરતાં વધારે અંશે દૃષ્ટા છે એમ કહી શકાય. ભારતવર્ષના તત્ત્વજ્ઞાનનો ઉદ્દેશ માયાના પાશમાંથી આત્માને કેવી રીતે મુક્ત કરવો એ છે. અને એ મુક્તિનું સાધન જ્ઞાન મનાય છે. જ્ઞાનની શુષ્કતાથી કંટાળી અન્ય જનોએ ભક્તિનો ઉપદેશ કર્યો છે. બીજા કેટલાકે જ્ઞાન અને ભક્તિના સમુચ્ચયને મોક્ષનું સાધન માન્યું છે. આ તત્ત્વજ્ઞાનના ગહન વનમાં આથડવાની આપણે જરૂર નથી. આપણે તો માત્ર અખાની વાણીની ચર્ચા કરતી વખતે પ્રસંગોપાત જેટલું આમાં ઊતરવું પડે તેટલું ઊતરીશું. પણ અહીં એક બીજી વાતનો સ્પર્શ કરૂં. પ્રશ્ન એ છે કે કવિતા અને તત્ત્વજ્ઞાનના પંથ જો જુદા છે તો પછી તત્ત્વજ્ઞાનની કવિતા શી રીતે અને કેવી સ્થિતિમાં થઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર કવિતાનું તાત્ત્વિક બીજ શું છે એ વિચારવાથી મળશે. એ બીજ તે રસ છે. કવિતા અને તત્ત્વજ્ઞાન બંનેનો ઉદ્‌ભવ આશ્ચર્ય યાને અદ્‌ભુતતાના ભાવમાંથી થાય છે. જ્યારે જીવન, વિશ્વ અને એવા જ બીજા પ્રશ્નો એની સંમુખ આવીને ઊભા રહે છે, ત્યારે એમાંથી આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કવિતા જન્મતી નથી, આશ્ચર્ય એ અદ્‌ભુત રસનો સ્થાયી ભાવ છે એ ખરૂં, પણ એ આશ્ચર્ય કેવળ પ્રથમ લાગણીરૂપ હોય છે ત્યાં સુધી એનો વિષય કાવ્યનું રૂપ પકડતો નથી. જ્યારે એ સંજ્ઞા વૃત્તિ-યાને ભાવરૂપે પરિણમે છે ત્યારે એ રસ-પ્રકૃતમાં, અદ્‌ભુત રસ–બને છે. બીજા ભાવ એમાં ભળે છે ત્યારે બીજા રસ પ્રકટ થાય છે. જગન્નાથ પંડિતે એક સ્થળે કહ્યું છે કે અદ્‌ભુત રસ એ સર્વ રસના અન્તરમાં વિરાજમાન છે, તેથી તત્ત્વજ્ઞાનના આશ્ચર્યની લાગણી સાથે હૃદય ઊર્મિ ભળે ત્યારે જ એમાંથી કાવ્ય પ્રકટ થાય છે. એક દૃષ્ટાન્ત યાને રૂપકથી આ વાત સમઝાવું. તત્ત્વજ્ઞાન અને કવિતા બે એક બીજાથી જુદાં ઉચ્ચગિરિશૃંગ છે. એ બેની વચ્ચે એક સુવર્ણનો પૂલ બાંધવામાં આવે, અને એ રીતે એને જોડી દેવાય, તો એમાંથી ઉત્પન્ન થતું દૃશ્ય તે તત્ત્વજ્ઞાની કવિતા બને. ઘણાં વર્ષો ઉપર હું જ્યારે ઉત્તર કાનડા જિલ્લામાં ફરતો હતો ત્યારે ધુમ્મસથી છવાએલાં ગિરિશૃંગો અને ઉછળતા દરિયામાં પ્રકૃતિની સુંદરતા અને ભવ્યતાનાં દૃશ્યો જોવા હું ભાગ્યશાળી થતો. આવી એક ધન્ય ક્ષણે બે મ્હોટી પર્વતની હારની વચ્ચે થઈને જતાં મ્હેં બે પર્વતનાં શૃંગોને સુવર્ણ મેઘમાળાથી સંધાએલાં જોયાં હતાં. કાંઈક એવી જાતનું સંધાન આ કવિતા અને તત્ત્વજ્ઞાન વચ્ચે થઇ શકે છે. પણ તે મ્હેં જોયું તેવા દૃશ્યની માફક વિરલ છે. હવે રૂપક બદલીને કહું તો જ્યારે,

જ્ઞાનગિરિનાં શૃંગને,
કાવ્યકિરણો રંગશે;

તત્ત્વજ્ઞાનનાં ઉચ્ચ શૃંગ ઉપર કવિતારૂપી ઉન્નત વ્યોમગત સૂર્યની કિરણમાળાના રંગ પથરાશે, ત્યારે તત્ત્વજ્ઞાન કવિતાનું રૂપ ભલી રીતે ધરશે. કેટલીક વાર ઉચ્ચ કલ્પના જ આ હૃદયભાવનું કામ કરે છે. ઉદાહરણ તરીકે, અખાની “બ્રહ્મલીલા”માંથી નીચેનો ઉતારો જુઓઃ–

પરમ ચૈતન્ય આદિ નિરંજન, અકરતા પદ સો સદા
અજા અલપ અર્વાક અંજન ભો[3] જગત પલમેં તદા,
સગુણ બ્રહ્મ સો સ્તુતિ પદારથ, દૃષ્ટ પદારથ સ્વામિની;
અખા બ્રહ્મ ચૈતન્યધનમેં ભઇ અચાનક દામિનીઃ

પ્રથમ તો બ્રહ્મના નિર્ગુણ (‘નિરંજન’) સ્વરૂપનું જ કેવળ વર્ણન છે. [અહીં પ્રસંગવશાત્‌ કરી લઉં કે આપણા તત્ત્વજ્ઞાનમાં જેમ બ્રહ્મ નાન્યતરજાતિ છે તેમ પ્લોટાઈનસ–એક પાશ્ચાત્ય ફિલસુફ–પણ એ પરમતત્ત્વ માટે અંગ્રેજી નાન્યતર સર્વનામ It વાપરે છે.] એ પછી માયા (‘અજા’) ના સ્પર્શ માત્રથી એ કેવું સગુણ (‘અર્વાક્‌ અંજન’=પ્રત્યક્‌ અને સગુણ) બને છે એ કહ્યું છે. અને અહીં કવિની કલ્પનાદૃષ્ટિ આગળ દૃસ્ય ખડું થાય છે. “ભો જગત પલમેં તદા” અર્થાત્‌ આ દૃશ્ય જગત્‌ પળમાં ઉત્પન્ન થયું. (ભો-ભયો) પછી કવિની કલ્પનાશક્તિ એથી આગળ ઊડે છે. કવિ કહે છે કે : સગુણ બ્રહ્મ સ્તુતિ એટલે કે ઉપાસનાનો વિષય છે. એ ક્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે “ચૈતન્યઘન’-મેઘ-માં માયારૂપી વીજળી (‘દામિની’) ચમકે છે ત્યારે. આ છેલ્લું રૂપક–વા અતિશયોક્તિ-એ ખાલી અતિશયોક્તિ નથી; કવિની કલ્પનાદૃષ્ટિ આગળ સ્વયં ઉત્પન્ન થઇ આવેલું ચિત્ર છે. આનું નામ તત્ત્વજ્ઞાનના ઉપાદાનમાંથી ઉત્પન્ન કરેલી ખરી કવિતા. એક બીજું ઉદાહરણ આપીશ. એમાં બ્રહ્મમાંથી જગત્‌ કેવી રીતે ઉત્પન્ન થયું એનું કવિની વાણીમાં વર્ણન છે.

“કૃષ્ણ કૈસી હોરી મચાઈઃ
અચરજ લખિયો ન જાઈ,
અસત સત કર દિખલાઈ.
કૃષ્ણ કૈસી
“એક સમય શ્રી કૃષ્ણદેવકે હોરી ખેલન મન આઈઃ
એકસે હોરી મચે નહિ કબ હું વાતેં કરૂં બહુતાઈ
યહી પ્રભુને ઠહરાઈ. કૃષ્ણ કૈસી.
પાંચ ભૂતકી ધાતુ મિલા કર અંડ પચકારી બનાઈ,
ચૌદ ભુવન રંગ ભીતર ભરકર નાના રૂપ ધરાઈ,
પ્રગટ ભયે કૃષ્ણ કન્હાઈ, કૃષ્ણ કૈસી.
પાંચ વિષયકો ગુલાલ બના કર બીચ બ્રહ્માણ્ડ ઉડાઈ,
જિસ જિસ નેન ગુલાલ પર બહ સુધબુધ સબ બિસરાઈ,
નહિ સૂઝત અપુનાઈ.
કૃષ્ણ કૈસી
વેદ અંત અંજન કી સિલાકા જિસનેં નૈનનમેં પાઈ,
બ્રહ્માનન્દ ઉસકો તમ નાશ્યો, સૂઝ પરી અપુનાઈ,
હોરી કછુ બની ન બનાઈ,
હોરી કછુ બની ન બનાઈ.

આ મહાન વિશ્વ જોઇ એમાંથી તત્ત્વજ્ઞ કવિહૃદયને થતું અદ્‌ભુતતાનું દર્શન એ આ કાવ્યનું બીજ છે, એમાં તત્ત્વજ્ઞ અને કવિ બંનેને થતાં આશ્ચર્ય એકરૂપ બની ગયાં છે. આ સ્થાયી ભાવ ઉપર કવિની કલ્પનાશક્તિ એક સુન્દર ચિત્ર માનસ ચક્ષુ આગળ ખડું કરે છે; વિશ્વના સંપૂર્ણ દૃશ્યને કવિ બ્રહ્મની હોળીની ક્રીડા (અત્રે કૃષ્ણની કહી છે કારણકે ગોકુલમાં કૃષ્ણની એ પ્રિય રમત હતી તે ક્રીડા) કહે છે. આ ક્રીડાનું ખાસ લક્ષણ છે કે અસત્‌ને સત્‌ કરી બતાવવું– જે આશ્ચર્યનું પૂરેપૂરૂં વર્ણન થઇ શકે એમ નથી. (‘અચરજ લખિયો ન જાઈ’). કવિતાનો આરંભ આ રીતે થાય છે કે એક વખત બ્રહ્મ (‘કૃષ્ણ’) ને હોળી રમવાની ઇચ્છા થઈ. પણ એ રમત એકલાથી રમાઈ ન શકે તેથી તેણે એકના અનેક થવાની ઇચ્છા કરી (‘એકોઽહ બહુ સ્યામ્‌’) તેથી બ્રહ્મે પંચમહાભૂતની ધાતુઓને એકઠી કરી એમાંથી બ્રહ્માંડ રૂપી પીચકારી બનાવી. એમાં ચૌદ ભુવનના વિવિધ રંગ ભર્યા અને વિવિધ રૂપ ધરી વિવિધ રૂપે એ ‘કૃષ્ણ’ પ્રકટ થયા. હોળીમાં એક બીજા ઉપર પીચકારી છોડવી, એક બીજાના ઉપર ગુલાલ નાખવો એ સામાન્ય રીત છે. આ ‘ગુલાલ’ શબ્દ સ્પર્શ રૂપ, રસ અને ગન્ધ રૂપી પાંચ વિષયનો બનેલો છે અને તે આખા વિશ્વમાં ઉડી રહ્યો છે. ગુલાલ આંખમાં પડતાં આંખ આંધળી જેવી થઈ જાય છે, તેમ આ વિષય થકી બુદ્ધિ અન્ધ થઈ જાય છે, અને તેથી આત્માનું પોતાનું સ્વરૂપ (‘અપુનાઈ’) એ જોઇ શકતી નથી. કવિ બ્રહ્માનન્દ એનો ઉપાય બતાવે છે. એ કહે છે કે વેદાન્તના જ્ઞાનરૂપી અંજનશલાકા જેની આંખમાં ફરે છે, એ દેખતો થઈ જાય છે–એનું અજ્ઞાન નાશ પામે છે, અને આત્માનો થાય છે. અને તે થતાંની સાથે હોળી બંધ થઇ જાય છે; કદી થઈ જ નહોતી એમ થાય છે. આ રીતે આ વિશ્વરૂપે પ્રકટ થતી માયાને બ્રહ્મ પોતામાં સમાવી દે છે. એક અજ્ઞાત કવિ કહે છે તેમ–

લીધી સંકેલી હરિએ વિચારી પ્રબળ નિજ માયા રે,[4]

આ રીતે તત્ત્વજ્ઞાનના શુષ્ક સિદ્ધાન્તો કવિએ એની અદ્‌ભુત કલ્પનાથી રસિક બનાવી દીધા છે. ઉચ્ચ કલ્પનાશક્તિથી તત્ત્વજ્ઞાન એ કવિતા કેવી રીતે બને છે તેનું એક બીજું ઉદાહરણ અખાની કવિતામાંથી આપું.

જેમ વર્ષાઋતુ જાય, શરદ ઋતુ રૂડી દીસે,
દામિની દોડી પળાય, વાય મન (?મન્દ) હળવા હીસે,
ચહુ દિશ ચમકે ચંદ, દ્વંદ્વ બહુ મનનો ભાગે,
તેમ ભાગે ભવ ભ્રાન્તિ, કાન્તિ જેમ દ્વિતીયા આગે,
વિમળ વપુ હોય વારિ, ચતુર લિંગ દેખી લહે,
ચિદાકાશ ચિન્મય અખા, ધ્યાન ધ્યેય સમરસ રહે.
(‘અનુભવબિન્દુ’ : ૧૫)

પ્રથમ દૃષ્ટિએ તો કોઈ એમ જ ધારે કે આ માત્ર વર્ણનાત્મક કાવ્ય છે; પણ તેમ નથી. વર્ષા, શરદ્‌, ચંદ્ર વગેરેના વર્ણનદ્વારા કવિ એના તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્તો બહાર મૂકે છે. કવિનો ઉદ્દેશ શ્રોતાજનને ચિદાકાશમાં ચિન્મયતાની શાન્તિનો અનુભવ કરાવવાનો છે, જે સ્થિતિમાં ધ્યાતા અને ધ્યેય ‘સમરસ’–એક નહિ, પણ ‘સમરસ’–થઈ રહે છે, આ ઉદ્દિષ્ટ અનુભવ કરાવવા માટે કવિની સ્વયંભૂ કલ્પનામાં વર્ષાઋતુ પછીની શાન્ત શરદ્‌ ઋતુનું ચિત્ર ખડું થાય છે—જેમાં વર્ષાઋતુની ચમકતી વીજળી અણછતી થઈ જાય છે. અને મન્દ અને હલકા પવન આનન્દથી વહે છે, અને ચન્દ્ર જે અત્યાર સુધી વર્ષાઋતુનાં વાદળાંથી છવાઇ રહેતો હતો તે પાછો એના શાન્ત લાવણ્યમાં પ્રકટ થાય છે—કવિ વડર્‌ઝવર્થની પંક્તિ સંભારીએ તો–

“The moon doth with delight
Look round her, when the heavens are bare.”

કવિ અખો આ રીતે પ્રકૃતિના એક દૃશ્યનું એવું વર્ણન આપે છે કે જે આત્માની એક સ્થિતિ સાથે મળતું આવે છે–જે સ્થિતિમાં સુખદુઃખાદિ દ્વન્દ્વ નાશ પામી ગયાં છે, અને વર્ષાઋતુનાં પાણીની માફક માયાથી ડહોળાએલી મનની વૃત્તિને સ્થાને શરદ્‌ઋતુ જેવી શાન્ત અને નિર્મળ મનની વૃત્તિ જામી છે, કવિનો મુખ્ય ઉદ્દેશ જગત્‌ના ભારથી ડહોળાએલા મનની સ્થિતિ અને પરમાત્માનું ધ્યાન ધરતાં થએલી શાન્તિ અને નિર્મળતાથી ભરેલા આત્માની સ્થિતિ–બે વચ્ચેનો ભેદ વાચક આગળ પ્રત્યક્ષ કરવાનો છે. આ માટે એણે પ્રકૃતિનાં દૃશ્યને ઉપાદાન બનાવ્યાં છે. પરંતુ તે મુખ્ય વર્ણનનો વિષય નથી, અને જે ઉપમા આપી છે તે બાહ્ય અલંકાર નથી; અંતર્‌ના ભાવમાંથી અલંકાર પ્રકટ થયો છે, એ ભાવનો જ એ વિકાસ છે. નવમી ગૂજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે આપેલા એમના વિચાર અને વિદ્વત્તાભરેલા ભાષણમાં શ્રીયુત રામનારાયણ પાઠક કહે છે તેમ “અલંકાર વસ્તુથી ભિન્ન, વસ્તુને અલંકૃત કરવાને યોજેલી આગન્તુક વસ્તુ છે એમ કહેવું ખોટું છે. કાવ્યને સમઝાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી, પણ તેને તત્ત્વતઃ ભિન્ન માનવાં તે ખોટું છે. x x x x કાવ્યમાં કશું આગંતુક હોઈ શકે જ નહિં. કલામીમાંસક ક્રોચેએ આપેલી દલીલથી આનો વિચાર કરિયે. તે પૂછે છેઃ “જે’ને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહિ? પામ્યો હોય તો તે આગન્તુક નથી, પામ્યો ન હોય તો તે કાવ્ય નથી.” ‘અનુભવબિન્દુ’માંથી અહીં ઊતારેલા દૃષ્ટાન્તથી તમને સમઝાતું હશે જ કે અખાએ એની કવિતા એની ઉચ્ચ કલ્પનાના બળથી જ કરી છે, જેમાં હૃદયની ઊર્મિ છે તે ખરી, પણ તે દબેલી છે, અને તે સર્જક ભાગ ભજવતી નથી. કવિકલ્પનાની એરણ ઉપર તત્ત્વજ્ઞાન ઘડાઈને કાવ્યરૂપ બને છે; એમાં હૃદયનો ભાવ અને કોઇ વાર કલ્પનાને મળતો હૃદયનો ભાવ, એ અગ્નિને સ્થાને કામ કરે છે. હવે એક તત્ત્વજ્ઞાની કવિ તરીકે અખાને વિચારીએ. અખાના સમય ઉપર દૃષ્ટિ નાંખતાં સમઝાશે કે આ પ્રકારનું કામ કરવા એને દિવ્ય પ્રેરણા હતી. આ અગ્નિ તે સામાન્ય લાકડામાંથી પ્રકટેલો અગ્નિ ન હતો, પણ એ સૂકાં લાકડાંને સળગાવનાર આકાશમાંથી ઊતરી આવેલી વીજળી હતી.[5] કયા ગ્રહમાં અખાનો જન્મ થયો હતો? જોષી જુવે છે તેવી ગ્રહની કુંડળી જોવાનું મ્હારૂં કાર્ય નથી. હું તે તે સમયની સામાજિક આદિ સ્થિતિને ગ્રહકુંડળી કહું છું. નાતજાતના વાડા, આભડછેટ વગેરે વ્હેમ તે વખતના સામાજિક વાતાવરણમાં ભરપૂર હતા. ધર્મના પ્રદેશમાં મૂર્તિપૂજા, વૈષ્ણવ પંથની આંધળી ગુરુભક્તિ આદિ દૂષણો પણ હતાં. એની પહેલાં એકાદ શતકથી ભક્તિ સંપ્રદાય આખા હિન્દુસ્થાનમાં વ્યાપેલો હતો. અખાનો સમય ઇ. સ. ૧૬૧૫ થી ૧૬૭૪, અને ભક્તિસંપ્રદાયની જાગૃતિ ઇ. સ. પંદરમા અને સોળમા શતકમાં. ચૈતન્યનો જન્મ ઇ. સ. ૧૮૪૫ માં થયો અને એનો પંથ બંગાળા, ઓઢિયા અને બિહાર પ્રાન્તમાં પ્રસર્યો. દક્ષિણમાં નિમ્બાર્કે, એનો પંથ રામાનુજાચાર્ય સંપ્રદાય ઉપર રચ્યો. વલ્લભાચાર્યનો જન્મ ૧૪૭૯ મા; અને એમનો પન્થ ઉત્તરમાંથી જન્મીને હિન્દુસ્થાનમાં ફેલાયો, અને તે ગુજરાતમાં સારી પેઠે જામ્યો. ગુજરાતના વલ્લભપંથ કરતાં દક્ષિણની વિઠ્ઠલભક્તિ વધારે શુદ્ધ હતી. અખાએ માત્ર વલ્લભપંથ જ જોયો હતો. મૂર્તિ પૂજા અને વ્હેમથી ભરેલું વાતાવરણ અખાને ગમ્યું નહિ, અને એ એની સ્હામે થયો. ખરૂં છે કે એણે ઉપાડેલા વિરોધના ઝંડાની આસપાસ લોક એટલા એકત્ર થયા નહિ કે જેટલા કબીર નાનક વગેરેના ઝંડાની આસપાસ થયા. પણ અખો પણ ગુજરાતમાં એક સમર્થ જ્યોતિ હતો એમાં શંકા નહિ. આ એ જ સમય હતો કે જેમાં વ્હેમ સ્હામે ઝંડો ઉપાડનારા મહાપુરુષો માત્ર હિન્દુસ્થાનમાં જ થયા ન હતા, પણ યૂરોપમાં પણ તે જ પ્રમાણે હતું. જાણે, આખા જગતમાં કોઇ અદ્‌ભુત પ્રેરણાથી સામાજિક અને ધાર્મિક વ્હેમ સ્હામે મનુષ્યનાં નેત્રો ઉઘડવા માંડ્યાં હતાં. યૂરોપમાં પ્રૉટેસ્ટન્ટ પન્થે એના ઉદ્‌ગારમાં ગદ્ય જ ઉત્પન્ન કર્યું ત્યારે હિન્દુસ્થાને પદ્યને શસ્ત્ર બનાવ્યું. પદ્ય તરફ સ્વાભાવિક વલણ છે. પણ આટલાથી જ અખો કવિ કેમ થયો એનો ખુલાસો મળતો નથી. એના અન્તરમાં મહાન વિચારનો ભાવ ઉત્પન્ન થયો હતો, જેને કવિતા રૂપે બહાર પ્રકટ કર્યા વિના એને ચેન પડે એમ ન હતું; પછી ભલે એ કવિતા સુઘટિત અને સુંવાળી નહિ પણ ખડબચડી જ હોય. અખાને ચાલુ ધર્મથી ઘણી નિરાશા ઉપજી હતી, અને તે પોતાનું જીવનચરિત્ર લખતો હોય તેમ કહે છે કે–

“ઘણાં કૃત્યો કર્યા મેં બાઝ, તોએ ન ભાગી મનની દાઝ;
દર્શન વેષ જોઈ બહુ રહ્યો, પછી ગુરુ કરવાને ગોકુળ ગયો.
ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ;
મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.”

પછી એને સાચા ગુરુનો સંબન્ધ થાય છે. એ ગુરુ તે બનારસના બ્રહ્માનન્દ સ્વામી. એના ઉપદેશરૂપી ચિનગારી અખાના તૈયાર થઈ રહેલા દારૂમાં પડી–અને ધડાકો થયો; એ અખાની અર્થગૌરવભરી કવિતા. અખાએ આભડછેટ મૂર્તિપૂજા વગેરે સ્હામે જે અનેક પદ્યો લખ્યાં છે તે થકી એની ધાર્મિક વ્હેમ સ્હામેની લાગણી સ્પષ્ટ દેખાઈ આવે છે, પણ તે સાથે કૃષ્ણ-ગોપીની લીલાની કવિતામાં જે બાયલું કવિપણું રહેલું છે તેની સામે પણ એ હતો એમ જણાય છે. આ રીતે એણે આ જાતની શૃંગારી કવિતા સ્હામે પણ વિરોધ કર્યો, અને તે માટે એણે તત્ત્વજ્ઞાનને કવિતામાં ઊતાર્યું: બલ્કે કવિતાને-કવિના કામને ધિક્કાર્યું. એ કહે છે :

“જ્ઞાનીની કવિતા ન ગણીશ.”

વારૂં, આપણે પણ સ્વીકારી લઈએ કે એ જ્ઞાની હતો અને તેથી કવિ ન હતો. આપણે કબુલ કરવું જોઇએ કે એનાં ઘણાંખરાં પદ્યોમાં તત્ત્વજ્ઞાનનાં સૂત્રો છે અને તત્ત્વજ્ઞાનની લાંબી ચર્ચાઓ છે. પણ એને અંગે વચ્ચે વચ્ચે કવિતાના ચમકારા થઇ આવે છે, જે વડે એની કૃતિઓ કેવળ તત્ત્વજ્ઞાનના ગ્રન્થથી જુદી પડે છે. તેથી હું અખાને તત્ત્વજ્ઞ–કવિ કહું છું. એનાં પદ્યોમાં જે કવિતાનો અંશ છે એમાં બે તત્ત્વો રહેલાં છેઃ (૧) એક ભક્તિનો જે એક બાજુ દ્વૈતવાદ તરફ ઝુકે છે, છતાં તદ્દન દ્વૈતવાદ સાથે ભળી જતો નથી. અને તેનો અખો સાથે અદ્વૈત સિદ્ધાન્તની રીતે અર્થ કરે છે; બીજું તત્ત્વ માયાવાદઃ પરમાત્મા, એનું જગત્‌ અને એ બેનો સંબંધ વિચારતાં અદ્વૈતવાદીને જે માયાવાદ સૂઝે છે તે આ બે તત્ત્વને ઉપાદાન કરીને અખાની કવિતા બનેલી છે. એમાં જુસ્સો-હૃદયની ઊર્મિ-તે ભક્તિના અંશમાંથી આવે છે, અને અદ્‌ભુતતાના ભાવથી ભરેલી કલ્પના તે તત્ત્વજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે; બંને–ઊર્મિ અને કલ્પના–એ કવિતાથી ઉદ્દીપક શક્તિઓ છે. આ બે અંશોનાં ઉદાહરણ આપીએ. પ્રથમ ભક્તિ લઈએ. ભક્તિનો એક પ્રકાર તે વેદાન્તીઓનો. જેઓ ભક્તિ અને જ્ઞાનને એક કરીને માને છે; જાણવું એટલે ભજવું; પ્રેમથી વળવું; જો તમે ભજો નહિ, પ્રેમથી વળગો નહિ, તો તમારામાં જ્ઞાન ઉત્પન્ન જ થયું નથી એમ સમઝવું. અને આમ છતાં એ અદ્વૈતવાદમાં–શાંકરસિદ્ધાન્તમાં–જ્ઞાન અને ભક્તિ વિષય જુદા માન્યા છે, જ્ઞાનનો વિષય નિર્ગુણ બ્રહ્મ, અને ભક્તિનો વિષય સગુણ બ્રહ્મ–ઈશ્વર આ બીજા સ્વરૂપને લક્ષીને ઉપમન્યુસ્તોત્રમાં ગાયું છે કે–

“વિરહીવ વીભો પ્રિયાભયં
પરિપશ્યામિ ભવન્મયં જગત॥”

આની સાથે બાયરનના “Dream” માંહેની પંક્તિઓ સરખાવી શકાય છેઃ–

“And to his eye
There was only one beloved face on earth;
xxxx
He had looked
Upon it till it could not pass away;
He had no breath, no being, only in hers.
xxxx
he had ceased
To live within himself; she was his life.”

આથી ઉલટું, દ્વૈતવાદમાં સગુણ બ્રહ્મ–ઇશ્વર–ભક્તિનો વિષય છે. એમાં ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે અમુક સ્પષ્ટ ભેદ માનેલો છે-ઉપાસ્ય ઈશ્વર ઉપાસક જીવથી ભિન્ન અને ઊંચો છે. આ બે ભક્તિના પ્રકારમાંથી પહેલા પ્રકારની ભક્તિ–અદ્વૈતવાદની ભક્તિ–અખાની છે. અખેગીતાના એ ભક્તિનું સ્વરૂપ ૧૧ મા કડવામાં બતાવે છે. એ ભક્તિ તે સર્વાત્મભાવ જ છે–જે થતાં સર્વ પદાર્થમાં બ્રહ્મનું દર્શન થાય છે, આને જ ‘પ્રેમલક્ષણા ભક્તિ’ પણ કહે છે–જેમાં સર્વાત્મભાવ બ્રહ્મજ્ઞાનથી જરાક જ જુદો રહે છે. એ કહે છે કે એ સર્વ જીવોમાં–પદાર્થોમાં–‘હરિ’ (બ્રહ્મ) નોજ વેષ જુવે છે, બ્રહ્મની બહાર એવું એ કાંઇ જ જોતો નથી, અને તેથી સર્વ ઉપર પ્રેમની દૃષ્ટિથી એણે જોવું જોઇએ. અને એ અર્થમાં એ ભક્તિ સ્વીકારે છે.

“વળી વળી કહું છું ભક્તિ વિશેષજી;
જેહ ન દેખે હરિ વિના શેષજી,
પેખે સઘળાં હરિના વેષજી,
તે જન ન કરે કેહેનો ઉવેખજી.

પણ આ સ્થળેથી અખો ધીમે ધીમે ખસીને દ્વૈતભાવની ભક્તિથી ભાગ્યે જ જુદી પાડી શકાય એવી ભક્તિ ઉપર આવી જાય છે. એ કહે છેઃ–

ઉવેખ ન કરે કોયનો, આતમા વિલસી રહ્યો,
જેહને શ્રી ભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જે કહ્યો.
ભાઇ ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે,
સ્વામી માહરો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન કરે;
ભુવન ત્રણ્યમાં રહ્યો પૂરી પૂરણ સ્વે પરમાતમા;
પોતે તો પિયુજી નિરંતર, પણ ભેદ દેખે ભાતમાં.

આટલે સુધી અધિષ્ઠાનભૂત બ્રહ્મ સર્વમાં છે એમ કહ્યું છે. પછી બીજે પગલે, એક પગ આમાં અને બીજો દ્વૈતભાવની ઉપાસનામાં રહે છે. આ પ્રમાણેઃ—

માહરો રામ રમે છે સર્વ વિશે, એમ હેતે હીસે મન;
હરિ કહે, એ સાંભળે હરિ, હરિને સોંપે તન.”

અહીં ‘હેત’ અને હેતથી ઉત્પન્ન થતો આનન્દ (‘હીસે મન’)-જોતાં દ્વૈતવાદ આવે છે.

“નિત્ય રાસ નારાયણનો દેખે તે અનંત અપાર,
જિહાં જેવું તિહા તેહવો, નારાયણ નરનાર.”

આ નારાયણના રાસની કલ્પનામાં નારાયણના ધારણ કરેલા વેષ-“નર નાર”—છે. આમાં અદૈતવાદની “નારાયણ” સાથે “નર નાર” ની એકતા, અને તે સાથે દ્વૈતવાદને અનુસરતી કાંઈક જુદાઇ–બંનેનું મિશ્રણ છે. હવે પછી તદ્દન દ્વૈતભક્તિનું ચિત્ર આવે છેઃ –

“ગદ્‌ગદ કંઠ ગાતે થકે રોમાંચિત હોયે ગાત્ર,
હર્ષ આંસુ, બહુ હેત હૃદયે, પ્રેમ કેરૂં તે પાત્ર.”

છેલ્લા શબ્દો–“પ્રેમ કેરૂં તે પાત્ર” એ ઉપર ધ્યાન દો. એમાં પ્રેમી ભક્ત અને એના વિષય પરમાત્મા બે વચ્ચે ભેદ માનેલો છે. તે પછી જે વર્ણન આવે છે એમાં ભક્તના હૃદયનો ચિતાર છે.

“ખાતો પીતો બોલતો દેખતો તે સઘળે રામ,
વેધ્યું મન રહે તેહનું, શિથળ સંસારી કામ,
જેમ જારવળુંધી જુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ,
અહર્નિશ રહે આલોચતી, ભાઇ એહવું મન હરિદાસ.”

(અહીં “વિરહીવ વિભો પ્રિયામયં પરિપશ્યામિ ભવન્મયં જગત્‌”- નો આછો પડઘો છે.) આ ભક્ત અને એની ભક્તિનું ચિત્ર હોઇ, કવિ કહે છે

“નવનીત સરખું હૃદય કોમળ, કહ્યું ન જાયે હેત,
આંખ માંહે અમૃત ભરિયું, હરિ ભક્તિ કેરું ક્ષેત્ર”

આમાં અને દ્વૈતવાદીની ભકિત વચ્ચે બહુ ભેદ છે ખરો? અને છતાં, આપણે જોયું તેમ અખાની ભક્તિ અદ્વૈતવાદ ઉપર ઠરેલી છે. આમ હોઈ અખાની ભક્તિ નરસિંહ મહેતાની ભક્તિથી તદ્દન જુદી પડે એ સ્વાભાવિક છે. નરસિંહ મહેતા પણ અદ્વૈત સિદ્ધાન્તોનો ઉપયોગ કરે છે પણ એમનું હૃદય ભક્તિ ઉપર કૃષ્ણ ભક્તિ-ઉપર પૂરેપૂરૂં ચોંટેલું છે. અખાની એક પંક્તિ–

“આપ કેરૂં રૂપ આપ વખાણેજી”

એના કરતાં વધારે કવિત્વ ભાવથી નરસિંહે ગાયું છે કે –

“બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે,”

વળી પેલા ભવ્ય પદમાં–

“નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો.”

—નરસિંહ મહેતા અદ્વૈતના પરમ શિખરે પહોંચે છે. છતાં પણ, જ્યારે અખાની ભક્તિ મૂળમાં જ્ઞાનરૂપ છે અને એનું મુખ નિર્ગુણ બ્રહ્મ તરફ વળેલું છે, ત્યારે નરસિંહની ભક્તિ સગુણ ઈશ્વરની છે. નરસિંહને, ગોકુલની ગોપીઓની માફક, ઉદ્ધવે ઉપદેશવા માંડેલું જ્ઞાન ગમતું નથી. નરસિંહ અને ગોપીઓને ચન્દ્રની ચન્દ્રિકાથી શાન્તિ વળતી નથી–એ ઈષ્ટ છે પણ એનાથી શાન્તિ થતી નથી, એઓ ચન્દ્રને માગે છે. માત્ર “આપણા દુઃખના પ્રદેશથી દૂર” એવા કોઇક અગમ્ય પદાર્થ માટે નરસિંહની ઝંખના નથી, એનો ઈશ્વર તે પ્રેમભક્તિનો ઈશ્વર છે. એમને તો એવો પ્રભુ જોઇએ છિયે કે જેને એ પકડી શકે અને એના હૃદયમાં પૂરી શકે, અને પ્રેમના તન્તુથી બાંધી શકે. (પ્રેમના તંતમાં સંત ઝાલે). આ પ્રમાણે જ્ઞાન અને ભક્તિના વિષયમાં નરસિંહ અને અખાની સ્થિતિ એક બીજાથી ઉલટી છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જ્ઞાનની દૃષ્ટિએ નરસિંહ ઈશ્વરનું સ્વરૂપ અકળ (“અકળ અવિનાશી એ નવ જ જાએ કળ્યો.”) અને સર્વત્ર વ્યાપેલું છે (“અરધ ઉરધની માંહિ મ્હાલે; નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો.”) એમ માને છે. સ્ત્રીના હૃદયની પેઠે એ હાથમાંથી ખસી જાય છે. તમે જાણો કે તમે એને જાણ્યું છે તે વારે તમે એને જાણ્યું નથી. કેનોપનિષદ્‌ કહે છે તેમ,

“યસ્યા મતં તસ્ય મતં મતં યસ્ય ન વેદ સઃ ।
અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનતામ્‌ ॥”

સ્ત્રીના હૃદયને જનસમાજે દીર્ઘકાળથી અજ્ઞેય માન્યું છે તેમ બ્રહ્મને પણ વેદાન્તમાં માયાની આવરણશક્તિ આરોપવામાં આવી છે. આ સ્થિતિ સ્વીકારીને પણ નરસિંહ મહેતા દ્વૈતવાદી ભક્ત છે. ગોપીઓ ઉદ્ધવને કહે છે તેમ (દયારામની પંક્તિઓ પાછલા ભાષણમાં ટાંકી છે તે જરાક રૂપાન્તરથી ટાંકીએ):—

“ત્હમારા પ્રભુ સઘળે રે, હમારા તો એક સ્થળે,
ત્હમો રીઝો ચાંદરણે રે, હમે રીઝું ચન્દ્ર મળે."

આ “એક સ્થળ” તે ભક્તનું હૃદય. આ પ્રમાણે ગૂજરાતી સાહિત્યના આ બે મહાન કવિ–નરસિંહ અને અખો–જ્ઞાન ભક્તિના વિષયમાં એક બીજાથી ઉલટા છે. એકે જ્ઞાનને પાયારૂપ બનાવ્યું છે; બીજાએ ભક્તિને મોક્ષનું ખરૂં સાધન માન્યું છે. અખાના એક જ પદને દયારામના “રસિકવલ્લભ”ની પંક્તિઓ સ્હામે મૂકતાં બેનો ભેદ તરી આવશે (દ્વૈતવાદીની ભક્તિના વિષયમાં દયારામ અને નરસિંહ મહેતા એક વર્ગમાં પડે છે. તેથી દયારામમાંથી આ ઊતારો ચાલશે): અખો કહે છે.

“ભાઈ ભક્તિ જેવી પંખણી, જેને જ્ઞાન વરાગ્ય બે પાંખ છે;
ચિદાકાશ માંહે તેજ ઊડે, જેને સદ્‌ગુરુ રૂપી આંખ છે.
(અખેગીતા, ૧૦-૬)

દયારામ કહે છેઃ

“એ ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન વૈરાગ્ય કહાવે,
જ્યાં ગાય ઘરમાં આવી, સહેજે વત્સ ચાલ્યાં આવે.
(રસિકવલ્લભ, પદ ૫૬. કડી ૭.)

આ રીતે અખાને મતે ભક્તિ પોતે એકલી પાંગળી છે, એને જ્ઞાન વૈરાગ્યરૂપી પાંખો હોઇને જ એ ઊડી શકે છે. દયારામના વૈષ્ણવ પંથમાં ભક્તિ મુખ્ય છે, અને જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્રો છે; એ ભક્તિની પાછળ–વાછરડાં ગાયની પાછળ જાય તેમ–જાય છે. આ ઉતારાથી દ્વૈતવાદી અને અદ્વૈતવાદી કવિઓની ભક્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ સમઝાશે.

હવે આપણે અખાની વાણીના કાવ્યાંશના બીજા તત્ત્વ ઉપર આવીએ. તે ઉન્નત દર્શન જે અદ્વૈત ધ્યાન અર્થાત્‌ વિશિષ્ટ અર્થમાં ‘જ્ઞાન’ કહેવાય છે તેનાં અધિકારક્ષેત્ર છે. તે ઉદાહરણઃ ૐકાર વિશે કવિનું વિલક્ષણ પરિશીલન જુવો.

સમઝી ન જાય એવી માયા, દીસે નહિં. તે બલવતી,
ચૌદ લોકની અદિ માતા, ઓંકારથી પહેલી હતી.
ત્રિગુણ પહેલી શૂન્યસ્વામિની તેણે ગુણ જનમી ઊભા કર્યા.
–અખેગીતા ૭-૨-૪.

અહીં ૐકારનું સ્થાન ગૌણ છે. મુખ્ય વર્ણનનો વિષય માયા છે પણ એમાં ૐકારનું સ્વરૂપ અને એના કાર્યનો વિચાર કરીએ છીએ ત્યારે અંદરનો ભાવ સ્પષ્ટ થાય છે. પ્રથમ ૐકાર અને માયાના સંબંધનો જરા વિચાર કરીએ. અહીં કહ્યા પ્રમાણે માયા પહેલી હતી.” હવે બ્રહ્મ માયા અને ૐકારનો ક્રમ અખો આ પ્રમાણે બતાવે છેઃ

થયું તેમ જેમ હૂતું આગે, જાણણહારે જાણિયો,
જે ઓંકારની આદ્ય હતો, વેદ પુરાણે વખાણિયે.
અખેગીતા ૧૩-૨.

અહીં બ્રહ્મ ૐકારની પહેલાં હતું એમ કહ્યું છે. એટલે પહેલું બ્રહ્મ પછી માયા અને પછી ૐકાર એમ ક્રમ થયો. તો પણ માયા અને બ્રહ્મનો સંબંધ વિલક્ષણ છે. એક તરફ એ બ્રહ્મ પછી ઉત્પન્ન થઇ એમ કહેવાય છે, અને બીજી તરફ એ બ્રહ્મની સાથેજ હતી એમ પણ કહ્યું છે. આ ભેદ, માયાને એક સ્વતંત્ર પદાર્થ રૂપે વિચારીએ કે બ્રહ્મ ઉપર આધાર રાખતા તત્ત્વ રૂપે વિચારીએ તે પ્રમાણે, પડે છે. આ વેદાન્તની શબ્દજાળમાં વિશેષ પડવાનું કારણ નથી. આજના આપણા કામ માટે આટલું જ વિવેચન બસ છે. હવે અખો ૐકારનો શો ખુલાસો આપે છે તે જોઇએઃ–

પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી, પિંડ બ્રહ્માણ્ડ વિશે ચારે ખરી;
સોહં શબ્દ વૈરાટને વિષે એક સૂત પિંડમાંહિ લખે.
લેર્તા શ્વાસથી ઊઠે સકાર, મૂક્યે શ્વાસે થાય હકાર;
સકાર હકારનો હોએ લોપ, ત્યાં ઓંકાર રહે વણ ઓપ.
પંચીકરણ ૯૦-૯૧.

આનો સાર આ પ્રમાણે છે. ચાર પ્રકારના શબ્દ પરા, પશ્યંતી, મધ્યમા, અને વૈખરી એ બ્રહ્માંડમાં તેમજ તત્સદૃશપિંડમાં રહે છે અને સોઽહમ્‌ શબ્દ એ અખિલ પિંડ અને બ્રહ્માંડમાં વસેલું તત્ત્વ બતાવે છે. આ સોઽહમ તે ૐકારનું રૂપ છે, જે સ અને હ છોડી દેતાં ૐકારમાંથી નીપજ્યું છે. આને જ સર્વવ્યાપી ‘નાદબ્રહ્મ’ કહે છે. હવે પ્રશ્ન એ ઊઠે છે કે એમ હોય તે બ્રહ્મ ૐકાર પહેલાં કેમ હોઇ શકે? એનો ઉત્તર એમ અપાય કે અહીં બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મ સમઝવાનું છે અને ૐકાર એ બ્રહ્મમાંથી પ્રકટેલું સ્વરૂપ છે જેને નાદબ્રહ્મ કહે છે. હવે ક્ષણ વાર આ વાત બાજુ પર મૂકીએ અને બ્રહ્મ માયા અને ૐકાર સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં શો ભાગ લે છે તે વિચારીએ. બ્રહ્મ તો સર્વથા અકર્તા જ છે. એમાં જ્યારે માયા અર્થાત્‌ બ્રહ્મની કર્તૃત્વશક્તિ દાખલ થાય છે ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તે થતાં સુધી માયા છેક અસત્‌ નથી. એ બ્રહ્મની સાથે સાથે હોય છે, પણ બ્રહ્મમાં લપાયલી રહે છે, જેમ મેઘમાં વીજળી. હવે અખાના શબ્દો સાંભળીએ.

અણછતી અજા તમારી અંગીકૃત સરખી અશી,
તે મધ્ય પડિયું ધામ તમારૂં ત્યારે ઈશ્વર થઈને વિલસી.
અખેગીતા ૧૯-૫ અને ૭-૮

માયા ‘અણછતી’ એટલે છતી નહિં થયેલી તેવી, છૂપાયેલી, લપાયેલી, બ્રહ્મની અંગભૂત (“અંગીકૃત”). પછી બ્રહ્મનું તેજ માયામાં પડે છે, એટલે માયા ઈશ્વર થઇને વિલસે છે. આમ સૃષ્ટિનો કર્તા માયાવિશિષ્ટ બ્રહ્મ-ઈશ્વર –નથી, પણ બ્રહ્મના તેજથી ભરાયેલી માયા કારણ છે; અર્થાત્‌ માયાવિશિષ્ટ બ્રહ્મ નહિ, પણ બ્રહ્મવિશિષ્ટ માયા એમ કહીએ તો ચાલે.

જેમ કાચનું મંદિર રચ્યું નીલ પીત શુભ્ર શ્યામનું,
તે ઉપર તપ્યો સૂરજ જ્યારે ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું.
કૈવલ્ય સૂરજ તપે સદા, માયા તે મંદિર કાચ,
ઈશ્વર નામ તે તેહનું, જીવ થઇ માન્યું સાચ.
—અખેગીતા ૧૯, ૫ અને ૭-૮

એ જ ઉપમા જરાક બદલીને અખો બીજે ઠેકાણે કહે છેઃ –

મ્હોટા મંદિર બ્હાર ચાર દિશ કાચો ઢાળ્યા,
નીલ પીત બહુ રંગ ઢંગના ભેદો ભાળ્યા;
ઊગ્યો શશી કાં સૂર, દૂરથી અતિશે ઝળકે,
દેખાડે બહુ રૂપ, ધૂપ વિવિધ પેર ચળકે;
અખા ઉપર અવલોકતાં, તહાં તેમનું તેમ છે,
તેમ ત્રિલોકી જાણજે, એક વસ્તુ વડે એમ છે.
અનુભવબિન્દુ ૨૭.

(પ્રસંગવશાત્‌ આ પંક્તિઓને મળતી આવતી શેલીના એક કાવ્યમાંની પંક્તિઓ ટાંકું:

“The one remains, the many change and pass;
Heaven’s light for ever shines, Earth’s shadows fly,
Life, like a dome of many-coloured glass,
Stains the white radiance of Eternity,
Until Death tramples it to fragments.”)

“અનુભવબિન્દુ”માંથી ટાંકેલા ઉપલા ઉતારામાં અખો નિર્ગુણ બ્રહ્મના અવિકારીપણા ઉપર ભાર મૂકે છે. અખેગીતા ૧૯મી કડીમાં માયા એ કર્તા અર્થાત્‌ ઈશ્વર કેમ બની એ બતાવ્યું છે. પણ બેમાંથી એકે ઠેકાણે સૃષ્ટિ શી રીતે ઉત્પન્ન થઈ એ કહ્યું નથી. ‘અજા’ માયા, જે નિર્ગુણ બ્રહ્મમાં ‘અણછતી’ રહી હતી અને જેને અખો ‘શૂન્યસ્વામિની’ (શૂન્ય=બ્રહ્મ, અથવા સૃષ્ટિ પહેલાંની ખાલી દશા) કહે છે એ બ્રહ્મલીલામાં ‘દૃષ્ટ પદારથ’ સ્વામિની થાય છે. આ એકાએક સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં માયાએ શાં સાધન લીધાં, શો જાદુ કર્યો? આનો ઉત્તર, ૐકાર, પંચીકરણમાં અખો કહે છે કે ૐકારનું કામ માયાની આજ્ઞાને વશ થવાનું છે; વશ થવાનું એટલે અ ઉ અને મ્‌ એ ત્રણ માત્રાઓની મદદથી સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એમ ત્રિગુણ સ્વરૂપ ધારણ કરવાનું, અને એ રીતે વિશ્વની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું છે. ‘તે ઓંકાર અચિન્ત્ય અંકોર ત્રિધા થાય અવાચ્યને જોર;’ અર્થાત્‌ આ ૐકાર એ અચિન્ત્ય અંકુર છે અને તે અનિર્વચનીય (‘અવાચ્ય’) માયાના જોરથી ત્રિગુણ (‘ત્રિધા’) રૂપ ધરે છે. આ રીતે માયારૂપી જાદુગરીના હાથમાં ૐકાર રૂપી જાદુઇ ડમરૂ છે. હવે ઉપરની ચર્ચા સાથે આપણી કલ્પનાદૃષ્ટિ ભેળવીને ઊંડો વિચાર કરીએ. ૐ શબ્દનો મૂળ અર્થ વસ્તુનું વિધાન એવો થાય છે. સંસ્કૃતમાં ૐ નો એક અર્થ હા છે. ૐ એટલે ‘એમ હો,’ Amen. Amen પ્રાર્થનાને અંતે આવે છે. ૐ વેદોચ્ચારના આદિ અને અંત બન્નેમાં આવે છે. હવે ૐ એ શેનું વિધાન છે? ઉત્તર : બ્રહ્મ અથવા તો સત્‌નું. એક બીજો મત પણ છેઃ ૐ એ સંગીતના મૂળ સ્વરનો આરંભ છે. ૐકારનું બીજું નામ ‘ઉદ્‌ગીથ’ છે, એ થકી આ મતને ટેકો મળે છે. છાન્દોગ્ય ઉપનિષદથી માંડી ૐકારનાં રહસ્ય સંબંધી ગૂઢ વિદ્યામાં ઘણું લખાયેલું છે. પણ એ બધું છોડીને એનું મૂળ તપાસીએ તે થોડાક સૂચક વિચાર નીચે પ્રમાણે ઉત્પન્ન થાય છેઃ— (ક) ૐ એની ત્રણ માત્રા (અ, ઉ, મ્‌, ) દ્વારા છેવટે માત્રારહિત બ્રહ્મમાં વિરમે છે. (ખ.) ૐ એ બ્રહ્મનો શબ્દ છે. બ્રહ્મનું સ્રષ્ટૃત્વ રૂપી ગાન છે, અર્થાત્‌ બ્રહ્મ પોતે છે. ૐકાર યુક્ત બ્રહ્મની એટલે કે સગુણ ઈશ્વરની પેલી પાર નિર્ગુણ બ્રહ્મ રહેલું છે. (ગ.) ૐ એના ધ્વનિથી નાદબ્રહ્મનો સૂચક છે, જે નાદબ્રહ્મનું એક રૂપ છે. (ઘ.) આ જડ જગત્‌નો ખુલાસો જોઈએ તો માયાનો સિદ્ધાન્ત દાખલ કરીને અપાયો છે. (ડ.) તે સાથે સ્ત્રષ્ટૃત્વનો વિચાર પણ કરવાનો હતો તે માયાવાદ દાખલ કરીને કર્યો; જેમાં માયા તે સર્જન વ્યાપારનું મૂળ છે. તેમાં સગુણ ઈશ્વર તે સૃષ્ટિની આ બાજુએ અને નિર્ગુણ બ્રહ્મ તે પેલી બાજુએ પડે છે. આ સિદ્ધાન્તમાળામાં ૐકાર એ માયાએ વાપરેલું સર્જનગાન છે, જે ગાન વડે સૃષ્ટિ પૂર્વનું અન્ધકારમય અસત્‌ સુંદર નિયમવાળું વિશ્વ બન્યું. એ સૃષ્ટિનું પૂર્વગામી, આ ભવ્ય વિશ્વગીતનું તત્ત્વ છે–જે સંગીતશક્તિએ પરમાણુઓને—વર્તમાન સાયન્સની ભાષામાં ઇલેક્ટ્રોન્સને—એક વ્યવસ્થિત ક્રમમાં ગોઠવ્યા, જેમ એક ભરવાડની વાંસળી આડાંઅવળાં વિખરાયેલાં ઘેટાંને એકઠાં કરે છે અને સાયંકાળે ઘર તરફ લઈ જાય છે તેમ. આ પ્રમાણે માયા એ ૐકારના પહેલાં હતી, કારણ કે એણે જ ૐકારનું ગાન ઉત્પન્ન કર્યું. ત્યારે શું પરમાણુઓ વા ઇલેક્ટ્રોન્સ એ અનાદિ હતાં? ના. એ કોઈ કાળે ઉત્પન્ન થયાં, અને તે પહેલાં શૂન્ય હતું. અહીં અસત્‌માંથી સત્‌ કેમ થાય એ વાંધો આવીને ઉભો રહે છે, અને એ વાંધો શૂન્યમાં શમી પણ જાય છે, અને આખરે બ્રહ્મ જ વિરાજતું રહે છેઃ

શૂન્યમાં સોહામણો એ.

આ ત્યારે ૐકારનું કાર્ય. આ વિશ્વસૃષ્ટિનું ગાન. મધ્યરાત્રે કવિ સાંભળે છે તે “ઉચ્ચ ગાનના પુકાર.” અખાએ આ વિષય ઉપરના પોતાના વિચાર એની કવિતાનું મ્હેં જે પૃથક્કરણ કર્યું એ રૂપે મૂક્યા નથી. બહાર દેખીતી રીતે એનું નિરૂપણ શુષ્ક છે પણ ઉપર પ્રમાણે એની પરીક્ષા કરતાં અને અંદર ઊતરતાં ઉચ્ચ કાવ્યની ભવ્યતા તેમાંથી પ્રતીત થાય છે. આથી એને કવિ ગણાવાનો હક ન હોય તો બ્રાઉનિંગ જેવા કવિઓને પણ એમના ઉચ્ચ આસનેથી ખસેડવા પડશે. બ્રાઉનિંગનું પ્રસિદ્ધ કાવ્ય Abt Vogler અખાની આ કૃતિઓ સાથે સામ્ય ધારણ કરે છે. અખાની કવિતા એના જ્ઞાનની અંદર છૂપાએલી છે અને તે કોઈ કોઈ વાર મેઘમાંથી “ભયી અચાનક દામિની”ની રીતે ચમકી આવે છે. બ્રહ્મની અંદર રહેલી માયાની સાથે એને સરખાવી શકાય. બ્રહ્મચૈતન્યધનમાંની એ દામિની-ઈશ્વરની સ્રષ્ટૃત્વશક્તિ-એ બ્રહ્મની કવિતા છે તે રીતે. હવે હું તમને અખામાંથી એક ઉતારો આપું, જે વાંચતાં અખાની કલ્પનાદૃષ્ટિ અને એના હૃદયના ભાવનું કેવું મિશ્રણ થયું છે તે સમઝાશે.

અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ,
પરપંચ પાર મહારાજ તે પૂરણ બ્રહ્મ સ્તવું એ.
હરિહર અજ ભુવનેશ તે તણો ઇશ અજાપતિ એ;
xxxx
સ્વે ચૈતન્ય ઘનરાય શૂન્યમાં સોહામણો એ;
તે નાવે’ વાણી માંહ્ય, તે નહિ વિરાટ, ન વામણો એ.
xxxx
xxxx
એ જાણ્યે ગયો જંજાળ, યથારથ જેમ તેમ થયું એ;
તિહાં કર્મ ન લાગે કામ, સભર ભરાઇને રહ્યું એ.
તિહાં હવું મન લે લીન, જઈ ચૈતન્ય સભર ભર્યું એ;
નહિ કો દાતા દીન, તન્મય સહજે સજ થયું એ.
પ્રગટ્યાં કોટિ કલ્યાણ આપાપર વિણ સ્વે રહ્યું એ;
સદા સદોદિત ભાણ, ઉદે અસ્ત કારણ ગયું એ.
કહે અખો આનંદ અનુભવને લહેવા તણો એ;
એ હવે પૂરણ પરમાનન્દ નિત્ય સરાઉં અતિ ઘણો એ.”

વિવરણઃ– “આજ મ્હારો કેવો અપૂર્વ આનન્દ કે અગોચરને ગોચર મ્હેં કરી દીધું! એ પૂરણ બ્રહ્મની સ્તુતિ કરૂં, જે ભુવનેશ આ દૃશ્યમાન જગતથી પર છે, આ ‘અજાપતિ’ માયેશ હરિ, હર, અને અજ (બ્રહ્મા) એનો પણ ઇશ છે. ચૈતન્યધન આત્મા એ શૂન્યની પર વિરાજે છે; એ વાણીથી કહ્યો જાય એવો નથી. એ નથી કેવળ વિશ્વવ્યાપક મ્હોટો, કે નથી અણુમાત્ર ન્હાનો. એને જાણવાથી સઘળી જંજાળ મિથ્યા-દર્શન–જાય છે અને એ એના સ્વરૂપમાં વિરાજે છે. કર્મ અને કાળ એને સ્પર્શ કરી શકતાં નથી. એ વિશ્વમાં સભર ભર્યા છે. એનામાં મનુષ્યનું મન લીન રહેલું છે, જે પરમાત્માની સાથે પૂર્ણ મળેલું છે. ત્યાં નથી કોઈ દાતા અને નથી કોઇ દીન, એની મેળે એ બ્રહ્મની સાથે તન્મય થઇ જાય છે. અત્યારે કોટિ કલ્યાણ ઉત્પન્ન થયું છે. આત્મા અને અનાત્મા (“આપ અને અપર”) નાશ પામ્યા છે અને એ એક રહ્યો છે. એ સદોદિત ભાણ છે. ઉદય અને અસ્તનું કારણ નાશ પામ્યું છે. અખો આ જ્ઞાનના આનન્દનું વર્ણન કરે છે અને પૂર્ણ પરમાનન્દની સ્તુતિ કરે છે.” કાંઇક દૂરથી પણ સ્પષ્ટ રીતે આ ઉપલો ઉતારે અંગ્રેજ કવિ વર્ડસવર્થના ‘Excursion’ નામના કાવ્યની પ્રસિદ્ધ લીટીઓનું સ્મરણ આપે છેઃ

Such was the Boy-but for the growing youth
What soul was his when from the naked top
Of some bold head-land he beheld the sun
Rise up, and bathe the world in light!
–He looked–
Ocean and earth, the solid frame of earth
And ocean’s liquid mass, in gladness lay
Beneath him; far and wide the clouds were touched,
And in their silent faces could be read
Unutterable love. Sound needed none,
Nor any voice of joy, his spirit drank
The spectacle sensation, soul and form
All melted into him.xx
xxxx
In such access of mind, in such high hour
Of visitation from the living God
Thought was not, in enjoyment it expired.”

આ કવિના અભિનવ આનન્દનું વર્ણન વાંચતાં આપણી આગળ અખાનું ચિત્ર ઉભું થાય છે; જાણે અખો એના આધ્યાત્મિક ઉલ્લાસના ગિરિશૃંગ ઉપર ઉભો છે અને એની નીચે સ્વર્ગીય તેજનો સમુદ્ર નિહાળી રહ્યા છે, જેમાં જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ ગળી ગયો છે, જ્યારે વિચાર જેવું પણ કાંઇ રહેતું નથી અને સઘળું કેવલ આનન્દરસમાં લય પામે છે. મ્હારૂં ભાષણ પુરૂં થયું. હું આશા રાખું છું કે આ સોનીની એરણ ઉપર ચમકતા થેડાક ચમકારા મ્હેં તમને બતાવ્યા; આપણે એને એની ભઠ્ઠીની જ્વાળાઓ કહીએ તો?

[‘વસન્ત’ કાર્યાલય] પાદટીપ

  1. ૧ રા. રા. નરસિંહરાવ ભોળાનાથે ‘મુંબઈ યુનિવર્સિટી’માં આપેલા ભાષણમાં આ પાંચમું છે અત્રે ઊતારવા માંડેલી ભાષણમાળામાં ત્રણ ભાષણ પ્રસિદ્ધ થયાં છે (છેલ્લું જુવો વસંત ૧૯૮૧ ચૈત્રમાં). ચોથું બનારસ રહી ગએલું હોવાથી એ ક્રમાનુસાર મૂકી શકાતું નથી. તે માટે હું દિલગીર છું. પણ તે પાછળથી લેતાં, અને અખા ઉપરના આ ભાષણને અગાઉ મૂકતાં, કાંઈ બાધ આવે એમ નથી. તન્ત્રી.
  2. ૨ એલ્ફિન્સ્ટન કૉલેજના “ગૂજરાતી મંડળ” સમક્ષ તા. ૨૨ જાન્યુઆરી, ૧૯૨૧, ને દિને આપેલું “મંગલભાષણ”, (જુઓ વસન્ત માઘ ૧૯૭૭)
  3. ૩ જુઓ ઉપર ટીકા.
  4. ૪ એક રા. શાંતારામ નામના ગૃહસ્થે એક વખત સુન્દર ભાવદર્શન અને સંગીતકલાથી અમને ગાઈ સંભળાવેલી આ ગરબી યાદ આવે છે. ન ભો.
  5. ૫ સંભારો કાર્લાઈલમાંથી મ્હેં આગળ ભાષણ અંક બીજામાં આપેલો ઊતારો. ન. ભ. દી.

* ૧૯૮૫ ના માગ શીર્ષના “ગુજરાત’માં “પ્રેરણા’ નામે લેખ.