ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પંડિત બેચરદાસ જીવરાજ દોશી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પંડિત બેચરદાસ જીવરાજ દોશી

એઓ જ્ઞાતિએ વીસા શ્રીમાળી વણિક (જૈન), મૂળ વળા-વલ્લભીપુરના વતની; અને જન્મ પણ તે જ સ્થળે સં. ૧૯૪૬ માં થયો હતો. એમના પિતાનું નામ જીવરાજ લાધા દોશી, જેઓ એમને ઘણી નાની ઉમરના મૂકી ગુજરી ગયલા; અને માતાનું નામ બાઈ ઓતમ પીતાંબર દોશી છે. એમના પિતાના મૃત્યુ પછી સઘળો ઘરનો બોજો જ્યારે એમની માતાના શિરે આવી પડ્યો ત્યારે તે આડોશીપાડોશીના કામકાજથી નિર્વાહ ચલાવતા. બીજાં કામકાજો ઉપરાંત દાણામાં નાખવાની રાખ પણ તેમણે ચાળેલી. એમનું લગ્ન સં. ૧૯૭૫ માં અમરેલીમાં શ્રી. અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયું હતું. ગુજરાતી છ ધોરણોનો અભ્યાસ કરી તેઓ કાશીની જૈન પાઠશાળામાં દાખલ થયા હતા અને ત્યાં નાનપણથી ભણવા તરફ લક્ષ્ય વધારે એટલે ત્યાં ન્યાય, વ્યાકરણ, સાહિત્યાદિનો અભ્યાસ કર્યો એટલું જ નહિ પણ કલકત્તાની સંસ્કૃત કોલેજની જૈન ન્યાય અને વ્યાકરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ, ન્યાયતીર્થ અને વ્યાકરણ તીર્થની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી. તે પછી કોલંબોના વિદ્યોદય પરિવેણમાં જોડાઈ સુમંગલ સ્થવિરની દેખરેખ નીચે પાલી ભાષાનું અધ્યયન કર્યું હતું; અને તેમાં એમની હોંશિયારી અને નિપુણતાથી પ્રસન્ન થઈ કોલંબોના ગવર્નરના હસ્તે, તેમને પારિતોષિક સ્થવિર જ્ઞાનેશ્વરના પ્રમાણપત્રસહ અપાયું હતું. અંગ્રેજીનું થોડું જ્ઞાન ઘરમાં જ મેળવ્યું છે. ગુજરાતી વિદ્વાનોમાં પ્રાકૃત, પાલી, અપભ્રંશનો અભ્યાસ કરનારાઓની સંખ્યા નહિ જેવી મળી આવશે; અને જેઓ છે તેમાં પંડિતજીને માનભર્યું સ્થાન છે. વળી ગુજરાત વિદ્યાપીઠે એમને પ્રાકૃત અને અપભ્રંશના અધ્યાપક તરીકે રોક્યા છે, એ એમના માટે ઓછું માનાસ્પદ નથી. ઐતિહાસિક દૃષ્ટિએ સંશોધન અને સંપાદન કાર્ય કરવા તરફ તેમને ખાસ રુચિ છે. વળી તેઓ એકલું અધ્યયન કરીને સંતોષ લેતા નથી; પણ તેનો લાભ ઈતર જનોને આપવા સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના અનુવાદ કરતા રહે છે, એ સ્તુત્ય છે.

: : એમના ગ્રંથો : :

પ્રાકૃત માર્ગોપદેશિકા સં. ૧૯૬૭
ભગવતી સૂત્ર સં. ૧૯૭૪-૧૯૭૯
જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયલી હાનિ સં. ૧૯૭૭
જૈન દર્શન સં. ૧૯૭૮
પ્રાકૃત વ્યાકરણ ”   ૧૯૮૧
સન્મતિ તર્કનું સંપાદન ભાગ ૬ માં ”   ૧૯૮૦-૧૯૮૭
ગિરનાર ચૈત્ય પરિપાટી અને અપભ્રંશનું વ્યાકરણ
પ્રાકૃતપાઠાવલી (મુદ્રિત છે પણ પ્રકટ થવાને વાર છે)