ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/બાપાલાલ ગરબડદાસ શાહ

બાપાલાલ ગરબડદાસ શાહ

એઓ જ્ઞાતિએ દશા ખડાયતા વણિક છે. મૂળ વતની તેઓ પંચમહાલ જીલ્લામાં આવેલા કાલોલ તાબે સણસોલી ગામના; પણ કેટલાક વર્ષોથી તેઓ હાંસોટમાં ધંધાર્થે વસે છે. એમના પિતાનું નામ ગરબડદાસ વલ્લભદાસ શાહ અને માતાનું નામ ઇચ્છાગૌરી છે. તેમનું લગ્ન સોળ સત્તર વર્ષની ઉમરે જડાવગૌરી સાથે સાવલી (વડોદરા) ગામે થયું હતું. એમણે ઈંગ્રેજી અભ્યાસ ઈન્ટર આટર્‌સ સુધી કર્યો છે; મેટ્રીકની પરીક્ષા આસરે સન ૧૯૧૫ માં વડોદરા હાઈસ્કુલમાંથી પસાર કરી હતી અને કૉલેજશિક્ષણ પણ વડોદરા કૉલેજમાં જ લીધું હતું. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ પ્રો. મસાની હતા અને તેમના સહાધ્યાયીઓઓમાં દિનકર વૃ. પંડ્યા B. S. (Calf)-(ડેઈરી એક્ષ્પર્ટ, સત્યાગ્રહાશ્રમ), રમણલાલ શાહ-તંત્રી, ‘બાલજીવન’, ડૉ. વેણીલાલ મોદી (વડોદરા), મી. વણિકર (ભીલ સેવા મંડળ), દ્વારકાનાથ હરકારે (સત્યાગ્રહાશ્રમ), વગેરે જાણીતા નામો આપી શકાય. ઉપરની હકીકત પરથી સામાન્ય રીતે એવું અનુમાન દોરી શકાય કે તેઓ એકાદ વેપાર ઉદ્યોગમાં કે કોઇ સરકારી નોકરીમાં જોડાયલા હશે; પણ તાજુબીભરી બીના એ છે કે તેઓ વૈદકનો ધંધો કરે છે અને એક નિપુણ અને પ્રસિદ્ધ વૈદ્ય તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે. આયુર્વેદનો અભ્યાસ કરી વૈદ્ય થયેલાઓમાં બહુ ઓછા વૈશ્ય ગૃહસ્થ મળી આવશે. આયુર્વેદ અને વનસ્પતિશાસ્ત્ર એ એમના પ્રિય વિષયો છે અને એ વિષયો પર એમણે જે લેખો અને પુસ્તકો લખેલાં છે, તે પરથી જોઈ શકાય છે કે એઓ એમાં બહુ ઉંડા ઉતરેલા છે; એટલું જ નહિ પણ તેમાં તેઓ નિષ્ણાત છે. નવા યુગના એક ઉત્તમ પ્રકારના સેવાભાવી સમાજસેવક અને આદર્શ અભ્યાસી તરીકે એમની પિછાન કરાવવામાં આવે તો એમાં અચંબો પામવા જેવું કાંઈ નથી, એમ એમના સંબંધમાં આવનાર કોઇ પણ વિનાસંકોચે કહી શકશે. સન ૧૯૨૫ માં “આયુર્વેદ વિજ્ઞાન” માં સુરતમાં મળેલા વૈદ્ય સંમેલનનું જે રીતે એમણે દિગ્દર્શન કર્યું હતું, ત્યારથી અમે જોઈ શક્યા હતા કે એઓ જેમ સ્પષ્ટ વક્તા તેમ સિદ્ધાંતવાદી, ઉચ્ચ અભિલાષી તેમ સાચાબોલા સ્વભાવના છે. સ્વર્ગસ્થ જયકૃષ્ણ ઇંદ્રજી વિષે માહિતી આપતા એમના લેખો પરથી જોઈ શકાશે કે તેમના પ્રત્યે અત્યંત ગુરૂભાવ અને પ્રેમ હોવાની સાથે પોતે વનસ્પતિશાસ્ત્રના વિષયમાં કેવા સાચા જાણકાર છે; અને તેની પ્રતીતિ એમના “નિઘંટુ આદર્શ” એ નામના પુસ્તકથી થશે, જે ગુજરાતી સાહિત્યમાં એક અપૂર્વ પ્રસિદ્ધિ છે એમ વિનાસંકોચે સ્વીકારવું જોઇએ. વળી વૈદકના ધંધામાં પણ એમનો આશય, ધન ઉપાર્જન કરવા કરતાં વૈદકજ્ઞાનનો બહોળો પ્રચાર કરવા તરફ વિશેષ છે; અને એ દૃષ્ટિથી પ્રેરાઇને ભરૂચના સાપ્તાહિક પત્ર ‘વિકાસ’માં શરૂ કરેલી એમની “ઘરગથ્થુ વૈદક” એ નામક લેખમાળા તેના વાચકે સહર્ષ વધાવી લીધી હતી. ચાલુ વર્ષમાં એમના તરફથી ‘અભિનવ કામશાસ્ત્ર’ અને વૈદકીય કાયદાશાસ્ત્ર’એ નામનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે, એ બંને નવા વિષયોને છેડે છે; એટલું જ નહિ પણ જે વિષયોને હાથ ધર્યાં છે તેમાં ઉંડા ઉતરીને તેને યોગ્ય અને પુરતો ન્યાય આપ્યો છે અને તે વાંચતા લેખક માટે સહજ રીતે ધન્યવાદના ઉદ્‌ગાર નિકળી પડે. ખોરાકના જેવા મહત્વના વિષય પ્રતિ જે બેદરકારી સમાજમાં પ્રવર્તે છે, તેનું યથાર્થ જ્ઞાન આપવા તેઓ એક નવું પુસ્તક તૈયાર કરી રહ્યા છે; અને તે એમનાં બીજાં પુસ્તકોની પેઠે જરૂર આવકારપાત્ર નિવડશે. ઉપર જણાવ્યું તેમ સેવાવૃત્તિ એ એમનું જીવનસૂત્ર છે અને એ જાતની લાગણીથી તેઓ ગામડાઓમાં ફરી જનતાની અનેક રીતે સેવા કરી રહ્યા હતા, તેમાં ચાલુ અહિંસક યુદ્ધમાં ભાગ લેવા જતાં, તેમને પણ કારાવાસ સેવવો પડ્યો હતો.

: : એમની કૃતિઓ : :

કૌમાર ભૃત્ય સન ૧૯૨૫
નીઘંટુ આદર્શ પૂર્વાર્ધ  ”  ૧૯૨૭
–ઉત્તરાર્ધ  ”  ૧૯૨૮
અભિનવ કામશાસ્ત્ર  ”  ૧૯૩૦
વૈદ્યકીય કાયદાશાસ્ત્ર  ”
વૃદ્ધત્રયીની વનસ્પતિઆ  ”