ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તકનું છાપકામ તથા ચિત્રકામ
એક લોકોક્તિ છે : ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં.’ અને પાર્થિવ દૃષ્ટિએ જોતાં એમાં તથ્યાંશ પણ છે. જોકે અહીં આપણે કપડાને લીધે આદમીનું નૂર વધવા વિષે નહિ, પણ સારા રૂપરંગને લીધે પુસ્તકને નૂર મળવા વિષે વિચાર કરવાના છીએ. ગંદી કે ઝાંખી છપાઈ અને કોઈ પણ જાતના ઢંગધડા વિનાના બેડોળ વાઘામાં બહાર પડેલા પુસ્તકમાં ભલે ઊંચી કોટિનું સાહિત્ય હોય તોપણ તે વાંચવાની વૃત્તિ આપણને નથી થતી; અને કેટલીક વાર તો એવા દેખાવને કારણે કેટલુંક સારૂં સાહિત્ય વાંચ્યા વિનાનું તણાઈ જાય છે એવો ઘણાનો ઘણી વારનો અનુભવ છે. તમારા પુસ્તકનો દેખાવ બેડાળ, રદ્દી કે ગામઠી હોય, વાંચતાં અંદર ભૂલો ખૂંચ્યા કરે, કે ડાઘાવાળી ઝાંખી છપાઈ હોય તો એ બધી બાબતો વાંચનાર આલમ તેમજ અવલોકનકારના મન ઉપર અસર કર્યા વિના રહેતી નથી જ એ ચોક્કસ સમજજો. ઘણી વાર સુઘડ છાપકામવાળું ઉઠાવદાર પુસ્તક બહુ તત્ત્વવાળું ન હોય તોપણ સમાલોચકની કૃપા અને લોકોની પ્રીતિ મેળવીને પોતાનો રસ્તો કરી જાય છે; જ્યારે નમાલા દેખાવનો, સારૂં સાહિત્ય ધરાવતો ઉપયોગી ગ્રંથ પણ ઘટતા રૂપરંગને અભાવે યોગ્ય કદર પામતો નથી. ગ્રંથના રૂપવિધાન અને સુઘડ તેમજ ઉઠાવદાર અક્ષરાલેખન માટે પ્રાચીન અને મધ્ય યુગના ભારતમાં જે આદર અને સુરૂચિ હતાં તેનો અલ્પાંશ પણ આજે આપણે ત્યાં નથી જણાતો. ગ્રંથવિધાનની પણ એક અનોખી કલા છે, અને આજના યુગમાં જ્યારે મુદ્રકે પ્રાચીન લહીઆનું સ્થાન લીધું છે ત્યારે તે જ ગ્રંથનો રૂપકર્તા—કલાકાર છે. સુરૂચિપૂર્વક કરેલાં પોતાનાં ગ્રંથવિધાનો વડે મુદ્રક દેશના લાખો વાંચનારાઓની—પ્રજાસમરતની રસવૃત્તિને ઊંચે લઈ શકે છે એવું પોતાની કારીગરી અને કલાનું મહત્ત્વ તથા ગૌરવ આપણા આજના મુદ્રકોમાંનો સોમો ભાગ પણ ભાગ્યેજ સમજતો હશે. મુદ્રણની કલામાં આ વિજ્ઞાનયુગનાં સાધનોની સાથે રૂપકલાનો પણ ભારોભાર હિસ્સો છે. આપણા દેશમાં તો એ બાબતમાં પૂરૂં પ્હરોડ પણ હજી ફૂટ્યું નથી; પણ જે દેશમાં એ કલાનો મધ્યાહ્ન તપે છે ત્યાં તો ગ્રંથવિધાનની કલા (The art of book-making) નું આખું શાસ્ત્ર છે, અને પુસ્તકની અંદરના સાહિત્યના પ્રકાર પ્રમાણે તેનું વાતાવરણ ઉત્પન્ન કરે એેવો તેનો સ્થૂલ દેહ ઘડવામાં આવે છે. યોગ્ય પૂર્વવિચારથી યોજાએલી મુદ્રણરચના, સુષ્ઠુ રસવૃત્તિથી ઠરાવેલા રૂપરંગ અને સુઘડ છાપકામ વડે ગ્રંથમાંના સાહિત્યના ગુણધર્મ પ્રમાણે તેનું એવું તો વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે ગમે ત્યાં પડેલું એ નિર્જીવ પુસ્તક તમને અજબ આકર્ષણથી પોતાની તરફ દોરે છે અને હાથમાં લીધું કે તરત તમને પોતાની સૃષ્ટિમાં ખેંચી જાય છે. ગ્રંથવિધાનની આ કલાનું વિગતવાર વિવરણ તો એક વિસ્તૃત પુસ્તક માગી લે. અહીં તો માત્ર પ્રત્યેક ગ્રંથકારને પોતાનાં પુસ્તક છપાવવાને અંગે પુસ્તકના છાપકામ તથા ચિત્રકામને લગતા જેટલા મુદ્દા જાણી લેવા જરૂરના છે તેટલા જ વિચારીશું ગ્રંથના મુખ્ય અંગની હાથપ્રત તૈયાર કરવા વિષેની વિગતવાર માહિતી ગયા વર્ષના લેખમાં આવી ગઈ છે. હવે તેનાં આગળપાછળનાં બીજાં અંગની યોજના કરીને સમગ્ર પુસ્તકનું છાપકામ કેમ કરાવવું તે જોઈએ.
પુસ્તકનો પ્રવેશભાગ
સામાન્યરીતે કોઈપણ ગ્રંથમાં આટલાં—અથવા આમાંનાં ઘણાંખરાં અંગ હોય છે; અને તે નીચેના ક્રમમાં હોવાં જઈએઃ (૧) હાફ-ટાઇટલ-નામપૃષ્ઠ; (૨) ટાઈટલ-અગ્રપૃષ્ઠ; (૩) ઇમ્પ્રિન્ટ-ગ્રંથનિર્વચન; (૪) પ્રકાશકની નોંધ કે નિવેદન; (૫) સંપાદકની નોંધ; (૬) અર્પણપત્રિકા; (૭) અનુક્રમણિકા અને ચિત્રોનો અનુક્રમ; (૮) લેખકે અથવા કોઇ બીજા વિદ્વાને પુસ્તક સંબંધે વિસ્તૃત ઉપોદ્ઘાત કે પ્રસ્તાવના લખી હોય તે; (૯) લેખકનું નિવેદન અથવા પુસ્તકપ્રવેશ કરાવતી નોંધ હોય તે; (૧૦) શુદ્ધિપત્ર; (૧૧) પુસ્તકનું મુખ્ય લખાણ; (૧૨) પરિશિષ્ટ; (૧૩) વિષયસૂચિ. આ ગ્રંથયોજનામાં એક વસ્તુ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પુસ્તકમાં એકી નંબરનું—એટલે કે જમણી બાજુનું પાનું જ હમેશાં વાચકનું દૃષ્ટિકેન્દ્ર બને છે. વાંચનારની નજર પુસ્તક ઊઘડતાં સ્વાભાવિક રીતે એ જમણી બાજુના જ પૃષ્ઠ ઉપર પહેલી પડે છે, એટલે પુસ્તકનાં બધાં અગત્યનાં અંગ તથા વિભાગો એ જ પૃષ્ઠ પરથી શરૂ થવાં જોઈએ. માત્ર ગ્રંથ-નિર્વચન નોંધ–ઇમ્પ્રિન્ટ જેવી ઓછા અગત્યની વસ્તુઓ જ બેકી પાના પર આવે. ‘આ જ લેખકનાં બીજાં પુસ્તકો’, ‘હવે પછી પ્રગટ થનારાં પુસ્તકો’, ‘એજંટોનાં નામ’, ચિત્રોનો નાનકડો અનુક્રમ, નાનુંસરખું શુદ્ધિપત્ર કે કેટલીક વાર પ્રકાશકની નોંધ –ટૂંકી હોય તો—એ બધું ડાબી બાજુના બેકી પૃષ્ઠ ઉપર લેવાય તો હરકત નથી. પરંતુ તે પણ મૂકતાં રૂચિભંગ ન થાય તે પર ખાસ લક્ષ આપવું. પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત, નિવેદન, અનુક્રમણિકા, અર્પણપત્ર, પરિશિષ્ટ, વિષયસૂચિ વગેરે ગ્રંથનાં મુખ્ય અંગો તો જમણી તરફના પૃષ્ઠથી જ શરૂ થાય. સંજોગવશાત્ તેની પહેલાંનો વિષય એકી સંખ્યા પર પૂરો થતો હોય તો તે પાછળનું બેકી પૃષ્ઠ કોરૂં રાખીને નવો વિષય એકી સંખ્યાથી જ શરૂ કરવો જોઇએ. પાનાનો લોભ કરીને ગ્રંથનું રૂપ હરગીઝ ન બગાડવું. હાફ-ટાઇટલ એટલે પુસ્તકનો માત્ર નામનિર્દેશ જ કરેલો હોય તેવું એક પાનું. આપણે ત્યાં એની પ્રથા ખાસ જળવાતી નથી, પણ પ્રત્યેક અંગ્રેજી પુસ્તકમાં તે હોય છે. ગ્રંથના રક્ષક અને નિર્દેશક તરીકે એનું અસ્તિત્વ છે. પાનાને મથાળે પોણો કે એક ઈંચ જગ્યા છોડીને કોઈવાર પૃષ્ઠના ૧/૩ ભાગે, તો કોઈ વાર મધ્ય રેષાથી સહેજ ઊંચે એ મૂકાય છે. તેમાં લેખક કે કર્તા વગેરેનું નામબામ કશું જ નહિ; કેવળ પુસ્તકનું નામ. દાખલા તરીકે ‘ગ્રંથ અને ગ્રંથકાર-૧૯૩૧’ એટલું જ. તેના ટાઈપ ટાઇટલ પરના પુસ્તકના નામના ટાઇપ કરતા સહેજ નાના હોય. હાફ-ટાઈટલની પાછળનું પૃષ્ઠ તદ્દન કોરૂં મૂકવું જોઈએ. તે પછી આવે ટાઈટલ–અગ્રપૃષ્ઠ, પુસ્તકનું એ નાક ગણાય. એ અત્યંત રૂચિર, સુઘડ, સપ્રમાણ અને ઉઠાવદાર હોવું જોઈએ. સામાન્યરીતે તેમાં પુસ્તકનું પૂરૂં નામ, કર્તાનું નામ, અનુવાદ હોય તો મૂળ લેખકના નામ સાથે તેવો નિર્દેશ, પુસ્તકને લગતું કોઇ ઉદ્દેશક વાક્ય કે અવતરણ હોય તો તે, પ્રકાશક વ્યક્તિ અથવા સંસ્થાનું નામ, પ્રકાશનનું સ્થળ, સાલ તથા મૂલ્ય, આટલું અનુક્રમે આવે છે. પુસ્તક કોઈ ગ્રંથમાળામાં આવતું હોય તો મથાળે તે માળાના નામની નિર્દેશક લીટી આવે. આ બધું, યોગ્ય ઘાટનાં તથા જેમાં જેવાં છાજે તેવા ચડઉતર પ્રમાણનાં બીબામાં, વચ્ચે પ્રમાણસર જગ્યાનું મૂકાણ કરીને અને ખીચડો ન થઈ જાય તેમ સુરૂચિપૂર્વક ગોઠવાવું જોઈએ. નહિતર કેટલીક વાર ટાઈટલ પેઇજો તો એવા શંભુમેળાનાં ધામ બની જાય છે કે તેની સામે જોતાં સૂગ ચડે. પુસ્તક અંગ્રેજીમાં હોય તો તેમાં જુદાજુદા પ્રકારનાં બીબાંનો ખીચડો ન કરતાં આખા ટાઇટલમાં સળંગ એક જ જાતના ફાઉન્ટના ચડઉતર ટાઇપ વાપરવા. તેમાં પણ અમુક લીટીઓ કૅપિટલ ટાઇપમાં અને અમુક ચાલુમાં, એમ બેભત્તું ન રાખતાં સળંગ એકધારી જ યોજના રખાવવી. અગ્રપૃષ્ઠમાં એક બીજી ભૂલ થાય છે તે પૂર્ણ વિરામ મૂકવાની. ઘણા લેખકો તો તેને માટે આગ્રહ ધરાવતા પણ જોયા છે! દાખલા તરીકે,
કવિતા અને સાહિત્ય.
વૉલ્યુમ ચોથું.
કર્તાઃ-
સ્વ. સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ.
વગેરે. કહેવાની જરૂર નથી કે આ લીટીઓને છેડે મૂકાએલાં પૂર્ણવિરામ વગેરે ચિહ્નો અયોગ્ય અને બેહૂદાં છે. પૂર્ણવિરામ સંપૂર્ણ વાક્યને જ છેડે આવે, શબ્દો કે શબ્દસમૂહને છેડે નહિ. વળી પ્રમાણશુદ્ધિ અને રૂચિની દૃષ્ટિએ પણ છેડે આવતો પૂર્ણવિરામનો એ ડાઘ, કોરી જગ્યા વચ્ચે ગોઠવાઇ રહેલા શબ્દસમૂહને એક પડખે ભાર વધારે કરે છે અને રચનામાં પ્રમાણભંગ કરે છે. જો કંઇક મૂકવું જ હોય તો રચનાની દૃષ્ટિએ તે બંને બાજુએ આવવું જોઇએ. આ રીતેઃ
કવિતા અને સાહિત્ય.
આપણા પ્રાચીન ગ્રથોમાં ॥ શ્રી ગણેશાય નમઃ ॥ વગેરે વાક્યો છુટાં લખાતાં ત્યારે પણ એ જ રચનાથી બંને બાજુએ ચિહ્નો સાથે લખાતાં. પણ આ યુગમાં એ બધું રૂચે તેમ નથીઃ એટલે એકલા શબ્દો કે વાક્યખંડ જ રાખવા ઉચિત છે. પૂર્ણવિરામના કાળા ડાઘાનો રાહુ તો અવશ્ય દૂર થવો જોઇએ. સામયિક પત્રોનાં મથાળાંને પણ આ જ નિયમ લાગુ પડે છે. ‘ગુજરાતી.’ કે ‘સાહિત્ય.’ એવાં પૂર્ણવિરામ વાળાં મથાળાં અગ્રપૃષ્ઠને પૂઠાં ઉપર મૂકવાં એ પણ અઘટિત ને અરૂચિકર છે. ઘરને જેમ મુખ્ય ગૃહદ્વાર તેમ ટાઈટલ પેઈજ એ પુસ્તકનું પ્રવેશદ્વાર છે. આપણાં ઘરનાં મુખ્ય દ્વાર જેમ સુંદર બારસાખો વાળાં, તોરણોની શોભા વાળાં કે રંગોળીથી મંડિત રાખીએ છીએ તેમ પુસ્તકોનાં આ પ્રવેશદ્વાર-અગ્રપૃષ્ઠ પણ શોભાયુક્ત અને સ્વાગતકારી હોવાં જોઈએ. કેટલીક વાર ગ્રંથકારો પોતાનાં પ્રકાશનોનાં અગ્રપૃષ્ઠ રૂચિકર રચના સાથે બે રંગમાં છપાવે છે. અગ્રપૃષ્ઠનું આટલું અગત્ય સમજીને તેને માટે આગ્રહ રાખનારા ગ્રંથકારો આપણે ત્યાં પણ છે એમ શ્રી બ. ક. ઠાકોરનાં બેરંગી ટાઈટલોવાળાં પુસ્તક જોનારા જાણતા હશે. ગ્રંથનિર્વચન નોંધ–ઇમ્પ્રિન્ટ-પુસ્તકને છેડે ન મૂકવી હોય તો સામાન્ય રીતે તેનું સ્થાન અગ્રપૃષ્ઠની પાછળના બેકી પાનાને છેડે નિર્ણિત હોય છે. તેમાં કાયદાની રૂએ આપવાં પડતાં મુદ્રક-પ્રકાશકનાં પૂરાં નામઠામ અને ઉપરના ભાગમાં યોગ્ય અંતર તથા રચનામાં ગ્રંથસ્વામિત્વના હકની—કોપી રાઇટની નોંધ, પહેલી આવૃત્તિ હોય તો તેની નોંધ તથા સાલ, પહેલી સિવાયની આવૃત્તિ હોય તો જેટલામી આવૃત્તિ હોય તેની વિગત સાથે સાલ તથા તેની અગાઉની બધી આવૃત્તિઓની સાલવાર યાદી, એટલું આવે. કેટલીક વાર ‘આ જ લેખકનાં બીજાં પુસ્તકો’ અથવા ‘હવે પછી પ્રગટ થનારાં પુસ્તકો’ની યાદીઓ આ પાના પર મૂકવામાં આવે છે. ગ્રંથગૌરવ સમજનારા આને અરૂચિકર તથા અઘટિત ગણે છે. પુસ્તકના મુખ્યાંગને જાહેર ખબરો વડે આમ હીણું ન પાડતાં, એવી નોંધો—મૂકવી જ હોય તો—ગ્રંથને તદ્દન છેડે મૂકવી જોઈએ. આ પછી પ્રકાશક તથા સંપાદકની નોંધો (ટૂંકી હોય તો) ઘણી વાર લઈ શકાય છે. પ્રકાશકની નોંધમાં તો, સામાન્યતઃ પુસ્તક જે સંજોગોમાં પ્રગટ થયું હોય તેની જાહેર નોંધ જેવું જ હોય. સંપાદક કે અનુવાદકની નોંધ ટૂંકી હોય તો, જગ્યાનો બચાવ કરવા ઘણી વાર તેની પાછળના પાના પર લઈ શકાય. આવી નોંધ ગ્રંથમાળાઓ કે કોઈ અનુવાદિત પુસ્તકમાં જ હોય છે. લાંબા નિવેદનો તો, અલબત્ત, એકી પૃષ્ઠસંખ્યાથી જ શરૂ થવાં જોઇએ. અર્પણપત્રિકા, ઉપર કહ્યું તેમ, એકી પૃષ્ઠ પર જ, અને તેને ઘટતા સાદા, સાત્ત્વિક ગૌરવ સાથે આવવી જોઇએ. કેટલાક ગ્રંથોમાં તેને જાડી ખીચોખીચ બોર્ડરોના શણગારના ભારથી લાદવામાં આવે છે. કેટલીક વાર જેને તે અર્પણ થઇ હોય તેના ફોટોગ્રાફની પાછળ જ છાપી મારવામાં આવે છે, તો કોઈ વાર પાનાં બચાવવાના લોભથી અગ્રપૃષ્ઠની પાછળ ગ્રંથનિર્વચનની નોંધ જોડે, કે અનુક્રમની પાછળ, જ્યાં લાગ ફાવે ત્યાં ધક્કેલી મૂકવામાં આવે છે. આમાં, ગણીએ તો, અર્પણ પામનાર વ્યક્તિનું પણ અપમાન ગણાય. પાનાંનો લોભ કરવો હોય તો બહેતર છે કે અર્પણપત્રિકા ન છાપવી; અને છાપવી જ હોય તો તેને ઘટતા મોભા સાથે છાપવી જોઈએ. ઘણી વાર બને છે તેમ, અર્પણપત્રો લાંબાં માનપત્રો જેવાં ન હોવાં જોઈએ. અત્યંત ટૂંકાં, સારગર્ભને સૂચક વાક્યો (બને તો એક જ વાક્ય)માં તે હોય, અને સુડોળ બીબાંમાં સપ્રમાણ ઘાટીલી રચનાથી તે ગેઠવાવાં જોઈએ. અનુક્રમણિકાનું સ્થાન પુસ્તકમાં શરૂઆતમાં જ હોવું જોઈએ. ઘણેખરે ઠેકાણે લાંબીલચ પ્રસ્તાવનાઓ, ઉપોદ્ઘાતો, નિવેદનો વગેરે પછી છેક પુસ્તક શરૂ થતાં પહેલાં અનુક્રમ મૂકાય છે તે ખોટું છે, અને ઘણી વાર તેને શોધતાં માથાકૂટ પડે છે તેથી તે અગવડભર્યું પણ છે. અગ્રપૃષ્ઠ અને અર્પણ પછી તરત જ અનુક્રમ આવી જવો જોઈએ, અને પ્રસ્તાવના તથા નિવેદન વગેરેનાં પૃષ્ઠાંકનો પણ તેમાં સમાવેશ હોવો જોઈએ. ચિત્રોનો અનુક્રમ મુખ્ય અનુક્રમ પછી, તેને છેડે ઠીક જગ્યા વધી હોય તો ત્યાં, અથવા તેની પાછળના બેકી પાન પર આવે તો ચાલે. અનુક્રમનો જ તે એક ભાગ ગણાય. પ્રસ્તાવના, સામાન્ય રીતે, પુસ્તકમાં વપરાયા હોય તેના કરતાં સહેજ નાના કદનાં બીબાંમાં અને બને તો જુદી જ રચનાથી (માર્જિન વગેરેને ફેરફાર રાખીને) ગોઠવવી. તેનો પૃષ્ઠાંક પણ જુદો ગણાય છે. અંગ્રેજીમાં તો કોઇ વાર પુસ્તકનાં પૃષ્ઠાંક માટે ચાલુ (ઍરેબિક) અંકસંખ્યા ને પ્રસ્તાવના માટે રોમન અંક મૂકાય છે. ગુજરાતીમાં એવા બે પ્રકારના અંક ન હોવાથી પ્રસ્તાવનાના અંક મૂકવામાં સ્થાનફેર કે જાતફેર કરવામાં આવે છે. એટલે કે પુસ્તકના અંક મથાળે મૂક્યા હોય તો પ્રસ્તાવનામાં જરા ઝીણા ટાઈપમાં અને છેડે મૂકવામાં આવે છે. આવો સ્થાનફેર ન કરવો હોય તે ઝીણાં બીબાંના દેવનાગરી લિપિના પૃષ્ઠાંક પણ મૂકી શકાય. શુદ્ધિપત્ર તો ગ્રંથમાં ન જ મૂકવું પડે તેની પૂરતી કાળજી પહેલેથી રાખવી; કેમકે એ ગ્રંથકાર કે મુદ્રકની (અથવા બન્નેની) ભૂલોનો દસ્તાવેજ છે. સારો મુદ્રક તો પોતાના કામમાં હરગીઝ ભૂલો આવવા ન દે; અને સંજોગવશાત્ રહી જાય તો બનતાં સુધી પોતાની મેળે જ સુધારી લે. છતાં શુદ્ધિપત્ર અનિવાર્ય જ હોય તો તે પ્રસ્તાવનાઓ અને નિવેદનો વગેરેને છેડે, પુસ્તક શરૂ થતાં જ આવે તેમ મૂકવું જોઈએ, જેથી વાચક પુસ્તક વાંચવું શરૂ કરતાં પહેલાં એ ભૂલોના સુધારા કરી લે. પુસ્તકને છેડે શુદ્ધિપત્ર મૂકવાનો કોઈ અર્થ જ નથી. ખરો માર્ગ તો એ છે કે કોઈ રંગીન કાગળ પર કે ધ્યાન ખેંચાય તેવી કોઈ રીતે છાપીને તે છુટું જ પુસ્તકમાં મૂકવું અને સાથે સૂચના છાપવી કે વાચકે પુસ્તક વાંચતાં પહેલાં તે મુજબના સુધારા કરી લઈને એ શુદ્ધિપત્રને રૂખસદ આપી દેવી કે જેથી ભૂલોની એવી જાહેર ખબર પુસ્તકની સાથે આજીવન સંકળાઇ ન રહે.
ગ્રંથનું મુખ્ય અંગ
હવે પુસ્તકના મુખ્ય અંગની વાત. તેમાં આટલી વસ્તુઓ નક્કી કરવાની હોય છેઃ ચારે તરફના યોગ્ય માર્જિન (કોરી જગ્યાના હાંશિયા કે ગાળા) ઠરાવીને છપાવાના પાનાની લંબાઈ પહોળાઈનું કદ; પૃષ્ઠાંક અને મથાળાની લીટી; પ્રકરણોનાં મથાળાંની ઢબ તથા પ્રથમાક્ષરો; બીબાંનો પ્રકાર; શબ્દો અને પૅરેગ્રાફો વચ્ચેની કોરી જગ્યા; વચ્ચે આવતાં પેટામથાળાં, અવતરણો, ફુટનોટો વગેરે; પરિશિષ્ટ અને વિષયસૂચિ. પુસ્તકમાં સપ્રમાણ અને મોટાં માર્જિન મૂકવાની સમજણ આપણે ત્યાં છેલ્લાં બેપાંચ વર્ષથી જ આવવા લાગી છે, અને તે પણ વિચારપૂર્વક તથા પદ્ધતિસર તો જૂજ જ કિસ્સાઓમાં મૂકાય છે. ઘણુંખરૂં તો છપાતા પૃષ્ઠની ચારે તરફ સરખી જગ્યા માલૂમ પડે છે. આ પદ્ધતિ ભૂલભરેલી તથા વિરૂપ છે. ખરી રીતે તો, છપાએલા પાનાની અંદરની—સીવણ તરફની કોરે સૌથી ઓછી જગ્યા, મથાળાની કોરે તેથી સહેજ વધારે, તથા બહારના પડખા અને છેડાની બાજુએ ખૂબ પહોળી જગ્યા કોરી રાખવી જોઈએ. આનાં કારણેમાં પહેલું તો એ કે કાગળ છુપાઇને ફૉર્મ રૂપે વળાયા પછી તેને બાંધતી વખતે સીવણ સિવાયની એ ફૉર્મની ત્રણે કોરો સપાટ કાપવી પડે છે તે વખતે, મથાળાને ભાગે તો ઘડ આવતી હોઈ તે એકસરખી હોવાથી ત્યાં ઓછો કાપ મૂકાય છે, પણ બહારના તથા નીચેના છેડા વાળતી વખતે અણસરખા રહી જતા હોવાથી ત્યાં વધારે કાપ લેવો પડે છે, અને તેથી એ છેડાઓ તરફ વધુ જગ્યા કોરી મૂકવી જોઈએ. બીજું કારણ પુસ્તકના સુપ્રમાણ દેખાવનું છે. આપણે કોઈ ચિત્રને ફ્રેમ કરવું હોય છે ત્યારે તેને માઉન્ટ ઉપર મૂકતી વખતે વધારે સુંદર ને ઉઠાવદાર લાગવા માટે તેના મથાળા કરતાં બે પડખે વધારે અને છેડે તો તેથી પણ વધારે કોરી જગ્યા રાખીએ છીએ. જો ચિત્રની ચોમેર સરખી જ જગ્યા રાખીશું તો તે એટલું સુંદર નહિ લાગે; કારણકે દૃષ્ટિશાસ્ત્રનો એવો નિયમ છે કે આપણી આંખ કોઈ પણ વસ્તુના મધ્યબિંદુ કરતાં સહેજ ઉપરના ભાગ પર ઠરે છે. આ જ દૃષ્ટિએ પુસ્તકના માર્જિનની–કોરી જગ્યાની રચના થવી જોઈએ. પુસ્તકને સપાટ ઉઘાડીને, તેની વચ્ચેની સીવણ તરફની કોરી જગ્યા પણ ભરેલી છે એમ કલ્પી લઇ, તેનાં એકી તથા બેકી બંને પૃષ્ઠને સમગ્ર રૂપે સમજી તેને એક જ અખંડ આકૃતિ કે ચિત્ર માનો. હવે સમજાશે કે ચોમેર સરખી જગ્યા રાખવા કરતાં મથાળાની ઓછી ને પડખાં તથા છેડાની પ્રમાણમાં વધારે જગ્યા રાખવાથી જ વધારે સુંદર ઉઠાવ લાગે છે. પુસ્તકમાં વચ્ચેનો સીવણવાળો ગાળો પણ બને તેટલો સાંકડો રાખવાનું એ જ કારણ છે કે દૃષ્ટિને એ બંને પૃષ્ઠનો સમગ્ર દેખાવ આવતાં તે બહુ અડચણકર્તા ન થઇ પડે. નીચેની આકૃતિઓ આ વાત વધારે સ્પષ્ટ કરશે. ચોમેર સરખી જગ્યા રાખેલાં બે પાનાં વાળું ખુલ્લું પુસ્તક આકૃતિ પહેલીમાં બતાવ્યું છે. એ પાનાઓને એક અખંડ રૂપે-ચિત્ર તરીકે કલ્પતાં, ચોમેરની કોરી જગ્યા ફ્રેમિંગની ઢબે કેવી લાગે તે આકૃતિ બીજીમાં બતાવ્યું છે. એ જ રીતે આકૃતિ ત્રીજીમાં યથોચિત મોટા ને સપ્રમાણ માર્જિનવાળાં પાનાંનો ખ્યાલ આપીને, તે જ પાનાંનું સમગ્ર સ્વરૂપ ચિત્રની દૃષ્ટિએ ફ્રેમમાં કેવું જણાય તે આકૃતિ ચોથીમાં દર્શાવ્યું છે. બંનેની સરખામણી પરથી સ્પષ્ટ જણાશે કે નીચેની યોજના વાળાં પાનાંનો દેખાવ વધારે ઉઠાવદાર ને સુંદર લાગે છે.
વળી, છપાએલાં પાનાંનો ઘાટ કેવો હોવો જોઈએ તેનાં લંબાઈ પહોળાઈનાં કદ પણ કાગળના સમગ્ર કોરા પાનાનાં આકાર તથા માપને અનુકૂળ હોવાં જોઈએ. ચોરસ ઘાટના પુસ્તકમાં લંબચોરસ આકારનું પાનું છપાય એ બેડોળ જ લાગે. એટલે માર્જિનોનાં માપ ઠરાવતી વખતે આ પણ ખ્યાલમાં રાખવું આવશ્યક છે. માર્જિનો માટે એક સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક પાનાની સીવણ તરફની કોર કરતાં મથાળે દોઢી જગ્યા, પડખે બમણી અને છેડા તરફ અઢી ગણી જગ્યા કોરી રહે. ઉદાહરણથી સમજવું હોય તો ક્રાઉન ૧૬ પેજી (‘તણખા’ના) કદના પુસ્તકના પાનામાં છપાએલી જગ્યાનું માપ ૫ ઈંચ લાંબું અને ત્રણ ઈંચ પહોળું રાખ્યું હોય, અને સીવણ તરફની કોરે ૦ાા ઇંચ, મથાળે ૦ાાા ઈંચ, પડખે ૧ ઇંચ અને છેડે ૧ા ઈંચ જગ્યા કપાયા પછી કોરી રહે એ રીતે તે છપાય તો ઠીક ઉઠાવ લાગે. પણ આ માપ તો માત્ર માર્ગદર્શક તરીકે આપ્યાં છે. તે કાયમી આદર્શ તરીકે ન સમજવાં. પુસ્તકના પાનાના ઘાટ તથા કદને અનુરૂપ તેમજ પોતાની આંખ અને રસવૃત્તિને રૂચિકર લાગે તે અનુસાર આમાં ફેરફાર થઈ શકે. જગ્યા જેમ વધારે રહેશે તેમ વધારે સારૂં લાગશે. આ બધું કામ જો કે મુદ્રકનું છે, પણ છાપખાનદારો આપણે ત્યાં આ વસ્તુઓમાં ઝાઝો રસ નથી લેતા તેથી સારા કામના આગ્રહી ગ્રંથકારે આવી બાબતોમાં ખાસ ચોકસાઈ રાખવી. પાનાંઓનાં મથાળાંની લીટીઓ–પૃષ્ઠપંક્તિઓ તથા પૃષ્ઠાંકની ઢબ કેવી રાખવી તે ઉપર પણ ગ્રંથકારે જ ધ્યાન આપવું જરૂરનું છે, કેમકે પૃષ્ઠના ઉઠાવ તથા ઉપયોગિતાની દૃષ્ટિએ એ જરૂરનો મુદ્દો છે. તેમાં પુસ્તકનું નામ, પ્રકરણ કે વિષયનું નામ અને પૃષ્ઠાંક એટલું ખસુસ આવવું જોઈએ. ઘણા ગ્રંથોમાં એકલું પુસ્તકનું જ નામ બંને પાનાંઓ પર આવ્યા કરે છે તે યોગ્ય નથી; કેમકે એ લીટીઓ મૂકવાનો મુદ્દો તો પુસ્તકમાંથી જોઈતી વસ્તુ શોધી કાઢવામાં મદદરૂપ થવાનો છે. પહેલાં તે ઘણાક મોટા ગ્રંથોમાં, જ્યારે આજની ઢબે પ્રકરણોને નામ ન આપતાં માત્ર ક્રમ જ અપાતા ત્યારે, દરેક પાનાના મથાળે તે તે પાનામાં આવતી મુખ્ય હકીકતનો નિર્દેશ પ્રત્યેક પાને જુદોજુદો આપવામાં આવતો. તેથી જોઈતી હકીકત શોધી કાઢવી અત્યંત સરળ પડતી. આજ પણ મોટા ગ્રંથોમાં પ્રકરણોનાં નામ સાથે એ પદ્ધતિ રાખવામાં આવે તો સારૂં; નહિતર સામાન્ય નિયમ મુજબ ડાબી તરફના પાનાને મથાળે પુસ્તકનું નામ અને જમણી તરફનાને મથાળે પ્રકરણનું નામ તો આવવું જ જોઈએ. પૃષ્ઠાંક સામાન્યતઃ પાનાના મથાળે, પૃષ્ઠપંક્તિના બહારની તરફના ખૂણે મૂકાય છે. પછી કોઈ વાર પાનાને છેડે વચ્ચોવચ, કે અંદરના અથવા બહારના ખૂણાઓ પર પણ, સૌસૌની સૂઝ તથા રસવૃત્તિ પ્રમાણે મૂકાય છે. પૃષ્ઠાંકનો ટાઇપ પુસ્તકના ટાઇપ કરતાં જરા મોટો, ઘાટો ને ઉઠાવદાર હોવો જોઈએ. ઘણુંખરૂં તો જે જાતના ટાઈપ પુસ્તકમાં વપરાયા હોય તેનો જ બ્લૅક ટાઈપ પૃષ્ઠાંક તરીકે રખાય છે. પુસ્તક ઠીક કદનું હોય તો પાઈકાના પુસ્તકમાં સર્વે પાઈકાના પૃષ્ઠાંક રૂપાળા લાગશે. નાના કદના પુસ્તકમાં સ્મોલ બ્લૅકના પૃષ્ઠાંક ઠીક લાગશે. પૃષ્ઠાંકની આજુબાજુ ઘણીવાર બે કૌંસ, તે છેડે આવેલો હોય તો એક બ્રૅકેટ, તો કોઈ વાર પાનાની વચ્ચે પૃષ્ઠાંક હોય તો બંને બાજુ હાઈફન વગેરે મૂકાય છે. આ બધી રચના પુસ્તકના કદ, પ્રકાર, ગૌરવ અને ગુણધર્મ પ્રમાણે યોજાવી જોઇએ. ગ્રંથકાર પોતે સમજપૂર્વક એનો ખ્યાલ મુદ્રકને આપે અને બેચાર નમૂનાઓ પરથી નક્કી કરે એ ઇષ્ટ છે. પ્રકરણોના મથાળાં બાંધવાની પદ્ધતિનો એક નમૂમો આ વાર્ષિકના ગયા અંકમાં બતાવ્યો હતો. ઘણુંખરૂં એવો રિવાજ છે કે નવું પ્રકરણ શરૂ થતાં પહેલાં મથાળે થોડી જગ્યા કોરી મૂકાય. એ જગ્યા પાનાના કદના પ્રમાણમાં ૧/૫ કે ૧/૮ ભાગ જેટલી નક્કી કરાય છે. પણ આ નિયમ બંધનકર્તા નથી. કોઇ વાર માત્ર પૃષ્ઠપંક્તિ પૂરતી એક લીટી જેટલી જગ્યા પણ કોરી મૂકાય છે. સચિત્ર પુસ્તકોમાં પ્રત્યેક પ્રકરણ કે વિષયને મથાળે, તેમાં આવતા વિષયના ભાવને અનુરૂપ શોભનચિત્રની પટ્ટી પણ મૂકાય. આ બધામાં મુખ્ય મુદ્દો જે પુસ્તકના ગૌરવને અનુરૂપ તેનું વાતાવરણ સાચવવાનો તથા પાનાની રચનાનું પ્રમાણ જાળવવાનો છે તે લક્ષમાં લેવાવો જોઈએ. પુસ્તકમાં વાપરવાનાં બીબાંના કદ વિષે તો અગાઉ કહેવાઇ ગયું છે કે આપણે ત્યાં સર્વસામાન્ય ઉપયોગ માટે એકલો પાઇકા ટાઇપ જ છે. કોઈ વાર પુસ્તક નાનું હોય ને મોટા કદનું બતાવવું હોય, અથવા ખાસ રૂપઆવૃત્તિ—edition-de-lux—કાઢવી હોય ત્યારે છુટી લીટીઓમાં સર્વે પાઇકા ટાઈપ લેવો સારો છે. એ ટાઇપનો સરખો ગોળાકૃતિવાળો મરોડ ઘાટીલો તથા રૂપાળો છે અને પ્રમાણબુદ્ધિથી વાપર્યો હોય તો તે વડે બહુ સુંદર પરિણામ લાવી શકાય. લખાણની વચ્ચે આવતાં અવતરણો, ચાલુ કરતાં નાના કદનાં બીબાંમાં અને ઓછી પહોળાઈના માપમાં લેવાય તો તે જુદાં તરી આવશે. (આનો નમૂનો પણ ગયા અંકમાં આલેખન વડે કરી બતાવ્યો છે.) અવતરણો જો આવી રીતે જુદાં પડતાં લેવામાં આવે તો પછી તેને દરેક લીટીએ અવતરણચિહ્નો મૂકીને રૂંધી નાખવાની જરૂર નથી. આમ પણ એ પદ્ધતિ તો બેડોળ જ છે. ઘણાં પુસ્તકોમાં કોરી જગ્યાના ધોધ વહેતા આપણને જણાય છે. શબ્દો વચ્ચે, લીટીઓ વચ્ચે અને પૅરેગ્રાફો વચ્ચે જરા પણ વધારાની કોરી જગ્યા ન રહે એની ખાસ કાળજી મુદ્રક પાસે લેવડાવવી. છાપખાનાની ભાષામાં જેને ત્રણ તથા ચાર પૉઇન્ટ સ્પેસ કહે છે તેટલી (૧ ઈંચના ૭૨ પૉઇંટ થાય) જગ્યા સામાન્ય રીતે શબ્દો વચ્ચે બસ થઈ કહેવાય. યુરોપ અમેરિકામાં સારા કામોમાં આજે એથી પણ ઓછી જગ્યા રખાય છે. આપણા જૂના હસ્તલિખિત ગ્રંથોમાં પણ આ જ પદ્ધતિ હતી. એની કસોટી એ છે કે છપાએલું પાનું નજરથી સહેજ દૂર રાખીને જોતાં તે સમગ્ર સપાટ કાળા સમૂહ જેવું લાગવું જોઈએ. ધોળી જગ્યાનાં વહેણ તેમાં દેખાય એટલી કંપોઝની ખામી ગણાય. ફુટનોટ—ટીપ અથવા પાદનોંધ આપણામાં સામાન્યરીતે વચ્ચે ઝીણી રૂલલાઈન મૂકીને શરૂ કરવાની પદ્ધતિ છે. પણ તે વિરૂપ અને હવે તો જૂનવાણી ગણાય છે. મુખ્ય લખાણનાં બીબાંથી ઝીણાં પડતાં બીબાંમાં અને મુખ્ય લખાણ પછી એક લીટી જેટલી જગ્યા કોરી છોડીને પાદનોંધ શરૂ કરવામાં આવે તો બસ છે. પાનાની પહોળાઈ વધારે હોય તો ટીપને બે કૉલમમાં પણ લઇ શકાય. એ રીતે તે મુખ્ય લખાણથી આપમેળે જુદી તરી આવશે. પાદનોંધની નિશાનીઓ પણ જૂની પદ્ધતિમાં * ઝ્ર + વગેરે વપરાતી તેને બદલે ૧ ૨ ૩ એ મુજબ ક્રમથી રાખવી તે સરળ અને સુંદર છે; કેમકે પેલી નિશાનીઓ ચિત્રવિચિત્ર દેખાવની હોવાથી બેડોળ લાગે છે અને તેની જાત કરતાં ટીપના મુદ્દા વધારે હોય છે ત્યારે મુશ્કેલી થાય છે. પરિશિષ્ટોનાં બીબાંનો પ્રકાર તેના લખાણના પ્રકાર પર અવલંબે છે. વિષય જો ગૌણ હોય તો પુસ્તકના કરતાં નાનાં બીબાંમાં પરિશિષ્ટ લઇ શકાય. પણ તેનો પૃષ્ઠાંક તો પ્રસ્તાવનાની પેઠે જુદો ન કરતાં પુસ્તકને અનુસંધાને સળંગ જ ચાલુ રાખવો, અને પરિશિષ્ટ પછી વિષયસૂચિ હોય તો તેમાં પણ તે ચાલુ જ રહે. કેટલાક ચોકસાઈવાળા ગ્રંથવિધાયકો તો પુસ્તકનું છાપેલું પાનું—એટલે હાફ-ટાઇટલ શરૂ થાય ત્યાંથી ક્રમાંક ગણવો શરૂ કરીને છેક વિષયસૂચિને અંતે પુસ્તકનું છેલ્લું છપાએલું પાનું (પછી તે જાહેરખબર હોય તો તેનો પણ સમાવેશ કરીને) આવે ત્યાં સુધી એક જ સળંગ ક્રમાંક રાખે છે. બહુ પ્રમાણભૂત ગણાતાં ઉત્તમ પ્રકાશનમંદિરો પણ આ પદ્ધતિ માન્ય રાખે છે અને અભ્યાસનીય તથા કિમતી પ્રકાશનોમાં તે અખ્ત્યાર કરવામાં આવે છે. વિષયસૂચિ આપણે ત્યાંના ગ્રંથોમાં તો જવલ્લે જ જોવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં તો અભ્યાસ તથા અધ્યયનને યોગ્ય એકેએક અગત્યના ગ્રંથને છેડે વિષયસૂચિ હોય જ છે. તેમાં પુસ્તકમાં આવતા નાનામાં નાની અગત્યના પ્રત્યેક વિષય, સ્થળ, વ્યક્તિ વગેરેનું સૂચન આખા પુસ્તકમાં કયાં કયાં પૃષ્ઠો પર આવે છે તેની દરેક શબ્દ દીઠ અક્ષરાનુક્રમે વિસ્તૃત યાદી હોય છે. આમાં માત્ર શબ્દ અને સામે તેનો પૃષ્ઠાંક એટલું જ હોવાથી તે બે કૉલમમાં ગોઠવાય છે અને તે ઝીણામાં ઝીણા—ગુજરાતીમાં બને તે લાગપ્રાઈમર—ટાઈપમાં જ. હવે છેલ્લો મુદ્દો–જેને આધુનિક પ્રકાશનોમાંથી બરતરફી ફરમાવવામાં આવી છે તે—પુસ્તકના અંત ભાગે ‘ઇતિ’ અથવા ‘સમાપ્ત’ લખવાનો. આજે તો માત્ર એ જૂનાં જ પ્રકાશનોમાં જોવામાં આવે છે. પરિશિષ્ટ, ગ્રંથસૂચિ વગેરે આવી ગયા પછી આપમેળે સમજાઈ જાય છે કે હવે ગ્રંથ પૂરો થયો. પરંતુ ઝીણામાં ઝીણી પ્રત્યેક વિગત માટે ચોકસાઈ ધરાવનાર ગ્રંથકારો તે આગ્રહપૂર્વક મૂકાવે છે, અને ગ્રંથવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ તે મૂકવું જરૂરી પણ ગણાય છે. ખાસ કરીને ગ્રંથમાળાઓની બાબતમાં તો તે મૂકવાનું આગ્રહપૂર્વક પાલન કરવું જોઇએ. ગ્રંથમાળાનો જેટલામો ગ્રંથ હોય તેનો આંક મૂકીને ‘ગ્રંથ..મો સમાપ્ત’ અને છેલ્લા ગ્રંથને અંતે ‘ગ્રંથમાળા સમાપ્ત’ એમ જણાવવું જોઈએ કે જેથી માળા અધૂરી લેખવાની ભૂલ કોઈ ન કરે. કેટલાક ગ્રંથોમાં છેવટે જાહેર ખબરો મૂકાય છે. ગ્રંથ એ પવિત્ર અને અધ્યયનની વસ્તુ છે એટલું જેના હૃદયને સ્વીકાર્ય છે તેઓનો જીવ તો, ગ્રંથને છેડે જાહેર ખબરના થોકડા મૂકીને તેની એ શૂચિતા તથા ગૌરવને ખંડિત કરતાં ચાલતો નથી. અને આવી માન્યતા વાળા કેટલાક ગ્રંથકારો તથા પ્રકાશનસંસ્થાઓ તો ખુદ પોતાનાં પ્રકાશનોની યાદી પણ તેમાં મૂકાવતાં નથી. એમને મન ગ્રંથ એ જ્ઞાન ઉપાર્જનનું પવિત્ર સાધન છે, સરસ્વતીની વિભૂતિ છે; જાહેરાત ફૂંકવાનો શંખ નથી. આપણે ત્યાં કદિ જ જોવામાં નથી આવતી એવી એક નવી પદ્ધતિ આપણાં પ્રકાશનોમાં દાખલ કરવા જેવી છે. પ્રત્યેક પુસ્તકના છેડે તેના વાચકની નોંધને માટે થોડાં પાનાં કોરાં બંધાવવાં; જેમાં વાચક પુસ્તકના અધ્યયન દરમ્યાન ઉદ્ભવેલા પોતાના વિચારો, ટીકાઓ, પ્રશંસા તથા ચર્ચાના મુદ્દા, નવાં સ્ફુરણો, સુધારાવધારા વગેરે નોંધી શકે. આ નોંધથી પુસ્તક તેના વાચકના અભ્યાસ-અધ્યયન અને માનસિક વિકાસના સાક્ષી તથા દફતર રૂપ રહેશે. ગ્રંથને છેડે એવાં પણ કેટલાંક પાનાં કોરાં મૂકવાં કે જ્યાં એ ગ્રંથ વિષેનાં અવલોકન વગેરે પણ કાપીને ચોડી શકાય કે ઉતારી લેવાય; કેમકે ઘણી વાર વિદ્વાનોએ કરેલાં અવલોકનો આપણને ગ્રંથો વિષે નવી જ દૃષ્ટિ આપે છે, એટલે ગ્રંથમાં જ એ અવલોકનો ચોડેલાં હોય તો આપણને–અથવા હરકોઈ બીજા વાચકને–તેના વાચન વખતે તે નવા મુદ્દા તથા દૃષ્ટિબિંદુઓ સૂઝાડી માર્ગસૂચક તથા ઉપકારક થઈ પડે.
કાગળ
છાપવાના કાગળ જે જુદાં જુદાં માપમાં આવે છે તેની ઓળખ તો ગયા વર્ષના લેખમાં પુસ્તકના કદની ઓળખ આપતાં જણાવાઇ ગઈ છે. કેમકે પુસ્તકોનાં કદનાં નામ કાગળનાં એ વિવિધ માપ પ્રમાણે જ અપાયાં છે. અહીં તેનાં માપ, સંખ્યાની ગણત્રી તથા જાત વિષે થોડું કહેવું જરૂરી છે. જે પ્રકાર પ્રચલિત છે તેનાં માપ (ઈંચમાં) નીચે મુજબ છેઃ ડેમી ૧૭.૫ x ૨૨.૫; રૉયલ ૨૦ x ૨૭; ફૂલસ્કૅપ ૧૩.૫ x ૧૭; ક્રાઉન ૧૫ x ૨૦. આ માપ હિંદુસ્તાનમાં છપાતાં પુસ્તક માટે આવતા કાગળોનાં છે. ઇંગ્લંડ, યૂરોપ તથા અમેરિકામાં એ જ પ્રકારોનાં માપમાં એકાદ બે ઈંચના વધારા ઘટાડા પણ આવે છે. પણ ઉપરના આ માપમાં તો માત્ર લખવાના ઉપયોગમાં આવતા તથા ઊંચી જાતના કાગળો જ આવે છે; બાકીના બધા સામાન્ય પ્રિન્ટિંગ પેપર તો, છાપવાના સાંચાઓના મોટા કદને અનુરૂપ તથા આખો ફૉર્મ એકસાથે છાપી શકાય તે માટે તેનાથી બેવડા કદમાં આવે છે. તે આ પ્રમાણે : ડબલ ડેમી ૨૨.૫ x ૩૫; ડબલ રૉયલ ૨૭ x ૪૦; ડબલ ક્રાઉન ૨૦ x ૩૦; ડબલ ફૂલ્સકૅપ ૧૭ x ૨૭. ‘સૌરાષ્ટ્ર’ જેવાં મોટી સંખ્યામાં નીકળતાં છાપાંઓ માટે ચોવડા માપમાં પણ કાગળો આવે છેઃ ક્વૉડ ફુલ્સકૅપ ૨૭ x ૩૪. તેથી પણ વધારે મોટી સંખ્યામાં નીકળતાં અને મોટા કદનાં ‘ટાઈમ્સ’, ‘ક્રૉનિકલ’, ‘હિંદુસ્તાન’, ‘મુંબઈ સમાચાર’ વગેરે જેવાં છાપાંઓ માટે હજારો વાર લાંબા અને ટનના વજનથી મપાતા કાગળના મોટા પહોળા રોલ–વીંટા હોય છે. સામાન્યરીતે બધા કાગળો રીમ રૂપે બંધાઇને આવે છે અને વજનથી વેચાય છે. જેમકે આ પુસ્તક ડબલડેમી ૪૦ રતલી ગ્લેઝ્ડ કાગળ ઉપર છપાયું છે. કાગળનું દળ વધતું જાય તેમ વજન પણ સ્વાભાવિક રીતે વધારે આવે છેઃ ૪૫-૫૦-૫૪-૬૦ રતલી, વગેરે. લખવાના કાગળો, પૂઠાં માટેના કવર પેપર તથા કેટલાક ઊંચી જાતના પ્રિન્ટિંગ પેપર અને આર્ટ પેપરનાં રીમમાં ૪૮૦ કાગળ હોય છે; પણ છાપવા માટેના ચાલુ કાગળોના રીમમાં ૫૦૪ (અને કોઈવાર ૫૧૬) કાગળો હોય છે. આ સંખ્યા, છાપવામાં ગણતરીની અનુકૂળતાને સારૂ રાખેલી હોય છે. ડબલ ક્રાઉનના એક કાગળ પર એક બાજુએ આખો ફોર્મ છાપી લઇ તેની પાછળ તેનાં તે પાનાં બીજી વાર છાપવાથી એ એક કાગળમાંથી ક્રાઉન સાઇઝની બે નકલ ઉતરે. આ હિસાબે ૫૦૦ કાગળના એક રીમમાંથી ૧૦૦૦ નકલ નીકળી રહે. (ઉપરના ૪ કે ૧૬ કાગળ વધારાના રાખેલા હોય છે તે છાપતી વખતના બગાડ વગેરેમાં ખૂટે તેની પૂર્તિ માટે હોય છે.) એટલે સામાન્યરીતે સૌને ગણતરી કરવી ફાવે છે કે ૧૦૦૦ નકલના પુસ્તકનો એક ફૉર્મ છાપવામાં એક રીમ કાગળ જોઈએ. આ હિસાબે જેટલાં ફૉર્મનું પુસ્તક થવાનું હોય તેટલાં રીમ કાગળ જોઈએ એમ હરકોઈ માણસ ગણતરી કરી શકે છે. જુદા જુદા પ્રકારના કામ માટે જુદી જુદી જાત અને બનાવટના કાગળો વાપરવામાં આવે છે. જે કાગળની બનાવટમાં ઊની કે સુતરાઉ કાપડનાં ચીંથરાં વપરાયાં હોય છે તે ઊંચામાં ઊંચો ને ટકાઉ લેખાય છે; પણ તે અતિશય મોંઘો હોય છે અને માત્ર કિંમતી પુસ્તકો, દસ્તાવેજો, માનપત્રો વગેરે છાપવામાં જ વપરાય છે. સામાન્ય છાપકામના ઉપયોગના બધા કાગળો કાચા રૂ કે રેશમના ડૂચા, વાંસ અને તેવા બીજા છૈયા, પરાળ, એસ્પાર્ટો ઘાસ તથા લાકડાના ગર્ભના માવામાંથી બનાવવામાં આવે છે. વર્તમાનપત્રો વગેરે જેવાં હલકાં અને ક્ષણિક ઉપયોગનાં કામ માટે વપરાતો કાગળ બધો લાકડાના ગર્ભના માવાની બનાવટનો હોય છે. સાધારણ ચાલુ વપરાશમાં આટલી જાતના કાગળો આપણે ત્યાં પ્રચલિત છે : રફ, ન્યુસ ગ્લેઝ્ડ, ગ્લેઝ્ડ, સુપર કૅલૅન્ડર્ડ, આર્ટ અને ઍન્ટિક. રફ કાગળ સૌથી હલકો ને સોંઘો. તે રંગમાં ઝાંખો અને ફીસો તથા વજનમાં હલકો હોય છે અને સામાન્ય હૅંડબિલો તથા છાપાંઓમાં તે વપરાય છે. ફોટો-ચિત્રો છાપનારાં ‘ટાઈમ્સ’ વગેરે છાપાંમાં લીસી સપાટીનો જે હલકો કાગળ વપરાય છે તે ન્યુસ ગ્લેઝ્ડ. રફ કરતાં તે સહેજ ચડિયાતો;– કહો કે લીસી સપાટીવાળો રફ. આ પુસ્તક છપાયું છે તે ગ્લેઝ્ડ-ઘૂંટેલો-કાગળ છે, જે લગભગ બધાં પુસ્તકો તથા માસિકોમાં વપરાય છે. દેખાવે ઉજળો, સપાટીમાં સારો, માવામાં પણ ઠીક અને કિંમતમાં સમધારણ હોવાથી બધા સામાન્ય ઉપયોગ માટે તે ફાવે છે. સુપર કૅલૅન્ડર્ડ એ સ્ટીલના રોલર વચ્ચેથી પસાર કરીને ગ્લેઝ્ડના કરતાં પણ વધારે ઘૂંટેલો, વધારે લીસો અને ઊંચી બનાવટનો કાગળ છે. લખાણની સાથોસાથ ચિત્રોના બ્લૉકો છાપવા હોય ત્યારે સચિત્ર પુસ્તકો, માસિકો, કૅટલગો વગેરેમાં તે ખાસ ખપનો. ઍન્ટિક કાગળ પોચો, જાડા દળનો અને ઝીણી દાણાદાર ખરબચડી સપાટીનો હોય છે. ગ્લેઝ્ડના કરતાં તે ઠીક ઊંચો ગણાય છે અને ચિત્રો વિનાનાં બધાં સારાં પ્રકાશનોમાં તે વપરાય છે. તેમાં પણ ઘણી જાતો આવે છે. ‘પ્રસ્થાન’ માસિક તથા તેનાં પ્રકાશનોમાં સામાન્યતઃ જે વપરાતો આવ્યો છે તે ચાલુ સોંઘી જાત છે. સૌ. હંસાબહેન કૃત ‘બાળવાર્તાવલિ’માં ઊંચો ઍન્ટિક વપરાયો છે. છેલ્લો રહ્યો આર્ટ પેપર. તેની બંને બાજુએ એક પ્રકારનું રાસાયનિક એવું મિશ્રણ ચડાવીને ઘૂંટેલો હોય છે કે જેને લીધે તેની સપાટી અતિશય લીસી, ઓપવાળી અને ચમકતી હોય છે. રંગીન ચિત્રો તથા ફોટોગ્રાફોના બ્લૉકો વગેરે માટે તે જ ઉપયોગમાં લેવો જોઈએ. આ લેખ સાથે જોડેલાં ચિત્રે બધાં આર્ટ પેપર ઉપર છાપેલાં છે;—જોકે તે તો સામાન્ય કોટિનો આર્ટ પેપર છે. એના કરતાં જાડા દળના, વધારે સફાઈ તથા ઓપવાળા ઘણા ઊંચા આર્ટ પેપર પણ આવે છે. પૂઠાંને માટે જુદી જુદી બનાવટ અને જાતના, વિવિધ રંગના, તથા તરેહ તરેહની ભાત વાળા જાડા કવર પેપર આવે છે. આ પુસ્તકના પૂઠાં માટે વાપર્યો છે તે ઊંચી જાતનો અને ચામડા જેવી ભાતનાં લહેરિયાંવાળો રંગીન કવર પેપર છે. માસિકો તથા નાની પુસ્તિકાઓનાં ચિત્રો વાળાં પૂઠાં છાપવા માટે રંગીન ઇમીટેશન આર્ટ પેપર આવે છે;—‘પ્રસ્થાન’ માસિક અને તેની ગ્રંથમાળાઓનાં પૂઠાં માટે વપરાય છે તેવો. કાગળની પસંદગી પોતાના કામના પ્રકાર અને અગત્ય પ્રમાણે કરવી જોઇએ. આપણે ત્યાં ઘણું છાપકામ યોગ્ય કાગળ અને શાહીની પસંદગીની અનાવડતને લીધે જ વણસી જાય છે. પુસ્તકો વગેરે જેવાં બંને બાજુ થનારાં છાપકામોમાં કાગળનો દળ પહેલો તપાસી જોવો કે બીજી બાજુથી શાહી ફુટી તો નહિ નીકળે? ઓછાં પાનાનાં નાનાં પુસ્તકોનું દળ વધારે બતાવવા માટે પોચો, જાડો અને ભારે વજનનો ઍન્ટિક કાગળ વાપરી શકાય. પરંતુ ફોટો કે હાફફોન બ્લૅક ચાલુ પુસ્તકમાં છાપવા હોય તો એ બિલકુલ ન ચાલે, પણ સુપરકૅલૅન્ડર્ડ કાગળ વાપરે જોઇએ. તેવી જ રીતે રંગીન ચિત્ર અને બ્લૉક પાછળ સારૂં જેવું ખર્ચ કર્યા પછી માત્ર કાગળનો જ લાભ કરીને તે સુપર કૅલૅન્ડર્ડ જેવા હલકા કાગળ પર ન છપાવતા. તેને માટે તો સારો, બને તો ઊંચી જાતનો જ આર્ટ પેપર વાપરવો.
બાંધણી
પુસ્તક છપાઈ રહ્યા પછી તે બંધાવવાની વ્યવસ્થા કરવાની હોય છે. કેટલાંક મોટાં છાપખાનાઓમાં તેમના પોતાના જ બાંધણીખાતાં હોય છે; જેમને નથી હોતાં તેઓ પોતાની વગના બાઇન્ડરો પાસે તે કરાવી આપે છે. આથી ગ્રંથકારને તેની તકલિફ બહુ રહેતી નથી. માત્ર પોતાને કયા પ્રકારની બાંધણી જોઇએ છે તે પસંદ કરી આપવાનું રહે છે. છપાએલા કાગળ પર પાનાં એવી રીતે ગોઠવેલાં હોય છે કે એ મોટા કાગળને, આપણા કદ પ્રમાણે બેવડો, ચોવડો કે આઠવડો વાળીએ એટલે બરોબર ક્રમમાં સામસામાં તે આવી રહે છે. ક્રાઉન સોળપેજી પુસ્તક માટે બંને બાજુ છપાએલા ડબલ ક્રાઉનના આખા કાગળમાથી બે નકલ ઉતરે એ આપણે જાણી ગયા. એટલે કાગળના બે કટકા કરી લઇ એક ફડદને એક પછી એક ત્રણ સરખી ઘડ પાડે એટલે આઠવડું વળાઇને સોળે પાનાં ક્રમસર આવી રહે. આ વળાએલો એક ભાગ તે એક ફૉર્મ, અથવા બાઇન્ડિગની ભાષામાં એક સેક્શન થયો. ચોપડી નાની–એટલે એકબે સેક્શન (ફૉર્મ)ની હોય તે તેને નોટની પેઠે વચ્ચે દોરાની સિલાઈ કરાવવી સારી. તેને માટે તેના બંને ફૉર્મનાં પાનાની ગોઠવણ છાપતી વેળા જ એવી કરી હોય છે કે એક ફૉર્મમાં બીજો ફોર્મ વચ્ચે મૂકવાથી પૃષ્ઠક્રમ મળી રહે પછી ઉપર તેનું પૂઠું ભેરવી દોરા વડે સીવી લેવાય છે, અથવા સ્ટિચિંગ મશિન પર વાળાના ટાંકા મારી લેવાય છે. દોરા કરતાં વાળાના ટાંકાનું કામ ઝડપી અને સસ્તું પણ ખરૂં? પરંતુ જતે દહાડે તે કટાઈને પુસ્તક ખરાબ થવાનો ભય રહે છે. ફૉર્મ જે વધારે હોય તો પછી તેમને એક પછી એક ક્રમવાર ગોઠવી એક લાંબા દોરાની સળંગ સિલાઈ વડે ગંઠી લેવામાં આવે છે. આને સેક્શન સિલાઇ અથવા ઓપન સિલાઇ કહે છે. આ પ્રકારની હાથસિલાઇ ધીમી અને પરિણામે થોડી મોંઘી હોવાથી તે પુસ્તકોમાં જ કરાવાય છે. બાકી માસિકો કૅટલોગે, રીપોર્ટો, ઓછી અગત્યનાં નાનાં પુસ્તકો વગેરે સોંઘાં કામોમાં બધા ફૉર્મને ક્રમવાર ભેગા કરી, તેની પીઠ તરફની કોરના પડખામાં જ સોંસરાં વેહ પાડી દેરાના ટાંકા વડે બાંધી લેવાય છે. આમાં પણ વાળાના ટાંકા ચાલે; પણ તે બહુ તો અરધા ઇંચની જાડાઈના પુસ્તક સુધી જ મશિન ટાંકી શકે છે. આને સ્ટૅબિંગ અથવા સ્ટિચ (ટાંકા) સિલાઈ કહે છે. પરંતુ પા ઈંચથી વધુ જાડાઈના પુસ્તકને આ બાંધણી કરાવવી એ સલાહભર્યું નથી. કેમકે આમાં પુસ્તકની પીઠ વચ્ચેથી સીવાવાને બદલે પડખાંમાંથી જકડાતી હોવાથી સેક્શન સિલાઇની પેઠે તે આખું સંપૂર્ણ પહોળું થઇને ઉઘડી શકતું નથી. સારાં શિષ્ટ પુસ્તકોમાં તો આ સિલાઇ કરાવવી ઉચિત નથી જ. આમ સિલાઇ થઇ રહ્યા પછી કાપવાના સાંચા પર પુસ્તકની પીઠ સિવાયની ત્રણે કોરો સપાટ ને સફાઇદાર રીતે છાંટી લેવામાં આવે છે. રિપોર્ટો અને માસિકો જેવાં પાતળાં પુસ્તકો જેને માત્ર કાગળનાં પૂંઠાં હોય છે તેને આ છાંટ લેતાં પહેલાં જ પૂઠાં લાહીથી ચોંટાડી દેવાય છે, જેથી તે પણ પુસ્તકની સાથોસાથ સપાટ કપાઇ જાય છે. બાંધણીના આટલા પ્રકાર આપણે ત્યાં પ્રચલિત છેઃ ઉપર જણાવ્યા મુજબ માત્ર સળંગ કાગળ; બે પડખે જાડાં બોર્ડ (જેને બાઇન્ડરો ડફટિન કહે છે તે) મૂકીને તે પર સળંગ કાગળ; પીઠ પર કાપડની પટી મૂકીને પડખાંનાં પૂઠાંઓ પર કાગળ; સળંગ છીંટ; અને પીઠ પર ચામડાની પટી રાખીને પડખે છીંટ. સળંગ ચામડાની બાંધણી આપણે ત્યાં વિરલ છે. તાત્કાલિક અગત્યનાં, ઓછા ઘસારાનાં, નાનાં, સોંઘાં ને હલકાં પુસ્તકોને કેવળ કાગળનાં સાદાં પૂઠાં (માસિકોની પેઠે) ચોડાવવાં એ સલાહભર્યું છે. બીજી બધી બાંધણીનું ખર્ચ સામાન્ય રીતે વધારે આવે છે. યુરોપમાં—ખાસ કરીને ફ્રાન્સમાં તો બાંધણીનાં આવાં ખર્ચ બહુ આવવાથી પુસ્તક લોકોને સોંઘાં આપી શકાય તે માટે સારાં શિષ્ટ પુસ્તકોને પણ સાદાં કાગળનાં જ પૂઠાંમાં આપવાની પદ્ધતિ શરૂ થઇ છે. (પછી ખાનગી લાયબ્રેરી ધરાવતા શ્રીમંતો, અમીરો વગેરે પોતાની રૂચિપૂવર્કની પાકી બાંધણી કરાવવી હોય તે કરાવી લે.) પૂઠા માટેના કાગળો વિધવિધ રૂપાળા રંગ, ભાત, પ્રકાર અને મજબૂતીના આવતા હોવાથી કાગળનાં પૂઠાંમાં પણ અત્યંત રૂચિર રચના અને આકર્ષક રૂપરંગ કરી શકાય છે. બસો અઢીસો પાના સુધીના પુસ્તક પર કાગળનું કાચું પૂઠું સારો ઉઠાવ અને ટકાવ આપી રહે છે. છતાં પૂઠાનો કાગળ બહુ પાતળો પડે તો તેના અંદરના ભાગમાં એક જાડો હલકો (બ્રાઉન પેપર જેવો) કાગળ ચોડાવી પુસ્તકના જ કાગળનું અસ્તર તે પર ચોડાવવું, એટલે એને જોઇતી જાડાઈ અને મજબૂતી મળી રહેશે. આવા કિસ્સાઓમાં પૂઠાને બે પડખેથી દોઢબે ઇંચ લાંબું રાખીને તે પટ્ટીઓ અંદરની બાજુએ વાળવાની પદ્ધતિ સ્વીકારવા જેવી છે, જેથી અસ્તર તથા અંદર ચોડેલો કાગળ ઉખડી જઈને બેડોળ ન લાગે. કેટલીકવાર મજબૂતીને માટે આવા કાગળના પૂઠાની પેઠે સળંગ છીંટ અસ્તર સાથે ચોડવામાં આવે છે; પણ તેમાં છીંટને અક્કડ રાખનાર બોર્ડ ન હોવાથી થોડી જ વપરાશથી તથા છીંટના રાસાયનિક આર ઉપર ઋતુની અસર થવાને લીધે તે કોકડું વળી જાય છે, એટલે તે બહુ સ્વીકાર્ય નથી. પછી જાડાં પુસ્તકો માટે તો ઉપર કહી તેમાંની પૂઠા સાથેના સળંગ કાગળની, છીંટ પટીની કે સળંગ છીટની બાંધણી છે જ; એમાંથી કઈ પસંદ કરવી તેનો આધાર ગ્રંથની ઉપયોગિતા, મહત્તા, વપરાશ તથા ગ્રંથકારની ગુંજાશ પર રહે છે. અસ્તર માટે આપણે ત્યાં સામાન્ય રીતે પુસ્તકની જ જાતનો કાગળ વપરાય છે; પણ પાકાં પુસ્તકોમાં તો પૂઠાને પુસ્તક સાથે જકડી રાખવામાં તેનો સારો જેવો હિસ્સો હોવાથી, તેને માટે જાડો, ચીકણો મજબૂત કાગળ વાપરવો સારો. વિલાયતનાં ઘણાં પ્રકાશનોમાં આવા અસ્તરના ખાસ કાગળો (જેને end papers કહે છે ) વપરાએલા હોય છે. કેટલાંક શિષ્ટ ને ઊંચાં પ્રકારનાં પ્રકાશનોમાં અસ્તર પર પુસ્તકના ભાવને અનુરૂપ તેનું વાતાવરણ રચે તેવું ખાસ શોભન-આલેખન પણ છાપવામાં આવે છે. પૂઠું કાચું—કાગળનું જ હોય તો તેના પર પુસ્તકનું, ગ્રંથકારનું તથા પ્રકાશકનું નામ વગેરે છપાય તે જરૂરનું છે. પરંતુ તેમાં બને તેટલી ઓછી અને ખાસ અગત્યની જ હકીકતો લેવાય તે ખ્યાલમાં રાખવું. ઘણાં પૂઠાં પર મુદ્રક, પ્રકાશક, પ્રકાશનની સાલ, સ્થળ, કિંમત વગેરે ઇમ્પ્રિન્ટની હકીકતોનો પણ ખીચડો ભરવામાં આવે છે તે અશિષ્ટ, ગ્રામ્ય અને બેડોળ લાગે છે. આપણે ઘરની બધી સામગ્રીનો ઢગલો કાંઈ આંગણામાં કરતા નથી. તેમ જ પુસ્તકનું આંગણું (પૂઠું) આમ બીનજરૂરી વસ્તુઓથી ખડકી ન મૂકતાં બને તેટલું સાદું, શિષ્ટ ને આકર્ષક રાખવું જોઇએ. આંગણાને જેમ રંગોળીથી શોભાવીએ છીએ તેમ કેટલીક વાર પુસ્તકના પ્રધાન ભાવને નિર્દેશતું કે પુસ્તકનો મુખ્ય સંદેશ બોલતું કોઇ અર્થવાહી ચિત્ર આવાં પૂઠાંપર મૂક્યું હોય તો સારૂં લાગે છે. પણ પાકાં છીંટનાં પૂઠાં પર આ બધુ છાપવું જરૂરી નથી; ઉલટું તે અશિષ્ટ મનાય છે. માત્ર પુસ્તકની પીઠપર તેનું નામ (શૉખ હોય તો કેટલાક સોનેરીમાં કરાવે છે તેમ) મૂકાવ્યું હોય તો બસ છે. કોઈ વાર પૂઠા પર પણ નામ–અને કદિક લેખક–ની લીટી મૂકાય છે; કેટલીક વાર પુસ્તકનો ઉદ્દેશ નિર્દેશનું કોઇ નાનું અર્થગર્ભ પ્રતીક કે સંજ્ઞાચિત્ર નામની લીટી સાથે અથવા એકલું મૂકાય છે; તો કોઇ વાર કાગળની પટી પર પુસ્તક તથા લેખકનું નામ સુંદર રીતે છાપી તે પૂઠા પર ચોંટાડાય છે. ટૂંકામાં છીંટના પૂઠામાં બને તેટલું સાદાઈનું ગૌરવ રાખવું જોઇએ. આવી છીંટના બાંધણીનાં સારા કદવાળાં પુસ્તકો પર કાગળનું છુટું જૅકૅટ (પુસ્તકનું અંગ-રખું) વીંટવામાં આવે છે. તે સારા આર્ટપેપર અથવા ભભકાદાર કાગળ પર, આંજી નાખે તેવા રંગોમાં અને ઉઠાવદાર ચિત્રો સાથે છપાય છે. યુરોપ-અમેરિકામાં આવા બુકર્જકેટ —અંગરખાં—(જેને ડસ્ટ કવર પણ કહે છે) ની રચનાની ખાસ કળા ખીલેલી છે. એ રાખવાનો મુખ્ય ઉદ્દેશ અંદરના મોંઘા છીંટના પૂઠાને રક્ષણ આપવા સાથે પુસ્તકનું આકર્ષણું વધારવાનો હોય છે.
ચિત્રો
પુસ્તકની રચનામાં ચિત્રોનું સ્થાન તેના લખાણ કરતાં લેશમાત્ર ઓછા મહત્ત્વનું નથી; પરંતુ તેની બરોબરનું—બલ્કે કોઇ વાર ચડિયાતું હોય—છે. આ દૃષ્ટિએ જોતાં તો ચિત્રો, તેના વિવિધ પ્રકાર તથા તેના બલૉકો અને છપાઇ વિષે ઘણું મોટું અજ્ઞાન આપણામાં પ્રવર્તે છે. તેનું એક કારણ એ પણ છે કે જ્ઞાનપ્રચારમાં ચિત્રોનું જે સ્થાન અને મહત્ત્વ છે તે આપણે સમજ્યા નથી અને તે પ્રત્યે ઉદાસીન રહ્યા છીએ. પશ્ચિમના દેશોએ તેનું ખરૂં રહસ્ય પિછાની લઇને તેમાં એટલી બધી પ્રગતિ કરી છે કે આપણે તેમના કરતાં એક સૈકા જેટલા પાછળ લાગીએ. એક રીતે મુદ્રણકલાનું તે એક અંગ હોવા છતાં તેનું વિજ્ઞાન અને તેનું શાસ્ત્ર એટલાં વિશાળ તથા ખેડાએલાં છે કે તેને લગતી વિસ્તૃત માહિતી આપવા જતાં મુદ્રણુકલાના પુસ્તક જેટલું જ મોટું તેનું પણ પુસ્તક થઈ જાય. આપણે તો અહીં છાપકામની પેઠે તેના પણ માત્ર મુખ્ય મુદ્દા જ વિચારીશું. પહેલાં તો બ્લૉક એટલે શું તે સમજીએ. જે ચિત્ર છાપવાનું હોય તેને ધાતુના પતરા પર અવળું કોરી કાઢી, એ પતરૂં ટાઇપની ઊંચાઇના સપાટ લાકડા પર જડીને જે બીબું તૈયાર કરવામાં આવે તે બ્લૉક. અગાઉ આવાં ચિત્રો લાકડા પર કલાકારો જાતે જ કોતરતા. (એ કલાને અંગ્રેજીમાં ‘વૂડકટ’—કાષ્ઠકોતરકલા—કહે છે. છાપખાનાવાળાઓ કેટલીક વાર બ્લૉકને બદલે ‘કટ’ શબ્દ વાપરે છે તે આ ‘વૂડકટ’ ઉપરથી અમેરિકનોએ ઉપજાવી કાઢેલું ટૂંકું રૂપ.) પણ ફોટોગ્રાફીની શોધ થયા પછી હવે ચિત્રોને ફોટોગ્રાફિક પદ્ધતિથી ધાતુના પતરા પર ઉતારીને તેમાંથી બીનજરૂરી ભાગ તેજાબ વડે કોરી કાઢી તે લાકડા પર જડીને ઉપયોગમાં લેવાય છે. બ્લૉકો બે પ્રકારના બની શકે; અને તે તમારૂં ચિત્ર કેવા પ્રકારનું છે તેના પર આધાર રાખે છે. પહેલો પ્રકાર લાઈન બ્લૉક; બીજો સ્ક્રીન અથવા હાફટોન અથવા ફોટો બ્લોક. લાઇન બ્લૉક એટલે જેમાં માત્ર રેખાઓ જ કરેલી હોય તેવો બ્લૉક. જે ચિત્ર કેવળ જાડીપાતળી રેખાઓ વડે જ આલેખેલું હોય, અને જેમાં કાળી રેખાઓ તથા ધોળી કોરી જગ્યા એ બે સિવાય બીજો કોઈ આછાઘેરા રંગનો પટ કે પલટો પીછી વડે આલેખેલો ન હોય તેના ઉપરથી જ લાઇન બ્લૉક બની શકે. આ પુસ્તકના પૂઠા ઉપર જે ચિત્ર છે તે લાઈન બ્લૉક વડે છાપેલું છે. એમાં માત્ર ચડઉતર પ્રમાણની જાડીપાતળી રેખાઓ સિવાય બીજા કોઈ પલટા નથી. છાયાપ્રકાશના આછા કે ઘેરા પલટા જ્યાં બતાવવા પડ્યા છે ત્યાં તે પણ રેખાઓને જ પ્રમાણમાં ઘેરી કે નજીકનજીક આલેખીને બતાવ્યા છે. આ પરથી સમજાશે કે ફોટોગ્રાફો કે રંગાલેખનો અથવા પીછી વડે છાયાપ્રકાશના આછાઘેરા પલટા બતાવેલાં આલેખનો ઉપરથી પરભાર્યો લાઇન બ્લૉક ન બની શકે. જો બનાવવો જ હોય તો એ ફોટોગ્રાફ કે આલેખનમાંના બધા છાયાપ્રકાશના પલટાઓને ઝીણીજાડી રેખાઓ વડે બતાવતું કેવળ રેખાઓમાં જ એક નવું આલેખન તૈયાર કરવું જોઇએ, અને તેના પરથી જ લાઈન બ્લૉક થાય. હાફટોન અથવા ફોટો બ્લૉક હરકોઈ પ્રકારનાં ચિત્રો, ફોટોગ્રાફો, આલેખનો વગેરે ઉપરથી બની શકે. તેમાં છયાપ્રકાશના નાજુકમાં નાજુક પલટાઓ, આછાઘેરા ઉઠાવ વગેરે આબેહૂબ ફોટોગ્રાફીની માફક ઉતારી શકાય. આથી જ તેને ફોટો બ્લૉક કહે છે. હાફ-ટોન એટલે તદ્દન કાળી લીટી તથા તદ્દન ધોળી જગ્યા એ બંનેની અધવચ્ચેના ટોન–એટલે પલટા—આછા કે ઘેરા જે બ્લૉકમાં બતાવી શકાય તે. આ લેખ સાથે જોડેલી ચિત્ર પ્લેટમાં હાફટોન અને લાઈન બ્લૉક સાથેસાથે છાપી બતાવ્યા છે તે જોઇને એ બંને વચ્ચેનો તફાવત હવે સમજી શકાશે. ખરી રીતે જોતાં તો આ હાફટોન કે ફોટો બ્લૉક પણ એક પ્રકારનો લાઇન બ્લૉક જ છે. ઊંચી શક્તિવાળા અતિદર્શી કાચ magnifying glass વડે તમે કોઈ હાફટોન બ્લૉકથી છાપેલું ચિત્ર જોશો તો તે આખું યે ચિત્ર અતિશય બારીક એવાં અસંખ્ય નાનાંમોટાં ટપકાંઓનું જ બનેલું જણાશે; કારણકે એમાં પણ ફોટોગ્રાફ કે આલેખનના છાયાપ્રકાશના પલટાને તેમના પ્રમાણમાં આછાંઘેરાં ટપકામાં જ ઉતારી લેવામાં આવ્યાં હોય છે; પણ તે અતિશય—નરી આંખે ન જોઈ શકાય તેટલાં-બારીક ટપકાંઓમાં. સિદ્ધાંત તે બંને પ્રકારમાં એક જ છે;—છાયાપ્રકાશના આછાઘેરા પલટાઓને રેખા કે બિંદુના સ્વરૂપમાં કાગળપર ઉતારવાં. ચિત્રકાર હાથેથી કરી શકે તેટલું લાઈન બ્લૉક રૂપે ઉતરે; પણ ફોટો બ્લૉકથી છપાતા ચિત્ર જેવું બારીક બિંદુઓવાળું આલેખન કલાકારના માનવ હાથની શક્તિની મર્યાદાની બહાર છે. તે કૅમેરાની મદદથી ફોટોગ્રાફિક પદ્ધતિએ કાચની એક અતિશય બારીક સ્ક્રીન (જાળી) વડે કરવામાં આવે છે. આ સ્ક્રીન અથવા જાળી બે કાચની બનેલી હોય છે. દરેક કાચ ઉપર ખૂબ ઝીણી અને અતિશય નજીક એવી સમાંતર લીટીઓ હીરાકણીથી આંકીને તેને કાળા પદાર્થથી ભરી દઈ કાયમ કરેલી હોય છે. પછી એ બંને કાચ એકબીજા સામે એવી રીતે ચોંટાડી દેવામાં આવે છે કે પરસ્પરની લીટીઓ એકબીજીને બરોબર કાટખૂણે છેદાઇને તે વડે એકસરખા માપના અતિ અતિ ઝીણા સમચોરસની જાળી બનાવી દે. આ જાળી તે સ્કીન. કોઈપણ આલેખન કે ફોટોગ્રાફ ઉપરથી બ્લૉક બનાવવો હોય ત્યારે કૅમેરામાં આ સ્ક્રીન દાખલ કરીને તેની સોંસરી એ આલેખન કે ફોટોગ્રાફની સવળી નેગેટિવ (કાચ) ઉતારવામાં આવે છે. આથી તે આખો ફોટોગ્રાફ પેલી સ્ક્રીન વડે છેદાઇ જઇને ઝીણાંઝીણાં બિંદુઓ રૂપે નેગેટિવ પર ઊતરે છે;—પ્રકાશવાળો ભાગ મોટાં બિંદુઓ રૂપે અને છાયાઓ વાળો ભાગ ઝીણાં બિંદુઓમાં. આ નેગેટિવની છાપ જસત અથવા ત્રાંબાના પતરા પર ઉતારવામાં આવતાં સ્વાભાવિક રીતે તે ઉલટી જ પડે છે, અને તે પતરાને તેજાબથી કોરી કાઢીને તે વડે પાછો કાગળ છાપતાં સવળી છાપ મળી રહે છે. આ ઉપરથી સમજાશે કે ચિત્ર સ્ક્રીનમાંથી છેદાઇને ઝીણાંઝીણાં બિંદુઓ રૂપે પડવાથી મૂળમાં જેટલું ઘેરૂં ને ઉઠાવદાર હોય તેટલું બ્લૉકમાં ન રહેતાં સ્વાભાવિકરીતે સહેજ ઝાંખું પડે. એટલે બ્લૉક માટે પસંદ કરવાના ફોટોગ્રાફો ખૂબ તેજ તથા છાયાપ્રકાશના સ્પષ્ટ ઉઠાવવાળા હોવા જોઇએ. ફોટોગ્રાફ જેટલો ઝાંખો હોય તે કરતાં વધારે ઝાંખો બ્લૉકમાં ઉતરવાનો છે એ સમજી લેવું. તેમાં જો ડાઘા પડી ગયા હશે કે કોઈ ઠેકાણેથી રંગ ઊડી ગયો હશે અથવા વચ્ચેના ભાગમાં ઘડ પડીને કરચલી પેસી ગઈ હશે તો એ બધાં નુકસાન બ્લૉકમાં પણ આપમેળે અને આબાદ ઉતરવાનાં જ. કેમકે ઉપર બતાવ્યું તેમ હાફટોન બ્લૉક એ બીજું કાંઈ નહિ પણ સ્ક્રીનની મદદ વડે છેદેલો એ ફોટોગ્રાફનો ફોટોગ્રાફ જ છે. એટલે સામાન્ય ફોટોગ્રાફની પેઠે તેમાં પણ મૂળમાં જેટલું હશે તેટલું રજેરજ ઊતરવાનું, હાથ વડે એમાં કશું જ થતું નથી. ઘણા જાણ અજ્ઞાનથી બ્લૉક બનાવનારને જે એવી સૂચનાઓ કરે છે કે ‘ફોટોગ્રાફમાં આટલું નથી તે બ્લૉક બનાવતી વખતે જરા સુધારી લેજો,’ એ કેટલું હાસ્યાસ્પદ છે તે હવે સમજશે. ફોટોગ્રાફ જૂનો હોય, જંતુઓએ કોરી ખાધેલો, ડાઘ પડેલો કે કરચલીવાળો હોય તો તે હોશિયાર ફોટોગ્રાફર પાસે રીટચ કરાવી, ઝાંખા ભાગોને જરા ઉઠાવ અપાવી, સંપૂર્ણ રીતે સમરાવીને પછી જ બ્લૉક માટે મોકલવો. ઘણાં બ્લૉક બનાવનારાં ખાતાં પણ આવું કામ વધારાનો જૂજ દર લઇને કરી આપે છે. કેટલાકને બ્લૉકમાં ફોટોગ્રાફની નીચે લખાણ જોઇતું હોય છે અને બ્લૉક બનાવનારને સૂચના કરે છે કે બ્લૉકમાં એટલા ટાઈપ નાખી દેજો! આ પણ એટલું જ હાસ્યાસ્પદ છે. બ્લૉકમાં જ લખાણ જોઇતું હોય તો તે મુજબના અક્ષરો મૂળ ફોટોગ્રાફમાં ઘાટી કાળી શાહીથી હાથ વડે લખીને અથવા કોઈ ચિત્રકાર પાસે લખાવીને પછી જ તે બ્લૉક માટે આપવો. વળી બ્લૉકને માટે રંગ કરેલા ફોટોગ્રાફો પણ યોગ્ય ન ગણાય. સ્પષ્ટ અને જોઇતા ઉઠાવવાળો સાદો ફોટોગ્રાફ જ સારામાં સારૂં કામ આપશે. કોઇનો સાદો ફોટોગ્રાફ ન મળતો હોય અને મોટો રંગ કરેલો ફોટોગ્રાફ કે ઑઇલ પેઇન્ટિંગ જ હોય તો તેના ઉપરથી કોઈ ફોટોગ્રાફર પાસે પઁક્રૉમૅટિક કાચ વડે નાનો સાદો ફોટો લેવડાવીને તે બ્લૉક માટે મોકલવો. મોટી તોતીંગ છબી કે જંગી પેઇન્ટિંગ બ્લૉક મેકરને ત્યાં મોકલાય નહિ. ફોટોગ્રાફ પણ ફ્રેમમાં મઢેલો હોય તો ફ્રેમમાંથી કાઢીને જ મોકલવો. એક વખત છપાએલી કોઇ બ્લૉકની છાપ ઉપરથી પણ સારો બ્લૉક ન બની શકે; કારણકે ઉપર બતાવ્યું તેમ હાફટોન બ્લૉક એટલે બિંદુઓમાં વહેંચાએલો ફોટોગ્રાફ. એવા બિંદુઓની છાપને પાછી ફરીથી બ્લૉક માટે સ્ક્રીન વડે છેદીને છાપ લઈએ એટલે તે બમણાં બિંદુઓમાં વહેંચાય અને વધારે ઝાંખો બને. ઉપરાંત બ્લૉક મેકરને પણ તેમાં વધુ તકલિફ પડે છે. માટે બ્લૉકને સારૂ તો અસલ ફોટોગ્રાફ જ મેળવવાનો આગ્રહ રાખવો. ઉપર જે સૂચનાઓ ફોટોગ્રાફોને માટે જણાવી છે તે જ આલેખનોને માટે પણ સમજવી. વાર્તાઓ કે લેખો માટેનાં ચિત્રો, કાર્ટૂનો તથા એવાં જ બીજાં આલેખનો વગેરે જે કોઇ ચિત્ર રેખાઓમાં (line drawing) ન હોતાં પીછી વડે છાયાપ્રકાશના પલટાઓમાં (wash drawing રૂપે) કરેલાં હોય તે બધાં સારી કાળી શાહીથી અને સ્વચ્છ સફેદ કાગળ પર આલેખેલાં હોય તો બ્લૉકને માટે સંપૂર્ણ યોગ્ય ગણાય. એવા કામમાં ક્યાંય ડાઘા, ગંદાપણું, ઉઝરડા રેળાએલી કે ફુટી નીકળેલી શાહી કે કરચલી વગેરે ન આવવા જોઇએ. આ કામમાં કસાએલા ચિત્રકારો તો આ બધું સમજે છે, પણ બીનઅનુભવી શિખાઉ ચિત્રકારો પાસેથી કામ લેતી વખતે આ બાબતો વિષે કાળજી રાખવી. લાઈન બ્લૉકને માટે તો, શરૂઆતમાં કહ્યું તેમ, ઘાટી, કાળી, સ્પષ્ટ ઉઠાવવાળી ઉપડી આવતી રેખાઓ વડે જ અને લીસા કાગળ પર ચિત્ર કરેલું હોવું જોઇએ. એમાં વચ્ચેના ગાળામાં ક્યાં યે રંગ કે આછાઘેરા પટ કે પલટા પીછીથી પૂરેલા ન હોવા જોઇએ. આવા રેખાંકનની શાહી જે ઝાંખી હોય કે લીટીઓ ચિત્રમાં આછીઘેરી અથવા ખચકાખચકાવાળી હોય તો બ્લૉકમાં તે બધી તુટક અને બેડોળ આવવાની. ખસુસ કાળજી રાખવી કે લાઈન બ્લૉક માટેનું ચિત્ર ઘેરી, ઘાટી, અખંડ અને એકધારી સ્વચ્છ તેજ રેખાઓમાંજ આલેખેલું હોય. ખાસ કરીને માસિકો અને પુસ્તકોનાં શોભાચિત્રો, નકશાઓ, આકૃતિઓ, કાર્ટૂનો, અને કેટલીકવાર વાર્તાઓ તથા લેખોનાં કથાચિત્રો (illustrations) પણ, લાઈન બ્લૉક બને તેવાં રેખાંકનોમાં આલેખવામાં આવે છે. લાઈન બ્લૉકની એક ખાસ સુલભતા એ છે કે તે બીબાંની પેઠે ગમે તે જાતના અને ગમે તેવા-રફ કે જાડા—કાગળ પર પણ છાપી શકાય છે, કેમકે તેમાં છાપવાની રેખાઓ સ્પષ્ટ અને ઠીક અંતરે હોય છે તથા એ રેખાઓ સિવાયનો બાકીનો ભાગ ઊંડો કોરી નાખવામાં આવેલો હોય છે. જ્યારે હાફટોન બ્લૉકમાં તો અતિશય ઝીણાંઝીણાં બિંદુઓ, અને તે પણ અતિ નજીકનજીક હોવાને લીધે તેને છાપવા માટે એકસરખી અરીસા જેવા ઓપવાળી ને લીસી સપાટીનો જ કાગળ જોઇએ છે. કાગળ જો જાડા કે ખરબચડા હોય તો હાફટોન બ્લૉકનાં બારીક બિંદુઓની છાપ તેના પર સ્વચ્છ ન આવતાં તેના બધા મુલાયમ પલટાવાળા ભાગો ધાબાં જોવા જ પડે. આટલા માટે પુસ્તકમાં ફોટોગ્રાફો, રંગીન મુખચિત્રો, કથાચિત્રો વગેરે સામાન્ય રીતે જુદા આર્ટ પેપર પર છાપીને ચોંટાડવાં પડે છે. પરંતુ ચાલુ રફ કાગળ ઉપર પણ હાફટોન બ્લૉક જ છાપવો હોય તો શું? આ મુશ્કેલીનું નિરાકરણ પણ બ્લૉકમેકિંગની કળામાં છે. રફ કાગળ પર રક્રીન બ્લૉક ન છપાઈ શકવાનો મૂળ વાંધો એ હોય છે કે તેનાં બિંદુઓ અતિશય ઝીણાં તથા નજીકનજીક હોય છે. એટલે જો છુટાંછુટાં ને મોટાં બિંદુઓવાળા બ્લૉક બનાવ્યો હોય તો તે સામાન્ય સારી સપાટીના ચાલુ કાગળ પર પણ છાપી શકાય. દૈનિક પત્રોમાં તથા કેટલાંક અઠવાડિકોમાં ચાલુ કાગળ પર છપાએલા ફોટોગ્રાફોના બ્લૉકો જે બારીકાઇથી જોશો તો તેમાંના સ્ક્રીનનાં બિંદુઓ મોટાં તથા છુટાંછુટાં જણાશે. આવા બ્લૉક બનાવવા માટે બ્લૉક સારૂ નેગેટિવ લેતી વખતે કૅમેરામાં મૂકવામાં આવતી સ્ક્રીન-જાળી-મોટાં ખાનાંની લેવાય છે. સ્ક્રીનની સમજણ આપતી વખતે જણાવ્યું છે કે તે સમાંતરે આંકેલી લીટીઓવાળા બે કાચની બનેલી હોય છે. પ્રત્યેક કાચ ઉપર એક ઇંચમાં જેટલી લીટીઓ આંકેલી હોય છે તેની સંખ્યા પ્રમાણે તે સ્ક્રીનનો આંક ગણાય છે. દૈનિકો, અઠવાડિકો તથા જાહેરખબરોમાં ચાલુ કાગળો પર મોટાં મશિનો પણ છાપી શકે તેવા પહોળાં બિંદુઓવાળા બ્લૉકો બનાવવા માટે ૬૦, ૭૫ કે ૮૦ લાઈનના આંકની સ્ક્રીનો વપરાય છે. ૮૦ લાઈનની સ્ક્રીન એટલે તેના દરેક કાચમાં એક ઈંચ જેટલા ગાળામાં ૮૦ લીટીઓ આંકેલી હોય, એ તો હવે સમજાયું હશે. આમ મોટી સ્ક્રીન વડે બ્લૉક બનાવતાં ચિત્ર કે ફોટોને ઉઠાવમાં એક અડચણ એ આવે છે કે, છાયાપ્રકાશના તેના બધા પલટા પહોળાં-પહોળાં બિંદુઓમાં વિખેરાઇ જવાથી કેટલાક આછા અને મુલાયમ પલટાઓની કુમાશ તેમાં ઊતરતી નથી, અને પરિણામે ચિત્રની છાપ ઝાંખી તથા અસ્પષ્ટ આવે છે. જેમ મૂળ ફોટો પરથી બનેલો બ્લૉક સ્ક્રીનમાં ચળાવાથી અસલ કરતાં ઓછો તેજ ને સ્પષ્ટ બને છે તે જ રીતે આ જાળી મોટી હોવાથી એ અસ્પષ્ટતા વધે છે. આ લેખ સાથે જોડેલી ચિત્રપ્લેટ ઉપર જુદાજુદા ત્રણ આંકની સ્ક્રીનો વડે બનેલા બ્લૉકોના નમૂના છાપ્યા છે. તે જોતાં જણાશે કે જેમજેમ સ્ક્રીનની બારીકાઇ તેમાં વધતી ગઈ છે તેમતેમ તેમાંના છાયાપ્રકાશ વધુ સ્પષ્ટ થતા જઇને તેનો ઉઠાવ ચોખ્ખો થતો ગયો છે. એ ચિત્રપ્લેટમાં ૮૦ પછી વધતા આંકની સ્ક્રીન ૧૧૦ની બતાવી છે. રફને બદલે સારા ગ્લેઝ્ડ—એટલે આ પુસ્તકમાં વપરાયા છે તેવા—અથવા સુપર કૅલૅન્ડર્ડ કાગળ પર માસિકો, કૅટલગો વગેરે છાપવા માટે એ સ્ક્રીનના બ્લોકો ચાલી શકે. તે પછીના બારીક સ્ક્રીન બ્લૉકો આર્ટ પેપર પર જ છાપી શકાય છે. તેમાં આપણે ત્યાં ૧૩૩ અને ૧૫૦ ના આંકની સ્ક્રીન પ્રચલિત છે. તેથી ઉપરની ૨૦૦, ૨૫૦ કે વધારે આંકની સ્ક્રીનવાળા બ્લૉકો છાપી શકે તેવા ઊંચા સાચા તથા તેટલા સફાઇવાળા ઓપદાર કાગળો આપણે ત્યાં પરવડે તેમ ન હોવાથી તેનો વપરાશ આ દેશમાં અતિશય જૂજ છે. બ્લૉકના સ્પષ્ટ ઉઠવાનો ખરો આધાર તો પછી તેને છાપનારાં મશિનો તથા કાગળની સપાટી ઉપર જ રહે છે. રફ કાગળમાં લીસી સપાટીવાળા ન્યુસ ગ્લેઝ્ડ કાગળો આવે છે તેના પર છપાતા બ્લૉકો રફ કરતાં વધારે સ્પષ્ટ ઊઠે છે. આપણું દૈનિક ‘હિંદુસ્તાન’ પત્ર તથા ‘ટાઇમ્સ’ ન્યુસ ગ્લેઝ્ડ પર છપાય છે એટલે તે બંનેના બ્લૉકોની છાપ રફ પર છપાતાં ‘મુંબાઈ સમાચાર’, ‘ક્રોનિકલ’ તથા ‘સૌરાષ્ટ્ર’ કરતાં વધારે ચોખ્ખી આવે છે. કાગળની સમજણ આપતી વખતે આ બધી હકીકત સ્પષ્ટ કરીને કયાં કામમાં કેવા કાગળો વાપરવા તે બતાવ્યું છે. બ્લૉકો બનાવવામાં મહેનત અને વખત લાઈન બ્લૉકમાં વધારે લાગે છે, પણ ખરી કારીગરી અને કલા હાફટોન બ્લૉક બનાવવામાં છે. મૂળ ફોટોગ્રાફના આછાઘેરા બધા પલટાઓની કુમાશ બરોબર સચવાય, બ્લૉક વધારે ખરબચડો કે અતિશય સપાટ ન બનતાં તેના સ્ક્રીનનું બિંદુએ બિંદુ સ્પષ્ટ ને છુટું કોરાઈ રહે વગેરે કાળજીપૂર્વક તપાસતા રહીને બ્લૉક બનાવવામાં કારીગરની દક્ષતા અને કલાકારની દૃષ્ટિ બંને જોઇએ છે. લાઇન બ્લૉકમાં જેમ આલેખાએલી રેખાઓ સિવાય બાકીની બધી ભોંય સાફ સફેદ રહે એમ કોરી કાઢેલી હોય છે તે મુજબ જ હાફટોન બ્લૉકમાં પણ, ચિત્રમાંના અમુક ભાગની પાછળની બધી ભોંય કાઢી નાખીને ત્યાં તદ્દન સફેદ કોરો કાગળ જ રહે એવા પ્રકારનું કામ ઘણી વાર ગ્રાહકો માગે છે. આના દાખલા તરીકે બ્લૉકોના નમૂના છાપેલી આ સાથેની ચિત્રપ્લેટમાં સિક્કાઓના બે પ્રકારના બ્લૉકો આપ્યા છે. ઉપરના સિક્કાઓમાં મૂળ ફોટોગ્રાફ પરથી ચાલુ હાફટોન બ્લૉક જ બનાવ્યો છે, એટલે તેમાં સિક્કાની છાપ સાથે ફોટોગ્રાફના કાગળની સફેદ ભોંય પણ સ્કીનવાળી બનીને છપાઇ છે. પણ તેની નીચે છાપેલા બ્લૉકમાંથી એ ભોંય કોરી નાખીને એકલા સિક્કાઓ જ રાખ્યા છે. આમ કરવા માટે પહેલો હાફટોન બ્લૉક બનાવીને પછી, તેમાંથી જેટલો ભાગ રહેવા દેવો હોય તેટલા પર તેજાબ અસર ન કરે એવાં મિશ્રણ ચોપડી બાકીનો ભાગ લાઇન બ્લૉકની માફક કોરી કાઢવો પડે છે. આમાં હાફટોન તથા લાઇન બંને પ્રકારના બ્લૉકોની ક્રિયાઓ કરવી પડે છે, અને તેથી એ બેવડી મહેનતના વધારે દામ બ્લૉક મેકર માગે છે. આવા બ્લૉકોને આઉટલાઈન હાફટોન બ્લૉકો કહે છે અને કૅટલગો વગેરે માટે તેની માગણી ખાસ હોય છે. બ્લૉકો જસત અને ત્રાંબું એ બે પ્રકારની ધાતુનાં પતરાં પર બનાવાય છે અને તેના બનાવવાના ભાવ તેના ક્ષેત્રફળ ઉપર પ્રત્યેક ચોરસ ઈંચ દીઠ ગણાય છે. દાખલા તરીકે તમારે ૩" x ૪" ના માપનો બ્લૉક બનાવવો હોય તો તેનું ક્ષેત્રફળ બાર ચોરસ ઇંચ થયું. સામાન્યતઃ જસતના બ્લૉકોનો ભાવ દર ચોરસ ઇંચે પાંચ આના પ્રમાણે અને ત્રાંબાનાનો આઠ આના લેખે હોય છે. એટલે ઉપલા માપનો બ્લૉક જસતનો કરાવતાં પોણા ચાર રૂપિયા અને ત્રાંબાનો બનાવતાં છ રૂપિયા થાય.
૭૫ લાઇનના સ્ક્રીનનો હાફટોન બ્લૉક દૈનિક સાપ્તાહિક પત્રો, જાહેર ખબરો વગેરેમાં રફ કાગળ ઉપર આવા મોટા સ્ક્રીન વડે જ છાપી શકાય.
એ જ ફોટો ઉપરથી કરેલો, ઉપરના કરતાં વધારે બારીક, ૧૧૦ લાઈન સ્ક્રીનનો બ્લૉક, કાંચા ગ્લેઝ તથા સુપરકૅલૅન્ડર્ડ કાગળો ઉપર સચિત્ર માસિકો, કેટલગો વગેરે છાપવામાં એ જરૂરનો.
૧૫૦ લાઇન સ્ક્રીનના આવા હાફટોન બ્લોકો માત્ર સારા આર્ટ પેપર ઉપર જ છાપી શકાય.
લાઈન બ્લૉકનો નમૂનો
લાઇન બ્લૉકમાં જેમ કાળી રેખાઓ સિવાય બાકીની ભોંય બધી ધોળી પડે છે, તેવું સ્ક્રીન બ્લૉકમાં નથીઃ કેમકે તેમાં તો આખા કાગળનો જ ફોટોગ્રાફિક બ્લૉક બને, એટલે છાયા પ્રકાશના બધા પલટાઓ સાથે કાગળની સફેદ ભોંય પણ સ્ક્રીન વડે ઝીણાં બિંદુઓમાં રચાઇને આવે, અને તે પર શાહી લાગતાં તે છપાય. મથાળે બતાવેલા પહેલા બે સિક્કાઓના બ્લૉકમાં તે ભોંય જણાશે. બ્લૉકમાંથી એવી ભોંય દૂર કરીને નીચે જણાવેલા બે સિક્કાઓ પેઠે માત્ર એકલું ચિત્ર જ છાપવું હોય તો બ્લૉકમેકરને તેટલો ભાગ ઢાંકી દઇને બાકીની ભોંય તેજાબથી ફરી વાર કોરી નાખવી પડે છે; ને આ વધારાના કામના વધારે દામ તે માગે છે. આવા બ્લૉકને આઉટલાઈન હાફટોન કહે છે. પણ બહુ નાના બ્લૉકોની બાબતમાં ઉપલો ક્ષેત્રફળનો હિસાબ લાગુ પડતો નથી, કેમકે પ્રત્યેક બ્લૉકની બનાવટ પાછળ ચોક્કસ પ્રકારની પ્રાથમિક મહેનત તથા ખર્ચ તો સરખાં જ વેઠવાં પડે છે. આથી બ્લૉકના ભાવોમાં નાના બ્લૉકને માટે એક લઘુતમ (minimum) ક્ષેત્રફળ તથા તેનો દર ઠરાવેલાં હોય છે, જેની અંદરના ગમે તે માપના બ્લૉકને માટે તે જ દર પડે છે. સામાન્યતઃ આ લઘુતમ ક્ષેત્રફળ દસ ચોરસ ઇંચનું અને તેને દર (જસતના બ્લૉકને માટે) ત્રણ રૂપિયા હોય છે. તમે ૫" x ૨" (એટલે દસ ચોરસ ઈંચ) ના માપનો બ્લૉક બનાવડાવો કે ૧" x ૧/૨" ( એટલે અરધા ચોરસ ઇંચ ) ના માપનો બ્લૉક કરવો, પણ તમને તે બંનેની કીંમત તો એકસરખી ત્રણ જ રૂપિયા પડવાની. ઉપરના દર બધા સમચોરસ બ્લૉકોના છે. કોઇ બ્લૉકને લંબગોળ કે ગોળ કપાવવો હોય, કોઈ લેબલના કે એવા બ્લૉકમાં વચ્ચોવચ ટાઇપ મેટર છાપવા માટે કોરો ગાળો સોંસરો કોરાવવો હોય, કે ઉપર વર્ણવ્યો તેવો ભોંય કાઢેલો આઉટલાઇન હાફટોન બ્લૉક બનાવવો હોય તો એવા વધારાના કામવાળા બ્લૉકો માટે મહેનતના પ્રમાણમાં અમુક ટકા વધારે દર આપવો પડે છે. કેટલીક વાર આપણને એક જ પ્રકારના બ્લૉકની ઘણી નકલોની જરૂર પડે છે. દાખલા તરીકે તમારા પુસ્તકની જાહેરખબર માટે એક બ્લૉક બનાવ્યો છે; એ જાહેરખબર તમારે જુદાંજુદાં દસ પત્રોમાં આપવી હોય તો દસ બ્લૉક જોઇએ. આ બ્લૉક બધા જ જો તમે બ્લૉક મેકર પાસે બનાવડાવો તો તેનો ખર્ચ ભારે પડી જાય. આને માટે પહેલાં એક જ બ્લૉક તૈયાર કરાવીને પછી તે પરથી બીજા ઢાળા બનાવડાવી લેવાય છે. આ ઢાળાને સ્ટીરિયો કહે છે અને તે બીબાં બનાવવાની ધાતુમાંથી બને છે. કોઇકોઇ બ્લૉકખાતાંઓ આવા સ્ટીરિયો ઢાળવાની સામગ્રી રાખે છે. નહિતર બીબાં ઢાળનારી ટાઇપ ફાઉન્ડ્રીઓમાં તે ઢળાવી શકાય. પણ સ્ટીરિયો બ્લૉક હંમેશાં અનુભવી તથા હોશિયાર કારીગર પાસે બનાવડાવવાની કાળજી રાખવી, નહિતર રેખાઓ અસ્પષ્ટ તથા તુટક રહી જશે અને કામ બગડશે. બ્લૉકની નકલનો એક બીજો પ્રકાર તે ઇલેકટ્રો-સ્ટીરિયો. તેમાં બ્લૉકની મીણમાં લીધેલી છાપ ઉપર વિજળીની બૅટરીની મદદ વડે ત્રાંબાનાં બારીક રજકણો જમાવી તેની સપાટીની છાપવાળું ત્રાંબાનું આછું પડ પહેલાં તૈયાર કરવામાં આવે છે, અને પછી તે પડના પાછળના બાકીના ભાગમાં સ્ટીરિયોની ધાતુ ઢાળી માપ પૂરતું જાડું બનાવી લઇ તેને લાકડા પર જડી આપે છે. આ ઇલેકટ્રો-સ્ટીરિયો. તેમાં બ્લૉકની સપાટી ત્રાંબાની બનતી હોવાથી સાદા સ્ટીરિયો કરતાં તે વધારે મજબૂત અને ટકાઉ ગણાય છે. એ તો સમજી શકાય એવું છે કે આ ઇલેક્ટ્રો તથા સ્ટીરિયોના ઢાળા લાઇન બ્લૉક ઉપરથી સારા બની શકે. હાફટોન બ્લૉકમાં તો બારીક બિંદુઓ હોવાને કારણે તેના ઢાળા બનવા આપણે ત્યાં તો લગભગ અશક્યવત્ છે. પણ યુરોપ-અમેરિકાના કાબેલ કારીગરો સંપૂર્ણ સાધનસામગ્રી વડે ગમે તેવા સ્ક્રીનના ચોખ્ખા હાફટોન પરથી ઇલેક્ટ્રો ઉતારી શકે છે.
ચિત્રોની છપાઈ
બ્લૉક છપાવતી વેળા રંગની પસંદગીમાં પણ સંભાળ રાખવાની જરૂર છે. આપણા મુદ્રકોમાં મોટે ભાગે રંગદૃષ્ટિ ખાસ હોતી નથી. ઘણા-ખરા તો ચાલુ ઘરેડની બ્રાન્ઝ બ્લ્યુ કે એવી બેચાર શાહીઓ હાથ પર રાખે છે; કેટલાક વિવિધતા રાખે છે તો તે વાપરવાની વિવેકબુદ્ધિ રાખતા નથી. એટલે ચિત્ર છાપવા આપતી વખતે શાહીના રંગ વિશેની સૂચના પણ મૅટરની સાથે ગ્રંથકારે જ આપવી હિતાવહ છે. ગુલાબી. જાંબલી, નારંગી, કેસરી, પોપટીઆ, કસુંબલ, બદામી વગેરે જેવા ખુલતા તેજવાળા અને ભભકભર્યા રંગો ફોટોગ્રાફ છાપવા માટે કદિ પસંદ કરવા નહિ. ફોટોગ્રાફમાંનાં છાયાપ્રકાશના પલટા એકબીજાને પડછે જેમાં સ્પષ્ટ ખુલી આવે તેવા ઘેરા તથા બેઠી મીઠી અસરવાળા રંગોમાંજ ફોટોગ્રાફો છાપવા શોભે. બ્લ્યુબ્લૅક, સેપીઆ, ગ્રીન બ્લૅક, ડાર્ક બ્રાઉન વગેરે રંગોમાંથી પોતાની પસંદગી મુજબના મળી શકે તે વપરાવવા, શાહી બનાવનારાઓ ફોટોગ્રાફો છાપવા માટે આવી ખાસ શાહીઓ બનાવે જ છે. બહુ સૂઝ ન પડે તો સારા મુદ્રક પાસે શાહીના રંગનાં કૅટલોગ હોય છે તેમાંથી નમૂના જોઈને પસંદગી કરી લેવી. ઉપર કહેલા રંગો ફોટોગ્રાફો માટે છે. કથાચિત્રો અથવા કોઈ દૃશ્યચિત્રોના બ્લૉકો છાપવા માટે ચિત્રમાંના વાતાવરણને અનુરૂપ વિવિધ રંગની શાહી પસંદ કરી શકાય ખરી; પરંતુ તેમાં પણ મુખ્ય લક્ષ બ્લૉકના બધા પલટા સ્પષ્ટ આવે તેવી ઘેરી શાહી પસંદ કરવા તરફ રાખવું. વળી હાફટોન બ્લૉક છાપવા માટે ખાસ બારીકાઈથી લસોટાએલી મુલાયમ શાહીઓ આવે છે. ચાલુ છાપકામની શાહીથી બ્લૉકો છપાતાં એ જાડી હોઈ બ્લૉકનાં બિંદુઓમાં ભરાઈ અસ્પષ્ટ છાપ આપે છે. એટલે, પાંચદસ રૂપિયા જેટલું બ્લૉકનું ખર્ચ કર્યા પછી તેને છપાવવાની બાબતમાં એકબે રૂપિયા સારૂ લોભ ન કરતા. ઊંચી શાહીઓ વાપરીને ઉંચી જાતના સાંચાઓ પર સારી છાપ આપનારા અનુભવી મુદ્રકને જ એવું કામ સોંપજો. આ, એક રંગના ફોટોગ્રાફો તથા ચિત્રો છાપવાની વાત થઇ. પણ કોઈ સારાં દૃશ્યચિત્રો કે કથાચિત્રોની પાછળ તેના વાતાવરણને અનુકૂળ બીજા એક આછા રંગની ભોંય છાપીને પછી તે પર કાળી કે એવી ઘેરી કોઈ શાહીથી ચિત્ર છપાય તો ઘણું અસરકારક પરિણામ લાવી શકાય છે, અને ઓછો ખર્ચે ચિત્રમાં વાતાવરણનો રંગ ઉતારી શકાય છે. ફોટોગ્રાફ પાછળ પણ આવી આછી ભોંય જરા બહાર પડતી કોર રાખીને છાપવાથી ફ્રેમ જેવી બેઠક ચિત્રને મળવાથી તે ઓર દીપી નીકળે છે. આ ભોંયનો રંગ છાપવા માટે તમારે વધારાના બ્લૉકનું ખર્ચ કરવાનું હોતું નથી. માત્ર એક વખતની વધારાની છપામણીના દામ લઈને મુદ્રક પોતાનાં સાધનો વડે તે કરી આપે છે. દરિયાકિનારાના કે વિશાળ આકાશના દૃશ્યવાળા ચિત્ર પાછળ બ્લ્યુ, વન કે જંગલના ચિત્ર પાછળ લીલી, સૂર્યોદય કે સૂર્યાસ્તવાળા ચિત્ર પાછળ નારંગી, બદામી કે કેસરી, મકાનની અંદરનાં દૃશ્યોની પાછળ આછો જાંબલી કે બદામી, તડકાના દેખાવો પાછળ પીળો કે બફ વગેરે જરૂર પ્રમાણેના રંગોની ભોંય છાપીને મન ફાવતું વાતાવરણ ચિત્ર પાછળ ઉપજાવી શકાય છે. કોઈ વાર ઓછી રેખાઓવાળો માત્ર લાઈન બ્લૉક જ હોય છતાં તેની પાછળ આ મુજબની રંગીન ભોંય (જેને ટિન્ટ ગ્રાઉન્ડ કહે છે) નાખવાથી ચિત્રને ભભક તથા ઉઠાવ મળી જાય છે. પણ મુદ્રક જે આ રીતની ટિન્ટ ગ્રાઉન્ડ નાખી આપે તેમાં એક મર્યાદા એ હોય છે કે એ આખા ચિત્રની પાછળ સળંગ જ છાપી શકાય. તમે તેમાંથી અમુક ભાગના ગાળા કોરા મૂકી દેવા ઇચ્છતા હો, અથવા ચિત્રના થોડાથોડા ભાગો પાછળ જ રંગની ભોંય મળે તેમ ઇચ્છતા હો તો તેનાથી તો તેનાથી તે ન બની શકે. દાખલા તરીકે ચાંદનીના કોઇ દૃશ્યમાં ચંદ્રને સફેદ રાખી તથા બીજાં વાદળાંઓમાં પણ સફેદ રેખાઓના ગાળા રાખી બાકીના ભાગમાં છુટોછુટો બ્લ્યુ રંગ છાપવો હોય તો તેને માટે તો તમારે એવો એક જુદો બ્લૉક જ બનાવડાવવો પડે. આ બેરંગી બ્લૉક થયો. શ્રી કનૈયાલાલ મુનશીનું ‘ધ્રુવસ્વામિની દેવી’, સૌરાષ્ટ્ર કાર્યાલયનાં ‘સોરઠી બહારવટિયા’, ‘એશિયાનું કલંક’, ‘કુરબાનીની કથાઓ’ વગેરે પુસ્તકોનાં પૂઠાં આવા બેરંગી બ્લૉકો વડે છાપેલાં છે. એવા બ્લૉકો બનાવવા માટે ચિત્રકારને બે રંગમાં ચિત્ર તૈયાર કરવું જ પડે એવું નથી. કેટલીક વાર આ કામના અનુભવી ચિત્રકારો એક જ રંગમાં ડ્રૉઇંગ કરીને પછી તેમાં બીજો રંગ ક્યાંક્યાં નાખવો તેની સૂચનાનું ડોળિયું બ્લૉકમેકર માટે બનાવી આપે છે. આવા બ્લૉકોનો ભાવ (જસતના પતરા પર) એકથી સવા રૂપિયે ચોરસ ઈંચ લેખે હોય છે.
ત્રિરંગી બ્લૉકો
ત્રિરંગી બ્લૉકોમાં આ બધા કરતાં વધારે કારીગરી, મહેનત તથા ખર્ચ રહેલાં છે. ઘણાને નવાઈ લાગે છે કે અનેકવિધ રંગમાં કરેલું ચિત્ર માત્ર ત્રણ જ રંગના ત્રણ બ્લૉક વડે કેવી રીતે સંપૂર્ણ રંગોમાં છાપી શકાતું હશે! પણ ત્રણ મૂળ રંગોનો સિદ્ધાંત ખ્યાલમાં હોય તો આમાં કશું કૌતક જેવું નથી. લાલ, પીળો અને વાદળી એ ત્રણ મૂળ મૌલિક રંગો છે, અને બીજા બધા રંગો તથા તેમનાં છાયાપ્રકાશના આછાઘેરા પલટાઓ આ ત્રણ મૂળ રંગોના જ ઓછાવધતા મિશ્રણથી થાય છે એ કુદરતી સિદ્ધાંત પર આ ત્રિરંગી બ્લૉકો બનાવવાની કળા યોજાઈ છે. તેનું ખરૂં રહસ્ય એ ત્રણે રંગને મૂળ ચિત્રમાંથી છુટા પાડીને ચાળી લેવામાં રહેલું છે. આને માટે ત્રણ પ્રકારનાં ફિલ્ટર–રંગ ગાળનારા કાચ—બનાવવામાં આવ્યા છે. આ કાચ ક્રમવાર કૅમેરામાં લેન્સની આડે મૂકીને તેના સોસરી મૂળ ચિત્રની છબી લેતાં એક પછી એક મૂળ રંગ ગાળી લઇને તેની બ્લૉક–નેગેટિવ ઉતારી શકાય છે. દાખલા તરીકે લીલા રંગનું ફિલ્ટર મૂકીને તેના સોંસરી મૂળ ચિત્રની નેગેટિવ લેવાથી આખા ચિત્રમાં જ્યાંજ્યાં પીળો તથા વાદળી એ બે રંગો (મૂળ કે મિશ્ર રંગ રૂપે પણ) હોય છે ત્યાં ત્યાં તે દબાઇ જઇને તેમાંથી માત્ર એકલો લાલ રંગ જ બધેથી ચળાઈ આવીને કૅમેરાની આંખ (લેન્સ) સન્મુખ ઊભો રહે છે, અને એ રીતે લેવાએલી નેગેટિવમાં, આખા ચિત્રમાંથી, આપણાથી નરી આંખે ન જોઈ શકાય તેવો લાલ રંગનો એકેએક ઘેરો કે મુલાયમ પલટો, મૂળ કે મિશ્ર જે રૂપે હોય ત્યાંથી ગળાઈ આવીને ઊતરે છે. આ સાથે નમૂના રૂપે છાપી બતાવેલા સંપૂર્ણરંગી ચિત્રમાં કન્યાની ઓઢણીમાં તે લાલ સ્પષ્ટ દેખાય છે; પણ આકાશમાં પીળાની સાથે મળીને કેસરી થયો છે ત્યાંથી, ઘડાના તપખીરિયામાંથી, ચણિયાના વાદળીની જોડે મળીને સંતાઇ રહ્યો છે તેમાંથી, કાળા જણાતા વાળ અને હાથમાંની ફૂલડાળીના લીલા પછવાડે ગૂઢ રૂપે રહેલો છે ત્યાંથી તથા બીજી ઝીણામાં ઝીણી રેખાઓ તથા નરી આંખે નથી દેખાતા એવા અતિ નાજુક મિશ્ર રંગના પલટાઓમાંથી પણ તેને એ ફિલ્ટરે પકડી લાવીને કૅમેરા સન્મુખ ખડો કર્યો છે અને તેને કાચમાં ઉતારી લેવામાં આવ્યો છે. એ નેગેટિવ પરથી બનેલો બ્લૉક તે લાલ રંગનો બ્લૉક થયો. સાથેના નમૂનાઓમાં મૂળ ચિત્રનો એ લાલ રંગનો બ્લૉક છુટો છાપી બતાવ્યો છે તે જોતાં અજાયબી થશે કે ફિલ્ટરે મૂળ ચિત્રમાંથી કેવેકેવે ગૂઢ ઠેકાણેથી એને સારવી કાઢીને ઉતારી લીધો છે! આ જ રીતે જુદાંજુદાં ફિલ્ટરોની મદદથી અનુક્રમે પીળા અને આસમાની રંગો પણ સારવી લઇને તેના જુદાજુદા બ્લૉકો બનાવાય છે. નમૂનાઓમાં તે પણ છુટાછુટા છાપી બતાવ્યા છે.
પૂર્ણરંગી ચિત્ર છાપવાનું રહસ્ય, તે ચિત્ર પરથી કુદરતના મૂળ ત્રણ રંગ (લાલ પીળો ને વાદળી) ચાળી લઈને તેના જુદાજુદા બ્લૉક બનાવવામાં રહેલું છે. પછી એકબીજા ઉપર તે બ્લૉકો છપાય એટલે મૂળ ચિત્ર આપમેળે પ્રગટી નીકળે. જે સંપૂર્ણ ત્રિરંગી ચિત્ર આ નમૂનાઓમાં છેલ્લું છાપ્યું છે તે આખા યે ચિત્રમાં જ્યાંજ્યાં લાલ રંગ જણાય છે તે બધો જ (ઝીણામાં ઝીણી રેખાઓ અને છાયાપ્રકાશમાંથી તથા બીજા રંગોની સાથે મળીને તે મિશ્ર થયો છે તેમાંથી પણ) ખાસ ફોટોગ્રાફિક પદ્ધતિ વડે ચાળી લઈને તેનો ઉપરનો બ્લૉક બનાવવામાં આવ્યો છે. પૂર્ણરંગી ચિત્રમાં જોતાં, ચૂંદડીમાં, ઘડામાં, પાછળના સંધ્યા ખીલેલા આકાશમાં, હોઠ ને હાથની રેખાઓ વગેરેમાં તથા થોડો શરીરમાં તો આપણને લાલ સ્પષ્ટ જણાય છે; પણ જ્યાંજ્યાં નરી આંખે ન જણાય તેવા તેના આછામાં આછા પલટા હશે તે પણ કૅમેરાએ પકડીને તેના છાયાપ્રકાશની ઘનતાના પ્રમાણમાં ઉપરના ચિત્રમાં ઉતાર્યા છે. એ જ મુજબ આની પાછળ છાપેલો છે તે બ્લૉક, એ ચિત્રમાંનો બધો પીળો રંગ ચાળી લઈને બનાવેલો છે
સામેના લાલ રંગના બ્લૉક નીચે વર્ણવ્યા પ્રમાણે ઉપરના બ્લૉકમાં પૂર્ણરંગી ચિત્રમાંનો સઘળો બ્લુ રંગ ચાળી લઇને ઉતાર્યો છે. ચણિયા ને વાળમાંનો આગળપડતો બ્લુ રંગ તો મૂળ ચિત્ર જોતાં તરત સમજી શકાશે. હાથમાંની ફૂલ-ડાળીમાં પાંદડાનો ભાગ છે તે પણ લાલ સાથે સરખાવતાં આ બ્લુ બ્લૉકમાં તથા પીળામાં વધારે લાગશે, કેમકે એ બેના મિશ્રણથી જ લીલો થવાનો લાલ તો તેમાંની રેખાઓ તથા આછા છાયાપ્રકાશના પલટા પૂરતો હોય તે જ. એ જ રીતે ચોળીના, ઘડાના, સાંધ્ય-પ્રકાશના તથા શરીરના રંગોનું સમજવું. છાપવાનો ક્રમ, પહેલાં પીળો, પછી તેના પર લાલ ને છેલ્લે તે પર બ્લુ એ મુજબ હોય છે. બહુ ઊંચા પ્રકારનાં કામોમાં પશ્ચિમના દેશોમાં ચોથો કાળા રંગનો બ્લૉક પણ બનાવાય છે. આપણે ત્યાં એ જવલ્લે જ બને છે.
જીવન પ્રભાત
ચિત્રકાર : રવિશંકર રાવળ
તે પછી, પહેલાં પીળો, તે પર લાલ અને છેલ્લો વાદળી એ ક્રમમાં એ બ્લૉકોને, નીચેનો રંગ સુકાતો જાય તેમતેમ, એકબીજા પર છાપવામાં આવે છે. પીળા પર લાલ છપાય છે એટલે અસલ ચિત્રમાં જ્યાંજ્યાં પીળા તથા લાલ રંગનાં મિશ્રણ હોય છે ત્યાંત્યાં તે સંપૂર્ણતઃ બની રહે છે; અને તે પર વાદળી છપાતાં નીચેના બંને રંગોમાં તે મળીને મૂળ ચિત્રમાંના બધા રંગો પ્રમાણસર ખીલી આવી આખું સંપૂર્ણરંગી ચિત્ર આપમેળે પ્રગટી નીકળે છે. પહેલી નજરે નવાઈ જેવી લાગતી આ વાત આમ રંગોનો સિદ્ધાંત સમજાયા પછી દીવા જેવી સ્પષ્ટ બની જાય છે. આ સાથેના નમૂનાઓમાં પીળા, લાલ અને વાદળી રંગના બ્લૉકો અનુક્રમે વિવરણ સાથે છાપીને, તેઓ એકબીજા પર છપાતાં કેવું સંપૂર્ણરંગી ચિત્ર બની રહે છે તે છેલ્લે બતાવ્યું છે. એ જોવાથી આ પદ્ધતિ સ્પષ્ટ સમજાઈ જશે. આવા બ્લોકો બનાવવાની મહેનત અને ખર્ચ વારેવારે પરવડે નહિ તેથી તે ટકાઉ ગણાતા ત્રાંબાના પતરા પર જ બનાવવામાં આવે છે અને તેનો ભાવ દર ચોરસ ઈંચે સામાન્ય રીતે બે રૂપિયા પ્રમાણે પડે છે.
બ્લૉકોનાં માપ
હવે રહી બ્લૉકોનાં માપ નક્કી કરવાની વાત. એ ઠરાવતી વખતે ખ્યાલમાં રાખવું કે જે કદના પુસ્તકમાં બ્લૉક મૂકવાનો હોય તેના પાનાના માપને અનુરૂપ બંધબેસતા આકારનો બ્લૉક બનવો જોઇએ. લંબચોરસ ઘાટના પુસ્તક માટે ચોરસ બ્લૉક બને તો બેહૂદો લાગે. (અને તે અનિવાર્ય હોય તો બ્લૉકની પાછળ ટિન્ટ ગ્રાઉન્ડ અથવા ચોમેર રૂલ લાઈન ગોઠવીને તેનો આકાર પાનાના ઘાટને અનુરૂપ રચી લેવો.) વળી, પાનામાં બ્લૉક છપાતાં તેની ચોમેર જગ્યાનું સપ્રમાણ મૂકાણ રહે, તથા ફ્રેમમાં જેમ ચિત્ર સુરચિતપણે શોભી રહે તેમ પાનામાં બ્લૉકની છાપ આવી રહે એ પ્રમાણમાં તેની લંબાઈ પહોળાઈ ઠરાવવી જોઈએ. નાના કદના પુસ્તક માટે મોટો બ્લૉક બનાવ્યો હશે તો તે ઠાંસી દીધેલા જેવો લાગશે; તેમજ ખૂબ મોટા કદના પાનામાં નાનો જેવો બ્લૉક વિશાળ અરણ્યમાં ભૂલો પડ્યા જેવો જણાશે. એક પાનામાં એક કરતાં વધારે બ્લૉકો મૂકવાના હોય તો દરેકને ભાગે કેટલી જગ્યા આવશે તેનો ક્યાસ કરીને પ્રત્યેકનું કદ ઠરાવવું, તથા એ બધાની સમૂહયોજના પણ પાનામાં તેઓ પ્રમાણસર ગોઠવાઈ રહે તે મુજબ કરવી. ઘણાખરા જાણતા હશે કે ચિત્ર મોટું હોય તોપણ તે પરથી જોઇતા ગમે તેવડા નાના માપનો બ્લૉક બનાવી શકાય છે, કેમકે બ્લૉકની નેગેટિવો પણ ફોટોગ્રાફિક પદ્ધતિએ જ લેવાય છે. હવે ફોટોગ્રાફીનો એવો નિયમ છે કે કોઇ પણ ચીજનો ફેટોગ્રાફ તેના મૂળ કદ કરતાં નાનો લેવાય (એટલે કે reduction થાય) તો તે વધારે સ્પષ્ટ, તીક્ષ્ણ અને તેજ આવે; એથી ઉલટું, મૂળના કરતાં મોટી છબી ઉતારવામાં આવે (enlarge થાય) તો તે ઝાંખી બને. એટલે બ્લૉક બનાવવા માટે ચિત્ર કે ફોટો હમેશાં સહેજ મોટા માપનાં પસંદ કરીને તે પરથી જોઈતા માપમાં (reduce) નાનું કદ કરવાથી મૂળમાં કોઈ ખરબચડા કે ઝાંખા ભાગ રહી ગયા હશે તે બધા તીક્ષ્ણ બની જઈને સ્પષ્ટ આવશે. જોઇતા માપ કરતાં સવા કે દોઢ ગણું મૂળ ચિત્ર હોય તો બસ થયું. પછી ઘણા મોટા કદના ચિત્ર પરથી અતિશય નાનું કદ કરાવવા જતાં મૂળમાંની કેટલીક બારીક વિગતો, રેખાઓ કે છાયાપ્રકાશના પલટા ઊડી જાય છે એ પણ ખ્યાલમાં રાખવું. અને ઉપર જણાવેલા ફોટોગ્રાફીના નિયમથી એ સમજાય એવું છે કે નાના કદના ચિત્ર પરથી મોટા કદનો (enlarge) બ્લૉક તો કદિ ન કરાવવો, કેમકે એથી ચિત્ર બે રીતે ઝાંખું આવશેઃ એક તો ફોટોગ્રાફીના નિયમ પ્રમાણે મોટું (enlarge) થવાને કારણે; અને બીજું, બ્લૉકમાં સ્ક્રીનને લીધે બારીક બિંદુઓ રૂપે વિખરાઈ જવાને કારણે. અનિવાર્ય સંજોગોમાં તેમ કરવું પડે ત્યારે, મૂળ ચિત્ર ખૂબ સ્પષ્ટ ને તીક્ષ્ણ હોય તથા વિસ્તાર (enlargement) સવા કે દોઢ ગણાથી વધારે ન કરવાનો હોય તો જ સંતોષકારક પરિણામ બ્લૉકમાં લાવી શકાશે. બ્લૉક કયા માપમાં સંકોચવો કે વિસ્તારવો છે તે દર્શાવવા માટે માત્ર લંબાઈ અથવા પહોળાઈ બેમાંથી એક જ બાજુનું માપ આપવું. બીજું માપ તો પ્રમાણસર એની મેળે આવી રહેશે. સમજો કે તમારી પાસે કેબિનેટ સાઇઝ (૬"x૪")નો ફોટોગ્રાફ છે અને તેનો ત્રણ ઇંચ ઊંચાઇનો બ્લૉક તમારે જોઈએ છે. તો તમારે ફોટોગ્રાફની પાછળ માત્ર ઊંચાઇ ત્રણ ઇંચ એટલું જ દર્શાવવું. પછી પહોળાઇ તો તેના પ્રમાણમાં આપમેળે બે ઇંચ આવી રહેશે. આ દાખલામાં તો હિસાબ સહેલો છે, કેમકે ઊંચાઇ આપણે છ ઈંચની અરધી ત્રણ ઇંચ માગી છે એટલે પહોળાઈ પણ ચારની અરધી બે મળી રહે. પણ ઘણી વાર આપણી પાસે કથોરા માપનાં—એટલેકે અપૂર્ણાંક સંખ્યાવાળી લંબાઇ પહોળાઇનાં ચિત્રો આવે છે. એવે વખતે આવા ત્રિરાશીના હિસાબ ગણવા લાંબા અને મુશ્કેલ થઇ પડે છે, તેમ છતાં યે તેનું આવેલું માપ આપણી દૃષ્ટિ સન્મુખ કલ્પી શકાતું નથી. આને માટે એક સહેલી પદ્ધતિ છે. મૂળ ચિત્રની લંબાઈ પહોળાઇના માપની જ એક આકૃતિ દોરી તેના ગમે તે બે સામસામે ખૂણે એક લાંબી પડતી કર્ણરેષા દોરો. પછી, પહોળાઇ કે લંબાઈ જે તરફનું માપ નક્કી કર્યું હોય તે બા તે બાજુ પરથી જોઇતું માપ કર્ણરેષા પર બરોબર કયે ઠેકાણે આવી રહે છે તે બિંદુ લીટી દોરી શોધી કાઢો, અને ત્યાંથી બાકીની તરફની બીજી રેષા દોરો. એ બીજી રેષા તે બાકીનું તમને જોઇતું માપ, અને એ બંને રેષાઓ મળીને બનેલી આકૃતિ તે તમારૂં ચિત્ર બ્લૉકમાં કેવડું દેખાશે તેનું માપ. નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ સમજાશે.
અ બ ક ડ મૂળ એ ચિત્રના માપ પ્રમાણે દોરેલી આકૃતિ છે. હવે સમજો કે તમારે બ્લૉકની પહોળાઇ ખ ગ જેટલી રાખવી છે; તો ખ ક લીટીને બરાબર કાટખૂણે એ માપ મૂકીને શોધતાં ગ બિંદુએ તે કર્ણ રેષાને બરાબર અડીરહ્યું. એ બિંદુમાંથી ખરેખર કાટખૂણે બીજી તરફ કડ રેષા પર દોરાએલી લીટી તે બાકીનું લંબાઈનું માપ, અને ક ખ ગ ઘ એ તમારો બ્લૉક નાનો થયા પછી જેવડો બનશે તે દર્શાવતી આકૃતિ. આ જ રીતે મૂળ ચિત્ર કરતાં મોટી ચ છ પહોળાઇ જોઈતી હોય તો કર્ણરેષાને, ક બ ને તથા ક ડ લીટીઓને લંબાવીને જોઈતા માપનું બિંદુએ લંબાવેલી કર્ણરેષા પર જ્યાં (છ આગળ) મળી આવે ત્યાંથી દોરેલી (છ ન) લીટી તે બાકીની લંબાઈ અને નવી બનેલી (ક ચ છ જ) આકૃતિ એ જોઈતા બ્લૉકનું માપ. કોઈ વખત એવું પણ બને કે આપણને કોઇ એક આખા ચિત્રમાંથી અમુક જ ભાગ, અને તે પણ અમુક જ માપમાં જોઈતો હોય છે, અથવા તો મૂળ ચિત્રના આકાર કરતાં જુદા જ આકારનો બ્લૉક બનાવવાનો હોય છે. સમજો કે ચોરસ જેવા ચિત્રમાંથી માત્ર અમુક જોઈતા ભાગનો લંબચોરસ આકૃતિનો બ્લૉક બનાવવો છે અને બાકીનો ભાગ કમી કરવો છે; તો તે કેટલો ને ક્યાંથી કમી કરવો તેની રીત નીચેની આકૃતિમાંથી સમજાશે. તેમાં ઘાટી કાળી લીટીથી બતાવેલા અ બ ક ડ ચિત્રમાંથી ચ છ જ જ્ઞ માપનો બ્લૉક બનાવવો છે, એમ સમજો. આને માટે પહેલાં તે જોઈતા માપ (એટલે કે ચ છ જ ઝ) ની એક જુદી આકૃતિ કર્ણરેષા સાથે દોરી, તેની બે પડખાની તથા ત્રીજી કર્ણરેષાની એમ ત્રણે લીટીઓ આગળપડતી લંબાવો. હવે એ લંબાવેલી રેષાઓ પર મૂળ ચિત્રની લંબાઈ અથવા પહોળાઈ બેમાંથી ગમે તે એકના માપનું બિંદુ બ ક્યાં આવે છે તે ઠરાવી, તેમાંથી બંને બાજુનાં માપ પ્રમાણે કાટખૂણે રેષાઓ દોરીને મૂળ ચિત્ર જેવડી આકૃતિ આલેખો. એમ દોરતાં એ નવી આકૃતિના નીચેના ભાગની જે ક ડ જ ઝ પટ્ટી વધી તેટલા માપનો ભાગ એ મૂળ ચિત્રમાંથી કમી કરવાનો ઠર્યો. તે ભાગ એ ચિત્રને મથાળેથી, છેડેથી કે અરધો અરધો બંને ઠેકાણેથી, પોતાને યોગ્ય જણાય તેમ ઓછો કરવાનું દર્શાવીને બ્લૉક મેકરને ચિત્ર સોંપવું. બ્લૉક મેકર એ પ્રમાણે તેટલા ભાગ ઉપર કાગળની પટી ચોડીને તે ઢાંકી દઈ બાકીના ભાગનો બ્લૉક બનાવશે અને બરોબર જોઈતા માપનો બ્લૉક બની આવશે.
માપ વગેરે બ્લૉકને લગતી હકીકતો સૂચવવા માટે કદિ ચિત્રની આગળની બાજુએ કશું લખવું નહિ. બધી સૂચનાઓ ચિત્રની પીઠે લખવી. માપ જણાવવા માટે એક ટૂંકી પદ્ધતિ છે. તમારે બ્લૉકની પહોળાઈ ત્રણ ઇંચ જોઈતી હોય તો ફોટો કે ચિત્રની પીઠ પર આ પ્રમાણે
<--------------------- ૩ ઇંચ --------------------->
લખી જણાવો એટલે થયું. ઊંચાઈનું માપ દર્શાવવું હોય ત્યારે આ જ રીતે ઉપરનીચેના છેડા તરફ દર્શાવતી ઊભી લીટી માપના આંકડા સાથે દોરવી. બ્લૉકો જસત અને ત્રાંબું એમ બે ધાતુના બને છે તે તો અગાઉ જણાવાઇ ગયું. ત્રાંબાના બ્લૉકો વધારે ટકાઉ હોય છે, પણ તેનાં પતરાં મોંઘાં હોવાથી તેમજ તેની બનાવટમાં પણ વધારે મહેનત તથા ખર્ચ થતાં હોઇને જસત કરતાં તેના ભાવ મોંઘા હોય છે. સામાન્ય ઉપયોગ માટે તે જસતના જ બ્લૉકો બનાવડાવવા. તેના પરથી સહજે એક લાખ સુધી નકલો સરસ રીતે છાપી શકાય છે, અને ઉપર વેસેલાઇન ચોપડીને કાળજીથી સાચવી રાખ્યા હોય તો ગમે તે વખતે ઉપયોગમાં લઈ શકાય છે. સામયિક પત્રોના મથાળાના નામાક્ષરો, અથવા તેના પૂઠા કે અગ્રપૃષ્ઠ પર મૂકવાનાં નામાલેખન તથા ચિત્રો વગેરેના બ્લૉકો સતત વપરાશમાં આવતા હોવાથી તે ત્રાંબાના બનાવડાવ્યા હોય તો સારૂં. ત્રિરંગી જેવાં મોંઘાં ચિત્રો અથવા કોઈ દુષ્પ્રાપ્ય ફોટોગ્રાફો, કે જેને ફરીથી મોટું ખર્ચ કરવું ન પરવડે એવું હોય અથવા બનાવવાની બીજી તક ન મળે તેવું હોય, તેના બ્લૉકો પણ ત્રાંબાના બનાવડાવી લેવા એ સલાહભર્યું છે; કેમકે જસતના બ્લૉકોની સાચવણમાં સહેજ ગફલત થઇ તો તે ખવાઈ જાય છે અથવા ખરાબ થઇ જાય છે. બ્લૉકની સંભાળ માટે સારો ને સસ્તો ઇલાજ તેના પર વેસેલાઇન ચોપડી રાખવાનો છે. છાપવા માટે બ્લૉક મુદ્રકને સોંપતી વખતે તે સોડા કે ખારાથી ન ધોતાં કેરોસીનથી જ સાફ કરે તેવી સૂચના ખાસ કરવી. કાળજીવાળા મુદ્રકો તો એ જ રીતે સાફ કરી, ઉપર વેસેલાઈન ચોપડીને બરાબર સંભાળપૂર્વક પૅક કરીને જ ઘરાકને સોંપે છે; પણ આપણે હમેશાં સાવચેત રહેવું સારૂં છે. મુદ્રકને ત્યાંથી બ્લૉક મળ્યા પછી જરા પણ શંકા જેવું જણાય તો તેને ચોખ્ખા કપડાના કેરોસીનના પોતા વડે સારી પેઠે ઘસીને સાફ કરી નાખવો અને તેના પર વેસેલાઈનનો જાડો થર ચોપડવો. (વેસેલાઇન દાક્તરો મલમ માટે વાપરે છે તેવું અથવા તેથી હલકું હશે તોપણ ચાલશે.) તેના પર બટર પેપર કે તેલિયો કાગળ (સાદો કાગળ વેસેલાઇનને ચૂસી જાય છે તેથી) અને જાડું પૂઠું મૂકીને મજબૂત કાગળમાં સંભાળપૂર્વક બાંધી રાખવાથી તે સુરક્ષિત રહેશે. એ પડીકાને ધૂળ ન લાગે તેવે સ્થળે સાચવી રાખવું અને વરસ જેટલી મુદતને ગાળે આ મુજબ સંભાળ લેતા રહેવી. બ્લૉકો બનાવવાની જે પદ્ધતિ ઉપર વર્ણવી તે તો ચિત્રો છાપવાના એક જ પ્રકાર વિષે છે. એને ‘ફોટો એન્ગ્રેવિંગ પ્રોસેસ’ કહે છે. પુસ્તકો અને સામયિકોનાં ચિત્રોનાં સામાન્ય કામો માટે તે જ પદ્ધતિ યોગ્ય છે. પણ દીવાસળીની ડબી, સોડાવૉટર અથવા મોટી સંખ્યામાં ખપતી દવાઓની શીશીઓનાં લેબલો, કાપડના તાકાની છાપો, પ્રચાર માટેનાં જંગી ભીંતચિત્રો વગેરેને માટે જ્યારે ઘણી જ મોટી (લાખ્ખોની) સંખ્યામાં અથવા મોટા કદની નકલો જોઈતી હોય ત્યારે આ પદ્ધતિ બહુ ખર્ચાળ અને મુશ્કેલ પડે છે. એવાં કામોને માટે લીથોગ્રાફી–શિલાછાપની પદ્ધતિ-ની છાપો સસ્તી અને અનુકૂળ પડશે. ઍટલાસના નકશાઓ, ઊંચી પ્રતિનાં ભીંતચિત્રો કે કોઇ કલાકારનાં ચિત્રોની મોટા કદની પ્રતિકૃતિઓ માટે ‘ઑફસેટ’ નામની શિલાછાપના જેવા જ પ્રકારની પદ્ધતિ છે. એ ઉપરાંત એના જ જેવી એક ‘કોલોટાઈપ પ્રોસેસ’ પણ છે. વળી, લંડન ન્યુસ વગેરે જેવાં યુરોપ- અમેરિકાનાં સચિત્ર સામયિકો છપાય છે તે ફોટોગ્રેવર (અથવા રોટોગ્રેવર) પદ્ધતિ આજે બહુ સર્વમાન્ય થઈને પશ્ચિમમાં તે સામયિક પત્રોમાં તે ઝપાટાબંધ ટાઇપ અને બ્લૉકોનું સ્થાન લેતી જાય છે. એ પણ સમજવા જેવી છે. એમાં સ્ક્રીન વાપરીને ચિત્રને બિંદુઓમાં છેદ્યા વિના મૂળ ફોટોગ્રાફ જેવી જ આબેહૂબ છાપ કાગળ પર ઉતારી શકાય છે. પણ આપણે ત્યાં એ હજી પ્રવેશ પણ પામી નથી, અને અહીં તે માત્ર આપણે પુસ્તક-પ્રકાશનના અંગનો જ વિચાર કરતા હોવાથી એ બધાંનું વર્ણન અપ્રસ્તુત છે.
બચુભાઈ રાવત









