ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પોપટલાલ પુંજાભાઈ શાહ
એઓ જ્ઞાતે વીશા શ્રીમાળી વણિક; વતની વાંકાનેરના અને અત્યારે એ જ સ્થળે એક શિક્ષકનું જીવન ગાળી રહ્યા છે. એમનો જન્મ વાંકાનેરમાં સં. ૧૯૪૪ માં થયો હતો. એમના પિતાનું નામ પુંજાભાઈ દેવજી શાહ; અને માતાનું નામ કસળીબાઈ ભગવાનજી. એમનું લગ્ન સં. ૧૯૭૬ માં વાંકાનેરમાં સૌ. જીવતીબાઇ સૌભાગ્યચંદ સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે વાંકાનેરમાં લીધેલું અને કૉલેજના અભ્યાસ માટે તેઓ ભાવનગર સામળદાસ કૉલેજમાં દાખલ થયેલા. સન ૧૯૧૭માં બી. એ.ની પદવી ઈતિહાસ અને અર્થશાસ્ત્રના અચ્છિક વિષય સાથે લીધી હતી. શાળા અને કૉલેજમાં તેમનો સારો અભ્યાસ હોઈ વાંકાનેર રાજ્ય તેમજ જ્ઞાતિ તરફથી સ્કોલરશીપો મળી હતી. એમના પ્રિય વિષયો સાહિત્ય અને ઇતિહાસ છે. આજસુધીમાં તેમણે પાંચ સાત પુસ્તકો લખી છપાવ્યાં છે, તે પરથી એમની શક્તિનું અને જ્ઞાનનું માપ કાઢી શકાશે.
: : એમની કૃતિઓ : :
| ૧. | રાસ બત્રીસી | સન ૧૯૨૨ |
| ૨. | તજાએલ તિલકા* | ” ૧૯૨૪ |
| ૩. | હિન્દનો ઈતિહાસ | ” ૧૯૨૫-૨૬ |
| ૪. | ભગવાન્ જડેશ્વર | ” ૧૯૨૯ |
| ૫. | જૈન સંવાદો | ”” |
| ૬. | સંવાદિકા | ” ૧૯૩૦ |
* ગોલ્ડસિસ્મથના “The Deserted Village” નામક કાવ્યનું અનુકરણ છે.