ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/નાગરદાસ ઈશ્વરભાઈ પટેલ
એઓ જાતે લેઉઆ પાટીદાર છે. મૂળ વતની બામણગામ, તાલુકે ભાદરણના; અને એમનો જન્મ તા. ૧૬-૧૨-૧૮૯૮ના રોજ મીઆગામ પાસે કંડારીમાં–મેસાળમાં થયો હતો. એમના પિતાનું નામ ઇશ્વરભાઇ પ્રભુદાસ પટેલ અને માતાનું નામ અંબાબહેન ગુલાબભાઈ છે. એમનું લગ્ન સન ૧૯૧૯માં ઠીકરીઆ ગામે (તા. પાદરા) સૌ. સુમતિ સાથે થયું હતું. એ બ્હેને શાળાનું ઝાઝું શિક્ષણ લીધેલું નથી પરંતુ ખાનગી અભ્યાસ ખૂબ વધારેલો છે; એટલુંજ નહિ પણુ પોતાના પતિની સાથે, બાળકો માટે વાર્તાઓ લખી, સારી કીર્તિ સંપાદન કરેલી છે. જે ગુજરાતી યુગલો ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવાને પ્રયાસ કર્યે જાય છે, તેમાં આ બંનેનો સમાવેશ થવો જોઇએ; જો કે તેઓ બંને એમની કૃતિઓ સંયુક્ત નામથી પ્રસિદ્ધ કરે છે. એમના લખાણ પરથી કહી શકાય કે બાલસાહિત્ય પ્રતિ એમને ખાસ શોખ છે અને ‘બાલજીવન’ના વ્યવસ્થાપક તરીકે એમણે ઠીક કામ કરેલું છે. પ્રાથમિક શિક્ષણ એમણે બામણગામમાં છ ધોરણ સુધી લીધેલું; પછી ઈંગ્રેજી ત્રણ ધોરણ નારમાં અને વડોદરા સયાજી હાઈસ્કુલમાં દાખલ થયેલા; ત્યાં છઠ્ઠું ધોરણ પૂરૂં ન થાય એવામાં કૌટુંબિક મુશ્કેલી ઉભી થતાં, અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. હમણાં તો તેઓ મુંબાઇમાં મેસર્સ માળવી રણછોડદાસની કુંપનીની ઓફીસમાં છે, અને મલાડમાં રહે છે. કાવ્યાલંકાર પ્રતિ તેમને વિશેષ રુચિ છે તેમ ડિટેક્ટીવ વાર્તાઓમાં પણ અતિશય રસ પડે છે. તેમનો માનીતો લેખક સર આર્થર કૉનન ડૉઈલ છે. ‘ચાંદની’ વાર્તા માસિકના તેઓ તંત્રી હતા. જો કે રીતસર અભ્યાસ કરવાની તક જતી કરવી પડેલી તોપણ ખાનગી રીતે તેમણે અભ્યાસ ખૂબ વધારેલો છે, એમ એમનાં પુસ્તકો કહી આપે છે; અને એમનું ઉદાહરણ અન્યને એ રીતે પ્રોત્સાહક થશે.
: : એમની કૃતિઓ : :
| ૧. | શિશુ સદ્બોધ | સન ૧૯૧૩ |
| ૨. | દેશ કીર્તન | ” ૧૯૨૨ |
| ૩. | નવ વલ્લરી | ” ૧૯૨૩ |
| ૪. | સફેદ ઠગx | ” ૧૯૨૪ |
| * ૫. | અમારી વાર્તાઓ (બે આવૃત્તિ) | ” ૧૯૨૫ |
| * ૬. | અમારી બીજી વાર્તાઓ (બે આવૃત્તિ) | ” ૧૯૨૬ |
| ૭. | શશિકલા અને ચૌર પંચાશિકાx | ”” |
| * ૮. | અમારી ત્રીજી વાર્તાઓ | ” ૧૯૨૭ |
| ૯. | અછત ( બે આવૃત્તિ) | ” ૧૯૨૮ |
| ૧૦. | જયન્તનાં અદ્ભૂત પરાક્રમો | ” ૧૯૨૯ |
| ૧૧. | જયન્તનાં જબ્બર સાહસોx | ” ૧૯૩૦ |
| ૧૨. | કાળને કિનારેx | ”” |
| ૧૩. | પ્રાણશંકર પંડિતજીનાં પરાક્રમો | " " |
| *૧૪. | પરીઓનો પ્રદેશ | ”” |
| *૧૫. | બાલવિનોદ | ”” |
| ૧૬. | વ્યોમ વિહાર | ”” |
| ૧૭. | બામણગામના પાટીદારોની વંશાવલી | ”” |
| ૧૮. | રતનીઓ | ”” |
| ૧૯. | જયન્તની સાહસ કથાઓ | ” ૧૯૩૧ |
* નં. ૫, ૬, ૮, ૧૪ અને ૧૫ ના સહલેખક સૌ. સુમતિબ્હેન છે. X અનુવાદ છે; જ્યારે બાકીની સ્વતંત્ર કૃતિઓ છે.