ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મનહરરામ હરિહરરામ મહેતા
એઓ સુરતના વતની અને જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ ભાદ્રપદ સુદ ૧૨ સં. ૧૯૩૩ માં સુરત મુકામે થયો હતો. એમના પિતાનું નામ હરિહરરામ નરહરરામ મહેતા અને માતાનું નામ સુરજગવરી, જે વકીલ રતનરામ રાજારામના પુત્રી થાય. એમણે પ્રાથમિક શિક્ષણ ધ્રાંગધ્રામાં અને માધ્યમિક રાજકોટ અને સુરતમાં લીધું હતું. સં. ૧૯૪૯–સન ૧૮૯૩માં તેઓ મેટ્રીક્યુલેશનમાં પાસ થયલા અને સં. ૧૯૫૫–સન ૧૮૯૯ માં જયપુર મહારાજા કૉલેજમાંથી બી. એ. ની ડીગ્રી મેળવી હતી. તે પરીક્ષામાં તેમને નોર્થબુક ચંદ્રક પણ ઇનામમાં મળ્યો હતો. એમનાં પ્રિય વિષયો કવિતા અને તત્ત્વજ્ઞાન છે. પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ સુરતમાં ભરાયલી તેમાં મંત્રી તરીકે એમણે સુંદર કાર્ય કરી બતાવ્યું હતું અને મુંબાઈમાં સાહિત્ય પરિષદમંડળ સ્થપાયું ત્યારથી તેઓ કાર્યકર્તા મંત્રી તરીકે કામ કરે છે. સાહિત્ય સંસદની પ્રવૃત્તિના સૂત્રધાર પણ એઓ છે. વળી સાન્તાક્રુઝ સાહિત્ય સમાજના તેઓ પ્રમુખ છે. સં. ૧૯૬૭ માં ‘શિવાજી ને અફઝલખાનનું દ્વંદ્વ યુદ્ધ’ એ નામક પવાડો લખ્યો હતો. એમનું બાલકાંડ એક સારૂં પુસ્તક છે. મુંબઇમાં કવિ પરિષદ એમના પ્રયાસથી મળી હતી. કવિતામાં ‘રામ છંદ’ નામનો વીર રસને ઝીલે એેવો એક નવો છંદ ઉમેરીને એમણે એક પ્રકારની વિશિષ્ટતા–નામના પ્રાપ્ત કરી છે.
: : એમના ગ્રંથો. : :
| ૧ | વાલ્મીકિ રામાયણ-બાલકાંડ (અનુવાદ) | સં. ૧૯૭૨ |
| ૨ | પરશુરામવિજય (નાટક) | સં. ૧૯૭૯ |