ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મણિલાલ ઈચ્છારામ દેસાઇ


મણિલાલ ઇચ્છારામ દેસાઇ,

બી. એ.,

એઓ જ્ઞાતિએ શ્રી દશા શ્રીમાળી વણિક; મૂળ દિલ્હી તરફના અને જન્મ સુરતમાં તા. ૨૬ મી જુન ૧૮૮૦ જેષ્ઠ વદી ચોથના રોજ થયો હતો. જાણીતા “ગુજરાતી” સાપ્તાહિકના આદ્ય સ્થાપક, તંત્રી અને માલિક સ્વર્ગસ્થ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના એઓ દ્વિતીય પુત્ર થાય. એમના માતુશ્રીનું નામ દિવાળીબ્હેન છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૮૯૫માં હાંસોટમાં રા. બાલુભાઇના પુત્રી મણિબ્હેન સાથે, અને બીજું સન ૧૯૦૫ માં વલસાડમાં એક્ઝીક્યુટીવ એન્જીનિયર–છેવટે ઉત્તર વિભાગના સુપરિન્ટેન્ડીંગ એન્જીનીયર રા. ચુનીલાલ હાંસોટીના પુત્રી ચન્દ્રલક્ષ્મી સાથે થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ સુરતમાં અને માધ્યમિક તેમજ ઉંચું મુંબાઈમાં લીધેલું. પ્લેગ દરમ્યાન અભ્યાસ છોડી દીધા પછી તેઓ સન ૧૮૯૮ માં મેટ્રીક્યુલેશનમાં પાસ થઇ, એલ્ફીન્સ્ટન કૉલેજમાં જોડાયલા, જ્યાંથી સન ૧૯૦૪ માં બી. એ. ની પદવી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના ઐચ્છિક વિષયો લઈને મેળવી હતી. એલ એલ. બી. થવાને પ્રયત્ન કરેલો પણ તે નિષ્ફળ ગયલો. એમ. એ. માટે પણ વાંચવા માંડેલું; પણ સંજોગવશાત્‌ તે અભ્યાસ અધુરો મૂકી, પિતાની સાથે સન ૧૯૦૭ થી “ગુજરાતી” ના તંત્રી સ્ટાફમાં જોડાયલા. સન ૧૯૧૨ માં એમના પિતા ઈચ્છારામનું મૃત્યુ થતાં તેઓ તંત્રી પદે આવ્યા; અને ૧૯૨૯ ની આખર સુધી અનેક મુશ્કેલીઓ વહોરીને તેને ટકાવી રાખ્યું, પણ આખરે જ્યારે નાણાં સ્થિતિને પહોંચી વળાયું નહિ ત્યારે તેને લિક્વિડેશનમાં મોકલવું પડ્યું. છતાં એ નિરાશામય છાયામાં આશાનું એક ઉજ્જ્વળ કિરણ એ જણાશે કે ફરી પાછું એ પત્ર એ જ કુટુંબમાં, એમના નાના ભાઈઓ પાસે ગયું છે. પત્રકારિત્વના સંસ્કાર એમને એમના પિતા પાસેથી વારસામાં ઉતરેલા અને તેમના સમાગમમાં અને એ જ ધંધામાં પડવાથી તે ખૂબ વિકસેલા અને ખીલેલા. પત્રકારિત્વના ધંધા વિષેનું એમનું જ્ઞાન, જેમ ઝીણું તેમ ઉંડું છે અને એની દરેક શાખામાં પોતાને જાત અનુભવ છે, એવી પ્રતીતિ બીજી પત્રકાર પરિષદ વખતે પ્રમુખસ્થાનેથી આપેલું એમનું વ્યાખ્યાન વાંચતાં જરૂર થશે. ખાસ કરીને, ગુજરાતી છાપખાનાંઓને બીબાંની-શિસ્કાક્ષરની જે અડચણ પડે છે,–તે દૂર કરવાને એમણે ટાઈપ ફૉઉન્ડરી પણ સ્થાપેલી અને બોમ્બે લેટર ફૉઉન્ડરીનું મોલ્ડ-ફૉઉન્ટ ઘાટીલું અને સુંદર તેમ ટકાઉ અને મજબુત છે, એ તે શિસ્કાક્ષરો વાપરનાર સૌ કોઇ સ્વીકારશે. સ્વ. પ્રોફેસર ત્રિ. ક. ગજ્જરની પાસેથી ટાઈપની ધાતુમાં ત્રાંબાનું મિશ્રણ કેમ કરવું તે શીખીને તે પ્રમાણે ટાઇપ બનાવવાનું એમના પિતાની ગુજરાતી ટાઇપ ફાઉંડરીમાં ચાલુ કરેલું. વળી અમેરિકન પોઇન્ટ પદ્ધતિપર ટાઇપ ઢાળવાનું એ ફાઉંડરીમાં ચાલુ કરાવનાર પણ એઓ જ છે. એઓ પત્રકારના ધંધામાં જ મસ્ત રહેતા અને તે ધંધાને કેમ ખીલવવો અને વધારવો, એનુંજ હમેશ ચિંતન કરતા. “ગુજરાતી” પત્ર પોતાના હસ્તક ભાગમાં આવ્યા પછી તેનું કાર્યક્ષેત્ર અને લાગવગ વધારવાને તેમને તીવ્ર ઉત્કંઠા હતી; તે ખાતર ભારે સાહસ ખેડેલું પણ નસીબે તેમાં તેમને યારી ન આપી તેથી આખું કાર્યાલય અસ્તવ્યસ્ત થઇ ગયું, એ ગુજરાતી પત્રકારિત્વના ધંધામાં એક શોચનીય બનાવ છે. ચાલુ ધંધામાં પ્રવૃત્ત રહેવા છતાં, તેમણે વખત મેળવીને કેટલાંક ગ્રંથોનાં અનુવાદ મુખ્યત્વે સંસ્કૃતમાંથી કર્યો છે; અને તેમાં એમની સંસ્કારી કલમ નજરે પડે છે.

: :એમના ગ્રંથો. : :

૧ કન્ફયુશ્યસની શિખામણ
૨ ચુમ્બન મીમાંસા
૩ ગીતા-મૂળ ભાષાંતર
૪ વિષ્ણુ સહસ્રનામ
૫ ગજેન્દ્ર મોક્ષ
૬ અનુગીતા
૭ મનુસ્મૃતિ
૮ ભતૃહરિ શતક નીતિ અને વૈરાગ્ય
૯ મહાભારત–૩જો ભાગ–૨૨૪મા અધ્યાયથી અંત સુધી.
૧૪ વૈષ્ણવ પર્વ (મહાભારત–કુમ્ભાકોનમની આવૃત્તિ)
૧૧ હરિવંશ (રા. અંબાલાલ જાની સાથે)
૧૨ અરેબિયન નાઇટ્‌સ (નવી આવૃત્તિ)
૧૩ વૈરાગ્ય શતકપટ (ગુજરાતીમાં ટીકા)
૧૪ કામસૂત્ર* (અપ્રકટ)
૧૫ કામન્દક નીતિસાર (શાસ્ત્રી પ્રાણજીવન સાથે)

૧૯૩૦ના માર્ચથી ‘વીસમી સદી’ના તંત્રી તરીકે કાર્ય શરૂ કરેલું છે અને તેનો ફેલાવો ૮૬૦૦ નકલ સુધી પહોંચ્યો છે. * અપ્રકટ