ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રા. સા. મગનલાલ દલપતરામ ખખ્ખર

રાવસાહેબ મગનલાલ દલપતરામ ખખ્ખર, જે. પી.

એઓ જ્ઞાતે બ્રહ્મક્ષત્રિય; મૂળ વતની પુના પાસે જુન્નરના પણ પાછળથી પોર્ટુગીઝ તાબે દમણના અને હાલ લાંબા સમયથી તેમનો વસવાટ મુંબાઇમાં છે. એમનો જન્મ તા. ૧૧ મી નવેમ્બર ૧૮૭૦ ના રોજ રાજકોટમાં થયો હતો, એમના પિતાનું નામ રાવસાહેબ દલપતરામ પ્રાણજીવનભાઈ ખખ્ખર, અને માતાનું નામ દેવકોરબાઈ હતું, જેઓ ભાવનગરના બ્રહ્મક્ષત્રિય મેઘજી જાદવજીના પુત્રી થાય. એમનાં ત્રણ લગ્ન થયાં છે. પ્રથમ વારના લગ્ન સન ૧૮૮૭માં મુંબાઈના પ્રેસિડેંસી મેજીસ્ટ્રેટ વકીલ શિવશંકર ગોવિન્દરામની પુત્રી સ્વ. મહાલક્ષ્મી વેરે; બીજી વારના સન ૧૯૦૫ માં સ્વ. મણિગૌરી સાથે, અને ત્રીજું લગ્ન તા. ૨૦ મી મે ૧૯૨૦ માં સુરતમાં દોલતરામ ધેલાભાઈ પેટીગરાની પુત્રી સૌ. મહાગૌરી સાથે થયું હતું. દ્વિતીય લગ્નથી તેમને એક પુત્ર છે, તેનું નામ ડૉ. હસમુખ M. B. P. I. (Bolt) M. S. D. (NY), F. R. S. A. (Lond) છે. તેમના હમણાં જ લગ્ન થયા છે. એમના કુટુંબના ઈતિહાસ પરથી જણાય છે કે આડત્રીસમી પેઢીએ “ખખ્ખર" નામનો મૂળ પુરુષ ધનાઢ્ય થઈ ગયો, તે પરથી કુળનું નામ ખખ્ખર પડ્યું છે. આશરે બસેં વર્ષ પૂર્વે પુના પાસે જુન્નરમાં એ કુટુંબનો વસવાટ હતો. તે પછી એ કુટુંબ ફરતું ફરતું કેલ્હાપુર, ગોડબંદર, અને દીવમાં આવી વસ્યું; અને છેલ્લે દમણમાં ઠામ પડ્યું. અહિંથી તે દલપતરામના સમયમાં મુંબાઈમાં આવી રહ્યું; અને દમણ સાથે હવે કશે સંબંધ રહ્યો નથી. રાવસાહેબ દલપતરામે એક શિક્ષક તરીકે ગુજરાત, કાઠિયાવાડ કચ્છમાં સારી નામના મેળવી હતી, અને એક લેખક તરીકે પણ તેમનું નામ જાણીતું હતું. એમનું ‘અભિજ્ઞાન શાકુંતલ’ અદ્યાપિ એક ઉત્તમ પુસ્તક લેખાય છે; તેઓ કચ્છના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા, અને કચ્છના પ્રાચીન ઈતિહાસ અને ભૂગોળ વિષે એમના લેખો, પુસ્તકો શોધખોળપૂર્ણ, વિસ્તૃત માહિતીવાળા તેમ એન્ટીક્વેરીઅનને વિશ્વસનિય જણાયાં છે. તેમનું કચ્છની આર્ક્યાલૉજીનું દળદાર અંગ્રેજી પુસ્તક અંગ્રેજ સરકારે સ્વખર્ચે પ્રકટ કર્યું છે. (વધુ માહિતી માટે જુઓ એમનું જીવનચરિત્ર તીર્થયાત્રા વર્ણન–કર્તા, રા. સા. મગનલાલ દલપતરામ ખખ્ખર, પૃ. ૨૬૨) પિતા પાસેથી પુત્ર મગનલાલ કેળવણીના ઉત્તમ સંરકાર પામેલા. હાઈસ્કુલમાં અભ્યાસ સારો, અને તે બદલ સ્કોલરશીપ પણ મળેલી; અને સન ૧૮૮૮ માં કાઠિયાવાડમાંથી પ્રથમ નંબરે મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. તે પછી કૉલેજનો અભ્યાસ કરેલો; કાયદાની પરીક્ષા પાસ કરેલી; સરકાર તરફથી તે વખતે લેવાતી એકાઉન્ટન્સીની પરીક્ષામાં ઉંચે નંબરે ઉત્તીર્ણ થયા હતા. પણ પિતાની ભયંકર માંદગીના સબબે અભ્યાસ છોડવો પડેલો. પછીથી કૉટન પ્રેસની નોકરીમાં જોડાયલા, સારી આબરૂ મેળવેલી; તેમ પૈસેટકે આબાદ થયેલા; અને બીજી ઘણી કંપનીઓના ડિરેક્ટર અને અન્ય મંડળોના સભ્ય તેઓ નિમાયેલા ભાદરણમાં તેમના નામનું બાલ પુસ્તકાલય છે. તેઓ મુંબાઇની મ્યુનિસિપાલેટીના કૉરપોરેટર હતા, તથા ઓન. પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ છે. આટઆટલું ધંધામાં અને સાર્વજનિક કાર્યમાં રોકાણ હોવા છતાં, તેઓ સાહિત્યમાં સતત રસ લેતા, અને પ્રસંગ મળે કોઈને કોઈ લેખ, વાર્તા કે પુસ્તક લખતા, જે વાચકવર્ગમાં હોંશથી વંચાતાં. એમની ‘પાનદે જેઠી’ નામની ઐતિહાસિક વાર્તા ચાલુ વર્ષમાં ‘બુદ્ધિપ્રકાશ’ માં છપાઈ હતી, તે પરથી વાચક એમની અન્ય ઐતિહાસિક વાર્તાઓનો ક્યાસ કરશે; અને તે સંખ્યામાં થોડી નથી. તે આખો સંગ્રહ પુસ્તકરૂપે છપાવવા જેવો છે. એમણે હમણાં ‘કોટડીનો ભાણ’ નામનું એક પુસ્તક પ્રકટ કર્યું છે. મુંબાઈના એક સખી ગૃહસ્થ શેઠ ભાણજી દામજી, જેઓ રંકમાંથી કેવી રીતે ધનાઢ્ય થયા, તેનું ચરિત્ર લખ્યું છે; તેમ એમણે ‘તીર્થયાત્રા’ કરેલી તેનું વર્ણન પણ માર્ગદર્શક થઈ, રસિક જણાશે. ‘જગડુચરિત્ર’ એ એક પ્રાચીન પુસ્તકનો અનુવાદ છે; અને ‘સુંદર સોદાગર’ નું પુસ્તક પ્રકટ કર્યું છે તે શેઠ સુંદરજી શિવજીએ અંગ્રેજ સરકારને ટીપુ સુલતાન સાથેની લડાઈમાં મદદ કરેલી તેના બદલામાં સરકાર તરફથી મેહમદાવાદ પાસે ઉત્તરસંડા ગામ ઈનામમાં મળેલું. કાઠિયાવાડના ઘણાં રાજ્યોનો તેમને ત્યાં ઇજારો હતો, અને તેમની ખંડણીઓ પણ તેમણેજ મુકરર કરી આપેલી. તેઓ જુનાગઢ, પોરબંદર ઇત્યાદિ સ્ટેટોના દિવાનપદે હતા. એ શેઠનું ચરિત્ર પણ એવું ઐતિહાસિક હોઇ કાઠિઆવાડમાં રેફરન્સ માટે ઘણું ઉપયોગી અને આકર્ષક થઈ પડે છે.

: : એમની કૃતિઓ : :

જગડુ ચરિત્ર સન ૧૮૯૬
સુંદર સેદાગર  ”  ૧૯૦૮
તીર્થયાત્રા વર્ણન  ”  ૧૯૨૧
કોટડીનો ભાણ  ”  ૧૯૩૦